‘સત્યના પ્રયોગો
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૪૨. દર્દને સારુ શું કર્યું ?
પાંસળીનો દુખાવો નહોતો મટતો તેથી હું ગભરાયો. દવાના ઉપચારથી નહીં પણ ખોરાકના ફેરફારથી અને કંઈ બાહ્ય ઉપચારથી દર્દ જવું જ જોઈએ એટલે હું જાણતો હતો.
સને ૧૮૯૦માં અન્નાહારી અને ખોરાકના ફેરફારથી દર્દોનો ઈલાજ કરનાર દાક્તર ઍલિન્સનને હું મળ્યો હતો. તેમને મેં બોલાવ્યા. તે આવ્યા. તેમને શરીર બતાવ્યું, ને દૂધના
મારા વિરોધની વાત કરી. તેમણે મન તુરત દિલાસો દીધો, ને કહ્યું : ‘દૂધની કશી જરૂર નથી. ને મારે તો તમને થોડા દહાડા કશી ચરબી વિના જ રાખવા છે.’ એમ કહી પ્રથમ
તો મને કેવળ સૂકી રોટી અને કાચાં શાકો ઉપર ને ફળો ઉપર રહેવાનું કહ્યું. કાચાં શાકમાં
મૂળા, પ્યાજ અને એવાં મૂળિયાં તથા લીલોતરી, અને મેવામાં મુખ્યત્વે નારંગી. શાકોને ખમણીને કે વાટીને ખાવાનાં હતાં. મેં આમ ત્રણેક દિવસ ચલાવ્યું, પણ કાચાં શાકો બહુ ફાવ્યાં નહીં. આ પ્રયોગને પૂરો ન્યાય આપી શકું એવું મારું શરીર નહોતું, ને એવી શ્રદ્ધા નહોતી. આ ઉપરાંત તેમણે ચોવીસે કલાક બારીઓ ખુલ્લી રાખવાનું, રોજ નવશેકે પાણીએ નાહવાનું, દુખતા ભાગ ઉપર તેલ ચોળવાનું અને પાથી અરધો કલાક ખુલ્લી હવામાં ફરવાનું સૂચવ્યું. આ બધું મને ગમ્યું. ઘરમાં તો ફ્રેન્ચ ઢબની બારીઓ હતી. તે આખી ઉઘાડવાથી ઘરમાં વરસાદનં પાણી આવતું હતું. ઉપરનું અજવાળિયું ખુલ્લું કરાય તેમ નહોતું. તેથી તેનો આખો કાચ ભંગાવીને ત્યાંથી તો ચોવીસે કલાક હવા આવવાની સગવડ કરી. ફ્રેન્ચ બારી વાછંટ ન આવે તેટલી ઉઘાડી રાખતો.
આ બધું કરવાથી તબિયત કંઈક સુધરી. સાવ સારી તો ન જ થઈ. કોઈ કોઈ વાર
લેડી સિસિલિયા રૉબર્ટ્સ મને જોવા આવતાં. તેમનો પરિચય સારો હતો. તેમની મને દૂધ
પિવડાવવાની પ્રબળ ઈચ્છા હતી. તે તો લઉં નહીં, એટલે દૂધના ગુણવાળા પદાર્થોની તેમણે શોધ ચલાવી. તેમના કોઈ મિત્રો તેમને ‘માલ્ટેડ મિલ્ક’ બતાવ્યું, ને અણજાણપણે તેમણે કહ્યું કે એમાં દૂધનો સ્પર્શ સરખોયે નથી, પણ રસાયણી પ્રયોગથી બનાવેલી દૂધના ગુણવાળી ભૂકી છે. લેડી રૉબર્ટ્સને મારી ધર્મલાગણી તરફ બહુ આદર હતો એમ હું જાણી ગયો હતો.
તેથી મેં તે ભૂકીને પાણીમાં મિલાવીને પીધી. મને તેમાં દૂધના જેવો જ સ્વાદ આવ્યો. પાણી પીધા પછી ઘર પૂછ્યા જેવું મેં કર્યું. બાટલી ઉપરનો કાગળ વાંચતાં માલૂમ પડ્યું કે આ તો દૂધનો જ પદાર્થ છે. એટલે એક જ વાર પીધા પછી તેનો ત્યાગ કરવો પડ્યો. લેડી રૉબર્ટ્સને ખબર આપી ને જરાયે ચિંતા ન કરવાનું લખ્યું. તેઅ ઉતાવળાં ઉતાવળાં ઘેર આવ્યાં. પોતાની દિલગીરી જાહેર કરી. તેમના મિત્રે બાટલી ઉપરનો કાગળ વાંચેલો જ નહીં. મેં આ ભલી બાઈને આશ્વાસન આપ્યું, ને તેમણે તસ્દી લઈ મેળવેલા પદાર્થનો ઉપયોગ મારાથી ન થાય તેની માફી માગી. અણજાણપણે મારાથી ભૂકી લેવાઈ તેને સારુ
મને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિતનું કારણ નથી એ પણ જણાવ્યું.
લેડી રૉબર્ટ્સની સાથેનાં બીજાં મધુર સ્મરણો છે તે હું મૂકી દેવા ઈચ્છું છું. એવાં સ્મરણો ઘણાં છે કે જેનો મહાન આશ્રય ઘણી વિપત્તિઓ ને વિરોધોમાં મને મળી શક્યો છે.
શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વર દુઃખરૂપી કડવાં ઔષધો ઔષધો આપે છે તેની જ સાથે મૈત્રીનાં મીઠાં અનુપાનો પણ આપે જ છે.
દાક્તર ઍલિન્સનો બીજી મુલાકાતે વધારે છૂટ મૂકી, અને ચરબીને સારુ સૂકા મેવાનું એટલે મગફળી આદિ બીજોનું માખણ અથવા જીતુનનું તેલ લેવાનું કહ્યું. કાચાં શાકો ન ગમે તો તેને રાંધી ચોખાની સાથે લેવાનું કહ્યું. આ સુધારો મને વધારે અનુકૂળ આવ્યો.
પણ દર્દ સાવ નાબૂદ ન થયું. સંભાળની જરૂર તો હતી જ. ખાટલો ન છોડી શક્યો. દાક્તર મહેતા વખતોવખત તપાસી તો જતા જ. ‘મારો ઈલાજ કરો તો હમણાં સાજા કરું.’ એ તો હમેશાં એમના મોઢામાં હતું જ.
આમ ચાલતું હતું તેવામાં મિ.રૉબર્ટ્સ એક દહાડો આવી ચડ્યા, ને તેમણે મને દેશ જવાનો આગ્રહ કર્યો : ‘આ હાલતમાં તમે નેટલી કદી નહીં જઈ શકો. સખત ઠંડી તો હજુ હવે આવશે. મારો તો ખાસ આગ્રહ છે કે તમે હવે દેશ જાઓ અને ત્યાં સાજા થાઓ. ત્યાં
લગી લડાઈ ચાલતી હશે તો મદદ કરવાના ઘણાયે પ્રસંગો તમને મળશે જ. નહીં તો તમે અહીં કર્યું છે તે ઓછું નથી માનતો.’
મેં આ સલાહનો સ્વીકાર કર્યો ને દેશ જવાની તૈયારી કરી.
મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શક્યા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઈસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવાબ આવ્યો : ‘અમે દિલગીર છીએ, પણ અત્યારે આવું કશું જોખમ વહોરવા તૈયાર નથી.’ અમે બધા આ જવાબની યોગ્યતા સમજ્યા. કૅલનબૅકના વિયોગનું દુઃખ મને તો થયું જ, પણ મારા કરતાં તેમને વધારે થયું એ હું જોઈ શક્યો. તેઓ હિંદ આવી શક્યા હોત તો આજે એક સુંદર ખેડૂત ને વણકરનું સાદું જીવન વ્યતીત કરતા હોત. હવે તેઓ દક્ષિણ આફ્રિકામાં પોતાનું અસલી જીવન વ્યતીત કરે છે, ને સ્થપતિનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે.
અમે ત્રીજા વર્ગની ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો. પણ પી. ઍન્ડ ઓ.ની આગબોટોમાં ત્રીજા વર્ગની ટિકિટ નહોતી મળતી, તેથી બીજા વર્ગની લેવી પડી. દક્ષિણ આફ્રિકાથી સાથે બાંધેલો કેટલોક ફળાહાર જે આગબોટોમાં ન જ મળી શકે એ તો સાથે
લીધો જ હતો. બીજો આગબોટમાથી મળે તેમ હતું.
દા. મહેતાએ શરીરને તો મીડ્ઝ પ્લાસ્ટરના પાટાથી બાંધી મૂક્યુ હતું, ને તે પાટા રહેવા દેવાની ભલામણ કરી હીત. મેં બે દહાડા તો તે સહન કર્યા, પણ પછી ત સહન ન કરી શક્યો, એટલે કેટલીક મહેનતે તે ઊતરડી કાઢ્યા ને નાહવાધોવાની છૂટ લીધી. ખાવાનું તો મુખ્યત્વે સૂકો ને લીલો મેવો જ કરી નાખ્યું. તબિયત દિવસે દિવસે સુધરતી ચાલી, ને સુએઝની ખાડીમાં પહોંચ્યા તેટલા સુધીમાં બહુ સારી થઈ ગઈ. જોકે શરીર નબળું હતું છતાં
મારો ભય ગયો, ને હું ધીમે રોજ થોડી કસરત વધારતો ગયો. આ શુભ ફેરફાર માત્ર શુદ્ધ
ને સમશીતોષ્ણ હવાને આભારી હતો એમ મેં માન્યું.
પુરાણા અનુભવને લીધે કે ગમે તે કારણસર હોય, પણ અંગ્રેજ ઉતારુઓ અને અમારી વચ્ચે હું જે અંતર અહીં ભાળી શક્યો તે દક્ષિણ આફ્રિકાથી આવતાં પણ નહોતું ભાળ્યું. ત્યાં પણ અંતર તો હતું, પણ અહીં તેથી જુદા જ પ્રકારનું લાગ્યું. કોઈ કોઈ
અંગ્રેજીની સાથે વાતો થતી પણ તે ‘સાહેબ સલામ’ પૂરતી જ. હ્ય્દયની ભેટ ન થઈ. દક્ષિણ આફ્રિકાની સ્ટીમરમાં તેમ જ દક્ષિણ આફ્રિકામાં હ્ય્દયની ભેટો થઈ શકી હતી. આવા ભેદનું કારણ હું તો એમ જ સમજ્યો કે આ સ્ટીમરોમાં અંગ્રેજને મન હું રાજ્યકર્તા છું, ને હિંદીને
મન પરાયા શાસન નીચે છું, એ જ્ઞાન જાણ્યેઅજાણ્યે પણ કામ કરી રહ્યું હતું.
આવા વાયુમાંથી ઝટ છૂટવા ને દેશ પહોંચવા હું આતુર થઈ રહ્યો હતો. એડન પહોંચતાં કંઈક ઘેર પહોંચ્યા જેવો ભાસ આવ્યો. એડનવાળા સાથે અમને ઠીક સંબંધ દક્ષિણ આફ્રિકામાં જ બંધાયો હતો, કેમ કે ભાઈ કેકોબાદ કાવસજી દીનશા ડરબન આવી ગયા હતા, ને તેમની ને તેમનાં પત્ની સાથે મને સારો પરિચય થઈ ચૂક્યો હતો. થોડા જ દિવસમાં અમે મુંબઈ પહોંચ્યા. જે દેશમાં ૧૯૦૫માં પાછા ફરવાની આશા રાખતો હતો, ત્યાં દશ વર્ષે પાછો પહોંચી શક્યો તેથી મને બહુ આનંદ થયો. મુંબઈમાં ગોખલેએ મેળાવડા વગેરેની ગોઠવણો કરી જ મૂકી હતી. તેમની તબિયત નાજુક હતી, પણ મુંબઈ આવ પહોંચ્યા હતા. તેમની ભેટ કરી, તેમના જીવનમાં શમી જઈ, મારા ઉપરથી ભાર ઉતારી નાખવાની હોંશ હું મુંબઈ પહોંચ્યો હતો. પણ વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો.