નેઇલ પોલિશ
પ્રકરણ -૧
પ્રકૃતિનું સૌંદર્ય જ્યાં જુઓ ત્યાં મનોહર લાગે. કોમળ અને મધુર પ્રકૃતિનું રૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. કઠોર દિલના વ્યક્તિને પણ પ્રકૃતિનું સૌંદર્ય દિવાનો કરી નાખે. પ્રકૃતિના સૌંદર્યથી મન આનંદિત થઇ ઉઠે છે. પ્રાચીન કાળથી મનુષ્ય પ્રકૃતિનો દિવાનો છે. ડુંગરોમાંથી ઉગતો સુરજ, ડુંગરોને આલિંગન આપતાં વાદળો, હવામાં ઝુમતા રંગ બેરંગી ફૂલો, એ ફૂલો ઉપર ઉડતા રંગીન પતંગિયા, ડુંગર ઉપરથી વહેતુ નદીનું ઝરણું, નદીના પાણીનો ખળખળ અવાજ, નિર્મળ પાણી, બસ..... એ સૌંદર્યને જોતા જ રહીએ. વ્યાકુળ મન શાંત થાય એવા સહ્યાદ્રીનાં ડુંગરોની તળેટીમાં એક સુંદર મજાનું ફાર્મ હાઉસ - નામ બિલીપત્ર ફાર્મ, લગભગ બસ્સો એકરમાં આકાર પામેલું. મુખ્ય શહેરથી ચાલીસ કિલોમીટર દૂર અને નજીકના ગામથી દસ કિલોમીટર દૂર. બિલીપત્ર ફાર્મ માં એક અતિ સુંદર બંગલો હતો. બંગલાની ડિઝાઇન ઇંગ્લેન્ડના આર્કિટેચરને લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી. દૂરથી જોતા એ બંગલો ખુબ જ આકર્ષિત લાગતો. બંગલાની પાછળ ડુંગર, ડુંગર ઉપરથી પડતું નદીનું ઝરણું, આગળ જઈ ઝરણાનો એક પ્રવાહ થોડોક ફંટાય અને એક નાના તળાવમાં પરિવર્તિત થાય. ઘટાદાર વૃક્ષો અને એમાં ખાસ બિલીપત્રના વૃક્ષો. બિલીપત્રના વૃક્ષની ખાસિયત એ છે કે રાત્રે તથા દિવસે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી ઓક્સીજન છોડે છે. મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ મોટા મોટા બે વડના ઝાડ હતા. બંગલાને બનાવનાર ખરેખર સૌંદર્ય પ્રેમી, ઉપરાંત કલા પ્રેમી હતો એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. એની દ્રષ્ટિ કેમેરાની આંખ જેવી હશે ! ચારે બાજુ વિવિધ ફૂલ છોડના રંગીન ફૂલો જોતા એવું લાગતું હતું કોઈક ચિત્રકારે સુંદર ચિત્ર દોર્યું હોય. કોઈ ઉત્તમ ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપી લીધેલ પ્રકૃતિની કોઈ છબી હોય.
શોભરાજનું નામ ઇન્ડિયાના બેસ્ટ ફોટોગ્રાફરમાં એક મોટું નામ હતું. લાઈવ ફોટોગ્રાફી, સ્ટીલ ફોટોગ્રાફી, નેચર ફોટોગ્રાફી ઉપરાંત બૉલીવુડની દરેક જરૂરી ફોટોગ્રાફી માટે તેમજ સ્પેશ્યલ ઈફેક્ટ માટે એની જરૂરિયાત રહેતી. એના ક્રિએટિવ કામની ફોટોગ્રાફીના દુનિયામાં ખુબ વખાણ થતાં અને તેથી જ શોભરાજને એક ફોરેનની કંપની માટે ફોટો શૂટનો ઓર્ડર મળ્યો. પૈસાની રીતે ઓફર ખુબ મોટી હતી. પરંતુ એનું શૂટિંગ ઇન્ડિયાની કોઈ ઉત્તમ જગ્યાએ કરવાનું હતું પરંતુ એ જગ્યા ઇન્ડિયાના ફેમસ સ્પોટ શિવાયની કોઈ અન-નોન જગ્યાએ જ કરવાની અટ હતી. ઘણી શોધખોળ બાદ ગુજરાતની એક ઉત્તમ જગ્યા મળી અને એ જગ્યા હતી - બિલીપત્ર ફાર્મ.
લાંબી દોડધામ અને અજીજી બાદ ફોટો શૂટની પરવાનગી મળી પરંતુ બંગલાની કોઈપણ જાતની ફોટોગ્રાફી કે ફોટોગ્રાફ ન લેવાં એવી બંગલાના માલિકની સ્ટ્રિક્ટ સૂચના હતી. માલિકે ત્યાંના નોકરને પણ બંગલો બંધ રાખવા ખાસ તાકીદ કરી હતી. શોભરાજે પણ એમની સૂચનાનો અમલ કરવાં બાંહેદરી આપી કારણ શૂટિંગ તો બિલીપત્ર ફાર્મ હાઉસના બહારના વિશાલ જગ્યામાં જ કરવાનું હતું.
શૂટિંગ શરુ થાય તે પહેલાં નક્કી થયેલ ભાડાના પૈસા તે ગામના અનાથાલયમાં ભરી દેવા ખાસ તાકીદ પણ કરેલ હતી. શોભરાજને ઘણું અજુગતું લાગ્યું, પરંતુ પૈસા અનાથાલયના કામ માટે વપરાશે એ જાણી આનંદ થયો. બધી શરોતોને આધીન રહી શોભરાજે શૂટિંગ શરું કર્યું.
શૂટિંગ દરમિયાન શોભરાજને ત્યાંની સુંદરતા માટે ખુબ મોહભાવ રહેતો. ફાર્મ હાઉસનો દરેક એરિયા બહુજ સરસ રીતે સમજદારી પૂર્વક ડેકોરેટ કર્યો હોય એવું લાગતું. દરેક એરિયા નો સામાન્ય રીતે લીધેલ ફોટો પણ આકર્ષક લાગતો. જેમ જેમ શૂટિંગ થતું ગયું તેમ તેમ સેમ્પલ તરીકે ફોરેનની પાર્ટીને મોકલેલા ફોટા માટે એની ખુબ વાહ વાહ થતી હતી. ફોરેનની પાર્ટીને પણ આ જગ્યાનું નામ જાણવાની ઉત્કંઠા વધતી જતી હતી. સારા પ્રતિસાદ અને પોતાના થયેલા ઉત્તમ કામ માટે શોભરાજને હવે એ જગ્યા માટે પ્રેમ વધતો જતો હતો. પોતાની બાકી જીન્દગી અહીં પુરી કરવી કે વિતાવવી એવો લોભ થયો.
શૂટિંગ દરમિયાન આજુબાજુના કોઈ લોકો ત્યાં આવ્યા નહોતા. જાણે કોઈને કંઈ પડી ના હોય. પરંતુ શોભરાજે એક નિરીક્ષણ કર્યું હતું કે રોજ સાંજે, મેઈન ગેટના બંને સાઈડના વડલાઓના થડ પાસે કંઈક પ્રકાશ દેખાતો, પરંતુ અચાનક થતાં પ્રકાશથી એ વિચારમાં પડી જતો. આજે એણે નક્કી કર્યું હતું કે સાંજે ત્યાં જઈને જોવું કે કોણ આ કામ કરે છે. સાંજે જેવો પ્રકાશ થયો અને શોભરાજ એ દિશામાં દોડ્યો અને નજીક જઈને જોયું તો કોઈ વ્યક્તિ ત્યાં દેખાઈ નહિ, પરંતુ બંને વડના થડ પાસે માટીના કોડિયામાં દીવો સળગતો હતો. દીવાઓ પવનથી હોલવાઈ ના જાય એ માટે એની આજુબાજુ પથ્થરો દ્વારા આડશ કરેલી દેખાતી હતી. આજુબાજુ દૂર સુધી નજર કરી પણ કોઈ દેખાયું નહિ. કંઈક અજબ વાયબ્રેશન એ જગ્યાએ છે એવો અનુભવ થયો.
જયારે શૂટિંગના પરમિશન માટે વાત થઇ ત્યારે ખબર પડી હતી કે બંગલાની મલિક કોઈ સ્ત્રી છે, જે બહુજ અનુભવી, સ્પષ્ટ બોલનારી છે. અવાજથી લાગતું હતું કે એની ઉમર સાંઠની ઉપર હશે. બોલવામાં અંગ્રેજી છાંટ સ્પષ્ટ હતી.
બીજી એક વાત ધ્યાનમાં આવી કે દીવો દેખાય તે પહેલા બંગલાનો નોકર શોભરાજને કામકાજ સમેટી લેવા કહી જતો જેથી તે મેઈન ગેટ બંધ કરી એના ઘરે નીકળી શકે જે પરમિશન વખતે અપાયેલ સુચનોમાં નક્કી થયેલ હતું. શોભરાજને પણ એ ગમતું. શોભરાજનું માનવું હતું કે દરેક કામ નિયત સમયમાં થઇ જ જવું જોઈએ, જેથી પોતાને અને એના સ્ટાફ ને પણ આરામ મળી શકે.
શોભરાજ એક ઉત્તમ ક્રિએટિવ માનસનો સજ્જન વ્યક્તિ હતો. પોતાની શોહરતનો ગુમાન નહોતો. એના દરેક પ્રોજેક્ટમાં એ કસ્ટમરને ઉત્તમ ચીજ પેશ કરતો એટલે એનું નામ હતું. આજે સાંજે હોટેલ ઉપર પાછા ફર્યા બાદ એણે એમ થયું કે રાત્રીના થોડાક ફોટોગ્રાફ લેવાય તો ફોરેનના કસ્ટમર ને એ કંઈક નવું ક્રિએટિવ કામ પીરસી શકે છે જે એની કાર્ય કુશળતા વધારી શકે છે.
રાત્રીના કામ માટે બંગલાના માલિક ઉર્મિબેનની પરવાનગી લેવી જરૂરી હતી તેથી એણે ફોન કર્યો, પરંતુ ઉર્મિબેને ચોખ્ખી ના પાડી. શોભરાજે ઘણી અજીજી કરી, વધારાના પૈસા પણ આપવાની વાત કરી પણ ઉર્મિબેન ટસ ના મસ ના થયા. આખરે હતાશામાં શોભરાજે વાત પુરી કરી.
એક વાર તો એને એમ થયું કે ચાલ, રાત્રે ચુપચાપ જઈને ફોટાઓ પાડી લઈએ. આમ પણ ત્યાં કોઈ હોતું નથી. બાજુમાં વસ્તી છે છતાં કોઈ ત્યાં દખલ કરવા આવતું નથી, પણ બીજીજ ક્ષણે એમ થયું, આવું ખોટું ના કરાય. અથવા એની સાથેના બીજા ફોટોગ્રાફરોને મોકલી કામ કરાવી લઈએ, પરંતુ એવું એને પસંદ ન હતું. એમાં બે રીતે નુકસાન હતું એક ખોટું કર્યાનું અને બીજું પોતાની ધારણા પ્રમાણે ના થાય તેનું.
આજે ફોટો શૂટનો છેલ્લો દિવસ હતો. એ થોડાક શોટની ફોટોગ્રાફી કરી રહ્યો હતો પણ લીધેલા ફોટો રાત્રીના શોટ માં કેવી રીતે પરિવર્તિત કરવા કંઈ ટેકનોલોજી વાપરવી એનાં વિચારમાં ખુરશીમાં હતાશ થઇ બેસી ગયો અને વિચાર કરતો રહ્યો. થોડી વાર પછી કોઈએ એના કાનમાં કહ્યું, હતાશ નહિ થઈશ, તારું કામ ચાલુ રાખ. પાછળ ફરી એણે જોયું પરંતુ કોઈ નહોતું. શબ્દો એકદમ સ્પષ્ટ હતા. પરંતુ શબ્દોનો ટોન કોઈ ફોરેનર બોલતો હોય એવો હતો.
એ સફાળો ઉભો થયો અને કામ ચાલુ કર્યું, પરંતુ દરેક શોટ વખતે કોઈ એને ગાઈડ કરી રહ્યું હતું. લેન્સ મોટો લે, રીફ્લેક્ટરનો એંગલ બદલ, શોટ થોડો દૂરથી લે. રિસોલ્યૂશનમાં બદલાવ જરૂરી છે. દરેક ઇન્સ્ટ્રકશન વખતે કેમેરાથી આંખ હઠાવી આમ તેમ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. ધાર્યા કરતા શોભરાજનું કામ આજે વહેલું પત્યું. પોતાના સ્ટાફ ને પેક-અપ કરવા કહ્યું. બધા મુંબઈ પાછા ફરી રહ્યાં હતા, પરંતુ આજના અદૃશ્ય ઇન્સ્ટ્રકશન અને ગાઈડન્સ ના શબ્દો એના કાનમાં ગુંજી રહ્યાં હતા....
(ક્રમશઃ)