શેરમાં રોકાણની ગડમથલ
વ્હ્યાય ધીસ વ્હ્યાય ધીસ કોલાવરી ડી ???
શેરબજારમાં રોકાણ કરનારા મે એવાં ઘણાં ઓળખીતાઓ જોયા છે જેઓ રોકાણ કર્યા બાદ મુંડાયા હોય અને ફરીથી ક્યારેય શેરમાં ન પડવાના સોગંદ લીધા હોય. અને એવા લોકો પણ છે જેમણે થોડી કંપનીઓના શેર લીધા હોય અને ભૂલી જાય છે કે એમણે એનું શું કર્યું હતું અથવા શું કરવું જોઈએ.
એક કિસ્સો જોઈએ. મારા એક ઓળખીતાએ મારી સામે શેરના કાગળિયાઓનો ઢગલો મૂકી દીધો અને કહ્યું, મને થોડાં વર્ષો પહેલા કોઈએ શેર લેવડાવ્યા હતા. હવે આનું શું કરવું અને કેવીરીતે કરવું એની કોઈ ગતાગમ નથી. તો આ કાગળિયા વાંચી મને કહે શું કરવું ? નસીબ સારા કે એણે કાગળિયાઓ સાચવી રાખ્યા હતા. મેં એક એક કાગળ તપાસવા માંડ્યો, અને છેવટે એમાંથી શેર સર્ટીફીકેટો છુટા કર્યા. અને જે જે કંપનીના શેર સર્ટીફીકેટ હતા, એ કંપનીના ભાવ એ તારીખે શું હતા એ જોયા. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે એ કંપનીઓના કુલ સર્ટીફીકેટસની બજાર કિંમત કુલ હતી પુરા ૧૮ લાખ. એમાં રિલાયન્સ ટાઈટન જેવી કંપનીના શેર હતા. તથા અન્ય જાણીતી કંપનીના વર્ષો બાદ એમાં બોનસ વગેરે મળીને અને એના શેરના ભાવ વધવાથી આ કિંમત આવતી હતી. પછી મેં એમની પાસે ડી મેટ એકાઉન્ટ ખોલાવ્યું અને અમુક શેર એમને પૈસાની જરૂર હોવાથી વેચાવી આપી, શેર હોલ્ડીંગ ઠીક કરી આપ્યું. હવે એ રોજ પોતાની પાસે પડેલા શેરોના ભાવ ટીવી પર જોઈ લે છે અને મને પૂછે છે કે શું કરવું. આને કહેવાય શેરનું લાંબા ગાળા નું રોકાણ આપમેળે થઇ ગયું અને સારું એવું વળતર મળ્યું
જેમ મારા આ ઓળખીતાને શેરના કાગળિયામાં લોટરી લાગી, એમ ઘણાને પૈસા પાણીમાં પડ્યા ના કિસ્સા પણ બને જ છે. એમણે કોઈપાસે શેર લીધા હોય અને પછી ભાવ ઘટી જતા નુકશાન થયું હોય અને હવે એ કંપની જ શેરબજારમાંથી ગાયબ થઇ ગઈ હોય એવું પણ ઘણા કિસ્સામાં બને છે. દરેક શેર રોકાણકારના નુકસાની પાછળ કંઈક ને કંઈક આપવીતી હોય છે. અને એમની એ આપવીતી દરેકને સંભળાવી અન્યોને એમાં ન પડવાની સલાહ આપતા રહેતા હોય છે.
મારો અંગત મત એવો છે કે દરેક વ્યક્તિએ પોતાની કુલ બચતના ઓછામાંઓછા ૨૦ થી ૩૦ ટકા રકમ શેરમાં રોકતા રહેવું જોઈએ.
શા માટે ?
શેરમાંનું જ રોકાણ એકમાત્ર એવું છે જે ગરીબ તવંગર તમામને પરવડે છે અહીં ઓછામાં ઓછો ૧ રૂપિયો પણ તમે રોકી શકો અને શરૂઆત કરી શકો .
શેરમાં રોકાણ જ આ સૌથી નાના રોકાણકારને મોંઘવારી સામે રક્ષણ આપે છે. એટલે કે એમાં મૂડી વૃદ્ધિ શક્ય છે અન્ય રોકાણ જેવાકે પ્રોપર્ટી, સોનું વગેરેમાં માત્ર એની કિંમત જ વધી શકે વળી એ જલ્દીથી વેચી શકાય નહી. સોનું વેચવું એ આપણા માટે ઘણી વખત અશુભ મનાતું હોય છે. અને પ્રોપર્ટીમાં જયારે વેચવાની જરૂર પડે ત્યારે, ગ્રાહક ના મળે અને જયારે ના વેચવું હોય ત્યારે, મો માગ્યા દામ આપી ગ્રાહક સામે આવે એવું બનતું હોય છે. જયારે શેરમાં તમે ગમે ત્યારે વેચી શકો. કયારેક થોડું નુકશાન કરીને પણ જરૂરી પૈસા મેળવી શકો. અને બચત થતા રોકાણ પાછું કરી શકાય. એટલે કે શેર એ લીક્વીડ એસેટ છે.
દાખલા તરીકે આજથી ૨૫ થી ત્રીસ વર્ષ પહેલાં જેમણે "કોલગેટ” કંપનીના ૫૦ શેર લીધા હતા, એમના કંપનીએ ૧ શેરે ૧ શેર બોનસ આપતા, ૫૦ શેરના ૧૦૦ શેર થયા. ત્યારબાદ એ જ પ્રમાણે ૧૦૦ ના ૨૦૦, ૨૦૦ ના ૪૦૦, એમ વધતા આજે લગભગ ૨૮૦૦ શેર થયા છે. વળી આ વધતી મૂડી પર કંપનીએ દર વર્ષે એનાં નફામાંથી ૧૦૦ ટકાથી પણ વધુ ડિવિડન્ડ આપતી રહી છે.
આજે કોલગેટનો શેર જે ૧૦ રૂપિયાનો હતો, એમાંથી કંપનીએ રૂપિયા ૯ પાછા આપી શેર ૧ રૂપિયાનો કર્યો. એટલે કે પહેલાં બોનસો આપી મૂડી વધારી. અને હવે ઘટાડી અને છતાં આ ૧ રૂપિયાવાળો શેરનો આજે ભાવ છે, લગભગ ૧૩૦૦ રૂપિયા એટલે કેટલા થયા ?
પૂરા ૩૬,૦૦,૦૦૦ રૂપિયા થી વધારે. મૂળ રોકાણ, એ સમયે ૫૦ શેરમાં રૂપિયા ૩૦ જેટલા ભાવે થાય માત્ર ૧૫૦૦ રૂપિયા
પણ "સત્યમ " જેવામાં લાખના બાર હજાર થયા એવી વિરુદ્ધ દલીલો શરૂ કરો એ પહેલાં જાણી લો આવું કઈ રીતે બંને છે.
શેરનો અર્થ "ભાગ” એટલે કોલગેટ કંપનીમાં તમે ભાગીદાર ભાગીદાર " અને યાથ જેમ કંપની વિકાસ પામે એમ કંપનીના નફામાં તમારો પણ ભાગ વધે જે શેરના વધેલા ભાવ રૂપે દેખાય છે
એક શેરહોલ્ડર તરીકે તમે તમારી એ કંપનીની દર વર્ષે પ્રગતિ જોતાં રહો એનાં વાર્ષિક અહેવાલ દ્વ્રારા એણે ડિવિડન્ડ કેટલું આપ્યું એ જુઓ વેચાણ કેટલું વધ્યું અને નફો કેટલો વધ્યો અને સાથે સાથે શેરનો ભાવ કેટલો વધ્યો એની સરખામણી કરી લો
બસ માત્ર આ કવાયત વર્ષાન્તે એક વાર કરવાથી તમે જાણી શકશો કે કંપનીમાં ભાગીદાર તરીકે ચાલુ રહેવું કે છુટા પડવું ?
છુટા પડવાનો નિર્ણય લો તો શેરબજારમાં જઈ એને બીજાનાં ગળામાં પધરાવી દો નફો ગાંઠે બાંધો અથવા નુકસાન થતું અટકાવો (કટિંગ ધ લોસ )અને નવી કંપનીમાં નવા ભાગીદાર તરીકે જોડાવો અથવા ચાલુ કંપનીમાં વિકસતી કંપનીમાં ચાલતી ગાડીએ ચઢો અથવા મંદીમાં ભાવ ઓછો હોય વધતો અટક્યો હોય તો ઘુસી જાઓ એમાં શેરહોલ્ડર તરીકે હવે તમને જો કંપનીના વાર્ષિક અહેવાલમાં કેટલો નફો કે નુકસાન એ જોવાની પણ તસ્દી ન લેવાના હોય તો ભોગ તમારાં તમને જરૂરથી નુકસાન જ થવાનું
શેરમાં રોકાણ કરી પૈસા બમણા કેવી રીતે કરવા એની ગુરુચાવી મારી પાસે નથી પરંતુ જેમની પાસે છે એવો દાવો કરનારાઓના ભાષણો થી જ અંજાઈને દાઝેલાઓ શેરબજારથી દૂર ભાગે છે અને લોભ્યાઓ અને નવા નિશાળિયા ત્યાં દાઝવા ઝંપલાવતા હોય છે
તો શેર બજારમાં રોકાણ કોણે કોણે કરવું જોઈએ ?
એ તમામે જેમણે ૬૦ વર્ષે ખુશી ખુશી નિવૃત થઇ બેઠા બેઠા ખાવું છે
જેઓ ગૃહિણી છે અને બપોરે માત્ર બે થી ત્રણ કલાક નવરી પડે છે અને એ દરમ્યાન એમણે કૈક થોડીઘણી કમાણી કરવી છે
ગૃહિણીઓ ની બાબતમાં એક કહીશ કે પતિની થાળીમાં ગરમાગરમ રોટલી પીરસવાની કવાયત કરતાં કરતાં સાથે સાથે એની બચતના રોકાણ પર પણ થોડું ધ્યાન અને સમજણ કેળવવાની કવાયત વધુ મીઠી ફળદાઈ બની રહેશે આમ કરવાથી જો માથે આપત્તિ આવે તો પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો એની સમજ કેળવાય છે અને બચત કેમ કરવી અને બચતનું રોકાણ કઈ રીતે થાય એની સમજણ આવે છે જે પાછલી ઉમરે ખુબ જ મદદરૂપ થાય છે
શેરબજારમાં કોણે રોકાણ નહી કરવું જોઈએ ?
મૂર્ખાઓએ લોભિયાઓએ અને મફતનું ખાવાની વૃતિવાળાઓ એ તો શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં પ્રથમ શું કરવું જોઈએ ?
તમારી બેંકમાં જઈ ડિમેટ એકાઉન્ટ ખોલો અને નજીકનાં તમારાં વિશ્વાશું શેરદલાલ ને ત્યાં જઈ ક્લાયન્ટ તરીકે રજીસ્ટ કરાવી લો
કેટલા રૂપિયા રોકવા છે ?
માત્ર ૫૦ રૂપિયા ? તો કોઈ જાણીતી કંપની કે જેના શેરનો ભાવ ૫૦ નજીક હોય એનો એક શેર ખરીદો અથવા ૨૫ રૂપિયા નજીકનાં ભાવ વાળી કંપનીના બે શેર ખરીદો અથવા ૧૦ નજીકનાં ભાવે મળતી કંપનીના ૫ શેર ખરીદો અને ઝંપલાવો શેરબજારમાં
હા શરૂઆતમાં રૂપિયા ૫૦ કે ૧૦૦૦ કે ૫૦૦૦ કે ૫૦૦૦૦ રૂપિયા સુધી તમારે ગુમાવવાનું જેટલું ગજું હોય એટલા ગુમાવવાની માનસિક તૈયારી કરી લો
તરતા શીખવા પાણીમાં ઝંપલાવવું જ પડે પાળે બેસી છબછબિયાં કરતાં સટોડિયા રૂપી શાર્ક તમારાં ટાટિયા ખેચી તમને ડૂબાડવા કે નવડાવવા તત્પર જ રહેવાના
નરેશ વણજારા