Bermuda Triangle, ek rahasymay kshetra in Gujarati Detective stories by Bhargav Patel books and stories PDF | બર્મૂડા ટ્રાઈએંગલ, એક રહસ્યમય ક્ષેત્ર

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

બર્મૂડા ટ્રાઈએંગલ, એક રહસ્યમય ક્ષેત્ર

એકવીસમી સદીને વિજ્ઞાનની સદી કહેવામાં આવે છે. આ સદીમાં અંધશ્રદ્ધાને મુહતોડ જવાબ આપવા માટે વિજ્ઞાન સજ્જ છે. વિજ્ઞાન પાસે લગભગ દરેક રહસ્યનો જવાબ આપવાની તાકાત છે. પરંતુ બેશક કુદરત પણ એક વિજ્ઞાનિકથી કમ નથી. કુદરતમાં આકાર પામેલી ઘણી એવી જગ્યાઓ અને ઘટનાઓ આજે પણ માનવ અને વિજ્ઞાન બંને માટે વિચારતા કરી મુકે એવી છે. આ બધામાંથી એક છે, બર્મુડા ટ્રાઈએંગલ!!

બર્મૂડા ટ્રાઈએંગલ, એક રહસ્યમય ક્ષેત્ર. લગભગ કોઈ કોઈ જ અજાણ હશે ત્યાં બનતી ઘટનાઓથી! દરિયાની સપાટી પર ચાલતા જહાજોથી લઈને હવામાં ઉડતા વિમાનો સુદ્ધાં આ ક્ષેત્રફળમાં ગાયબ થયાના દાખલા છે. ક્રેશ થવાની વાત તો સમજ્યા પણ વિમાન કે જહાજના કાટમાળના એકાદ ટુકડાનો કે એના પર સવાર યાત્રીઓની લાશોનોય પત્તો લાગતો નથી. આ વિસ્તાર પોતાનું રહસ્ય પોતાનામાં જ અકબંધ રાખીને બેઠો છે. અત્યાર સુધી ઘણા બધા વૈજ્ઞાનિકો અને લેખકોએ એના વિશે લખ્યું છે, પ્રકાશિત કર્યું છે પણ હજીયે એના સચોટ રહસ્ય વિશે આશંકાઓ વ્યાપ્ત છે.

બર્મૂડા ત્રિકોણના ક્ષેત્રફળને લઈને પણ મતમતાંતરો ખૂબ જ છે. સાર્વત્રિક રીતે એનો વિસ્તાર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરનો બર્મૂડા, સેન જૂઆઝ(પ્યુર્ટો રિકો) અને માયામી (ફ્લોરિડા)થી બનતો ત્રિભુજ સ્વીકારવામાં આવેલો છે.

આ સ્થાનનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ. 1892ની 11મી ઓક્ટોબરની પોતાની લોગ બુકમાં ક્રિસ્ટોફર કોલંબસે કરેલો છે. એણે આ જગ્યાએ પોતાના એક નાવિકે ઝળહળતો પ્રકાશ જોયાની ઘટનાનું વર્ણન કર્યું છે. આ જગ્યા પર પોતાના દિશાસૂચક હોકાયંત્રની સોયના કોઈ પાગલની જેમ આમ તેમ વર્તન વિષે પણ એણે નોંધેલું છે.

અમેરિકન નેવીની વાત માની લઈએ તો એમના મત મુજબ આવી કોઈ જગ્યા છે જ નહિ! એમનું એવું માનવું છે કે એક જ જગ્યા પર આવું થવું એ એક સામાન્ય વાત હોઇ શકે છે. પરંતુ આ ક્ષેત્રફળની આસપાસ વસતા લોકો અમેરિકન નેવીની આ વાતને રદિયો આપે છે. આ ક્ષેત્રફળમાં આવતા વિમાનો કે જહાજોનું રડાર ધીમે ધીમેં કામ કરવાનું બંધ કરી દેતું હોવાનું માનવામાં આવે છે. જેથી જહાજો અને વિમાનોના પોતાના કંટ્રોલર રૂમ સાથેના સંપર્ક તૂટી જાય છે. અને અંતે દિશા ન મળવાથી આ વિમાનો કે જહાજો કોઈ હાદસાનો શિકાર બને છે અથવા આ ઇલાકામાં ગુમ થઈને અહીના રહસ્યને વધારે ઘેરું બનાવે છે.

તમને થશે કે શું એ દરેક જહાજ કે વિમાન સાથે આવું થતું હશે? તો જવાબ છે જી નહિ. કારણ કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દરિયાઈ રસ્તો દુનિયાના સૌથી મોટા ટ્રાફિકઝોનમાં આવે છે. અહીંથી યુરોપ અને અમેરિકા જતા જહાજો અને વિમાનોની સંખ્યા ખુબ જ વધુ છે. છતાય ઘણા જહાજો અને વિમાનો પોતાના મલબા સાથે એવી રીતે તો લાપતા થયા છે કે ઘણી બધી શોધખોળ બાદ પણ એમનો કોઈ પત્તો લાગતો નથી અને આથી જ એને એક શેતાની ત્રિકોણનું કાળું બિરુદ પણ આપવામાં આવ્યું છે.

બર્મુડા ટ્રાયએંગલ સાથે જોડાયેલી ઘટનાઓમાં ‘ધ મેરી સેલેસ્ટ’ જહાજની ઘટનાને સૌથી રહસ્યમય ઘટના માનવામાં આવે છે. ૫ નવેમ્બર, ૧૮૭૨માં આ જહાજ ન્યૂયોર્કથી જીનીવા જવા નીકળ્યું હતું. પણ તે ત્યાં નિર્ધારિત સમય પર પહોચ્યું નહી. પરંતુ તેના ઠીક એક મહિના બાદ ૫ ડીસેમ્બર, ૧૮૭૨ના દિવસે આ જહાજ એટલાન્ટીક મહાસાગરમાંથી સહી સલામત મળી આવ્યું. રહસ્યની વાત એ હતી કે એમાંનું એકપણ વ્યક્તિ જહાજ પર નહતું.

બીજો એક રહસ્યમય કિસ્સો ફ્લાઈટ ૧૯નો પણ છે. ૫ ડિસેમ્બર ૧૯૪૫ના દિવસે અમેરિકી નૌ-સેનાના પાંચ વિમાનોએ લેફ્ટેનન્ટ ચાર્લ્સ ટેલરના નેતૃત્વમાં ફ્લોરીડાના આ સ્થળ ઉપરથી સફર ખેડી હતી. પરંતુ એ લોકો ફરી પાછા ફર્યા નહિ. ચાર્લ્સ ટેલરના રડાર પરથી છેલ્લે સંભળાયેલા શબ્દો કંઈક આવા હતા, “અમને નથી ખબર કે અમે લોકો ક્યાં છીએ. પાણી લીલા રંગનું દેખાય છે અને કશું જ સારું થતું જણાતું નથી. સમુદ્ર એવો નથી દેખાતો કે જેવો દેખાવો જોઈએ. અમને નથી ખબર કે પશ્ચિમ કઈ દિશામાં છે. અમારું હોકાયંત્ર અજીબ રીતે વર્તે છે. અત્યારે અમારે આપણા અડ્ડાથી ૨૨૫ માઈલ ઉત્તર-પૂર્વમાં હોવું જોઈએ પણ એવું લાગે છે કે.....” અને પછી અવાજ આવવાનો બંધ થઇ ગયો. આ પછી આ ફ્લાઈટ ૧૯ની શોધમાં નીકળેલું ૧૩ બચાવકર્તાઓથી સજ્જ સમુદ્રી જહાજ પણ દુર્ઘટનાગ્રસ્ત થયું અને લાપતા થઇ ગયું.

આ ઉપરાંત, ૧૯૪૭માં સેનાનું સી-૪૫, ૧૯૪૮માં ટ્યુદોર નામનું જહાજ, ૧૯૫૦માં અમેરિકાનું જહાજ એસએસ સેન્દ્રા, ૧૯૬૨માં બીજુ અમેરિકાનું સેના ટેંક વિમાન કેબી-૫૦, ૧૯૭૨ અને ૧૯૭૭માં જર્મનીના જહાજ પણ લાપતા થયાના કિસ્સાઓ બનેલા છે. સચોટ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લી બે સદીમાં લગભગ ૫૦થી વધારે જહાજો, ૨૦થી વધારે વિમાનો અને હજારથી વધારે લોકોને આ બર્મુડા ત્રિકોણ ભરખી ગયો છે, અથવા કહો કે ગળી ગયો છે.

બર્મુડા ત્રિકોણના રહસ્યને અનુલક્ષીને ઘણા તર્ક-વિતર્કો થયા પણ એમાંનો કોઈ પણ એક એને પૂરેપૂરું સમજાવી શક્યો નથી. ઘણા લોકો આ ઘટનાઓને પરગ્રહવાસીઓ એટલે કે એલિયનો દ્વારા કરવામાં આવતો હુમલો ગણાવે છે. જેમના મત અનુસાર આ વિસ્તારમાં સૌથી વધારે ઉડતી રકાબીઓ દેખવામાં આવી છે. પણ આ વાત માત્ર એક તુક્કાથી વધુ નથી કારણ કે એની કોઈ ઠોસ સાબિતી જોવા મળતી નથી.

બર્મુડા ટ્રાઈએંગલ પર ડોક્યુમેન્ટરી મુવી બનાવવાવાળા રીચાર્ડ વિનરનું એવું માનવું છે કે ગુમ થયેલા બધા જહાજો, વિમાનો અને માણસો એક અજાણ્યા પરિમાણમાં જતા રહ્યા છે અને એ ત્યાં હજીયે ઉપસ્થિત છે. જે પરિમાણો આપણી આંખો સામે હોવા છતાં એમને ઓઝલ એટલે કે આપણાથી અદ્રશ્ય રાખે છે. (જે રીતે ઇન્ટરસ્ટેલર મુવીમાં બતાવવામાં આવ્યું છે ઠીક એ જ રીતે!). ઘણા વિજ્ઞાનવિદો બર્મુડા ત્રિકોણને એક ટાઈમઝોનનો દરવાજો માને છે જે ધરતી પર લગભગ એક બ્લેક હોલની ગરજ સારે છે. બીજી રીતે કહીએ તો બર્મુડા ત્રિકોણમાં એવા સંજોગો પેદા થાય છે જે એને બીજા અલગ ટાઈમઝોનમાં જવા માટેનું માધ્યમ બનાવે છે. પરંતુ આ વાતની સચ્ચાઈને પ્રમાણિત કરતી કોઈ સાબિતી નથી મળી.

હવે આ જગ્યાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જિયાન કેઝારનું કહેવું છે કે આ વિસ્તારને અને આ વિસ્તારમાં ઘટતી ઘટનાઓને લોકોએ મરચું મસાલો ભભરાવીને દુનિયાની સામે મૂકી છે. એમને જણાવ્યું કે આ વિસ્તારમાં વિદ્યુતચુંબકીય અસામાન્યતાઓ છે જેને વૈજ્ઞાનિક ભાષામાં “ઇલેક્ટ્રોનિક ફોગ” (વિદ્યુત ધુમ્મસ) કહે છે. જેના કારણે આ વિસ્તારમાં હોકાયંત્રની સોય અજીબ રીતે વર્તે છે અને પાયલોટ કે કેપ્ટન રસ્તો ભટકી જાય છે. વધુમાં આ ધુમ્મસ પ્લેન કે જહાજ સાથે ચોંટી જાય છે અને એની સાથે જ ચાલે છે જેથી તેઓ ખોટકાય છે.

બીજી એક સૌથી વધુ સ્વીકૃત અને સુસંગત થીયરી જોઈએ તો બર્મુડા ત્રિકોણના ક્ષેત્રમાં સમુદ્રના તળમાં એવા ક્રેટર્સ (એટલે કે ખાડા)ની સંખ્યા વધુ છે જેમાંથી મિથેન હાઈડ્રાઈટના પરપોટા દરિયાની સપાટી સુધી આવે છે. આ પરપોટા જહાજ સાથે ટકરાય છે. મિથેન હાઈડ્રાઈટ પોતાના વિશિષ્ટ રાસાયણિક ગુણધર્મના લીધે પાણીના ઘનત્વને ઘટાડી દે છે અને જેના લીધે ગમે તેટલું મોટું જહાજ પણ ડૂબી જાય છે અને એ ક્રેટરમાં ગરકાવ થઇ જાય છે, અને જહાજનો મલબો એ મિથેન હાઈડ્રાઈટના પરપોટાઓના વાદળ નીચે દબાઈ જાય છે.

આમ, બર્મુડા ત્રિકોણ એક અકબંધ રહસ્ય છે જેના મૂળમાં જવાના પ્રયાસો ઘણા થયા છે પણ એના મુળિયા એટલા ઊંડા છે કે ત્યાં ડૂબકી લગાવવી કોઈ પણ ગોતાખોર માટે હજી સુધી શક્ય બની નથી.

***