‘મનન - એક વિજેતા'
ભારત ના દરેક સમાચાર પત્રો અને દરેક ન્યુઝ ચેનલ પર થોડા દિવસો થી મનન દવે નું નામ છવાયેલું હતું. ફેસબુક,ટ્વીટર અને અન્ય સોસીયલ પ્લેટફોર્મ પર પણ આ નામ ચર્ચાઈ રહ્યું હતું. ભારત ભર માં ધીમે ધીમે ગુજરાત ના મનન દવે ની ૨૦ વરસ ની નાની ઉમરે આ સિધ્ધિ પ્રાપ્ત કરી શકવાની અને સફળતા હાંસિલ કરવાની ચર્ચા થઈ રહી હતી.
મનન દવે એ ૨૦ વરસ નો એક યુવક હતો જેણે નેશનલ લેવલે થયેલી જનરલ નોલેજ ની સ્પર્ધામાં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો ને પછડાટ આપી ને વિજય પ્રાપ્ત કર્યો હતો. અને આ જ કારણે તે દરેક ન્યુઝ પેપર ની હેડલાઈન માં ચમકી રહ્યો હતો અને દરેક સોસીયલ મીડિયા પર તે ટ્રેન્ડિંગ માં પ્રથમ સ્થાને હતો. મનન ને હવે આવતા મહિને ઈન્ટર નેશનલ લેવલે ભારત નું પ્રતિનિધિત્વ કરી ને એક મેગા કોમ્પિટિસન માં ભાગ લેવા અમેરિકા જવાનું હતું.
મનન ના અજબ જનરલ પર લોકોને ભરોસો હતો અને તે ભારત નું નામ આ ઇન્ટરનેશનલ લેવલે પણ ચમકાવશે એવી આશા સેવી રહ્યા હતા. આ સ્પર્ધા માં અલગ અલગ દેશ ના 17 પ્રતિસ્પર્ધી ભાગ લઈ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અન્ય યુરોપિયન દેશો ના સ્પર્ધકો નો સમાવેશ થયો હતો.
મનન અત્યારે ઘરે છે અને તે તેની મમ્મી સાથે વાતચીત કરી રહ્યો છે.
"મમ્મી, હવે કંટાળ્યો છુ ઇન્ટરવીયું આપી આપી ને!" મનન તેના ઘર ના આંગણા માં આવેલા હિંચકા પર બેઠા બેઠા બોલી રહ્યો હતો.
“તે કામ જ એવું કર્યું છે, તો પછી લોકો તારુ ઇન્ટરવીયું તો લેવા ના જ ને!" મમ્મી એ પણ પ્રેમ થી મનન ના માથાં પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા.
“હા એ તો તારા આશીર્વાદ થી જ તો શક્ય બન્યું છે" મનને જવાબ આપ્યો.
"હવે આવતા મહિને સ્પર્ધા પુરી થાય ત્યાં સુધી ની રાહ છે, પછી તો પાછી રૂટીન લાઈફ ચાલુ થઈ જશે." મમ્મી ફરી બોલી.
"એની તૈયારીઓ માં પણ લાગી જવું પડશે પણ........" મનન બોલતા બોલતા અચકાયો.
"પણ શું?" મનન ની મમ્મી ફરીવાર માથાં પર હાથ ફેરવતા ફેરવતા આગળ કપાળ પર આવી ગયેલા મનન ના વાળ દૂર કરતા બોલ્યા.
"મમ્મી, મને તને એક મહિના સુધી મુકી ને જતા જીવ નહી ચાલે. તું અહીંયા એકલી શું કરીશ ?" મનન ચિંતા ભર્યા સ્વરે બોલ્યો.
"હું તને ટીવી પર જોઈશ અને રોજ તારી સાથે વીડિયો કોલ થી વાત કરીશ" મમ્મી હસતા હસતા બોલી જેથી મનન ને હિંમત આવે.
મનન ના પિતા થોડા વરસો પહેલા એક અકસ્માત માં ગુજરી ગયા હતા અને ત્યારથી મનન અને તેની મમ્મી અમદાવાદ શહેર માં એકલા રહી રહ્યા હતા. મનન ના પિતા ના અકસ્માત વીમા ની આવેલી રકમ અને તેમના પેન્શન ના કારણે મનન નો અભ્યાસ અને તેમનું ગુજરાન ચાલી રહ્યું હતું. અને હવે તો મનન ને આ સ્પર્ધા જીતવા ના કારણે વીસ લાખનો ચેક પણ મળવાનો હતો.
મનન ત્યારબાદ થોડો સમય ટીવી જોઈને સ્પર્ધા ની તૈયારી માં લાગી ગયો. મનન નવરાશ ના સમય માં ફેસબુક પર ટાઈમ પાસ કરતો હવે તેની પ્રસિધ્ધિ ના કારણે તેનું ફ્રેન્ડ લિસ્ટ ૫૦૦૦ ના આંકડા સુધી પહોંચી ગયું હતું અને લાખો લોકો તેને ફોલો કરી રહ્યા હતા. તેને શુભકામના માટે ના હજારો મેસેજીસ આવતા અને મનન શક્ય તેટલા મેસેજ વાંચી પ્રત્યુત્તર આપતો.
મનન ના વિઝા નું અને ટિકિટ નું સંચાલન ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરવા ના હતા તેથી મનન પર તે ભાર પણ ન હતો.
ધીમે ધીમે દિવસો જઈ રહ્યા હતા અને મનન તેનું પુરેપુરુ ધ્યાન નવું નવું જાણવા માં આપી રહ્યો હતો તેના માટે તે કલાકો અને કલાકો ઇન્ટરનેટ પર પસાર કરી રહ્યો હતો. તેને હવે લોકોની અપેક્ષાઓ નું દબાણ અનુભવવા લાગ્યું હતું.
અને એ દિવસ આવી ગયો ! જયારે મનન ને અમેરિકા માટે નીકળવા નું હતું. મનન ને અમદાવાદ થી દિલ્હી ની ફ્લાઇટ પકડવાની હતી અને દિલ્હી થી લોસ એન્જેલસ ની અમેરિકન એરલાઇન્સ ની ફ્લાઇટ પકડવાની હતી. સવારે વહેલા ઉઠી ને તેની મમ્મી એ તેની બેગ પેક કરી આપી હતી. તેની મમ્મી આજુબાજુ ના ચાર મંદિરે દર્શન કરાવડાવવા પણ મનન ને લઈ ગયા હતા. અને તેને સમયસર જમી લેવાથી લઈ ને દરેક નાની નાની વસ્તુ પર સલાહ આપી રહ્યા હતા.
"મમ્મી આશીર્વાદ આપ" મનન મમ્મી ના પગે પડતા બોલ્યો.
"તારું શ્રેષ્ઠ આપજે" મમ્મી હસી ને બોલ્યા.
અને મનન નીકળી પડ્યો પોતાના નોલેજ દ્વારા દુનિયા જીતવા !.
કેલિફોર્નિયા ના એલ.એ શહેર માં પગ મુકતા જ મનન ના શરીર માં એક અલગ પ્રકારની ધ્રુજારી આવી અને એનું મહિના થી જોયેલું સપનું આજે સાકાર થયું. મનને આજે અમેરિકા ની ધરતી પર આખરે પગ મૂકી દીધો હતો.
એરપોર્ટ પર થી તેને ખાનગી કાર માં હોટેલ પર લઈ જઈ રહ્યા હતા. કાર ની બારી માંથી રસ્તા પર આવેલી દરેક શોપ અને સિગ્નલ ને ધ્યાનથી તે જોઈ રહ્યો હતો અને મનોમન મલકાઈ રહ્યો હતો.
"કી બાત હૈ, બેટા બહોત ખુશ નજર આ રહે હો" ગાડી ચલાવતા સરદારજી એ પૂછ્યું.
"કુછ નહીં પાજી, બસ સપના પુરા હુઆ હૈ તો ખુશી ફૂલી નહી સમા રહી." મનન પોતાની ખુશી વ્યક્ત કરતા બોલ્યો.
"હમ સારે હિન્દુસ્તાનીઓ કો આપશે બહોત ઉમ્મીદે હૈ" સરદારજી ગાડી ના અરીસા માંથી મનન ની સામે જોઈ ને બોલ્યા.
મનન પ્રત્યુત્તર માં ખાલી થોડો હસ્યો.
હોટલ પર પહોંચતા ની સાથે જ તેને તેના રૂમ ની ચાવી આપવા માં આવી અને સાથે સાથે જણાવવા માં આવ્યું કે રાત્રે હોટેલ ના મધ્ય હોલ માં આજે એક પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું છે તેમાં તેણે સમયસર આવી જવાનું છે.
પાર્ટી ના એક કલાક પહેલા મનન માટે તેની રૂમ પર એક કાળા કલર નું બ્લેઝર પહોંચાડવા માં આવ્યું. બ્લેઝર ના ખિસ્સા પર નાનકડી તકતી લગાવવા માં આવી હતી અને તેના પર ભારત નો રાષ્ટ્ર ધ્વજ લગાવવા માં આવ્યો હતો. મનને જલ્દી થી તૈયાર થઈ ને બ્લેઝર પહેરીને મમ્મી ને વિડિઓ કોલ કર્યો. મનન ના મમ્મી પણ તેને આવી રીતે તૈયાર થયેલો જોઈને ખુશ થઈ ગયા. અને મનન નીકળી પડ્યો અજાણ્યા લોકો વચ્ચે જાણીતા લોકોના સપના પુરા કરવા !.
પાર્ટી માં દરેક દેશ ના સ્પર્ધકો બ્લેક બ્લેઝર માં અને પોતાના દેશ ના ફ્લેગ સાથે આવી પહોંચ્યા હતા. મનન ને પણ ત્યાં તેમની સાથે લાઈન માં ઉભા રહેવાની સૂચના આપવા માં આવી.
આ સ્પર્ધા માટે નિમવા માં આવેલો એન્કર વારાફરથી દરેક સ્પર્ધકો ની એકબીજા સાથે અને મીડિયા સાથે પરિચય કરાવી રહ્યો હતો. અને દરેક ને સ્પર્ધા વિશે વિગતવાર માહિતી આપી રહ્યો હતો. આ સ્પર્ધા માં સાત રાઉન્ડ માં રાખવા માં આવી હતી અને આ દરેક રાઉન્ડ ની વચ્ચે ત્રણ ત્રણ દિવસ નો ગેપ રાખવામાં આવ્યો હતો. દરેક રાઉન્ડ ના અંતે લોએસ્ટ સ્કોર વાળા બે સ્પર્ધકો ને પોતાના દેશ ની વળતી ફ્લાઈટ પકડવાની હતી.
ત્યારબાદ પાર્ટી માં ડ્રીંક્સ અને જમવાની વ્યવસ્થા રાખવા માં આવી હતી. મનને પણ અન્ય લોકો ની સાથે જમવાનું ચાલુ કર્યું.
"હિન્દુસ્તાની હો, ચલો અચ્છા હુઆ!" મનન જમી રહ્યો હતો ત્યાંજ પાકિસ્તાન નું પ્રતિનિધિત્વ કરી રહેલો સ્પર્ધક અનવર તેની પાસે આવી ને બોલ્યો. તે બીજા લોકો સાથે પોતાના અંગ્રેજી બોલવા ના ઓછા પ્રભુત્વ ના કારણે ભળી શકતો ના હોય તેવું લાગી રહ્યું હતું. અને અનવરે મનન ને જોતા જ રાહત નો શ્વાસ લીધો હોય તેવું જણાઈ આવ્યું હતું.
"હા, મેં મનન" આટલું બોલી ને તેણે અનવર સાથે હાથ મિલાવ્યો અને તે લોકોએ સાથે વાતચીત કરતા કરતા જમવાનું પુરૂ કર્યું.
ભારત અને પાકિસ્તાન બન્ને દેશ ના ન્યૂઝપેપર્સ માં બન્ને નો હાથ મિલાવતો ફોટો હેડલાઈન તરીકે ફ્રન્ટ પેજ પર છાપવા માં આવ્યો. આજ ફોટા ને સોસીયલ મીડિયા માં વાઈરલ થતા પણ જરાપણ વાર ના લાગી.
પછી શિડ્યુલ અનુસાર ત્રણ દિવસ પછી પહેલો રાઉન્ડ યોજવામાં આવ્યો. આ રાઉન્ડ એક ઇન્ડોર સ્ટુડીઓ માં યોજવામાં આવ્યો હતો અને ત્યાં પાંચસો માણસ બેસી શકે તેવી વ્યવસ્થા કરવા માં આવી હતી. આ રાઉન્ડ માં નીચે થી પ્રથમ બે સ્પર્ધકો આઉટ થઈ ગયા હતા. તેમાં જાપાન અને પોલેન્ડ ના સ્પર્ધક નો સમાવેશ હતો. આ રાઉન્ડ ના અંતે મનન ત્રીજા સ્થાને રહ્યો હતો અને અનવર બીજા સ્થાને રહ્યો હતો. અમેરિકા ની સ્પર્ધક જેનિલીયા નો પ્રથમ ક્રમાંક આવ્યો હતો.
આ રાઉન્ડ ના અંતે મનન નો ટોપ થ્રી માં નંબર આવતા ફરી એકવાર દરેક પ્રચાર પ્રસાર માધ્યમ પર મનન છવાયેલો રહ્યો. ભારતીય લોકો મનન પાછળ પાગલ થઈ રહ્યા હતા.
અને હવે મનન ની લોકપ્રિયતા ભારત માં કોઈ ફિલ્મ સ્ટાર કરતા પણ વધારે હતી !
એક પછી એક એમ છ રાઉન્ડ પુરા થઈ ગયા અને બાર સ્પર્ધકો પણ આ સ્પર્ધા માંથી બહાર નીકળી ગયા હતા. આ સ્પર્ધા જીતવા માટે ની મુખ્ય દાવેદાર જેનિલીયા પણ આ સ્પર્ધા માંથી બહાર થઈ ચુકી હતી. આ સ્પર્ધા હવે રોમાંચક તબક્કા માં હતી અને તેના કારણે હવે વધેલા પાંચ પ્રતિસ્પર્ધી પર પણ દબાણ જોવામાં આવી રહ્યું હતું. આ સ્પર્ધા ને પણ હવે કોઈ ફૂટબોલ ના વિશ્વ કપ કે ક્રિકેટ ના વિશ્વકપ ની સાથે સરખાવવા માં આવી રહ્યો હતો.
મનન પણ આ અનુભવ ને જીવી લેવા માંગતો હતો. તેને દરેક વિતાવેલા દિવસો યાદ આવી રહ્યા હતા. અનવર સાથેની મિત્રતા, જેનિલીયા સાથે મસ્તી મજાક અને તેના પર આશા રાખીને બેઠેલી તેની મમ્મી, લાખો-કરોડો ભારતીય બધું તેની આંખોની સમક્ષ આવી રહ્યું હતું. તેને પેલા ડ્રાઇવર સરદારજી નું વાક્ય વારંવાર સંભળાઈ રહ્યું હતું કે ;
"હમ સારે હિન્દુસ્તાનીઓ કો આપશે બહોત ઉમ્મીદે હૈ".
હવે છઠા રાઉન્ડ ની પૂર્વ સંધ્યા એ મનન ને મમ્મી એ ફોન કર્યો.
“અહીંયા ભારત માં બધા ના મોઢા પર તારું જ નામ છે અને આપણા ઘરે પણ રોજ મીડિયા નું આવન જાવન રહે છે" મમ્મી ફોન માં એક સાથે બધું બોલી ગઈ.
"બસ મમ્મી, હવે એક અઠવાડિયું પછી તો હું આવી જઈસ". મનન બોલ્યો.
પછી થોડી આડી અવળી વાતો કર્યા પછી મનનએ મમ્મી નો ફોન મુક્યો.
અઠવાડિયા પછી મનન ને પાછુ અમદાવાદ આવવાનું હતું એટલે તેણે આ વાત તેની મમ્મી ને જણાવી. મનન રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે આ અઠવાડિયું વીતે અને ક્યારે તે મમ્મી ની પાસે જઈને પ્રેમ થી ગળે લગાવી શકે.
અને આજે એ દિવસ હતો જયારે છટ્ઠા રાઉન્ડ યોજવાનો હતો. આ એક સેમી ફાઈનલ હતી જેમાંથી ત્રણ સ્પર્ધક ફાઈનલ માં પહોંચશે અને બાકીના બે સ્પર્ધક પોતાના દેશ પરત ફરશે. તેમને પણ ટોપ ૫ માં આવવા બદલ ઇનામી રાશી મળશે. આ ૫ સ્પર્ધક અત્યાર થી સ્ટાર બની ચુક્યા હતા તેમને પોતપોતાના દેશ માં કોઈ સેલીબ્રીટી જેવું સ્ટેટસ મળી ચુક્યું હતું. સ્પર્ધા ચાલુ થવાની તૈયારી હતી, એક પછી એક એમ પાંચ સ્પર્ધકો ને વારા ફરથી સ્ટેજ પર બોલાવવા માં આવ્યા. હવે દરેક ને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની હતી. સૌથી પહેલા અનવરે પોતાની લાગણીઓ પોતાના ચીર પરિચિત અંદાજ માં રજુ કરી. તે ઈંગ્લીશ બોલવાની ની નબળાઈ ના કારણે થોડો અચકાતો હતો બોલતા બાકી તેનું મગજ એકદમ શાર્પ હતું અને તેના કારણે જ તે આ જગ્યા સુધી પહોંચ્યો હતો. ઘણા લોકો તો તેને આ સ્પર્ધા જીતવાનો મુખ્ય દાવેદાર પણ માની રહ્યા હતા. અનવર પછી બીજા ત્રણ સ્પર્ધકો એ પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી.
અને છેલ્લે વારો હતો ભારત ના લાડલા મનન દવે નો. તેણે પોતાનું વ્યક્તવ્ય ચાલુ કર્યું.
“હું આ જગ્યા એ પહોંચ્યો તેમાં મારા દેશના દરેક નાગરિક ના આશીર્વાદ રહેલા છે, ઘણા લોકો એ મારે માટે પ્રાર્થના કરેલ છે. મે આ વીસ વરસ માં ક્યારેય વિચાર્યું ના હતું કે હું આ રીતે ફેમસ થઈશ. લોકો મને મળવા માટે અને મારી એક ઝલક મારે પડાપડી કરશે. મને આ બધું મારી અપેક્ષા કરતા વધારે મળ્યું છે પણ હવે એક ડર પણ લાગી રહ્યો છે ક્યાંક હું લોકો ની અપેક્ષા પર ખરો નઈ ઉતરી શકુ તો ! ક્યાંક હું આજેજ આઉટ થઇ જઇશ તો. આ ડર મને ત્યાર થી લાગી રહ્યો છે જ્યાર થી મારી ફ્રેન્ડ જેનીલીયા આ સ્પર્ધા માંથી બહાર નીકળી ગઈ છે. એ એક સ્માર્ટ સ્પર્ધક હતી, જો એ નીકળી જાય તો હુ પણ નીકળી જઈ શકું અને પાછો લોકો ની અપેક્ષા નો બોજો કદાચ મારા થી સહન નઈ થાય તો ? કેટકેટલા લોકો ને દુખ પહોંચશે. લોકો કહે છે કે આવા સમયે મગજ શૂન્ય થઇ જાય છે તેમાં કોઈ જ વિચારો નથી આવતા પણ મને તો એકસાથે બહુ બધા વિચારો આવી રહ્યા છે, તેમાં સારા અને ખરાબ બંને વિચારો નો સમાવેશ થાય છે. અને છેલ્લે હું એટલું જ કહેવા માગીશ કે હું મારું બેસ્ટ આપીશ અને લોકો ની જવાબદારી પર ખરો ઉતરીશ."
અને પછી સેમી ફાઈનલ ની શરૂઆત થઈ. એક પછી એક પ્રશ્નો પૂછવા માં આવ્યા અને એક પછી એક સ્પર્ધકો જવાબ આપી રહ્યા હતાં. રોમાંચ વધી રહ્યો હતો, અને છેલ્લી ક્ષણ સુધી રોમાંચ ચાલ્યા બાદ બે બીજા સ્પર્ધકો પણ આઉટ થઈ ગયા. અને રાઉન્ડ ના અંતે ફાઈનલ માં પહોંચે છે મનન જે પ્રથમ ક્રમાંકે રહે છે, અનવર જે બીજા ક્રમાંક પર રહે છે અને ત્રીજો સ્પર્ધક યુ.કે નો એન્ડ્રયુ છેલ્લા સ્થાન પર રહે છે. રોમાંચ ના અંતે આ પરિણામ ભારત માટે એક ઉજવણી / પ્રસંગ સમાન બની રહે છે . લોકો મનન ની આ જીત ની ઉજવણી ખુબ ધામધૂમ થી કરે છે. સોસીયલ મીડિયા માં પર મનન માટે અનેક સંદેશાઓ આવી રહ્યા છે. હવે ભારત ના લોકોને વિશ્વાસ થઈ ગયો છે આ સ્પર્ધા મનન જ જીતશે અને એમાં પણ એક પાકિસ્તાની અને એક અંગ્રેજ ને હરાવી ને ! સોસીયલ મીડિયા માં અનેકે 'મેમે' બનીને ફરવા મંડે છે.
સોસીયલ મીડિયા અને ન્યુઝ ચેનલ આને ઇન્ડિયા અને પાકિસ્તાન ની સીધી લડાઈ બતાવી રહ્યા છે અને એમાં પણ હાલ માં પાકિસ્તાન થી મળેલી ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ માં હાર ના કારણે હવે લોકો ઈચ્છે છે મનન એ હાર નો બદલો લે.
મોટામોટા રાજકારણીઓ, અભિનેતાઓ મનન ને ટ્વીટર પર અભિનંદન પાઠવે છે અને ફાઈનલ માં જીતી ને આવવા માટે શુભેછાઓ પાઠવે છે.
ગુજરાત ના શિક્ષણમંત્રી મનન ના અભ્યાસ ની દરેક જવાબદારી લેવાની અને તેને ફાઈનલ માં પહોંચવા ના કારણે 10 લાખ નું પુરસ્કાર જાહેર કરે છે.
ફાઈનલ હવે બે જ દિવસ દૂર છે, હોટલ ના રૂમમાં મનન બેઠો છે અને ઇન્ટરનેટ પર સમય વ્યતીત કરી રહ્યો છે ત્યાંજ જેનિલીયા તેની રૂમમાં આવે છે. તે આ ટૂંકાગાળા માં મનન ની સારી એવી દોસ્ત બની ગઈ છે. બંને જણા ખાસો એવો સમય પસાર કરે છે અને પછી મનન અને જેનિલીયા હોટલ માંથી ગાડી માં બેસી ને બહાર નીકળે છે.
બીજા દિવસે સવાર થી જ સોસીયલ મીડિયા માં એક કલીપ ફરી રહી છે જેમાં મનન અને જેનિલીયા બંને એકબીજા ને કીસ કરી રહ્યા છે. આ કલીપ હોટલ ના પાર્કિંગ એરિયા માંથી જયારે તે બંને બહાર જઈ રહ્યા હોય ત્યારની હોય છે. બન્ને કાર માં પાછળ બેસીને એકબીજા ને કીસ કરી રહ્યા હોય છે. ટેક્નોલોજી ના જમાના માં જયારે કોઈ નાની પણ ચીજ વાઇરલ થઇ જાય છે જયારે આતો મનન ની કલીપ હતી તેથી એ તો વાઈરલ થાય જ. ફરી એક વાર મનન ચર્ચા નો વિષય બન્યો. લોકો તેને સ્પર્ધા પર ધ્યાન રાખવાની સૂચના આપવા લાગ્યા. ઘણાલોકો એ આ વાત ને મજાક પણ બનાવી. આખો દિવસ આની પણ ખુબ ચર્ચા થઈ પણ કીસ કરવો એ કોઈ ગુનો તો હતો નહી !
અને હવે આવી ગયો એ દિવસ જેની છેલ્લા એક મહિના થી દરેક દેશ ના સ્પર્ધકો અને તેમના દેશવાસીઓ ને રાહ હતી. ફાઈનલ નો દિવસ !
ફાઈનલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, વિશાળ પ્રેક્ષકગણ ની સામે આ ફાઈનલ યોજાવાની છે. એક પછી એક એમ ત્રણે સ્પર્ધકો ને સ્ટેજ પર બોલાવવા માં આવે છે. તેમનું અભિવાદન દરેક પ્રેક્ષક ઉભા થઈ ને કરી રહ્યા છે. આ ત્રણે સ્પર્ધક માટે અદભુત ક્ષણ હોય છે. આ ફાઈનલ નું દુનિયાભરમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ત્રણેય દેશના સ્પર્ધકો ને પોતપોતાના દેશ તરફ થી સારો એવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે.
ફાઈનલ સ્પર્ધા ના નિયમો કંઈક એવા હોય છે કે આમાં એન્કર ડાયરેક્ટ સ્પર્ધક ને સવાલ નહી પૂછે પણ ત્રણેય સ્પર્ધક ને લેપટોપ આપવામાં આવશે અને ત્રણેય સ્પર્ધક લેપટોપ માં ઓનલાઇન પૂછાયેલા સવાલો ના જવાબ ટીક રૂપે કરશે, તે ત્રણેય સ્પર્ધક ને અલગ અલગ નાનકડા રૂમ માં મોકલવામાં આવશે અને ત્યાંથી તેમણે જવાબ આપવાના રહેશે. તેમાં ત્રણેય સ્પર્ધક ને સ્પર્ધાના અંત સુધી ખબર નહી પડે કે કોણે કયો જવાબ આપ્યો છે અને કોણે કેટલા સાચા અને કોણે કેટલા ખોટા જવાબ આપ્યા છે પણ બહાર રહેલા પ્રેક્ષક અને ટીવી માં જોઈ રહેલી જનતા ને કોણ કેવા જવાબ આપી રહ્યું છે એ વિશાળ પડદા પર દેખાશે..
અને સ્પર્ધા હવે ચાલુ થાય છે.......
એક પછી એક અલગ અલગ વિષય ના સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને ત્રણેય સ્પર્ધક તેનો જવાબ આપી રહ્યા છે. આવા દરેક સ્પર્ધક ને એક જેવા સો સવાલ પૂછવામાં આવ્યા અને ત્યારબાદ સ્પર્ધાની સમાપ્તિ થઈ. આ પ્રકારની ફાઈનલ ની કોઈએ અપેક્ષા કરી ન હતી કે છેલ્લા સમય સુધી કોઈને ખ્યાલ નહી આવે કે કોણ જીત્યું છે.
આ બાજુ એન્કર ત્રણેય સ્પર્ધકો ને અનુભવ પૂછી રહયો છે ફાઈનલ નો અને બીજી બાજુ રીઝલ્ટ તૈયાર થઈ રહ્યું છે.
અને અમુક સમયના અંતરાલ પછી પરિણામ આવે છે એન્કર ના હાથ માં ! તે પરિણામ જાહેર કરી રહ્યો છે અને સ્પર્ધકો ને થોડો ચીડાવી રહ્યો છે અને મજા લઈ રહ્યો છે. પછી થોડા સમય પછી તે જાહેર કરે છે પરિણામ !
એન્ડ્રયુ ના સો સવાલો માંથી ચોર્યાસી સવાલો ના જવાબ સાચા છે.
અનવર ના સો સવાલો માંથી પંચ્યાસી સવાલો ના જવાબ સાચા છે અને છેલ્લે તે જાહેર કરે છે મનન નું પરિણામ.
મનન ના એંસી સવાલો ના જવાબો સાચા પડે છે.
આ પરિણામ થી ભારતના દરેક ઘરમાં એક અલગ પ્રકારની ગમગીની છવાઈ જાય છે. લોકો મનન ને જીતતો જોવા માંગતા હતા, આ પરિણામ અકલ્પનિય હતું તેમના માટે. એક અલગ પ્રકારનો સોંપો જોવા મળી રહ્યો છે. મનન ની મમ્મી પણ કોઈપણ હાવભાવ વગર ટીવી સામે બેઠેલી જોવા મળે છે. કોઈ હવે સોસીયલ મીડિયા પર પણ કાંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નથી હોતું.
વિજેતા અનવર ને જાહેર કરવામાં આવે છે અને તેને સ્પર્ધાની ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવે છે અને પછી તેને માઈક આપવામાં આવે છે બોલવા માટે, તે હિન્દી માં બોલે છે આજે સ્ટેજ પર : " મુજે પતા નહી હૈ મેં જો બોલ રહા હું વો કિતને લોગ સમજ પાયેંગે, પર મુજે જીનકો સુનાના હૈ વો તો ઝરૂર સમજ પાયેંગે, મેં યહ જીતા હું તો વો સિર્ફ મનન કી વજહ સે, હા આપલોગો ને સહી સૂના મેં મનન કી વજહ સે જીતા હું, વો જાનબુઝ કર હારા હૈ, મુજે જીતાને કે લિયે ! કલ રાત કો જબ હમ બાત કર રહે થે તબ હમને એક દુજે કો યહ જીતના કિતના માયને રખતા હૈ વો બતાયા થા તબ હી મુજે મનન ને પ્રોમિસ દિયા થા કી યહ મેં હી જીતુંગા ક્યૂન્કિ ઉસસે જ્યાદા મુજે જરૂરત હૈ પ્રાઇસ મની કી, ઉસકો તો પહેલે સે હી જરૂરત જીતના મિલ ચુકા હૈ, જ્યાદા ઉસકો ચાહિયે નહી થા. ઔર ઉસને દોસ્તી નિભાયી હૈ આજ મુજે જીતાકર" આટલું બોલતા તે રડી પડ્યો. ભારત માં પણ ઘણા લોકોની આંખોમાં આંસુ હતા, તેમણે આ બંન્ને દેશ વચ્ચે દુશ્મની જ જોઈ હતી, આ દોસ્તી તેમના માટે નવી હતી. કોઈ આ લેવલે પહોંચ્યા પછી આટલું મોટુ બલિદાન કઈ રીતે આપી શકે તે લોકો વિચારી રહ્યા હતા.
સ્પર્ધા ના આયોજકો થી લઈ ને ત્યાં ઉપસ્થિત લોકો માટે આ એક અનેરા આનંદ ની વાત હતી કે આ સ્પર્ધા થકી કદાચ બે દેશ સબંધો સુધરી પણ શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.
પાકિસ્તાનમાં અનવર સાથે મનન ની વાહવાહી થતી હતી, જ્યાં બંને દેશ ની સરહદ પર લડાઈ થતી હોય છે તે સમયે આ એક શાંતી નું પ્રતીક સમાન કિસ્સો હતો. સોસીયલ મીડિયા પર આ દોસ્તી નો કિસ્સો વાઇરલ થઈ રહ્યો હતો. બંને દેશ ના નાગરિકો વચ્ચે અમુક હદે કડવાહટ દૂર થઈ હતી.
મનન ના આ નિર્ણય થી દેશના વડાપ્રધાન પણ ખુશ હતા અને તેમણે પણ આ ઉંમરે મનન ની ત્યાગ ભાવના ને બિરદાવી.
મનન ની માતા ની આંખોમાં પણ મનન પ્રત્યે ગર્વ ની લાગણી જોઈ શકાતી હતી.
આંખો માં સપના લઈ ને નીકળેલો મનન એક અલગ અનુભવ લઈ ને પોતાના દેશ પરત ફરે છે. પહેલા તે પોતાની માતા નું ગૌરવ હતો હવે તે આ દેશ નું ગૌરવ છે. તે ખરા અર્થ માં એક વિજેતા બની ને ભારત પાછો આવ્યો છે.
સમાપ્ત.
હાર્દિક રાવલ