Antar aag in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | અંતર આગ

Featured Books
Categories
Share

અંતર આગ

અંતર આગ

2 - આઘાત....

"પપ્પા, શુ વિચારી રહ્યા છો?"

"પપ્પા....."

"કઈ નહીં બેટા. પ્રદીપ તને ખબર છે આજે શુ થવાનું છે?" નાનુંભાઈએ ઊંડા વિચારોમાંથી બહાર આવતા કહ્યું.

"શુ?" પ્રદીપ ને આશ્ચર્ય થયું.

"સાંભળ્યું છે કે રચિત આજે આઝાદ થવાનો છે."

"પપ્પા તમે તમારી ઉમર સાથે બધું ભૂલતા જાઓ છો. રચિત અંકલ તો આવતા મહિનાની આજની તારીખે છૂટવાના છે."

"ના..... બેટા. તેના સારા વર્તનને લોધે એની એક મહિનાની સજા માફ કરી દીધી છે."

"સરકારી તંત્ર પણ કેવું છે પપ્પા.....નિર્દોષ માણસ ને ખોટી સજા આપે અને પછી સારી વર્તણુક માટે સજા ઓછી કરે.....! વાહ....." પ્રદીપે એક નિસાસો નાખ્યો.

"એ બધું તો આપણા હાથમાં નથી.... દુઃખ તો એ વાતનું છે કે આજે મારો પરમ મિત્ર આઝાદ થવાનો છે એની ખુશી મને થવી જોઈએ પણ મારા હૃદયમાં અંશ માત્ર ખુશી નથી...."

"છેલ્લા દસ વર્ષથી કિસ્મત રચિત અંકલ ઉપર દુઃખનો વરસાદ વરસાવી રહી હતી. ઉપરથી તેમના પર આ ગુનો ઠોસી બેસાડ્યો ..... એમના મનમાં કેટલા અને કેવા કેવા સવાલ ઉઠતા હશે પપ્પા? નાનું મને મળવા કેમ ન આવ્યો? મારી પત્ની આલિયા આર્યન બધા ક્યાં હશે? કેમ મળવા ન આવ્યા? એમને એ બધા પાછળનું કારણ ક્યાં ખબર જ છે.....! એ માણસ કેટલો ભાંગી પડ્યો હશે.....! પ્રદીપના ચહેરા પર દુઃખ સપસ્ટ દેખાતું હતું.…

"રેતની મુઠ્ઠી ભરી અને ખોલતા રેતી સરી પડે એમ આપણા હાથ તો પળ ભરમાં જ ખાલી થઈ ગયા હતા પ્રદીપ. હું કયા મોઢે એને મળવા જાઉં? એને શુ જવાબ આપું? કઈ રીતે કહું એને હું કે તારી પત્નિ બાળકો સાથે......." નાનુંભાઈ આગળ બોલી ન શક્યા. શબ્દો તેમના ગાળામાં જ જાણે ગૂંગળાઈ ગયા..

"આલિયા કેટલી પ્રેમાળ, દયાળુ અને પિતૃ પ્રેમી હતી.....! કુદરત પણ કેવા ખેલ ખેલે છે સારા હોય એની દશા સારી નથી રાખતો...." પ્રદીપ ગળગળો થઈને બોલી રહ્યો હતો....."કોકિલા આન્ટીની બીમારી પાછળ જમીન જાયદા અને લાખો રૂપિયા ખર્ચી દઈને માંડ માંડ સાજા કર્યા હતા અને ફરી એમના જીવનમાં આ તુફાન આવીને બનાવેલા માળાને મૂળ સમેત ઉખાડીને જતું રહ્યું."

"તું છ વર્ષનો હતો, તારી મમ્મીનું નિધન થયું ત્યારે. મને ડર હતો કઇ રીતે હું તને ઉછેરીશ? માં વગરનો મારો દીકરો કેવો થશે? તારામાં બાપની વ્રુક્ષતા આવશે અને માંની મમતા પ્રેમ અને સંસ્કાર નઈ આવે. તારી દરેક વાતનું ધ્યાન કોણ રાખશે? પણ કોકિલા ભાભીએ તને દીકરાની જેમ ઉછેર્યો હતો. ચાર વર્ષ તારું જતન આલિયાની જેમ જ કર્યું હતું. એતો મારે ધંધા માટે મુંબઇ જવું પડ્યું નહીં તો તને તરુણ અને યુવાન અવસ્થામાં પણ એજ સાચવોત એટલા લાગણીના સમુદ્ર જેવા હતા બિચારા ભાભી." એટલું કહેતા જ તેઓ ખુરશીમાં ફસડાઈ પડ્યા. "હું રચિતનો સમનો નઈ કરી શકું પ્રદીપ.....નઈ કરી શકું...." તેમના શબ્દોમાં લાચારી અને વિવશતાની ઝલક થતી હતી. તેઓ જાણે ગુનેગાર હોય એમ મસ્તક ઝુકાવી દીધું.....!!!!!

"પપ્પા......"

પ્રદીપ આગળ કઇ બોલે તે પહેલાં જ તેમની હોટેલ આગળના રોડ પરથી ગાડીના હોર્ન અને બ્રેકનો એકસામટા અવાજ આવ્યા. પ્રદીપ અને નાનુંભાઈ બંને નું ધ્યાન એ તરફ ગયું.…

"અબે અંધા હે ક્યાં બુઢઢે.....? મરના હે તો ટ્રેન કે નીચે જા સાલે." પંજાબી નવયુવકે જવાનીના જોશ માં કહ્યું.

ટેક્સીમાંથી ઉતરીને પેલો કેદી રોડ ઉપર જોયા વગર જ ચાલવા લાગ્યો હતો. પંજાબી યુવકના શબ્દોની કે પોતાના જીવની એને પરવા હતી જ નહીં! તેને ઉતાવળ હતી બસ સામેના છેડે પોતાના મિત્રની હોટેલે પહોંચવાની. પંજાબી યુવક "સ્ટુપીડ ઓલ્ડ મેન" બબડીને ચાલ્યો ગયો. ટેક્સીવાળો "અંકલ ભાડું ..... અંકલ ભાડું ...."ની બુમો પાડતો સ્તબ્ધ થઈ ગયો.... પણ કેદીએ કઈ સાંભળ્યું હોય એવું લાગતું ન હતું!

નાનુંભાઈની હોટેલે પહોંચતા જ એ કેદીએ દિવસોથી, ના.... મહિનાઓથી બંધ મોં ખોલ્યું..…

"નાનું...... ક્યાં છે મારી પત્ની? મારી દીકરી અને દીકરો? તું કોકિલાને લઈને મને મળવા કેમ ન આવ્યો? ડરપોક, કાયર પેલા વિઠ્ઠલદાસ અને ભૈરવસિંહથી એટલો ડરી ગયો કે તું કોકિલાને લઈને એકવાર માત્ર એક વાર મને મળવા પણ ન આવી શક્યો?"

એક સામટા ઘણા સવાલ તેના મુખેથી સરી પડ્યા... તેનો અવાજ ભારે હતો. નાનું ભાઈએ એના મિત્રનું આ સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. એટલો રોષ અને એટલા જ ભયાનક ચહેરા ના ભાવ છતાં નાનું ભાઈ તેને ભેંટી પડ્યા..…

"મને માફ કરી દે રચિત..... મને માફ કરીદે. હું અસહાય હતો..... હું કઈ ન કરી શક્યો....." નાનું ભાઈ અંદરની વેદના રોકી ન શક્યા! તે આંસુ બનીને આંખોથી ઉભરાઈ આવી..…

"પણ થયું છે શું? મને સપસ્ટ કહે. તે બધા હેમખેમ તો છે ને? ક્યાં છે કોકિલા અને મારા બાળકો? કેદીના અવાજ માં ગભરાહટ હતી. તેને બંને હાથથી નાનું ભાઈના ખભા પકડી તેમને હચમચાવી દીધા.

"બોલ નાનું બોલ.... મને જવાબ આપ."

નાનું ભાઈ ખામોશ હતા. તેમની હિંમત ન હતી કશુ બોલવાની કહેવાની.... જે થયું તે કહ્યા પછી રચિત પોતાની જાત ને સંભાળી શકશે કે કેમ? એ સવાલથી તે મૂંગા થઈ ગયા હતા.

પ્રદીપ પેલા ટેક્સી ડ્રાઇવરને ભાડું ચૂકવીને આવ્યો તે સમજી ગયો હતો કે રચિત અંકલના ક્યાં સવાલથી પપ્પા મૂંગા થઈને ઉભા છે. પ્રદીપ પણ "રચિત અંકલ" કહેતો પેલા કેદીને ભેટી પડ્યો..…

રચિતે તેને હડસેલીને બરાડયા "તમને બંનેને હવે લાગણી થાય છે મારા માટે? એક પણ મને મોઢું બતાવવા કેમ નહોતા આવ્યા? તમે નાટકબાજો. તું અને તારો આ બાપ બંને નમક હરામ છો. કોકિલાએ તને દીકરા જેમ ઉછેર્યો હતો. અને આ તારા બાપને ......" વાક્ય અધૂરું મૂકી ઉમેર્યું " ખેર જવાદો...."

"મારા બાપને તમે લાખો રૂપિયાની મદદ કરી હતી અને આ હોટેલ માટેની જમીન ખરીદવા માટે પણ તમે જ પૈસા આપ્યા હતા એજને અંકલ...." પ્રદીપના અવાજમાં જરાક સખ્તાઈ હતી.

"નહીં પ્રદીપ..... બેટા એક શબ્દ પણ હવે ન બોલતો. રચિત મને નમક હરામ કહે એમાં એનો પણ શું દોષ છે? ખેલ તો બધા કિસ્મતના છે ને!" નાનુંભાઈ ચેરમાં બેસી પડ્યા.

"મારા પપ્પા તમને મળવા ન આવ્યા એ બરાબર પણ એ કાયર નથી. એ ડરી ને જીવે છે એ વાત પણ બરાબર પણ તમારા માટે તો એ જીવ પણ આપવા તૈયાર હતા. મને પણ પપ્પાએ જ રોક્યો હતો નહીં તો હું આવોત. એક દિવસ એવો નથી ગયો જ્યારે તમારા આ ડરપોક મિત્રએ તમને યાદ ન કર્યા હોય. હા પપ્પા ખરેખર કાયર છે હિમ્મત ન હતી તમને હકીકત કહેવાની....." પ્રદીપના ચહેરા પરના ભાવ કળી શકાય એમ ન હતા. તે જાણે દૂર કાંઈક જોતો હોય એની આંખો સામે કોઈ દ્રશ્ય હોય એમ નજર સ્થિર કરીને બોલતો હતો.

"પણ શું હકીકત હતી પ્રદીપ? હવે તો મને કહી દે બેટા પ્લીઝ.” રચિત આજીજી કરવા લાગ્યા..…

"જે દિવસે તમને ભૈરવસિંહ ઍરેસ્ટ કરી ગયો એના પછી સુરજ ભાટિયાએ આન્ટીને મકાન ખાલી કરાવી દીધું. પોતાનું ઘર તો તમે પહેલેથી જ વેચી દીધું હતું એટલે આન્ટી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. મારા પપ્પા આલિયા આર્યન અને આંટીને અમારા ઘરે લઈ આવ્યા. પછી તમારી બેલ માટે વકીલ રોક્યો. વકીલે આસ્વાશન આપ્યું હતું તમને છોડાવી લેવાનું એટલે પપ્પા હોટેલ પર જવા લાગ્યા હતા. અને એક દિવસ પપ્પા હોટેલ પર હતા ત્યારે ઘરમાં આગ લાગી અને આંટી આલિયા અને આર્યન ઘરમાં જ......" પ્રદીપ વધારે બોલી શક્યો નહીં.

"ના નાનું ના..... કુદરત મને આવી ભયાનક સજા ન આપી કે મારી પત્ની બાળકો જીવતાજ આગમાં ......" ધગધગતો એક સળીયો હ્રદયની આરપાર નીકળી ગયો! ભયંકર રીતે રચીતનો ચહેરો દુઃખ અને આંસુઓથી ખરડાઈ ગયો હતો. દેખનારાનું પણ હૃદય ઓગળી જાય એવું ભયાનક એમનું આક્રંદ હતું..... એક બદનસીબ બાપ બીજુ કરી પણ શું શકે? ત્રણ મહિના ખોટી સજા ભોગવી અને જ્યારે પરિવારને મળવાનો સમય થયો ત્યારે એ બધા ચાલ્યા ગયા.....! એ પણ એટલા ભયાનક મૃત્યુ ને ભેટીને..... કોઈ નવલકથા માં વાંચતા પણ આંખો છલકી જાય એવું ભયાનક મૃત્યુ નિર્દોષ બાળકો અને પત્નીને મળ્યું એ રચિત માટે અસહ્ય હતું. તે પાગલની જેમ જમીન પર બેસી પડ્યા એમનો વિલાપ પ્રદીપ અને નાનું ભાઈ થી દેખ્યો ન ગયો.

"કિસ્મત ને કોઈ જીતી નથી શકતું અંકલ...." કૈક અમૂલ્ય ખોઈ બેઠો હોય એમ પ્રદીપ તેમના ખભા પર હાથ મૂકી બોલ્યો.

નાનું ભાઈએ આસ્વાશન આપવાના હજાર પ્રયત્ન કર્યા. પણ એક પિતા એક પતિ બધું જ એક સાથે ખોયા પછી સાંત પડે ખરો? તેમની આંખ માંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા..…

***

રૂમ માં ટેબલ ઉપર આલિયાની એક નાનકડી તસ્વીર હતી. એની ચમકતી આંખોમાં અજબની શક્તિ હતી. તેના માંસલ આછી ગુલાબી જાય વાળા સફેદ ગાલ તેની એ મર્માળ સ્મિતવળી તસ્વીર માટે એક રૂપક ઉભું કરતા હતા! તેના કુદરતી ગુલાબી હોઠ સ્મિત વેરી રહ્યા હતા. પણ વાદળોમાં છુપાયેલા કોઈ સૂરજની જેમ હવે તે આ દુનિયામાં ન હતી. હતી તો માત્ર એ તસ્વીર. એ યાદો. એ ઘરમાં જીવતી લાસ જેમ જીવતો પ્રદીપ!

પ્રદીપ એ તસ્વીરને નિહાળતો લાકડાની એક ચેરમાં બેઠો હતો. તેને કોઈ ગજબ થાકથી પોતાનું મસ્તક ખુરશીની છાતી પર ઢાળી દીધું હતું. તેના હાથમાં જલતી સિગારેટના ધુમાડા એ એક આછી આકૃતિનું રૂપ લીધું હતું..... એક ચહેરો બની ગયો હતો..... એજ હસતો ચહેરો. પણ ન જાણે કેમ પ્રદીપની આ હાલત જોઈ એ ચહેરો આજે ઉદાસ લાગતો હતો. જાણે તે કંઈક કહેવા માંગતો હતો પણ હવાનું એક જોકુ તેને વિખેરીને જતું રહ્યું. પ્રદીપની આંખો ફરી એક વાર છલકાઈ ગઈ..…

"મારા ડેડી માની જશે પ્રદીપ, પણ....."

"પણ....." પ્રદીપ અધીરાઈથી વચ્ચે બોલી ઉઠ્યો "પણ શુ આલિયા?"

"પણ પહેલા ડેડીની એક ઈચ્છા પૂરી થઈ જાવાદે....." આલિયાએ સ્મિત વેર્યું.

"કેવી ઈચ્છા?"

"એ જ્યારે પુરી થશે ત્યારે તને ખબર પડી જશે. એન્ડ ડોન્ટ વરી પ્રદીપ ડેડી મારી ખુશી માટે માની જશે. આ વખતે મારા બર્થ ડે પર હું આપણા વિશે ડેડીને બધું કહીશ અને ગિફ્ટમાં તને માંગીશ.....પ્રદીપ." આલિયાના શબ્દો અને આંખોમાં નિસ્વાર્થ પ્રેમની ઝલક પ્રદીપે જોઈ.

"પણ આલિયા હું જૈન અને તું બ્રાહ્મણ છો. તારા ડેડી માનશે કે નહીં?" પ્રદીપે ગભરાહટ વ્યક્ત કરતા પૂછ્યું.

"ઓહ! સીટ યાર પ્રદીપ તું ક્યાં જમાનામાં જીવે છે? આમ પણ તારા ડેડી અને મારા ડેડી કેટલા ગાઢ મિત્ર છે! તને તો આમ પણ ખબર જ છે મારા ડેડી એક લેખક છે અને તેઓ હંમેશા જમાના સાથે ચાલે છે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મારા ડેડી તારી તારીફ કરતા થાકતા નથી.....!" આલિયા ફરી હળવું હસી પડી.

"પણ આલિયા હું એક કોન્ટ્રાક્ટર છું. ટેન્ડરસ લેવાનું કામ છે મારું. આ ભ્રષ્ટ સરકારમાં તંત્રનું શુ ઠેકાણું? ક્યારે મારા ટેન્ડરસ કેન્સલ કરી દે? કોઈ થોડી લાંચ રિસવત આપે તો મારું લાઇસન્સ પણ ગમે તે ઘડીએ રદ કરી દે. અને આજ કાલ તો જયદીપ દક્ષ મારો દુશ્મન બની ગયો છે." પ્રદીપ ગંભીર થઈ ગયો હતો.

"બસ બસ મિસ્ટર..... આખો દિવસ નેગેટિવ જ વિચારીશ? હું છું ને તારી સાથે. અને એમ પણ મારા ડેડીને આલિયા અગ્નિહોત્રીની ખુશીથી વધારે કઇ જ નથી. મારા મમ્મી ડેડી અને ભાઈ પછી કોઈએ મને હસાવી હોય, સપોર્ટ કર્યો હોય કે જહેમત ઉઠાવી હોય તો એ તું જ તો છો પ્રદીપ."

"બસ તારો આ નેગેટિવ અને ગુસ્સેલ સ્વભાવ છોડીદે. વાતવાતમાં ઝઘડવું, મારધાડ આ બધું આપણને ન શોભે. ઝડાથી કોઈ નિરાકરણ ન આવે ઉલટાનું સમસ્યા વધે પ્રદીપ. માનું છું કે મમ્મીના ગયા પછી તારા મનમાં દુનિયા પ્રત્યે નફરત ભાવ થઈ ગયો છે પણ પ્લીઝ કમસેકમ મારા ખાતર તું આ બધું....."

"પ્રદીપ..... પ્રદીપ...... બેટા આ તસવીર....." મી. રચિતના અવાજે પ્રદીપને યાદોમાંથી વર્તમાનમાં લાવી દીધો.

"ક્યાં ખોવાઈ ગયો છે.? શું વિચારે છે?" મી. રચિતએ તેના ઉદાસ ચહેરાને જોઈને ઘણા સવાલ પૂછી લીધા.

"ક્યાંય નહીં અંકલ..... તમે જાગી ગયા. ઊંઘ તો આવી હતીને? કોઈ વસ્તુની જરૂર હોય તો બેજીજક કહેજો." અવળા ફરીને પ્રદીપે આંસુ અને વાત છુપાવવાની કોશિશ કરી.

"બેટા મને તો હવે નર્કમાં પણ ફાવી જાય....." મી. રચીતે એક કડવું સ્મિત કર્યું.

"અંકલ તમે આમ ઉદાસ રહેવાનું બંધ કરીદો. ભગવાનને ખાતર તમારા આ વિચાર છોડી દો તમારી દીકરીને ખાતર..... આલિયા તમારા ચહેરા પર હંમેશા સ્મિત જોવા માંગતી હતી. તમે આમ દુઃખી રહેશો તો એની આત્મા કેટલી દુભાસે?"

"તું પણ આલિયાની ભાષા બોલી બોલી રહ્યો છે પ્રદીપ." અચાનક પેલી તસ્વીર યાદ આવતા મી.રચિતે ઉમેર્યું, "આ તસવીર મને આપી દે બેટા."

"અરે કેમ નહીં અંકલ." કહી પ્રદીપે આલિયાની એકમાત્ર તસ્વીર ફ્રેમમાંથી નીકળી મી. રચિતને આપી દીધી.

ઘડીભર મી. રચિત તસ્વીર ને તાકી રહ્યા . પછી અચાનક કૈક યાદ આવતા પૂછ્યું, "આ તસવીર તારી પાસે કઇ રીતે આવી? બધી તસ્વીર તો આગમાં બળી ગઈ હશે ને? તો શું આ તસવીર તે ક્યાંય અલગ અલાયદી રાખી હતી"

મી. રચિત આશ્ચર્યથી પ્રદીપના જવાબ માટે આતુરતાથી તેની સામે તાકી રહ્યા..…

"અંકલ....." પ્રદીપની જીભ અટકવા લાગી.....પણ ડરથી નહીં. "આલિયા અને હું એકબીજાને ખૂબ જ ચાહતા હતા.....હમણાં સુધી મી. રચિત અગ્નિહોત્રીને હિમ્મત અને આશ્વાસન આપનાર પ્રદીપ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

મી. અગ્નિહોત્રી પાણી લઇ આવ્યા. બોટલમાંથી એક ગ્લાસ ભરી પ્રદીપને આપ્યો. પાણી પીને તે થોડો સ્વસ્થ થયો એટલે મી. અગ્નિહોત્રી બોલ્યા..…

"આલિયાએ મને ક્યારેય આ વાત કહી કેમ નહીં? એ મારાથી કઇ છુપાવતી તો ન હતી.....!"

"કારણકે....." થોડોક સ્વસ્થ થઈને તેણે નેપકીનથી મોંઢું લૂછયું આંસુ સાથે થોડાક દુઃખના ભાવ પણ લુછાયા..... "કારણકે તે તમારી કોઈ ઈચ્છા પૂરી થવાની રાહ જોતી હતી. એ ઈચ્છા પૂરી થયા પછી જ એ બધું કહેવાની હતી. પણ ઈચ્છા શુ હતી એ મને કહ્યું નહોતું."

મી. અગ્નિહોત્રીએ આલિયાની તસ્વીર ઉપર એક નજર કરી અને જાણે આલિયા ખરેખર બોલતી હતી.....

"હું તમને એક સરપ્રાઈઝ આપીશ ડેડી....." હસતા હસતા આલિયા બોલી.

"કેવી સરપ્રાઈઝ બેટા?" એટલા જ મધુર સ્મિત સાથે મી. રચિતે સવાલ કર્યો.

"ડેડી....." ભવા નીચા કરી આંખો ઝીણી કરી તે બોલી, "મને બેવકૂફ સમજો છો.....?? હાલ કહી દઉં તો સરપ્રાઈઝ શાની.....?" આંખો ફરી કુદરતી બનાવી ઉમેર્યુ, "તમારી ઈચ્છા પૂરી થઈ જાય તમારું એ સપનું પૂરું થઈ જાય પછી કહીશ અને હા આ વખતે મારા બર્થ ડે પર તમને હું સરપ્રાઈઝ આપીશ....."

"મારી ઈચ્છા .....!" હોઠ પર આંગળી મૂકી આંખો છત તરફ માંડી કૈક યાદ કરવાનો અભિનય કરી બોલ્યા "ઓહ.... મારુ પેલું પુસ્તક છપાઈ જાય પછીને.....?"

"અંકલ ...... અંકલ" પ્રદીપનો અવાજ મી. રચિતને યાદોની બહાર ખેંચીલાવ્યો.....

"હ ..... હા બેટા એ મને કૈક સરપ્રાઈઝ આપવાની હતી પણ મને શું ખબર મારી આલિયા મારા મિત્રના લાડલાને પસંદ કરશે....." અને એ જાણે ખરેખર આલિયા સામે ઉભી હોય એમ હસી પડ્યા.....

એ સ્મિત જાળવી રાખવા પ્રદીપે વાત બદલી દીધી "પપ્પા કહેતા હતા કે તારા અંકલ જાગે પછી તમે બંને હોટેલ પર આવજો. અંકલ આપણે જઈએ?"

"હમમ ..... ચાલ." આલિયાની તસ્વીર પોકેટમાં સરકાવતા એમણે કહ્યું.

"લેટ્સ ગો....." કહી પ્રદીપ અને એની પાછળ મી. અગ્નિહોત્રી નીકળ્યા.

બારણાં બહાર નીકળતા પ્રદીપે પેલા ટેબલ પર જ્યાં આલિયાની તસ્વીર રાખી હતી ત્યાં એક નજર કરી. આલિયા તેના જીવનમાંથી દુર જતી જ રહી અને હવે એની તસ્વીર પણ એની પાસે ન રહી એની ફરિયાદ કરતો હોય એમ પ્રદીપે ઉદગ્રીવ દ્રષ્ટિ કરી. કોને કરી એ ફરિયાદ આલિયાને કે ઈશ્વર ને.....!

લેચ-કી થી બારણું વાસી દઈ બંને પ્રદીપની બાઇક પર નીકળ્યા.

"પણ તું હોટેલ પર કેમ? છેલ્લા 2 દિવસથી હું જોઉં છું તું તારી સાઈટ પર જતો નથી.પાછળ બેઠેલા મી. રચીતે થોડા આગળ નમીને એને પૂછ્યું.

"હવે હું કોન્ટ્રેક્ટર નથી અંકલ."

"પણ કેમ પ્રદીપ એ ધંધામાં તું એક દિવસ પ્રગતિ કરોત. એ બધું કેમ છોડી દીધું?"

"રાજદીપ દક્ષે મને ફસાવીને મારુ લાઇસન્સ રદ કરાવી દીધું. મને સજા પણ પડી પણ જામીન પર પપ્પાએ છોડાવી લીધો."

"એ તો સારું થયું મનુ મળી ગયો. નહીં તો હોટેલ પણ બંધ થાત. એટલા બધા આઘાત મારા પપ્પા સહી નહોતા શક્યા પછી મને પણ કસ્ટડીમાં લઇ ગયા અને પછી સૌથી મોટો આઘાત તો ઘરમાં આગ લાગી અને......." પ્રદિપ કૈક યાદ ન કરવા જેવું બોલી ગયો હોય એમ અચાનક અટકી ગયો. કદાચ મી. રચિતને ફરી બધું યાદ ન આવે એટલે અટકી ગયો.

"પણ કેમ? એ જયદીપ દક્ષે તને કેમ ફસાવ્યો?"

"કારણકે હું ટેન્ડરસ નીચા પ્રામાણિક ભાવે ભરતો અને મારા ટેન્ડરસ પાસ થવા લાગ્યા. પેલા જયદીપને ઊંચા ભાવ ભરી ટેન્ડરસ પાસ કરાવી સરકારી તિજોરી લૂંટવી હતી. હું એ ધંધામાં ન હતો ત્યાં સુધી એ બધાને ડરાવીને કોન્ટ્રેક્ટર્સ અસોસીએસન ઉપર રાજ કરતો હતો પણ મારા આવ્યા પછી એનો એ ધંધો અને દાદાગીરીનું વાતાવરણ પડી ભાગ્યું એટલે મને ધમકી આપી પણ હું બીજાની જેમ ડરતો ન હતો મેં એને બધાની સામે જ થપ્પડ ફટકારી દીધી. એની બધી દાદાગીરી એનો રોફ ભય બધાના દિલો દિમાગમાંથી એ દિવસે નીકળી ગયો. એને મારા પર ધંધાકીય દાજ તો હતી જ પણ મારા લીધે એની તાનાસાહિ પણ ઓછી થઈ ગઈ એટલે એને મારી ગેર હાજરીમાં મારી સાઈટ પર મજૂરોને ડરાવી ને ખરાબ માલ સામાન વાપરવા મજબુર કર્યા અને પછી કેસ કરીને મારુ લાઇસન્સ કેન્સલ કરાવ્યું."

"અને હા એને આ બધું કરવામાં સપોર્ટ એના અંકલ રાજવીર દક્ષે કર્યો હતો." પ્રદીપના દાંતમાથી અવાજ નીકળ્યો એ ખરેખર ગુસ્સામાં લાલ થઈ ગયો હતો.

"રાજવીર દક્ષ?" એ નામ સાંભળતા જ મી. અગ્નિહોત્રીએ પોતાના હોંઠ ભીંસયા.

"હા એજ રાજવીર દક્ષ. દક્ષ પબ્લિકેશન હાઉસનો મેનેજીંગ ડિરેક્ટર. હું એ બંનેને જીવતા નહીં છોડું. એ બંને હવે મારા હાથ થી જ મરશે..... બ્લડી બાસ્ટર્ડસ." પ્રદીપે ગુસ્સો ઠાલવ્યો.

વાતો વાતો માં બંને હોટેલ આવી પહોંચ્યા.

"મનુ ચા પાઈશ જલ્દી.....?" પ્રદીપે ચેર ગોઠવતા બુમ પાડી.

મનુ નો કોઈ જવાબ આવ્યો નહીં. થોડી જ વારમાં નાનુંભાઈ ચા ના મગ વાળી ટ્રે લઈને આવ્યા.

"મનુ ક્યાં છે?" ચા નો મગ ઉઠાવતા પ્રદીપે પૂછ્યું. મનુ તેને ખૂબ જ પસંદ હતો. ટૂંક સમયમાં એને એ છોકરો ગમી ગયો હતો. મનુ ઉમરમાં નાનો હતો પણ બુદ્ધિમાં નહીં.

"બીજે ક્યાં હોય આ સમયે? એના મિત્ર પાસે ગયો છે." નાનુંભાઈએ ખાલી ટ્રે મુકતા કહ્યું.

"આ ઇન્સ્પેક્ટર આદિત્ય પણ કેવા વિચિત્ર હશે પપ્પા મનુ જેવડા છોકરાની દોસ્તી કરી એ તો ઠીક કદાચ સહાનુભૂતિ ગણીએ પણ મનુના હાથની ચા ન પીવે ત્યાં સુધી એમને દિવસ ન થાય એ વળી કેવું....?" કહી એ મનમાં જ બબડયો 'જોવા પડશે આ ઇન્સ્પેક્ટર ને એક વાર."

અચાનક પ્રદીપની નજર મી. રચિત ઉપર ગઈ રાજવીરનું નામ સાંભળીને આવેલો ગુસ્સો તેમના ચહેરા ઉપર હજુ અકબંધ હતો. એમની લાલ આંખો માં જાણે ખૂન નીકળી રહ્યું હોય એવી લાગતી હતી. તેમના હાથ જાણે રાજવીર દક્ષ નું ગળું દબાવી દેવા તલસાટ કરતાં હોય એવું લાગતુ હતું!

To be continue…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’