Shivtatva in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-1

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-1

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧. શિવપુત્ર ગણેશ

શિવપુરાણની કથા છે કે ભગવાન શિવ તપોવનમાં તપ કરવા જતા રહે છે. શિવપુત્ર કાર્તિકેય પણ દેવ સેનાના સેનાપતિ હોવાના નાતે યુદ્ધ લડવામાં વ્યસ્ત હોય છે. જેથી પાર્વતી કૈલાસ પર એકલાં પડે છે. એકલતા વશ પાર્વતી કંટાળો અનુભવે છે અને કોઈનો સાથ ઈચ્છે છે. જેથી પાર્વતી પોતાના શરીરના મેલથી એક પુત્રને રચે છે. અને તેમાં પોતાની દૃષ્ટિ કરી તેને સજીવન કરી જન્મ આપે છે. તે પુત્ર એ જ શ્રીગણેશ.

ગણેશ જ્યારે નાના હોય છે ત્યારે શિવ તપોવનથી કૈલાસ પરત ફરવાના સમાચાર સાંભળી પાર્વતી સોળે શણગાર સજી શિવનું સ્વાગત કરવાના હેતુથી ષોડશ સ્નાન કરવા જાય છે અને ગુફાભવન બહાર ગણેશને ધ્યાન રાખવાનું કહી અંદર કોઈને પ્રવેશવા નહીં દેવા કહે છે. ગણેશ ગુફાભવનની બહાર ચોકીપહેરો કરે છે તેવા સમયે જ શિવ ત્યાં આવે છે, પરંતુ માત્ર પાર્વતીના મેલથી જન્મેલ ગણેશ શિવને ઓળખતા નથી અને શિવને ગુફામાં પ્રવેશતા અટકાવે છે. શિવ ગણેશને વિવિધ પ્રકારે પોતાની ઓળખાણ કરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઉદ્દંડતા વશ ગણેશ શિવનું અને શિવગણોનું અપમાન કરે છે. ગણેશ શિવ ઉપર શસ્ત્ર પ્રહાર કરે છે અને તે રીતે શિવ અને ગણેશ વચ્ચે યુદ્ધ થાય છે. જે યુદ્ધમાં અંતે શિવ પોતાના ત્રિશૂળથી ગણેશનું મસ્તક છેદી નાખે છે.

એક તરફ ગણેશનું મસ્તક અને એક તરફ ગણેશનું ધડ પડ્યું હોય છે તેવા સમયે પાર્વતી ગુફાભવનથી બહાર આવે છે અને ગણેશનો વધ જોઈને ખૂબ દુઃખી થાય છે. પાર્વતીને પુત્રવધનો વિલાપ કરતાં રોકવા શિવ ગણેશને પુનર્જીવિત કરવાનું આશ્વાસન આપે છે. અંતે ગણેશના મસ્તક ઉપર એક હાથીનું મસ્તક લગાડીને ગણેશને પુનર્જીવિત કરાય છે. આજે પણ ધડ માનવીનું અને મસ્તક હાથીનું એવા ગણેશજીનું આપણે દર્શન-પૂજન કરીએ છીએ. પરંતુ આ કથા પાછળ ઋષિઓ જે તત્ત્વબોધ સમજાવવા માગે છે તેને બહુ ઓછા લોકો સમજે છે.

પાર્વતી એ પ્રકૃતિ છે અને શિવ સમગ્ર જગતનો આત્મા છે. જ્યારે આત્મા તપોવનમાં એટલે કે પોતાના સ્વરૂપમાં જ વિચરણ કરે છે ત્યારે પ્રકૃતિ પણ એકલી પડે છે. એકલી પડેલી પ્રકૃતિ કોઈનો સાથસંગાથ ઝંખે છે. જેથી પોતાના શરીરના મેલથી પુત્ર ઉત્પન્ન કરે છે. પ્રકૃતિના મેલને ઋષિઓએ પ્રાકૃતજ્ઞાનસ્વરૂપ કહ્યો છે. જ્યારે પ્રકૃતિ પોતાના ગુણોને પોતાનો જ મળ સમજી પોતાનાથી ભિન્ન કરી તેના ઉપર દૃષ્ટિ કરે છે ત્યારે જે જ્ઞાન ઊપજે છે તે પ્રકૃતિ અને તેના ગુણો વચ્ચે રહેલું પ્રાકૃતજ્ઞાન છે. તેથી ગણેશ એ પ્રકૃતિથી જન્મેલા જ્ઞાનનું જ એક રૂપ છે. ગણપતિ ઉપનિષદ્‌ કહે છે ‘‘ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વં જ્ઞાનમયોસિ વિજ્ઞાનમયોસિ.’’

ગણેશનું ખરું નામ ગુણેશ છે. ગુણેશ એટલે જે ગુણોના ઈશ્વર છે તે. ગુણો પ્રકૃતિના છે અને ગુણોને જ્ઞાન પ્રકાશિત કરનાર ગણેશ છે. જેથી તે ગુણોના ઈશ છે. ઋષિઓએ કરેલી પ્રાર્થનામાં કહેવાયું છેઃ

ગુણ શરીરાય ગુણ મંડીતાય ગુણેશાનાય ધીમહિ

ગુણાતિત્યાય ગુણાધિશાય ગુણ પ્રવિષ્ટાય ધીમહિ

જ્ઞાનચતુરાય જ્ઞાનપ્રાણાય જ્ઞાનન્તરાત્મને

જ્ઞાનોત્સુકાય જ્ઞાનાત્માય જ્ઞાનોત્સુક મનસે

એક દંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

ઋષિઓ એ કહેવા માગે છે કે પ્રકૃતિથી જન્મેલું જ્ઞાન શિવના સ્વરૂપથી અનભિજ્ઞ હોય છે. તેથી શિવને પણ પોતાના ગૃહમાં પ્રવેશ કરતાં અટકાવે છે. પ્રકૃતિના મળથી નિપજેલા જ્ઞાનમાં શીલ અને શિષ્ટતાનો અભાવો રહે છે. જે રીતે પ્રકૃતિના ગુણો જાણી-જાણીને વૈજ્ઞાનિકો નવી-નવી શોધ કરતા રહે છે, પરંતુ આવી શોધ અને તેના જ્ઞાનમાં શીલ અને શિષ્ટતાનો સદા અભાવ રહે છે. ભૌતિક વિજ્ઞાન ગુણ આધારિત હોવાથી તે સદા ઉદ્દંડ રહ્યું છે. શિષ્ટતા અને શાલિનતાનો તેમાં સદાકાળ અભાવ જોવા મળ્યો છે તેથી જ વિજ્ઞાન લોકોનાં સંરક્ષણ અને સુખાકારીનાં જેટલાં સાધનો બનાવે છે તેની સામે વિનાશ અને નુકસાન કરતાં સાધનો પણ બનાવે છે.

ખરી હકીકત તો એ છે કે વિજ્ઞાને જે સાધનો બનાવ્યાં તેનો જેટલો દુરુપયોગ થઈને દુઃખદાયક થઈ પડ્યાં છે તેટલું દુઃખ તે સાધનોના અભાવમાં પણ ન હતું. ટૅકનોલૉજીએ માણસનું કુદરતી જીવન છીનવી લીધું. રસોઈઘરમાં વપરાતા ગૅસના ચૂલાએ દેશી ચૂલાની મીઠાશ છીનવી લીધી. હાઈબ્રીડ બિયારણે દેશી બિયારણના ભોજનની મીઠાશ તો આજના વિકટ પ્રશ્ન જેવા મોબાઈલે માણસની શાંતિ છીનવી લીધી. ઝડપી યુગે માણસને ઉતાવળિયો અને અધીર બનાવી દીધો. પરમાણું ઊર્જાની શોધ થઈ તે દિવસથી જ દુનિયા મહાવિનાશનો ખતરો અનુભવવા લાગી. બે દેશો વચ્ચેનું યુદ્ધ પણ પરમાણુંશસ્ત્રોના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ થતાં વાર લાગે તેમ નથી. આધુનિક વિજ્ઞાન અને ટૅકનોલૉજીએ પોતાના જ્ઞાનથી માણસને જેટલો સુવિધાસભર બનાવ્યો છે તેના કરતાં પણ વધુ ઉદ્વિગ્ન, અશાંત અને ભયભિત બનાવ્યો છે.

પ્રકૃતિના મેલથી જન્મેલા જ્ઞાનનું મસ્તક જ્યાં સુધી શિવના હાથે કપાતું નથી ત્યાં સુધી તે શિવનો પણ અનાદર કરતું રહે છે. શિવનો અનાદર કરનાર જ્ઞાનનું મસ્તક શિવના હાથે કપાય એ જ ઉચિત છે, કારણ કે શિવના હાથે જે જ્ઞાનનું મસ્તક કપાય છે તે ફરીને પુનર્જીવિત થઈ શકે છે અને શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે છે.

શિવ ગણેશને અન્ય કોઈનું મસ્તક નહીં લગાડતાં હાથીનું મસ્તક લગાડ્યું તે પાછળ પણ ઋષિઓની તત્ત્વદૃષ્ટિ છે. ઋષિઓ એ બોધ આપવા માગે છે કે જ્ઞાનનું મસ્તક વિશાળ હોવું જોઈએ. તે સંકુચિતતા છોડીને વિશાળતાપૂર્વક ચિંતન-મનન અને વિચાર કરે તે જરૂરી છે. તેના કાન પણ વિશાળ હોવા જોઈએ. જે બધાનું સાંભળી શકે. તેની આંખો ઝીણી (સૂક્ષ્મ) હોવી જોઈએ. જેથી તે ઝીણામાં ઝીણું જોઈ શકે. તેનું પેટ વિશાળ હોવું જોઈએ. જે ગમે તેટલું ચિંતન-મનન, વાચન અને અભ્યાસરૂપી ભોજન કરે તે પચી શકે. તેનું નાક પણ વિશાળ હોવું જોઈએ. ચહેરો ગમે તેટલો સુંદર હોય પણ નાક યોગ્ય ન હોય તો તે કદરૂપો લાગે છે. નાક એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. જેથી જ્ઞાન પ્રતિષ્ઠિત હોવું જોઈએ. જ્યાં ત્યાંથી પ્રતિષ્ઠા વગરનું મેળવેલું જ્ઞાન અર્થહીન છે. સાથે જ તેનું વાહન ઉંદર રાખીને એ કહેવામાં આવ્યું છે કે તે જ્ઞાન પુરુષાર્થમય રહેવું જોઈએ. જે રીતે ઉંદર સતત પુરુષાર્થ કરે છે તે રીતે જ્ઞાનને ગતિ કરવા માટે નાના-નાના પુરુષાર્થોની પણ સવારી કરવી પડે છે. નાની-નાની વાતો અને ઝીણી-ઝીણી બાબતોનો અભ્યાસ તેને વિરાટ ગતિ આપે છે.

જ્ઞાનનો અવતાર એવા ગણેશ માત્ર પાર્વતી રૂપી પ્રકૃતિના મેલમાંથી જન્મ લઈને શિવપુત્ર નથી બની શકતા. તે માટે તેમને શિવના હાથે પુનર્જીવિત થવું પણ જરૂરી છે. વ્યક્તિ પોતાની પ્રકૃતિની મદદથી જે જ્ઞાન એકઠું કરે છે તે જ્ઞાન જ્યારે શિવના હાથે સજીવન થાય ત્યારે જ તે કલ્યાણકારી થઈ શકે. અન્યથા વાંચી, સાંભળી કે અભ્યાસથી મેળવેલું જ્ઞાન પણ શિવનો વિરોધ કરીને વિનાશ નોતરે છે. વ્યક્તિએ પ્રકૃતિથી મેળવેલા જ્ઞાનનું મસ્તક પણ અંતરમાં રહેલા શિવના હાથે છેદાવવું જરૂરી છે. પ્રકૃતિના જ્ઞાનમાં રહેલો અહંકાર છેદાઈ જાય ત્યારે તેવા જ્ઞાનને પાર્વતી સાથે શિવપુત્ર થવાનો પણ અધિકાર મળે છે.