Aandhado Prem - 6 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | આંધળો પ્રેમ 6

Featured Books
Categories
Share

આંધળો પ્રેમ 6

આંધળો પ્રેમ

-રાકેશ ઠક્કર

૧ થી ૫ પ્રકરણમાં આપે વાંચ્યું કે પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. તેના પ્રેમમાં એટલી આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. એક દિવસ નિલાંગ અને ચંદા પ્રેમમાં ભાન ભૂલે છે. ચંદા નિલાંગના બાળકની મા બનવાની હોય છે. પણ નિલાંગે ચંદાને બાળકનો મોહ ના રાખવા સમજાવી ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી. તે બાળકને જન્મ આપવા માગતી હતી. પરંતુ નિલાંગ એકનો બે ના થયો. ચંદાએ પણ સમાજમાં બદનામીના ભયથી આખરે તેની સામે નમતું જોખવું પડ્યું. ગર્ભપાત માટે નિલાંગે પોતાની ડોક્ટર પત્નીના નામની ચિઠ્ઠી લખી આપી. આ તરફ ચંદા માયાની ક્લીનીક પર પહોંચી તેની સામે બેસે છે. માયા તેને ગર્ભવતી બનાવનાર યુવાન વિરુધ્ધ ફરિયાદ કરવા કહે છે. પણ તે શક્ય ન હોવાનું ચંદા સમજાવે છે. બીજા દિવસે ચંદા નિલાંગને મળવા કોલેજ પર જાય છે ત્યારે સીક્યુરીટી ગાર્ડ તેને અટકાવે છે. ચંદાને જ્યારે ખબર પડે છે કે નિલાંગે તેના કોલેજ પ્રવેશ પર મનાઇ ફરમાવી છે ત્યારે તેને ચક્કર આવવા લાગે છે....

હવે આગળ વાંચો.....

પ્રકરણ-૬

ચંદાને એવું લાગ્યું કે નિલાંગ હવે તેનાથી પીછો છોડાવવા માગી રહ્યો છે. કોલેજમાં પ્રવેશવા જતી ચંદાને સીક્યુરીટી ગાર્ડે નિલાંગના કહેવાથી અટકાવી અને બંધ દરવાજો ના ખોલ્યો ત્યારે તેને ડર પેઠો કે નિલાંગ તેના દિલના દરવાજા પણ પોતાના માટે બંધ કરી દેશે કે શું? નિલાંગે કોલેજમાં તેના પ્રવેશ પર મનાઇ ફરમાવી હોવાનું જાણી ચંદાને ચક્કર આવવા લાગ્યા. તેને થયું કે તે જમીન પર ફસડાઇ પડશે. તેણે નજીકની દિવાલનો ટેકો લઇ લીધો. અને આંખો બંધ કરી જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તેના નામની બૂમ સંભળાઇ. તેણે મુશ્કેલીથી આંખો ખોલીને આમતેમ નજર ફેરવી. તેને નિલાંગની કાર દેખાઇ. તેના જીવમાં જીવ આવ્યો. તેણે જોયું તો કારના દરવાજાનો કાચ ખોલી નિલાંગ તેને હાથના ઇશારાથી બોલાવી રહ્યો હતો. ચંદાને નિલાંગ પર ગુસ્સો આવ્યો હતો. એક ક્ષણ તો એમ થયું કે તે નિલાંગની સાથે ના જાય. પણ પછી કારણ જાણવા માગતી હોવાથી કાર પાસે પહોંચી. નિલાંગે તેને ઇશારાથી પાછળની સીટ પર બેસવા સંકેત કર્યો. તે ગુસ્સામાં પાછળની સીટ પર ગોઠવાઇ અને જોરથી કારનો દરવાજો બંધ કર્યો.

નિલાંગે તરત જ કારને હંકારી લીધી. મુખ્ય રસ્તાથી કારને શહેરની બહાર જતા રસ્તા પર વાળ્યા પછી નિલાંગે એક જગ્યાએ રસ્તાની બાજુમાં કારને ઊભી રાખીને કહ્યું:"ચંદા, મને ખબર છે કે તને મારા પર ગુસ્સો આવ્યો છે. પણ હું મજબૂર હતો. પ્રેમ તો આંધળો હોય છે પણ દુનિયા આંધળી નથી. તેની ચાર આંખ છે...." પછી નિલાંગે કોલેજમાં તેને ચંદાને કારણે મળેલી નોટીસની વાત કરી અને કેવી રીતે પોતાની નોકરી બચાવી તે કહ્યું એટલે ચંદાનો ગુસ્સો શાંત થયો.

નિલાંગે પ્રેમથી કહ્યું:"ચંદા, અત્યારે હું એવી સ્થિતિમાં નથી કે નોકરી ગુમાવું, જો નોકરી જતી રહે તો તારી સાથેના ભવિષ્યના જીવન પર તેની અસર થાય. આવી સારી નોકરી હશે તો જ આપણે કોઇ સાહસ કરી શકીશું. તું તારી તબિયત સાચવજે. એક વખત તું બાળકમાંથી મુક્ત થાય તો મગજ બીજું કંઇક વિચારી શકે છે.."

બાળકની વાત સાંભળી ચંદા બોલી ઊઠી:"નિલાંગ, ચાલોને આપણે આ શહેર છોડીને ભાગી જઇએ... કોઇ ગામમાં જઇને જિંદગીને નવેસરથી જીવીએ. ત્યાં આપણે અને આપણું બાળક હશે..."

ચંદાની વાત સાંભળી નિલાંગ ચમક્યો. પણ તેણે મગજ શાંત રાખીને ચંદાને સમજાવી. "ચંદા, બોલવું તો સરળ છે. આ રીતે હું કોઇ છોકરીને ભગાવીને લઇ જઇ ના શકું. હું અને તું કોલેજમાં ભણતા છોકરા-છોકરી નથી. સમાજનો અને પરિવારનો પણ વિચાર કરવો પડે....ચાલ, આજે આપણે નજીકના એક ગામમાં આવેલા વનમાં આંટો મારી આવીએ અને શાંતિથી વિચારીએ."

ચંદાને નિલાંગની વાત યોગ્ય લાગી. તેણે હા કહી એટલે નિલાંગે કારને રોડ પર લીધી. તેણે રસ્તામાં એક હોટલમાંથી ચા-નાસ્તો પેક કરાવી લીધો.

નિલાંગ શહેરથી થોડે દૂર આવેલા એક ગામ પછી શરૂ થતા અરણ્ય વિસ્તાર સુધી કાર લઇ ગયો. અને નજીકમાં એક વૃક્ષ પાસે કાર થોભાવી. તે ડ્રાઇવર સીટ પરથી બહાર આવીને ચંદા સાથે પાછળની સીટ પર બેઠો. અને ચંદાને હેતથી ભેટી પડ્યો. ચંદાને થયું કે નિલાંગ તેને ખૂબ ચાહે છે ત્યાં સુધી કોઇ ચિંતા નથી. નિલાંગે તેનાથી અળગા થઇ તેના ખભાને હળવેથી દબાવીને કહ્યું:"ચંદા, તું તારી તબિયત સાચવજે. મનમાં કોઇ પ્રકારના નકારાત્મક વિચાર ના લાવતી. બધું સારું જ થશે. મને માયાએ કહ્યું કે કેટલાક ટેસ્ટ પછી શારીરિક સ્થિતિ યોગ્ય જણાશે એટલે ગર્ભપાત કરી આપશે. આપણે એવી આશા રાખીએ કે આમાંથી જલદી મુક્ત થઇએ."

"હા નિલાંગ, મારા માટે હવે કાકાના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. તેમને અણસાર આવી જશે તો તેમના પ્રત્યાઘાત ભારે હશે. મારા માટે ત્યાં રહેવું શક્ય નહીં રહે..."

ચંદાએ અડધો દિવસ નિલાંગ સાથે વીતાવ્યો અને એ પછી તેને માનસિક રીતે સ્વસ્થતાનો અનુભવ થયો. ચંદાને સાંજે ડો.માયા પાસે ટેસ્ટના પરિણામ જાણવા જવાનું હતું એટલે નિલાંગે કાર ઉપાડી અને શહેર તરફ લીધી.

શહેર શરૂ થયું એટલે તેણે ચંદા માટે એક રીક્ષાની વ્યવસ્થા કરી આપી અને ડો.માયા પાસે મોકલી પોતે કોલેજ જવા નીકળી ગયો.

સાંજ પડવા આવી હતી. શહેરમાં ટ્રાફિક વધી ગયો હતો. રીક્ષાવાળો મુશ્કેલીથી જગ્યા શોધીને ચલાવી રહ્યો હતો. ઘણી જગ્યાએ રીક્ષા ટ્રાફિકને કારણે અટકી જતી હતી. ચંદાને થતું હતું કે મોડું થશે તો માયા ક્લીનીક પરથી નીકળી જશે અને પોતાને ધક્કો થશે. તેને પોતાની સ્થિતિ પણ રીક્ષા જેવી જ લાગી. વારંવાર તે અટવાઇ જતી હતી પણ માર્ગ મળી જતો હતો. તેણે રીક્ષાવાળાને જલદીથી પહોંચાડવા વિનંતી કરી. એટલે તેણે થોડો લાંબો પણ ઓછા ટ્રાફિકવાળો રસ્તો પકડ્યો. ચંદાને થયું કે તેણે પણ આવી જ રીતે જીવનને આગળ લઇ જવું પડશે. જીવનના નક્કી કરેલા ગંતવ્ય સ્થાને જવામાં વિલંબ થવાનો જ છે.

ચંદાની રીક્ષા માયાની ક્લીનીક પાસે થોભી ત્યારે સાંજ પૂરી થઇ રહી હતી. પણ બહાર એક મહિલા દર્દીને બેઠેલી જોઇ તેને થયું કે માયા હજુ નીકળી નથી. તે ઝડપથી ઉતાવળા પગલે ક્લીનીક પર પહોંચી અને ત્યાં બાંકડા પર બેઠેલી મહિલાને ઇશારાથી પૂછી લીધું કે ડોક્ટર છે ને? તેણે ડોક હલાવી હસીને હા કહી ત્યારે શાંતિ થઇ. તે પણ બાંકડા પર બેસીને પોતાના વારાની રાહ જોવા લાગી. થોડીવારે નર્સ આવી અને તેનું નામ લખી ગઇ.

ચંદાએ બેઠા બેઠા ક્લીનીકમાં નજર નાખી તો બાળકોના હસતા ચહેરાવાળા ચિત્રો જોવા મળ્યા. તેણે એકસાથે હસતા બાળક-બાળકીના ચિત્ર સામે ધારીને જોયું. કાશ! હું પણ આવું બાળક મેળવી શકું તો કેટલું સારું! પણ તેની એ ખુશી લાંબી ના ટકી. ચિત્રમાંનું બાળક જાણે તેને તરછોડી રહ્યું હોય એવું લાગ્યું. તેનો હાથ પેટ પર પહોંચી ગયો. અંદર આકાર લઇ રહેલું બાળક તેને તસવીરમાં બેસીને બચાવવા માટે વિનવણી કરતું હોય એવું લાગ્યું. ચંદાની આંખ ભીની થવા લાગી. ત્યાં બેઠેલી મહિલાનો વારો આવી ગયો હતો એટલે તે અંદર ગઇ. ચંદા હવે પોતાના વારાની રાહ જોવા લાગી.

આગળ ગઇ હતી એ મહિલા હજુ બહાર આવી ન હતી. પણ નર્સ તેને બોલાવી ગઇ. ચંદાને ખ્યાલ આવી ગયો કે તેનું નામ વાંચીને માયાએ તેને બોલાવી લીધી છે.

તે અંદર ગઇ ત્યારે માયા મહિલા માટે પ્રિસ્ક્રિપ્શન લખી રહી હતી. ચંદાને જોઇ એટલે બેસવાનો ઇશારો કર્યો. અને મહિલાને વિદાય કર્યા પછી ડ્રોઅરમાંથી તેની ફાઇલ કાઢી.

ચંદાને ટેસ્ટના રીપોર્ટ જાણવાની ઉતાવળ વધી ગઇ. ચંદાએ પૂછી જ લીધું:"બેન, શું કહે છે રીપોર્ટ ?"

માયાએ પ્રેમથી તેના તરફ જોયું અને બોલી:"તારે મજબૂત થવું પડશે."

ચંદા બોલી ઊઠી:"એબોર્શનનું દુ:ખ હું સહન કરી લઇશ. તમે ઓપરેશનની તૈયારી કરો."

માયા ફિક્કું હસી:"ચંદા, એબોર્શન મુશ્કેલ છે...જો એબોર્શન કરવામાં આવે તો કેટલાક કોમ્પ્લીકેશન ઊભા થાય એમ છે. એટલે એબોર્શન કરવાનું હવે શક્ય નથી. તારે બાળકને જન્મ આપવા માટે તૈયાર થવાનું છે...."

એક ક્ષણ તો માતા બનવાનો આનંદ ચંદાના દિલમાં ખુશીઓ ભરી ગયો. તેના કાનમાં બાળકની કિલકારી ગુંજવા લાગી. પણ પછી આકાશમાંથી જમીન પર પટકાઇ હોય એમ વાસ્તવિક્તાઓ તેને ઘેરી વળી. આ બાળકના પિતાનું નામ તે શું લખાવશે? સમાજમાં મોં કેવી રીતે બતાવશે? માયાને ખબર પડશે તો કેવો અનર્થ સર્જાશે? આકાશમાં ઉઘાડ હોય અને અચાનક વાદળા ઘેરાય ને ગાજવીજ સાથે વરસાદ વરસી પડે એમ ચંદા ચોધાર આંસુએ રડવા લાગી.

માયા ચમકી ગઇ.