વેર વિરાસત
ભાગ - 33
એર ફ્રાન્સની ફ્લાઈટ મુંબઈ લેન્ડ થઇ રહી હતી. રિયાએ વિન્ડોમાંથી નીચે નજર નાખી. ધ સિટી નેવર સ્લીપ્સ લેખાતું મુંબઈ સાફ દેખાવું થયું . નજરે ચઢી રહી હતી આગિયાની જેમ ઝળહળતી લાઈટ્સ પણ રસ્તા સૂમસામ હતા. દિવસભર રહેતો ટ્રાફિક થાક ખાતો હોય તેમ લગભગ જંપી ગયો હતો. ક્યાંક ક્યાંક એકાદ સરકી જતી કાર પરથી અંદાજી શકાતું હતું કે મધરાત થઇ ચૂકી હતી. રિયાએ રીસ્ટ વોચમાં નજર કરી. એ હજી પેરીસ ટાઈમ પર સેટ હતી. એ તો બતાડી રહી હતી દસનો સુમાર.. રિયાએ મનોમન ગણતરી કરી લીધી . લેન્ડ થવામાં હજી બીજી પંદર વીસ મિનીટ અને પછી બહાર નીકળતા અડધો કલાક વધુ , એટલે ઘરે પહોંચતાં સવારના ચાર તો પાકા. એમાં પણ જો કોઈક ફિલ્મરસિયાની ચકોર આંખે ચઢી જવાય તો બીજી થોડી મિનીટ વધુ ...
પણ એ વાત ન બની. કદાચ ઊંઘને કારણે વિખરાયેલા વાળ , જેને બ્રશ મારી ઠીક તો કર્યા હતા ને મેકઅપ વિનાનો ચહેરો...
સમ ખાવા પૂરતી વ્યક્તિએ ન ઓળખી ત્યારે રિયાને ઘડીભર તો ચચરાટ થઇ ગયો : એનો અર્થ એ કે પોતે જોઈએ એવી લાઈમ લાઈટમાં આવી જ નથી ?
એ વસવસાને હાવી ન થવા દેવો હોય તેમ રિયાએ પોતાની એક માત્ર બેગ લઈને ચાલવા માંડ્યું.
કોઈ લગેજ તો ખાસ હતો નહીં છતાં રિયા કસ્ટમ વટાવી બહાર નીકળી ત્યારે કલાક નીકળી ગયો હતો. એની દ્રષ્ટિ બહાર થયેલા જમાવડામાં ડ્રાઈવરને શોધી રહી. એ રીસીવ કરવા આવ્યો હોય એમ લાગ્યું નહીં .
મમ નાનીને જાણ કરવી ભૂલી ગયા હશે ? રિયાએ અટકળ કરી. શક્યતા તો એવી જ લાગી રહી હતી. હવે એક માત્ર વિકલ્પ એ હતો કે પોતે ટેક્સી કરીને ઘરે પહોંચી જાય.
ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક્સી સડસડાટ દોડી રહી હતી. મધરાત થોડી ઘડીની મહેમાન હોય તેમ ચંદ્રની આથમતી કળા પૂર્ણરૂપે ખીલી હતી. જેને કારણે ચંદ્રમા પણ સૂર્ય જેવો દમામદાર લાગી રહ્યો હતો. રસ્તા પણ ટ્રાફિક લગભગ સંપૂર્ણપણે જંપી ગયો હતો એટલે જે અંતર કાપતાં પોણો કલાક લાગે તે અંતર માત્ર વીસ મિનીટમાં તબદીલ થઇ ગયું હતું . રિયાએ ટેક્સીના કાચ ઉતારી નાખ્યો. ચહેરા પર ધસી આવી ઠંડી ખરી હવાની લહેરખી. પહેલીવાર મનમાં કોઈક અજબ હળવાશ અનુભવાઈ રહી હતી. એરપોર્ટ પર પોતે ન ઓળખાઈ શકી એનો રંજ પણ વર્તાયા વિના હવા હવા થઇ ગયો હતો. જીંદગીમાં કદાચ પહેલીવાર લાગ્યું હતું કુટુંબના હિસ્સા હોવાનું , મમ્મી ને રોમા સાથે વિતાવેલાં થોડાં દિવસોએ જાણે જિંદગીમાં રહેલી અધૂરપ પૂરી કરી નાખી હતી.
ટેક્સી બાંદ્રા બેન્ડ સ્ટેન્ડની સામે આવેલા ગુલિસ્તાન બિલ્ડીંગ પર પહોંચી ને થોભી .રિયા પૈસા ચૂકવીને નીચે ઉતરી. એની નજર પડી વોચમેન પર. જે ટેક્સીમાંથી ઉતરતા જોઇને પણ સમાન લેવા દોડતાં સામે ન આવ્યા. પણ કઈ રીતે આવે? રિયાએ ધ્યાનથી જોયું , નાઈટડ્યુટીમાં તહેનાત થયેલાં ત્રણેય વોચમેન ખુરશીઓ ભેગી કરી આરામથી ઊંઘતા હતા..
એમની ઊંઘમાં ખલેલ પહોચાડવી રિયાને કઠયું . લગેજમાં એક માત્ર ટ્રોલી બેગ હતી. એ લઈને લિફ્ટ સુધી પહોંચી.
આખી રાત ડ્યૂટી કરીને થાકી હોય તેમ પેસેજની લાઈટો ચાલુ હતી. રિયાએ ડોરબેલ ન મારતાં પોતાની પાસે રહેલી લેચ કીથી જ બારણું ખોલ્યું.
એ હળવેકથી ઘરમાં દાખલ થઇ. લિવિંગરૂમમાંથી થઈને જતાં પેસેજની તમામ લાઈટ બંધ હતી. એ સાબિતી હતી કે નાનીને પોતાના આવવાની સૂચના જ નહોતી મળી , ને એટલે જ તો ડ્રાઈવરના દર્શન નહોતા થયા.
રિયા વધુ વિચારે એ પહેલા યોગાનુયોગે કદાચ અંદરથી લોક ન કર્યું હોય કે ગમે તે કારણસર માસીના બેડરૂમનું બારણું થોડું ખુલી ગયું . એ સાથે સર્જાયેલી નાની સરખી ફાટમાંથી એક કેસરી સોનેરી પ્રકાશની સેર લિવિંગ રૂમમાં રેલાઈ રહી.
રિયા સ્તબ્ધ બનીને જોતી રહી ગઈ. આ એ જ પ્રકાશ હતો જે ચેન્નાઈના બંગલામાં એકવાર મધરાતે જોયો હતો.
શું કરવું સમજમાં ન આવતું હોય તેમ રિયાના પગ ત્યાં જ જડાઈ ગયા.
નાનીને કંઇક થયું હશે ? અંદર જઈને નાનીને મળવું ? કે પછી .... રિયાના મનમાં અજબ ગડમથલ ચાલી રહી હતી.
એ પ્રકાશ ડીમ લાઈટનો તો ચોક્કસ નહોતો , ન તો હતો સાઈડ લેમ્પનો. માસી આટલી રાત્રે વાંચે એ વાત માનવામાં આવતી નહોતી પણ ન માનવાનું નક્કર કારણ તો એ હતું કે આ ઝાંખા પ્રકાશમાં વાંચવું લગભગ અશક્ય હતું . તો નાની અત્યારે કરી શું રહ્યા હતા?
શું કરવું શું ન કરવું એની ગડમથલમાં પોતાના રૂમમાં જવાને બદલે રિયા લિવિંગ રૂમમાં જ સોફા પર જઈને બેસી પડી .
એક વાત તો નક્કી હતી કે નાની જાગતા હતા, પણ શું કામ ?
થોડી ક્ષણો એમ જ વીતી ગઈ. આખરે એક વિચાર સાથે રિયાએ મન બનાવી લીધું , અંદર ડોકિયું કરવાનું .
એ એક એક પગલું દબાવતી આગળ વધી. નાનીના રૂમના બારણા સુધી પહોંચ્યા પછી મનમાં કોઈકે અટકાવી. : આ યોગ્ય કરી રહી છે તું ?
એ પ્રશ્ન સાથે જ મનમાં ઉઠેલા અવાજને તાબે ન થવું હોય તેમ એને હળવેકથી બારણાંને હડસેલ્યું . ફક્ત અટકાવેલું સીસમનું ભારેખમ બારણું માંડ થોડાં સેન્ટીમીટર ખુલ્યું પણ એની એક ઇંચ જેટલી ફાટમાંથી અંદર ઝાંકી શકાય એવી શક્યતા ઉઘાડતું ગયું હતું .
શ્વાસને રોકીને રિયાએ અંદર જોવા પ્રયત્ન કર્યો.અંદરનું દ્રશ્ય જોઇને આંખ કાન પર વિશ્વાસ ન થતો હોય તેમ મોઢું અધખુલ્લું રહી ગયું ને રોકેલો શ્વાસ એમાંથી સરી પડ્યો.
કેસરિયા પ્રકાશમાં આખું વાતાવરણ કોઈક જૂદું જ પરિમાણ રચી રહ્યું હતું . રૂમની વચ્ચોવચ્ચ ચિરોડીથી કોઈક ચોક્કસ પ્રકારની અલ્પના કરી હોય તેવી યંત્રની ડીઝાઇન બની હતી જેના ત્રિકોણાકાર ખૂણાઓમાં કેસરી ને લાલ ને ગેરુ રંગ ભર્યો હતો. ફૂલની રંગોળી પૂરી હોય તેમ કરેણ અને ગલગોટાના ફૂલ ચોક્કસ અંતરે મુક્યા હતા. વાતાવરણને ધૂંધળું બનાવતી હતી રૂમમાં ઘૂમરાઈ રહેલી ધૂમ્રસેર. એ ઉઠી રહી હતી રૂમના ચાર ખૂણે મુકાયેલા પિત્તળના ધૂપદાનમાં ,લોબાન ને ગુગળની તીવ્ર સુગંધવાળા ધૂપમાંથી. વચ્ચે વચ્ચે મુકાયેલા નાનાં દીવા વાતાવરણની લાલાશમાં વધારો કરતા હોય તેમ ઉંચી જ્યોત સાથે જલી રહ્યા હતા. કોડિયામાં રહેલા તેલનો રંગ પણ પીળાશ પડતો લાલ હતો. કોઈક અજબ વિધિવિધાન ચાલી રહ્યા હતા અને એ કરનારની પૂંઠ રિયા તરફ હતી. રિયા ફાટી આંખે આખું દ્રશ્ય ક્યાં સુધી જોતી રહી. એ પૂજાવિધિ કરી રહેલી લાલ સાડીમાં સજ્જ સ્ત્રીને ઓળખવા મથી રહી. એના શરીરનો બીજો કોઈ ભાગ નજરે ન ચડ્યો કારણ હતું લાંબા ખુલ્લા વાળ. સામે પ્રજ્વલતા અગ્નિના પ્રકાશમાં નજરે ચડતા હતા માત્ર આહુતિ આપી રહેલો હાથ.
એક મંત્ર ભણી ને આહુતિ આપતો હાથ થોડી ક્ષણોમાં ફરીવાર ઉઠ્યો અને રિયાની નજર એ કાંડા પર સ્થિર થઇ ગઈ. સ્ફટિકથી મઢેલું રુદ્રાક્ષનું બ્રેસલેટ સ્પષ્ટરીતે દેખાઈ રહ્યું હતું .
ઓહ નો ..... રિયાના ગળામાંથી ચિત્કાર સરી પડતે, એ રોકવા એને પોતાના મોઢે હથેળી દાબી દેવી પડી.
આ બધા વિધિવિધાન બીજું કોઈ નહીં પણ નાની પોતે કરી રહ્યા હતા?? પણ , શા માટે ? આ કઈ પૂજા હતી ? નાની જે અનુષ્ઠાનની વાત કરતા હતા એ આ હતું ?
રિયાનું હૃદય રેસમાં દોડી રહેલા ઘોડાની જેમ ધડકી રહ્યું હતું . હથેળી વળી રહેલા પરસેવાથી ભીની થઇ રહી હતી તેનો ખ્યાલ પછી આવ્યો, સહુ પહેલા તો અહીંથી ખસી જવું જરૂરી હતું પણ પગ મગજનો એ હુકમ માનવાનો ઇનકાર કરી રહ્યા હોય ઉપડવાનું નામ નહોતા લેતા.એ ફાટી આંખે ક્યાંય સુધી જોતી રહી. પોતાની પૂજામાં લીન નાનીએ તો એની હાજરીનો ખ્યાલ સુધ્ધાં આવ્યો હોય એમ ન લાગ્યું.
રૂમમાં રહેલો ધૂમાડો ફાટમાંથી નીકળીને હવે મગજ પર છવાઈ રહ્યો હતો. છીંક કે ઉધરસ આવે એ પહેલા અહીંથી સરકી જવામાં જ શાણપણ હતું .
રિયા ત્યાંથી હળવેકથી સરી ગઈ. જે દબાયેલા પગલે આવી હતી તેથી વધુ સાવચેતી રાખતી હોય તેમ હળવા પગલે પોતાના રૂમમાં જઈને બારણું અંદરથી લોક કરી દીધું.
*************************************
સવારે રિયાની આંખો ખૂલી ત્યારે પણ ઘોર અંધારું જ હતું . રિયાએ આળસ મરડી ને કર્ટન્સ હટાવ્યા. શૂટિંગના શિડયુલને કારણે મોડે સુધી ઊંઘવાની આદત તો ક્યારની છૂટી ગઈ હતી.
છતાં , સવારનો કુમળો તડકો પણ આંખો આંજી ગયો. અચાનક રિયાને યાદ આવી ગઈ રાતની , એ કેસરિયા પ્રકાશની. જે જોયું હતું તે યાદ આવતા એના શરીરમાંથી એક હળવી ધ્રુજારી પસાર થઇ ગઈ.
નાનીને એ વિષે પૂછવું જોઈએ ? પણ પૂછવું શું ? ને કઈ રીતે પૂછવું ? એ હજી અવઢવમાં હતી ને ફોનની રીંગ કાને પડી.
' ગુડ મોર્નિંગ ..... વેલકમ હોમ મેડમ .... '
કાને પડેલા એક વાક્યથી રિયાની સવાર ફૂલ ગુલાબી થઇ ગઈ.
'વેરી ગુડમોર્નિંગ ... પણ એ કહે કે તે કઈ રીતે ધારી લીધું કે હું જાગી ગઈ હોઈશ ? હજી આંખો પૂરેપૂરી ખોલે નથી ને ... ઊંઘ આવે છે....' રિયા ખોટું તો બોલી જ પણ સાથે એમાં નાટકીયતા ઉમેરવા બગાસું પણ ખાધું. .ખરેખર તો સામે રહેલા છેડે કરણ પાસે વધુ લાડભર્યા શબ્દો સાંભળવા હતા.
પણ એની મુરાદ બર ન આવી. કદાચ કરણ સવારમાં આ બધું સાંભળવાના મૂડમાં નહોતો.
'રિયા , આપણે કાલે તો વાત કરી હતી ને ! હવે હાથ પર સમય નથી, જે પણ હોય આજે બધું ફાઈનલ થઇ જવું રહ્યું . સાચું કહું તો તને નહીં ગમે પણ આમ પ્રમોશનના ટાણે જ આમ તારું ગાયબ થઇ જવું ડેડીને હરગીઝ પસંદ નથી આવ્યું ... તારે થોડા પ્રોફેશનલ થવાની જરૂર છે રિયા .' કરણના અવાજમાં હળવી ચીડ અનુભવી રહી રિયા, કદાચ કરણ ભારે ટેન્શનમાં હતો. પપ્પાના ફાયરીંગથી એક જ ક્ષણમાં હીરો ઝીરો બની જાય એ વાત તો પોતે પહેલા ક્યાં નહોતી જોઈ ?
કરણની ચિંતા અસ્થાને નહોતી , રિયાને પોતાનો વાંક દેખીતી રીતે લાગી રહ્યો હતો. પણ , એ પણ શું કરી શકે ? પરિસ્થિતિ જ કાબૂ બહાર હતી.
'આટલા દિવસો વેડફાયા એની પર રડવાને બદલે આવનાર દિવસોનું પ્લાનિંગ વ્યવસ્થિત રીતે થઇ જાય તો પુરતું છે. રિયા , ગમે એ કરીને તું આજે એ બધું પતાવી લે , તને ખબર છે ને ખબર હોવી રહી કે હાથમાં હવે ગણતરીના દિવસો છે. એટલા સમયમાં કેટલું કામ બાકી છે. પ્રીમિયર માટેનો ડ્રેસ રેડી છે કે પછી એ બાકી પણ બાકી છે ?
રિયા સમજી ન શકી કે કરણ પોતાને સંભળાવી રહ્યો છે ? કે પછી ખરેખરી ચિંતા કરી રહ્યો છે.
'ઓકે ઓકે , સમજી ગઈ. આજે હું મારું એ કામ પૂરું કરી લઈશ.' રિયાની વાણીમાં જરા રોષનો તણખો અનુભવીને કરણ ચૂપ થઇ ગયો.
બીજી જ ક્ષણે પોતાની ભૂલ પામી જઈ રિયાએ ફેરવી તોળ્યું :
'કરણ પ્લીઝ ... પણ તું તો જાણે છે ને કે સંજોગો જ એવા ઉભા થયા ...'
'કમ ઓન યાર ,જે થયું એની વાત નથી. જે કરવાનું છે એની વાત કરીએ તો ? રિયા , મને તારી આ પાછળ જોઇને ડ્રાઈવિંગ કરવાની વાત જ પસંદ નથી. ' કરણ ખરેખર ચિડાયો હતો કે પછી અતિશય ચિંતિત લાગી રહ્યો હતો. શક્ય છે કદાચ પોતાને માટે એને સાંભળવું પડ્યું હોય !!
' એ તો બધું થઇ રહેશે , પણ કરણ આપણે ક્યારે ..... ?? ' રિયા હજી તો પૂછે એ પહેલા જ કરણ ઉછળ્યો : પહેલા જે કરવાનું છે એ તો કરી લે પછી મળીયે ....
કરણના મનમાં રહેલી વાત હોઠે આવી ગઈ હોય એમ એને દબાવી રાખેલા શબ્દો અસ્ફુટ હતા છતાં રિયા સુધી પહોંચ્યા વિના ન રહ્યા : જયારે જુઓ ત્યારે મળીએ મળીએ ..
' રિયા ...જીંદગીમાં પ્રાયોરિટીનું મહત્વ તો શીખ....' કરણે વાત ફેરવી તોળી પણ તીર કમાનમાંથી નીકળી ચુક્યું હતું .
રિયા ચૂપચાપ કરણનો આક્રોશ સાંભળી રહી. મન કોઈક અપરિચિત ઉદાસીથી ભરાતું ગયું. પોતે કદાચ રોમાને મીરોનું દામ્પત્ય જોઇને કલ્પી લીધેલા ચિત્રના રંગ ઝંખવાઈ રહ્યા હોય એમ કેમ લાગી રહ્યું હતું ? .
જો કે વાત ખોટી તો હરગીઝ નથી , રિયાએ મનને ટપાર્યું , પોતે આમ છેલ્લી ઘડીએ વિદેશ ચાલી જાય એ પણ તો યોગ્ય નહોતું , ને હવે આ બધા પર વધુ વિચાર્યા વિના જલ્દી તૈયાર થવાનું હતું ..
એ વધુ વિચાર્યા વિના બાથરૂમમાં ઘૂસી ગઈ.
****************************************
'તું તારે શરુ કર, એ આવતી જ હશે ... ને એ આ બધું તો ખાય નહીં . બહુ બહુ તો એકાદું ફ્રુટ ને સિરિયલ્સ ખાશે ... ' આરતીએ કુસુમની પ્લેટમાં એક પરાઠું મૂક્યું ને દહીંની કટોરી ભરવા માંડી , અથાણાંની બાટલી એની તરફ સરકાવી . બ્રેકફાસ્ટ ટેબલ પર આરતી ને કુસુમ ગોઠવાયા હતા. આરતી કુસુમને આગ્રહ કરીને પીરસી રહી હતી.
'તો તો પછી હવે વાંધો નહીં આવે ને ? રિયા આવી ગઈ છે તો તમે આવી શકો ને ? કે માધવીદીદીની રાહ જોવી જરૂરી છે ?' કુસુમે દહીંની ચમચી મોઢામાં મૂકી.
આરતીએ કોઈ જવાબ ન આપવો હોય તેમ ચૂપ જ રહી. એની નજર રિયાના રૂમને પર હતી. : કુસુમ , એ આવતી જ હશે ...
આરતીના બોલવાને મિનીટ નહોતી થઇ ને રિયા બહાર આવતી દેખાઈ.
લાલ રંગના બાટીક પ્રિન્ટના સિલ્ક કફ્તાનમાં સજ્જ રિયા ખરેખર કોઈ એક્ટ્રેસ જેવી જ ચાર્મિંગ લાગી રહી હતી. કુસુમની નજર તો ચોંટી ગઈ હતી એના ચહેરા પર.
' દીદી , આ રિયા છે ? ' કુસુમ મરકીને પૂછી રહી હતી.
'હા, એ અહીં ને રોમા પેરીસ ....મેં તને કહ્યું તો ખરું ....' આરતીએ પોરસાઈને કહ્યું.
'આવ રિયા આવ...... બહુ મોડું થયું હતું ? મને જાણ કરી હોત તો હોત તો ડ્રાઈવર મોક્લતે , ટેક્સીમાં આવી ? '
નાની , તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે તમને ખબર હોય કે હું આવી ગઈ છું ....' રિયા એક ચેર ખેંચીને બેસતા બોલી . એની નજર ઘરમાં આવેલી આ મહેમાન તરફ હતી. જેને નાની તાણ કરીને ખવડાવી રહ્યા હતા ને જેના વિષે પોતે ક્યારેય એક શબ્દ સાંભળ્યો નહોતો. : કોણ હતી એ ?
'રિયા , આ છે કુસુમ ....' નાની એટલી જ ઓળખાણ આપીને બીજી વાતે વળગી ગયા.
' તને તો જન્મી ત્યારે જોઈ હતી .... કેટલા વર્ષ થઇ ગયા....' કુસુમ જરા ભાવુક થઈને બોલી . જવાબમાં રિયાએ સ્મિત કર્યું. એને આ આવેલી અજાણી મહેમાન સાથે શું વાત કરવી તે ન સમજાયું.
'હા, એ તો એમ જ હોય ને ! સમયને સરી જતાં કંઈ વાર લાગે છે ? પણ હવે જુઓ ને તો આ આધ્યાત્મ તો એક વેપાર થઇ ચૂક્યો છે ... જો ને ગયા વર્ષે જ હું ને મધુ ......' રિયાને સમજતા વાર ન લાગી કે નાની વાતને કોઈક બીજા ટ્રેક પર વાળી રહ્યા છે. કદાચ રાતવાળી કોઈ વાત ચાતરી જવી હોય.
'પણ નાની , એ તો કહો તમને ખબર હતી કે હું આવી ગઈ છું ?? '
'હાસ્તો .....' નાનીના આ જવાબની આશા રિયાએ રાખી નહોતી . એ જરા અચરજથી જોતી રહી.
'અરે, આ તારી બેગ ... તું રૂમમાં જતી રહી પણ બેગ તો અહીં પડી હતી......' નાનીએ સહજતાથી કહ્યું .
'તો હવે મધુ ક્યારે આવશે ? મને તો કહ્યું હતું કે રોમાને એક્સિડન્ટ થયો છે એટલે રોકાવું પડશે ... ને સવારે મેં તારી બેગ જોઈ. '
રિયાના મનમાં પિક્ચર ક્લીયર થઇ ગયું : ઓહ તો વાત આ હતી. મમે કહ્યું હતું કે અમે નહીં આવીએ એટલે માસી ગાફેલ રહ્યા હશે..
પણ એમને ખ્યાલ નહીં હોય કે કાલે રાત્રે એ શું કરી રહ્યા હતા એ મેં નજરે જોયું છે !! રિયા વિચારી રહી.
નાસ્તો કરી રહેલી રિયાને આરતી પૂછી રહી હતી રોમાના અકસ્માત વિષે , તેની હાલત વિષે , મીરો વિષે , હિંદુ વિધિથી કરેલા લગ્ન વિષે પણ રિયાનું ચિત્ત ઠેકાણે ન લાગ્યું .
' બેટા, કોઈ સમસ્યા છે ? કેમ આમ સૂનમૂન થઇ ગઈ છે ? નાનીના પ્રશ્નમાં સાચૂકલી ફિકર અનુભવી શકી રિયા , પણ નાનીને કહેવું શું એ ચચરાટ વિષે જે કરણે સવાર સવારમાં ચાંપ્યો હતો.
'ના નાની..... તમે જાણો છો ને પ્રીમિયર માથે છે ને હાથ પર સમય નથી , કામ ઘણાં બાકી છે. સોરી , પણ મારે અત્યારે નીકળવું પડશે , રાતે મળીશું .... '
રિયા જેવી ઝડપથી આવી હતી એ જ રીતે કુસુમ ને આરતી સામે પરવાનગી માંગતી હોય તેવું સ્મિત ફરકાવતાં ઉઠીને રૂમમાં જતી રહી.
'હા , એ પણ ખરું , હવે તો આમ જ રહેવાનું કુસુમ ... આ ક્ષેત્ર જ એવું છે ....' કુસુમને રિયાનું વર્તન ન કઠે એમ વાત વાળી લેવી હોય તેમ આરતીએ વધુ પૂછપરછ ન કરતાં કુસુમના કપમાં ચા રેડી .
રિયા તો તૈયાર થવા જેવી એના રૂમમાં ગઈ , એની જ રાહ જોતી હોય તેમ કુસુમે ફરી વાતની દોર હાથમાં લીધી .
'દીદી , હવે રિયા તો છે ને અહીં , તો તમે ન આવી શકો ? '
'કુસુમ .. તું સમજતી કેમ નથી ? માધવીની ગેરહાજરીમાં હું આમ કઈ રીતે નીકળી પડું ?' આરતીએ ફરી એક પ્રયત્ન કુસુમને વારવાનો કર્યો .
મનમાં એક ક્ષણ માટે આ સ્વાર્થી સ્ત્રી માટે ચીડ ચઢી આવી. : જરૂર નહોતી ત્યારે દૂધમાંથી માખી ફેંકે એમ ફગાવી દીધી હતી મને ને આજે ? આજે ગરજ પડે પગ પકડવા આવી છે ?
' દીદી , તમે શું વિચારો છો તે મને ખબર છે. સાચું માનો , હું બે હાથ જોડીને દિલથી મારી કરણી માટે માફી માંગું છું. હું ન તમને સમજી શકી ન પેલા સુકેતુને , એને તો ઇન્ટરનેશનલ નામ,દામ કમાવવા હતા. હું તો માત્ર એની સીડીનું એક માત્ર પગથીયું બની ને રહી ગઈ ને !! દીદી , ગઈગુજરી દિલથી ભૂલી માફ કરી દો , હવે નથી સહેવાતું ....' કુસુમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
કહી તો રહી હતી કે પોતે કરેલા ભૂલના પ્રાયશ્ચિત માટે આરતીને તેડવા આવી હતી પણ આરતીનું દિલ કહેતું હતું કે વાત નક્કી જુદી હતી.
બે દિવસના નિવાસ દરમિયાન કુસુમે કહી હતી એ વાતો પ્રમાણે સુકેતુ તો હવે મુનિ સુકેતુ બની ચૂક્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી દર છ મહિને નવો આશ્રમ ખોલવાનો વિક્રમ સર્જી ચૂક્યો હતો. હવે એને કુસુમની શું જરૂર હતી ?
કુસુમ શોધતી રહી હતી આરતીને . એની પાસે હતું માધવીનું જૂનું સરનામું જ્યાં ગૌરી પણ સાથે આવીને રહી હતી. એ પછી તો ગૌરીને હોસ્ટેલમાં રહી ભણતી હતી. આરતી સમયાંતરે ગૌરીને મળવાનો ક્રમ કદીય ચૂકી નહોતી . ગૌરીને એક માત્ર વ્યક્તિ હતી જેને ખબર હતી કે દીદી ક્યાં છે.
'તમે ક્યાં છો એ જવાબ મેળવતા મને પાંચ વર્ષ લાગ્યા દીદી ...ગૌરી કશું કહેવા જ તૈયાર નહોતી ...એ તો હજી ન કહેતે , પણ હવે જયારે એ કાયમ માટે દેશ છોડીને જઈ રહી છે એટલે બોલી .. '
કુસુમની અસ્ખલિત વાતો સાંભળી રહેલી આરતીએ માત્ર માથું ધુણાવ્યું.
'કુસુમ, ગૌરીનું તો જીવન રોળાઈ જતે , તેં તો એ વિચાર પણ નહોતો કર્યો ... એ તો હશે કોઈ પૂર્વભવના સંસ્કાર કે ગૌરીનું પોત ન બદલાયું. આશ્રમવાસી બની ને પણ એ લોકકલ્યાણ જ કરતી હોત ને હવે ડોક્ટર થઈને પણ કામ તો સેવાના જ કરવા માંગે છે એટલું આશ્વાસન લેવાનુંને !!
'જે હોય તે પણ દીદી , આશ્રમ તમારી રાહ જુએ છે. તમારે આવવું જ પડશે , તમને લીધા વિના હું નહીં જાઉં હવે.....' કુસુમે આરતીના હાથ મજબૂત મજબૂતપણે પકડી લીધા .
કુસુમ આવી ત્યારથી પોતાની સાથે આવવાનું દબાણ કરી રહી હતી એથી આરતીને અચરજ તો તો થયું હતું પણ કારણ સમજાતું નહોતું . ધ્યાનમાં બેઠા પછી પણ ગુરુજીનો આદેશ ન થયો ત્યારે લાગ્યું કે વાતમાં કંઇક ભેદ તો છે જ !! એ જાણવા માટે પણ આશ્રમ જવું જરૂરી હતું .
આરતીને વિચારમાં પડી ગયેલી જોઇને કુસુમ જરા ઓછ્પાઈ ગઈ. : ક્યાંક દીદી પોતાની સિદ્ધિથી એ ન જાણી લે કે સુકેતુ કેવા જાદુ ટોના કરીને આશ્રમમાં પોતાનું જ રહેવું હરામ કરતો રહ્યો છે. દીદી આવીને આશ્રમને બંધનમુક્ત ન કરે તો એ ભૂતાવળમાં જીવવા કરતાં ગંગાજીમાં સમાધિ લઇ લેવી બહેતર રહેશે .
ક્રમશ :