આંસુડે ચિતર્યા ગગન
(34)
‘શું શાંતિથી વિચારવાનું છે ?’ લાભશંકરકાકા આવ્યા અને બોલ્યા…
‘ના રે કાકા… કશું ખાસ નહીં… અમે વિચારતા હતા – ભાભીને અંશીતાના મૃત્યુ વિશે ખબર શી રીતે આપવી…?’
‘હું પણ એ જ વિચારું છું. પણ અર્ચના તમે શું વિચારો છો ?’
‘એક નાનકડું જોખમ છે. અને તે આ આંચકો તેમને સ્થિતપ્રજ્ઞતામાંથી બહાર કાઢશે. પણ એકાદ દિવસ વિચારોના તુમુલ યુદ્ધને એમનું મગજ કેવી રીતે ખાળશે ? તે જોયા પછી નક્કી કરાય.’
‘હું એમ વિચારતો હતો કે આ છ મહિનાનો ગેપ બતાવવા છાપાનો ઉપયોગ કરીએ તો?’ અંશ બોલ્યો.
‘કેવી રીતે ?’ અર્ચનાએ પૂછ્યું.
‘હમણાં તે સિંહાની મારામારીના અને અંશીના આઘાતથી પીડાય છે ને ?’
‘હા તો બિંદુને તે સમયનું છાપું આપીએ જેમાં સિંહાના પકડાયાના તથા અંશીતાના મૃત્યુના સમાચાર છે. ’
‘પણ તેમાં તો શેષભાઈ પણ નથી મળ્યા. શોધખોળ ચાલુ છે. તેવું પણ છે જ ને…’
‘અંશ , શેષ તેને આ છાપું ગઈકાલનું છે એમ કહીને આપે તો ?’ લાભશંકરકાકા બોલ્યા
‘કદાચ પ્રયત્ન કરી શકાય.’ – અર્ચના
‘એ સિવાય બીજો પ્રયત્ન પણ કરી શકાય.’ – અંશ
‘શું ?’ – અર્ચના
‘એમને સાચી જ હકીકત કહીએ. જે રીએક્શન આવવાના હોય તે ભલે આવે.’ – અંશ.
‘હં ! પણ ખબર છે રીએક્શન શું આવે ?’ – અર્ચના
‘ના…’
‘હું માનું છું કે દરેક એક્શનનું સાઈડ રીએક્શન હોય બંને પ્રકારનું આવી શકે.’
‘એટલે સુધરેલી બાજી બગડે પણ ખરી… અને સુધરેલી બાજી સુધરે પણ ખરી. ’
‘જેવી રીતે આ કાર સાથે અથડાઈને વધુ સાજા થઈ ગયા તેમ. ખરું ને ?’
‘હા ચાલો તમે હવે મૂળ વાત ઉપર આવો – શું કરશો એ નક્કી કરો.’ લાભશંકરકાકા બોલ્યા.
‘તમે અંશીતાના મૃત્યુવાળું સમાચારપત્ર પણ આપો – અને હું બાજી સંભાળી લઈશ.’
‘કેવી રીતે ?’
‘ઘેનની અસરમાં તેઓ જ્યારે સૂવાની તૈયારીમાં હશે ત્યારે રડારોળ કરીને એમને કહી દઈશું. મગજ જાગૃત હશે તો રીએક્શન દેખાશે. અને તન્દ્રામાં હશે તો સૂઈ જશે.’
‘ભલે.’
તે દિવસે સાંજે તંદ્રાવસ્થામાં શેષે બિંદુને અંશીતાના મૃત્યુના સમાચાર આપ્યા પરંતુ તેને કંઈજ ખબર ના પડી. બિંદુભાભી સૂઈ ગયા.
સવારે ઊઠતાંની સાથે ફરીથી એ જ રડારોળ અને નાનકડી અંશીતાના ફોટા ઉપર ફૂલ અને દીવો. આ બધું જોઈને પણ બિંદુભાભી પર કોઈ જ અસર ના થઈ.
શોક ટ્રીટમેન્ટ જરૂરી થઈ પડી.
ટ્રીટમેન્ટ ચાલતી રહી. રીકવરી આવતી રહી. દરેક જણ પોતપોતાની દુનિયામાં ગોઠવાઈ ગયા. ત્રણ ચાર મહિના વીતી ગયા પછી શોક ટ્રીટમેન્ટ – દવા અને શેષભાઈની માવજતથી બિંદુભાભી પાછા ફર્યા.
***
શેષભાઈ અમદાવાદ શીફ્ટ થઈ ગયા હતા. બંને ભાઈઓ સાથે જ રહેતા હતા. અંશ અને શેષની નામરજીથી સમાંતર માતૃત્વમાં અર્ચના પણ હતી. ધીમે ધીમે બધું થાળે પડતું જતું હતું. શેષનું ટુરિંગ પણ હવે રેગ્યુલર થતું જતું હતું. ઘરમાં નાથુ બિંદુના કામકાજમાં મદદમાં રહેતો. અર્ચના અને અંશ ક્લીનીક ઉપર જતા. છેલ્લો વળાંક પ્રેગનન્સી પછી આવે તેમ બંને ઇચ્છતા હતા.
***
બિંદુ ઘરે એકલી હતી ત્યારે શાંતા આવી – ‘કેમ છો ભાભી ?’
‘સારું બહેન.’
‘દવા યોગ્ય રીતે લો છો ને ભાભી ?’
‘હા . પણ શાંતા – કેમ ઘણા વખતે દેખાઈ ?’
‘શું કરું ભાભી તમે તો ઘરે આવી ગયા, ને અમારી ડ્યુટી તો ક્લીનીક પર જ હોય ને ?’
‘હા વાત તો સાચી છે તારી. પણ આજે કેમ આવવું થયું ?’
‘અહીંયાંથી જતી હતી તો થયું કે ચાલો તમને મળતી જાઉં.’
‘ક્યાં છે અત્યારે તારું ઘર ?’
‘અહીં નજીકમાં જ છે ભાભી .’
‘તારા ઘરવાળા શું કરે છે ?’
‘ગવર્નમેન્ટ નોકરી છે. પણ જંજાળ વધુ એટલે શું કરીએ ? હમણાં જ નોકરી ઉપર ચડી. આ વખતે તો એમને સમજાવીને ડૉક્ટર પાસે લઈ આવી અને ઓપરેશન કરાવ્યું.’
‘કેટલા બાળકો છે તારે ?’
‘ત્રણ દીકરી ને આ ચોથો દીકરો.’
‘ચાલો સારું છે.. ’
‘ભાભી હવે ઊંઘ આવે છે ને બરાબર ?’
‘કેમ ?’
‘તમે દવાખાનામાં હતા ત્યારે અર્ચના બહેન ઊંઘની ગોળી રોજ આપવાનું કહેતા હતા.’
‘કેમ ઊંઘની ગોળી ?’
‘એ તો ભાભી અમને શું ખબર ? પણ માનસિક રોગના દર્દીને ઊંઘ જેટલી વધુ આવે તેટલું સારું.’
‘હં…. હશે.’
‘એક દિવસ હું એ ગોળી આપવાનું ભૂલી ગઈ હતી. તો બીજ દિવસે સાહેબે મને બહુ ખખડાવી. મને તે ગમ્યું નહોતું. પણ પછી હું તરત સુવાવડની રજા ઉપર ઉતરી ગઈ હતી.’
‘તો આ સુવાવડમાં આવેલો દીકરો કોના જેવો છે ?’
‘છે તો એમના જેવો – પણ ભાભી મને તે દિવસે પહેલી વખત સાહેબે મારા ઉપર ખોટી રીતે ગુસ્સો કાઢ્યો હોય એમ લાગ્યું. અને મને યાદ આવ્યું એટલે બેનને ચિઠ્ઠી પણ લખીને આવી હતી જેથી કોઈ તકલીફ ન થાય.’
‘હં ! બીજું બોલ કંઈ કામ છે ?’
‘ના ભાભી, પણ નર્સિંગનું થોડું જાણું છું એટલે એક વાત કહેવાનું મન થાય છે..’
‘કહે -’
‘જરૂર ન પડતી હોય તો હવે ઊંઘની ગોળી ન લેશો.’
‘એટલે ?’
‘સુવાવડમાં એની માઠી અસરો પડે છે.’
‘હેં ?’
‘હા.. અર્ચના બહેન હજી કદાચ તમને આપતા હોય.’
‘……..’
થોડી વારની ચુપકીદી પછી બિંદુ એ પૂછ્યું
‘હે શાંતા, કઈ ગોળી ઊંઘની હોય છે ?’
‘ઝીણી સફેદ ગોળી હોય છે.’
‘સારું – હું અંશભાઈને પૂછી જોઈશ.’
‘જો જો ભાભી મારું નામ ન આવે…’
‘ગાંડી થઈ છે ?’
‘લો ભાભી ત્યારે આવજો.’
‘ભલે – બીજું કંઈ કામ હતું ?’
‘હા ભાભી, ૫૦ રૂપિયા જોઇતા હતા..’
‘કેમ ?’
‘આ મોટીની સ્કૂલની ફી ભરવાની છે અને ડ્રેસ પણ લેવાનો છે.’
‘ભલે. પણ ક્યારે પાછા આપીશ ?’
‘આવતા પગારે.’
‘અંશને કહું કે કાપી લે ?’
‘ના ભાભી એમને ના કહેશો હું જ આવીને આપી જઈશ. મારે તો આ રોજનો રસ્તો છે ને?’
‘સારુ આવજે…’
‘આવજો ભાભી…’
***
સાંજે જમવા સાથે બેઠા હતા. ત્યારે બિંદુએ અંશને પૂછ્યું – ‘હેં અંશભાઈ હું ગાંડી કેમ થઈ ગઈ હતી ?’
‘અંશીતાનું મૃત્યુ અને શેષભાઈનું ન મળવું એ બે કારણો ભેગા થયા હતા તેથી.’
‘તો ફરી સાજી કેવી રીતે થઈ ?’
‘ઉપકાર માન આ તારી દેરાણીનો – એની સારવારથી સાજી થઈ.’ શેષભાઈ બોલ્યા.
‘અને અંશભાઈનો નહીં ?’
‘હા એનો પણ ઓછો હાથ નથી .’
‘અર્ચના મને આ ઝીણી સફેદ ગોળી શાની આપે છે ?’
બિંદુના પ્રશ્નથી એકદમ સન્નાટો છવાઈ ગયો. ધીમે ધીમે કળ વળતાં અર્ચનાએ કહ્યું – ‘કેમ ભાભી એમ પૂછવું પડ્યું ?’
‘ના બસ ખાલી એમ જ… પણ મેં જોયું કે તું અને હું બંને સરખી દવાઓ તો લઈએ જ છીએ પણ હું જેઠાણી એટલે એક નાની ટીકડી વધુ ગળું છું કેમ ખરું ને ?’
‘ના ભાભી એવું નથી. એ ઊંઘની ગોળી છે. તમે દિવસભર આરામ ન કરો અને રાત્રે પણ સરખી ઊંઘ ન આવે તો તેનાથી શરીર ઉપર માઠી અસરો પડે.’
‘તને ઊંઘ આવી જાય છે ?’
‘ના હું પણ લઉં છું. અને આ તમારા દિયર કંઈ છોડે એવા છે ? વળી આપણે તો એમના ચાર્જમાં ને… રાત્રે જબરજસ્તી કરીને પણ લેવડાવે છે.’ અર્ચનાએ જૂઠો બચાવ કર્યો.
‘શેષ અહીં ન હોય અને ગોળી લઉં તો વાંધો નહી પણ શેષ અહીં હોય ત્યારે ગોળી લેવાની ઇચ્છા નથી થતી…’
‘કેમ ?’ અંશે એકદમ પૂછ્યું.
‘શું કહું અંશભાઈ – એમની સાથે બે ઘડી બેસાતું પણ નથી. એટલી બધી ઊંઘ આવે છે.’
‘હોય… હવે આ પાંચ છ મહિનાની જ આ તકલીફ છે ને…?’
‘પણ એ રાત્રે મોડા આવ્યા હોય અને ના ખાધું હોય ત્યારે જાતે ફ્રીજનું ઠંડું ખાવાનું ખાય છે તે મને અજુગતું લાગે છે.’