વિશ્વાસ
કમરેથી બેવડ વળી ગયેલા શરીરે ને ડગુમગુ થતાં પગે દિનેશભાઇ લાકડાનું સ્ટૂલ લઇ જ આવ્યા. બહાર ઓસરીમાં મુકેલું એ સ્ટૂલ પોતાના રૂમમાં લાવતાં સુધીમાં તો એમને હાંફ ચડી આવી. થોડી વાર ખુરશીમાં આંખો બંધ કરીને બેસી રહ્યા. નજર સામે ફરી એ જ બે આંખો દ્રશ્યમાન થઇ ઉઠી. વર્ષો પહેલાંની એ યાદ આજે ય એમને વિચલિત કરી નાખતી. એમાંય અહીં આવવાનું નક્કી થયા પછી તો એ બે આંખોએ જાણે એમના મન પર કબ્જો કરી લીધેલો. કોઈ પણ કામમાં મન જ નહોતું લાગતું એમનું. એ આંખોનું ખેંચાણ એટલું તો તીવ્ર હતું કે એ વિવશતાથી ખેંચાતા જતાં એની પાછળ. લાગણીઓના મોજા પર સવાર થઈને એ જૂની યાદોના સફરે નીકળી જતાં. મંઝિલ વિનાની, નિરાશાના ઘોર અંધકારમાં ડૂબેલી એ સફરના અંતે ફક્ત એ બે આંખોમાં ડોકાતી આશાની કિરણ જ એમને સધિયારો આપી શકતી. કાળી મોટી એ આંખોની ચમકના સથવારે તો એમણે આટલા વર્ષો ખેંચી કાઢ્યા હતા. પણ હવે કદાચ સમય થયો હતો એ ચમકને સાક્ષાત નિહાળવાનો. બહુ રાહ જોઇ સાચા સમયની. હવે નહી. સંજયની અહીં થયેલી બદલી જ એ વાતની સાક્ષી પૂરતી હતી કે હવે બહુ જલ્દી એ નજરે પોતાનામાં મૂકેલો વિશ્વાસ સાચો પડવાનો હતો.
આ પહેલાં પણ આવી એક ક્ષણ આવીને છેલ્લી ઘડીએ હાથમાંથી સરી ગયેલી. પોતાની આંખમાં ડોકાતી એક નિરાશ તરસને સરિતા જાણી ગયેલી. એણે બહુ પૂછ્યું ત્યારે દિનેશભાઇએ કહેવું જ પડેલું. પોતાના પતિદેવની અતૃપ્ત આંખોને એના સાચા સ્થાને આવીને જ શાતા મળશે એ જાણી ગયેલી સરિતાએ બધું જ કામ પડતું મૂકાવીને અહીં આ ઘેર આવવાનો બંદોબસ્ત કરેલો. છેલ્લી ઘડીએ અચાનક જ બગડેલી તબિયતે સરિતાએ પરભવની વાટ પકડી. વિદાય વેળાની એની એ પ્રશ્નાર્થભરી આંખોએ દિનેશભાઇની કેટલીય રાતોની ઊંઘ વેરણ કરી નાંખેલી. આજે સરિતા ય ખુશ થશે એમને અહીં આવેલા જોઈને. બસ, આ વિચારે જ એમના ધ્રૂજતા પગમાં ચેતન લાવી દીધું ને એ સ્ટૂલ પર ચડવાની હિંમત કરી જ બેઠાં.
“પપ્પા, આ ઇન્શ્યોરન્સના પેપરમાં તમારી સહી.... અરે, તમે ત્યાં ઉપર કેમ ચડ્યા? મને કહેવાય ને? શું જોઈએ છે? લાવો, હું ઉતારી આપું.” સંજયે હાથમાં રાખેલા પેપર સામે પડેલાં ટેબલ પર મૂક્યા. દિનેશભાઈને નીચે ઉતારી એ સ્ટૂલ પર ચડ્યો.
“પપ્પા, હજી ગઈકાલે તો અહીં શિફ્ટ થયા છીએ. ત્યાં તમે અહીં માળિયામાં શું શોધવા લાગ્યા?” સંજયે અંદર નજર દોડાવી. છેક ડાબી બાજુ ખૂણે લોખંડની એક નાની પેટી પડેલી હતી. સંજયને નવાઇ લાગી. વર્ષોથી બંધ પડેલાં આ મકાનમાંથી આવી કોઈ વસ્તુ નીકળશે એવી તો ક્યાંથી ખબર હોય? હજી અઠવાડિયા પહેલાં જ એ પપ્પાની સાથે આવીને આ મકાન જોઇ ગયેલો. સાવ અવાવરું, ખંડેર જેવું મકાન એને તો ગમ્યું નહોતું, પણ એના પપ્પા, દિનેશભાઈને આ મકાન ખૂબ ગમી ગયેલું. સંજયને એની આ તાત્કાલિક થયેલી બદલી જ ગમી નહોતી ત્યાં પપ્પા પણ સાથે આવવા લગભગ જીદ કરી બેસેલા. સંજયને હતું, એ અને માયા સારી રહેવાની વ્યવસ્થા કરી લે એ પછી પપ્પાને બોલાવી લેવાશે, પણ પપ્પા માન્યા જ નહિ! ખેર, મકાન ફાઈનલ કરી દીધા બાદ પહેલું કામ સંજયે એનું રંગરોગાન અને સમારકામ કરાવવાનું કરેલું.
“સંજુ, બેટા ડાબી બાજુ ખૂણે, પેલી પેટી…” અધીરા થઇ ગયા દિનેશભાઇ.
‘ પપ્પાને પહેલેથી જાણ હતી કે અહીં આ પેટી છે!’ સંજયનું આશ્ચર્ય બેવડાયું.
તીણા કિચૂડ અવાજથી પેટી ખૂલી. અંદર એક પીળા પડી ગયેલા કાગળ સિવાય બીજું કંઈ જ નહોતું. દિનેશભાઈએ સાવચેતીથી એ કાગળ ઉપાડ્યો. બે દસેક વર્ષની ઉમરના બાળકો એકબીજાને ખભે હાથ નાખીને ઉભા હોય એવું એ ચિત્ર હતું. નીચે ગરબડીયા અક્ષરોએ કૈક લખેલું હતું.
“આ કોનું ચિત્ર છે?” સંજયની અધિરાઇ પણ વધી હતી. સાવ અજાણ્યા એવા આ મકાનમાંથી એક પેટી મળવી ને એ ય પાછી પપ્પાને ખબર હોય એ જગ્યાએથી!
“આ ચિત્ર નથી દીકરા, વિશ્વાસનો એક એવો કાગળ છે જે વર્ષોથી મારી જ રાહ જોતો અહીં સચવાઇને પડ્યો છે. આ ડાબી બાજુ ઉભો એ હું ને મારી બાજુમાં ઉભો એ...” અતીતમાં ડોકિયું કરવા દિનેશભાઇ સહેજ રોકાયા. “મારો જીગરજાન મિત્ર, સુભાષ. એણે જ આ ચિત્ર બનાવેલું. ધ્યાનથી જો, આ પાછળ જે મકાન દેખાય છે એ આ જ મકાન છે.”
સંજયે એ કાગળ હાથમાં લઈને ધ્યાનથી ચિત્ર જોયું. ચિત્રકળાના ઉત્તમ નમૂના સમું એ ચિત્ર જોતાવેંત નજર સામે દૃશ્ય ખડું થઇ જાય એમ સંજય પણ ઘડી ભર જાણે વર્ષો પહેલાના એ વાતાવરણમાં પહોંચી ગયો.
“શું અફલાતૂન ચિત્ર બનાવ્યું છે!” એના મોઢેથી સરી પડ્યું. “તમે ક્યારેય તમારા આ મિત્રનોઉલ્લેખ નથી કર્યો પપ્પા.”
“આપણું તો વતન જ અહીં. અત્યારે તું જે મકાનમાં ઉભો છે એ તારા દાદાએ બનાવેલું. હું ને સુભાષ, બંને લંગોટિયા મિત્ર. આ સામે દેખાય એ એનું ઘર. આ આખા મહોલ્લામાં બે જ વસ્તુઓ વખણાતી. સલીમચાચાની બિરયાની ને સુભાષ-દિનેશની દોસ્તી. હું ભણવામાં ને એ ચિત્રો દોરવામાં અવ્વલ. કક્કો શીખતા પહેલાં એણે ચિત્ર દોરતાં શીખી લીધેલું. આખો દિવસ કંઈ ને કંઈ દોર્યા જ કરે. એનો આ શોખ ને આવડત જોઇને અમારા સ્કૂલના ડ્રોઈંગ ટીચરે એના ચિત્રોનું પ્રદર્શન કરવાનું નક્કી કરેલું. અમે બંને ખૂબ ખુશ અને ઉત્સાહિત હતા એ દિવસ માટે.
મને બરાબર યાદ છે એ દિવસ. તારા દાદાએ પેઢીએથી આવીને હુકમ છોડેલો, ‘ જરૂર પૂરતોસમાન બાંધી લો. એક કલાકમાં આપણે નીકળીએ છીએ.’ એમનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય. એનું ઉથાપન થાય જ નહિ, ન તો એની સામે સવાલો કરી શકાય. સાંજે સુભાષના ચિત્રોનું પ્રદર્શન હતું. અમે કેટલાય દિવસોથી તૈયારીમાં લાગેલા. એના સારામાં સારા ચિત્રો ભેગા કરેલા. સુભાષના ચિત્રોનું પ્રદર્શન ને એમાં હું જ ન જાઉં? એ તો કેમ ચાલે?
માની સમજાવટની અસર ન થઇ ત્યારે બાપુજીએ એના સ્વભાવની વિરુદ્ધ મને હાથ જોડીને માની જવા વિનંતી કરી હતી. બાપુજીની આંખોનો એ ભાવ ત્યારે સમજી શકવા હું અસમર્થ હતો. પરંતુ મારા બાળમને એક વાત નક્કી કરી લીધી હતી, બાપુજી સાથે આ વિષયમાં હું ક્યારેય વાત નહી કરું.”
“પછી?”
“અમે સામાન બાંધીને જવાની તૈયારીમાં જ હતા કે સુભાષ આવ્યો. એનાથી છૂટા પડવાની વાતે જ હું એટલો હતાશ હતો કે મેં એને જાણ કર્યા વિના જ જવાનું નક્કી કરેલું. પરિસ્થિતિથી હારીને હું અમારી અતૂટ દોસ્તીને કુરબાન કરવા જઇ રહ્યો હતો એ વાત એણે જાણી જ લીધી. એને જોતાં જ મારી આંખો વરસી પડી. છેલ્લી વાર એને ગળે વળગાડવા હું આગળ વધ્યો પણ એના શબ્દોએ મને રોકી લીધો, ‘મેં દોરેલું શ્રેષ્ઠ ચિત્ર તને આપીને જાઉં છું. તારે પાછા આવવું પડશે. મારું ચિત્ર પ્રદર્શન અધૂરું રહેશે, આ ચિત્ર અને તારા વિના.’ એની મોટી વેધક આંખોમાં એક એવો વિશ્વાસ હતો જે મને આજે સુધી બાંધી રહ્યો છે. એના હતાશ શબ્દોએ મારી રહી સહી હિંમત પણ તોડી જ નાખી હોત, જો ત્યારે બાપુજીનો એ લાચાર ચહેરો મારી સામે ન આવ્યો હોત.”
“અચ્છા, તો તમારી ખુશીનું રહસ્ય હવે સમજાયું. પણ આટલાં વર્ષો રાહ શું કામ જોઇ, પપ્પા?”
“ ફરી એજ પરિસ્થિતિ દીકરા.અહીંનું ભર્યું ભાદર્યું ઘર છોડીને જવાનો આઘાત બાપુજી માટે જીવલેણ નીવડ્યો. એ તો રસ્તામાં જ..
એ પછી હું જીંદગીની ઘટમાળમાં ફસાતો જ ગયો. ક્યારેક એવી તીવ્રતાથી સુભાષનો સાદ સંભળાતો કે પળભર તો થતું, બધું જ છોડીને દોડી આવું. પણ હું ય લાચાર હતો. મેં બધું જ સમય પર છોડી દીધું ને સાચા સમયની રાહ જોવા લાગ્યો. મને વિશ્વાસ હતો કે સુભાષનો ભરોસો જરૂર સાચો પડશે. બસ, હવે એને શોધવાનો છે. ખબર નહિ ક્યાં હશે એ?”
“એ તમે મારા પર છોડી દો. તમારા મિત્રને શોધવાની જવાદારી મારી.” સંજયે પેલું ચિત્ર હાથમાં લીધું. “ આ શું લખેલું છે એ ખબર છે પપ્પા?” એણે નીચે લખેલા ગરબડીયા અક્ષરો દેખાડ્યા
“આ તો મારા જ અક્ષરો છે. લખ્યું છે, “શુભદિન”. સુભાષ અને દિનેશ બંનેનું નામ એક સાથે. મેં જ એક વાર એને આ નામ આપેલું. ત્યારથી એ એના બધાં જ ચિત્રોમાં મારી પાસે જ નામ લખાવતો.”
“આ જુઓ પપ્પા. શુભદિન કલ્ચરલ આર્ટ્સ, ફાઉન્ડર સુભાષ શર્મા. અ રહ્યો એમનો ફોટો. આ જ છે ને તમારા મિત્ર?” સંજયે મોબાઇલમાં એક પેજ ખોલીને દેખાડ્યું.
એ જ કાળી મોટી આંખો. વિશ્વાસની એ ચમક ઝાંખી થઇ હતી કે શું? અરે ના, આ તો આંસુભરી આંખે પોતાને જ ધૂંધળું દેખાઇ રહ્યું હતું.
“સંજય..”વધુ ન બોલી શકાયું એમનાથી.
“બે દિવસ પછી મુંબઈમાં એમના ચિત્રોનું પ્રદર્શન છે. સામાન બાંધી લો પપ્પા. અને હા, આ ચિત્ર ન ભૂલતાં.”
“થેન્ક યુ બેટા.” દિનેશભાઇ ભેટી જ પડ્યા એને. મનથી તો એ અત્યારે જ મુંબઇ પહોંચી ગયા હતા. વર્ષોની જુદાઇ જાણે એક જ ક્ષણમાં ઓગાળી નાખવી હોય એમ એ હાથમાં પકડેલા ફોટાને એકીટશે નીરખી રહ્યા. સુભાષની આંખોમાં એક ક્ષણે વાંચેલો એ વિશ્વાસ આજે એમની આંખોમાં પણ ઝળકી રહ્યો હતો.
-શ્રદ્ધા ભટ્ટ