દોઢીયું સંઘર્ષ
આજે હું કંઈક એવું કહેવા જઈશ કે જે સમય મારા જીવનમાં કદાચ પહેલીવાર જ ઘર કરી ગયો હશે. એ સમય હતો ગ્રીષ્મના તાપથી તપેલો અને સૂરજના પ્રકોપનો ચાર જુલાઈ ૨૦૧૭ નો દિવસ. જે કદાચ મારા માટે મંગળ પણ સાબિત થયો હોય, પણ ઉતાવળા હાથ ને ધ્રુજતા પગ એ મંગળ ને પણ અમંગળ સાબિત કરવા જાણે જંગમાં ઉતાર્યા હોય તેમ જમીનને બાથ ભીડતા હતા. પરંતુ હોશિયારીની નીડરતા પણ જાણે યુદ્ધ મેદાનમાં ઉતરી હોય તેમ પગને સાચી મંઝિલ તરફ દોરવા જઈ અને સંઘર્ષ સામે લડવા માટે જાણે સંમતિ આપી રહી હોય તેમ ઈશારા કરતી હતી . આજ સમય કદાચ મારી હોશિયારી દેખાડવા અથવા જગાવવા ઉપરવાળાએ સમયને મોકલ્યો હશે.
યાદોની વણઝારને આ પાછી ઠેલવાનો સમય જાણે બરાબર પાક્યો હતો. શું થશે ? ક્યારે કામ પર લાગશું ? એ વિચારમાં જ એ રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પરંતુ, સવારમાં જાણે ફરિસ્તો મને જાણે પાછો એજ સમયમાં લઇ આવ્યો જ્યાં આગળના દિવસની સવારમાં હતો, અને એજ ધ્યેય સાથે મન મક્કમ કર્યું કે એ સમયમાં પાછું પુનઃરૂથ્થાન કરવું છે. અમદાવાદ, પુણે અને વડોદરા જાણે મારા માટે ઘર આંગણા બની ગયા હતા.
કેટલાય વર્ષોનો પુણે જવાનો નીર્ધાર આજે સોળે કળાએ ખીલ્યો હોય એવો અંદર અનુભવ થતો હતો. અને એજ નીર્ધાર સાથેનો જીવનનો પ્રથમ સંઘર્ષ ચાલુ થયો પુણે સિટીથી, આજ સુધીમાં પહેલીવાર આ સિટીમાં પગ મુક્યો હતો. જરા અચંબો પામ્યો હતો પરંતુ મિત્રોએ ખાસ સાથ આપ્યો એટલે સંઘર્ષમાં જાણે સાંકર ભળી હોય એવું લાગવા માંડયું હતું. પહેલીવાર સિટીમાં પ્રવેશતા પણ જાણે મારા ઘર આંગણે આવ્યો હોય એવો અનુભવ થવા લાગ્યો હતો. પુણેમાં પહેલીવાર અને આજ સિટીમાં પહેલીવાર ઇન્ટરવ્યૂ આપવાનું હતું. મહાન કંપનીઓ અહીં જાણે ઊંચા ઉંચા સ્તંભ બનીને આપણા માથા પર ઉભી હોય એવું લાગતું હતું.
અહીં આ બધું જોતા અમદાવાદ તો જાણે મારા ગામ જેવું લાગતું હતું. પરંતુ, અચાનક જ વળ્યો ને મનને કહ્યું, "નહીં! અમદાવાદને તોલે કોઈ ના આવી શકે.", એમ મન માનવીને પાંચ દિવસ પુણે સિટીમાં કાઢ્યા . પહેલીવારનું ઇન્ટરવ્યૂ જાણે હું ઘર આંગણે રમત રમતો હોય તેમ આપ્યું અને સાથે બીજા ઘણા ઈન્ટરવ્યું આપ્યા. સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ દિવસનું રહેવાનું જાણે મારા માટે અહોભાગ્ય હતું. સિટીનું નજરાણું તો જાણે મારા હૃદયાકાશમાં કાંડોરાય ગયું હતું. સગાઓને પણ મળવાનું થયું જાણે હું મારા ઘરમાં જ હોય તેવો અનહદ અનુભવ થવા લાગ્યો. અને બાર જુલાઈનો એ દિવસ આવ્યો કે મારે પુણેને અલવિદા કહેવાનો સમય આવી ગયો. એજ પુણેના સંઘર્ષના અંતનો સંકેત હોય તેવું લાગતું હતું.
અને પાછો એ આનંદનો દિવસ આવી ગયો કે મેં મારા અમદાવાદ શહેરમાં બરાબર છ દિવસ પછી પગ મુક્યો. જાણે હું મારા ગામડે, મારા ખોરડામાં પગ મુકતો હોય તેવો સુલભ અનુભવ થવા લાગ્યો હતો. હવે આજ દિવસથી અમદાવાદ અને વડોદરામાં મારો મહિનાનો સંઘર્ષ ચાલુ થયો. પુણેની ઓફરને જાણે અમદાવાદ પી ગયું હોય એવું થવા લાગ્યું. મારી આવડતને વધારે વેગ મળ્યો. નવા નવા માણસો સાથે સંપર્કમાં આવતા વધારે પરિચિત થતો ગયો. નવી નવી અને મલ્ટિનેશનલ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપવાથી ખુબ જ વધારે જાણવા મળ્યું અને આવડતમાં સતત વધારો અને પ્રગતિ થતી હોય તેવું અનુભવવા લાગ્યું.
હા, ખાસ આ દોઢ મહિનાના સંઘર્ષમાં હળવાશના દિવસોને પણ ભૂલી નહિ શકું. મારી પન્નુને ત્રણ દિવસ મળવા જવું, વ્રતનું જાગરણ કરાવવું અને એમની સાથે ફરવા જવું. આ દિવસો જાણે સંઘર્ષના દિવસોમાંથી બાદ થતા હોય તેવું લાગતું હતું. એ સમયે જાણે સંઘર્ષ થંભી ગયો હોય એવું લાગતું હતું. સંઘર્ષ પણ જાણે આ હળવાશના દિવસો માણી રહ્યું હોય એમ જણાતું હતું.
વડોદરામાં પણ પગ માંડ્યા અને ત્યાં પણ સંઘર્ષ ચાલુ જ રાખ્યો. બધી જગ્યાએથી હા. હા. હા.. પણ ? અંતિમ તબક્કામાં ના. ના.. જયારે પગારની વાત થતી અને એજ સમયે મન મનામણાં ચાલુ થાય ને મનને પણ જાણે ચકડોળમાં બેસીને માજા કરવાનું મન થતું હોય તેવો અહેસાસ થતો હતો.
અને... એ દિવસ આવી ગયો જે ભાગ્યવિધાતાએ જ જાણે પોતાના ચોપડામાં લખ્યો હતો. એ દિવસ હતો વિસ ઓગસ્ટ ૨૦૧૭ નો દિવસ જાણે કે આભમાંથી વરસાદના બુંદ પડે અને મોર સોળે કળાએ નાચે તેમ મારુ મન પણ એજ અવસરની વધામણીમાં નાચતું હતું. અને આ ભાગ્યવિધાતાએ મારુ ભાગ્ય અમદાવાદ જ ઘડયું હોય તેમ આટલા દોઢ મહિનાના સંઘર્ષો પછી અમદાવાદ જ રહેવાનું થયું અને આ સંઘર્ષે અંતે મને મારુ અમદાવાદ જ બહુ સારા વેતન સાથે પાછું આપ્યું.
હા... આ દોઢ મહિનાના સંઘર્ષમાં હું ઘણું શીખ્યો, ઘણાના પરિચયમાં આવ્યો જે મારા માટે સંઘર્ષ કરતા પણ અવસર બની ગયો હોય તેવું મને અત્યારે પણ લાગી રહ્યું છે. અને જીવનનો આ પહેલો કડવો સંઘર્ષનો અનુભવ મને મારી આગળની જીંદગી વિષે પણ ઘણું શીખવી ગયો. આ સાથે જ મારા આ "દોઢીયું સંઘર્ષ" ની કહાની ને વિરામ આપું છું.
આમ તો ઘણા સંઘર્ષોને પચાવ્યા હતા પણ આ સંઘર્ષ તો મને ઘણું શીખવી ગયો. અહીં મને એ પણ મોકો મળ્યો કે મને મારી સંઘર્ષની વ્યથા સાચા અર્થમાં રજુ કરવાનો એક અવસર મળ્યો. અહિં એ કહેવું ઘટે કે સંઘર્ષભરી જીંદગી કાયમ માટે હોતી નથી. આ દોઢ મહિનાના સમય દરમ્યાન મને એવું લાગેલું કે શુ કુદરત મારી સાથે રમી રહ્યું હશે, પણ જયારે સંઘર્ષનું રીસલ્ટ આવે ત્યારે જ ખબર પડે કે નય આપણી સાથે હંમેશા સારું જ થતું હોય છે પણ રીત જોવાની અને એ પ્રમાણે ચાલવાનું એ અલગ હોય છે જે મને આ સમયમાં ખાસ જાણવા મળ્યું.
રસ્તો નોતો ભટક્યો પણ રસ્તા પર ચાલવા, એ સંઘર્ષના કાંટાળા રસ્તાનો માર્ગ એ પાર કરવા જાણે ઉપરવાળાએ મને એ દિશા બતાવી હતી એવું આજે કંઈક મનમાં ગુંજી રહ્યું છે. જેને હું મારા જીવનના એક પાસ ની કસોટી માનું કે મારુ અહોભાગ્ય માનું. એજ કંટાળો રસ્તો ક્યારેક મારી મંઝિલ પણ બની છે. ક્યારેક કવિ હૃદય પણ બન્યું છે.
"એ મારગ પણ કેમ સાંપડયો મને જેની કદી રાહ પણ હતી નહિ, આચાનક આવ્યો તુંતો મને ખબર પણ આપી નઈ ને .. "
"આવ આજે તો એ મારગને પણ પાર કરવા ઉતાર્યો છું જંગમાં, ક્યારેક તો જીતીશ તને આવ મારા સંગમાં .."
"જીંદગીના હાર પળમાં તું રેજે, પણ હા ક્યારેક તો મોજણી જીંદગી દેજે
ભલે હોય આમારું કામ, રેવા દેજે સદાય એનું નામ ..."
સંઘર્ષના ઘણા પાસાઓ હોય છે. જેમાં શારીરિક અને માનસિક બંને સંઘર્ષનો સમાવેશ થાય છે. પરંતુ, હા, આવા સંઘર્ષો માંથી પાસ થવાથી જ કંઈક નવું શીખવા મળે છે, આવડત માં વધારો થાય છે, દુનિયા શું છે ? આપણે ક્યાં છીએ ? તેની બરાબર જાણ થાય છે.
"સંઘર્ષ વિનાનું અંજવાળું કાયમ માટે અંધારું જ હોય છે .. ભલેને આવડત હોય સારી પણ અંતનો સામનો હોય છે ..
"આવ જરા સંઘર્ષને ચાખીએ દોસ્ત, સ્વાદમાં એના જીંદગીની સાચી મીઠાશ છે દોસ્ત ..."
"જય જય ગરવી ગુજરાત"