Baghban in Gujarati Fiction Stories by Rohit Suthar books and stories PDF | બાગબાન

Featured Books
Categories
Share

બાગબાન

અર્પણ

મારા માતા-પિતા, પ્રભુ શ્રીરામ અને હનુમાનજી, જેઓ હંમેશા મારા હ્રદયમા રહે છે. મારુ મન જે કલ્પનાઓની દુનિયામા રહીને મને અવનવી વાર્તાઓ લખવા પ્રેરીત કરે છે. માતૃભારતી, જે મારા સપનાઓની દુનિયાને આકાર આપવામા મારી મદદ કરે છે. મારો મિત્ર પ્રિતેશ હિરપરા જે મારી વાર્તાનો વિવેચક છે.

***

વાર્તા વિશે...

ખુબ લાંબા સમય બાદ એક નવી વાર્તા સાથે માતૃભારતી પર પાછો આવ્યો છુ. બાગબાન...આ કહાની પતિ-પત્ની અને તેમની પુત્રી વચ્ચેની છે. આજના જમાનામા ઘણા યુવાનો તેમના મા-બાપની ઇચ્છા વિરુધ્ધ જઇને લવ મેરેજ કરી લે છે. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યુ હશે કે તેમના ગયા બાદ માતા-પિતાના હાલ કેવા થયા હશે? ભાવનાત્મક રીતે તેમની લાગણીઓને કેટલી ઠેસ પહોચી હશે? આવી જ પરિસ્થિતિનુ વર્ણન મે આ વાર્તામા કર્યુ છે. જો તમને ઇમોશનલ સ્ટોરી પસંદ હોય તો મને આશા છે કે આ વાર્તા ચોક્ક્સ તમને ગમશે.

***

સવારના પાંચ વાગ્યે ઉઠી, નિત્યક્રિયા પુર્ણ કરીને બગીચામા કસરત કરવા જવુ એ વસંતભાઇનો નિયમ હતો, પછી ભલે હાડ ધ્રુજાવનારી ઠંડી હોય કે પછી વરસાદ, આ બધાથી પણ એમને કોઇ ફરક ન પડે. એ જ્યારે સાત વાગ્યા સુધી ઘરે પાછા આવે ત્યા સુધી એમના પત્ની સ્મિતાબેન મસાલેદાર ચા અને નાસ્તો તૈયાર રાખે. દરરોજ વસંતભાઇ એમની પ્રિયતમાને કપાળે ચુમતા અને ત્યાર બાદ જ પોતાના હોઠ ચાના કપને લગાડતા. આજે પણ તેઓ બગીચાથી પાછા ફર્યા ત્યારે ચા અને નાસ્તો તૈયાર હતો. વસંતભાઇએ સ્મિતાબેનને ગળે લગાવીને એમના કપાળે ચુંબન કર્યુ.

“ઓફફો... હવે તો ૪૮ વર્ષના થઇ ગયા છો, તો પણ તમને શરમ નથી આવતી?” સ્મિતાબેન થોડા શરમાઇને બોલ્યા.

“અરે મારી સોણીયો, તુ જ મારુ દિલ, તુ જ મારી જાન.” વસંતભાઇએ હાથ થોડા વધુ કસ્યા અને ટાઇટ હગ આપી.

“હવે તો થોડી શરમ કરો, ૨૦ વર્ષની યુવાન દિકરીના પપ્પા....” સ્મિતાબેને વસંતભાઇને તેમની ઉમરનો અહેસાસ કરાવ્યો.

“મને કોઇ ફરક નથી પડતો, જો હુ “નાનો” બની જઇશ તો પણ તને આમ જ પ્રેમ કરીશ મારી ડાર્લિંગ.” વસંતભાઇએ એક હાથ સ્મિતાબેનના પગ આગળ મુક્યો અને એક હાથ તેમની પીઠ આગળ અને ખોળામા લેવાની કોશિષ કરવા ગયા. ત્યા જ એમને કમરનો દુખાવો ઉપડ્યો, “આહહહ....મારી કમર....”

સ્મિતાબેને ટેકો આપી વસંતભાઇને સોફા પર બેસાડી, તેઓ “મુવ” ક્રીમ લઇ આવ્યા અને વસંતભાઇના કમરે લગાવી આપી. “એટલે કહુ છુ, હવે આ બધુ રહેવા દો, આ ઉમરે ના શોભે, આ ઉમર હવે ઇશ્વરની ભક્તિ કરવાની છે, માળા જપવાની છે, અને તમને રોમાન્સ શોભે છે?” સ્મિતાબેનના અવાજમા ચિંતા હતી.

“અરે આ બધુ તો થતુ રહે હવે, આ બધા નાના કારણોથી તને પ્રેમ કરવાનુ થોડી છોડી દઉ.” વસંતભાઇ સીધા વળ્યા અને સ્મિતાબેનનો હાથ ખેંચીને ખુદની નજીક લાવ્યા અને તેમના હોઠોને ચુમી લીધા. ૨ મિનિટ બાદ સ્મિતાબેન એમનાથી અળગા થયા.

“તમે ખુબ જ એ છો...” સ્મિતાબેને કહ્યુ.

“એ શુ?” વસંતભાઇએ કહ્યુ.

“બેશરમ....” સ્મિતાબેને કહ્યુ.

“કેમ? પત્નીને પ્રેમ કરવામા શુ બેશરમાઇ?” વસંતભાઇએ મીઠો છણકો કર્યો.

“તમે તો લગ્નની પહેલી રાતે પણ એવા જ હતા, આખી રાત વાતોના વડા કાઢ્યા, ના ઉંઘ્યા ના ઉંઘવા દીધી અને....” સ્મિતાબેન ચહેરા આગળ હાથ મુકીને શરમના લીધે બોલતા અટકી ગયા.

“અને....” વસંતભાઇએ હસીને પુછ્યુ.

“અને...કઇ નહી...ચા પીઓ ઠંડી થઇ રહી છે હવે.” સ્મિતાબેને વાત ટાળવાનો પ્રયાસ કર્યો.

“અરે સ્વીટુ કહેતી કેમ નથી કે આપણે રોમાન્સ કર્યો.” વસંતભાઇએ આંખ મારી.

“શૈતાન....” સ્મિતાબેને એમની છાતી પર હળવેકથી મારીને છણકો પ્રગટ કર્યો.

“જો તારી ઇચ્છા હોય તો આજે રાતે ફરી એ સુહાગરાતની યાદો તાજા કરી લઇએ હની?” વસંતભાઇના કહેવાનો તાત્પર્ય સ્મિતાબેન સમજી ગયા હતા.

“જાઓ...જાઓ હવે, હમમમ....બહુ થયુ, આ ઉંમરે....” સ્મિતાબેન આગળ બોલવા જતા હતા ત્યા જ વસંતભાઇએ એમની આંગળી સ્મિતાબેનના હોઠ પર મુકી દીધી.

“આઇ લવ યુ....” વસંતભાઇએ થોડા મોટા અવાજે કહ્યુ.

“એયયય, આપણી દિકરી ઉત્સવી ઉપરના રૂમમા સુતી છે, હવે આવતી જ હશે, શુ તમે પણ?” સ્મિતાબેને આંખો પહોળી કરીને પ્રેમભર્યો ગુસ્સો વ્યક્ત કર્યો.

“અરે એમા શુ મારી ડાર્લિંગ, હુ આખી દુનિયા સામે કહી શકુ છુ, આઇ....” વસંતભાઇ આગળ બોલવા જાય એ પહેલા જ સ્મિતાબેને આખુ બિસ્કીટ એમના ખુલ્લા થયેલા મોમા મુકી દીધુ.

“આજે તમને થયુ શુ છે, દરરોજ રાતે પ્રેમ વ્યક્ત કરો એ ઓછુ છે તે અત્યારે પણ તમે મંડી પડ્યા છો?” સ્મિતાબેને કહ્યુ.

બિસ્કીટ પતાવીને વસંતભાઇએ કહ્યુ, “આજે બગીચામા એક પ્રેમી યુગલને કિસ કરતા હુ જોઇ ગયો, કદાચ ફ્રેંચ કિસ હશે એ....”

“હમમમ...આમ કોઇને જોતા શરમ નથી આવતી તમને?” સ્મિતાબેને કહ્યુ.

“અરે મે એ નજારો બે ક્ષણ માટે જ જોયો, પણ એ પછી તને આટલા વર્ષોથી જે કિસ કરુ છુ એ યાદ આવી ગઇ ને જાનુ.” વસંતભાઇએ કહ્યુ.

સ્મિતાબેનને હવે વધુ શરમ આવતી હતી એટલે ઉભા થઇને તેઓ રસોડામા જવા લાગ્યા, પણ આમ જવા દે તો એ રોમિયો વસંતભાઇ શાના? તરત જ સ્મિતાબેનનો હાથ પકડીને ખુદની તરફ ખેચ્યો અને પોતાના ખોળામા બેસાડી દીધી. તેમણે સ્મિતાબેનના વાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો.

“ચાર દિવસ પછી આપણી લગ્નની ૨૫મી વર્ષગાંઠ છે, આ વખતે આપણે ખુબ શાનદાર રીતે મનાવીશુ.” વસંતભાઇએ કહ્યુ.

“હા....મે પણ મહેમાનોની લિસ્ટ તૈયાર કરી લીધી છે, લગભગ સો લોકોનુ લિસ્ટ બનાવ્યુ છે. કેટરર્સવાળાને પણ મળી આવી છુ, તમે તો વિચારો જ છો, પણ મે તો શરૂઆત પણ કરી લીધી છે, અને તમને કેવી સરપ્રાઇઝ આપુ છુ એ તો જોજો તમે.” સ્મિતાબેને કહ્યુ.

“ખબર જ ના પડી, આપણા લગ્નને ૨૫ વર્ષ થવા આવ્યા, એવુ લાગે છે કે હજુ કાલે જ તો તુ આવી હતી મારા જીવનમા કંકુના લાલ પગલાઓ પાડીને, કેટલો સુખમયી આ લગ્નનો મધુરો સફર, કાશ ભગવાન મને ૨૫ વર્ષ પાછળ એ મધુરજનીની રાત્રીએ પાછો મોકલી દે.” વસંતભાઇએ સ્મિતાબેનના હાથમા ખુદનો હાથ પરોવ્યો. સ્મિતાબેને માથુ વસંતભાઇની છાતીમા સમાવ્યુ.

“હુ તો ભગવાનને આ જ પ્રાર્થના કરુ છુ કે તુ મને સાતેય જન્મમા મળે.” વસંતભાઇએ કહ્યુ.

“કેમ આઠમા જન્મથી કોઇ બીજી સાથે પ્લાન બનાવ્યો છે કે શુ?” સ્મિતાબેને મીઠો ગુસ્સો વ્યક્ત કર્યો.

“અરે ના...ના...મને જેટલા પણ જન્મ મળે તુ જ મને મળે એવી મારી ઇચ્છા છે, એમ પણ તારા સિવાય મને કોઇ બીજી સાથે ફાવશે પણ નહી, જાનુ.” વસંતભાઇએ હસીને કહ્યુ.

“જાવ ને જુઠ્ઠા....” વસંતભાઇએ કહ્યુ એ વાત સ્મિતાબેનને ગમી, પણ એમ જ કહ્યુ.

“હુ આપણી વર્ષગાંઠ પર તારી સાથે ફરી લગ્ન કરવા માંગુ છુ, મે તૈયારી પણ શરૂ કરી દીધી છે.” વસંતભાઇએ કહ્યુ.

“અરે હુ જે સરપ્રાઇઝ તમને આપવા માંગતી હતી, એ જ તમે પણ વિચારી લીધુ?” સ્મિતાબેને નવાઇ સાથે પુછ્યુ.

“અરે સ્વીટ હાર્ટ, આપણે તો દો દિલ એક જાન જેવા જ છીએ ને, જે તે વિચાર્યુ એ જ મે પણ વિચાર્યુ.” વસંતભાઇએ હસીને કહ્યુ.

વસંતભાઇ અને સ્મિતાબેન બંને ખુબ પ્રેમાળ અને સમજુ સ્વભાવના હતા. તેમના લગ્નને ૨૫ વર્ષ થવા આવ્યા હતા, તે છતાય આટલા વર્ષોમા ક્યારેય ઝઘડ્યા નહોતા. પ્રેમને વધુ ગહેરો બનાવવા માટે ક્યારેક બંને મીઠો ઝઘડો કરતા, પણ પાંચ મિનિટથી વધારે એકબીજાથી દુર ન રહી શકતા. ફરી એક ન થાય તો તેમના દિલ નહી ધબકે તેવો અહેસાસ બંનેને થઇ જતો. આજ સુધી સ્મિતાબેન પર હાથ ઉપાડવાની તો દુરની વાત રહી, વસંતભાઇએ તેમની સાથે ક્યારેય ઉંચા અવાજમા વાત પણ નહોતી કરી કે ક્યારેય ગુસ્સો પણ નહોતો કર્યો. આજના યુગલો માટે તેઓ આદર્શ યુગલ સમાન હતુ. જીવનના દરેક રંગો, ચાહે તે સુખ હોય કે પછી દુખ, બધા જ રંગોનો આનંદ તેઓએ માણ્યો હતો.

“આજે રવિવાર છે, આપણે બે કયાક ફરવા જઇએ સોનુ....” વસંતભાઇએ પ્રેમથી કહ્યુ.

“ના હો….હુ ઉત્સવી વિના ક્યાય નહી જવાની.” સ્મિતાબેને કહ્યુ.

“અરે ડાર્લિંગ આપણે બે આજે ડેટ પર જઇએ ને યાર....અને એમ પણ ઉત્સવી તો એના ફ્રેંડ સર્કલ સાથે એન્જોય કરે જ છે ને.” વસંતભાઇએ કહ્યુ.

“તમારી વાત સાચી છે, પણ તમે તો જાણો છો ને, એને વિરાજ સાથે પ્રેમ હતો પણ તમે સંબંધ જોડવા માટે સ્પષ્ટ શબ્દોમા ના પાડી દીધી હતી એટલે મને હજુય લાગે છે કે ઉત્સવી એને નથી ભુલી શકી.” સ્મિતાબેન આગળ બોલવા જતા હતા ત્યા જ વસંતભાઇએ હાથ બતાવીને રોકી દીધી.

“અરે એ વાતને પણ ત્રણ મહિના થઇ ગયા અને આપણી ઉત્સવી એ બધુ ભુલી ગઇ હશે. તે જોયુ નહી કે હવે તે ફરીથી ખુશ રહેવા લાગી છે.” વસંતભાઇએ કહ્યુ.

“એક માનુ દિલ છે, મને અંદરથી જ લાગે છે કે એ હજુ પણ દુખમા છે.” સ્મિતાબેને ઉદાસ થઇને કહ્યુ.

“પણ સાડા આઠ થઇ ગયા, હજુ સુધી ઉત્સવી ઉઠી કેમ નથી, દરરોજ તો આઠ વાગ્યા સુધી ઉઠી જાય છે ને. તબિયત ઠિક નથી કે શુ?” વસંતભાઇનુ ધ્યાન હવે ઘડિયાળ તરફ ગયુ.

“મને પણ નવાઇ લાગી રહી છે, રાત સુધી તો બધુ બરાબર હતુ.” સ્મિતાબેને કહ્યુ.

“હુ એના રૂમમા જઇને જોઇ આવુ છુ.” કહીને વસંતભાઇ દાદરો ચડીને ઉપર ઉત્સવીના રૂમ તરફ જવા લાગ્યા.

***

“સ્મિતા.....” ઉપરના રૂમમા ગયેલા વસંતભાઇએ જોરથી ચીસ પાડી. સ્મિતાબેન નીચે સોફા પર જ બેઠા હતા, ત્યા વસંતભાઇની રડમસ અવાજ તેમના કાને પડી. તેમના હ્રદયમા ફાળ પડી અને તરત જ તેઓ ઉપરના રૂમમા જવા લાગ્યા. દરેક પગથીયો ચડતા નજાણે કેમ આજે તેમનુ દિલ કંપી રહ્યુ હતુ. કોઇક ભયંકર તોફાન તેમના જીવનમા આવી રહ્યુ છે, એમ તેમની છઠ્ઠી ઇંદ્રીય કહી રહી હતી.

“હે સાઇનાથ, કૃપા કરજો, દયા કરજો....” મનોમન ઇશ્વરને સ્મિતાબેન પ્રાર્થના કરી રહ્યા હતા.

સ્મિતાબેન બેડરૂમમા પ્રવેશ્યા અને સામેનુ દ્રશ્ય જોઇને તેમનુ મન હચમચી ઉઠ્યુ. વસંતભાઇ જમીન પર માથે હાથ દઇને રડી રહ્યા હતા. સ્મિતાબેનના નજીક પહોચતા જ તેમણે કસીને બાથમા ભરી લીધી. તેઓ પોક મુકીને રડવા લાગ્યા. સ્મિતાબેનને સમજણ નહોતી પડતી કે શુ થઇ રહ્યુ છે. તેમણે વસંતભાઇની પીઠ પર પ્રેમથી હાથ ફેરવીને તેમને શાંત કરવાની કોશિષ કરી.

“અરે શુ થયુ, આમ કેમ રડી રહ્યા છો તમે?” વસંતભાઇને રડતા જોઇને સ્મિતાબેનની આંખોમાથી પણ આંસુઓ ટપકી પડ્યા. હજુ સુધી જે ઘટિત થયુ હતુ એ તો તેમને નહોતી ખબર, પણ પોતાના જીવથી પણ અધિક પ્રિય પતિને આમ રડતા જોઇને ખુદના આંસુને રોકી ના શક્યા.

વસંતભાઇએ થોડેક દુર જમીન પર પડી ગયેલા એ કાગળો તરફ આંગળીથી ઇશારો કર્યો. સ્મિતાબેને થોડે દુર રહેલા એ બે કાગળોને હાથમા લીધા.

***

ડિયર મોમ & ડેડ,

હુ તમને ખુબ પ્રેમ કરુ છુ, મારા માટે સર્વપ્રથમ તમે છો પછી કદાચ ઇશ્વર. મે હંમેશા તમારા આપેલા સંસ્કારોનુ અનુકરણ કર્યુ છે. અહી સુધી કે જ્યારે તમે વિરાજ સાથેના સંબંધને જોડવાની ના પાડી દીધી, ત્યારથી મે એને ભુલાવવાની લાખ કોશિષ કરી જોઇ, પણ હુ આ દિલ આગળ નિષ્ફળ રહી. એ મારી યાદોમાથી નથી જતો અને એ તમારા દિલમા પણ નથી વસી રહ્યો. એટલા માટે બે મહિના પહેલા જ મન આગળ હારીને મે વિરાજ સાથે કોર્ટ મેરેજ કરી લીધા. તમે આ દુનિયાના બેસ્ટ મોમ એન્ડ ડેડ છો, આશા છે કે તમે મને સમજશો અને માફ કરશો. જો તમે વિરાજને અપનાવી શકો એમ હોવ, તો જ હુ તમને મળી શકીશ. નહિતર તમે અને મોમ હંમેશા મારા દિલમા, મારી યાદોમા રહેશો. મોમ ખુબ જ સંવેદનશીલ સ્વભાવની છે, એને સાચવજો, પ્રેમ આપજો, જાણુ છુ કે મારા આ નિર્ણયથી તમારા બંનેના દિલ ઉપર શુ વિતશે, પણ અન્ય કોઇ વિકલ્પ મારી પાસે નથી. હેપ્પી મેરેજ એનિવર્સરી ઇન એડવાન્સડ, સોરી એન્ડ લવ યુ.

તમારી પ્રેમાળ,

ઉત્સવી

***

કોલેજના પ્રથમ વર્ષથી જ ઉત્સવી વિરાજના સંપર્કમા આવી હતી. બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો. ઉત્સવી દેખાવે ખુબ સુંદર હતી. વિરાજને તેના શરીરનુ આકર્ષણ હતુ, તેને પામવાની હવસ હતી આ કારણે તે ઘણી વાર બેબાકળો થઇ જતો. વિરાજ અમુક વાર તેની સાથે શારીરીક સંબંધ બાંધવાની માંગણી કરતો પણ ઉત્સવી કહેતી કે, “અત્યારે નહી, પહેલા લગ્ન પછી એ બધુ ઓકે.” વિરાજને તેના દિલ કરતા એના શરીરમા વધારે રસ હતો, એ વાત પ્રેમમા આંધળી બનેલી ઉત્સવી ન સમજી શકી.

કોલેજ પુર્ણ થયા બાદ ઉત્સવીએ ઘરે જાણ કરી. તેની ખુશીમા જ વસંતભાઇ અને સ્મિતાબેનની ખુશી હતી પણ સામે અજાણ્યા લોકો હતા, માટે તેમના વિશે જાણકારી મેળવવાના હેતુથી વિરાજ અને એના પિતા ધર્મેંદ્રભાઇ વિશે પ્રાઇવેટ ડિટેકટીવ પાસે તપાસ કરાવડાવી. ડિટેકટીવે બે જ દિવસમા માહિતી આપી દીધી કે ધર્મેંદ્રભાઇ અને એમનો પુત્ર વિરાજ બે નંબરીના બિઝનેસમા જોડાયેલા છે. લડાઇ-ઝઘડામા પડવુ અને છોકરીઓને પ્રેમજાળમા ફસાવવી, એ જ વિરાજના મુખ્ય કાર્યો હતા.

સત્યની જાણ થતા વસંતભાઇએ ઉત્સવીને સ્પષ્ટ શબ્દોમા વિરાજ સાથે સંબંધ જોડવાની ના પાડી દીધી હતી. પંદરેક દિવસ ઉત્સવીએ ઘરમા ધમાલ મચાવી મુકી હતી, પણ ત્યાર બાદ ઉત્સવી ના જાણે કેમ શાંત થઇ ગઇ હતી અને આજે તેમને ખબર પડી કે ઉત્સવીએ મા-બાપની ઇચ્છા વિરુધ્ધ જઇને બે મહિના પહેલા જ વિરાજ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આજે તો માત્ર ઘર છોડીને જ ગઇ હતી

***

એક ઉત્સવીનો લખેલો પત્ર હતો, તો બીજો કાગળ મેરેજ સર્ટીફિકેટ હતુ. જેને જોઇને સ્મિતાબેન જમીન પર ઉભા જ ઢળી પડ્યા. એક આદર્શ પ્રેમી યુગલ જે થોડી વાર પહેલા પ્રેમભરી વાતો કરી રહ્યુ હતુ, ચાર દિવસ બાદ આવવાવાળી લગ્નની વર્ષગાંઠ કેવી રીતે મનાવવી એનો પ્લાન બનાવી રહ્યા હતા. લગ્નની એ રસમ અને ફરી મધુરજનીની એ રાત સાથે વિતાવવા માંગતા હતા. લગ્નના ૨૫ વર્ષોનો સુનેહરો સાથ અને યાદોની સુરાવલી ફરી જીવવા માંગતા હતા. બધુ જ વેરવિખેર થઇ ગયુ. ઉત્સવીએ લીધેલો નાસમજીભર્યો નિર્ણય એ બંને માટે એક એવા વાવાઝોડા સમાન હતુ જે એમણે વર્ષોથી સાચવીને રાખેલી તમામ ખુશીઓ અને ઉમંગોને સાથે લઇને ઉડી ગયુ હતુ. કઇ જ બચ્યુ નહોતુ. બંનેના પ્રેમનો અંશ એટલે ઉત્સવી. જે તેમને છોડીને જતી રહી. એકવાર પણ ન વિચાર્યુ કે તેના આવા નિર્ણયની બંનેના મન પર કેવી અસર પડશે. સમાજમા જાળવીને રાખેલી વર્ષોની ઇજજ્ત અને પ્રતિભાનુ શુ થશે. ચાર દિવસ બાદ આવનારી લગ્નની ૨૫મી વર્ષગાંઠ વિશે પણ ન વિચાર્યુ. એકાદ સપ્તાહ બાદ જાત તો પણ સારૂ રહેત, પતિ-પત્ની ખુબ જ ઉમળકાભેર એમની વર્ષગાંઠને યાદગાર બનાવી શક્યા હોત, જે તેમને જીવનના અંતિમ દિવસો સુધી યાદ રહેત. એમ તો પતિ-પત્ની માટે દરેક વર્ષગાંઠ ખાસ હોય છે પણ પહેલી અને ૨૫મી વર્ષગાંઠ ખુબ જ ખાસ હોય છે. એક અનેરો આનંદ તેમના મનમા વસેલો હોય છે. એવામા જો વસંતભાઇ અને સ્મિતાબેન જેવુ યુગલ હોય તો ઇશ્વર પણ પોતાની પીઠ થપથપાવીને બોલી ઉઠે, “વાહ, ખુબ સુંદર સર્જન કર્યુ છે મે, મજા આવી ગઇ.”

***

સ્મિતાબેન ઝડપથી વસંતભાઇની તરફ આગળ વધ્યા અને તેમને વળગી પડ્યા. ઝડપ એટલી વધારે હતી કે વસંતભાઇ જમીન પર ઢળી પડ્યા અને તેમની ઉપર છાતીએ માથુ મુકીને સ્મિતાબેન જોરથી રડી પડ્યા. સ્મિતાબેનની આંખોમા આંસુઓ ૨૫ વર્ષ પહેલા આવ્યા હતા, જ્યારે તેમની પિયરમાથી વિદાય થઇ હતી, અને આજે પણ ૨૫ વર્ષ બાદ જ, જ્યારે તેમની ઉત્સવીએ એવો ઝખ્મ આપ્યો કે એ હવે જીવનભર ભરાશે કે નહી, એ પણ કહેવુ અત્યારે મુશ્કેલ હતુ.

બંને પતિ-પત્ની લગભગ અડધો કલાક સુધી એકબીજાની બાહોમા રહીને ખુબ રડ્યા. સ્મિતાબેને એટલા આંસુઓ વહાવ્યા હતા કે વસંતભાઇનો શર્ટ પણ ભિંજાઇ ગયો હતો. અચાનક સ્મિતાબેન રડતા બંધ થઇ ગયા, તેમના ગળામાથી નિકળતા ડુસ્કાઓ પણ સમી ગયા. હાથ-પગ સુન્ન પડી ગયા હોય એવો આભાસ વસંતભાઇને થયો.

“સ્મિતા....સ્મિતા....” ડુસકાઓ ભરતા વસંતભાઇ બોલ્યા. સામેથી કોઇ જવાબ ન આવ્યો. તેમણે સ્મિતાબેનના ચહેરાને હલાવ્યો. તેમની આંખો બંધ હતી. તેમને ઉંચકીને વસંતભાઇએ પલંગ પર સુવાડી. સ્મિતાબેન બેહોશ થઇ ગયા હતા. વસંતભાઇ ઉમરની પરવાહ કર્યા વિના બે બે પગથિયાઓ એક સાથે ઉતરીને નીચે આવ્યા, ફ્રિજમાથી પાણીની બોટલ નિકાળી અને એટલી જ ઝડપે ફરી ઉપર ગયા. વસંતભાઇએ ચારથી પાચ વખત ઠંડા પાણીના છાંટા સ્મિતાબેનના ચહેરા પર માર્યા. તે છતાય ભાનમા ન આવતા, બોટલમા રહેલુ અડધાથી પણ વધારે પાણી સીધુ તેમના ચહેરા પર રેડી દીધુ. ત્યારે જઇને તેમનુ શરીર સહેજ સળવળ્યુ અને વસંતભાઇને થોડી રાહત થઇ. ભાનમા આવ્યા બાદ સ્મિતાબેન ફરી વસંતભાઇને વળગી પડ્યા.

“સ્મિતા....આપણે હિંમત રાખવી પડશે, શાંતિ અને ધૈર્યથી કામ લેવુ પડશે, તુ તો આટલી હિંમતવાળી છે અને આજે આમ વર્તે છે, ગાંડી...” વસંતભાઇ સ્મિતાબેનને સાંત્વના તો આપી રહ્યા હતા, પરંતુ ખુદ પણ અંદરથી તુટી ગયા હતા. રડમસ સ્વરે માંડ તેઓ બોલી શકતા હતા.

“ઉત્સવીએ આપણી સાથે આમ કેમ કર્યુ?” સ્મિતાબેને પુછ્યુ.

વસંતભાઇ તેમના માથા અને પીઠ પર હાથ ફેરવીને તેમને માત્ર સાંત્વના આપી રહ્યા હતા, કોઇ જવાબ તેઓ ન આપી શક્યા. લગભગ સવારના દસ વાગ્યા સુધી બંને બેડરૂમમા જ રહ્યા. તેઓએ સો વાર ઉત્સવીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

“સ્મિતા, હુ ઉત્સવીની ખાસ ફ્રેંડ દિવ્યાને ફોન કરુ છુ, મને ખાતરી છે કે એ જાણતી હશે.” વસંતભાઇએ કહેતા કહેતા દિવ્યાને ફોન જોડ્યો.

“હેલો દિવ્યા, ઉત્સવીના પપ્પા બોલુ છુ....” વસંતભાઇએ કહ્યુ.

“હા બોલો અંકલ.” દિવ્યાએ કહ્યુ.

“ઉત્સવી વિશે કઇ જાણે છે?” વસંતભાઇએ પુછ્યુ.

“ના અંકલ કેમ? શુ થયુ?” દિવ્યાએ નવાઇથી પુછ્યુ.

“બેટા આશા રાખીશ કે તુ આ વાતને ગોપનિય રાખીશ.” વસંતભાઇએ કહ્યુ.

“હા, સ્યોર અંકલ. પણ શુ થયુ એ કહો ને પ્લીઝ.” દિવ્યાએ વિનંતી કરી.

“ઉત્સવી ઘર છોડીને જતી રહી છે, આમ તો વિરાજ સાથે કોર્ટ મેરેજ બે મહિના પહેલા જ કરી લીધા હતા.” વસંતભાઇએ કહ્યુ.

“હે.....શુ વાત કરો છો અંકલ?” દિવ્યાએ નવાઇ પામીને જોરથી કહ્યુ.

“તો તને આના વિશે કઇ ખબર છે?” વસંતભાઇએ કહ્યુ.

“ના અંકલ મને કઇ જ ખબર નથી.” દિવ્યાએ કહ્યુ.

“મને લાગતુ હતુ કે તુ કઇક જાણતી હશે, તુ સાચુ કહે છે ને?” વસંતભાઇએ પુછ્યુ.

“હા અંકલ, મને ખુદને એ વિરાજ નહોતો ગમતો, સાલ્લો ગુંડો, મે એને ખુબ સમજાવી, પણ એ ન જ માની, બેવકુફ.” દિવ્યાએ ગુસ્સો કર્યો.

“ઉત્સવીનો ફોન સ્વિચ ઓફ આવે છે, જો તારી સાથે સંપર્ક કરે તો અમને કહેજે પ્લીઝ.” વસંતભાઇએ કહ્યુ.

“હુ થોડીવારમા આવુ છુ અંકલ, તમે ચિંતા ન કરશો.” દિવ્યાએ કહ્યુ.

વસંતભાઇ કઇ ન બોલ્યા અને ફોન મુકી દીધો. દિવ્યા ઉત્સવીની નાનપણથી જ ખાસ સખી હતી, પણ ઉત્સવીએ કોઇને કઇ જાણ ન કરી અને વિરાજ સાથે જતી રહી. દિવ્યા પણ એના વર્તનથી ખુબ નારાજ હતી. થોડીક વારમા જ તે વસંતભાઇના ઘરે આવી પહોચી.

“આંટી....” કહીને દિવ્યાએ સ્મિતાબેનને ગળે લગાવીને સાંત્વના આપી. થોડીવાર કોઇ કઇ જ ન બોલ્યુ. દિવ્યા થોડીવાર રોકાઇને ત્યાથી જતી રહી. તેની આંખોમા આંસુ અને દિલમા ઉત્સવી માટે ચિંતા હતી. બધા જ સમજી શકતા હતા કે વિરાજ ઉત્સવી માટે યોગ્ય નથી, બસ એક ઉત્સવીને છોડીને. એની આંખો પર વિરાજના પ્રેમની એવી પટ્ટી બંધાયેલી હતી, કે તેને માતા-પિતાનો પ્રેમ દેખાયો જ નહી. માતા-પિતાએ આપેલો ૨૦ વર્ષનો પ્રેમ, વિરાજે આપેલા ૩ વર્ષના જુઠ્ઠા પ્રેમ સામે ટુંકો સાબિત થયો.

***

વસંતભાઇ અને સ્મિતાબેને શક્ય એટલી શહેરમા શોધખોળ આરંભી. રાતના ૧૧ વાગ્યે બંને ઘરે પાછા ફર્યા. આખા દિવસમા વારંવાર ઉત્સવીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ તે સ્વિચ ઓફ જ આવતો હતો. તેમના મનમા ઉત્સવી માટે નારાજગીની સાથે ચિંતા પણ હતી. જાણતા હતા કે ઉત્સવી વિરાજના જાળમા ફસાઇ ગઇ છે, જ્યા બરબાદી સિવાય કઇ જ તેને નહી મળે.

“કાલે સવારે વહેલા ઉઠીને આપણે ફરી ઉત્સવીને શોધવા જઇશુ.” સ્મિતાબેને ઉદાસીના સ્વરે કહ્યુ.

“સ્મિતા, એને શોધવાનો કોઇ અર્થ નથી. તુ જ કહે ક્યા શોધીએ એને, એ પણ હોઇ શકે કે એ આ શહેરમા જ ન હોય.” વસંતભાઇએ સમજાવતા કહ્યુ.

સ્મિતાબેને કઇ પણ કહ્યા વગર તિજોરીમાથી ચાર-પાચ આલ્બમ નિકાળ્યા. ઉત્સવીના નાનપણથી લગાવીને અત્યાર સુધીની તમામ તસવીરોની યાદો એ આલ્બમમા કેદ હતી. બંનેએ સાથે મળીને એ તમામ તસવીરો ફરી જોઇ. નજાણે કેટલીય વાર સુધી આંસુઓના મોતિબિંદુ એમની આંખોમાથી સરતા રહ્યા. ઉત્સવીની તસવીરોને જોતા જોતા બંનેને ક્યારે ઉંઘ આવી ગઇ, ખબર જ ના પડી.

સવારના સાત વાગ્યે ફરી વસંતભાઇ ઉઠી ગયા. આટલા વર્ષોમા પહેલીવાર તેઓ ગાર્ડનમા કસરત કરવા ન ગયા. આજે તેમનો નિયમ તુટી ગયો હતો. તેમનુ માથુ ખુબ દુખતુ હતુ. રાતભરનો ઉજાગરો અને ગઇ કાલે કરેલી ભાગમભાગ. કિચનમા આવીને તેમણે ચા બનાવી. બે કપ ચાના લઇને તેઓ ફરી બેડરૂમમા ગયા.

“સ્મિતા...ચલ ઉઠ હવે....” વસંતભાઇએ તેમના કપાળે પ્રેમથી હાથ ફેરવ્યો. અચાનક ઝબકીને તેઓ જાગી ગયા.

“ચા પી લે.” વસંતભાઇએ ચા નો કપ આગળ કર્યો.

“મારે નથી પીવી.” સ્મિતાબેને કહ્યુ.

“સ્મિતા....” વસંતભાઇએ કહ્યુ.

સ્મિતાબેને ચા નો કપ હાથમા લીધો અને ગરમાગરમ ચા બે જ ઘુંટમા પી ગયા. આજે તેમને ચા ગરમ નહોતી લાગી રહી. કારણ કે દિલમા લાગેલી આગ તેના કરતા હજારો ગણી વધારે ગરમ હતી. પોલિસ સ્ટેશનમા ફરિયાદ કરવાનો કોઇ મતલબ નહોતો, કારણ ઉત્સવી કોર્ટ મેરેજ કરી ચુકી હતી. ઉત્સવીને શોધવી સરળ નહોતી, એ બંને હવે સમજી ચુક્યા હતા.

***

સવારના દસ વાગ્યા હતા. આજે બંને મોડા ઉઠ્યા હતા. કમજોરીને કારણે સ્મિતાબેનને ચક્કર આવવા લાગ્યા. તેઓ જમીન પર ઢળી પડે એ પહેલા વસંતભાઇએ તેમને સંભાળી લીધી. સોફા પર તેમને સુવાડી, ત્યા જ દિવ્યાનુ આગમન થયુ.

“અરે અંકલ, આંટીને શુ થયુ?” ચિંતિત સ્વરે દિવ્યાએ પુછ્યુ.

“કમજોરીને કારણે ચક્કર આવી ગયા, બે દિવસથી જમી નથી.” વસંતભાઇએ કહ્યુ.

“ઓહહ...તો...તો તમે પણ નહી જમ્યા હોવ, અંકલ આમ કેમ ચાલે.” દિવ્યાએ કહ્યુ.

વસંતભાઇ ફ્રિજમાથી બોટલ લઇ આવ્યા અને સ્મિતાબેનને પાણી પિવડાવ્યુ.

“અંકલ હુ તમારા બંને માટે કઇક રસોઇ બનાવી દઉ છુ.” દિવ્યા આટલુ કહીને રસોડામા જતી રહી.

રસોડામા જઇને દિવ્યાએ દાળ-ભાત અને રોટલી બનાવી અને અડધો કલાકમા રસોઇ બનાવીને ડાઇનિંગ ટેબલ પર બે થાળી પરોસી.

“લો અંકલ તમે બંને જમી લો.” દિવ્યાએ કહ્યુ.

“ચાલ સ્મિતા, થોડુ જમી લે.” વસંતભાઇએ કહ્યુ.

“નહી, મને ભુખ નથી, તમે જમી લો.” સ્મિતાબેને કહ્યુ.

“અરે જો તુ નહી જમે તો હુ પણ નહી જમુ, હો...” વસંતભાઇએ કહ્યુ.

“જોઇ લો આંટી, અંકલ નહી જમે અને તેમને પણ તમારી જેમ ચક્કર આવવા લાગ્યા તો?” દિવ્યાએ જાણે સ્મિતાબેનની દુખતી નસ પર હાથ મુકી દીધો. વસંતભાઇની તબિયત બગડે એમ સ્મિતાબેન ક્યારેય સ્વપ્નમા પણ ન વિચારી શકે. બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા અને થોડુક જમ્યા. જો આજે દિવ્યા ન આવી હોત, તો આજે પણ બંને ભુખ્યા જ રહ્યા હોત.

“અંકલ, આમ લાપરવાહી નહી ચાલે અને તમે બંને દુખી કોના માટે થાવ છો, એ સ્વાર્થી છોકરી કે જેણે તમારા વિશે વિચાર્યુ જ નહી?” દિવ્યાએ ગુસ્સામા કહ્યુ.

“હમમ...” વસંતભાઇએ કહ્યુ.

બંને સાથે થોડીવાર રહીને દિવ્યા જતી રહી.

***

વધુ આવતા સપ્તાહે....

રોહિત સુથાર “પ્રેમ”