Khovayeli Muskaan in Gujarati Short Stories by Snehal Tanna books and stories PDF | ખોવાયેલી મુસ્કાન

Featured Books
Categories
Share

ખોવાયેલી મુસ્કાન

“એક લેખક તારા પ્રેમમાં પડે ને તો સદીઓ સુધી જીવીત રહીશ...”

પુષ્કરના આ શબ્દો સંભાળીને મુસ્કાનનો પણ વળતો જવાબ કંઈક આવો જ રહેતો...

“એક કવિ તારા પ્રેમમાં પડે ને તો એક ક્ષણમાં જ સદીઓ જીવી લઈશ...”

ન્યુયોર્કમાં સ્થાયી થયેલો પુષ્કર સફળતાના એ શિખરે બિરાજતો હતો જ્યાં પહોચવું મુસ્કાન માટે અસંભવ હતું. એક પ્રસિદ્ધ ડોક્ટર અને સાથે એક ઉમદા લેખક. ૨૯ વર્ષનો આ યુવાન અર્જુનની જેમ ચકલીની આંખને જ લક્ષ્ય બનાવીને બેઠો હતો. તેના માટે હજી આ તો શરૂઆત હતી અને પોતાની કારકીર્દિને એણે જે રીતે કંડારી હતી તે જોતાં તો એ જ લાગતું હતું કે પુષ્કર માટે આકાશને આંબવું એ જ ધ્યેય હતું. પ્રેમ જેવી ક્ષુલ્લક બાબતો માટે એની પાસે સમય જ નહોતો.

મુસ્કાન પણ કંઈ ઓછી નહોતી. બેંગ્લોરની એક પ્રસિદ્ધ બેંકમાં મેનેજર હતી અને બોલવામાં તો એવી ચપળ કે ભલભલાને ભાન ભુલાવી દે કે આની સામે શું બોલ્યા હતા. કવિતાઓ લખવાની શોખીન પણ ખરી સાથે. ૨૭ વર્ષની આ સાધારણ દેખાવની છોકરીનો આત્મવિશ્વાસ ગજબનો.

આ બંનેની મુલાકાત પુષ્કર જયારે મુસ્કાનનાં ભાઈના લગ્નમાં આવેલો ત્યારે થયેલી. મુસ્કાનનો ભાઈ અર્જુન અને પુષ્કર બન્ને સાથે જ ડોક્ટર બનેલા. બાળકોના ડોક્ટર્સ. અર્જુનના લગ્ન વખતે મુસ્કાનની એ હાલત નહોતી કે એ કોઈ છોકરા સાથે વાત પણ કરે!!! ઓમ સાથે એનો પ્રેમસંબંધ લગભગ ૨ વર્ષ ચાલ્યો અને ઓમ એ મમ્મીની બતાડેલી છોકરી સાથે સગાઈ કરીને મુસ્કાનને લગભગ હતાશામાં જ ધકેલી દીધેલ. પ્રેમ એક જ વાર થાય અને દિલ ફાડીને પ્રેમ કરનાર મુસ્કાન હવે જિંદગીમાં બીજું કોઈ જ નહિ એ વાત પર અડગ હતી અને દેશ છોડીને જતું રહેવું છે એવાં પ્લાનમાં હતી. અર્જુને આ વાત પુષ્કર ને કરેલી અને એ બહાને જ મુસ્કાન અને પુષ્કર મિત્રો બન્યા. મુસ્કાનને ન્યુયોર્કમાં બધી મદદ મળી રહેશે એ વાયદા સાથે પુષ્કરે ભારતમાંથી વિદાય લીધી. એ તો અહીંથી કઈ લઈને નહોતો ગયો પણ ઘણું બધું મુકીને ગયો હતો. એ મુકીને ગયો હતો મુસકાનના પ્રેમસંબંધ તૂટ્યા પછીના ૧ વર્ષનાં આંસુઓથી ભીંજાયેલા મુખ પર એક ન માંગેલી મુસ્કાન!!!

પુષ્કરની સ્માર્ટનેસ અને ઈન્ટેલીજન્સી મુસ્કાનને સ્પર્શી ગયેલી. પોતે શું ગુનો કર્યો હશે એવાં સવાલોના જવાબ શોધતી મુસ્કાનને હવે આવા સવાલો થયા કેમ એ વાત પર પ્રશ્ન થતો હતો. પોતાનો ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ, સ્વમાન, લેખન અને મુસ્કાન આ બધું મુસ્કાનને પાછું મળતું હોય એવો અહેસાસ થવા લાગ્યો. આનો અર્થ એ બિલકુલ નહોતો કે મુસ્કાનને ફરીથી પ્રેમ થઈ ગયેલો. પરંતુ, ક્યારેક એક પ્રેરણા મળી જાય તો પણ અધવચ્ચે અટકેલી નૈયા પાર પડી જવા જેવી આ વાત હતી. પુષ્કરની વાતો અને એની કામ પ્રત્યેની લગની જોઈને મુસ્કાન પ્રભાવિત થયેલી.

અને ખરેખર મુસ્કાન ભારત છોડીને ન્યુયોર્ક પહોંચી ગઈ એક દિવસ. હાસ્તો વળી, પુષ્કરની મદદથી જ. પુષ્કર એ કહેલું કે નોકરી ગોતવા માટે એ એની ચોક્કસ મદદ કરશે પરંતુ મુસ્કાને પહેલાં અહિયાં આવી જવું યોગ્ય રહેશે. ૨ વર્ષનો પ્રેમસંબંધ અને એક વર્ષની હતાશા, આમ કુલ ૩ વર્ષ મુસ્કાને વેડફ્યા પોતાની ૨૭ વર્ષની જિંદગીમાં. આ દરમિયાન એણે પોતાનાં ઘણા મિત્રો ગુમાવ્યાં. કેમ કે મુસ્કાને બધાં સાથે સંપર્ક લગભગ તોડી જ નાખેલો. જેમાંના કેટલાક એવાં પણ હતા જે જાણતા અને માનતા હતા કે આમાં મુસ્કાનનો દોષ નથી, દોષ છે પરિસ્થિતિનો જે ઓમે સર્જેલી, મુસકાનના જીવનમાં કઠણાઈ સ્વરુપે. આખા ગામને પ્રોત્સાહન પૂરું પાડતી મુસ્કાન જયારે આ સ્થિતિમાં હતી ત્યારે એનાં માતાપિતા ભાંગી જ પડ્યા હતાં. આટલી હોનહાર દિકરીની આવી હાલત કયા માંબાપ ને ખપે??? અને એટલે જ એમણે મુસ્કાનને આટલે દૂર જવા માટે હા પાડેલી. એક રાત પણ અળગી ન થયેલી મુસ્કાન જયારે આટલે દૂર વિદેશમાં જતી હતી ત્યારે અર્જુનની સમજાવટ અને પુષ્કરનો ભરોસો આ બે જ હતા એમની પાસે.

ન્યુયોર્ક પહોંચીને મુસ્કાન એ પુષ્કરની મદદથી એક ફ્લેટ ભાડે રાખ્યો અને નોકરી પોતે જ શોધશે એવો દુરાગ્રહ પણ. પ્રેમમાં બિલકુલ ભરોસો ન રાખનાર પુષ્કર મિત્ર તો આખી દુનિયામાં ન જડે તેવો હતો. છોકરો કે છોકરી ના ભેદની વાતોથી એને સુગ હતી. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ મુસ્કાનને આવા અજાણ્યાં શહેરમાં કોઈ પોતાનું છે એવો અહેસાસ એણે પોતાની મિત્રતા નિભાવવા જ કરાવેલો. અર્જુન સાથેની મિત્રતા!!!

૬૬ દિવસો પછી મુસ્કાનને નોકરી મેળવવામાં સફળતા મળી ખરી. અને આ દિવસો દરમિયાન રોજ સાંજે એક કલાક માટે મુસ્કાન અને પુષ્કર બન્ને ન્યુયોર્કના એક કાફેમાં મળતા. મુસ્કાનને કોઈ મદદની જરૂર છે કે નહિ અને આ શહેરમાં એ એકલી નથી એવો કોઈ જ અહેસાસ એણે મુસ્કાનને નહોતો દેવ્ડાયો પણ મુસ્કાનને આ અહેસાસ જાગેલો તો ખરો ને.!!! એવું નહોતું કે પુષ્કર નિષ્ઠુર હતો, પણ દરેક જગ્યા એ પ્રેમની જ વાતો હોવી થોડી જરૂરી છે??? માણસાઈ અને અર્જુનની મિત્રતા આ બે કારણોથી પુષ્કર મળતો હતો અને પૂછતો કે નોકરી જાતે શોધશે એવી એની જીદ કેટલી સફળ થઈ છે

કાફેમાં મળીને જ મુસ્કાનને ખ્યાલ આવેલો કે આ ડોક્ટર તો એક લેખક પણ છે. પોતે ક્યારેય પ્રેમ નહિ કરી શકે હવે આ વાત મુસ્કાને પુષ્કરને કરેલી અને ત્યારે જ પુષ્કર એ પોતાની એક વાર્તાનો સંવાદ કહેલો...

“એક લેખક તારા પ્રેમમાં પડે ને તો સદીઓ સુધી જીવીત રહીશ...”

પુષ્કરના આ શબ્દો સંભાળીને મુસ્કાનનો પણ વળતો જવાબ કંઈક આવો જ રહેતો...

“એક કવિ તારા પ્રેમમાં પડે ને તો એક ક્ષણમાં જ સદીઓ જીવી લઈશ...”

સમય જતો રહેતો હતો અને મુસ્કાન આ નવાં જીવનથી ટેવાઈ રહી હતી અને મનોમન સમજતી હતી કે જિંદગી બદલવા માટે પ્રેમ એક જ તત્વ નથી હોતું, કોઈની પ્રેરણા પણ હોઈ શકે છે. ક્યારેક એને મનમાં પ્રશ્ન પણ થતો કે પુષ્કર જેટલી આટલી સુંદર વ્યક્તિ અને એનાં જીવનમાં આ ખાલીપાને કેમ જગ્યા મળી હશે??? પુષ્કર સર્વગુણ સંપન્ન તો નહોતો જ. પણ એનું વ્યક્તિત્વ જોઈને મુસ્કાનને એ વિચાર આવેલો જ કે ઓમ સિવાય આ જગતમાં કોઈ સારું છે જ નહિ એવી એની માન્યતા એ એની બાલીશતા જ હતી. પુષ્કરની સામે દલીલ કરવામાં મુસ્કાન ક્યારેય સફળ નહોતી થતી. પુષ્કર પોતાને કોઈ ખોટો પાડીને જાય એ વાત બિલકુલ સાંખી લે એવો નહોતો અને એમાં એ ખોટો પણ નહોતો. જબરું જ્ઞાન ધરાવતાં પુષ્કરનો મગજ ભરતી સમયે દરિયાના મોજાં ભાગે ને એવો ચાલતો હતો.

ફોનની ઘંટડી રણકતી હતી અને મુસ્કાન ગિટાર શીખવાના પોતાનાં નિર્ણયના વિચારોમાં ખોવાયેલી હતી. પુષ્કરે ફોનમાં જણાવેલું કે પોતે ન્યુયોર્ક છોડીને હંમેશા માટે લંડન જઈ રહ્યો છે અને છેલ્લી વખત મુસ્કાનને મળવા માંગે છે. ખબર નહિ કેમ પણ આ વાત સાંભળીને મુસ્કાનને આઘાત સમો ઝટકો લાગ્યો. ઓમના પ્રેમમાં હતી ત્યારે ઓમ માટે કરેલાં ત્યાગ સિવાય કોઈ જ અહેસાસ એણે નહોતાં અનુભવ્યા. તો પછી આ પ્રેમ નો અહેસાસ હતો કે શું??? મુસ્કાન કદાચ આ વાત સમજવા હવે સક્ષમ નહોતી રહી કે પ્રેમમાં કેવો અહેસાસ થાય, પણ પુષ્કર વિના પોતે કેમ રહેશે એ વાતના વિચાર માત્રથી એને પરસેવો છુટી ગયો. એક વાર તો મન પણ થયું કે એ પુષ્કરને રોકે પણ ક્યા હકથી?? કેમ કે પુષ્કર એ તો હજી સુધી દોસ્તીનો હાથ પણ નહોતો લંબાવ્યો. એ તો અર્જુનની મિત્રતા નિભાવતો હતો. એણે ક્યારેય ખુલ્લા મનથી મુસ્કાન સાથે વાત જ નહોતી કરી. આખરી વખત મળવાનું પણ એણે મિત્ર તરીકે કહ્યું હશે કે કેમ એનો જવાબ મુસ્કાન પાસે અત્યારે તો નહોતો જ.

“મારે હજી ઘણું આગળ વધવું છે અને એ માટેની તક મને મળી રહી છે એટલે મારે જવું પડશે.” બસ આટલું કહેતાં પુષ્કરની સામે મુસ્કાન ભાંગી જ પડી હતી. આ એ જ પુષ્કર હતો જેણે મુસ્કાનની આંસુઓ સાથેની પાક્કી ભાઈબંધી તોડી હતી. આજે એ ભાઈબંધ ફરીથી એની સામે દોસ્તીનો હાથ લંબાવી રહ્યો હતો કેમ કે એક મિત્રતા વગરનો મિત્ર એ હાથ છોડી રહ્યો હતો જે એણે ક્યારેય પકડ્યો જ નહોતો. તો એનો અર્થ એવો કે મુસકાનના મુખ પર પાછી આવેલી આ મુસ્કાન ફરીથી જતી રહેશે??? ના..બિલકુલ નહિ. આ જ તો ખાસિયત હતી અને ફરક હતો ઓમ અને પુષ્કર ના વ્યક્તિત્વમાં. મુસ્કાન માટે આટલી સમજણ પૂરતી હતી. કદાચ આટલું મેળવ્યા અને ગુમાવ્યા પછી મુસ્કાન એટલું જરૂર કહી શકતી હતી કે,...

“કર્યા જયારે જિંદગીના સરવાળા ને બાદબાકી,

મળી થોડી ઉધાર ને થોડી જમા બાકી..”

એક પ્રેમ જેને માટે મુસ્કાન એ અઢળક ગુમાવ્યું અને અંતે એ પ્રેમ જ

અને એક દોસ્તી જે ક્યારેય હતી જ નહિ અને અંતે સઘળું હતી.