પૃથિવીવલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૯. કાળરાત્રી
મૃણાલે તરફડ્યા કર્યું પણ તરફડે કોઈનો તાપ ગયો છે કે તેનો જાય ? તેણે ભોંય પરથી ઊઠી ફરવા માંડ્યું. બારી આગળ ઊભી રહી, બારણા તરફ જઈ પાછી આવી. તેની જીભ સુકાઈ ગઈ હતી, કરડી-કરડી તેના હોઠ પર લોહી તરી આવ્યું હતું, તેની આંખો અણપાડેલાં અશ્રુઓથી લાલ થઈ રહી હતી.
તે ફરીથી ધ્યાન કરવા બેઠી, કઠણમાં કઠણ આસનવાળી નિદ્ર્વંદ્વની સિદ્ધિ સાધવા બેઠી. દાસી ભોજનનું પૂછવા આવી પણ મૃણાલબાને આસન વાળી બેઠેલાં જોઈ મૂંગે મોઢે ચાલી ગઈ.
રાત આવી લાગી - ઘડીઓ પર ઘડીઓ ગઈ, પણ સ્થિરઆસનની તપશ્ચર્યા સાધતી મૃણાલના મગજમાં ન આવી સ્વસ્થતા કે ન આવી એકાગ્રતા.
પહેલાં ચિત્ત તરફડિયાં મારતું હતું - હવે તે ડૂબવા લાગ્યું નિરાધાર બની ઊંડું ને ઊંડું જવા લાગ્યું. ડૂબતા માણસના મરણની અણીને વખતે બેભાન થતા મગજ આગળ પ્રિયતમાની મૂર્તિ ખડી થાય તેમ તેના ઊંડા ને ઊંડા જતા ચિત્ત આગળ એક જ મુખ રમી રહ્યું - પૃથિવીવલ્લભનું. વખત વણમાપ્યો ચાલ્યો ગયો. તેના મગજ પર બેભાની પ્રસરી રહી; કંઈક નિદ્રાનો ધીમે-ધીમે સંચાર થવા લાગ્યો.
તે ઝોકાં ખાતી હતી કે નહિ તેનું ભાન ન રહ્યું - તેને સ્વપ્ન આવતું હતું કે શું તે પારખવા જેટલી તેનામાં શુદ્ધિ રહી નહોતી.
માત્ર એક મુખ દેખાયા કરતું - તેનાં અનેક રૂપાંતરો થતાં, છતાં પણ તે તેનું તે જ રહેતું. વિશાલ આંખોમાંથી આકર્ષક રસ ઝરતો. મીઠું મુખ અનેરી મોહિનીથી નિમંત્રણ દેતું. સાથે-સાથે એક ચણચણાટ રહેતો આ કલંક ક્યારે જશે ?
આ પરિસ્થિતિ બદલાતી ચાલી - પ્રસંગો કંઈક અવનવા આવ્યા. પણ તે મુખ હતું તેમ જ રહ્યું. મૃણાલને તેને આંખ આગળથી ખસેડવાની ઇચ્છા કરવા જેટલી શક્તિ રહી નહિ. તેનું માથું છાતી પર ઝૂકી પડ્યું.
મનોરાજ્ય વિકાસ પામ્યું - મુખને બદલે આખો મુંજ ખડો થયો. કારાગૃહ દેખાયું, તેના અંધકારમાં હજાર સૂર્યની કાંતિથી દીપતો અનુપમ નરોત્તમ તેણે જોયો. તેનો હાથ બળતો જોયો - તેમાંથી જ્વાળા નીકળતી જોઈ ને પોતાને રોમેરોમ અગ્નિ વ્યાપ્યો.
પિસ્તાળીસ વર્ષ સુધી તેણે બ્રહ્મચર્યવ્રત સેવ્યું હતું. કદીય અનંગની અકલ્પ્ય હકૂમત તેના અંગ પર ચાલી નહોતી. જુવાનીનો ઝરો ફૂટ્યો નહોતો ફૂટતાં પહેલાં ભૂમિમાં સમાઈ ગયો હતો. આ અપરિચિત સ્ત્રીને આ અગ્નિ દુઃસહ લાગ્યો, તેમ જ એ અગ્નિની જ્વાળા આનંદમય લાગી. અડધી ઊંઘમાં મુંજે કરેલાં ચુંબનનું ચેતન તેને રગેરગ વ્યાપ્યું. તેણે આ ભયંકર નિરાધારીમાંથી છૂટવા, આ પાપ-સમાધિમાંથી જાગવાને ઘણા પ્રયત્નો કર્યા, પણ નાગપાશે બંધાઈ હોય તેમ તે નિરાધાર બની અને તેનું ચિત્ત એવું ઊંડું જતું ગયું કે પાછું ખેંચવાનું સાધન જણાયું નહિ. એકદમ તેણે મુંજને જોયો - તેનાં અંગેઅંગની મોહકતા વિસ્તાર પામતી જોઈ - જાણે તે તેના તરફ ધસ્યો, તેને હાથમાં છૂંદી નાખી ને પોતે પડી. તે ઝબકી જાગી, વિષદંશ થયો હોય તેમ ઊઠીને ઊભી થઈ ગઈ
- વિહ્વળ બની ચારે તરફ જોવા લાગી. પોતે ક્યાં છે તે સમજાયું નહિ નસેનસમાં કેમ નૃત્ય ચાલી રહ્યું હતું તે પણ સમજાયું નહિ. હૈયું કેમ આશાભર્યું ઊછળતું હતું તે પણ સમજાયું નહિ.
તેણે લમણે હાથ દાબ્યા, આંખો ચોળી. મુંજ ક્યાં હતો ? પોતે ક્યાં હતી ? આ શું થયું હતું ?
તેને હજી પૂરેપૂરં સમજાયું નહિ. તે માત્ર ગાંડી બની જોઈ રહી. અંગેઅંગ જાણે ઊડીને જવા માંગતાં હોય તેમ લાગ્યું.
તેણે કપાળ પર હાથ દાબ્વોય - હૃદય નવી જ રીતે ધડકતું હતું. તેણે કપાળ પર હાથ ફેરવ્યો - માથામાં કંઈ અવનવા ભાવો ઊછળી રહ્યા હતા.
એક પલમાં તે બેસી ગઈ - પડી ગઈ. તેને પોતાની સ્થિતિનું ભાન આવ્યું. મનની પાંખડીએ પાંખડી - શરીરનાં અંગેઅંગ આક્રંદ કરી રહ્યાં હતાં, બૂમ મારી રહ્યાં હતાં. તેમને મુંજ જોઈતો હતો.
મગરૂર તપસ્વિની ઘેલી બની. તેને પોતાનાં અધઃપતનનું ભાન થયું. યુદ્ધ માટે હથિયાર નહોતાં - ઉત્સાહ ન હતો. તે ઓશિયાળી બનીને પુષ્પધન્વાને શરણે ગઈ. તે ત્રિપુરારિની ત્રીજી આંખે બળી ભસ્મ થઈ રહેલા દ્વેષી દેવે તેને બાળવા માંડી. થોડી વારે અગ્નિજ્વાળા શમી ગઈ અને શીતળ સમીરની આહ્લાદક લહરીઓને વિસરાવે એવી લહરીઓ તેના શરીર પર આવવા લાગી. તે આંખ મીંચી લાંબી છટ થઈ પડી - લહરીઓનો અનુભવ કરવા લાગી.
આવી લહરીઓ તેણે સ્વપ્ને પણ અનુભવી નહોતી. તેનાથી તે ડરી નહિ, તેનાથીતે અજાયબ થઈ નહિ - પણ તેનાથી કંઈક અવર્ણનીય આહ્લાદક અનુભવવા લાગી. તે તેના અંગેઅંગને સ્પર્શ કરી રહી. રોમેરોમને આનંદમય ચેતના જીવંત કરી રહી. તેની છાતી અપરિચિત પણ આનંદદાયક ધબકારે ઊછળી રહી, તેના હાથની નસો અજાણ્યા ઉત્સાહથી વીંટાવા તલસી રહી.
અદ્ભુત આનંદ તેની રગેરગે વહી રહ્યો. તેણે પોતાના હાથ આંખો પર મૂક્યા - ધડકતી છાતી પર જોરથી દાબ્યા. તેના પગ એકમેકથી વીંટાઈ
રહ્યા. મુંજની માનસિક મૂર્તિના પાદ સ્પર્શી આ અનેરી લહેરીઓ આવતી હતી, તેને તેણે આવવા દીધી. ધીમે-ધીમે શ્વાસ વધ્યો કે મુખ લાલચોળ થઈ રહ્યું - મગજમાં ઊર્મિઓનું નર્તન થઈ રહ્યું. જાણે નશો કર્યો હોય તેમ ચિત્ત ડોલવા માંડ્યું. સુખમય પરાધીનતામાં તે પડી રહી. તેને અડધી ઊંઘ આવી ન આવી ને તેણે તેજસ્વી પૃથિવીવલ્લભને આવતો જોયો, તે આવ્યો - આનંદને પ્રસારતો ને ઉત્સાહને પ્રેરતો તેને વળગ્યો, એક નહિ પણ હજાર વાર તેને ચુંબન કર્યું પણ તે પડી રહી સુખમય ને નિમંત્રતી નિરાધારીમાં. કંઈક થયું - હૈયામાં ફટક્યું - સુખને શિખરે તે પહોંચીને પાછી પડી. આંખો ઉઘાડી તે બેઠી થઈ ગઈ. તેનું હૈયું છાતીફાટ ધબકતું હતું. અનિર્વચનીય આનંદની સમાધિ તેણે પ્રાપ્ત કરી અને ખોઈ. તે ઊભી થઈ, મોઢું ધોયું ને બારીની બહાર મોઢું કાઢી તેના પર ઠંડો પવન વાવા દીધો. તે ક્યાંથી ક્યાં - ગંગાની માફક પડી હતી તેનો ખ્યાલ આવ્યો : વૈરાગ્યરૂપ તપોનિધિ મહાદેવની જટામાંથી પડી અત્યારે અધમતાની ધૂળમાં તે રગદોળાતી હતી. તે કલંકિત થઈ ચૂકી હતી; જીવનભરનાં વ્રત ને નિયમનો ભંગ થયો હતો. હવે શું કરવું ? ભાઈ શું કહેશે ? ભાભી શું કહેશે ? ગામના ને દેશના લોક શું કહેશે ? આ કલંક પછી કેમ જિવાશે ? જીવનની નવી ખીલેલી પાંખડીને છૂપી રાખી બને તો સૂકવી નાંખી, ચાલે છે તેમ જ જીવન વિતાવ્યા વિના છૂટકો નહોતો. આજ રાતના જે આનંદની ઝાંખી તેને થઈ હતી તેના સિવાય તો તેને માટે એ દિવસ અસ્પર્શ્ય જ હતો.