આઈ લવ યુ ટુ, ઇડિયટ
"મિસ્ટર વિનિત, આવતીકાલે તમારે સુરત જવાનું છે આપણી કંપની ની એક મોટી ડીલ સાઈન કરવા માટે. ડીલ બહુ મોટી છે અને આ ડીલ માટે તમારાથી વિશ્વાસુ માણસ કોઈ જ ના હોઈ શકે. પ્લીઝ તમે ના નહિ કરતા."
વિનિત તેના હેડ ના આગ્રહ ને નકારી ના શક્યો અને કમને સુરત જવા માટે તૈયાર થયો. ઘરે જઈને તેનું મગજ વિચારો ના માયાજાળ માં ભરાઈ ગયું. આજ થી પાંચ વર્ષ પહેલા સુરત ની જ એક કોલેજ માં તે અભ્યાસ કરતો હતો. સુરત સાથે તેનો વર્ષો જૂનો નાતો હતો. તેનો કોલેજ કાળ તેની આંખો સમક્ષ આવી ગયો અને યાદો ની એ મીઠી દુનિયા ની સફર માં તે નીકળી પડ્યો.
***
વિનિત નાણાવટી. કોલેજ નો સૌથી પોપ્યુલર છોકરો. એકદમ ડેશિંગ પર્સનાલિટી એન્ડ હેન્ડસમ છોકરો. છોકરીઓમાં ખુબ જ ફેમસ. જેના પર બધી છોકરીઓ મરતી. કોલેજ માં એડમિશન લીધા ના પહેલા જ દિવસ થી તેણે જાણે બધા ને મોહિત કરી દીધા હતા. જ્યાં પણ જાય લોકોને પોતાનામય કરી દેવાની ક્ષમતા તેના માં હતી. તેની વાત કરવાની છટા તેનું ડ્રેસિંગ સેન્સ એકદમ અદભુત હતા.
અનેક છોકરીઓ જેના પર મરતી એવો વિનિત માયા પર મરતો હતો.
માયા મિસ્ત્રી. રૂપ રૂપ નો અંબાર. વિનિત ને ટક્કર આપે એવી જ. એકદમ સાફ દિલની,મસ્તીખોર, માયાળુ અને લાગણીશીલ. જેમ છોકરીઓ વિનિત ની પાછળ પાગલ હતી તેવી રીતે છોકરાઓ માયા પાછળ ઘેલા હતા, વિનિત પણ તેમાંથી બાકાત ન હતો. પરંતુ માયા કોલેજ માં માત્ર ને માત્ર પોતાની કારકિર્દી માટે આવી હતી, તેને આવી બીજી વાતો પર ધ્યાન ક્યારેય આપ્યું જ નહિ.
વિનિત ની માયા સાથે પહેલી મુલાકાત કોલેજની કેન્ટીન ના એન્ટરંસ પર થઇ. માયા પોતાની બેસ્ટફ્રેન્ડ માલિની સાથે કેન્ટીન માં આવી રહી હતી અને વિનિત પોતાના મોબાઈલ માં ચેટ કરતા કરતા બહાર જઈ રહ્યો હતો. અને બન્ને જણા અથડાયા, માયા ના હાથમાંથી બધી બુક્સ પડી ગઈ.
માયા: " વોટ ધ હેલ, દેખાતું નથી. તારા કરતા તો આંધળા સારા, એ લોકો બી ચાલતી વખતે ક્યાંય અથડાઈ ના જાય તેનું ધ્યાન રાખી ને ચાલે."
અને બુક્સ નીચે થી ઉપાડીને વિનિતે જેવું માયા તરફ જોયું તે બે ઘડી માટે ખોવાઈ ગયો, બસ તેને જ જોઈ રહ્યો.
માયા: "ઓ હેલો, બહેરા હું તારી સાથે વાત કરું છું. આંખો સાથે કાન પણ જતા રહ્યા છે કે શું!"
વિનિત: "વિનિત. મારુ નામ વિનિત છે."
માયા: "સો વોટ? ગો ટૂ હેલ!" અને તેની સાઈડ માંથી આગળ કેન્ટીન તરફ વધી જાય છે.
વિનિત (મસ્તીના મૂડ માં) : "માં-બાપે મેનર્સ જ નથી શીખવાડી આજકાલ ની છોકરીઓ ને. ખબર નઈ આવા તોછડા લોકો ક્યાં ક્યાંથી આવી જાય છે."
આ સાંભળીને માયા અટકી જાય છે પાછી વળે છે અને જવાબ આપે છે.
માયા: "એ તો દેખાય જ છે કે કોના માં-બાપે સારી મેનર્સ શીખવી છે, હું હતી એટલે બચી ગયો બાકી બીજી હોત તો અત્યાર સુધી માં બે લાફા ખાઈ ચુક્યો હોત. સો મિસ્ટર વોટએવર, મને સોરી કહેવાના બદલે સ્માર્ટનેસ બતાવવાથી કઈ થવાનું નથી."
વિનિત : " સોરી માય ફુટ." કહીને ફરીથી માયા ના હાથ માંથી બુક્સ પાડીને અટ્ટહાસ્ય કરતો ત્યાંથી નાસી જાય છે.
માયા: "ઇડિયટ."
અને આમ એક ઝગડાથી કોલેજ ના પ્રથમ દિવસે તેમની વચ્ચે એક સંબંધ ની શરૂઆત થઇ. બંને એક જ ક્લાસ માં હતા અને બંને નો રોલ નંબર પણ આગળ પાછળ હતો.
માયા (માલિની ને): "શીટ યાર, પેલા ઇડિયટ નો નંબર મારી પાછળ જ છે."
બંને જણા રોજ પ્રેક્ટિકલ્સ માં સાથે હોતા પરંતુ એકબીજાની સામે પણ નહોતા જોતા. વિનિત પોતાની મસ્તીમાં મગ્ન રહેતો અને માયા ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરતી. એક દિવસ કોલેજની બહાર કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈ વાહન ના ટાયર માંથી હવા કાઢી રહ્યું હતું, તે વિનિત જોઈ ગયો અને તે માણસ ને મારવા દોડ્યો. પેલો અજાણ્યો વ્યક્તિ નાસી ગયો. એક ટાયર ની હવા નીકળી ગઈ હતી. વિનિત ચેક કરવા નીચે નમીને જોઈ રહ્યો હતો. એટલામાં માયા આવી. તેને આ બધું જોયું. તે વાહન એનું હતું. તેણે આવીને વિનિત ને એક લાફો ઝીકી દીધો.
માયા: "તને હંમેશા કંઈક ને કંઈક મસ્તી જ સૂઝે છે મગજ માં. મને કેવી રીતે હેરાન કરવી એ જ તારે જોઈએ છે ને. કોઈ પણ વસ્તુ ની એક લિમિટ હોય." વિનિત આટલું સાંભળીને ફરી ગયો અને ત્યાંથી જતો રહ્યો. તે કંઈપણ સફાઈ આપવા માટે રોકાયો નહિ.
એટલામાં માલિની આવી જે થોડે દૂર ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. તેને નજરો સમક્ષ આખો બનાવ નિહાળ્યો હતો. તે માયા પાસે આવીને બોલી,
માલિની: "એટલિસ્ટ કઈ પણ બોલતા કે કરતા પહેલા જાણી તો લે કે થયું છે શું. વગર વાંકે બિચારાને તે ખરી ખોટી સંભળાવી અને થપ્પડ મારી દીધો. એણે કંઇજ નહોતું કર્યું, ઉપરથી એણે જે વ્યક્તિ તારા વિહિકલ ના ટાયર માંથી હવા નીકળતો હતો એને ભગાડ્યો છે અને ચેક કરતો હતો કે શું થયું છે. એને તો ખબર પણ નહોતી કે આ તારી વિહિકલ છે."
માયા: "યાર, મેં બિચારા ને કેવું કેવું સંભળાવ્યું અને થપ્પડ પણ માર્યો. શું કરું હવે હું?" માયા પશ્ચાતાપ માં ગરકાવ થઇ ગઈ.
માલિની: "કઈ નહિ, હવે જયારે આવે ત્યારે એને માનાવી ને એની માફી માંગી લે જે. તું માને છે એટલો ખરાબ નથી એ."
બીજા દિવસે વિનિત કોલેજમાં ચુપચાપ બેસી રહ્યો. કોઈ જ જાત ની મસ્તી નહિ, કોઈ જ સાથે બોલે નહિ. માયા આ બધું જોઈ રહી હતી. પ્રેક્ટિકલ્સ માં બંને સાથે ગોઠવાયા. વિનિત હજી પણ ચુપ જ બેઠો હતો. માયા એ તેની નોટબુક નું પેજ ફાડ્યુ. તેમાં સ્માઇલી દોર્યા અને લખ્યું, "સોરી, મને માફ કરી દે, મારી ભૂલ હતી." અને એ પેજ વિનિત તરફ સરકાવ્યું. વિનિતે તેના જવાબ માં લખ્યું, "ગેટ લોસ્ટ." માયા વધારે દુઃખી થઇ ગઈ, તેને ફરી લખ્યું, "સોરી ને યાર, થઇ જાય ભૂલ માણસથી. તું જે સજા આપીશ મને મંજુર છે." વિનિતે લખ્યું, "ઓકે, જોઈએ છે એ તો. છૂટીને કેન્ટીન પાસે મળ."
(છૂટીને)
વિનિત: "બોલ હવે, શું કહેતી હતી!?"
માયા: "સોરી, મારી ભૂલ હતી. મેં કઈ પણ જાણ્યા વગર તને ગમે તેમ બોલી દીધું. (હાથ લંબાવીને) ફ્રેન્ડ્સ??"
વિનિત: "ગો ટુ હેલ, હજી હિસાબ બાકી છે. હું જયારે તને એક થપ્પડ મારીશ પછી સરભર થશે. એ પછી વિચારીશું ફ્રેન્ડ્સ વિશે."
માયા: "એટલે તું એક છોકરી પર હાથ ઉઠાવીશ!? મને થપ્પડ મારીશ!?"
વિનિત: "હા, ઓબવીએસલી."
માયા: "ઓકે, ગો અહેડ."
વિનિત થપ્પડ મારવા માટે હાથ ઉપાડે છે અને માયા આંખો બન્ધ કરી દે છે. વિનિત હાથ લંબાવીને ઉભો રહે છે. માયા થોડી વાર પછી આંખો ખોલે છે.
વિનિત: " ફ્રેન્ડ્સ!?"
માયા (ચહેરા પર સ્મિત સાથે): "સ્યોર."
વિનિત: " બાય ધ વે, તું જેટલો નાલાયક મને સમજે છે એટલો હું છું નહિ. હજી હિસાબ સરભર નથી થયો, આજની સાંજની ટ્રીટ કેન્ટીન માં તારા તરફથી."
માયા: "પાક્કું, તું પણ શું યાદ રાખીશ, ચાલ."
અને આમ એક મિત્રતા ના સંબંધ ની શરૂઆત થઇ.
દિવસો જતા ગયા અને બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ. બંને આખો દિવસ એકબીજાની સાથે, બને એકબીજાને સપોર્ટ આપતા, એકબીજાની મુશ્કેલીઓ ને દૂર કરતા, મદદ કરતા. અને ધીમે ધીમે વિનિત ના મન માં માયા માટે પ્રેમ ની લાગણીઓ જન્મવા લાગી. તે માયા ની ખુબ કાળજી રાખતો. તે માયા ને તેના પિતાની જેમ ક્યારેક કોઈક વાત માં ટોકી દેતો, ક્યારેક માતા ની જેમ તેની ચિંતા કરતો, એક મિત્ર ની જેમ હર હંમેશ તેને સપોર્ટ આપતો, અને એક પ્રેમી ની જેમ તેને પ્રેમ કરતો હતો. માયા ની દરેક વાત ની તેની ઉપર ઊંડી અસર થતી હતી. તે તેના સુખ માં ખુશ થતો અને તેના દુઃખ માં તેને આધાર આપતો. બસ તેના મગજ માં માયા માટેની જ પ્રેમધુન વાગતી હતી. વિનિત ને ધીમે ધીમે થયું કે તેણે પોતાની ફીલિંગ્સ માયા ને કહી દેવી જોઈએ. પરંતુ તેને ડર હતો કે આમ કરવાથી કદાચ માયા ને ખોટું લાગશે અને તે માયા ને ખોઈ બેસશે. આથી તેણે બધું ચાલવા દીધું. પોતાના મન ની વાત ક્યારેય માયા ને કરી નહિ. આમ કરતા કરતા 3 વર્ષ પસાર થઇ ગયા. અને કોલેજ પુરી થવા આવી.
કોલેજના ફેરવેલ નો દિવસ આવ્યો, કોલેજનો આખરી દિવસ. વિનિતે વિચાર્યું આજે નહિ કહું તો તેને ક્યારેય ખબર જ નહિ પડે કે મારા મન માં તેના માટે શું ફીલિંગ્સ છે. પણ તેના માં એટલી હિમ્મત ન હતી કે તે તેની સામે જોઈને બધું કહી શકે. એટલા માટે તેણેે નક્કી કર્યું કે તે એક પત્ર લખશે માયા ને જેમાં તેના મનની બધી જ વાતો લખી દેશે અને તે માયા ને આપી દેશે. તે એકદમ ઉત્સાહથી પત્ર લખે છે, પોતાના મન ની તમામ વાતો તેમાં લખે છે અને પછી તે પત્ર ને વાળીને પોતાના વોલેટ માં મૂકી દે છે. અને તૈયાર થઈને ફેરવેલ પાર્ટી માં જવા માટે નીકળે છે. તે પાર્ટી માં ગેટ આગળ જ માયાની રાહ જોતો ઉભો રહે છે. એટલામાં માયા આવે છે. પણ અચાનક વિનિત નું મોં પડી જાય છે. માયા કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે હાથ માં હાથ પરોવીને પાર્ટી માં આવે છે. વિનિત આ બધું જોઈને દુઃખી થઇ જાય છે. તે માયાથી અને તે પાર્ટી માંથી દૂર થઇ જાય છે. બધા ની નજરોથી છટકીને તે પાર્ટી માંથી પોતાના રૂમ પર આવી જાય છે. તેની આંખો માં આંસુ આવી જાય છે. પોતે ખુબ મોડું કરી દીધું છે તેવું તેને સમજાય છે. તે એ જ સમયે પોતાનો બધો સમાન પેક કરીને રાતો રાત ત્યાંથી નીકળી જાય છે. આટલી બધી અસંખ્ય યાદો અને ખાસ કરીને માયા ને તે પાછળ મૂકીને સુરત છોડીને દૂર જતો રહે છે. તે પોતાનું સીમકાર્ડ પણ ફેંકી દે છે કે ફરી થી માયા તેનો સંપર્ક ન કરી શકે.
***
વિનિત ની આંખો ભીની થઇ જાય છે. તે પોતાનું વોલેટ નિકાળે છે અને અંદર થી વર્ષો જૂનો તેણે માયા માટે લખેલો પત્ર કાઢે છે ફરીથી વાંચે છે અને અંદર મૂકી દે છે. તે પોતાની જાત ને સંભાળે છે અને સુરત જવા માટેની તૈયારીઓ કરે છે.
બીજા દિવસે તે સુરત જવા માટે નીકળે છે. તે પોતાની ડીલ માટે પહોચે છે. હોટેલ ગ્રાન્ડ ભગવતી માં તેની મીટીંગ હોય છે. એટલામાં તેની આંખો આસ્ચર્ય થી પહોળી રહી જાય છે. તે જેની સાથે ડીલ કરવાનો હોય છે તે એ જ વ્યક્તિ હોય છે જેને તેણે પાંચ વર્ષ પહેલા માયા સાથે ફેરવેલ પાર્ટી માં જોયો હતો. તેનું નામ હતું માલવ મિસ્ત્રી. પરંતુ તે પોતાના અંગત જીવન ને પ્રોફેસનલ જીવન થી દૂર રાખે છે અને જાણે કંઇજ થયું નથી તે રીતે તે ત્યાં પોતાનું કામ કરે છે. વિનિત ની આગવી છટા અને વ્યાપાર બુદ્ધિ થી માલવ પ્રભાવિત થાય છે અને તે ડીલ ફાઇનલ કરે છે. માલવ વિનિત ને વિનંતી કરે છે કે બે દિવસ માટે તે હવે તેના ઘર માં જ રહેશે. માલવ કોઈનું માનતો નથી અને વિનિત નો બધો સામાન તેના સર્વન્ટ દ્વારા તેના ઘર માં શિફ્ટ કરાવી દે છે. માલવ વિનિત ને જાતે જ પોતાની કાર માં બેસાડીને પોતાના ઘરે લઇ જાય છે. વિનિત ના મન માં વિચારો નું વાવંટોળ ચાલુ થઇ જાય છે. તે વિચારવા લાગે છે શું માયા ત્યાં જ રહેતી હશે? જો માયા હશે તો તે તેનો કેવી રીતે સામનો કરશે? બહું જ ખરાબ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે. એટલામાં બન્ને જણા માલવ ના ઘર આગળ પહોંચી જાય છે. બન્ને કાર માંથી બહાર નીકળે છે, એટલામાં અંદરથી એક 3 વર્ષ નું બાળક ઘર માંથી દોડતા દોડતા પપ્પા પપ્પા બોલતા આવ્યું અને માલવ ને વળગી પડ્યું. વિનિત આ બધું જોઈ રહ્યો હતો.
માલવ: "અરે મારો દિપુ."
એટલામાં તે દિપુ ની પાછળ દોડતી દોડતી એક સ્ત્રી આકૃતિ આવી અને તેને જોઈને વિનિત થીજી ગયો. તે માયા હતી. બન્ને જણા એકબીજાની સામે જોઈ રહ્યા. વિનિત ની હાલત જાણે કાપો તો પણ લોહી ના નીકળે તેવી થઇ ગઈ હતી. માયા પણ 2 મિનિટ માટે સ્તબ્ધ થઇ જાય છે.
માયા: "વિનિત?! આઈ કાંટ બિલિવ. આ તું જ છે ને?"
વિનિત: "હા, હું જ છું."
માયા: "આટલા વર્ષો બાદ, આ રીતે ક્યારેય આપણે મળીશું એવું મેં વિચાર્યું નહતું."
માલવ: " તમે બંને એકબીજાને ઓળખો છો? ગુડ. બટ આઈ મસ્ટ ટેલ યુ, વિનિત ઇસ અ જેન્ટલમેન."
અને આમ કહીને દિપુને તેડીને માલવ ઘરની અંદર ચાલ્યો જાય છે. માયા અને વિનિત એકબીજાની સામે જોઈ રહે છે કશું જ બોલતા નથી. માયા ની આંખો જાને વિનિત ને પૂછી રહી હતી અચાનક ક્યાં ગાયબ થઇ ગયો હતો? ક્યાં જતો રહ્યો હતો?
વિનિત: "ચાલ, અંદર જઈશું."
માયા: "હા, ચાલ"
વિનિત આલીશાન ઘર માં દાખલ થાય છે. તે ઘર જોવે છે અને અચાનક દીવાલ પર લાગેલી માલવ અને માયા ની તસ્વીર પર સ્થિર થાય છે. આ બધું જોવું એકપળ માટે પણ તેના માટે અસહ્ય થઇ જાય છે. તે પોતાની જાત પર કંટ્રોલ કરે છે અને થઇ ગયું એને ભૂલવા પ્રયત્ન કરે છે.
માયા: "આવ, હું તને તારો રૂમ બતાવી દઉં."
વિનિત અને માયા ઉપર જાય છે. માયા વિનિત ને તેનો રૂમ બતાવે છે અને જતી રહે છે.
વિનિત રૂમ માં બેડ પર બેસે છે વોલેટ કાઢે છે અને એમાંથી પેલો પત્ર કાઢે છે. વાંચે છે.
પ્રિય માયા,
ખબર નહિ ક્યાંથી શરુ કરું. ઘણું બધું કહેવું છે પણ ખબર નથી પડતી કેવી રીતે તને કહું. તારી સાથે હોઉં છું ત્યારે સમય નું ભાન નથી રહેતું. તારી સાથે વિતાવેલો દરેક સમય મારા માટે અમૂલ્ય હોય છે. તારી સાથે વિતાવેલી એક એક પળ મારા માટે કિંમતી છે. મારા જીવન ની તમામ વાતો તને સૌથી પહેલા કહેવાનો હંમેશા મને ઉત્સાહ હોય છે. જયારે તું દુઃખી હોય છે ત્યારે મારો પણ મૂડ નથી હોતો. અને જયારે તું ખુશ હોય છે ત્યારે એવું થાય કે બસ આ પળ અહીં જ થંભી જાય અને તું જિંદગી ભર ખુશ રહે. બસ હું તારી એ ખુશી નું હંમેશા માટે કારણ બનવા માંગુ છું, તારા દુઃખ માં હંમેશા માટે સહભાગી થવા મંગુ છું, હરહંમેશ માટે તને ખુશ રાખવા માંગુ છું, તારી દરેક ચડતી પડતી માં તને સ્તંભ ની જેમ આધાર આપવા માગું છું, તને મારા જીવન નું એક અભિન્ન અંગ બનાવવા માંગુ છું. હા, તું સાચું સમજી છે, મને તું ગમે છે. તારી સાથે સમય વિતાવવો મને ગમે છે. કદાચ મેં કહેવામાં થોડું મોડું કર્યું છે પણ હા હું તને ગુમાવવા નથી માંગતો અને એ ડર ના લીધે આજ સુધી નથી કહી શક્યો. પણ હા આજે આપણો કોલેજમાં આખરી દિવસ છે, ફેરવેલનો દિવસ. એટલા માટે આજે હું તને મારા મન ની વાત કરવા મંગુ છું. પરંતુ તારી સામે તને મારાથી આ વાત નહિ કહી શકાય એટલા માટે આ પત્ર દ્વારા તને મારા મન ની વાત કરું છું.
હા, હું તને પ્રેમ કરું છું.
તારા જવાબ નો મને ઇન્તેજાર રહેશે.
તારો ખાસ મિત્ર, વિનિત.
તે તેને ફાડી નાખવા ઇચ્છે છે પણ તે અસમર્થ હોય છે. તેની આંખો માં આંસુ આવી જાય છે. તે ઉભો થાય છે અને બાથરૂમ માં જય છે. તે વોલેટ ને ટેબલ પર મૂકે છે અને કપડાં બદલીને નીચે જમવા માટે ગોઠવાય છે.
માલવ: " તમે બંને એકબીજા ને કેવી રીતે ઓળખો?"
માયા: " અમે બંને કોલેજ માં એકબીજાની સાથે હતા. કોલેજ પત્યા પછી અમે આજે મળીએ છીએ."
વિનિત: "હું પણ કોલેજ પત્યા પછી પાંચ વર્ષ માં આજે જ સુરત આવ્યો છું."
જમીને માલવ વિનિત ને ફરવા માટે સાથે લઇ જાય છે. માયા આવતી નથી. વિનિત ને થોડો હાશકારો અનુભવાય છે.
માલવ: "સો, શું કરે તારી વાઈફ અને બાળકો?"
વિનિત: "મેં હજી સુધી લગ્ન નથી કર્યા. કોઈ એવું મળ્યું જ નથી જે મારી સાથે બંધ બેસી શકે."
માલવ: "ઓહ, સો લગ્ન કર્યા નથી કે પછી કરવા નથી? કોઈ ગમતી તો હશે ને?"
વિનિત: "હા, ગમે છે ને, આઈ મીન ગમતી હતી. પરંતુ હવે તો એ પણ વેલ સેટલ્ડ છે."
માલવ: "ડોન્ટ વરી, તને તારું ગમતું મળી જશે. વિશ્વાસ રાખ તારા સમય પર."
વિનિત (મન માં): "ટાઈમ જ તો નથી સારો ચાલતો. જે જોઈએ છે એ આંખો સામે હોવા છતાં હું કાંઈ જ કરી શકવા માટે અસમર્થ છું."
બંને જણા રાતે ઘરે પાછા ફરે છે. માયા હોલ માં જ બેઠી બેઠી બંને ની રાહ જોતી હોય છે. બંને જણા ઘર માં આવે છે.
માલવ: "હું બહુ થાકી ગયો છું, હું ઊંઘવા જાઉં છું. બાય બાય ગાઈઝ. સી યુ ટુમોરો." એમ કહીને માલવ ઉપર રૂમ માં જતો રહે છે અને સુઈ જાય છે.
હોલ માં હવે માત્ર વિનિત અને માયા હોય છે. વિનિત માયા સામે જોતો નથી અને કાંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ ચાલવા માંડે છે. એટલા માં પાછળ થી માયા બોલે છે.
માયા: "વિનિત, થોડી વાર બેસ ને મારે તારી સાથે વાતો કરવી છે."
વિનિત: "હા." વિનિત કમને બેસે છે.
માયા: " કોલેજ માં કેટલી મસ્તી કરતા હતા આપણે નહિ. આખો દિવસ ધમાચકડી. આપણે તો સાથે ને સાથે જ રહેતા હતા. તને ખબર છે ફેરવેલ માં તને કેટલો મિસ કરેલો. તને કેટલા ફોન કર્યા પણ એકપણ કોલ લાગે જ નહિ. ક્યાં જતો રહ્યો હતો આમ અચાનક અમને બધા ને મૂકીને. એ વાત ના લીધે હું કેટલી ગુસ્સે છું ખબર છે તારાથી. મેં નક્કી જ કર્યું હતું કે તને જયારે પણ મળીશ તારી સાથે વાત જ નહિ કરું. પણ આટલા વર્ષો પછી તને જોઈને બધું જ ભૂલી ગઈ. આઈ મિસ ધોઝ ડેઝ સો મચ."
વિનિત: "હું પણ, બહુ યાદ આવે છે એ દિવસો. એ દિવસે મારે થોડું અર્જન્ટ કામ આવી ગયું હતું સો જતો રહ્યો હતો અને વચ્ચે રસ્તા માં મારો ફોને પડી ગયો હતો તો તૂટી ગયો હતો એટલે કોલ નહિ લાગતા હોય."
માયા: "બસ, બીજું કાંઈ કહેવું છે તારે?"
વિનિત: "ના, બસ કાંઈ નઈ બીજું તો. લાઈફ બહુ આગળ વધી ગઈ છે નઈ. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. બધા પોત પોતાની ફેમિલી માં પરોવાઈ ગયા."
માયા: (વિનિત નો પત્ર તેને બતાવતા) "તો આ બધું શું છે વિનિત? શું આમાં લખેલું બધું સાચું છે? મારે સાચો જવાબ જોઈએ છે. કોઈ જ જુઠ્ઠાણું નહિ જોઈએ પ્લીઝ."
વિનિત: "તું મારી વસ્તુઓને કેમ અડી. તારા માં એટલી સેન્સ નથી કે કોઈની પણ વસ્તુઓને એ માણસ ની પરવાનગી વગર ના અડાય."
માયા: "મેં જે પૂછ્યું એનો જવાબ આપ પહેલા તું. આ પત્ર માં લખેલું બધું સાચું છે?"
વિનિત: "ના, આ બધું ખોટું છે."
માયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને આમ કહીને વિનિત ઉપર પોતાના રૂમ માં જતો રહે છે અને રૂમ અંદરથી બંધ કરી દે છે. તે ઉદાસ બની ને બેસી જાય છે, તેની આંખો માં પાણી આવી જાય છે. તે પોતાનું વોલેટ લેવા ટેબલ પાસે જાય છે. વોલેટ ની નીચે તેને લખેલા પત્ર જેવો બીજો પત્ર પડ્યો હોય છે. વિનિત આંખો લૂછે છે અને તે પત્ર ઉઠાવીને વાંચે છે.
પ્રિય વિનિત,
તારા લખેલા એ પત્ર નો જવાબ હું મોકલું છું.
હા,મોડું તો તે ઘણું કર્યું છે. જે વાત સાંભળવા હું તરસી ગઈ હતી તે વાત મને ક્યારેય સાંભળવા જ ના મળી. હા તું સાચું સમજ્યો છે, હું પણ તને પ્રેમ કરું છું. ખબર નહિ ક્યારથી પણ તારા માટે મારા મન માં કોલેજ સમયથી જ પ્રેમ હતો. હા હું પણ ક્યારેય તને કહી નહોતી શકી. પરંતુ મને હતું કે તને પણ મારા માટે પ્રેમ છે, તું ક્યારેક તો મને કહીશ જ. પણ તે ના કહ્યું ક્યારેય અને મારી એ ઈચ્છા ક્યારેય ન પુરી થઇ. તારી જેમ મેં પણ નક્કી કર્યું હતું કે ફેરવેલ ના દિવસે તું નહિ કહીશ તો પણ હું તને મારા દિલ ની વાત કરીશ. પણ એ દિવસે તું ના આવ્યો. પાગલો ની જેમ મેં તને શોધવાનો પ્રયત્ન કર્યો. પાર્ટી માં હું એક કલાક માંડ રહી. તારી આવવાની રાહ જોઈ પણ તું ના આવ્યો, ઉપરથી તારો ફોન પણ નહતો લાગતો. મારી ધીરજ ખૂટી ગઈ. મેં પાર્ટી પડતી મૂકી ને સીધું તારા રૂમ તરફ દોટ મૂકી. પણ હું મોડી હતી, તું ત્યાંથી જઈ ચુક્યો હતો. તને શોધવાના ખુબ જ પ્રયત્નો કર્યા મેં પરંતુ તું ક્યાંય ના મળ્યો અને હું હતાશ થઈને બેસી રહી. મારો પ્રથમ પ્રેમ અધુરો રહી ગયો. હું ગુમશુમ રહેવા લાગી. મને 2 વર્ષ થયા આ બધા માંથી નીકળતા. અને કાલે તને જયારે જોયો ત્યારે મારા માં એક નવી હિમ્મત આવી ગઈ. તારી પણ ફેમિલી હશે, તું પણ લાઈફ માં આગળ વધી ગયો હોઈશ. પણ આજે વર્ષો થી જે વાત મનમાં દબાવી રાખી હતી તે કહીશ તો મારા મન નો ભાર હળવો થશે.
હા, હું પણ તને પ્રેમ કરું છું. પણ કદાચ હવે મોડું થઇ ગયું છે.
તારી માયા.
વિનિત પત્ર વાંચીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તેને પોતાની ભૂલ નું ભાન થાય છે. તેને થાય છે કે કાશ તેણે થોડી હિમ્મત કરીને પહેલા પોતાના મન ની વાત જો તેને કરી દીધી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. એટલામાં વિનિત ના રૂમ ની બહાર દરવાજા પર ટકોરા પડે છે. વિનિત પોતાની આંખો લૂછે છે અને પોતાની જાત ને સ્વસ્થ કરીને દરવાજો ખોલે છે અને બહાર માલવ ઉભો હોય છે.
માલવ: "અંદર આવું? મારે એક અગત્યની વાત કરવી છે."
વિનિત: "હા, બોલ બોલ."
માલવ: " માયા તને ખુબ પ્રેમ કરે છે. અને એ માત્ર ને માત્ર તને જ પ્રેમ કરે છે. તને ખબર છે ફેરવેલ ના દિવસે તેણે મને તારા વિષે વાત કરી હતી. અને મેં જ તેને કીધું હતું કે એ ના કહે તો કાંઈ નહિ તું કહી દે જે તારા દિલ ની વાત. એને સપોર્ટ આપવા માટે હું પણ એ દિવસે તેની સાથે આવ્યો હતો. પણ તું એ દિવસે નહિ આવેલો. તે દિવસ થી તે તારી જ રાહ જોવે છે. તેણે હજી સુધી લગ્ન નથી કર્યા."
વિનિત આસ્ચર્ય થી માલવ ની સામે તાકી રહે છે.
માલવ: "મેં તને ક્યારેય જોયો નહતો. પરંતુ મેં તારો ફોટો જોયેલો હતો. એટલામાં મેં તારો ફોટો ફરી બિઝનેસ મિટિંગ માં જોયો. અને એટલે જ મેં તું જ્યાં જોબ કરે છે એ કંપની સાથે ડીલ કરવાનું નક્કી કર્યું અને તેમાં તને જ મોકલે એવી શરત રાખી. કારણકે હું મારી બહેન ને ખુશ રાખવા માંગતો હતો, એક ભાઈ પોતાની બહેનની ખુશી માટે આટલું તો કરી જ શકે છે. તું આવી ગયો પણ મને ખબર નહોતી કે તે લગ્ન કરી લીધા છે કે નહિ. એટલે એ પણ મેં સાંજે જાણી લીધું કે તે પણ હજી લગ્ન નથી કર્યા."
વિનિત ને એક બાજુ પોતાની ભૂલ સમજાય છે કે મેં કઈપણ વિચાર્યા વગર વાત જાણ્યા વિના આટલું મોટું પગલું ભરી લીધું અને આટલું સહન કરવું પડ્યું અને બીજી તરફ તેને ખુશી પણ થાય છે કે તેની પાસે હજી મોકો છે.
વિનિત નીચે જાય છે, સોફા માં માયા ભીની આંખો એ સુઈ ગઈ હોય છે. વિનિત તેને જોઈ રહે છે. તેની નજીક જાય છે અને માયા ના કપાળ માં ચુંબન કરે છે. માયા જાગી જાય છે અને વિનિત ને વળગી પડે છે અને રડવા લાગે છે. વિનિત ની આંખો પણ ભીની થઇ જાય છે.
વિનિત (માયા ને): "સોરી મારી ભૂલ હતી. મેં વગર વાંકે તને અને મને બંને ને તકલીફો આપી. હું પાગલ છું અને ડફોળ પણ. મને માફ કરી દે."
માયા: "પાગલ, માફી જ માંગીશ કે પછી આટલા વર્ષો થી જે સાંભળવા હું તરસી ગઈ છું તે પણ કહીશ."
વિનિત: "હા, હું પણ તને પ્રેમ કરું છું."
માયા: "આઈ લવ યુ ટુ ઇડિયટ."
ઉપર થી માલવ સિટીઓ વગાડે છે અને તેની સાથે ઉભેલો નાનો દિપુ તાળીઓ પાડવા લાગે છે.
***