Premni Jeet ke pachhi in Gujarati Love Stories by Parth Toroneel books and stories PDF | પ્રેમની જીત કે પછી...

Featured Books
Categories
Share

પ્રેમની જીત કે પછી...

એકબીજાના હાથનો સ્પર્શ બન્નેની ખુશહાલ આંખોમાં આગિયાની જેમ ઝબકી ઉઠ્યો. ક્ષણ ભર માટે મિત્રતાની મૈત્રીને પર અનુભવાતી લાગણીએ બન્નેના દીલમાં પ્રેમના તાર ઝંકૃત કરી મૂક્યા હોય એવો અહેસાસ થયો. બન્નેનું હાસ્ય ધીમું પડતાં જ આંખોમાં શર્મિલો ભાવ તરી આવ્યો. એકબીજાના હાથનો સ્પર્શ દિલના કોઈક ખૂણામાં પ્રેમની ચિનગારી સળગાવી છૂટો પડ્યો. આહલાદક વાતાવરણમાં એકબીજાને જોઈને મલકાતું હાસ્ય અને ચોરીછૂપી નજરની આપ-લે વચ્ચે પ્યૂને દરવાજે આવીને પૂછ્યું, “શ્રેયા?”

“હા...” શ્રેયાએ કહ્યું.

“તમારી મમ્મીનો ફોન આવ્યો હતો, એમને કહ્યું કે તમારા ભાઈને અહીં પહોંચતા હજુ ઘણી વાર લાગશે. તમારા ઘરેથી વાહન લઈને આવી શકાય એવું નથી, એટ્લે પ્રિન્સિપાલ સરે કહ્યું છે કે વરસાદ હજુ પડશે તો નિકળવામાં વધુ તકલીફ થઈ શકે છે, એટ્લે એમણે તમારા માટે રિક્ષા બોલાવી છે. તમારે રિક્ષામાં જવું હોય તો અત્યારે નીચે આવી જાઓ અથવા તમારા ભાઈ આવશે ત્યાં સુધી તમારે અહીં રોકાવું પડશે.” પ્યૂનને બન્ને સામે જોઇને નિર્ણય છૂટો મૂક્યો.

શ્રેયાએ તરત જ હિરેન સામે જોઈને પૂછ્યું, “બ્રધર આવશે ત્યાં સુધીમાં તો ખૂબ અંધારું થઈ જશે! હવે?”

“મને લાગે છે કે વધુ વરસાદ પડે એ પહેલા તારે રિક્ષામાં ઘરે જતું રહેવું જોઈએ, નહીંતર વધારે તકલીફ પડશે.” હિરેને કહ્યું.

“મને પણ એજ યોગ્ય લાગે છે” શ્રેયાએ સ્કૂલ બેગ બેન્ચ ઉપર મૂકી, કાખ ઘોડી હાથમાં લીધી.

“તો હું રિક્ષાવાળા ભઈને કહી રાખું કે તમાર માટે પગથિયાં જોડે રિક્ષા લાઇન રાખે... હોને!” કહીને પ્યુન લટાર મારતો, ગીત ગાતો નીચે ચાલ્યો.

“આઈ થિંક, સ્કૂલ બેગ અહીં જ મૂકી રાખવી પડશે. નહીંતર પલડી જશે.” શ્રેયાએ બેગને બાજુમાં મૂકીને કહ્યું.

હિરેને એની બેગ પોતાની જગ્યાએ મૂકી શ્રેયાની બેન્ચ પાસે આવીને પૂછ્યું, “યુ નીડ એની હેલ્પ?”

“ના અત્યારે નહીં, પણ સીડીઓ ઉતરતા તારી થોડીક હેલ્પ જોઈશે.” શ્રેયાએ કાખ ઘોડી પર ઊભા થતાં કહ્યું.

“ઇટ્સ ઓકે...” હિરેને દરવાજાના બન્ને બારણાં બરોબર ખોલી ઊભો રહ્યો. પહેલી વાર હિરેન શ્રેયાની નજર સામે એને કાખ ઘોડી લઈને ચાલતા જોઈ રહ્યો હતો. ખાંગાં અને પાતળા પગમાં પહેરેલા કેલિપર્સને લીધે એને પગ મૂકવામાં મદદ મળતી હતી. શ્રેયા દરવાજામાંથી બહાર નીકળી ત્યારે તેને મનમાં ખચકાટ સાથે એની અપંગતા દરરોજ કરતાં સહેજ વધુ તેને ઘેરી વળી હોય એવું લાગતું હતું. તેણે હિરેન સામે સ્મિત કરી ધીરે ધીરે સીડી આગળ જવા લોબીમાં ચાલવા લાગી. ક્લાસનો દરવાજો વાખી હિરેન શ્રેયાના બે પગમાં પહેરેલા કેલિપર્સને પાછળથી જોઈ રહ્યો. તેના ભીતરમાં અજીબ પ્રકારની લાગણીઓ ઘોળાવા લાગી. એના દિલમાં રમતી અનેક લાગણીઓને શ્રેયાનું આકર્ષણ હતું અને કેટલીક લાગણીઓ... એની સાથે માત્ર મિત્રતાના ઉંબરા સુધી જ રહેવા પકડી રાખતી હતી. એને સમજાતું નહતું કેમ શ્રેયા એને વધુ આકર્ષતી હતી? એનામાં એવું તો શું હતું જે એની વધુ નજદીક જવા અદ્રશ્ય આકર્ષણ ઊભું કરતું હતું? બીજી કેટલીય છોકરીઓ એનાથી વધુ સુંદર અને આકર્ષે એવી હતી, પણ શ્રેયા, શ્રેયાનું અજાણ્યું સવિશેષ આકર્ષણ એને વધુ સંમોહિત કરતું હતું. એ આકર્ષણ તેને સમજાતું નહતું, માત્ર અનુભવાતું હતું. તેણે ઝડપથી પગ ઉપાડી તરત જ સીડીઓ આગળ પહોંચી ગયો.

“હિરેન, આ એક ક્રચીસ (કાખ ઘોડી) પકડીશ?!” હળવું સ્મિત કરીને મદદ માટે પૂછ્યું.

“સ્યોર...,” ક્રચીસ પકડી લઈ તેણે હિંમત કરીને કહ્યું, “શ્રેયા, તને વાંધો ના હોય તને નીચે ઉતરવામાં મદદ કરું? બે ફ્લોર ઉતરતા તને થાક લાગશે...”

હિરેનની ચિંતા અને કાળજીભર્યા શબ્દો શ્રેયાના હ્રદયને સ્પર્શી ગયા. તેણે મુસ્કુરાઇને કહ્યું, “નો, ઇટ્સ ઓકે હિરેન, હું આને પાર્ટ ઓફ એક્સરસાઈજમાં જ ગણું છું.” કહીને શ્રેયા એની દરરોજની ટેક્નિક મુજબ એક હાથમાં કાખ ઘોડી અને બીજા હાથે ઇંગલનો સહારો લઈને એક પછી એક સીડી ઉતરતી ગઈ. દરેક સીડીએ શ્રેયાને ઉતરતા જોઈને હિરેનના દિલમાં સવિશેષ લાગણીનું આકર્ષણ વધુને વધુ ઊંડું ઘૂંટાતું ગયું. દરેક પગથિયાં ઉતરતા શ્રેયા ક્યાંક પડી ન જાય એની ચિંતા અજાણતા જ દિલમાં સ્ફુરવા લાગી. થોડીક વાર પછી ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતરી શ્રેયાએ રેસ્ટ કર્યો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ફ્રેંડલી નેચરવાળા પ્રિન્સિપાલે શ્રેયા અને હિરેન સાથે થોડીક વાતચીત કરી.

શ્રેયાએ એની કાખ ઘોડી પર ઊભી થઈ કહ્યું, “હિરેન, અહીં સીડીઓ ઉતરવા સાઈડમાં ઇંગલ નથી એટ્લે હું જાતે ઉતરીને રિક્ષામાં બેસી નહીં શકું... મારે મદદ જોઈશે રિક્ષામાં બેસવા.”

પ્રિન્સિપાલે હુકમ કરી પ્યૂનને મદદ માટે બોલાવ્યો. પછી હિરેન અને પ્યુને શ્રેયાને ઉપાડી રિક્ષામાં બેસાડી. અત્યાર સુધીના જીવનમાં તેને પિતા અને ભાઈ સિવાય બીજા કોઈ પરપુરુષે સ્પર્શ કર્યો નહતો. આ પ્રકારની ઓકવર્ડ પરિસ્થિતિમાં શ્રેયા એની અપંગતાને લીધે એ દિવસે નબળી અને અસહાય મહેસુસ કરતી હતી. શારીરિક પરિસ્થિતિથી તે મજબૂર હતી છતાં તેણે એ વાસ્તવિકતા હસતાં મોઢે સ્વીકારી લીધી હતી. રિક્ષામાં બેસતા વરસાદથી એ જરાક ભીંજાઇ ગઈ હતી. વાતાવરણની ઠંડક અને ભીંજાયેલા શરીરને લીધે તેના શરીરના અંગો ખેંચાતા અને ધ્રૂજતા હતા.

હિરેને કાખ ઘોડી હાથમાં પકડીને પ્રિન્સિપાલને કહ્યું, “સર, હું પણ એની સાથે જ જાઉં છું, હું એની બાજુની સોસાયટીમાં જ રહું છું.”

“હિરેન,” પ્રિન્સિપાલ સરે પૂછ્યું, “શ્રેયાને કોઈ તકલીફ વિના ઘર સુધી મૂકી જઈશ એની જવાબદારી તારા પર હું મૂકી શકું કે પછી સાથે મદદ માટે કોઈને મોકલું?”

“સર, હું શ્રેયાને કોઈ તકલીફ વિના છેક ઘરે સુધી મૂકી જઈશ. એટલિસ્ટ ફ્રેન્ડ માટે એટલું તો હું કરી જ શકું છું” હિરેન મિત્રભાવની જવાબદારી ખભે ઉઠાવતા કહ્યું.

“યસ, ધેટ્સ ધ રિયલ ફ્રેન્ડ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ હિરેન...” પ્રિન્સિપાલે બન્ને હોઠ એકબીજા પર સહેજ દબાવી ગર્વીલું સ્મિત કરી શાબ્દિક શાબાશી આપતાં કહ્યું, “કોલ ઓન માય નંબર વેન યુ બોથ રિચ્ડ એટ હોમ, ઓકે! ગો ઓન એન્ડ બી કેરફૂલ...”

હિરેન કાખ ઘોડી રિક્ષામાં ગોઠવી શ્રેયાની બાજુમાં બેસી ગયો. રિક્ષા સ્કૂલની બહાર નીકળી. હિરેને રિક્ષાની બાજુનો પડદો ઊંચો કરીને બહાર નજર કરી જોઈ. રોડ પર અને આજુબાજુ માત્ર વહેતું પાણી જ દેખાતું હતું. વરસાદ સતત ભારે વેગથી વરસી રહ્યો હતો.

“ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે આજે તો, થોડીક વાર પણ બંધ થવાનું નામ જ નથી લેતો” હિરેને નિ:સાસો નાંખ્યો.

શ્રેયાને ભીંજાયેલા કપડામાં ધ્રૂજતી જોઈને હિરેનને મનમાં તીવ્ર ઈચ્છા થઈ કે કાશ મારી પાસે ગરમ કપડું હોત તો એને ફરતે ઓઢાળી દેત, પણ... તેણે દાંત ભીંસી દીધા...

“પ્રિન્સિપાલ સર શું કહેતા હતા?” શ્રેયાએ ધ્રૂજતા પૂછ્યું.

“કંઈ નહીં, એમણે મને જવાબદારી સોંપી છે કે તને સહીસલામત ઘરે ડિલિવર કરી દેવાની!” હિરેને મજાકીયા અંદાજથી ફરી હળવાશ પાથરી. શ્રેયા તરત જ એના સેન્સ ઓફ હ્યુમર પર હસી પડી. પછી એની સામે જોઈને કહ્યું, “હું બધુ જ સાંભળતી હતી ઓકે! મેં તો જસ્ટ એમ જ પૂછ્યું હતું, તું કંઈક ફની કહીને હસાવે એટ્લે...” બન્ને એકબીજા સામે સ્મિત વેર્યું.

“બાય ધ વે, હિરેન, તારે પ્રિન્સિપાલ સરને એમ કહેવું જોઈતું હતું કે શી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ. નોટ જસ્ટ એ ફ્રેન્ડ. હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું. થેંક્સ ફોર બીઈંગ વિથ મી ટુ હેલ્પ ઓલ ધ વે થ્રૂ” શ્રેયાએ સ્મિત કરી આભારભાવ વ્યક્ત કર્યો.

“ડોન્ટ સે થેંક્સ. તું સ્માઇલ કરે છે એમાં બધુ જ આવી ગયું.” હિરેને હુંફાળું હસીને કહ્યું.

રિક્ષાવાળાભાઈએ રિક્ષા ઊભી રાખી કહ્યું, “વિનાયક પાર્ક સોસાયટી સુધી રિક્ષા નહીં જાય ભઈ, બંધ પડી જશે. આગળ ખૂબ પાણી ભરેલું છે. તમારે અહીંથી જાતે જ ચાલીને જવું પડશે.”

હિરેન રિક્ષાની બહાર ઉતર્યો. ઢીંચણ સુધી બધે જ છલોછલ પાણી ભરેલું હતું. રિક્ષા જઇ શકે એવું બિલકુલ નહતું. બહાર પાણી ભરેલું જોઈને શ્રેયાના મોઢામાંથી શબ્દો સરી પડ્યા: ઓહ ગોડ હવે કેવી રીતે ઘરે જવાશે? વિચારતા જ તે ગભરાવા લાગી.

સોસાયટીનો દરવાજો થોડાક અંતરે જ હતો, પણ ત્યાં સુધી કાખ ઘોડી લઈને એ જઇ શકે એ બિલકુલ શક્ય નહતું. વરસાદમાં પૂરેપૂરા ભીંજાઇ ગયેલા હિરેને શ્રેયાની બાજુ આવીને કહ્યું, “શ્રેયા, આગળ તો ઢીંચણ સુધી પાણી ભરેલું છે. હું તને ઉપાડી લઈને જાઉં તો જ ઘર સુધી જઇ શકાય એવું છે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.”

“આર યુ શ્યોર યુ વિલ કેરી મી ઓલ ધ વે ટુ હોમ?” શ્રેયાએ ઘરે જવાની તૈયારી સાથે ચિંતા વ્યક્ત કરી.

“ડોન્ટ યુ ટ્રસ્ટ ઓન યોર બેસ્ટ ફ્રેન્ડ?” હિરેને સહેજ ગંભીર પણ ફ્રેન્ક ભાવે કહ્યું.

“આઈ ડુ ટ્રસ્ટ યુ બટ...” શ્રેયાએ ધ્રૂજતા અવાજે મંદ હસતા કહ્યું.

“આઈ પ્રોમિસ ધેટ આઈ વિલ નોટ લેટ યુ ફોલ. અને બાય ધ વે, પ્રિન્સિપાલના ઓર્ડર મુજબ ડિલિવરી તો છેક ઘર સુધી જ કરવી પડે ને!” વરસાદમાં ભીંજાતા હિરેને હ્યુમર ઉછાળી શ્રેયાની ઓકવર્ડનેસ ફિલિંગ્સ દૂર કરતાં કહ્યું. શ્રેયા ધ્રૂજતા શરીરે હોઠ ખોલીને હસી પડી. રિક્ષાની સીટમાંથી આગળ ખસવા તેણે રિક્ષાના મીટર પાસેનો સળિયો પકડી આગળ ખસીને કહ્યું, “હિરેન, આર યુ રેડી...”

“ઓફ કોર્સ... નાઉ એન્જોય ધ રેઇન...” હળવી મજાક સાથે શ્રેયાને હસતાં હોઠે સુપરમેનની જેમ ઉપાડી લીધી. બહાર નિકડતા જ વરસાદને લીધે તે તરત જ ભીંજાઇ ગઈ. શ્રેયાએ બન્ને હાથ હિરેનના ગળા ફરતે કસ્સીને બાંધી દીધા. વરસાદે બન્ને વચ્ચેની નજદીકતાનો અવકાશ એક અનોખી રીતે ભરી કાઢ્યો હતો.

“આર યુ કમ્ફર્ટેબલ? કુરિયર?” હિરેને ચાલતા ચાલતા ફરી મજાકનો દોર ચાલુ રાખ્યો, જેથી શ્રેયાને બિલકુલ ઓકવર્ડ ફિલ ન થાય ને બધુ હાસ્યમાં ઓગળીને ભળી જાય.

“હિરેન પ્લીઝ, તું હસાવીશ નહીં, નહીંતર મારો હાથ છૂટી જશે!” શ્રેયાએ હસતાં હસતાં કહ્યું.

“પણ મારો હાથ ક્યારેય નહીં છૂટે, આઈ હેવ પ્રોમિસ યુ ધેટ.” કહીને હિરેને શ્રેયાને વધુ મજબૂત હાથે નજદીક પક્કડે બાંધી લીધી. હિરેન ઢીંચણ સુધી છલોછલ પાણીમાં સાવચેતીથી પગ મૂકીને એક એક ડગલું ભરતો હતો. ઠંડા વરસાદમાં ભીંજાયેલા શરીરે પણ શ્રેયા દિલમાં જન્મેલી હૂંફાશની લાગણી અનુભવી રહી હતી. હિરેનના મજબૂત હાથમાં પોતે સુરક્ષિત છે એવું મહેસુસ થવા લાગ્યું. પરપુરુષનાં આટલા નજદીકી સ્પર્શે એના દિલમાં રોપાયેલા પ્રેમબીજમાંથી અંકુર ફૂટવા લાગ્યા. વર્ષોની અપંગતા જાણે એની બાહોમાં આવતા જ નાબૂદ થઈ ગઈ હોય એવું લાગવા લાગ્યું. વરસાદના બુંદ શ્રેયાની આંખોમાં વાગતા હતા, છતાં ખુલ્લી આંખે એ હિરેનને મુગ્ધભાવે નીરખી રહી હતી. સમય જાણે થંભી ગયો હતો. ભીતરમાંથી ડર અને સંકોચ જાણે વરસાદમાં ધોવાઈ ગયા હતા. ક્યારેય અનુભવી નહતી એવી એક એક પળ પ્રેમથી સરભર થઈ સંપૂર્ણ ખીલીને મહેંકી ઉઠી હોય એવું પ્રેમમય મહેસુસ થતું હતું, હોઠ પર જાણે નિતાંત મુસ્કાન છવાઈ ગયું હતું. શ્રેયાએ હિરેનના ખભા પર માથું ઢાળી જાણે એને ભેટી પડી હોય એમ અડધી છાતી પરવા કર્યા વિના લપાઈ દીધી...

“શ્રેયા આર યુ ફિલિંગ કોલ્ડ?” હિરેને ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યું.

શ્રેયાએ હિરેનના ખભા પર માથું ઢાળેલું રાખીને કહ્યું, “નો, આઈ એમ ફિલિંગ ગુડ નાઉ”

“હવે આપણે સોસાયટીના ગેટે પહોંચવા જ આવ્યા છીએ, ડોન્ટ વરી...” હિરેને હૂંફાળા શબ્દોમાં કહ્યું.

થોડીક મિનિટો બાદ સોસાયટીમાં પ્રવેશ થતાં હિરેને પૂછ્યું, “શ્રેયા, કયા ઘરે તારી ડિલિવરી કરવાની છે?”

શ્રેયાએ તરત જ હસી પડી. તેણે માથું ફેરવી ભીની આઇબ્રો ઊછાળીને હસતાં હોઠે કહ્યું, “ત્રીજા નંબરના ઘરે”

હિરેને હાથની પક્કડ વધુ મજબૂત કરી. થાકથી ભરાઈ ગયેલા પગને વહેતા પાણીમાંથી ઉપાડ્યા. સોસાયટીના કેટલાક લોકો આંખો ઝીણી કરી, ડોક આગળ ખેંચી સ્તબ્ધ થઈને જોઈ રહ્યા.

“રમિલાબેન, તમાર શ્રેયા તો ઘેર આઈ જઇ જુઓ... આ બચારો સોકરો છેક નિશાળથી ઉપાળીન આયો લાગ સ!?” પાડોશીવાળા ઉંમરલાયક માસીએ દેશી લહેકામાં ટિપ્પણી કરી. શ્રેયાના મમ્મી અને ભાભી તરત જ છત્રી વિના બહાર દોડી આવ્યા. પગથિયાં સુધી ભરાયેલા પાણીમાં સંભાળીને પગ મૂકી દરવાજો ખોલી કાઢ્યો. હિરેને ઘરના ત્રણ પગથિયાં ચઢી, છત નીચેના બાંકડા પર શ્રેયાને ધીરેથી બેસાડી, એના કાન નજીક ઝૂકીને વિસ્પર કરીને કહ્યું, “કુરિયર સક્સેસફૂલી ડિલિવર્ડ!” કહીને હાથને થોડાક રિલેક્સ કરી શ્રેયાની મમ્મી અને ભાભી સામે ઔપચારિક સ્મિત વેર્યુ.

રમિલાબેને છાતી પર હાથ મૂકી અહેસાનભર્યું સ્મિત કરીને કહ્યું, “થેંક્યું હિરેન બેટા, શ્રેયાને છેક અહીં સુધી ઉપાડીને લાવવા માટે...”

“ઇટ્સ ઓકે આંટી, મારી ફ્રેન્ડ માટે મારે એટલું જ તો કરવું જ જોઈએ, નહીંતર પછી ફ્રેન્ડનો શું અર્થ!” હિરેને ભીના વાળમાં આંગળીઓ ફેરવી કપાળ પર આવેલા વાળને પાછળ કર્યા.

ભાભી શ્રેયાના કેલિપર્સ કાઢવામાં જોતરાઈ ગયા. શ્રેયાના ચહેરા પરના હાવભાવ અને મીઠું સ્મિત કળા કરી રહેલા મોરની જેમ થનગનતું નાચતું હતું.

“શ્રેયાને ઠંડી લાગે છે એ વાત સાંભળીને હું તો ગભરાઈ જ ગઈ ’તી કે હવે શ્રેયાને કોણ લેવા જશે? બચારી એકલી ગભરાઈ તો નહિં ગઈ હોય!,” ચિંતાગ્રસ્ત ચહેરામાં થોડુંક સ્મિત ઉમેરી ગર્વ લેતા કહ્યું, “પણ તું શ્રેયાની સાથે હતો એટ્લે મારુ હૈયું જરાક હળવું પડ્યું. એનો ભઈ તો ઓફિસેથી તો ક્યારનોયે નિકડી ગયો છે, પણ હજુયે પહોંચ્યો નથી.”

હિરેને હકારમાં માથું હલાવ્યુ, પછી કહ્યું, “આંટી મારે રિક્ષામાંથી શ્રેયાના ક્રચીસ લેવાના બાકી છે, હું લઈને આવું છું.” કહીને હિરેન બહાર નીકળ્યો ત્યાં જ શ્રેયાનો ભાઈ સામેથી ક્રચીસ લઈને આવી રહ્યો હતો. બધાની નજર મયંકભાઇ અને એમના હાથમાં પકડેલા ક્રચીસ પર પડી.

“હવે આયા આ ભઈ તો! બેટા હિરેન, વરસાદ રહી જાય પછી તું જજે, થોડીક વાર અહીં જ રોકાઈ જા...” રમિલાબેને આગ્રહપૂર્વક કહ્યું.

“ના આંટી, મારા પેરેન્ટ્સ ઘરે ચિંતા કરતાં હશે” હિરેન ઔપચારિક હસીને કહ્યું.

“તો પછી ફોન કરીને કહી દે ને કે તું શ્રેયાના ઘરે છે, ગરમાગરમ ચા અને ભજિયાંનો નાસ્તો કરીને જા બેટા, એટલી ઘડી વરસાદ ધીમો પડી જશે...” રમિલાબેને શ્રેયાની મદદ કરવાનું ઋણ અદા કરવા ભારે આગ્રહપૂર્વક કહ્યું.

“અરે ના ના... આંટી પ્લીઝ...” ચા અને ભજિયાંની વાત નિકડતા હિરેન અને શ્રેયાના હોઠ વચ્ચેથી જરાક વધુ હાસ્ય છૂટી ગયું.

શ્રેયાએ ટોન્ટ મારતા કહ્યું, “હિરેન, થોડીક વાર રોકાઈ જા... આવા વાતાવરણમાં ચા અને ભજિયાંની મજા જ કઇંક અલગ છે... ઇટ્સ યોર ફેવરિટ, ઇઝન્ટ ઈટ!”

“આઈ વોઝ જસ્ટ કિડિંગ... પછી કોઈક દિવસ, આંટી તમે ચિંતા ના કરો હું જતો રહીશ. મને આમેય વરસાદમાં પલડવાની મજા આવે છે.” હિરેને હસીને કહ્યું.

મયંકભાઈએ છત નીચે આવી વિસ્મયતાભર્યા ચહેરે પૃછા કરી, “પણ હિરેન! તું શ્રેયાને લઈને અહીં પહોંચ્યો કેવી રીતે?”

હિરેન બોલે એ પહેલા ભાભીએ કહ્યું, “શ્રેયાને રિક્ષામાંથી ઊંચકીને લઈ આવ્યો...” હળવા સ્મિત સાથે હિરેન સામે જોઈને કહ્યું, “...તમારી રાહ જોઈ હોત તો શ્રેયા હજુ સુધી પહોંચી ન હોત...”

મયંકભાઈએ પરિસ્થિતિની નિ:સહાયતા જણાવતા કહ્યું, “ઓફિસના ભોયરાંમાં પાણી ભરાઈ ગયું હતું શ્વેતા, અંદરથી કિંમતી સામાન હોય એને સેફ જગ્યાએ મૂકવો પડે કે નહીં! હું કંઈ જાણી જોઈને થોડું મોડુ કરું! શ્રેયું... આઈ એમ સોરી!” ભોળી આંખોમાં નાની બહેન પત્યેનો પ્રેમ ભરીને કહ્યું.

શ્રેયાએ નજર ફેરવી લઈ ચહેરા પર નારાજગી બતાવી. શ્રેયાને પછી મનાવી લેવા મયંકભાઈએ હિરેન સામે જોઈને કહ્યું, “થેંક્સ હિરેન... થેંક્સ અ લોટ ફોર બીઈંગ વિથ હર, એન્ડ ટુ ગેટ હર હોમ સેફલી...” કહીને હિરેનને ભેટી પડી પીઠ થાબડી.

“ઇટ્સ ઓકે... હવે મારે જવું જોઈએ...” કહીને હિરેને શ્રેયા સામે અછડતું સ્મિત કરી ઘર તરફ જવા, ઢીંચણ સુધીના પાણીમાં પગ ઊપાડતાં ચાલ્યો.

શ્રેયાના મન:ચક્ષુ આગળ હિરેનનો હસમુખો ચહેરો અને તેનો સ્પર્શ ભીગેલા તન-મનમાં મીઠા ગલગલિયા કરી રહ્યો હતો. ગુલાબી સ્મિત ખિલખિલ કરતું હોઠો પર ફરકવા લાગ્યું હતું. ભાભીની નજરમાં એ સ્મિત અને આંખો પાછળ ખોવાયેલી નજરનું રહસ્ય કળી લીધું હોય એમ અનદેખ્યું સ્મિત કર્યું.

(ક્રમશ:)

Parth Toroneel