Gangaba in Gujarati Short Stories by Hitendrasinh Parmar books and stories PDF | ગંગાબા

Featured Books
Categories
Share

ગંગાબા

ગંગાબા

“રમા બેન, ફટાફટ હાથ પગ ઉપાડો. સમય બહુ ઓછો છે. ”

“બા, હું માણસ છુ, પેલું શું કે’વાય?.. હા, રોબોટ નથી!”

“હા, હવે. તમારી જીભ જેટલા જ તમારા હાથ ચાલતા હોત તો મારે કે’વુ જ ના પડત”

ગંગા નિવાસ માં સવાર સવાર માં દોડાદોડી ચાલુ થઈ ગઈ હતી. છૂટા છવાયા ઘરો માં નું એક એટલે આ એક ગંગા નિવાસ. ઘર ના માળ કરતા ઘર ના સભ્યો ઓછા. ગંગાબા અને તેમણે ત્યાં કામ કરતા અને ત્યાં જ રહેતા રમા બેન. છેલા નવ વર્ષ થી રમા બેન ગંગાબા ની સેવા કરતાં. સરૂઆત માં ફક્ત કામ કરવા પૂરતા રાખેલા બાદ માં રમા બેન ની કામ નિષ્ઠા જોઈ ને ઘર માં જ રહીને સેવા કરવાનું ફરમાન કરેલું. આમ પણ રમા બેન ને એમના પતિ સાથે એક વર્ષ માં જ છૂટા-છેડા થઈ ગયેલા અને એ ભાડા ના મકાન માં એકલા રેહતા હતા. છેલા નવ વર્ષ માં ગંગાબા એ ક્યારેય એમના છૂટા-છેડા નું કારણ પુછ્યું પણ નહી અને એ વિશે વાત પણ ના કરેલી. ગંગાબા આમ પણ કામ વગર ની વાત કરવામાં સમય વેડફતા નહી.

આજનો દિવસ કઈક ખાસ હતો. આજે શાંતિલાલ નો જન્મ દિવસ હતો અને આજે જ ગંગાબા અને શાંતિલાલ ની 45 મી લગ્ન ની વર્ષ ગાંઠ હતી. ગંગાબા ની ઉમર આશરે સાઇઠ એક વર્ષ અને શાંતિલાલ ગંગા બા થી પાંચ એક વર્ષ મોટા. આજના દિવસ ની તૈયારી ગંગાબા એ અઠવાડીયા પહેલા જ શરૂ કરી દીધી હતી. કયા રંગ ના પડદા લગાવાસે... ખાવામાં શું રાખીસુ.. સાડી કઈ પહરું અને બીજી ઘણી નાની મોટી મૂંઝવણ. અત્યારે આ બધી તડામાર તૈયારી માટે જ ગંગાબા અને રમા બેન વચ્ચે રક-જક ચાલુ હતી.

“રમા બેન તમને તો ખબર છે કે એમને કેક બેક તો ભાવતી નથી. એટલે એમનો મનપસંદ સોજી ના લોટ નો શીરો કરીશું”

“હા બા હા, ખ્યાલ છે.. દર વરસ ની જેમ”

“હા તો ઊભા છો શું, લાવો બધો સામાન”

“ઓ માડી... સોજી નો લોટ તો લાવાનો જ રહી ગ્યો”

“ખબર જ હતી મને કઈક ગડબડ કરવાના, એક કામ માં સારાવાટ ના હોય”

“એય, ચીકુડી! જા જલદી સામેથી પાંચસો ગ્રામ સોજી નો લોટ લઈ આય”. ચીકુ રમાબેન ના બેન ની દીકરી. , આજે કામ માં મદદ કરાવા બોલાવી લીધેલી.

“બા, તમે જઈ ને ગેસ ચાલુ કરો. ત્યાં સુધી માં લોટ આઈ જશે”

ગંગાબા એ બબડતા બબડતા રસોડા તરફ પ્રયાણ કર્યું.

“બા, શીરો તમે બનાવી નાખ્યો, પડદા લગાઈ ગયા, બધા રૂમ પણ સફાચટ થઈ ગયા, હવે બાલો શું બાકી?”બા કોઈ નવું કામ ના સુજાડે એ આશા એ રમાબેને પ્રશ્ન પૂછ્યો.

“કામ માં તો આમ કઈ નહી.. હા ફોટો આલ્બમ સાફ કરવાનો છે. પણ એ તો હું જ કરીશ. જાઓ અંદર ના કબાટ માથી લેતા આઓ. ”

આલ્બમ ના પન્ના જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ ગંગાબા વર્ષો ના વર્ષો પાછળ ઢસડાઈ રહ્યા હતા. અને એક ફોટા પર તેમની વૃદ્ધ નજર અને સમય બની થંભી ગયા.

“ગંગા, લગ્ન ના આટલા વર્ષો બાદ પણ હું તને બાળક નું સુખ ના આપી શકયો”

શાંતિલાલ સાથે નું દ્રશ્ય ગંગાબા ની સામે આકાર લઈ રહ્યું હતું.

“હોય કાઇ, આ તમારી શાળા અને ટ્યુશન ના વિધ્યાર્થીઓ આપણાં જ બાળકો છે ને”

“હા પણ અમુક ખાલી જગ્યાઓ માટે પૂરક થી કામ ના ચાલે” શાંતિલાલ ગંગા ની આંખો વાચતા હોય તેમ કહ્યું.

“જુઓ, આપણે એક બિજા ને આટલા વર્ષો બાળક ની જેમ જ સાચવ્યા છે ને, આગળ પણ સાચવતા રહીશુ. દરેક વાત ની એક સકારાત્મક બાજુ હોય છે. આપણે આખી જિંદગી જો એ બાજુ નો આધાર લઈ ને જીવીએ તો ક્યારેય દુખી નહી થઈએ”

“આ બધુ તું મન મનાવવા બોલે છે બાકી તો... ”

અને અચાનક કાચ ની વસ્તુ ફૂટવાનો અવાજે ગંગાબા ને પાછા વર્તમાન માં લાવી ને મૂકી દીધા.

“શુ થયું?” ગંગાબા તાડૂકયા.

“કઈ નૈ.. આ ચીકુડી ના હાથ માથી બરણી છૂટી ગઈ” રમાબેન નો બાર થી આછો અવાજ આવ્યો.

થોડી વાર પછી ગંગાબા ફરી પાછા આલ્બમ ના પાનાં ફેરવવા લાગ્યા અને સૌથી છેલા ફોટા પર હાથ ફેરવતા આજે પણ એમના કરચલી વાળા હાથ ધ્રુજી ગયા. આ ગંગાબા અને શાંતિલાલ નો એકસાથે છેલો ફોટો હતો.

“કેમ આજે બહુ ચિંતા માં લાગો છો. શુ થ્યુ?”

“શુ વાત કરું ગંગા, આજ કાલ ના છોકરા ની નફ્ફટાઇ ની કોઈ સીમા નથી”

“પણ થયું શુ.. માંડી ને વાત કરો” ગંગાબા અકળાયા.

“અરે આજે એક છોકરા ને વર્ગ માં દારૂ ની બાટલી સાથે પકડ્યો.. અને પાછો અડધી તો ઢીંચી ને બેઠો’તો”

“હાય હાય... પછી?”

“પછી શુ... નફ્ફટ ને આખી શાળા વચ્ચે બે થપ્પડ ચોડી દીધી” શાંતિલાલ ગરમ ઊચા અવાજે બોલ્યા.

“બરાબર કર્યું.. આવા લુચ્ચા ને આવી જ સજા કરાય”

“પછી વાત પણ મળી કે એ કોઈ અમિર બાપ નો નબીરો હતો, પે’લા પણ ઘણી વાર પકડાઈ ગયો હતો. આવા નફફટો ને જોઈ ને ઘણી વાર મને આપણાં નસીબ પર માન પણ થાય છે. આવા છોકરા ઓ કરતાં તો આપની જેમ કોઈ છોકરા ના હોવા સારા”

“બસ બસ હવે.. ગુસ્સો શાંત કરો. આજે શુ નક્કી કર્યું’તું આપણે, કે બગીચા માં આંટો મારવા જવાનું. ચાલો તૈયાર થઈ જાઓ. હું પણ સાડી બદલી લઉં” અને ગંગા બા બેડરૂમ તરફ ભાગ્યા.

“બા…દાદા! આવી જાઓ એક મસ્ત ફોટો પાડી દઉં” બગીચા માં એક ફોટોગ્રાફરે ગંગાબા અને શાંતિલાલ પાસે આવી ને કહ્યું.

“હવે આ ઉમરે ક્યાં ફોટો ને બધુ” શાંતિલાલ કંટાળા સાથે બોલ્યા.

“અરે દાદા સવાર થી એક પણ બોની થઈ નથી.. પડાવી લો ને આવું શુ કરો છો” ફોટોગ્રાફર દયામણા શ્વરે બોલ્યો.

“સારું સારું દીકરા.. ખેંચી લે બસ ફોટો” હવે ગંગાબા વચ્ચે પડ્યા.

“કાલે સવારે તમને રૂબરૂ ફોટો પહોચતો કરી દઈસ” ફોટોગ્રાફરે શાંતિલાલ પાસે થી સરનામું લેતા કહ્યું.

“ચલ ચલ હવે અંધારું થવા આયુ” શાંતિલાલ ગંગાબા ને હાથ પકડી ને બહાર ની તરફ લઈ ગયા.

હજુ એ લોકો બગીચા ની બહાર નિકળ્યા જ છે ત્યાં એક ફૂલ સ્પીડ થી આવતી એક ગાડી તેમની બાજુ માં આવી ને ઊભી રહી અને તેમાં થી ચાર-પાંચ છોકરા નું ટોળું બહાર નિકળ્યું.

“ડોસા... આખી સ્કૂલ વચે તે મને લાફો માર્યો’તો ને” ગંગાબા કે શાંતિલાલ કઈ સમજે એ પહેલા જ ટોળાં માથી એક છોકરો શાંતિલાલ ના માથા પર લોખંડ ની પાઇપ મારી એજ ગતિ એ છોકરાઓ ગાડી માં બેસી પલાયન થઈ જાય છે.

આ બાજુ શાંતિલાલ ના માથા માંથી અવિરત લોહી વહેતુ જોઈ ગંગાબા ચીસ પાડી ઉઠે છે. આકાશ માં સૂરજ ડૂબવાની તૈયારી માં હતો. શહેર પહેલા ગંગાબા ના જીવન માં જાણે અંધકાર વ્યાપી ગયો.

“બા... બા... ” રમાબેન ગંગાબા ને બે હાથે હલાવી પાછા વર્તમાન માં ઢસડી લાવે છે.

“આ આલ્બમ સાફ કરતાં કરતાં ક્યાં ખોવાઈ ગયા?”

“ક.. ક.. ક્યાંય નહી” ગંગાબા ને સ્વસ્થ થતાં બે મિનીટ જેટલો સમય લાગ્યો.

“ચાલ જલ્દી... આરતી ની થાળી તૈયાર કર, એ આવતા જ હસે હવે” દૂર થી કોઈ વાહન નો અવાજ સાંભળી ગંગાબા ફરિયા તરફ નાઠા.

એક એમ્બ્યુલન્સ ના પૈડાં એમના ઘર ની નજીક આવી ને થંભી ગયા. જર્જરિત થઈ ગયેલા બોર્ડ પર “વિશ્રામ મેન્ટલ હોસ્પિટલ” વંચાતું હતું. આગળ થી બે માણસો ઉતરી ને પાછળ થી શાંતિલાલ ને વ્હીલચેર પર બેસાડી લાવી રહ્યા હતા.

આ બાજુ ગંગાબા આરતી ની થાળી લઈને તૈયાર ઊભા હતા. કોઈ એક જ બિંદુ પર તાકી રહેલી આંખો, નમી ગયેલી ગરદન, વ્હીલ ચેર પર ઢગલો થઈ ને પડેલું શાંતિલાલ નું શરીર કોઈ જીવિત લાશ સમાન ભાષતું હતું. પણ ગંગાબા માટે આ એ જ શાંતિલાલ હતા જે પંદર વર્ષ પેહલા હતા.

ચાંદલો કરી-આરતી ઉતારી ગાંગબા તેમણે ઘર ની અંદર લઈ ગયા.

“જુઓ, તમારો મનપસંદ સોજી ના લોટ નો શીરો. આ વખતે તો ખાવો જ પડશે”॰ કહી ને ગંગાબા એ એમની સામે ચમચી ધરી. પણ શાંતિલાલ ની મુખારવિંદ પર કોઈ ફરક ના જણાયો.

“પહેલે થી જ એક નંબર ના જીદ્દી છે.. એ દિવસે બગીચા માં આંટો મારવા લઈ ગઈ એની આટલી મોટી સજા?!”ગંગાબા ત્યાં ઉભેલા બધા ની સામે જોઈ ને હસતાં હસતાં બોલ્યા. પણ એમની આંખો માંથી નિકળતી વેદના કોઈ ના થી છૂપી નહોતી.

“ચાલો.. સમય પૂરો” એમ્બ્યુલન્સ સાથે આવેલા માણસે સૂચના આપી.

“દીકરા, ડોસી પર થોડી તો દયા કર. થોડી વાર તો વાતો કરવા દે”ગંગાબા એ નાના બાળક ની જેમ જિદ્દી શ્વરે બોલ્યા.

“બા.. તમને તો ખબર જ છે. આમ વધારે વાર બહાર રહેવું એમના માટે ઠીક નથી. હવે દવા નો અસર પણ પૂરો થવા આવ્યો છે” સાથે આવેલ ડોક્ટરે સલાહ આપી.

“તને આ બધુ જોઈ ને અજુકતું લાગતું હસે નહી.. મને પણ શરૂ શરૂ માં એવું જ લાગતું.. વાત એમ છે કે પંદરેક વરસ પે’લા શાંતિલાલ પર હુમલો થયેલો. જેમાં એ એમની યાદશક્તિ અને માનસિક હાલત બંને ખોઈ ચૂક્યા હતા. થોડા વરસ તો ગંગાબા એ એમની ઘરે જ સેવા કરી પણ પછી હાલત વધારે બગડતા હોસ્પિટલ માંથી એમને ઘર માં રેહવાની અને કોઈ સાથે વાતચીત કરવાની મંજૂરી ના મળી. ગંગાબા એ જેમ તેમ કરી વરસ માં એક વખત મળવાની મંજૂરી હોસ્પિટલ માથી મેળવી. દર વર્ષે આ દિવસે આ જ દ્રશ્ય હું જાઉં છું અને બા ની હાલત પર દુખી થાઉં છું. બા ને વિશ્વાસ છે કે એક દિ’ દાદા ફરી પાછા સજા-સરવા થઈ જશે” રમાબેન એમની સાથે આવેલ ચીકુડી ને સમજાવી રહ્યા હતા.

વ્હીલચેર અને શાંતિલાલ ફરી પાછા એંમ્બ્યુલન્સ માં ગોઠવાઈ ગયા. એંબ્લ્યુલન્સ ની પાછળ ઉડ્તી ધૂળ માં ગંગાબા ની ભીની આંખો શાંતિલાલ નો એ હસતો અને નિખાલસ ચેહરો સોધી રહી હતી.

હિતેન્દ્રસિંહ પરમાર