Veronika Decide to Die in Gujarati Book Reviews by Bhavik Radadiya books and stories PDF | વેરોનિકા ડિસાઇડ્ઝ ટુ ડાઇ

Featured Books
Categories
Share

વેરોનિકા ડિસાઇડ્ઝ ટુ ડાઇ

VERONIKA DECIDES TO DIE

"વેરોનિકા" એ વિશ્વવિખ્યાત આધુનિક લેખક 'પોલો કોએલો' ની દેન છે. ભાગ્યે જ કોઈ હશે જેમણે આ લેખકને ના વાંચ્યા હોય. આ નવલકથામાં તેઓએ 'માનસિક રોગોની હોસ્પિટલમાં' પોતાને થયેલા કેટલાક સ્વાનુભવો અને તેમાંથી જ પ્રગટેલા પોતાના વિચારોને પોતાની આગવી વિચારપ્રેરક શૈલીમાં સહજતાથી રજુ કર્યાં છે. તેઓને માત્ર વીસ વર્ષની ઉંમર સુધીમાં ત્રણ - ત્રણ વાર માનસિક બિમારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેમકે તેમના માતાપિતા તેઓના અસામાન્ય વર્તનથી ગૂંચવાયેલા હતાં. તેઓ લેખક બનવાની વાતો કરતાં હતા જ્યારે તેનાં માતાપિતા ઇચ્છતા હતા કે તેમના કુટુંબનાં રીવાજ મુજબ તેમણે ઇંજીનીયરીંગ કરવું જોઈએ!!!

આ નવલકથા એક એવી ચિરંતન સમસ્યાની વાત કરે છે જેને વિશે આધુનિક યુગમાં આપણે સૌ એને વિશે વધુ સ્પષ્ટ બન્યા છીએ. આ સમસ્યા છે જીવનમાં "સેટ થવાની" / "ગોઠવાઈ શકવાની" સમસ્યા.

આ નવલકથાનું મુખ્ય પાત્ર વેરોનિકા નામની ચોવીસ વર્ષની યુવતી છે. તેને જીવનમાં બધું જ મળ્યું છે. એ સુંદર, સ્વસ્થ અને સુશિક્ષિત યુવતી છે. તેની પાસે સારો પરીવાર છે, નોકરી છે અને પોતાની ઈચ્છા મુજબ સ્વતંત્ર રહેવાની આઝાદી પણ છે. તેનાં માતાપિતાએ તેને હંમેશા દરેક વસ્તુ શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી છે. છતાં એ મૃત્યુની શોધમાં નીકળી પડે છે. કેમ??

કેમકે એ રોજબરોજની 'એકસરખી' જીંદગીથી કંટાળી જાય છે. સવારે ઉઠવાથી લઇને સાંજે સુવા સુધીનો દરરોજનો એકસરખો કાર્યક્રમ તેની જીંદગીને ઝેર કરી મુકે છે. કેમકે તેને પોતાને જ કશામાં રસ હોતો નથી!! તેને પોતાના જીવનમાં બધીજ બાબતોમાં એવું હતું. એણે જીવનમાં હંમેશાં સરળ વિકલ્પો જ પસંદ કર્યા હતાં. જે હાથવગું હોય તે જ ઉપાડી લીધું હતું. તેની પાસે બધું હોવા છતાં તેને કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. આ શું ખૂટે છે, તે કઈ રીતે મળી શકે એ વિમાસણોનો ઉકેલ આ નવલકથા આપે છે.

એવું નહોતું કે વેરોનિકાને કશી ખબર પડતી નહોતી.... એ અખબારો વાંચતી, ટીવી જોતી, દુનિયાની પરીસ્થિતિ વધુને વધુ બગડતી જતી હતી. તેના સુધારા માટે એ કંઈ જ કરી શકે તેમ ન હતી. એ કારણે એને એમ લાગતું કે એ તદ્દન અસહાય છે.

એવું પણ નહોતું કે તેનાં જીવનમાં કંઈ રસપ્રદ નહોતું બનતું. જિંદગીની ઘણી બપોરો એણે જુબ્લજાનાના રસ્તાઓ પર આનંદથી ચાલવામાં અથવા એના કૉન્વેન્ટના રુમમાંથી જ્યાં મહાન સ્લોવેનિયન કવિ 'ફ્રાંસ પ્રેસરનની' પ્રતિમા ગોઠવેલી હતી તે ચોકમાં થતી હિમવર્ષા જોવામાં વિતાવી હતી. એક વાર તો એ જ ચોક વચ્ચે એક તદ્દન અજાણી વ્યક્તિએ એને ફુલ આપ્યું હતું. એના આનંદમાં એ લગભગ હવામાં ઊડતી હોય તેવી ખુશખુશાલ હતી.

પણ તે ફક્ત નેગેટીવ પોઇન્ટની જ નોંધ રાખતી. આપણા બધાની જેમ! આપણે પણ એવું જ કરતાં હોઇએ છીએ. જે મળ્યું છે તેનો આનંદ માણવાનું ભૂલી જઇને જે નથી મળ્યું તેનો શોક ઉજવીએ છીએ....

આખરે તે પોતાના નિર્ણય પર મકકમ રહી અને ઊંઘવાની ગોળીઓ એકસામટી વધુ માત્રામાં ગળી ગઈ. એ જ્યારે ઉઠી ત્યારે માનસિક બિમારીની હોસ્પિટલ "વિલેટ" માં હતી. તેને ડૉ. ઇગોરે જણાવ્યું કે સ્લીપીંગ પિલ્સનાં ઓવરડોઝનાં લિધે તેનાં હ્રદયને ન સુધારી શકાય તેવું નુકસાન થયું છે. અને તેની પાસે હવે માત્ર એકાદ અઠવાડિયા જેટલો સમય છે.

આ સમય દરમિયાન એ ત્યાં રહેલાં બીજા દર્દીઓને મળે છે: કાયમી ડિપ્રેશનથી પીડાતી ઝેડકા નામની એક બુદ્ધિશાળી સ્ત્રીને, પેનિક ડિસઓર્ડરથી પીડાતી નિવૃત્તિના આરે પહોંચેલી સફળ વકીલ મારીને અને વિશિષ્ટ પ્રકારના સ્કિઝોફ્રેનિયાનો ભોગ બનેલા યુવક એડુઅર્ડને.

આ બધાની વચ્ચે રહીને વેરોનિકાને સમજાય છે કે જીવન એટલે શું? પાગલપણું એટલે શું? જીવન એટલે ક્ષણે ક્ષણ જીવવું. કઈ રીતે જીવવું એ આપણે જ નકકી કરવું પડે છે. કહેવાતા નિશ્ચિત, નિર્ધારિત મૂલ્યો આપણા મનમાં જે ગડમથલો સર્જે છે તેનો ઉકેલ પણ આપણે પોતે જ શોધવાનો હોય છે.

વિલેટમાં એવા ઘણાં દર્દીઓ હતા જે ખરેખર પાગલ નહોતાં. ફક્ત તેઓના વિચારો થોડા અલગ હતા. સમય જતાં તેઓ વિલેટનાં વાતાવરણથી "ટેવાઈ ગયા." કારણ કે ત્યાં તેઓ પર કોઈ જવાબદારી નહોતી, કંઈ કામ નહોતું કરવું પડતું અને સૌથી મહત્વની વાત એ કે તેઓ પોતાની મરજી મુજબ વર્તન કરી શકતા હતા. કારણ કે તેઓ પાગલ હતા!! ઇનફેક્ટ તેઓને પોતાનું જીવન વધારે સરળ લાગવા માંડ્યું અને તેઓને જીવન પાસેથી વધારે કંઈ અપેક્ષા નહોતી રહી. આ વાતને પોલો કોએલોએ ખુબ જ તર્ક સાથે, રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે.

લેખકે ઝેડકાનું પાત્ર ખુબ જ ઝીણવટથી ઉઠાવ્યું છે. ઝેડકા જ્યારે યુવાન હતી ત્યારે તેને સોશિયલ મિડીયા પર એક અજાણ્યા પુરુષ જોડે લાગણી બંધાઈ છે. એક પરણીત પુરુષ સાથે. છતાં એ નકકી કરે છે કે આજ સુધી કોઈએ પ્રેમમાં ના કર્યું હોય તેવું હું કરીશ. એ વિદેશ ગઇ. પોતાના પ્રેમી પાસે. તેની ઉપ પત્ની તરીકે રહી અને પોતાની તમામ ફરજ બજાવી. પણ પ્રેમમાં ફક્ત પ્રેમ કરતાં રહેવાથી કશું નથી વળતું... સામેથી એટલીસ્ટ પ્રેમ તો મળવો જ જોઇએ ને?!! પણ ઝેડકાને એ પ્રેમ નસીબમાં જ નહોતો. એક સમયે તેણે એ વાસ્તવિકતા સ્વિકારી લીધી અને પાછી આવી ગઇ. તેણે લગ્ન કર્યા, બાળકો થયાં, જીવન ખુશખુશાલ હતું. પણ જ્યારે તેણે જુબ્લજાનાના ચોકમાં સ્લોવેનિયન કવિ પ્રેસરનની પ્રતિમા પાસેથી પસાર થઈ ત્યારે તેનાં જીવન વિશે વિચારવા લાગી. પ્રેસરન જ્યારે ચોવીસ વર્ષના હતા ત્યારે તેમણે એક યુવતી જુલિયા પ્રિમિકને જોઈ અને તેના પ્રેમમાં પડી ગયા. તેઓ પ્રેમમાં ગળાડૂબ રહી કવિતાઓ લખવા માંડ્યા. તેઓ જુલિયાને પરણવા માંગતા હતા, પણ જુલિયા ઉચ્ચ કુટુંબની હતી. એકવાર જોયા પછી ફરી ક્યારેય તેઓ તેની નજીક જઈ શક્યા નહોતાં. પરંતુ આ મુલાકાત થકી એને સુંદર કાવ્યો રચવાની પ્રેરણા મળી અને એના નામથી આસપાસ દંતકથા રચાઈ ગઈ. તેઓએ પોતાની મૂર્તિ એવી રીતે ગોઠવી કે તેની નજર સામે રહેલાં ઘરના એક પથ્થર પર સ્થિર રહે. જેના પર જુલિયાનો ચહેરો કોતરાયેલો હતો. આમ મૃત્યુ પામ્યા પછી પણ પ્રેસરન તેનાં અશક્ય પ્રેમ તરફ શાશ્વત સમય માટે જોઈ રહ્યા છે.

ઝેડકાને થયું કે, "પોતે પણ થોડી વધારે લડત આપી હોત તો? તેને વારંવાર સવાલ થયો કે શું તેણે પોતાના પ્રથમ પ્રેમ માટે પુરી લડાઈ આપી હતી?" આ જ સવાલના મનોમંથને તેના સાક્ષાત્ સ્વર્ગ જેવાં ઘરને ધીરે ધીરે નર્ક બનાવી દીધું.

આ આખી ઘટના ખુબ જ સંવેદનશીલ છે. આપણે જાતે નક્કી કરવાનું છે કે શું આપણે પુરેપુરી લડત આપવી જોઈએ કે નહીં.

લેખકે કથાની નાયિકા, વેરોનિકાને આધુનિક માનવીનાં પ્રતિક સ્વરૂપે રજુ કરી છે, જેઓ પોતાને જ નથી સમજી શકતાં. પોતાને જ નથી ઓળખતા. વેરોનિકા પોતાના નિર્ણય સાથે આખરી ક્ષણ સુધી વળગી રહેનારી છે. એ ખુબ જ સહેલાઈથી ઉકેલી શકાય તેવી બાબતો માટે પણ હઠીલી રહેતી. જાણે એ ખુદની સાથે એવું પુરવાર કરવા માંગતી હતી કે એ ખુબ જ મજબુત અને બેપરવા છે. તેણે એવો દેખાવ કર્યો હતો કે એ સંપુર્ણ રીતે સ્વતંત્ર છે, જ્યારે હકીકત એ છે કે તેને મૈત્રીની ખુબ જ જરૂર હતી. તેનું વ્યક્તિત્વ એવું હતું કે બધા તેને જોતાં જ રહી જાય, છતાં એ પોતાની રુમમાં ભરાઈ રહેતી. તેણે બધાની સામે એવું વ્યક્તિત્વ ઉભું કર્યું હતું કે સૌને તેની ઈર્ષા થતી. પોતાની બનાવેલી છાપ મુજબ વર્તવામાં જ એ બધી શક્તિ ખર્ચી નાંખતી. એણે પોતાનીશક્તિ અને નિશ્ચયબળથી ઘણાને પ્રભાવિત કર્યા હશે, પણ એનાથી એ ક્યાં પહોંચી? શૂન્યમાં, તદ્દન એકલી, મૃત્યુના મુખમાં.

વેરોનિકા જાણતી હતી કે તેનું મૃત્યુ નક્કી છે. તેને ધીરે ધીરે પોતાની સાથે પ્રેમ થવા લાગ્યો. તેને દરેક વસ્તુમાં રસ પડવા લાગ્યો. એ હવે એવું બધું જ કરવા ઈચ્છતી હતી જે તેણે આ પહેલાં કદી નહોતું કર્યુ. એવી દરેક ચીજ જે તેને આનંદ આપી શકે, ખુશ કરી શકે તેની શોધ ચાલુ થાય છે. તેને સમજાય છે કે તેને ખુશ થવા માટે કશું જ ગુમાવવાનું નથી. તેને એ પણ સમજાય છે કે તેનું જીવન કેટલું મહત્વનું છે અને તેણે આજ દિન સુધી શું ગુમાવતી રહી. તેને આત્મહત્યા કરવાના પ્રયાસ બદલ અપરાધભાવ ઉત્પન્ન થાય છે. આખરે તે પોતાની પાસે રહેલી અમુક કલાક ખરા અર્થમાં "જીવવા" માટે વિલેટમાંથી એડુઅર્ડ સાથે દુર ભાગી જાય છે. કેમકે "મૃત્યુની સભાનતા આપણને વધુ ઉત્કટતાથી જીવવા પ્રોત્સાહન આપે છે."

આખરે વેરોનિકા સાથે શું થાય છે અને આપણે આપણાં જીવનની ક્ષણ ક્ષણ કેવી રીતે જીવવું એ જાણવા અને સમજવા માટે "વેરોનિકા ડિસાઇડ્ઝ ટુ ડાઈ" વાંચવી જ રહી.

ફાસ્ટ ફોરવર્ડ

આજના માનવીઓએ ભાગદોડ ભરી જીંદગીમાં સંબંધો અને નૈતિકતાની પકડ ગુમાવી દીધી છે. જીવનની સિદ્ધિઓ અધુરા સપોર્ટ અને આશ્વાસન દ્વારા માનવ મનની ઈચ્છાઓને લાંબા સમય માટે ભરી શકતી નથી. માણસ સામાજીક પ્રાણી છે, માત્ર તેને એકને જ પસંદગી કરવાની શક્તિ આપી છે, પરંતુ આજના આધુનિક યુગમાં આપણે ઇચ્છીએ છીએ કે આપણી આસપાસ આપણને જાણનારા ઓછામાં ઓછા લોકો રહે. આપણે તેને "પ્રાઇવેસી" કહીએ છીએ, તણાવ અને લક્ષ્યોની ગુંગળાવતી હવાની જીવનના બંધ દરવાજા પર થતી અસર જાણ્યા વીના જ.

શેરિંગ અને કેરીંગ કરનાર વ્યક્તિ બીજા કરતાં વધારે મૂલ્યવાન છે. આવો સંબંધ પૈસાના જોરે ખરીદી શકાતો નથી.

"વેરોનિકા..." માં ઘણાં પાત્રો આવે છે, જે આપણા સ્વયંનુ, આપણી લાઇફનું અને આપણા ભવિષ્યનું પ્રતિબિંબ રજૂ કરે છે. તે આપણા પોતાનાં જીવનમાં ડોકીયું કરવા તરફ દોરી જાય છે, જેથી આપણી આસપાસની દુનિયામાં વધારે 'વિલેટ' ન ઉભા થાય. પાત્રો આધુનિક જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી કુશળતાથી પસંદ કરવામાં આવ્યા છે જે આજના લાક્ષણિક આધુનિક માનવની નજીકનાં ગુણો ધરાવે છે.

વેરોનિકા આજના યુવાનોને રજુ કરે છે જેમણે પસંદગીની કોઈ સ્વતંત્રતા આપી નથી. માતાપિતા પોતાના સંતાનોનાં સારા ભવિષ્ય માટે પોતાની લાઈફ સમર્પિત કરી દે છે. જેથી તેમનાં સંતાનો જીવનની ગરબડો અને મુશ્કેલીઓ સ્વિકારી શકવા, સમજી શકવા સમર્થ બને. 'ડિપ્રેશન' શબ્દ આધુનિક માનવના શબ્દભંડોળમાં અનિવાર્ય ભાગ બની ચૂક્યો છે.

હસતા ચહેરાઓ અને મદદ કરવા લંબાયેલા હાથ ઈતિહાસ બની ગયા છે. આવનાર ભવિષ્ય એ પરસ્પર ચિંતા અને આદરના દિવસો છે. આપણે એ હકીકત ન ભૂલવી જોઈએ કે આધુનિક નવલકથાઓમાં દર્શાવેલ જીવન એ ફક્ત લેખકની કલ્પના કે શબ્દો સાથેની રમત માત્ર નથી. પરંતુ તે આપણા જીવનને, મનને, વિચારોને, આપણા સપનાઓને અને આપણી ઝંખનાને પ્રતિબિંબિત કરનાર અરીસો છે.

- ભાવિક એસ. રાદડિયા