આકાશવાણીની અડફટમા હાસ્ય કલાકાર...!
( શ્રોતામિત્રો...! આજે આપણી વચ્ચે લોક મશહુર હાસ્ય કલાકાર ચમન ચક્કી ઉપસ્થિત છે. હસવું આવે કે નહિ આવે, પણ સૌએ ફરજીયાત હસવાનું છે. તો ચાલો આપણે એમનું સ્વાગત કરીએ. ) )
નમસ્તે… મેશભાઈ....!
મેશભાઈ....? મારૂ નામ રમેશભાઈ છે. હું મેશ લાગે એવું કામ કરતો નથી.
સોરી મેશભાઈ...! ( ધત્ત્ત તેરીકી પાછું ‘ રીપીટ ‘ થઇ ગયું. ) સોરી રમેશભાઈ, જ્યારથી ચૂંટણી જાહેર થઇ છે, ત્યારથી મારી જીભનું ‘ એલાઈમેન્ટ ‘ ખોરવાઈ ગયું છે.
ધારો કે રાહુલભાઈ ટોક આપવા આવે, તો તમે એમને પણ આવું જ કહેતાં હશો કે, ‘ નમસ્તે હુલભાઈ...! એમ આઈ રાઈટ ?
લ્યો, તમે તો સ્વાગતમાં જ સુરસુરિયા કરવા માંડ્યાં.
ચકલીનો ચ બોલવાની ફાવટ હોય તો, મારૂ ઉપનામ ચમન ચક્કી છે. ને લોકો મને લાડથી ચમનિયા તરીકે બોલાવે છે.
એની વે....આકાશવાણીની અડફટમા આપનું ‘ હાસ્યમય ‘ સ્વાગત છે.
આપ મારી ટીખળ કરો છો કે પ્રસંશા ?
પ્રસંશા સર...! અમારે ત્યાં જેવી જેની ટોક, એવી એની સ્વાગત પદ્ધતિ.
તો તો રસોઈ શોના ટોકરનું સ્વાગત, એવી રીતે કરતાં હશો કે, ‘ પધારો...પધારો, અમે આપનું ભાજીમૂળા જેવું સ્વાગત કરીએ છીએ. ‘ રાઈટ....?
જોક....જોક. વ્હોટ અ લવલી જોક...! જોયું, શ્રોતાજનો...? આને કહેવાય અસલી હ્યુમરીસ્ટ....! ‘
- આપ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા ખરાં?
- આપને કોઈ શંકા ?
- આપની પાસે ગુલાંટ મારવાની ફાવટ સારી છે.
- કંઈ સમઝાય એવું બોલો તો.
- ઓહ્હ...! સમઝો ને કે આ પણ એક જોક છે.
- હહાહાહાહાહા....!
- કેમ રાવણ જેવું હસ્યા ? આને નોનસ્ટોપ દાંડીયાની માફક નોનસ્ટોપ હાસ્ય કહેવાય.
- ભારે મઝાક કરો છો.
- હંઅઅઅ ને, કોઈ નેતા ટોક આપવા આવે તો એવું જ કહેતાં હશો કે, ‘ અમે આપનું સ્વાગત
મતદાનમય કરીએ છીએ. ‘
જોક...જોક ! લવલી જોક. જોયું, શ્રોતાજનો ? માત્ર સ્વાગત વિધિમાં જ આપણને હાસ્યના રવાડે ચઢાવી દીધાં.
એવું તો નથી ને, કે આપને અમારી હાસ્યમય સ્વાગતની પધ્ધતિ ગમી ના હોય ?
ગમી ને. ખુબ જ ગમી. આટલા પ્રેમથી તો મારી વાઈફ પણ મારૂ સ્વાગત કરતી નથી.
મીન્સ કે, બીજાની વાઈફ કરતી હશે.
મઝાક...મઝાક.
ચાલો સરસ આપને પણ વાઈફ છે.
કેમ ? આપને નથી
ઘણાને નથી હોતી એટલે.
મને લાગે આપણે હવે આગળ વધવું જોઈએ
હાસ્ય કલાકાર પાછળ આપની વાઈફનો હાથ ખરો ?
હા ઘણો બધો. ઘરમાં અટકવું એના કરતાં બહાર ટકવું શ્રેષ્ઠ લાગ્યું. એમાં અમે બંને સુખી થયાં.
વાંધો નહિ હોય તો આપની વાઈફનું અમારાં શ્રોતાઓને જણાવશો ?
ખુશીથી.
શું નામ છે ? એજ ખુશી....!
કેટલાં ખુશનશીબ
કોણ હું કે મારાં વાઈફ ?
બંને. વાઈફનું નામ ખુશી. ને તમારી કળા પણ ખુશ કરવાની. તમારે તો એક પગ દુધમાં ને બીજો દહીમાં.
એટલે તો પંચામૃત જેવું જીવન જીવે છે આ ચમનીયો.
આપની દ્રષ્ટિએ સુખી પતિ કોને કહેવાય ?
કંડકટર અને કલાકાર.
કારણ ?
બંનેને ઘરે ઓછું રહેવાનું આવે એટલે.
આપની વાઈફ, આ આકાશવાણી કાર્યક્રમ સાંભળતી હશે ખરી..?
હા. મારાં કરતાં તમારૂ એ વધારે સાંભળે. આઈ મીન રેડિયાનું....!
અમારાં માટે ખુશીની વાત છે.
એમાં બહુ હરખાવા જેવું નથી. કારણ કે રેડિયો સંભળાવે ખરો, પણ સાંભળી નહિ શકે એટલે.
જોક...જોક.
તમારી વાઈફ તમારૂ સાંભળે ખરી...?
હેંહેંહેંહેંહેં....! અફકોર્સ....!! રેડિયો ઉપર બોલતો હોઉં ત્યારે.
તમારી વાઈફનું નામ ?
એન્ડોફૂલોક્લીમાયટેન્શન
આ નામ કોઈ પ્રાણીનું છે કે વાઈફનું ?
ચલાવી લો ને ? વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઈમ ?
કેમ વાઈફે ધમકી આપી છે, કે ખબરદાર જો મારૂ નામ લીધું છે તો....!
સાચી વાત કહું ? લગન કર્યા ને ૪૫ વર્ષ થયાં. એમાં હું એનું નામ જ ભૂલી ગયો છું. બસ....જરૂર પડે ત્યારે કોઈપણ નામ પાડી દઉં. એટલે ગાડું ગબડ્યા કરે.
તારા કપાળમાં કાંદા ફોડું.
સર, તમે કંઈ બોલ્યા ?
ના ના આ તો યાદ આવ્યું કે, આજકાલ કાંદા ફોડવા પણ સહેલા નથી.
મારાં જેવી જ તમારી પણ હાલત લાગે છે.
સુખી સંસાર માટે અમારાં શ્રોતાઓને કંઈ કહેશો ?
સુખી થવાનો એક જ રામબાણ ઈલાજ. હસતાં રહો, ને એકબીજાના મામલામાં બહુ માથા નહિ મારો.
તમે એનું નિયમન કઈ રીતે કરો ?
સુહાગ રાતે જ અમારાં બે વચ્ચે એક ( એમ.ઓ.યુ. ) થયેલું. નાના નાના નિર્ણયો એમણે લેવાના, ને મોટા મોટા મારે.
મતલબ
નાના એટલે કે, પડોશણ સાથે કેવી ને કેટલી વાત કરવી, કેટલી ભાખરી ખાવી, ટુથબ્રશ કેટલાં મીનીટ સુધી કરવું, શ્વાસ ક્યારે લેવો ને ક્યારે છોડવો વગેરે એ સંભાળે. મારે માત્ર રાજકીય મામલો જ સંભાળવાનો.
છેલ્લે એક સરસ જોક સંભાળવો એટલે આપણે વિદાય લઈએ.
એક મીનીટ આપને શરદીની બીમારી ખરી ?
ના, ક્યારેય શરદી થઇ નથી.
ક્યાંથી થાય ? નાક હોય તો થાય ને ?
નમસ્તે.
***