આંસુડે ચિતર્યા ગગન
(32)
બીજે દિવસે અંશ અને અર્ચના હનીમૂન માટે મહાબળેશ્વર જવા નીકળ્યા. ત્યારે અર્ચનાએ શેષભાઈ ને કેટલાંક સૂચનો આપવાનું હિતાવહ માન્યું.
‘શેષભાઈ ! બિંદુભાભીની આસપાસ અંશના જ કપડા પહેરીને ફરજો. અને એની ઢીંગલીને ખાસ રમાડજો. નર્સ દવાઓ બધી સમયસર આપતી રહેશે. પરંતુ ગઈકાલની એમની તાણ જરા મનને ચિંતિત કરે છે. જો એવું ફરી થાય તો ફોન કરીને અમને જાણ કરી દેજો.’
ટ્રેનની મુસાફરી શરુ થઈ. અલગ કમ્પાર્ટમેન્ટ મળ્યું હતું તેથી ખાસ કોઈ પ્રોબ્લેમ નહોતો.
‘અર્ચી ! ભાભીને પીલ્સ આપી દઈએ તો ?’
‘ગાંડો થયો છે?’
‘કેમ ?’
‘એબોર્શન થઈ ગયું તો પછી એ કદી સાજા નહીં થાય.’
‘પણ એક વખતમાં રહી જશે ?’
‘હા રહી જશે અને ના રહે તો પછી એમનું નસીબ.’
‘પણ જે દિવસે તેને શેષભાઈની ઊણપની ખબર પડશે તે દિવસે તો હું માનું છું એ ભયંકર ત્રાસ વેઠશે.’
‘સર્જરી કરતી વખતે ડૉક્ટર ઘેન ઉતર્યા પછી પેશન્ટને શું વીતશે એની ચિંતા કરે છે ખરો ?’
‘હં !’
‘બસ એમ જ આ ચિંતા અત્યારે ન કર. મને આ એક્શનના સાઈડ એક્શનની ખબર છે.’
‘શું છે ?’
‘બિંદુભાભી આત્મહત્યા પણ કરી બેસે. પણ હવે શેષભાઈ છે. હું છું – તને અને એમને એમની નજર સમક્ષ નિર્દોષ પુરવાર કરનારા. તેથી તે ભૂલી જા – હમણાં તો તે તને ભૂલે અને શેષભાઈને શેષ તરીકે સ્વીકારે તે અગત્યનું છે. અને તેથી પણ અગત્યનું એક બીજું તત્વ છે – અને એ-’
‘તે શું ?’
‘તું હમણાં તેને ભૂલે…’
‘ટોન્ટ મારે છે ?’
‘ના, પણ અંશુ, આપણે આપણું પણ જીવન જીવવાનું છે. બહુ સંવેદનશીલ બનીને આપણે બીજામાં પરોવાઈ જઈને આપણાપણાનો ભોગ આપીએ છીએ તે સમજાય છે ને તને ?’
‘હા..’
‘થોડીક મૌનની ક્ષણો વીતી ગઈ. ’
‘અર્ચી !’
‘હં !’
‘સુરત આવતું લાગે છે….. ’
‘હા.. ઘારી લઈશું ?’
‘જતા લેતા લઈશું – હમણાં ઘારી ખાઈને શું કરીશું ?’
‘બોમ્બે તારા માસીને ત્યાં આપવા. ’
‘હં ! લઈ લે.’
‘ઠંડું પીશ ?’
‘હા ..’
‘એઈ કુલી ! બે કોલ્ડડ્રીંક, અને એક કિલો ઘારી લાવી આપીશ ?’
‘ભલે સા’બ પૈસા આપો.’
‘લે આ વીસ રૂપિયા…’
અંશ – ‘નહીં, તું જઈને લઈ આવ એટલે પૈસા આપી દઈશું.’
‘કેમ ?’
‘પાછો ન આવે તો ?’
‘એ પણ ઠીક કહ્યું ! પણ જવા દે. હા મેડમ ઠીક કહે છે. પહેલા જઈને લઈ આવ – સારામાંની લાવજે.’
‘ભલે સાહેબ ’ – કુલી સલામ મારીને જતો રહ્યો.
ટ્રેન ઉપડવાની તૈયારી થઈ ગઈ – પણ કોઈ ન આવ્યું રેલ્વે સ્ટેશનની બલિહારી એવી રુડી છે ને કે આવું તો બન્યા જ કરે. ‘’
મહાબળેશ્વર પહોંચતા વહેલી પરોઢ થઈ ગઈ હતી. સૂર્યોદય થઈ રહ્યો હતો – પહાડોની કંદરામાંથી શોણિતવર્ણો સૂરજ નીકળી રહ્યો હતો. પક્ષીઓની ચહલ પહલથી વાતાવરણ ગૂંજતું હતું.
મહાબળેશ્વર પહોંચીને હોટલની તલાશ શરૂ કરી. એમના જેવું જ એક મુંબઈનું કપલ તેમની સાથે થઈ ગયું. ભદ્રા અને મયંક. મયંક મુંબઈના ખ્યાતનામ ઝવેરી બજારમાં હતો. ભદ્રા સાથે તેના લગ્નને વરસ થઈ ગયું હતું. અને તેઓ સહેલગાહે નીકળ્યા હતા.
અમદાવાદ ટ્રંકકોલ કરી હોટલનું સરનામું આપ્યું અને બિંદુની તબિયત વિશેની અર્ચનાની પૂછપરછનો જવાબ સીધો અને સરળ મળ્યો. અંશીને રમાડે છે તે બિંદુને ગમે છે. એથી હમણાં ચિંતા ન કરશો.
‘અંશભાઈ એક વાત પૂછું ?’ – ચા પીતા પીતા મયંકે પૂછ્યું
‘હં ! મયંકભાઈ.’
‘તમારા લગ્ન હમણાં જ થયા ?’
‘હા… કેમ ?’
‘લાગતું નથી નવા પરણેલા તો બીજાની સાથે વાત કરવા પણ નવરા નથી હોતા.’
‘ખરું પૂછો તો એ ઉન્માદક સંવનનના તબક્કામાંથી અમે બહાર આવી ચૂક્યા છીએ તે ખરું – પણ લગ્ન તો હજી હમણાં જ થયા છે.’
‘હું અને ભદ્રા જ્યારે તાજા પરણ્યા હતા ત્યારે તો બે દિવસ લાગલગાટ રૂમમાં જ પૂરાઈ રહેલા – ’
‘હં ! પછી શું થયું ? અર્ચનાએ ટહુકો કર્યો. ’
ત્રીજે દિવસે હોટલનો મેનેજર આવીને કહે – ‘તમને લોકોને ખબર છે મહાબળેશ્વર ઉપર જોવાલાયક ઘણી જગ્યાઓ છે.’
ભદ્રાએ એને કહી દીધું – ‘પણ અમારા જોવાલાયક સ્થળોને જ હમણાં તો જોઇએ છીએ.’
ખડખડાટ હાસ્ય વચ્ચે શરમાઈને ભદ્રાએ છણકો કર્યો – ‘લાજો હવે ! એ લોકો તો ડૉક્ટર છે. આપણા જેવું થોડું હતું ?’
‘ખેર ! સાંજે સનસેટ પૉઈન્ટ ઉપર આવવું છે ?’
‘જરૂર જઈશું !’
રૂમમાં જઈને અંશે અર્ચનાને કહ્યું – ‘મારા કપડા કાઢ. હું નાહી લઈશ.’
‘એટલે ?’
‘એટલે બેગમાંથી કપડા કાઢ – ’
‘હં તો ઠીક… હું જરા જુદું સમજી હતી…’
‘જુદું એટલે ?’
‘જુદું એટલે… તારા શરીર પરથી… સમજી હતી….’
‘અને એવું જ કહ્યું હોત તો ?’
‘તો… એમ પણ કરત… ’
‘જા – જા ચીબાવલી ! બોલી મોટી… એમ પણ કરત…’ હસતા હસતા બંને બાથરૂમ તરફ ગયા.
સાંજે સનસેટ પૉઈન્ટ ઉપર મંદ મંદ વહેતા પવનમાં ડૂબતા સૂરજની શાખે અંશ ફોટોગ્રાફ્સ લેવા માંડ્યો હતો. કદીક હસતી અર્ચના – કદીક ચાળા પાડતી અર્ચના – કદીક ટોપો પહેરેલી અર્ચના – અને કદીક સાડી ઓઢીને શરમાતી અર્ચના –
પછી માથે નેજવું કરીને હસતો અંશ – સેલ્યુટ મારતો અંશ – બરફનો ગોળો ચૂસતો અંશ – આંખ મિચકારતો અંશ… અને છેલ્લો ફોટો બંને જણાનો સાથે સંવનન કરતો મયંકે પાડ્યો – વચ્ચોવચ ડૂબતો સૂરજ હતો.
સાંજ પૂરી થઈ.
***
પંદર દિવસે જ્યારે પાછા આવ્યા ત્યારે અંશે મૂછ અને દાઢી વધારી દીધા હતા. ચશ્માં પહેરી લીધા હતા. અને મૂળભૂત રીતે શેષના બધા જ પ્રકારો છોડી દીધા હતા. અંશ, અંશના જેવો લાગતો જ નહોતો – સહેગલની આછેરી આભા તેનામાં દેખાતી હતી.
શેષભાઈએ એમને આવકાર્યા. અર્ચના મનમાં કુતૂહલ હતું. – ‘શેષભાઈ, બિંદુભાભીનો રીસ્પોન્સ કેવો છે ?’
‘કઈ બાબતમાં ?’
‘તમને હજી મહેમાન જ માને છે કે પછી… ?’
‘ના, હવે ઘરનો વ્યક્તિ તો સમજે છે. પણ હજી શેષ નથી માનતી. – વારંવાર પૂછ્યા કરતી હતી – અંશીના પપ્પા કેમ દેખાતા નથી ?’
‘હં !’
‘શું હં ?’ અંશે છણકો કર્યો.
‘એમને શોક ટ્રીટમેન્ટ આપવી જ રહી.’
‘કોઈ વચલો રસ્તો ?’
‘છે અને આ ઢીંગલી છોડાવવી રહી ’
‘હમણાં જ ઢીંગલીને ફેંકી દઉં… ?’ શેષ બોલ્યો.
‘ના – એમ કરવાથી એમને શોક નહીં લાગે.’
‘તો ?’
‘પહેલાં તેઓ માનસિક રીતે જરા અસ્વસ્થ બને તેવું કંઈક કરવું રહ્યું – એટલે કે કંઈક નાટક જેવું.’
‘ભલે તું જે કરીશ તે તેના ભલા માટે જ હશે ’
‘અને બીજી એક વાત !’
‘શું ?’
‘એ ટાઈમમાં બેઠા ખરા ?’
‘ના – નો એકાક્ષરી જવાબ અર્ચનાના મનને ન સમજાય તેવી અકળ વિમાસણમાં મૂકી ગયો.’
પછીના પંદરેક દિવસોમાં કશું બન્યું નહીં – પણ સોળમા દિવસે વહેલી સવારે બિંદુભાભીને ઊલટી થઈ. ચક્કર આવ્યા અને ગભરામણ શરૂ થઈ. અર્ચનાને આ દિવસની આતુરતાપૂર્વક રાહ હતી. શેષ અને અંશ બંને મૌન હતા. શેષને બિંદુ સારી રીતે હવે રીકવર થઈ જવાની આશા બંધાતી જતી હતી. જ્યારે અંશ અને અર્ચના ડૉક્ટર તરીકે શાંત હતા – જે દુર્ઘટનાને સ્વપ્ન માનીને બંને ભૂલવા માંડ્યા હતા – જિંદગીભર એક નાનકડા બાળકના રૂપમાં તેમની સાથે રહેવાનું હતું.
શેષભાઈને બેંગ્લોર જવાનું થયું – અર્ચનાએ પંદરેક દિવસની હજી રજા લેવાનો આગ્રહ કર્યો.
‘શેષભાઈ હજી થોડા દિવસ વધુ રોકાવાય તેમ હોય તો રોકાઈ જાવ ને.’
‘હવે બિંદુને મારી જરૂર પ્રમાણમાં ઓછી છે છતાં તને લાગતું હોય તો રજા લઈ લઈશ. પણ બેંગ્લોરની ટ્રિપ પછી.’
‘ભલે…’
બેંગ્લોરની ટ્રિપ ઉપર જતા શેષને અંશ કે અર્ચના ન રોકી શક્યા પણ બિંદુ રોકી ગઈ. નજમાનો કેસ અંશે વાંચ્યો… તેને સાજા થવા પતિની હૂંફની જરૂર હતી. બાળકની જરૂર હતી. બિંદુ પાસે હવે બંને છે તેથી અર્ચનાની જેમ તેને પણ આશા બંધાઈ હતી કે બિંદુભાભી હવે બચી જશે.