પ્રસ્તાવના
મિત્રો આપ સમક્ષ ઉપલબ્ધ છું મારી પ્રથમ નવલિકા કે ટૂંકી વાર્તા લઈને. મારી પ્રથમ નવલકથા અંતિમ દાવ ને આપ સર્વ વાચકો તરફ થી બહુ જોરદાર રિસ્પોન્સ મળ્યો, અને બીજી નવલકથા બેકફૂટ પંચ પણ લોકો બહુ પસંદ કરી રહ્યા છે. મને પેહલા થી ટૂંકી વાર્તા લખવાનો શોખ છે.
આ વાર્તા એક સસ્પેન્સ થ્રિલર ટાઈપ છે, જે આપ સર્વ ને ઘણી પસંદ આવશે એવી મારી આશા છે. આ નવલિકા ના અમુક પાત્રો ને મારે લોકો ના હૃદય સુધી પહોંચાડવા છે, આના પછી પણ આવી ટૂંકી વાર્તાઓ સમયાંતરે આપ સૌ માટે લાવતો રહીશ.
આ નવલિકા સમાજ નું એક અલગ પાસું રજુ કરે છે. સુરત શહેર માં આકાર લેતી આ નવલીકા આપ સૌને પૂરતું મનોરંજન પૂરું પડશે એવી આશા. આ નવલિકા મારા ખુદ ના કાલ્પનિક વિચારો છે , જેનો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો સંબંધ નથી.
- જતીન આર. પટેલ
છોટુ
સુરત શહેર, ગુજરાત ની દક્ષિણે તાપી નદી ના કિનારે આવેલું અદભૂત શહેર. સુરત નો અર્થ થાય સુરજના પ્રકાશ ની ભૂમિ. વિશ્વ ના ફલક પર હીરા ઉદ્યોગ અને જરી ઉદ્યોગ થી પોતાનું આગવું સ્થાન મેળવનાર સુરત ખરા અર્થ માં ગુજરાત રાજ્ય નું ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય.
"કાશી નું મરણ અને સુરત નું જમણ" આ વાક્ય થી પ્રત્યેક ગુજરાતી પરિચિત છે. અને સાચે જ ખાવાની બાબતે તો સુરતીઓ નું કહેવું પડે. પાતરાં, ઢોકળાં, ખમણ, હાંડવો, સુરતી લોચો, વગેરે ફરસાણ તો સુરત ની શાન છે. સુરત ની પ્રજા પણ પોતાની રહેણીકરણી માટે પ્રખ્યાત છે.
૬ દિવસ અઠવાડિયા માં મેહનત કરવાની પણ રવિવાર ની સાંજ તો ડુમસ ના દરિયા કિનારે જલસાથી વિતાવે એ સુરતી. વાતે વાતે ગાળો બોલે પણ દિલ માં જેના મીઠાશ હોય એ સુરતી. ૨ મિનિટ બોલે ને કાચી પાંત્રીસ ના માવા ની પિચકારી મારે એ સુરતી. પોતાના કારીગરો ને દીકરા ના જેમ સાચવે એ સુરતી અને એથીયે વધુ કહું તો વાણીયા જોડે થી ખરીદી સિંધી ને વેચે પણ એમાંયે નફો કરે એ સુરતી.
દરેક તહેવાર ની સાચી મજા પોતાની રીતે જ મનાવે એવા સુરત શહેર માં દિવાળી નો તહેવાર ચાલી રહ્યો હતો. આજે ધનતેરસ નો તહેવાર હતો. ધનતેરસ એટલે આપના ધન નો આપણી સંપત્તિ ની પૂજા નો તહેવાર. ધન્વંતરિ અને માં લક્ષ્મી કૃપા હંમેશા વરસતી રહેજો એવા આશીર્વાદ માંગવાનો તહેવાર.
મોટા મોટા કારખાના અને ઓફિસો માં પૂજા ની વિધિ સંપન્ન કરી લોકો હવે વેકેશન ના મૂડ માં હતા. ઘણા લોકો પોતાના મૂળવતન દિવાળી મનાવવા ચાલ્યા ગયા હતા. હવે એક અઠવાડિયા નું વેકેશન હતું એટલે સૌ પોતાના પ્લાન મુજબ ક્યાંક ફરવા જવા નીકળી ગયા હતા.
રાત ના ૨ વાગ્યા નો સમય હતો, વદ પક્ષ હોવાથી ચારેતરફ અંધકાર નું સામ્રાજ્ય હતું. એમાંયે શિયાળા ની શરૂવાત થઈ ગઈ હોવાથી ઠંડી પણ ધીરે ધીરે પોતાની પકડ મજબૂત બનાવી રહી હતી. કૂતરાઓ થોડી થોડી વાર એ ભસી રહ્યા હતા, કુતરાઓ નો અવાજ વાતાવરણ ને વધુ ભયાનક બનાવી રહ્યો હતો.
૨ કાળા ઓછાયા જેવા માણસો દબાતા પગલે એક વિશાળ બંગલા ની દિવાલ પાછળ આવીને ઊભા રહે છે. બંને ના મો પર કાળા રંગ નું માસ્ક હોય છે, માટે એમાંથી ફક્ત એમની ૨ આંખો સિવાય બીજો કોઈ ચહેરાનો ભાગ દેખાય રહ્યો નહોતો. બંને ના શરીર પણ મજબૂત બાંધો ધરાવતા હતા.
એ બંને જે બંગલા જોડે ઉભા હતા એ બંગલો હતો શેઠ ધનજીશાહ નો. ધનજીશાહ એટલે સુરત ના હીરા માર્કેટ નું ઉચ્ચતમ નામ. ડાયમંડ કટિંગ ના બિઝનેસ માં એમનો કોઈ ઝોટો જડે એમ નહોતો. મહેસાણા પાસે ના કડી શહેર ના એ વતની. દાદા શંભુનાથ નોકરી અર્થે સુરત આવ્યા અને અહીં જ રોકાઈ ગયા. એમના પિતાજી વિસાભા શાહ એ નોકરી કરતા કરતા નાનકડી રફ ડાયમંડ કટિંગ ની ફેક્ટરી નાખી. પોતે મેટ્રિક પાસ કરીને પિતાજી જોડે ધંધા માં જોડાયા અને પિતા પુત્ર ની આ જોડી એ પોતાની મેહનત અને મળતાવડા સ્વભાવ ના લીધે ટૂંક સમય માં ગુજરાત અને આખા ભારત માં પોતાની કંપની શાહ એન્ડ સન્સ ને જાણીતી કરી દીધી.
ધનજીશાહ એ પિતાના અવસાન પછી પોતાની કંપની ને આંતરાષ્ટ્રીય ફલક પર લાવી દીધી. એમનો પુત્ર સુરેશ પણ એમના જેવો હોંશિયાર અને બાહોશ હતો. ગુજરાત સિવાય ના દરેક વેપાર માં સુરેશ જ ડીલ ફાઇનલ કરતો અને બિઝનેશ અંતર્ગત બીજી વાટાઘાટો કરતો.
ધનજી શેઠ નો બંગલો સુરત ના ઉમરવાડા થી વરાછા લંબે હનુમાન રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટી માં આવેલો. આ બહુ પોશ વિસ્તાર હતો જ્યાં શહેર ના માલેતુજાર લોકો જ ઘર લઇ શકતા.
ધનજીશાહ નો બંગલો બહુ મોટા વિસ્તાર ને આવરી લેતો હતો. ૪૦૦૦-૫૦૦૦ ચો. વાર માં એનું બાંધકામ હતું. આખા બંગલા ની ફરતે વિશાળ દિવાલ હતી. ઘર ની સુરક્ષા માટે એક લેબ્રાડોર કૂતરો, ચોવીસ કલાક ૨ ચોકીદાર અને દરેક ખૂણે CCTV કેમેરા લાગેલા હતા.
યમદૂત જેવા લાગતા એ બંને માણસો બંગલા ની ઊંચી દીવાલ ચડી બગીચા માં પ્રવેશ કરે છે. એમને બંને એ બહુ સાવચેતી થી દિવાલની આડશ લઈને ચોકીદાર ની કેબીન તરફ વધવાનું ચાલુ કર્યું.
એક ચોકીદાર કેબીન ના અંદર ની ખુરશી માં ઘસઘસાટ સૂતો હતો અને બીજો બહાર ગેટ જોડે રાખેલી ખુરશી માં દીવાલ ને ટેકો દઈ ને બેઠો હતો. એ બંને માણસો ધીરે ધીરે દબાતા પગલે આગળ વધ્યા અને એમાંથી એક કેબીન માં અંદર પ્રવેશ્યો અને બીજો વ્યક્તિ બહાર ગેટ ની પાછળ દીવાલ ની કિનારી એ આવ્યો. બંને એ ચંદ સેકંડો માં જ ખિસ્સા માંથી રૂમાલ કાઢી બંને ચોકીદાર ના મોં પર રાખી દીધો અને બંને બેભાન થઈ ગયા. રૂમાલ પર પુષ્કળ માત્રા માં ક્લોરોફોમ હતું. જેની અસર થી બંને ચોકીદાર પળવાર માં બેભાન થઈ ગયા. એ પછી એ બંને ધીરે રહી ને બંગલા ના મુખ્ય દ્વાર સુધી આવ્યા અને અવાજ ના થાય એમ ધીરે થી અંદર પ્રવેશ્યા.
"તું આગળ જા, હું તારા પાછળ આવું છું દુબે", આવેલા ૨ માંથી એકે બીજા ને કીધું, જેનું નામ દુબે હતું. અને બીજો હાથ માં બંદૂક લઈ દાદરો ચડવા લાગ્યો. બીજો એની પાછળ પાછળ અમુક અંતર રાખી ચાલતો હતો.
દાદરો ચડ્યા પછી દુબે જમણી તરફ વળ્યો, આ તરફ છેલ્લો અને વિશાલ રૂમ ધનજી શાહ નો હતો. બીજો વ્યક્તિ પણ પાછળ પાછળ આવતો હતો. દુબે એ ધનજીશેઠ ના રૂમ નું લોક હળવેકથી ખોલ્યું અને અંદર જોયું. અંદર વાતાવરણ એકદમ શાંત હતું. ધનજી શેઠ ભરનિદ્રા માં હતા. દુબે એ પેલા બીજા વ્યક્તિ ને ત્યાં આવવા ઈશારો કર્યો.
બીજો વ્યક્તિ ધનજી શેઠ ના રૂમ તરફ આગળ વધ્યો, અને બંને હળવેક થી શેઠ ના રૂમ માં પ્રવેશ્યા. એમના જોડે એક સ્પ્રે ની બોટલ હતી જેમાં બેભાન કરી નાખે એવો સ્પ્રે હતો. એ સ્પ્રે પેલા બીજા વ્યક્તિ એ ધનજી શેઠ ના મોં જોડે છાંટયો. પછી ધનજી શેઠ બેભાન થઈ ગયા હશે એમ વિચારી દુબે ને ટોર્ચલાઈટ કાઢવા કીધું
દુબે ટોર્ચલાઈટ લઇ આગળ વધ્યો, ત્યાં જઈ એને જમણી બાજુ ખૂણા માં રાખેલા મંદિર તરફ પ્રકાશ ફેંક્યો. બીજા વ્યક્તિ એ આરસ નું મંદિર ખસેડયું. મંદિર ની પાછળ એક તિજોરી હતી.
દુબે એ પેલા વ્યક્તિ ને લોક ખોલવા કીધું. હાથ માં ટોર્ચ અને કોઈ ચિંતા ના હોવાથી દુબે અસાવધ હતો, બંદૂક એને પેન્ટ માં ખોસી રાખી હતી. દુબે એ નીચે બેસી પોતાની બંદૂક તિજોરી પર મૂકી અને તિજોરી નો દરવાજો ખોલવામાં કાદિર ને મદદ કરવા લાગ્યો. ૫ મિનિટ થઈ હશે ને ટક અવાજ થયો ને તિજોરી ખુલી ગઈ.
બંને એ અધીરાઈ થી અંદર નજર કરી, બંને આજે કરોડપતિ થવાના હતા એનો વિશ્વાસ હતો. પણ અંદર જોઈને બંને ના મોતિયા મરી ગયા, બંને નું ગળું સુકાઈ ગયું. બંને પોતાના હોંશ ખોઈ બેઠા અને એકબીજા નું મોઢું તાકવા લાગ્યા.
"દુબે આ તો ખાલી છે, તું તો કહેતો હતો આમાં કરોડો ના હીરા છે"
અચાનક લાઈટ થઈ અને એ બંને કંઈક સમજે એ પેહલા તો ૧૦-૧૨ પોલીસ વાળા એમને ઘેરી વળ્યાં. દુબે પોતાની બંદૂક કાઢવા જ જતો હતો ત્યાં એને એક પહાડી અવાજ સંભળાયો.
"એ વિશે વિચાર્યું છે તો પણ તારા મગજ નું કચુંબર બનાવી દઈશ. હાથ ઉપર "
"એ. સી. પી અર્જુન પટેલ તું. "બીજો માણસ આ પહાડી અવાજ વાળા પોલીસવાળા ને ઓળખતો હોય એમ બોલ્યો.
" હા કાદિર હું. તારો કાળ, તારો બાપ એ. સી. પી અર્જુન"
પોતાના મોં પર માસ્ક હોવા છતાં પોતાને કઇ રીતે ઓળખી ગયો એ કાદિર માટે નવાઈ ની વાત હતી.
"પણ તું મને ક્યાંથી ઓળખી ગયો"મન માં આવેલ સવાલ નું નિરાકરણ કરવા ના હેતુથી કાદિરે અર્જુન ને પૂછ્યું.
"બેટા, ગુનેગાર નો પરસેવા પણ હું ઓળખી જાઉં, અને તને તો મેં આગળ પણ પકડેલો છે તને થોડો ભૂલી જવાય.
"નાયક આ બંને ને હથકડી પેહરાવ અને નાખો જીપ માં, કાલે સવારે આ બંને ને થોડો પ્રસાદ આપીએ પછી આગળ વાત"
હુકમ નો આદેશ માની બંને ચોરી કરવા આવેલા દુબે અને કાદિર ને હાથકડી પહેરવામાં આવી અને પોલીસવાન માં નાખવામાં આવ્યા.
હજુ એ બંને એ વિચાર માં હતાં કે એમનો ફૂલપ્રૂફ ચોરી નો પ્લાન આમ કેમ ફેઈલ થઈ ગયો.
"થેન્ક યુ ઇન્સ્પેક્ટર અર્જુન"પોતાના મો પર નું એન્ટીસ્પ્રે માસ્ક ઉતારતાં ઉતારતાં ધનજી શેઠ બોલ્યા
"એમાં થેન્ક્સ જેવું કંઈ નથી મેં તો મારી ફરજ પુરી કરી છે, કાલે તમે ૧૦ વાગ્યે વધુ જાણકારી માટે પોલીસ સ્ટેશન આવજો. "
આટલું બોલી પોતાની ટીમ સાથે અર્જુન પટેલ રવાના થયો. ધનજી શેઠ ને હૈયે હાશ હતી કે પોતાના કરોડો ના હીરા સુરક્ષિત છે અને ચોર પોલીસ ની પકડમાં છે, પણ આ માહિતી પોલીસ ને કેમ મળી એ જાણવું પણ જરૂરી છે એમ વિચારી ધનજી શેઠ સુઈ ગયા. એમના બંગલે આજ રાત પૂરતા ૪ પોલીસકર્મી હાજર હતા જે એમના માટે રાહત ની વાત હતી.
અર્જુન વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યાં ૩:૧૫ થઈ ગઈ હતી, એને બંને અપરાધિઓ ને લોકઅપ માં નાખવા નાયક ને હુકમ કર્યો. અને પછી પોતાના કેબીન માં જઇ ખુરશી પર પગ ટેકવી બેઠો અને સિગરેટ ના કશ ખેંચતો ખેંચતો પોતાની પ્રેમિકા પીનલ ના વિચારો માં ખોવાઈ ગયો અને સુઈ ગયો.
ઉમર ૨૮ વર્ષ, ૬ ફુટ ૧ ઇંચ ઊંચાઈ, મજબૂત બાંધો, વળાંક વાળી મૂછો, પાણીદાર આંખો અને કડકાઈ વાળો ચેહરો એના વ્યક્તિત્વ ને તેજ આપતા હતા. ખાખી વરદી એના માટે જ બની હોય એવું લાગતું હતું. એને કોઈ ખરાબ આદત નહીં સિવાય સિગારેટ, મારબલો એડવાન્સ નો એ રીતસર નો બંધાણી હતો. કામ ના તણાવ માં હોય તો એક પેકેટ તો રમતા પૂરું થઈ જાય.
વડોદરા થી સુરત બદલી કરે હજુ ૨ મહિના થયા હતા પણ પુરા વરાછા માં એ સૌનો માનીતો બની ગયો.
"સાહેબ ૮ વાગી ગયા, આપ મોં ધોઈ લો તમારા માટે ચા નાસ્તો મંગાવી લીધો છે, પછી પેલા ૨ ચોર ના બયાન લેવાના બાકી છે એ પતાવી દઈએ" આટલું બોલી હેડ કોન્સ્ટેબલ નાયક બહાર નીકળી ગયો.
અર્જુન પોતાની જગ્યા એ થી ઉભો થઇ ઘડિયાળ માં નજર મારે છે, સાચે જ ૮ વાગી ગયાં હતા, આખા દિવસ ની દોડધામ નો થાક એટલો હતો કે ખબર જ ના રહી સમય ની. ફટાફટ હાથ મોં ધોઈ એને નાયક ને ચા નાસ્તા માટે કહ્યું.
નાયકે અર્જુન ના કેબીન માં બધું રાખી દીધું. નાસ્તા માં સેવ-ખમણી અને કઢી અને પછી કડક ચા પીધા બાદ, પોતાના ખિસ્સા માંથી સિગારેટ કાઢી એને સળગાવી કસ મારતો મારતો એ. સી. પી અર્જુન પોતાના કેબીન માંથી બહાર આવ્યો.
"નાયક લોક-અપ ખોલ અને તું મારી સાથે અંદર આવ. "
"હા સાહેબ"એમ કહી નાયકે પેલા ૨ ચોર દુબે અને કાદિર ને જ્યાં પૂર્યા હતા એ લોક-અપ નો દરવાજો ખોલ્યો.
"અર્જુન એ બંને ની આગળ લાકડાની ખુરશી પર બેઠો, એના આંખ ની ગરમી અને પ્રભાવ જોઈ પેલા ૨ અર્જુન ના કંઈ પૂછ્યા પેહલા પોપટ ના જેમ બધું બોલી ગયા"નાયકે બધું રેકોર્ડ કરી લીધું.
સવારે ૧૦ વાગ્યા હતા વરાછા પોલીસ સ્ટેશનનાં દરેક કર્મચારી પાછા કામ પર લાગી ગયું હતું, અર્જુન ના અહીં આવ્યા પછી બધા કાર્યનિષ્ટ અને સમય પાલન વાળા બની ગયા હતાં
થોડીવાર માં ધનજીશેઠ અને એમનો દીકરો સુરેશ પોતાની કાળા રંગ ની ૫૧૫૧ નંબર ની મરસિડિઝ ગાડી લઇ ને આવ્યા. ગાડી પર ૫૧૫૧ નંબર એ રીતે લખેલો કે પાપા વંચાય. સુરેશ સાચેજ એના પિતા ધનજીભાઈ ને બહુ માન અને આદર આપતો.
બંને પોતાની ગાડી પાર્ક કરી પોલીસ સ્ટેશન માં પ્રવેશ્યા. અંદર આવીને સુરેશ એ પૂછ્યું "એ. સી. પી અર્જુન પટેલ નું કેબીન કઇ બાજુ છે"
એક કોન્સ્ટેબલ એ બંનેને અર્જુન ના કેબીન સુધી લઈ ગયો અને એમને બહાર ઉભા રાખી અર્જુન ના કેબીન માં પ્રવેશ્યો. અર્જુને બંને ને અંદર આવવાની અનુમતિ આપી.
સુરેશ અને ધનજી શેઠ અંદર આવ્યા. અર્જુન એ માનપૂર્વક બંને ને બેસવા જણાવ્યું. બંને એ પોતાના સ્થાન ગ્રહણ કર્યા. અર્જુને હેડ. કોન્સ્ટેબલ નાયક ને કોલ કરી ચા માટે કીધું.
"સાહેબ આપની ખૂબ ખૂબ મહેરબાની", સુરેશ એ વિનમ્રતા થી અર્જુન ને કીધું.
"એમાં મહેરબાની ના હોય સુરેશભાઈ, મેં જે કર્યું એ મારી ફરજ હતી, દરેક પોલીસમેન ની ફરજ છે કે સામાન્ય નાગરિક નું રક્ષણ કરવું"
"પણ સાહેબ તમને આ ચોરી થવાની છે એની માહિતી કઇ રીતે મળી" ધનજીશેઠ એ અર્જુન ને પૂછ્યું.
એટલા માં ચા આવી ગઈ. બધા એ ચા નો કપ હાથ માં લીધો અને વાત આગળ વધારી.
"કાલે સાંજે ૬:૩૦ વાગ્યા હતા, કંઈ કામ ન હોવાથી બધા કર્મચારી શાંતિથી બેઠા ગપ્પા મારતા હતા, હું મારા કેબીન માં નાયક જોડે બેસી જુના કેસ ચેક કરતો હતો. " એટલા માં બહાર કોઈક અવાજ આયો, એ સાંભળી હું બહાર આવ્યો.
એક ૧૦-૧૧ વરસ નો છોકરો મને મળવા જીદ કરતો હતો પણ કોન્સ્ટેબલ એને અંદર પ્રવેશવાની ના પાડતો હતો. "મારે મોટાસાહેબ ને મળવું છે, મારે એક વાત જણાવવી છે" આ રટણ વારંવાર એ કરતો.
કોન્સ્ટેબલ એને બહાર કાઢવા જતો હતો પણ મેં બુમ પાડી એને આ કરતા રોક્યો અને એ છોકરા ને અંદર કેબીન માં મોકલવા કીધું.
એ છોકરો દેખાવે સામાન્ય હતો, એના કપડાં પણ જુના પુરાણા હતાં, એના ચહેરા પર માસૂમિયત હતી, એનો શ્વાસોશ્વાસ જોર જોર થી ચાલતો હતો અને એ થોડો ધ્રૂજતો પણ હતો.
"બેસ, પેહલા પાણી પી" અને બોલ બેટા તારું નામ શું છે?. મેં એને પ્રેમપૂર્વક પૂછ્યું.
"છોટુ"એને ટૂંક માં જવાબ આપ્યો.
હા તો છોટુ તું ક્યાં રહે છે અને અહીં મને શું વાત જણાવવા આવ્યો છે?
"સાહેબ બોમ્બે માર્કેટ જોડે અરિહંત સ્કુલ છે એના જોડે કે. લાલ દાબેલીવાળો છે એની સામે જય ભોલે કરી ચા ની લારી છે સાહેબ હું ત્યાં કામ કરૂં છું અને ત્યાં જ રહું છું"
"તારા ફેમિલી માં કોણ કોણ છે અને તું ત્યાં કેમ રહે છે" મને થોડી એના વિશે જાણવાની ઈચ્છા થતાં મેં પૂછ્યું.
"સાહેબ અનાથ છું, કોઈ ઘર નથી એટલે ત્યાં ચા ની લારી પર કામ કરૂં, ૨ ટાઈમ જમવા મળે અને રાતે લારી નીચે સુઈ જાઉં"
"આટલી દુઃખભરી વાત બોલતા પણ છોટુ ના ચેહરા પર કોઈ ચિંતા કે દુઃખ નહોતું, જાણે એ બધા દુઃખો ને હવે પચાવી બેઠો હતો. "
"આ છોટુનો આ ચોરી નો કેસ ઉકેલવામાં શું ભાગ?" અધીરા બનેલા ધનજી શેઠ એ એ. સી. પી અર્જુન ને પૂછી લીધું.
આ છોટુ ને પછી મેં પૂછ્યું કે "તું શું અગત્ય ની વાત જણાવવા આમ દોડતો દોડતો આવ્યો"
"આજે ચોરી થવા ની છે અને એ પણ કરોડો ની" અચાનક છોટુ એ બૉમ્બ ફોડ્યો હોય એમ વાત કહી.
"સાહેબ આ છોકરો નકામી વાતો કરી ટાઈમ પાસ કરે છે, એની વાતો ને ધ્યાન માં ના લેશો. "નાયકે મને સલાહ આપી.
"નાયક તું પેહલા આ છોકરાની આખી વાત મને સાંભળવા દે, વચ્ચે ના બોલીશ". મેં થોડું કડકાઈ થી નાયક ને કીધું એટલે નાયક ચૂપ થઈ ગયો. મારો પોતાની વાત પર વિશ્વાસ છે એ જાણી છોટુ ના ચેહરા પર એક નાનકડી ખુશી જોવા મળી.
"સાહેબ આજે કોઈક શેઠ ના ત્યાં કરોડો ના હીરા ચોરાવના છે"
એના ચહેરા પર નો વિશ્વાસ મને એની વાતમાં સત્ય છે એ માનવા મજબૂર કરી રહ્યો હતો.
"પણ બેટા તને કેવી રીતે ખબર કે આવી કોઈ ચોરી થવાની છે" મેં એની બાજુ માં જઇ એની આંખો માં આંખ નાખી વ્હાલ થી પૂછ્યું"
"એને કેમ ખબર પડી"અધીરાઈ થી સુરેશભાઈ વચ્ચે બોલ્યા.
"થોડી ધીરજ રાખો, હું કહું છું આગળ વાત. "અર્જુને સુરેશભાઈ ને હસતા હસતા કીધું.
એ છોકરા એ પછી જે જવાબ આપ્યો એ મને વિચારવા મજબૂર કરી દે એવો હતો. "સાહેબ મારી ચા ની કીટલી પર ૫-૬ દિવસ થી ૨ નવા લોકો રોજ આવે છે, એમને ચા આપવા જાઉં ત્યારે એ બંને ચૂપ થઈ જતા, જાણે કોઈ ખાનગી વાત કરતા ના હોય"
"તો તે ક્યારે એમની વાત સાંભળી? મેં એને સવાલ કર્યો.
"સાહેબ આજે જ્યારે એ બંને વાતો કરતા હતા ત્યારે હું એમના પાછળ રાખેલુ સ્ટૂલ સાફ કરતો હતો, એમનું ધ્યાન નહોતું અને એમની વાતો થોડીઘણી સાંભળી"
મારી બેકરારી પણ એની વાત સાંભળવા વધતી જતી હતી, નાયક પણ અધીરો બની કાન માંડી એની વાત સાંભળતો હતો.
"એમાં થી એક બોલ્યો કે આજે રાતે શેઠ એકલા છે, તો ૨ વાગ્યા પછી મોડી રાતે સરળતાથી કરોડો ના હીરા ચોરી લઈશું"
"બીજું શું કહેતા હતા" મેં વધારે માહિતી જાણવા ના ઉદેશ થી પૂછ્યું"
"બીજું તો સાહેબ બહુ સાંભળ્યું નથી પણ ગ્રીન જેવું કઇંક બોલતા હતા, અને સ્ટ્રીટ લાઈટ બંધ છે" મગજ પર બહુ જોર આપી ને છોટુ એ આટલું કીધું.
એમના સ્કેચ બનાવવા નો ટાઈમ નહોતો, કેમકે ૭:૩૦ થઈ ગયા હતા અને રાતે ૨ વાગે ચોરી એટલે અમારા જોડે ફક્ત ૬:૩૦ કલાક નો સમય હતો કોના ઘરે ચોરી થવાની છે એ શોધવા.
સુરેશભાઈ અને ધનજીશેઠ ધ્યાન થી એ. સી. પી અર્જુન ની વાત સાંભળતા હતા.
"નાયક જલ્દી થી આ વિસ્તાર નો નકશો લાવો અને આપના ખબરીઓ ને એક્ટિવેટ કરો કે સ્ટ્રીટ લાઈટ અત્યારે કયા વિસ્તાર માં બંધ છે"મેં તાબડતોડ એકશન લેવાનું નક્કી કરી નાયક ને સૂચન આપ્યું.
"બેટા તું અહીં બાંકડા પર બેસ હું તારા માટે થોડો નાસ્તો મંગાવું, મને ગર્વ છે તારા પર કે તે એક સાચા નાગરિક તરીકે ની પોતાની ફરજ પુરી કરી, બીજું કાંઈ યાદ આવે તો જણાવજે. "છોટુ ને આટલું કહી હું કામ માં લાગી ગયો.
નાયકે મારા ટેબલ પર નકશો પાથર્યો અને એક વિસ્તાર નું નામ વાંચી મને મગજ માં સળવળાટ થયો.
"ગ્રીન પાર્ક સોસાયટી" નાયક જો આ છોકરો જે લારી પર કામ કરે એના થી ૨૦૦ મીટર અંતરે આ સોસાયટી આવેલી છે". લગભગ આ સોસાયટી માં જ ક્યાંય ચોરી થવાની હોવી જોઈએ.
"પણ સાહેબ આ સોસાયટીમાં તો ૧૦૦ થી એ વધુ મકાન છે અને હીરા ના ઘણા વેપારી આ વિસ્તાર માં રહે છે"
દરેક વેપારી ને ફોન કરી ચેતવવા નો સમય નહોતો, અને ચેતવી પણ દઈએ પણ ચોર શાતિર હોય તો ચોરી તો કરે અને કાંઈ ના મળે તો ખૂન પણ કરી દે, આવા સંજોગો માં પાકું સરનામું મેળવવું જરૂરી હતું"
મારી અને નાયક ની તપાસ ડેડ એન્ડ પર આવી ગઈ હતી, ૮:૩૦ થઈ ગયા હતા, સમય પાણી ના જેમ સરકતો હતો, ત્યાં નાયક ના મોબાઈલ પર એક કોલ આવ્યો.
"બોલ વિષ્ણુ"નાયક ફોન ઉપાડતા બોલ્યો, વિષ્ણુ અમારો ખબરી છે. એ આ એરિયા ના ખૂણે ખૂણા થી વાકેફ છે.
નાયકે થોડી વાત કરી ફોન કાપ્યો અને મને કીધું" સાહેબ વિષ્ણુ એ સરસ માહિતી આપી છે. ગ્રીન પાર્ક સોસાયટી માં ૪ સ્ટ્રીટ છે, દરેક માં ૨૪-૨૪ ઘર છે, એમાં ૪થી સ્ટ્રીટ માં ૨ દિવસ થઈ મ્યુનિસિપાલિટી ની સ્ટ્રીટ લાઈટ બંધ છે.
"ખૂબ સરસ" મારા મોઢા માંથી ઉત્સાહ થી આ શબ્દો સરી પડ્યા, હવે અમારે ૨૪ ઘર પર ધ્યાન ટાર્ગેટ કરવાનું હતું.
"નાયક જલ્દી થી આ સોસાયટી ના મેનેજીંગ ડાયરેક્ટર ને ફોન લગાવ અને આ ૨૪ ઘર ની ડિટેઇલ મંગાવ"મેં તરત નાયક ને હુકમ આપી દીધો.
"જી સર" કહી નાયક બહાર ગયો.
એટલામાં છોટુ ઉભો થઇ મારા જોડે આવ્યો અને બોલ્યો "સાહેબ એમની વાતચીત તો યાદ નથી બીજી માહિતી છે જે તમને ઉપયોગી થાય"
"હા બોલ, નાના માં નાની વાત પણ બહુ મહત્વ ની છે" મેં છોટુ નો ઉત્સાહ વધારવા કીધું.
"સાહેબ એમાંથી એક નું નામ કાદિર હતું અને એના ડાબા ગાલ પર વાગવાનું નિશાન હતું, અને બીજો વ્યક્તિ હંમેશા કોઈક ગણવેશ માં રહેતો, ચોકીદાર પહેરે એવા કપડાં અને એના ગણવેશ ના ખિસ્સા પર એક લાલ ઘોડો બનેલો હતો" છોટુ એ પોતાની વાત ઝડપથી પુરી કરી.
"વેરી ગુડ બેટા, આ અગત્ય ની માહિતી છે, જા તું જઇ શકે છે, અને હું તને વિશ્વાસ આપું છું કે ચોરી થયા પેહલા ચોર પકડાઈ જશે. "છોટુ મારી રજા લઇ અહીંથી ગયો.
મેં તાત્કાલિક મારો ફોન કાઢી વડોદરા ફોન લગાવ્યો સામે વડોદરા જેલ ના જેલર રોહન પંડ્યા હતા. "હેપ્પી દિવાળી ની શુભેચ્છા પાઠવ્યા પછી મેં મારી વાત આગળ વધારી, સાહેબ કાદિર કટારી વિશે માહિતી ખરી"
"અર્જુન એ અહીં થી ૨ મહિના પહેલા નીકળી ગયો છે અને લુખ્ખા તત્વો દ્વારા મળેલી માહિતી મુજબ એ સુરત છે"પંડ્યા સાહેબે જવાબ આપ્યો.
મારો શક સાચો પડ્યો એમાં થી એક વ્યક્તિ કાદિર કટારી હતો, જેને મેં ૧ વરસ પહેલાં વડોદરા પકડ્યો હતો, એના ચોરી ના કારનામા પ્રખ્યાત છે, અને એટલે જ મારા મન માં વધુ ચિંતા થઈ.
તરત જ મેં નાયક ને અંદર બોલાવ્યો અને છોટુ એ કરેલી વાત કરી.
"તો સાહેબ હવે ૨૪ બંગલા ના માલિકો ના નામ મળે એટલે તપાસ આગળ વધારીએ. મેં ગ્રીન પાર્ક સોસાયટી ના મેનેજીંગ ડાયરેક્ટર રાવજી ભાઈ દેસાઈ જોડે વાત કરી લીધી છે, એમને કીધું કે એ મુજબ એ ટૂંક જ સમય માં પોતાના ઘરે થી ન ઓફિસે જવા નીકળી ગયા છે ત્યાં જઈ બંગલા ના માલિકો નું બંગલા નંબર સાથેનું લિસ્ટ મોકલાવશે" નાયકે પોતે કરેલા કાયૅ વિશે વિગતવાર વાત મને જણાવી.
"બહુ સરસ" પણ નાયક અત્યારે ૧૦ વાગી ગયા છે, આપણે હજુ વધુ ઝડપે કામ કરવું પડશે" મેં નાયક ને કીધું.
સાહેબ અડધા કલાક માં લિસ્ટ આવી જશે ત્યાં સુધી તમારા માટે ચા અને વેફર મંગાવી લઉં, તમે ક્યારનાય કાંઈ ખાધું નથી.
"સારું, મને પણ જોર થી ભૂખ લાગી છે, પણ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી મને કાંઈ યાદ ના આવે , આતો તે કીધું એટલે ભૂખ જાગી ગઈ"
ચા નાસ્તો કરી પાંચ મિનિટ થઈ ત્યાં નાયક ના મોબાઈલ પર વહાટ્સઅપ મેસેજ આવી ગયો રાવજી ભાઈ નો. નાયક મેસેજ બતાવવા મારી પાસે આવ્યો અને બોલ્યો "સાહેબ આ આવી ગયું નામ સાથે નું બંગલાઓ ના નંબર સાથેનું લિસ્ટ"
મેં ફોન હાથ માં લીધો અને નાયક ને કીધું હું નામ બોલું એ બધા તું નોટડાઉન કર.
"૧૧:૧૫ વાગી ગયા હતા ચોરી થવામાં હવે ૩ કલાકથી પણ ઓછો સમય બાકી હતો, સમગ્ર ફોર્સ મેં એલર્ટ પર રાખી હતી કેમકે જો પાકું સરનામું ના મળે એવા સંજોગો માટે નવો પ્લાન બનાવવો પણ એટલો જરૂરી હતો. "
"બધા નામ લખાઈ ગયા પછી દરેક વિસે ડિટેઇલ કાઢવી જરૂરી હતી, આ કામ અમારા આઈ. ટી ની ટીમ એ બખૂબી પૂર્વક કર્યું એમાં ગ્રીન પાર્ક સોસાયટી ના મેનેજીંગ ડાયરેક્ટર રાવજીભાઈ એ પણ પૂરતો સહકાર આપ્યો"
"૧૧:૪૫ વાગી ગયા હતા, લિસ્ટ તૈયાર હતું જેમાં ૫ હીરા ને લાગતા વેપારીઓ હતા, એક હતા ૭૮ નંબર માં રહેતા શંકર દાસ, બીજા ૮૪ નંબર માં રેહતા વિવેકભાઈ, પછી ના નામ માં ૮૮ નંબર વાળા કેશવલાલ અને ૯૧ નંબર વાળા શ્યામજી દાસ નો સમાવેશ થતો હતો. છેલ્લે નંબર હતો ૯૬ નંબર ના બંગલા વાળા ધનજી શેઠ એટલે કે તમારો.
"સમય ઓછો હતો ને વેશ ઝાઝા હતા, ખબરીઓ ને સક્રિય કરી દેવામાં આયા હતા, પોલીસ ટીમ પણ તૈયાર હતી. ૫ વેપારીઓ વિશે જાણકારી મેળવવા માં ટાઈમ જવાનો નક્કી હતો પણ શું થાય?અમે કામ માં લાગી ગયા.
"અચાનક મને કંઇક યાદ આવ્યું ને હું નાયક સાથે કોમ્પ્યુટર રૂમ માં ગયો. "
"હેરી, એક કામ કરવાનું છે?"મેં મારા પોલીસ સ્ટેશન ના આઈ. ટી હેડ હેરી ને કીધું.
"બોલો સાહેબ"શું સર્ચ કરવું છે.
"સુરત માં લાલ ઘોડા વાળી વરદી કઈ સિક્યુરિટી કંપની ની છે, એન્ડ એનો કોન્ટેક્ટ નંબર પણ જોઈએ" મને છોટુ ની ગણવેશવાળી વાત યાદ આવતા મેં એ દિશા માં આગળ વધવાનું નકકી કર્યું.
"૫-૧૦ મિનિટ"હેરી એ કીધું
"જેમ બને એમ જલ્દી" મેં ચિંતા અને ઉતાવળ માં એને કીધું.
"સર આ જોવો લાલ ઘોડા વાળું નિશાન રેડ હોર્સ સિક્યુરિટી એજન્સી વાપરે છે અને એનો નંબર આ રહ્યો"હેરી એ કોમ્પ્યુટર સ્ક્રીન બતાવતા કીધું.
"ગુડ વર્ક"મેં એના કામ ના વખાણ કરતા એને કીધું.
પછી મેં મારા ફોન માંથી રેડ હોર્સ સિક્યુરિટી એજન્સી ની મેઈન ઓફિસ માં ફોન કર્યો.
૧૨:૩૦ થઈ ગયા હતા, નાયક અમારા ખબરીઓ જોડે સતત સંપર્ક માં હતો.
"હેલ્લો રેડ હોર્સ સિક્યુરિટી એજન્સી, હું આપની શું મદદ કરી શકું?" ફોન પર એક યુવક નો અવાજ સંભળાયો.
"હું વરાછા પોલીસ સ્ટેશન માં થી ઇન્સ્પેક્ટર એ. સી. પી અર્જુન બોલું, મારે તમારી એક મદદ જોઈએ, અને એ પણ ઝડપી"મેં ઊંચા અવાજે પણ વિવેક થી કીધું.
"જી સર, બોલો હું આપની બનતી મદદ કરીશ"એ યુવકે કીધું.
"તમારી એજન્સી ગ્રીન પાર્ક સોસાયટી વરાછા માં સર્વિસ આપે છે અને આપતી હોય તો સોસાયટી ની સ્ટ્રીટ નંબર ૪ માં કોના ત્યાં આપે એ જણાવશો?"મેં મારે જરૂરી માહિતી મેળવવા ના ઉદેશ થી પૂછ્યું.
"બસ ૨ મિનિટ સર"આટલું સંભળાયા બાદ ફોન માં કોમ્પ્યુટર કીબોર્ડ નો અવાજ સંભળાયો.
"હા સર ગ્રીન પાર્ક સોસાયટી , સ્ટ્રીટ નંબર ૪, એમાં બંગલા નંબર ૮૦, ૮૯, ૯૬ નંબર માં અમારી એજન્સી કામ કરે છે" યુવકે જણાવ્યું
"થેન્ક યુ" કહી મેં ફોન મૂકી દીધો.
"નાયક આજે ધનજી શેઠ ના બંગલા માં ચોરી થવાની છે" મેં બધા તારણો નો અભ્યાસ કરી નાયક ને મારી વાત કરી.
"પણ સર આ તારણ ખોટું નીકળ્યું તો?"નાયકે સવાલ કર્યો
એટલા માં નાયક ના નંબર પર એક કોલ આવ્યો
"નાયક સાહેબ એક વાત છે, તમે કીધું કે હીરા માર્કેટ ની કોઈ મોટી ખબર હોય તો આપવાની તો સાંભળો ગઈ કાલે ધનજીભાઈ શેઠ નામ ના વેપારી એ ૭૦ કરોડ ના હીરા ૫૦ કરોડ માં લીધા છે, અત્યારે માર્કેટ મંદુ છે તો એમનો દિવાળી પછી હીરા વેચી રોકડી કરી લેવાનો ઈરાદો છે" અમારા ખબરી જસવંત નો કોલ હતો.
"સાહેબ તમારી વાત સાચી લાગે છે, જસવંત નો કોલ હતો એની સૂચના મુજબ ધનજીશેઠ પાસે અત્યારે ૭૦ કરોડ ના હીરા છે, આપણે જલ્દી નીકળવું જોઈએ ૧ વાગી ગયો છે હવે કલાક જ બાકી છે. "
"તું ૨ ટીમ રેડી કર, એક માં સુકાન હું લઈશ, એકનું તું બંને માં ૬-૭ માણસો હશે"અને અમે નીકળી પડ્યા આપના ઘર તરફ.
"બસ પછી ની કહાની તો આપ જાણો જ છો ૧:૩૫ એ તમારા ઘરે પહોંચી અમે જે જાળ બિછાવી એમાં તમારા બંગલા નો દિવસ નો સિક્યુરિટી ગાર્ડ દુબે અને કાદિર આસની થી સપડાઈ ગયા, તમારા નાઈટ ચોકીદાર પણ બહુ વફાદાર નીકળ્યા. ખબર હતી કે એમના પર હુમલો થશે પણ અમારા કહેવાથી પ્રતિકાર કર્યા વિના બેહોશ થઈ ગયા"
"અર્જુન સાહેબ સાચા વખાણ ને લાયક તો તમે છો, જ્યાં સુધી તમારા જેવા કાર્યનિષ્ટ અને બાહોશ ઓફિસર આ દેશ માં છે ત્યાં સુધી સામાન્ય નાગરિક સુખ અને સલામતી થી જીવી શકશે. ", ધનજીશેઠ એ અર્જુન ના વખાણ કરતા કીધું.
"પિતાજી ની વાત સાચી છે, તમારા જેવા પોલીસ ઓફિસર ની દેશ ને જરૂર છે"સુરેશે ધનજીભાઈ ના સુર માં સુર પરોવ્યો.
"તમે મારા આમ બહુ વખાણ ના કરશો નહિ તો મને ડાયાબિટીસ થઈ જશે"અર્જુન બોલ્યો.
એની આ વાત સાંભળી બધા હસી પડ્યા.
"આ કેસ સોલ્વ કરવામાં હેડ કોન્સ્ટેબલ નાયક અને અમારી પુરી વરાછા પોલીસ સ્ટેશન ની ટીમ નો હાથ છે, માટે શ્રેય એમને પણ મળવો જોઈએ"અર્જુન ની આ વાત સાંભળી નાયક ના ચેહરા પર તેજ અને હૃદય માં અર્જુન પ્રત્યે માન વધી ગયું.
"અને ધનજી શેઠ જો આ કેસ સોલ્વ કરવામાં જો કોઈ નો સૌથી મોટો ફાળો હોય તો એ છે ચા ની લારી પર કામ કરતા એ છોટુ નામ ના છોકરા નો, જેનું બારીક અવલોકન અને સાચા નાગરિક તરીકે ની ફરજે આ ચોરી થતા રોકી"આખરે અર્જુને છોટુ વિશે ની વાત કરી
"દુબે એ કબૂલી લીધું છે કે એને જ આ પ્લાન બનાવ્યો, તમારી હીરા ની ડીલ વિશે એને ખબર હતી, અને ધનતેરસ ના દિવસે તમારા સિવાય ઘરે કોઈ નથી એ પણ એ જાણતો હતો. આ ઉપરાંત સુરેશ પોતાની પુત્રી ની જીદ ના લીધે તમારા કૂતરા ને પણ જોડે મહાબળેશ્વર લઈ ગયો એ વાત પણ એ જાણતો હતો માટે એને આ પ્લાન બનાવ્યો"અર્જુને ચોરીની યોજના અંગેની વાત ધનજીભાઈ અને સુરેશ ને કરી.
"તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. પણ મારી અને પિતાજી ની એક ઈચ્છા છે, અમે છોટુ ને મળવા માંગીએ છીએ, અમે ઈચ્છે છીએ કે છોટુ ભણે. અમે એનો દાખલો બોર્ડિંગ સ્કૂલ માં કરવી દઈએ અને એના સંપૂર્ણ અભ્યાસ ની જવાબદારી અમારી, આપ ને યોગ્ય લાગે તો છોટુ સાથે મુલાકાત કરવી દો, એનું જીવન સુધરી જાય"સુરેશ એ પોતાનો અભિપ્રાય આપ્યો.
"આતો આનંદ ની વાત છે, ચાલો મારી સાથે. એક બાળક ના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માં હું તમારી સાથે છું, આપનો આ વિચાર ખરેખર સરાહનીય છે, જો આપ જેવું બધા વિચારે તો ઘણા ગરીબ અને અનાથ બાળકો ને યોગ્ય ભણતર અને સારા માં સારું ભવિષ્ય મળી રહે, કેમકે સાહેબ હું એ એક અનાથ જ હતો" અર્જુને કીધું.
પોતાની ટોપી માથે પેહરી, મૂછો પર તાવ દેતો દેતો, છોટુ સાથે ધનજીશેઠ અને સુરેશ ની મુલાકાત કરાવવા એ. સી. પી અર્જુન નીકળી પડ્યો હસતો હસતો સૌથી આગળ.
સમાપ્ત
આપણા દેશ માં છોટુ જેવા ઘણા બાળકો છે, જેમનું નામ ખાલી છોટુ છે પણ દિલ ના ઘણા મોટા છે. ઘણા આવા છોટુ તો ઘરની જવાબદારી માથે લઇ ને ફરતા હોય. તો હવે થી જ્યાં પણ આવા છોટુ દેખાય થોડી ઘણી આર્થિક સહાય કરવી. તમારી થોડી મદદ એમના ચેહરા પર જે ખુશી લાવશે એમાં તમને જે ખુશી મળશે એ કરોડો ખર્ચે પણ નહીં મળે.
આપનો આ વાર્તા અંગે નો અભિપ્રાય મારા વ્હોટ્સઅપ નંબર 8733097096 પર આપો.
-જતીન આર. પટેલ