Pruthvivallabh - 17 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 17

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પૃથિવીવલ્લભ - 17

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૭. કોણ કોને શીખવે ?

સખ્તાઈમાં સંકોચાયેલી ભમરો, સંયમથી નિયમિત ને ધીમાં થયેલાં ડગલાં મૃણાલના મનના ભાવોનો ખ્યાલ આપતાં હતાં, તોપણ હૃદય પહેલાં જેવું સ્વસ્થ નહોતું, શ્રદ્ધા પહેલાં જેવી અડગ નહોતી.

પાછળ આવતાં રાજવિધાત્રીની ભયંકર મુખમુદ્રા જોઈ મશાલચી કંપવા લાગ્યો, ભોંયરાના રખેવાળ આવે વિચિત્ર વખતે મૃણાલબાને જોઈ, અણચિંતવ્યા સંયોગોની ઝાંખી થવાથી ત્રાસવા લાગ્યા.

ભોંયરાનાં બારણાં ખૂલ્યાં અને બાના હુકમ પ્રમાણે અંદર મશાલ મૂકી મશાલચી બહાર આવીને ઊભો.

મૃણાલ અંદર આવીને ભોંયરાના અંધકાર સાથે દૃષ્ટિ પરિચિત કરવા લાગી.

એક ખૂણામાં અવંતીનાથ માથું હાથ પર ટેકવી પડ્યો હતો. તેણે ધીમેથી ઊંચું જોયું ને મીઠાશથી કહ્યું : ‘આવો ! હું તમારી જ વાટ જોતો હતો.’

વાક્ય એવું સાધારણ હતું, અવાજ એવો માયાભર્યો હતો કે તેના હૈયાએ જે જે બખ્તરો સજ્યાં હતાં તે બધાંના બંધ તૂટવા માંડ્યા.

‘મારી ?’

‘હા,’ પડ્યાં-પડ્યાં જ પૃથિવીવલ્લભે કહ્યું, ‘મને તો ખાતરી હતી કે તમે આવ્યા વિના નહિ રહો. કેમ છો ? ખુશીમાં તો ખરાં ?’ તેના અવાજે મોહક વાાતવરણ પ્રસારવા માંડ્યું. મશાલના અજવાળામાં પણ તેની આંખો હસતી જણાતી હતી.

મૃણાલે દૃઢતાથી કેડે હાથ મૂક્યો ને ક્ષોભ દબાવી કહ્યું : ‘મુંજ ! મુંજ ! તારામાં સમજવાની અક્કલ નથી કે સમજેલું કહેવાનું નિખાલસપણું નથી. હું મારી ગરજે નથી આવી, તારા આત્માનો ઉદ્ધાર કરવા આવી છું; પાપપંકમાં મહાલી રહેલા તારા નઠોર આત્માને શુદ્ધ ને પવિત્ર પંથે ચડાવવા આવી છું.’

‘મૃણાલવતી ! પારકાના ભલા માટે પરમાર્થ કરવો તેની કંઈ કિંમત જ નહિ.’ ઠંડે પેટે મુંજે કહ્યું.

મૃણાલે નિરાશામાં કપાળ પર હાથ મૂક્યો : ‘પોતાના ભલા માટે તે પરમાર્થ થતો હશે ?’

‘બીજા શા માટે ?’ મુંજે ધીમેથી બેઠાં થતાં કહ્યું, ‘મેં પણ પરમાર્થ કર્યો છે, મેં પણ ગરીબોને તાર્યાં છે ને દુખિયાનાં દુઃખ નિવાર્યાં છે, પણ તેમના ભલા માટે નહિ, મારા સ્વાર્થને ખાતર - એ પરમાર્થ કરવામાં મારું હૃદય તૃપ્ત થતું હતું તેથી મારી અહંતા સંતોષાતી હતી તેથી - મારું મન રાચતું હતું તેથી. પારકાનું ભલું કરવાનો આડંબર કરવો એ પણ અહંકાર સંતોષવાનો એક રસ્તો છે.’

મૃણાલ મૂંગી થઈ ગઈ. પોતે મુંજનું ભલું કરવા આવી હતી કે પોતાનો અહંકાર સંતોષવા ? મુંજનાં સૂત્રોમાં કંઈ ન સમજાય એવી સત્યતા ભાસવા માંડી, છતાં તેણે હિંમતથી જવાબ આપ્યો :

‘આ પણ તારી નફ્ફટાઈનું એક લક્ષણ છે.’

‘હશે,’ હસીને મુંજે કહ્યું, ‘બોલો, હવે કેવે પંથે મને ચઢાવવા આવ્યાં છો ?’

‘નિષ્કલંક જીવનમાં -’

એકદમ મુંજે આગળ ડોકું કરી કહ્યું : ‘નિષ્કલંક ! મૃણાલવતી ! જે કલંક જાણતા હોય તેને નિષ્કલંક થવાની પરવા હોય, તમે મને શું શીખવવાનાં હતાં ! તમે રાજાનાં પુત્રી, સુરક્ષિત પ્રાસાદમાં ઊછરેલાં,

સત્તામાં પોતાને પૂર્ણ માની બેઠેલાં, વૈરાગ્યના અભિમાનમાં ફાલેલાં તમે મને કેમ શીખવશો ?’ ઘણી જ મમતાથી મુંજે પૂછ્યું. પછી તે હસી પડ્યો.

‘દરેક જણમાં બુદ્ધિ હોય તો શીખી શકે.’

મુંજ પાછો હસ્યો : ‘મારામાં બુદ્ધિ છે; છતાં તમે શીખવી નહિ શકો. શીખવાનું કોને હોય, કે જે દુઃખી હોય, અધૂરો હોય તેને. મને દુઃખ સ્પર્શતું નથી. અપૂર્ણતા હું અનુભવતો નથી; પછી મને કેમ શીખવશો ? અને નહિ તોપણ મારે શું શીખવાનું બાકી રહ્યું છે ?’

‘કેટલું અભિમાન !’

‘તમે ભલે માનો, પણ મારી કથા તમે ક્યાં જાણો છો ? કોઈ અનાથનો ત્યાગેલો છોકરો છું; આજે પૃથિવીનો વલ્લભ છું. મને સિંહણોએ દૂધ પાયાં છે ને ગજરાજોએ પવન નાખ્યો છે. મેં ભીખ માગી છે ને સિંહાસનો દાનમાં દીધાં છે. મેં દુખિયાં માટે દેહ આપી છે; ને સુખિયાના દેહની કચ્ચરો કરી છે. મેં રમણીઓનાં રસભંડારો લૂંટ્યા છે; ને લક્ષ્મી સમાન લલિતાઓનો શિરચ્છેદ કર્યો છે. શ્રુતિવાક્યનો પાઠ કરતાં, દેવને પણ દુર્લભ એવી તપશ્ચર્યા આદરી છે; ને શૃંગારસૂત્રોને ગુંજતાં બીભત્સ રસનો પણ સાક્ષાત્કાર કર્યો છે. હવે શું બાકી રહ્યું ?’ કહી માથું પાછળ નાખી જવાબની વાટ જોતો મુંજ થોભ્યો.

આ વાક્યો ઉચ્ચારતાં દંતાવલિની વિદ્યુતથી દીપતું તેનું મુખ વર્ષાઋતુની સંધ્યા સમું હૃદયભેદક બની રહ્યું; આંખમાંથી રેલાતી મીઠી ધારાઓએ ચારે તરફ રસ પ્રસાર્યો. થોડી વાર તે જોઈ રહ્યો ને મિત્રભાવના ઉમળકાથી કહ્યું :

‘મૃણાલવતી ! આ બધા અનુભવો થયા છતાં પણ હું સુખી રહ્યો છું. મારામાં મેં કલંક જોયું નથી. તમે મને શું શીખવવાનાં હતાં ?’

મૃણાલથી કંઈ જવાબ ન દેવાયો. તેનું ગળું બંધ થઈ ગયું. અને મન કામ કરતું અટકી પડ્યું.

‘શીખવાનું તો તમારે છે. જીવનનો લહાવો લૂંટવાનો તો તમારે રહ્યો છે. ફૂલની શૈયામાં સમાયેલું રહસ્ય તમારે શીખવાનું છે. રસતાનમાં કેમ નાચવું તે તમારે શીખવાનું છે -’

મૃણાલે ગુસ્સામાં હાથ ઊંચો કર્યો. તેની દરકાર કર્યા વિના મુંજે આગળ ચલાવ્યું :

‘કોઈ રસિકની સોડમાં -’

‘પાપી !-’ મૃણાલે દાંત કચકચાવી કહ્યું.

મુંજ હસ્યો. તે ઊભો થઈ પાસે આવ્યો, ‘- રસસાગરનું મંથન કરતાં શું સાંપડે તે શીખવાનું છે.’

‘ચંડાલ ! નફ્ફટ ! લંપટ !’ દાંત કચકચાવી મૃણાલે કહ્યું. તેની આંખો લાલ થઈ રહી; તેના કપાળની નસો ત્તરી આવી, ‘કાલે સવારે જોજે.’

‘ઠીક ! અને કાલે સાંજે તમે જોજો,’ હસીને તેણે કહ્યું, ‘હું તમારી વાટ જોઈશ.’

‘મારી વાટ ?’ મૃણાલને મોઢે ફીણ આવ્યાં.

‘હા ! તમને બધું શીખવવાનું છે ને -’

‘દુષ્ટ ! તારી જીભ -’

‘મારી જીભે તો તમારા જેવી કંઈક માનિનીઓ વશ થઈ છે,’ શાંતિથી મુંજે કહ્યું, ‘પૃથિવીવલ્લભના હૃદય પર હાથ રાખ્યા વિના તમારો આરો નથી -’

મૃણાલ ક્રોધાગ્નિથી બળી ઊઠી. તેણે સામે ઊભેલા મુંજને જોરથી તમાચો માર્યો. મુંજ ખડખડ હસી ઊઠ્યો અને પોતાના હાથમાં મૃણાલનો હાથ પકડી દાબ્યો, લઈને પોતાના હોઠે અડાડ્યો.

વિષદંશ થયો એમ મૃણાલે બરાડો માર્યો. તેના ડોળા ફાટી ગયા; તેનાં અંગેઅંગ કંપી ઊઠ્યાં.

સામે નયનોમાંથી આવતી અમી વરસાવતા પૃથિવીવલ્લભે મીઠાશથી હસ્યા કર્યું.

‘કોઈ છે કે ?’

‘બા !’ રણમલ્લ આવ્યો.

‘આ પાપીના હાથ કેમ નથી બાંધ્યા ?’

‘હા ! રણમલ્લ !’ મુંજે ઠંડે પેટે કહ્યું.

‘તારી શૃંખલા લાવ કે હૃદયની શૃંખલા તો છૂટે, નહિ તો તેનો પ્રભાવ દુઃસહ થઈ જશે.’

ક્રોધવશ થયેલી સિંહણની માફક મૃણાલે ઘૂરક્યા કર્યું. રણમલ્લ ને બીજા સૈનિકોએ મુંજને હાથે સાંકળ પહેરાવી.

‘રણમલ્લ ! આ પાપીના હાથે મારો સ્પર્શ કર્યો છે, એનો હાથ ડામ.’

‘હમણાં ?’ વિસ્મય પામેલા નાયકે પૂછ્યું.

‘શું ?’ મૃણાલે આ પ્રશ્નની ઘૃષ્ટતા જોઈ ગર્જના કરી.

રણમલ્લ થરથર ધ્રુજી ઊઠ્યો. તેણે એક ભાલો લઈ, મશાલ ઉપર ગરમ કર્યો.

‘ચાલ, કેટલી વાર ?’ અધીરાઈથી મૃણાલે પગ ઠોક્યો.

‘હા બા ! અલ્યા હાથ પકડો.’

‘મૃણાલવતી ! શા માટે તસ્દી લ્યો છો ?’ મુંજે મીઠાશથી કહ્યું,

‘તમારા સ્પર્શથી જ બિચારાં અંગો જળે છે, એને બાળવાને બહારના અગ્નિની જરૂર નથી.’

‘ચાલ !’ મૃણાલે જવાબમાં રણમલ્લને કહ્યું.

સૈનિકો મુંજનો શૃંખલાબંધ હાથ પકડવા ગયા; પણ ક્યાંય સુધી બાંધેલા હાથે પણ તેણે સૈનિકોને કહ્યું.

‘કાયરો ! હીચકારાઓ ! જો આને ડામશો નહિ તો આ પળે તમારો વધ કરાવીશ.’ હોઠ કરડ.ી મૃણાલે કહ્યું.

નિરાશાની હિંમતથી સૈનિકો મુંજના હાથ પર તૂટી પડ્યા, અને મહામહેનતે જમણો હાથ સ્થિર ઝાલી રાખી શક્યા. સૈનિકોને થકવવાનો શ્રમ વેઠતાં જ મુંજ નિરાંતે ઊભો-ઊભો હસતો હતો.

રણમલ્લે ગરમ કરેલો ભાલો ચાંપ્યો. મુંજ કંઈ બોલ્યો નહિ. તે દાબીને ચાંપ્યો ને નરમાંસ બળવાની દુર્ગંધ ભોંયરામાં પ્રસરી રહી.

દુર્ગંધ નીકળતી જોઈ મૃણાલે કહ્યું : ‘બસ.’

‘અરે તમારી !’ મુંજનો અવાજ તેવો જ શાંત, માત્ર જરા તિરસ્કારભર્યો આવ્યો, ‘આટલેથી જ તમે રાજી થાત એમ જાણ્યું હોત તો ઊભો-ઊભો હું જ હાથ બાળત.’ શું જવાબ દેવો તે મૃણાલને સૂઝ્‌યું નહિ. તે જવા ફરી. ‘મૃણાલવતી ! આ ડામની દવા દેવા કાલે આવજો, હોં !’ પાછું જોવાની પણ સ્વસ્થતા ન હોવાથી મૃણાલ ફાળ ભરતી ત્યાંથી ચાલી ગઈ.