મુનમુન
ધબકતા હૈયાની વાત
“તારા જ કારણે થયુ છે આ બધુ”
વિવાનના પપ્પાએ મને ધક્કો મારતા કહ્યું. હું નીચે જમીનમાં મારી બંને આંખો નમાવીને જોઈ રહયો હતો. મારામાં તાકાત જ નહોતી કે હું તેમની સામે જોઈને એક શબ્દ પણ બોલી શકુ. એમણે મારા શટઁનો કોલર પકડતા કહ્યું.
“મારે તારા પર ભરોસો નહોતો કરવા જેવો..... ”
મારી આંખો હજુ પણ નીચે જમીન પર જ હતી. મારે શુ બોલવું એનું મને ભાન નહોતું. અચાનક જ મારી જિંદગી બદલાઈ ગયી હતી. વિવાનને અમે ગુમાવી ચુક્યાં હતા. મારે ઘણું બધુ કહેવું હતું પણ મારા પાસે શબ્દો નહોતા. મેં મારા પગની બંને આંગળીઓ સામે જોયુ અને હિંમત કરીને તરત અંકલની આંખોમાં જોઈને કહ્યું.
“અંકલ બધી ભુલ મારી છે. મારે વિવાનને મારા સાથે નહોતો લઈ જવાનો”
અંકલની આંખો મને ધારી-ધારીને જોઈ રહી. તેમણે થોડીવાર વિચાર કરીને નીચે જોયુ અને તરત મારા સામે જોયુ ને કહ્યું.
“તે તો ના જ પાડી હતી પણ એને જ સાલાને જવું હતું ને તારા સાથે”
વિવાનનો દરવાજાની વચમાં પડેલો હાર ચડાવેલા ફોટોગ્રાફ્સ સામે જોઈને કહ્યું. મારી આંખો હજુપણ વિવાનના ફોટોગ્રાફ્સ સામે જોતી નહોતી. મેં મારો નાનપણનો દોસ્ત ગુમાવ્યો હતો. અમે અમારો વિવાન ગુમાવ્યો હતો. વિવાન અને હું નાનપણના દોસ્ત હતા. સ્કુલથી લઈ કોલેજ સુધી સાથે ભણ્યા હતા. અમે એકબીજાનો પડછાયો હતા. કોલકતાથી આવેલો બેનર્જી પરિવાર અમારા માટે પોતાનો બની ગયો હતો. અમે મુંબઈની એક ચાલીમાં રહેતા હતા. ઊપરા-ઊપરી બનેલા ફ્લેટ જેવી ચાલી અમારી જિદગી બની ગયેલી. બેનર્જી પરિવાર અમારા ઊપરના ફ્લોર પર રહેતો. બેનર્જી પરિવારમાં અરૂણ બેનર્જી અને તેમના બે સંતાન હતા. અરૂણ બેનર્જીની વાઈફ તેમની નાની દીકરીના જન્મ વખતે જ અવસાન પામેલી. અરૂણ બેનર્જીને અહી જોબના કારણસર આવવાનું થયુ હતું,પણ એમની જોબ અને એ બંને હમેંશ માટે અહીના થઈ ગયા.
અરૂણ બેનર્જી !
અરૂણ બેનર્જી સ્વભાવે કડક પણ આમ ઊદાર માણસ ! સવારે વહેલા સાત વાગે પોતાનું સ્કુટર ઊપાડે તે છેક રાતે સાત વાગે ઘરે આવે..... પોતાના બંગાળી કોટ અને ધોતીમાં બહાર આવે તો જાણે લાગે કે હમણાં જ બક્ષીબાબુની જેમ કેસ સોલ્વ કરી નાંખશે. બંગાળી કરતા મને એ ગુજરાતી વધારે લાગતા કેમકે ગુજરાતી લોકોની ચાલીમાં રહીને એ પણ ગુજરાતી બોલતા થઈ ગયા હતા. આપણા કરતા સારી અને મીઠી ગુજરાતી બોલતા અરૂણ બેનર્જી ! તેમનાથી ચાલીમાં સૌ કોઈ ડરતા હતા. બેનર્જીના સ્કુટરની હવા કાઢવી એ તો હવે ચાલીના છોકરાઓની આદત થઈ ગયી હતી. બેનર્જીના પરિવારમાં તેમનો મોટો દીકરો વિવાન અને તેમની નાની દીકરી મુનમુનનો સમાવેશ થતો.
વિવાન !
મારો દોસ્ત... મારો જીગરી યાર... મારો લંગોટીયો દોસ્તાર! હમેશા ખુશ રહેતો અને બધાને પોતાના પૈસૈ લહેર કરાવતો માણસ.....! વિવાન અને મારી દોસ્તી ત્યારે થઈ જયારે અમારી ચાલીના છોકરાઓ બેનર્જી અંકલના સ્કુટરની હવા કાઢતા હતા અને ત્યારે વિવાન એમની સામે ઝગડી પડેલો અને મારા-મારી પર આવી ગયેલો.
હું મારા ઘરની બાલ્કનીમાંથી આ જોઈ રહ્યો હતો. સામે ઊભેલા દસ પહેલવાન જેવા છોકરાઓ સામે વિવાન સાવ સુકલકડી જેવો લાગતો હતો. તેનામાં જોશ અને ગુસ્સો બંને નજરે પડતા હતા. તેના હવામાં ઊડતા વાળ અને આંખોમાં દેખાતો ગુસ્સો કોઇપણ માણસને ડરાવા માટે કાફી હતો,પણ સામે તો પહેલવાન જેવા દસ છોકરાઓ ઊભેલા હતા.
“તમારા બાપનું સ્કુટર છે તે હવા કાઢો છો સાલાઓ..... ” વિવાને પોતાના બંગાળી લહેકામાં સામે ઊભેલા છોકરાઓને ગુજરાતી ભાષામાં ગાળ બોલી. હું મારી બાલ્કનીમાંથી દુરથી વિવાનને જોઈ રહ્યો. પહેલવાનની ટોળીમાથી એક છોકરો વિવાન પાસે આવ્યો અને આંખમાં આંખ નાખીને બોલ્યો,
“બહુ ટણી છે તારામાં બંગાળી બાબુ થોડી ઊતારવી પડશે એવું લાગે છે.... શુ કહેવું દોસ્તો ??”
એકસાથે બધા છોકરાઓ હા બોલ્યા અને ત્યાં તો પેલા પહેલવાન જેવા લાગતા છોકરાએ વિવાનના આંખની નીચે કશીને મુક્કો માયોઁ. વિવાન પોતાના હોંશ ગુમાવીને મુક્કાને સહન કરતા કરતા નીચે જમીન પર પડ્યો. વિવાનની આંખ નીચેથી લોહી વહેવા લાગ્યું. બધા ચાલીના છોકરાઓ વિવાનની સામે જોઈને હસવા લાગ્યા અને એકબીજાને તાલીઓ આપવા લાગ્યા. હું બાલ્કનીમાંથી ઊભો-ઊભો બધો તમાશો જોઈ રહ્યો હતો. વિવાનની આંખ ફર-ફર થવા લાગી હતી મુક્કાના લીધે. તેના મોંઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. વિવાનના પોતાના બંને હાથ જમીનના ટેકા સાથે ઊભા થવા તત્પર હતા. વિવાન પોતાના લોહી ભરેલા ચહેરા સાથે ઊભો થયો અને પેલા છોકરાએ ફરીવાર વિવાનના આંખની નીચે મુક્કો માયોઁ. આ વખતે વિવાનના ઊભા થવાના કોઈ હોશ નહોતા. વિવાન જમીન પર પટકાયો અને બધા ચાલીના છોકરા પાછા હસવા લાગ્યા. વિવાનની આંખ નીચેથી લોહી વધારે ને વધારે વહેવા લાગ્યું હતું. ચાલીના છોકરાઓ પોતાની જીતની ખુશી મનાવી રહ્યા હતા અને ત્યાં પેલો પહેલવાન જેવો લાગતો છોકરો બોલ્યો,
“આજે આ બંગાળી બાબુ મારા પેશાબનો પસાદ પામશે”
અને પેલા છોકરાએ પોતાના પેંન્ટની ચેન ખોલી. મારા રુંવાટા ઊભા થઈ ગયા. ગુસ્સો મારા માથા પર ચડી ગયો. મેં સીધી મારા ઘરની બાલ્કનીમાંથી નીચે જોયુ,નીચે હસમુખભાઈ ધીરે-ધીરે ચાની ચુસકીઓ લઈ રહ્યા હતા. મેં વિચાર કર્યો કે જો મારા ઘરના દરવાજેથી સીડીઓ ઊતરીને જઈશ તો વધારે ટાઈમ જશે અને જો હું મારા ઘરની બાલ્કનીમાંથી સીધો હસમુખભાઈની બાલ્કનીમાંથી પાઈપ ઊતરીને જઈશ તો જલદી પહોચી જઈશ. મેં નીચે જોયુ અને મારી આંખો બંદ કરી બીજીક્ષણે મેં મારી આંખો ખોલી અને સીધો હસમુખભાઈની બાલ્કનીમાં કુદ્યો. મારા કૂદતાની સાથે જ મારો પગ ચાની ચુસકી લેતા હસમુખભાઇના કપ પર પડ્યો અને બધી ચા હસમુખભાઈના મોંઢા પર....
“અલ્યા આખી ચાની પથારી ફેરવી નાખી હાહરા.... ”હસમુખભાઈએ પોતાની મહેસાણી બોલીમાં મને ગાળ ચોપડાવી. હસમુખભાઈની ગાળ મારા કાનના બાજુમાંથી નીકળી ગયી. મેં પાઈપ પકડી અને સીધો ઘસડાઈને નીચે ઊતરી ગયો. હું દોડતો-દોડતો પેલા છોકરાઓ પાસે પહોચ્યો પણ ત્યાં મારા પગ થંભી ગયા.... મારા સામે કાળા વાદળો છવાઈ ગયા....... મારા પેટમાં એક અલગ ગુંચ પડવા લાગી...... ધબકારાઓએ તેજી પકડી લીધી.... ને હું ત્યાં જ બેસી ગયો.... અને મારા સામે જ વિવાન પર પેલા છોકરાએ પેશાબ કરી દીધી…
***
“તું ડરપોક નથી” પાછળથી મને વિવાનનો અવાજ સભળાયો. મેં પાછળ ફરીને જોયુ.
“મેં તને જોયો હતો બાલ્કનીમાંથી ઊતરતા અને મને બચાવવા આવતા” એણે મારી પાસે બેસતા કહ્યું. સાંજ ઢળવાની તયારીમાં હતી અને હું ચાલીની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં એકલો બેઠો હતો.
“મને એ વખતે શુ થઈ ગયું મને જ ખબર ના પડી... મારા પગ થંભી ગયા અને હું આગળ જ ના વધી શકયો. ”મેં તેના સામે જોતા કહ્યું.
“હા જવા દે એ બધુ ભુલી જા મારું નામ વિવાન છે. ”વિવાને મારી બાજુમાં આવીને બેસતા કહ્યું.
“હા વિવાન બેનર્જી ઓળખુ છુ.... મારું નામ સની છે. ”મેં વિવાન તરફ જોતા કહ્યું.
વિવાનને મારા તરફ પોતાનો હાથ લંબાવ્યો મિલાવવા માટે અને મેં પણ મારો હાથ એના હાથમાં આપ્યો... તેનો હાથ મારા હાથમાં આવતા મને લાગ્યું કે એના હાથ કેટલા મુલાયમ છે આપણા કરતા......
“મને લાગ્યું કે તું મને બચાવી લઈશ.... ”વિવાને મારા સામે જોતા કહ્યું.
“મને પણ લાગ્યું કે હું તને બચાવી લઈશ સોરી વિવાન હું તને બચાવી ના શકયો”મેં ઊદાસ થતા જવાબ આપ્યો.
“અરે ઊદાસ થવાની જરૂર નથી જે થવાનું હતું તે થઈ ગયું હવે બધુ ભુલી જા”વિવાને મારા હાથમાં એનો હાથ મુકતા કહ્યું ને અમારા વચ્ચે વાતો થતી ગયી અમે એકબીજાને મળતા ગયા અને દોસ્ત બનતા ગયા. સ્કુલથી લઈ કોલેજ સુધી સાથે ભણ્યા ને ખુબ જલસા કર્યા....
***
“મેં તો ના પાડી હતી બેનર્જી અંકલ પણ વિવાન જ આવવાની જીદ કરે છે. ”મેં નીચુ જોતા કહ્યું. અમે વિવાનના ઘરે હતા. હું સિડની જવાનો હતો એટલે વિવાને પણ જીદ પકડી હતી કે એ પણ મારા સાથે સિડની આવશે.
“અરે બહારના દેશમાં શુ છે અહી કમાવોને.... ”બેનર્જી અંકલએ ચાની ચુસકી લેતા કહ્યું.
“પપ્પા ત્યાં પૈસા છે બહુ બધા... અમે અહી જેટલા પાંચ વષઁમાં કમાઈશુ એટલા અમે ત્યાં એક વષઁમાં કમાઈ લઈશુ..... ”વિવાને બેનર્જી અંકલને સમજાવતા કહ્યું.
“વિવાન હું તારા પર છોડુ છુ બધુ પછી કાલે ઊઠીને એમ ના કહેતો કે મારા પપ્પાએ મને આમ કરવા ના દીધુ ને તેમ કરવા ના દીધું. તું જ્યાં જાય છે ત્યાં તારી મરજીથી જાય છે. મારી તો ઊંમર થઈ હવે તારે જ બધુ સાચવવાનું છે. તને ખબર છે ને કે આપણે હજુ તારા બેનના લગ્ન પણ કરાવવાના છે... ?”બેનર્જી અંકલે વિવાને સમજાવતા કહ્યું.
વિવાને બેનર્જી અંકલનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું,
“પપ્પા તમે ચિંતા ના કરશો અમે ત્યાંથી કમાઈને અહી આવીને સારો ધંધો કરીશુ બધુ જ સેટલ થઈ જશે. મુનમુનના લગ્ન થઈ પણ જશે. મુનમુનના લગ્ન માટે તમારા માટે તો હું સિડની જવા માગું છુ. ”
ને હું ને વિવાન બંને ઊપડ્યા સિડની....
***
સિડની !
અમારી લાઈફ સેટ થઈ ગયી હતી. પાછલા બે વષઁથી હું ને વિવાન સિડનીમાં રહેતા હતા અને ખુબ બધુ કમાઈ લેતા હતા. અમારા સપના અમારી લાઈફ બધુ જ અહીં મસ્ત હતું. બંને સાથે કામ કરતા અને રાત પડે લાઈફને ઇન્જોય કરતા, પણ એકદિવસ હું સ્ટોરના ટોયલેટમાં હતો ને મને બહાર બુમો પાડવાના અવાજ સંભળાયા. મેં ફટા-ફટ મારા પેન્ટની ચેન વાખી અને બહાર જોવા ગયો તો ચાર ગુંડા જેવા લાગતા માણસો વિવાનની સામે ગન લઈને ઊભા હતા અને વિવાન પાસે પૈસા માંગતા હતા.
“હે મેન ગી વ મી મની આઈ ટેલ યુ ગીવ મી મની. ”પેલા ગુંડા જેવા લાગતા માણસે વિવાનને ગન બતાવતા કહ્યું. તેના બીજા સાથીદારો સ્ટોરની અલગ-અલગ વસ્તુઓ પર નજર ફેરવી રહ્યા હતા અને જે મન ફાવે એ પોતાની બેગમા ભરી રહ્યા હતા.
“લાસ્ટ ટાઈમ આઈ ટેલ યુ મેન ગીવ મી ઓલ ધ મની અધરવાઈઝ આઈ શુટ યુ.... ”પેલા માણસે ફરીવાર વિવાનના સામે ગન તાકતા કહ્યું. વિવાન કોઇપણ સંજોગે પૈસા આપવા તેયાર નહોતો મને થઈ આવ્યું કે પ્લીઝ વિવાન આપી દે એમને બધા પૈસા આપણે ફરીવાર કમાઈ લઈશુ,પણ વિવાન પૈસા આપવા બિલકુલ તેયાર નહોતો. હવે મારે શુ કરવું ??? ત્યાં મને યાદ આવ્યું કે અમે અમારી સેફટી માટે અલગ-અલગ જગ્યાઓ પર સ્ટોરમાં ગન કે છરી કે એવું કંઈક છુપાવતા. મેં ટોયલેટના ઊપરના ભાગ પર સ્પશઁ કર્યો તો ત્યાં એક ગન હતી મેં તરત જ ગન મારા હાથમાં લીધી અને બહાર જવા નીકળ્યો પણ ત્યાં મારા પગ થંભી ગયા.... મારા પેટમાં એક અલગ ગુંચ પડવા લાગી.... મારા ધબકારાએ તેજી પકડી લીધી.... મારા ગન પકડેલા હાથ પરસેવે રેબઝેબ થવા લાગ્યા..... ને હું ત્યાં ફરીવાર નીચે બેસી ગયો... ને મારા સામે જ મારા દોસ્ત વિવાન પર પેલા માણસે ગોળી ચલાવી દીધી ને હું બેહોશી ની હાલતમાં ત્યાં બધુ જોતો રહ્યો....
***
“તારા જ કારણે થયુ છે આ બધુ” ફરીવાર મારા કાને બેનર્જી અંકલના આ શબ્દો પડ્યા.
“હવે તારે મારા પર એક અહેસાન કરવું પડશે... તુ મારા દીકરાને તો ના બચાવી શકયો અને મેં મારો દીકરો ગુમાવ્યો પણ હવે હું મારી દીકરી ગુમાવવા નથી માંગતો. સની તારે મારી દીકરી મુનમુન સાથે લગ્ન કરવા પડશે... ”બેનર્જી અંકલે મારી આંખમાં-આંખ નાંખીને કહ્યું ને મારી આંખો ખુલી ને ખુલી રહી ગયી. હું બેનર્જી અંકલના પાછળ છુપાઈને ઊભેલી મુનમુનના સામે જોઈ રહ્યો.
મુનમુન !
મુનમુન એટલે નાની-નાની મોતી જેવી આંખો,સિલ્કી કાળા ભમ્મર વાળ,તેજસ્વી કપાળ અને કદી ના વિચાયો હોય એવો ચહેરો ! બેનર્જી અંકલની નાની દીકરી એટલે મુનમુન. પોતાની માં તેના જન્મ વખતે જ મુત્યુ પામેલી. બાપના સહારે મોટી થયેલી અને એકના એક ભાઈની લાડકવાયી બહેન. વિવાન અને મુનમુન જાણે એકબીજાના સાત જન્મોના ભાઈ બહેન હોય એ રીતે રહેતા. એમનો આ સંબધ જોઇને લોકો પોતાના મોમાં આંગળી નાંખી જતા. વિવાન અને મુનમુન વચ્ચે બે વષઁનો જ ફર્ક હતો. વિવાન મુનમુનથી બે વષઁ મોટો હતો. વિવાન મુનમુન માટે કંઈપણ કરી શકતો,જયારે અડધી રાતે મુનમુનને ગુલ્ફી ખાવાનું મન થાય તો વિવાન અને હું અબ્દુલચાચાની દુકાન ખોલાવીને ગુલ્ફી લઈ આવતા. મુનમુન સામે જો કોઈ છોકરો આંખ ઊંચી કરીને જુવે તો પણ વિવાનનું ખુન ખોલી ઊઠતુ ને આજે મારા સામે કઠીન ધડી આવીને ઊભી હતી. મુનમુનને મેં કદી એ નજરે જોઈ જ નહોતી. હું વિવાનના ઘરે જતો તોપણ કદી મુનમુન સામે જોતો નહી કે એના સાથે વાત કરતો નહી. હવે મારે શુ કરવું મને કંઈ ખબર પડતી નહોતી.....
“પણ અંકલ હું કેવી રીતે લગ્ન કરી શકુ.... ??” મેં જવાબ આપતા કહ્યું.
“કેમ ના કરી શકે... તું વિવાનને તારા સામે મરતો જોઈ શકે તો લગ્ન કેમ ના કરી શકે.... ”
બેનર્જી અંકલની વાત મને ખુંપી ગયી. હું આગળ કંઈ ના બોલી શકયો. મુનમુન હજુપણ પોતાના ભાઇના ગમમાં પોતાના પપ્પા પાછળ છુપાયેલી હતી. મને થયુ કે હું વિવાનને બચાવી શકયો હોત,પણ હું ના બચાવી શકયો.... હું વિવાનને પેલા પેશાબવાળા સમયે પણ બચાવી શકયો હોત પણ હું ના બચાવી શકયો.... હું ડરપોક છુ.... હા હું ડરપોક છુ.... હા હા સની તું ડરપોક છે.... ડરપોક..... ડરપોક..... ડરપોક.... મારા આગળ પાછળ ડરપોકના અવાજ સંભળાવા લાગ્યા.... હું ફરી બેહોશ થવા લાગ્યો.....
***
સિડની !
“તમે અહી શાંતીથી આરામ કરી શકો છો.... ”મે મુનમુનને સોફામાં બેસવા કહ્યું. એણે કંઈ જવાબ આપ્યો નહી. મુનમુન મારા સામે જોતી પણ નહોતી. તેની નજર બીજે ક્યાંક બહાર જ હતી અને જાણે હું એની આસપાસ હોવું જ નહી એવું એણે જતાવ્યું. મેં કિચનમાં જઈને ફીજમાંથી જ્યુસ કાઢીને બે ગ્લાસમાં લઈને બહાર આવ્યો. મેં મુનમુનની સામે જ્યુસનો ગ્લાસ મુક્યો છતા એણે મારા કે જ્યુસ સામે સુધ્ધા જોયું પણ નહી. હું મારા રૂમમાં જતો રહ્યો. આજે અમારા લગ્નને બાર દિવસ થયા. બેનર્જી અંકલ અને મારા પરિવારની સાક્ષીમાં અમે બંનેએ રામજી મંદિરના ચોકમાં લગ્ન કરી લીધા. લગ્ન વખતે પણ મુનમુને મારા સામે જોયું નહોતું. મને એવું લાગતું હતું કે મે વિવાનને મારા સામે ગુમાવી પાપ તો કર્યું જે છે,પણ એનાથી મોટું પાપ હું મુનમુન સાથે લગ્ન કરીને કરી રહ્યો છુ. મુનમુન મને એક અપરાધી ગણે છે,કેમકે ત્યાં હોવા છતા હું વિવાનને બચાવી ના શકયો. મારી પણ ભુલ હતી. હું ડરપોક હતો અરે હતો શુ હું છુ જ ! જો હું વિવાનને ના બચાવી શકયો તો હું મુનમુનને ક્યાં સાચવી શકવાનો છુ. રાત મારા વિચારોને ઘેરી વળી ને હું મારા રૂમમાં જ વિચારો સાથે સુઈ ગયો…
***
આજે અમને સિડની આવે તેવીસ દિવસ થઈ ગયા પણ અમારા બંનેમાંથી કોઈએ એકબીજાની સાથે વાત કરી નથી. રોજનો મારો નિત્યકમ સવારે વહેલા જાગીને નાહી-ધોઈને સ્ટોર પર જવાનું તે છેક રાતે પાછા આવવાનું ને આવીને સીધા પોતાના રૂમમાં જઇને સુઈ જવાનું..... અમારા બંનેના મૌન અમારી વાતચીત કરતા ! મુનમુનના હાથની રસોઈ મને પસંદ પડવા લાગી હતી બસ એ જ વાત અમારા બંનેમાં કોમન હતી કે એ સરસ રસોઈ બનાવતી અને હું ધરાઈને જમતો...
***
આજે બેતાલીસમો દિવસ અમારો સિડનીમાં... ! કોઈએ હજુ મૌન તોડ્યું નથી. એ જ નિત્યકમ ચાલે જાય છે. આજે હું સ્ટોર પર ગયો નથી કેમકે અહીનું વાતવરણ જરાક ખરબ છે. વરસાદ પડવાની તૈયારીમાં છે ને હું મારા રૂમની બાલકનીમાંથી બહાર ઝાંખી રહ્યો છુ,દુર-દુર સુધી ના ખતમ થતા આસમાનને...
વીજળી પડવાનો મને અવાજ સંભળાયો. વાદળોએ ગરજવાનું ચાલુ કરી દીધું. વરસાદ પડવા લાગ્યો ને વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું. મારા હાથ પગ થીજવા લાગ્યા. મેં મારા પાકીટમાંથી સિગારેટ કાઢી અને મારા મોમાં મુકી. સિગારેટનો ધુમાડો રૂમની ચારે તરફ ફેલાવા લાગ્યો,ત્યાં હું શુ જોવું છુ કે એક છોકરી સફેદ સાડીમાં વરસતા વરસાદમાં નાહી રહી હતી પોતાના બંને હાથ ઊંચા કરીને... ! હું તેને જોઈ રહ્યો... કેટલુ ઇન્જોય કરી રહી હતી એ.... તેનો ત્યાં વરસાદમાં પલળવાનો આનંદ મારા રૂમ સુધી આવી રહ્યો હતો... મને યાદ આવી ગયું કે જયારે હું અને વિવાન શરૂ-શરૂમાં સિડની આવેલા ત્યારે પહેલા વરસાદમાં આ જ રીતે નાહતા હતા અને ઇન્જોય કરતા હતા. બહુ મજાના દિવસો હતા એ. હું હજુપણ વરસાદમાં મન મુકીને નહાતી એ છોકરીની સામે જોઈ રહ્યો હતો. તે છોકરી પાછળ ફરે છે અને હું જોવું છુ કે એ બીજું કોઈ નહી પણ મુનમુન હતી. હું તેની સામે બે ધડી તો જોઈ જ રહ્યો. વરસાદમાં અને એ પણ સફેદ સાડીમાં ભિંજાતી મુનમુન એકદમ માસુમ લાગવા લાગી મને ! હું મારા રૂમમાંથી ધીરે-ધીરે સીડીઓ ઊતરીને નીચે બગીચામાં ગયો કે જ્યાં મુનમુન વરસાદનો આંનદ માણી રહી હતી. મારા હાથમાં રહેલી સિગારેટનો નશો મુનમુનના નશામાં લીન થવા લાગ્યો હતો. હું મુનમુનની પાછળ જઇને ઊભો રહ્યો. મારે મુનમુનને ઘણુંબધુ કહેવું હતું. મારે એને મારા ડર વિશે કહેવું હતું,મારે મારા સામે જે કાળા વાદળ આવી જાય છે એના વિશે કહેવું હતું,મારે મારા એકદમ ફાસ્ટ ધબકતા ધબકારાઓ વિશે કહેવું હતું,મારે મારા હાથમાં ગન હોવા છતા પણ મારી હિંમત ના ચાલી એના વિશે કહેવું હતું,મારે આજે બધુ જ મુનમુનને કહેવું હતું,મારે આજે અમારું મૌન તોડવું હતું....
હું એની નજીક ગયો અને કહ્યું,
“મુનમુન .... ”ને એ થંભી ગયી. તેનો પલળવાનો આનંદ એ જ પળમાં ખતમ થઈ ગયો. મુનમુને પાછળ ફરીને મારા સામે જોયું ને તેનું બે મિનીટ પહેલાનું હાસ્ય તેના ચહેરા પરથી ગાયબ થઈ ગયું. તે દોડીને અંદર જવા ભાગી ને ત્યાં મે તેનો પહેલીવાર હાથ પકડ્યો અને તેને ઊભી રાખી,હા..... પહેલીવાર મે મુનમુનના હાથને કે એના શરીરના કોઈ અંગને ટચ કર્યો. તેના કોમળ હાથ મારા રીઢા થઈ ગયેલા હાથ પર બિલકુલ શોભતા નહોતા. મે મુનમુનને કહ્યું,
“મુનમુન મને ખબર છે કે તું મને તારા ભાઈનો હત્યારો ગણે છે અને હા હું છુ જ તારા ભાઈનો હત્યારો કેમકે મારા સામે મારા દોસ્તને મરતા જોયો મે.... પણ હું કંઈ ના કરી શકયો. આજે મારે તને બધી વાત કરવી છે. ”ને મેં તેના હાથને ઢીલો મુક્યો. મુનમુન ત્યાંથી ખસી નહી ને મેં મારી વાત ચાલુ રાખી....
“જયારે તારા ભાઈ પર ચાલીના છોકરાઓ પેશાબ કરી રહ્યા હતા ત્યારે પણ હું ત્યાં જ હતો,છતા મારા ડરપોકપણાના લીધે હું વિવાનને બચાવી ના શકયો અને જયારે તારા ભાઈ સામે પેલા હાથમાં ગન લઈને ઊભેલા ભુરીયા હતા ત્યારે પણ મારા હાથમાં ગન હતી છતા હું ફરીથી મારા ડરપોકપણાના કારણે તારા ભાઈ અને મારા જીગરી દોસ્તને બચાવી ના શકયો... મને ખબર નથી પણ કેમ જયારે આવો સમય આવે છે ત્યારે મારા સામે કાળા વાદળો ઘેરાઈ જાય છે,મારા ધબકારા તેજ થઈ જાય છે,મારા પેટમાં એક અલગ ગુંચ પડવા લાગે છે,મારા પગ થંભી જાય છે.... કદાચ હું ડરપોક છુ એટલે જ આવું થતું હશે મારા સાથે... હું ફક્ત એટલુ જ કહેવા માગું છુ કે મુનમુન તુ ખુશ રહે.... તારા ભાઈને હું બચાવી શકયો હોત એનો મને અફસોસ છે,પણ હવે હું તને ગુમાવવા નથી માંગતો. હું તને અને અંકલને ખુશ જોવા માગું છુ.... ” આટલુ બોલીને હું ઊભો રહી ગયો આગળ શુ બોલવું એની મને ખબર જ ના પડી. મુનમુન હજુપણ ઘેરાઈ ગયેલા વાદળો સામે જ તાકી રહી હતી. મને લાગ્યું કે હવે મુનમુન કંઈ જ જવાબ નહી આપે એટલે હું મારા રૂમ તરફ જવા ઊપડ્યો ત્યાં મને એક મધુર અવાજ મારા કાને પડ્યો.....
“તમે મને ખુશ જ જોવા માગો છો ને ... ??” કાળા ઘેરાઈ ગયેલા વાદળો સામે જોતા મુનમુને મને કહ્યું. હું પાછળ ફર્યો. હું હજુ પણ તેના મધુર અવાજનો સુર સાંભળી રહ્યો હતો.
“હા.... ”મારા મોમાં માંથી જેમ તેમ કરીને શબ્દો નીકળ્યા.
“તો હું પણ કાલથી તમારા સાથે સ્ટોર પર આવીશ”મુનમુને મારા સામે જોતા કહ્યું.
“સ્ટોર પર ??” મેં ચમકતા કહ્યું.
“હા... કેમ નહી.... ”એણે ફરી મારી આંખોમાં જોઇને જવાબ આપ્યો ને મેં ફરી મારી નજર તેનાથી હટાવી લીધી.
“પણ.... ત્યાં જોખમ છે. તારા ભાઈ સાથે શુ થયુ તને ખબર છે ને..... ? હું તને ત્યાં ના લઈ જઈ શકુ..... ”મેં ગુસ્સે થતા કહ્યું.
“મને મરવાની બીક નથી”મુનમુને બેબાક બનીને જવાબ આપ્યો.
હું વિચારમાં પડી ગયો કે હવે મારે કરવું શુ ??મને લાગ્યું કે કદાચ મુનમુન ઘરે બોર થઈ જતી હશે એટલે તેને સ્ટોર પર આવવું હશે,જો એ સ્ટોર પર આવશે તો કદાચ અમારું મૌન પણ તુટી શકે..... ??મારા વિચારો મને ઘેરી વળ્યા કે હવે શુ કરવું ??
“ઓકે તમે આવી શકો છો સ્ટોર પર પણ મારે મારા સરને એકવાર ફોન કરીને ક્ન્ફ્મ કરવું પડશે” મેં મારા સરને ફોન લગાડ્યો અને તેમની સાથે વાત કરી,સામેથી સરની હા આવી.....
“તમે આવી શકો છો મારા સરે હા પાડી... ”મેં હા પાડતા મુનમુનને કહ્યું ને હું મારા રૂમ તરફ એક સિગારેટનો કશ લઈને ચાલ્યો.
“સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ”મુનમુનનો ફરી મને પાછળથી અવાજ સંભળાયો. મારા મોમાં રહેલી સિગારેટ જે ખતમ થવાની અણી પર હતી એ મેં નીચે ફેંકી ને મારા પગ નીચે ધસડી ને મે મુનમુનને કહ્યું.
“આજ પછી બંદ” ને હું ચાલ્યો. મુનમુન હજુપણ કાળા ઘેરાઈ ગયેલા વાદળો સામે જોઈ રહી હતી...…
***
આજે પુરા બે મહિના થઈ ગયા અમને સિડની આવ્યા ને ! હવે અમારું જીવન થોડુ બદલાયું હતું. હું ને મુનમુન હવે સાથે સવારે ઊઠીને સ્ટોર પર જતા,સાથે જમતા અને સાથે સ્ટોર પર કામ કરતા પણ ફક્ત અમારા વચ્ચે એક જ ચીજ બદલાઈ નહોતી અને એ અમારા બંને વચ્ચેનુ મૌન..... ! અમે કામ સિવાયની કોઈ વાતો નહોતા કરતા. દિવસમાં ગણીને અમારા વચ્ચે બે કે ચાર વાક્યોની આપ-લે થતી. મને બહુ મન થતુ કે મુનમુનને કહુ કે ચાલ આજે આપણે સાથે હોટલમાં જમવા જઈએ પણ આ વાત તેનો ચહેરો ને હાવભાવ જોઇને મારા દિલમાં જ રહી જતી. મુનમુનને હું ધીરે-ધીરે ચાહવા લાગ્યો હતો,ખબર નહી કેમ પણ હું તેના તરફ ખેંચાવા લાગ્યો હતો જયારે જયારે પણ મુનમુન ગુસ્સાના ભાવ સાથે મારા સામે જોતી તોપણ મને એમાં એનો પે્મ નજરે પડતો....
“સની..... સની.... સની.... ”મારા વિચારોની વચ્ચે મને મુનમુનનો આવાજ સંભળાયો. હું મારા વિચારોમાં લીન હતો.
“સની.... સની.... ”એણે ફરીવાર મને કહ્યું. હું તરત ચમકીને જાગી ગયો.
“હા.... ”
“જામનુ પેકેટ પાસ કર મને.... ”ને મેં જામનુ પેકેટ મુનમુનને પાસ કર્યું ને પાછો મારા વિચારોમાં લીન થઈ ગયો....
***
“ગીવ મી મની લેડી.... ગીવ મી મની..... અધરવાઈઝ આઈ શુટ યુ..... ”
હું ફરીથી ટોયલેટમાં હતો ને મને બહારથી અવાજ સંભળાયા. એ જ અવાજો ફરીથી મારા કાને પડ્યા જે વિવાન વખતે હતા. હું ને મુનમુન એકલા જ સ્ટોરમાં હતા. હું ટોયલેટ કરવા અંદર આવ્યો હતો.
“ગીવ મી મની.... ગીવ મી મની.... ”
ફરીથી મને પાછા એ જ અવાજો સંભળાયા. હું ટોયલેટના દરવાજાની નજીક ગયો ને જઇને ધીરેથી બહાર જોયું. બહાર બે યંગ છોકરાઓ પોતાના હાથમાં ગન લઈને મુનમુનની સામે ઊભા હતા. મુનમુન તેમની સામે વિવાનની જેમ જ પૈસા ના આપવાની જીદ પકડીને ઊભી હતી. મેં તરત ટોયલેટના ઊપરના ભાગે હાથ મુક્યો ને ગન મારા હાથમાં આવી ગયી. મેં ગન હાથમાં સરખી રીતે પકડી અને બહાર જોયું. મને થયુ કે મુનમુનને પૈસા આપી દેવા જોઈએ,પણ એ તો પૈસા ના આપવાના જ ઈરાદે ઊભી હતી.
“ગીવ મી મની.... લેડી ગીવ મી મની લાસ્ટ ટાઈમ આઈ ટેલ યુ...... અધરવાઈઝ આઈ શુટ યુ.... ”ફરીથી પેલા છોકરાએ મુનમુનને ગન બતાવતા કહ્યું ને મુનમુનના માથે ગન તાકી. હું બહાર નીકળવા ગયો પણ ત્યાં મારા સામે કાળા વાદળો છવાઈ ગયા,મારા ધબકારાઓએ તેજી પકડી લીધી,પેટમાં એક અલગ પકારની ગુંચ પડવા લાગી,મારે હવે શુ કરવું એનું મને ભાન જ ના રહ્યું અને હું ફરીવાર નીચે બેસી ગયો..... હા ફરીવાર હું નીચે બેસી ગયો....
“ઊઠ સની ઊઠ આજ સમય છે તારી ડરપોકતાને ભગાવવાનનો અને મુનમુનને બચાવવાનો..... જો આજે પણ તું મુનમુનને ના બચાવી શકયો તો તું જીવીશ કેવી રીતે ??કયા ભાવ સાથે કઈ લાગણી સાથે જીવીશ તું ?? હમેશા તને બે માણસોની જિંદગી ના બચાવ્યાનો અફસોસ રહી જશે. તારા હાથમાં હોવા છતા તું એમને બચાવી ના શકે તો તારા જેવા માનવી પર આ દુનિયા થુ-થુ કરશે. તારા જેવા માણસની આ દુનિયામાં જરૂર જ નથી સની. તું બેનર્જી અંકલને શુ જવાબ આપીશ ??? સની મુનમુન તારી પત્ની છે તું એની રક્ષા નહી કરે તો કોણ કરશે ??? ઊઠ સની ઊઠ.... . ”મારા અંદરમાં માણસે મને હલબલાવી નાંખ્યો. મને મારો અંદરનો માણસ ઊભા થવા અને મુનમુનને બચાવવા કહી રહ્યો હતો.
“તારા પાસે આજ જ સમય છે સની ઊભો થા અને બચાવ મુનમુનને.... ઊભો થા સની બચાવ મુનમુનને”
હું ઊભો થયો અને ટોયલેટનો દરવાજો ખોલ્યો ને બોલ્યો,
“મુનમુન નીચે બેસ..... ”ને મુનમુનને મારા સામે જોયું ને એ તરત નીચે બેસી ગયી. મેં મારા હાથમાં રહેલી ગન સામે જોયું મારા અંદર એક અલગ શકતી આવી ને મેં મુનમુન સામે ગન લઈને ઊભેલા છોકરા સામે ગોળી ચલાવી ને ગોળી સીધી જઇને એ છોકરાના કપાળે વચ્ચે વાગી. તે નીચે પડી ગયો. તેની બાજુમાં ઊભેલા બંને છોકરાઓ મને ગોળી ચલાવતા જોઇને ગભરાઈ ગયા એમાથી એક છોકરો ભાગી ગયો ને બીજા એક છોકરાએ મારા સામે પોતાની ગનમાથી ગોળી ચલાવી ને સીધી ગોળી મારા કાનને વિંધતી નીકળી ગયી. મારા કાનને સ્પર્શ કરીને ગયેલી ગોળીના લીધે મારા કાનમાંથી લોહી વહેવા લાગ્યું. મેં ફરીથી ગોળી ચલાવી અને સીધી પેલા બીજા છોકરાના જમણા પગે જઇને વાગી. તે પોતાનો પગ પકડીને નીચે બેસી ગયો ને મારા સામે જોવા લાગ્યો. તે મારા સામે જોઈ રહ્યો હતો અને હસી રહ્યો હતો. મુનમુન નીચે છુપાઈને આ બધુ જોઈ રહી હતી. પેલો છોકરો હજુ પણ મારા સામે જોઈ રહ્યો હતો ને હસી રહ્યો હતો. હુ એના સામે જોઈ રહ્યો હતો ત્યાં તો એણે એના બાજુમાં પડેલી ગન ઊઠાવીને મારા સામે તાકી. મેં પણ મારી ગન એના સામે તાકી. એ ગોળી ચલાવે એના પહેલા જ મેં મારા ગનમાથી ગોળી ચલાવી પણ બદનસીબે મારા ગનમા ગોળીઓ જ ખતમ થઈ ગયી હતી. પેલા છોકરાએ ફરી પોતાની હસી મને બતાવી. હું કંઈ સમજી ના શકયો. ને આ વખતે એણે મારા સામે ગોળી ચલાવી ને ગોળી સીધી મારા છાતીમાં આવીને વાગી.... હું નીચે પડી ગયો. મારા મોમાંથી એક ચીસ નીકળી ગયી,ને મને ત્યાં મુનમુનની બુમ સંભળાઈ....
“સની.... ” ને હું ફરી ઊભો થયો તો જોયું કે મુનમુન પોતાના હાથમાં પેલા મરેલા છોકરાની ગન લઈને ઊભી છે,મુનમુને પોતાના હાથમાં રહેલી ગનથી પેલા નીચે પડેલા ને જોર-જોરથી હસતા છોકરાના છાતીમાં એકસાથે ચાર ગોળી ચલાવી દીધી. પેલો છોકરો ત્યાં ને ત્યાં પતી ગયો. મુનમુન દોડતી મારા પાસે આવી. મને ગભરામણ થવા લાગી હતી. જ્યાં ગોળી વાગી હતી ત્યાં દુખાવો થતો હતો. આખી દુનિયા મારા સામે ધીરે-ધીરે ઝાંખી થવા લાગી....
***
મારી આંખો એકદમ ભારે થઈ ગયેલી મને લાગી. મે આંખો ખોલવાની તાકાત કરી પણ મારી આંખો ખુલી નહી. મારા સામે વાદળી વાદળો છવાઈ ગયા ને મને અવાજ સંભળાયો,
“ ઈઝીલી ઓપન યોર આઈઝ”ને મે મારી આંખો ખોલી. મારા સામે એકદમ ઝાંખા-ઝાંખા લોકો ઊભેલા મને દેખાયા. ધીરે-ધીરે મારા સામે બધા લોકો ક્લીન થવા લાગ્યા. મારા સામે એક ડોક્ટર ઊભા હતા જે બાજુમાં ઊભેલી મુનમુનને કંઈક કહી રહ્યા હતા. મેં મુનમુન સામે જોયું તો એ મારા સામે જોઇને હસી. હું બીજી બાજુ જોઈ ગયો મને લાગ્યું કે મુનમુન મારા સામે નહી પણ બીજા કોઈના સામે હસી રહી છે. મેં ફરીવાર મુનમુન સામે જોયું તો તે મારા સામે જોઇને જ હસી રહી હતી. હું પણ તેના સામે હસ્યો.
“મિસ્ટર સની ઈઝ નાવ ફાઈન”ડોક્ટરે મુનમુન સામે જોતા કહ્યું ને તે બહાર જતા રહ્યા. મુનમુન મારા બાજુમાં આવીને બેસી અને મેં મારી નજર નીચે બેડ તરફ નાંખી.
“કેમ નીચે જુવો છો આજે તમે નીચે નહી ઊપર જોવા જેવું કામ કર્યું છે. તમે ડરપોક નથી. એક નારીની જે જાન બચાવી શકે એ કદી ડરપોક ના હોય” મુનમુનના આ શબ્દો સાંભળીને તો મારા છાતીના ધબકારાઓ તેજ થઈ ગયા. હું મુનમુનના સામે જ જોઈ જ રહ્યો. કેટલા દિવસથી આ મૌન તોડવા હું મથી રહ્યો હતો. આજે જઇને આ અમારા વચ્ચેનું મૌન ખતમ થયુ. મુનમુન ઊભી થઈ અને દવા કાઢવા લાગી હું એના સામે જોઇને બોલ્યો,
“મુનમુન”
“હમમમ..... ”
“આઈ લવ યુ..... ”બસ મે કહી જ દીધું. મુનમુન મારા સામે જોઈ રહી. પહેલીવાર એણે મારા આંખમાં-આંખ મિલાવી ને હું જોતો રહ્યો મુનમુનને...... !એની બંગાળી આંખોમાં મારે હમેંશ માટે ખોવાઈ જવું હતું. એના કાળા સીલ્કીવાળ હવામાં લહેરાતા હતા. એ મારા પાસે આવી અને નીચી નમીને મારા કપાળ પર ચુંબન કરીને બોલી,
“આઈ લવ યુ ટુ માય સની..... ”
***