એરહોસ્ટેસ
મનોજ એક આંતરદેશીય કંપનીમાં ઓફિસર હતો અને અવારનવાર કંપનીના કામે બહારગામ જવાનું થતું. જરૂર હોય ત્યારે હવાઈસફર પણ કરવા મળતી. પણ તે ‘ઈકોનોમી’ ક્લાસમાં. પણ આ વખતે તેને સંજોગાનુસાર ફર્સ્ટક્લાસમાં હવાઈસફર કરવાની મંજૂરી મળી હતી.
ફર્સ્ટક્લાસની હવાઈસફર વિષે તેણે ઘણું સાંભળ્યું હતું પણ આ તેનો પહેલો અનુભવ થવાનો હતો. અરે, જ્યારે અગાઉ તે હવાઈસફર ‘ઈકોનોમી’ ક્લાસમાં કરતો ત્યારે તેને ફર્સ્ટક્લાસની રોનક જોઈ થતું કે તેને પણ તેમાં સફર કરવાની તક મળે તો કેવું? પણ કંપનીના નિયમો અનુસાર તેને તેની છૂટ ન હતી એટલે આવી સફર એક સ્વપ્ન સમાન હતી. પણ આ વખતે તેના ઉપરીએ કહ્યું કે ટિકિટો મળતી ન હતી અને તાકીદનું કામ છે એટલે અપવાદરૂપ મનોજને ફર્સ્ટક્લાસમાં સફર કરવાની મેનેજિંગ ડાયરેકટરે પરવાનગી આપી છે તેમ જ પાછા ફરવા માટે પણ તેની મંજૂરી આપી છે. આ સાંભળ્યું ત્યારે તો મનોજે કોઈ પ્રત્યાઘાત ન આપ્યા પણ થોડા વખતમાં પોતાનું સ્વપ્ન પૂરૂ થશે એ વિચારે મનમાં તો લડ્ડુ ફૂટતા હતા.
પોતાની ખુશાલી કોઈક પાસે જો તે વ્યક્ત નહી કરે તો તેને રાતના ઊંઘ નહી આવે અને તે માટે યોગ્ય વ્યક્તિ હતી તેનો સહ-કર્મચારી રાકેશ. તેને થયું રાકેશને આવી તક મળી છે એટલે તે જરૂરથી પોતાના અનુભવો કહેશે જેથી પોતે શું અનુભવવાનો છે તેનો અંદાજ આવશે.
લંચ સમયે તે રાકેશ પાસે ગયો અને કહ્યું મારે થોડી વાતો કરવી છે તો આપણે સાથે લંચ લઈશું? રાકેશે સંમતિ દર્શાવી.
‘રાકેશ. મને આ વખતે ફર્સ્ટક્લાસમાં જવાની એમ.ડી.એ ખાસ પરવાનગી આપી છે. તે પણ આવવા-જવાની બન્ને તરફની. મને તો એટલો રોમાંચ થાય છે કે વાત ન પૂછો, કારણ ફર્સ્ટકલાસની હવાઈસફર પહેલીવાર કરૂં છું. આવી સફર માટે ઘણું સાંભળ્યું છે પણ અનુભવ્યું નથી. તે તો ઘણીવાર આવી સફર કરી છે એટલે તારી પાસે થોડુક જાણવા માંગુ છું.’
‘યસ દોસ્ત, આવી સફર તો જુદી જ હોય છે. ક્યાં ‘ઈકોનોમી’ ક્લાસ અને ક્યાં ફર્સ્ટક્લાસ! બન્નેની સર્વિસમાં પણ આસમાન જમીનનો ફરક. ‘ઈકોનોમી’ના ધાડા સામે ફર્સ્ટક્લાસમાં જૂજ સફર કરનારા એટલે સર્વિસમાં ફરક તો પડે ને? એટલે તો તેની ટિકિટો પણ આટલી મોંઘી હોય છે ને!’
‘એ તો સમજ્યો, પણ ખાસ શું હોય છે તે કહે ને?’
‘જો, એક તો ત્રણને બદલે બે સીટો હોય એટલે બેસવામાં આરામ રહે. ત્યાંની એરહોસ્ટેસ પણ અલગ. એને તો ફર્સ્ટક્લાસના ફક્ત બાર પેસેન્જરોને સંભાળવાના. તેમાય જો પૂરેપૂરી સીટો ન ભરાઈ હોય તો બહુ જ ઓછાને સંભાળવાના એટલે થોડીક નવરાશ પણ તેને મળે અને કદાચ કોઈક પેસેન્જર સાથે વાત પણ કરી લે.”
મારા કિસ્સામાં આવું થાય તો કેવું?ના વિચારે તે ઉત્તેજિત થઇ ગયો પણ રાકેશને તેની ગંધ ન આવે તેની તકેદારી રાખવામાં તે સફળ રહ્યો.
‘આ સિવાય?’
‘તારી ટિકિટ કઈ એરલાઇન્સની છે?’
‘જેટની.’
‘તો તો તને યાદગાર અનુભવ રહેશે.’
રાકેશે એક-બેવાર આમાં સફર કરી હતી પણ અન્ય કોઈ એરલાઇન્સનો અનુભવ ન હતો એટલે આમ જ કહે ને?
‘તારી ફર્સ્ટક્લાસની ટિકિટ છે એટલે તને જેટના લાઉન્જનો પણ લાભ મળશે. એ પણ એક લેવા જેવો અનુભવ છે. વહેલો પહોંચીશ તો અગણિત ખાવાપીવાની ચીજોની લિજ્જત તું વગર દામે લઇ શકીશ. આ એક વધુ લાભ છે ફર્સ્ટક્લાસમાં જવાનો.’
‘પછી શું?’
‘જેવો તું સીટ ઉપર બેસીશ એટલે સૌ પ્રથમ તો એરહોસ્ટેસ તને વેલકમ ડ્રીંક આપશે. થોડીવારે તને નામથી સંબોધી મેનુકાર્ડ આપશે, જેમ હોટેલોમાં હોય છે તેમ, જેમાં અમુક વેજ. અને નોન-વેજ.આઈટમો હશે. તારે વેજ. નોન-વેજની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ સમય થયે તે ટેબલ નેપકીન પાથરશે અને સ્ટીલની ક્રોકરી સાથે તારી ચોઈસનું ખાવાનું મૂકી જશે. આમ ફર્સ્ટક્લાસને શોભે એવી સેવા મળશે. આવું ‘ઈકોનોમી’ ક્લાસમાં તે અનુભવ્યું છે?’
‘ના, એટલે તો એક અનુભવી પાસે આવ્યો ને?’ હસતાં હસતાં મનોજ બોલ્યો.
બે દિવસ પછી મનોજે જવાનું હતું પણ આ બે દિવસ તેણે કેમ વિતાવ્યા તે તો તે જ જાણે!
જવાને દિવસે રાકેશે કહ્યા મુજબ તે એરપોર્ટ વહેલો પહોંચી ગયો જેથી લાઉન્જનો અનુભવ ચૂકી ન જવાય. ફર્સ્ટક્લાસની ટિકિટ હોવાને નાતે ચેક-ઇન જલદી થઇ ગયું અને સાથે સાથે તેને લાઉન્જનો પાસ મળ્યો. તે લઇ તે ત્યાં પહોંચી ગયો. ત્યાંની વ્યવસ્થા અને વેઈટ્રેસને જોઈ તે તો ચકાચૌંધ રહી ગયો. વાહ, શું સગવડતા અને શું સરભરા! વગર ઇચ્છાએ પણ તેણે થોડીક ત્યાંની સરભરા માણી અને એક નવો અનુભવ માણ્યો.
બોર્ડિંગ માટે જાહેરાત થતા મનોજ વિમાનમાં પ્રવશ્યો. રાકેશે કહ્યું તેમ જ થવા લાગ્યું અને મનોજ તો જાણે સાતમા આસમાનમાં હોય તેવું અનુભવવા લાગ્યો. થયું, સાલું આજસુધી કેમ આવી તક મળી નહી?
સમય થયે એરહોસ્ટેસ લંચનું પૂછી ગઈ. મનોજે હા કહી એટલે તેણે વ્યવસ્થિત રીતે બધું સજાવ્યું. હજી તો તે લંચ શરૂ કરે ત્યાં જ વિમાન વાદળાઓમાંથી પસાર થયું અને તેને કારણે હલબલી ગયું. એકદમ આવું થતા મનોજ પણ હચમચી ગયો. અચાનક તેનાથી પાસે ઉભેલી એરહોસ્ટેસનો હાથ પકડાઈ ગયો. એરહોસ્ટેસ અનુભવી હતી એટલે તેણે મનોજનો હાથ ન છોડાવ્યો અને મનોજને ધીરજ આપી કે થોડી ક્ષણોમાં બધું હતું તેમ થઇ જશે. જ્યારે વિમાન પાછું પોતાની સામાન્ય સ્થિતિમાં આવી ગયું અને એરહોસ્ટેસે હાથ છોડાવ્યો ત્યારે મનોજને ભાન થયું કે તેણે શું કર્યું હતું એટલે કહ્યું, ‘માફ કરજો, ખયાલ નહી રહ્યો અને અચાનક તમારો હાથ પકડી લીધો.’
જવાબમાં સામેથી એક સ્મિત મળ્યું અને કહેવાયું કે કશો વાંધો નહી. આવી પરિસ્થિતિમાં ઘણા મુસાફરો ગભરાઈ જાય છે પણ અમે તો આવી પરિસ્થિતિથી ટેવાઈ ગયા છીએ. તેનો જવાબ સાંભળી મનોજ પૂછી બેઠો: ‘તમે ગુજરાતી છો?’
‘હા, કેમ નવાઈ લાગી?’
‘ના, અમસ્તું જ. આપણી ભાષામાં કોઈ વાત કરે તો આનંદ થાયને? એટલે પૂછ્યું.’
પછી તો એરહોસ્ટેસ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ. થોડા સમય પછી તે ફરી પાછી મનોજ પાસે આવી અને પૂછ્યું કે શું લંચ પતી ગયું છે? શું આ લંચ માટે મૂકેલી ક્રોકરી વગેરે લઇ લઉં?
મનોજે હા કહી પણ કહ્યા વગર ન રહ્યો કે આપ બહુ ખયાલ રાખો છો. સામેથી એક સ્મિત મળ્યું અને બોલી કે આ તો અમારી ફરજ છે. સ્મિત મળતા મનોજની મનોદશા વિચલિત થઇ ગઈ. અકારણ તેણે પાણી આપવા કહ્યું જેથી એકવાર ફરી તે મનોજની પાસે આવે. પછી તો બાકીની સફરમાં તે એક દિવાસ્વપ્નમાં ખોવાઈ ગયો. એરહોસ્ટેસો વિષે ઘણું બધું સાંભળ્યું હતું એટલે તેવા જ વિચારો તેના મનમાં આવવા લાગ્યા. પણ તે મનોદશા લાંબી ન ચાલી કારણ સફરનો અંત આવી ગયો હતો. વિમાનમાંથી ઉતરતા ફરી એવું જ સ્મિત!
પુરૂષનું મન એટલે મર્કટમન. કયો વિચાર ક્યારે આવે તે કોણ કહી શકે છે? તેમાંય અપરિણિત જુવાન હોય તો તે રંગીલા સ્વપ્ના જ જોવાનોને? જે કામે આવ્યો હતો તે પત્યા પછી મુંબઈ પાછા ફરવા એરપોર્ટ જતા મનમાં વિચાર આવ્યો કે ફ્લાઈટમાં ફરી જો તે જ એરહોસ્ટેસ હોય તો કેવું! પણ પછી થયું કે એમ થોડું હોય કે તે આજે ફરજ પર હોય અને હોય તો તે પણ પોતાની ફ્લાઈટમાં? પણ જો એમ થાય તો? એમ થાય તો સફર કેવી મજાની બની રહે! જતી વખતે બનેલ બિનાના બહાને તે તેની સાથે થોડીક વાતો કરવાની તક ઝડપી લેશે. આમેય તે પેસેન્જરો સાથે તેઓને વિવેકથી વર્તવાની સૂચના હોય છે અને વળી ગુજરાતી છે એટલે તે વાંધો નહી લે.
બધી વિધિ પતાવી તેણે જેવો વિમાનમાં પ્રવેશ કર્યો ત્યારે એક સુખદ આંચકો મળ્યો. ફર્સ્ટક્લાસમાં તે જ એરહોસ્ટેસ હાજર હતી. પ્રવેશદ્વારે તે ઊભી હતી અને બધાને સ્મિત સાથે આવકાર આપી રહી હતી. ‘વાહ મનોજ, તારા તો ઊઘડી ગયા,’ મનમાં વિચારતા તે પોતાની સીટ પર બેઠો. આજે પણ ફર્સ્ટક્લાસમાં ચાર પાંચ જણ હતાં એટલે પેલી બહુ વ્યસ્ત નહી રહે એવો વિચાર પણ મનને પ્રફુલ્લિત કરવામાં સફળ રહ્યો.
ત્યાં જ એરહોસ્ટેસ તેને ગુડ મોર્નિંગ કહી વેલકમ ડ્રીંક આપવા આવી. મનોજે પહેલ કરી અને કહ્યું, ‘કેમ છો, કવિતા. ઓળખાણ પડી?’
‘જી, માફ કરજો, રોજ અનેક મુસાફરો મળતા હોવાથી બધા યાદ ન રહે. પણ મારૂં નામ કેવી રીતે જાણ્યું?’
‘તમેં આ નેમપ્લેટ લગાવી છે તે પરથી. યાદ છે ચાર દિવસ પહેલા મુંબઈથી અહી આવતી ફ્લાઈટમાં હું હતો અને વિમાનમાં હલબલી થતાં મેં તમારો હાથ પકડ્યો હતો? મને એમ કે તમને તે યાદ હશે.’
‘હા, લિસ્ટમાં તમારૂં નામ વાંચ્યુ પણ તે વખતે ખયાલ ન આવ્યો કે તે તમે જ છો. હવે તમે કહ્યું એટલે યાદ આવ્યું.’
‘કેવો જોગાનુજોગ! આ રીતે તમને ફરી મળાશે તેવો વિચાર પણ ન હતો.’ મનોજે ફેંકી. સાથે સાથે વિચાર્યું કે બહાર પણ આમ જ મળવાનું બનતું રહે તો કેવું? આ જ વિચારે થોડા ગલગલિયાં પણ અનુભવ્યા.
‘સાચી વાત છે. મને પણ આવો અનુભવ બહુ ઓછો થયો છે. ચાલો, હું મારૂં કામ આગળ ધપાવું.’
તેના ગયા બાદ મનોજ ફરી એકવાર દિવાસ્વપ્નમાં ડૂબી ગયો. શું તેનો સાથ અહી સુધી જ રહેશે કે આગળ વધશે? અને આગળ વધે તો? ત્યારની વાત ત્યારે, અત્યારે તો તેનો જેટલો સાથ મળે એટલો માણી લે, તેના અંતરમને ટપાર્યો.
પોતાની ફરજ દરમિયાન બે ત્રણ વખત કવિતા મનોજ પાસેથી પસાર થતી ત્યારે તેને એક મૃદુ સ્મિત આપતી. આને કારણે મનોજની મનોદશાનું વર્ણવ કરવું શક્ય નથી!
ઉતરાણ કરવાની થોડીવાર પહેલા મનોજે તેને બોલાવી પાણી માંગ્યું. જ્યારે કવિતા પાણી લઇ આવી ત્યારે મનોજે પૂછ્યું કે તમને વાંધો ન હોય તો થોડીવાર વાત કરૂં? પોતાની ફરજની તાલીમ વખતે તેમને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કોઈ પેસેન્જર અણછાજતું વર્તન ન કરે ત્યાં સુધી તેમની સાથે સારૂં અને શિષ્ટાચારભર્યું વર્તન કરવું. એટલે કવિતાએ વાંધો ન લીધો. પોતાની પાંચ વર્ષની કારકિર્દીમાં આ પહેલા પણ આવા અનુભવ થયા હતા એટલે કેમ વર્તવું તેની તેનામાં આવડત હતી. તેણે કહ્યું, ‘પંદરેક મિનિટ પછી ઉતરાણ છે. વાત કરવા પાંચેક મિનિટનો મને સમય છે.’
થોડીક વાતો કરીને મનોજે તેની ફરજો અને અનુભવો વિષે જાણકારી મેળવી પછી આસ્તેથી કહ્યું કે હવે આપણે ફરી ક્યારેક મળી શકીશું?
‘તમે સફર કરતા રહો. ક્યારેક મેળાપ થઇ જશે,’ જવાબ મળ્યો.
‘એમ નહી. તમે મુંબઈમાં રહો છો અને હું પણ, તો ક્યારેક મળી થોડો સમય સાથે વિતાવી ન શકીએ?’ જો કે જવાબ ના જ હશે તેની ખાતરી હોવા છતાં મનોજે પૂછી નાખ્યું. તેના આશ્ચર્ય વચ્ચે કવિતાએ કહયુ કે અમારે પેસેન્જરો સાથે બહુ નજીક ન આવવું એવો નિયમ છે છતાં તમારી સાથે વાત કરતાં સારૂં લાગ્યું એટલે તમને હું નિરાશ નહી કરૂં. તમે તમારો ફોન નંબર આપો. અનુંકુળતા હશે અને મન થશે તો ફોન કરી ક્યારેક મળશું.
આ સાંભળી મનોજને ત્યાં જ નાચવાનું મન તો થયું પણ ચાલુ વિમાને તેમ કરી પોતાની જાતને પાગલમાં કેમ કરીને ખપાવાય? માની કાઈ બોલ્યા વગર પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું જે સ્મિત સાથે કવિતાએ સ્વીકારાયું.
કાલે ક્યારે ઓફિસ જાઉં અને ક્યારે રાકેશને પોતાના અનુભવો કહું તે વિચારે મનોજને તે રાતના સરખી ઊંઘ પણ ન આવી.
બીજે દિવસે લંચ સમયમાં તે રાકેશ પાસે ઉતાવળે પહોંચી ગયો અને ઉત્કંઠાભર્યા અવાજે બધી વાતો કરી. આ સાંભળી રાકેશે તો તેને અભિનંદન પણ આપ્યા કે તું ખરેખર નસીબદાર છે કે મળવા માટે સંકેત તો આપ્યો. બાકી આ એરહોસ્ટેસો આપણા જેવાને તો દાદ નથી જ આપતી કારણ તેમનું બીજે ચક્કર ચાલતું હોય છે.
શરૂઆતમાં તો પોતાના મોબાઈલની રિંગ વાગે એટલે કવિતાનો તો નહી હોય માની મનોજ ઝટ દઈને ઉપાડતો પણ પછી જણાતું કે આ તો ઓફિસના કામને લગતો ફોન આવ્યો છે એટલે થોડી માયુસી છવાઈ જતી. પણ પછી તો તે આનાથી ટેવાઈ ગયો.
પણ આઠેક દિવસ બાદ ખરેખર કવિતાનો ફોન આવ્યો અને તેનું હૃદય ધબકાર ચૂકી ગયું. સામેથી સંભળાયું કે બીજે દિવસે તેને રજા છે તો મનોજ તેને મળવા આવશે? નેકી ઓર પૂછ પૂછ? સમય અને સ્થળ નકી કરી તે તરત રાકેશ પાસે દોડ્યો અને કવિતાનો ફોન આવ્યાની વાત કરી તથા કાલે મળવા બોલાવ્યો છે તેમ પણ કહ્યું..
‘વાહ મનોજ, તારા તો ઉઘાડી ગયા. બાકી કોઈ એરહોસ્ટેસ આમ યાદ નથી કરતી.’
‘યાર, તે સાચેસાચ આવે છે કે કેમ તે તો કાલે જઈશ ત્યારે ખબર. આગે આગે દેખિયે હોતા હૈ ક્યાં.’ મનના ભાવ છૂપાવતા તેણે જવાબ આપ્યો.
બીજે દિવસે નિયત સમય કરતા થોડો વહેલો પહોંચી તે રેસ્ટોરાંમાં કવિતાની રાહ જોવા લાગ્યો. પાંચ પાંચ મિનિટે પોતાની ઘડિયાળ જોતો અને પોતાની અધીરાઈ વ્યક્ત કરતો. સમય વીત્યા બાદ લગભગ પંદરેક મિનિટ પછી પણ તે ન આવી એટલે કવિતાને ફોન કરવાનો વિચાર કરતો હતો ત્યાં તેની નજર દરવાજા પર પડી. એક મિનિટ તો સ્તબ્ધ થઇ તેણે જોયા કર્યું. ક્યાં યુનિફોર્મમાં જોયેલી કવિતા અને ક્યાં નીલા રંગની નાયલોનની સાડીમાં સજ્જ આ સુંદર યુવતી. શું આ કવિતા જ છે? કારણ તેની સાથે કોઈ એક પુરુષ પણ હતો.
તે હજી નક્કી કરે તે પહેલા તે તેના ટેબલ નજીક આવીને ઊભી અને કહ્યું, ‘હાય, મનોજ. સોરી, થોડું મોડું થયું.’
‘ના ના, ખાસ નહી. બેસોને.’
‘આ મારા પતિ સંજય છે.’
તો શું કવિતા પરણેલી છે? તો મારા અરમાનોનું શું? પણ તેવો ભાવ વ્યક્ત કર્યા વગર તેણે સંજયને હેલ્લો કહ્યું.
‘તમે ધાર્યું હશે કે હું અપરિણિત છું કેમ? સામાન્ય રીતે બધા જ માને છે કે બધી એરહોસ્ટેસો કુંવારી હોય છે એટલે બે ઘડી મસ્તી કરી લઈએ. કદાચ તમે પણ તેમાંથી બાકાત નથી.
‘મારા પતિ સાંતાક્રુઝ પોલીસસ્ટેશનમાં ઇન્સ્પેકટર છે. સામાન્ય રીતે જો કોઈ મારી સાથે વધુ પડતી છૂટ લે અને ફોન નંબર માગે તો હું તેમને તેનો ફોન નંબર આપી દઉં અને જ્યારે તે વ્યક્તિ ફોન કરે ત્યારે સંજય તેનો યોગ્ય ન્યાય કરી લે. આમ મારી પાંચ વર્ષની કારકિર્દીમાં વધુ છૂટ લેનારા ઘણા પેસેન્જરોને મેં ઠેકાણે પાડ્યા છે, પણ તેમની સરખામણીમાં તમે ફોન નંબર નહોતો માંગ્યો અને ફક્ત મળવાની વાત કરી હતી. આમ તમે તમારી આમન્યા ભૂલ્યા ન હતા. પણ મેં તમારો ફોન નંબર માંગ્યો એટલે કદાચ તમે મનોમન તમારી જાતને શાબાશી આપતા હશો ચાલો એક છોકરીને પટાવી. એટલે તે ગેરસમજ દૂર કરવા અને તમને સારી રીતે સમજાવવા મેં તમારો ફોન નંબર લીધો હતો. ત્યારબાદ સંજય સાથે ચર્ચા કરી. તેણે પણ મારી વાતને સમર્થન આપ્યું અને મેં આ મિલન યોજ્યું. આશા છે તમને વધુ વિગતવાર સમજાવવાની જરૂર નથી.’ આટલું કહી બંને ઊભા થઇ ગયા. અવાચક મનોજને શું કરવું તે ન સમજાયું એટલે તે પણ ઊભો થઇ ગયો અને યંત્રવત હાથ મિલાવી વિદાય આપી.
પણ કાલે તો રાકેશ પ્રશ્નોનો તોપમારો ચલાવી શું થયું તેનો વિગતવાર અહેવાલ માંગશે ત્યારે શું કહું? આનો ઉકેલ તેને સૂતા પહેલા જ મળી ગયો.
બીજે દિવસે ધાર્યા પ્રમાણે રાકેશ તેની પાસે આવી ઊભો અને પૂછ્યું, ‘રાજ્જા, કેમનું રહ્યું?’
‘છોડ યાર, આ બધી એવી જ. કોણીએ ગોળ ચોટાડવામાં હોંશિયાર. આપણે જ મૂરખ કે ખોટી ધારણાઓમાં આનંદ લઈએ છીએ અને પછી પસ્તાઈએ છીએ.’
‘કેમ શું થયું?’
‘સાલી આવી જ નહિ.’
‘તો ફોન કરી પૂછવું હતું ને કે કેમ ન આવી?’
‘શું મેં તે નહી કર્યું હોય? ફોન કર્યો તો તે બંધ આવતો હતો. ત્યાર પછી પણ ઘણી રાહ જોઈ અને અંતે નિરાશ થઇ ઘરે ગયો. ત્યાર પછી આજે સવારે પણ ત્રણ-ચારવાર ફોન લગાવ્યો પણ દરેક વખતે સામેથી કોઈ પુરુષના અવાજમાં ‘રોંગ નંબર’ સાંભળવા મળતું હતું. છેલ્લે તો તેણે મને એવો ધમકાવ્યો કે થયું કવિતા ગઈ ખાડામાં.’