નેઇલ પોલિશ
પ્રકરણ - ૩
કુદરતના સાનિધ્યમાં રહેવાનું બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. દિનકરરાય પ્રકૃતિ પ્રેમી હતા. અંગ્રેજોના એ ઉત્તમ ફોટોગ્રાફર હતા અને એ માટે અંગ્રેજોએ એમને બેસ્ટ ફોટોગ્રાફરનું બિરુદ પણ આપેલું હતું. અંગ્રેજ શાસન દરમિયાન આ ખુબસુરત જગ્યા ઈનામમાં મળેલ હતી. એમની આ પ્રોપર્ટીને સુંદર બનાવવામાં એમના એક અંગ્રેજ મિત્રનો મોટો હાથ હતો એટલે બિલીપત્ર ફાર્મ અદભુત કંડારાયેલ જગ્યા હતી. અંગ્રેજોના ગયા પછી દિનકરરાય પણ લંડન જતા રહ્યા, જ્યાં એમણે ફોટોગ્રાફીનો ધંધો એવો વિકસાવ્યો કે કેમેરાથી લઇ કેમેરા રોલ બનાવવાનો બિઝનેસ ધમધોકાર ચાલ્યો. દિનકરરાય હવે ડિનો તરીકે પ્રખ્યાત થઇ ગયા.
દિનકરરાય, પત્ની ઉર્મિબેન અને એમનો ફેમિલી મિત્ર જયારે પણ ઇન્ડિયા આવતા ત્યારે બિલીપત્ર ફાર્મમાં જ રહેતા. બાકીના દિવસોમાં નોકર રવજી બંગલાનો રાખ-રખાવ સારી રીતે કરતો.
પુત્ર જય પણ પિતા દિનકરરાય ના નક્શે કદમ ઉપર ચાલીને એક ઉમદા ફોટોગ્રાફર બન્યો અને પિતાના ધંધાની દોર સંભાળી. હવે ટેક્નોલોજી બદલાઈ હતી કેમેરા અને રોલની જગ્યાએ હવે ડિજિટલ ફોટોગ્રાફીએ સ્થાન લીધું હતું. ડિજિટલ ફોટોગ્રાફીને હોલીવુડમાં બહુ મોટું સ્થાન. હોલીવુડના પિક્ચરમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સને બહુજ આગવું મહત્વ છે. ડિજિટલ ફોટોગ્રાફી અને કોમ્પ્યુટરની મદદથી જય ફોટાઓને નવો આયામ આપતો. મિક્સિંગ જોઈ દરેકના મોં માંથી એક જ શબ્દ નીકળતો Wow ! Unbelievable !
જય ડિજિટલ ફોટોગ્રાફીમાં ખુબજ હોશિયાર અને માહિર બન્યો. જય હવે મિસ્ટર જોશ તરીકે ફેમસ થયો. ફિલ્મોમાં, જાહેરાતોમાં, ફોટોગ્રાફીમાં જયની જરૂર ભાસતી. દુનિયાના ઘણાં ફિલ્મ જગતના લોકો અને ફોટોગ્રાફરોમાં એના નામની ચર્ચા થતી. હવે એનું કામ અને ધંધો ખુબ વિકસ્યા હતા. જયને ચોવીસ કલાક ઓછા લાગતા. રોજની દિન ચર્યા ખોરવાઈ ગયી હતી.
ભારતમાં પણ એની ખ્યાતિથી એની ઇન્ડસ્ટ્રીના લોકોમાં જય ઉર્ફે જોશ જાણીતો થયો હતો. ઊર્મિબેન હવે જયના લગ્ન માટે વિચાર કરી રહ્યા હતા. પિતા દિનકરરાય ઉર્ફે ડિનોની તબિયત હવે બહુ સારી નહિ રહેતી, તેથી જયના લગ્ન માટે એમણે પોતાના નજીકના સગાઓને કન્યા ગોતવાની વિનંતી કરી.
જય ભલે લંડનમાં જન્મ્યો હતો, પરંતુ જયારે પણ પપ્પા-મમ્મી ઇન્ડિયાની વાતો કરતાં કે જે સંસ્કારોની વાતો કરતાં તે તેને આકર્ષિત કરતી. નાનપણથી એને ઇન્ડિયાની ખેંચ હતી, પરંતુ જયારે પણ દિનકરરાય અને ઉર્મિબેન ઇન્ડિયા આવતા ત્યારે તે ઇન્ડિયા આવી શક્યો નહતો. બચપણમાં સ્કૂલ કોલેજને લીધે અને પછી પપ્પાના ધંધાને લીધે. એની પણ ઈચ્છા હતી કે જેટલી સુંદર અને સંસ્કારી મા જેવી સુંદર અને સંસ્કારી કન્યા એને પત્ની તરીકે મળે.
બોલીવુડમાં હવે કંઈક ચેંજ આવી રહ્યો હતો. ફિલ્મની ગુણવત્તા સુધારવી જરૂરી બની. ડિજિટાઇઝેશન જરૂરી થઇ ગયું. શહેરોમાં હવે મલ્ટિફ્લેક્સ સાથેના મોટા મોટા મોલ આકાર લઇ રહ્યા હતા. લોકો હાઈ-ડેફિનેશન (H D) ની પ્રિન્ટના આશિક થઇ રહ્યા હતા. નવો યુવક વર્ગ કંઈક નવું શોધી રહ્યો હતો. ભારત વિકાસના પંથ ઉપર હતું. નાના નાના કચકડાના પ્રિન્ટથી ચાલતા થીએટર હવે બંધ થઇ રહ્યા હતા. એની જગ્યાએ નવા મોટા મોલ બની રહ્યા હતા મલ્ટિફ્લેક્સની ફેસિલિટી સાથે. લોકોને આકર્ષણ વધી ગયું હતું. પચાસ રૂપિયાની ફિલ્મની ટિકિટના લોકો હવે રૂપિયા ત્રણસો આપવા રાજી હતા. કારણ નવું કોને નહિ ગમે ? ઉત્તમ ક્વાલિટી માટે પૈસા ખરચવા ભારતીયોને ગમવા લાગ્યું હતું. આઈ ટી ઉદ્યોગમાં પણ ગતિ આવી હતી. ડિજિટાઇઝેશનથી ફોટોગ્રાફી અને ફિલ્મોને વેગ આપવા નવા નવા સોફ્ટવેર બની રહ્યાં હતા. ટૂંકમાં ભારત હવે નવું અપનાવવા તૈયાર હતું.
જય માટે હવે ઘણા માંગા આવી રહ્યાં હતા. સુંદર કન્યાઓના ફોટા, શિક્ષણ વગેરેની ટપાલોનો ખડકલો રોજ રહેતો.
ઉર્મિબેન એક આદર્શ ગૃહિણી હતા. ભલે તેઓ જય માટે પત્ની અને પોતા માટે વહુ શોધતા હતા, પરંતુ તેઓને વહુની અંદર એક દિકરીની કલ્પના જરૂર હતી. પોતાના આ નાના કુટુંબને સારી રીતે સંભાળે એટલું બસ હતું, તે છતાં આજની દુનિયાની સાથે રહી જુના રીત રિવાજ અને સંસ્કારની રખેવાળી કરી શકે એવી વહુ માટે પણ એમની ના નહોતી. ભલે ઈસ્ટ અને વેસ્ટ ભેગા હોય પણ બેસ્ટ હોવી જરૂરી હતી. એક દિવસ બધા સાથે બેસી આવેલી ટપાલો અને ફોટાઓ માંથી કંઈક તારવણી કરી લિસ્ટ બનાવ્યું, જેથી દરેકને એપોઇન્ટમેન્ટ આપી નમ્રતાથી મળી શકાય, વાતચીત કરી શકાય અને ભાવિ વહુને જોઈ શકાય. ઉર્મિબેન અને દિનકરરાય ની પહેલી પસંદગી ગુજરાતમાં રહેતી ગુજરાતી કન્યા હતી. વર્ષોથી ભલે તેઓ લંડનમાં રહેતા હતાં પણ પુરેપુરા ગુજરાતી તરીકે રહેતા હતાં. એમની રહેણી-કરણી કે ખાવાના શોખ ગુજરાતી જ હતાં. ઈન્ડિયાથી આવેલ વાનગીઓ એમને ખુબ ભાવતી. દિનકરરાય આજે પણ ગુજરાતના સીંગ-ચણા ભૂલ્યા નહોતા. ઉર્મિબેને ભારતના સંસ્કારો પરદેશમાં રહી ટકાવી રાખ્યા હતાં. ભારત કે ગુજરાતમાં ઉજવાતા બધા તહેવારોની ઉજવણી તેઓ કરતા. માતાજીની નવરાત્રી અને ગરબા એમના દિલમાં અકબંધ હતાં. ગરબા ગાવાનો એમનો એક શોખ હતો. એમનો અવાજ પણ મધુર હતો. વારે તહેવારે ઉપવાસ પણ તેઓ બહુજ ઉત્સાહથી કરતા. એટલે બધા દેવોની એમના ઉપર કૃપા છે એવી એમની આસ્થા હતી.
જયે પોતાના ધંધાને વ્યવસ્થિત રીતે સચવાઈ રહે તેવી ગોઠવણ કરી દીધી જેથી એની ગેરહાજરીમાં કોઈ તકલીફ ના થાય. સ્ટુડીઓમાં તથા ફેક્ટરીમાં ઘણાં ઇન્ડિયન કર્મચારીઓ હતા એટલે બધાયે બધું સાચવી લેવાની બાહેંધરી આપી હતી. ઇન્ડિયામાં પોતાના બિલીપત્ર ફાર્મના નોકરને સંદેશો મોકલી બંગલાને સ્વચ્છ કરી રાખવા કહ્યું.
જયની ઇન્ડિયાની આ પહેલી મુલાકાત હતી. પહેલીવાર એ પોતાના ફાર્મમાં આવવાનો હતો. બિલીપત્ર ફાર્મની સુંદરતા માટે એણે ખુબ વખાણ સાંભળ્યા હતા, પરંતુ પ્રત્યક્ષ એ જોવાનું અને એની સાનિધ્યમાં રહેવાનું હતું. એક સુંદર ચોઘડિયું જોઈ દિનકરરાય, ઉર્મિબેન અને જય ઇન્ડિયા આવવા નીકળી પડ્યા.
***
બિલીપત્ર ફાર્મમાં એક વિદેશી એડના શૂટિંગ દરમિયાન એક ઘટના એમના મનમાં ઘર કરી ગયી હતી. છેલ્લા એક દોઢ મહિનાથી જે રહસ્ય જાણવાની શોભરાજને તાલાવેલી હતી તે રહસ્ય આજે ખુલ્લું થવાનું હતું. બિલીપત્ર ફાર્મ ના એન્ટ્રન્સ પાસે જે બે મોટા વડ હતાં, ત્યાં રોજ સાંજે પ્રકાશ દેખાતો. કોઈ ત્યાં આવીને દીવો કરી જતું. પ્રયત્નો છતાં દીવો કરી જનાર વ્યક્તિને એ શોધી શક્યા ન હતાં કે એની ભાળ મળી નહોતી. જ્યાં કોઈ વ્યક્તિ આવતી ન હતી ત્યાં સાંજ પહેલા દિવા થઇ જતા એ એક કલ્પના બહારની વાત હતી. આજે એના મનમાં એક જિજ્ઞાસા જાગી કે લગભગ આઠ દિવસ બિલીપત્ર ફાર્મમાં શૂટિંગ ચાલ્યું પણ લોકોની અવરજવર ત્યાં કેમ ન હતી ? સામાન્ય રીતે એ જયારે પણ શૂટિંગ કરતો હોય તો લોકોને જિજ્ઞાસા રહેતી કે શું ચાલી રહ્યું છે ? શહેર કરતા ગામડાઓમાં ભીડ રહેતી. અજાયબી એ હતી કે એ એરિયામાં કોઈ ફરક્યું પણ ન હતું. ભીડ નહોતી એટલે શૂટિંગના કામમાં કોઈ ખલેલ નહોતી અને શૂટિંગ સરસ રીતે કરી શક્યા એ વાત જુદી હતી, પણ પ્રશ્ન તો હતોજ. જવાબ શોધવો કે કેમ એની ભાંજગડ મનમાં ચાલુ થઇ ગયી. શોભરાજે બિલીપત્ર ફાર્મ ખાતે ચુપચાપ કરેલા કેમેરાઓના શુટિંગને ડાઉનલોડ કરવા આસિસ્ટન્ટને કહ્યું. સ્ક્રીન ઉપર જયારે એમને એ શૂટિંગ જોયું તો એકદમ ડરી ગયા, અવાચક બની સ્ક્રિન ઉપર સરતાં ચિત્રો જોઈ તેઓ હચમચી ગયા. એકવાર તો એમ લાગ્યું કે કોઈ રેકોર્ડેડ શૂટ ઉપર શૂટિંગ તો નથી થયુંને. ફરી ફરી બે ત્રણ વાર આખું શૂટિંગ જોયું, પરંતુ એજ ચિત્રો સામે આવતા હતાં. એક રહસ્યને ઉકેલવા જતા, બીજું રહસ્ય સામે આવ્યું. મન હવે કોઈ બીજી દિશામાં દોડી રહ્યું હતું.
(ક્રમશઃ)