glamour word in Gujarati Fiction Stories by Shakti books and stories PDF | ગ્લેમર વર્લ્ડ

The Author
Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ગ્લેમર વર્લ્ડ

જેમ્સ..! જેમ્સની હત્યા..! જેમ્સની પત્ની મિસિસ મેરી..! અને મિસિસ મેરી સાથેનો અન્ય યુવાન.. મિશાનું મગજ ચકરાવે ચડી ગયું હતું. કેટલી મોટી જાળ હતી આ? હવે હું શું કરું? મિસિસ મેરીને મળ્યા વગર જતી રહું? શું કહીશ મિસિસ મેરીને? કેમ બોલાવી હશે મેરીએ મને અહીંયા? એને મારો કોન્ટેક્ટ કોણે આપ્યો? એક વાર મેરીને મળી તો લઉં. જોઉં તો ખરી કે કેમ એમણે મને અહીંયા મળવા બોલાવી છે? અને મિશા ત્યાં જ સંતાઈ રહી. થોડી વાર પછી એણે પેલા યુવાનનો જવાનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ તે જાણે હજુ હમણાં જ આવી હોય એવો દેખાવો કરીને ડોરબેલ વગાડીને ઉભી રહી.

મિસિસ મેરીએ અત્યંત દુઃખી ચહેરે એને આવકારી. અને એને વળગીને રડી પડી. "મિશા, આ શું થઈ ગયું? જેમ્સ આપણી વચ્ચે નથી રહ્યા. શું બગાડ્યું હતું એણે કોઈનું? શું કામ કોઈ એને મારી શકે?" મિશા મેરીના આ ડબલ સ્ટાન્ડર્ડ વર્તનને જોઈ રહી. કેવી રીતે રિએક્ટ કરવું એ એને સમજાયું નહિ. આથી એ મેરીની પીઠ પસવારતાં ઉભી રહી. અને બોલી "મિસિસ મેરી પોતાની જાતને સંભાળો પ્લીઝ."

મેરી થોડીવાર પછી પોતાની જાતને સંભાળીને બેઠી. "મિશા, મેં આજે એક અગત્યના કામ માટે તને બોલાવી છે."

"હા બોલો ને.!"

"મિશા હું જાણું છું જેમ્સની હત્યા કોણે કરી છે."

"શું? મિસિસ મેરી તમે આ શું કહી રહ્યા છો?"

"હા મિશા. આ જો. આ મલિક છે. જેમ્સનો હરીફ અને એનો દુશમન પણ." મેરીએ ફોનમાં એક ફોટો બતાવતાં કહ્યું. મિશા આ ફોટો જોઈને ચોંકી ઉઠી કેમકે આ ફોટો એ જ યુવાનનો હતો કે જે મિસિસ મેરી સાથે રસોડામાં હતો. અને જેની સાથે લગ્ન કરવાની વાત મેરી કરી રહી હતી.

"વ્હોટ.. તો તમે આ પોલીસને કેમ નથી કહેતાં? પોલીસ અરેસ્ટ કરશે એને."

"ના મિશા. આપણી પાસે કોઈ પ્રૂફ નથી. અને પોલીસ હંમેશા પુરાવા જ માંગે છે."

"હમમમ બરાબર. તો આમાં હું તમારી શું મદદ કરી શકું મેરી?"

"હું એમ વિચારતી હતી મિશા કે ટૂંક સમય માટે જો તું જેમ્સની હત્યાનું કબૂલ કરે તો આ મલિક બિન્દાસ્ત થઈ જશે અને કોઈ ભૂલ કરશે જ. અને ત્યારે આપણે એને પકડી લઈશુ"

પોતે ખુબ મોટા ષડયંત્રમાં ફસાતી હોવાની મિશાને ગંધ આવી. આથી એણે ચોખ્ખી ના પાડી દીધી. જયારે પોતાનો દાવ નિષ્ફળ જતો લાગ્યો ત્યારે મિસિસ મેરી મિશાને ધમકાવવા મંડ્યા અને જો આવું નહિ કરે તો મિશાને બદનામ કરવાની ધમકી આપી પણ મિશા નહિ જ માની. અને ત્યાંથી જતી રહી.

આ તરફ લાવણ્યાની પ્રથમ ફિલ્મ ફ્લોપ ગઈ. એ હતાશ થઈ ગઈ પણ એની સાથે આરવનો સાથ હતો. એનાં મમ્મી-પપ્પા સતત ફોન પર એને પ્રોત્સાહન આપતાં રહેતા આથી એણે પોતાની જાતને સંભાળી લીધી. ફિલ્મ ભલે ફ્લોપ થઇ હોય પણ લાવણ્યાનો અભિનય અદભુત હતો અને ઘણાં ફિલ્મ-ડિરેક્ટર્સને એ ધ્યાનમાં આવ્યું. અરે એક-બે ફિલ્મ-ડિરેક્ટરનો તો ફોન પણ આવ્યો હતો. આથી લાવણ્યા જલ્દી હતાશામાંથી બહાર આવવા માંડી. અને એણે પોતાના કામ પર ધ્યાન આપવાનું શરુ કર્યું,

મિશા જલ્દી આગળ વધવાની લ્હાયમાં પોતાનું જ નુકશાન કરી રહી હતી. એને રાતોરાત સફળતા જોઈતી હતી. રાહ જોવાનું એને ફાવતું જ ન હતું. જયારે લાવણ્યાની પહેલી ફિલ્મ ફ્લોપ થઈ ત્યારે પણ એણે મનોમન એ ફિલ્મનું ઓડિશન ન આપ્યાનો ગર્વ અનુભવ્યો હતો.

મિસિસ મેરીએ મિશાને બદનામ કરવા મિશા અને જેમ્સની ક્લિપ વહેતી કરી દીધી હતી. મિશાને એમ હતું કે આ ક્લિપ તો એણે પોતે જ ડિલિટ કરી દીધી છે અને હવે એ ક્યાંય પણ નથી. પણ જેમ્સે એ ક્લિપ પોતાના લેપટોપમાં નાખી લીધી હતી જ્યાંથી મેરીએ ક્લિપ લઈને ફરતી કરી દીધી હતી. સાથે સાથે મેરીએ મિશાનો નંબર પણ વહેતો કરી દીધો હતો. મિશા અનેક અજાણ્યા ફોન-કોલ્સ થી હેરાન થઇ ગઈ હતી. અનેક જગ્યાએ એને કોલગર્લની જેમ ચીતરવામાં આવી રહી હતી. હવે એને ફિલ્મોની ઑફર્સ તો આવતી હતી પરંતુ એ દરેક ફિલ્મ બી-ગ્રેડની હતી અને એમાં મિશાએ અંગ-પ્રદર્શન સિવાય ખાસ કશું જ કરવાનું રહેતું નહિ. વળી આ બધી પરિસ્થિતિમાં મિશા સાથે એનું પોતાનું કોઈ કહી શકાય એવું પણ ન હતું. બધી બાજુથી માનસિક તણાવથી ઘેરાઈને મિશાએ આત્મહત્યાનો પણ પ્રયાશ કર્યો. પણ એ બચી ગઈ. અને એક દિવસ એ લાવણ્યાને પણ કંઈ પણ કહ્યા વિના મુંબઈથી ક્યાંક દૂર જતી રહી.

આ તરફ લાવણ્યાની બીજી ફિલ્મ હિટ ગઈ અને એની ગણના ઉત્તમ અભિનેત્રીઓમાં થવા માંડી. છતાંય એને ક્યારેય પોતાના સ્ટારડમનું અભિમાન નહિ હતું. હજીય એ પહેલા જેવી જ લાવણ્યા હતી. ફિલ્મોમાં સફળ જતા અનેક હીરો તેમજ જાણીતા વ્યક્તિઓએ લાવણ્યાની નજીક આવવાનો અને એની સાથે સંબંધ સ્થાપવાનો પ્રયાશ કર્યો હતો. પણ લાવણ્યાએ તમામ પ્રસ્તાવને સૌમ્યતાથી નકાર્યા હતા. એનાં માટે આજે પણ આરવનું એ જ સ્થાન હતું. એક ખાસ દોસ્તથી કંઈક વિશેષ. જયારે મિશા જતી રહી ત્યારે પણ એક મિત્ર તરીકે એને શોધવાના અનેક પ્રયત્ન કર્યા હતા લાવણ્યાએ. અરે જયારે મિશાએ આપઘાતનો પ્રયાશ કર્યો ત્યારે લાવણ્યાએ પોતાના કેટલાક મિત્રોને પણ મિશાને કામ આપવા માટે ભલામણ કરી હતી. પણ મિશાને એ બહાર નહિ કાઢી શકી.

આજે લાવણ્યા માટે જીવનનો ખાસ દિવસ હતો. એનાં માં-બાપની મરજીને માન આપીને લાવણ્યા આજે આરવ સાથે સગાઇ કરવા જઈ રહી હતી. આરવ પણ ખુબ જ ખુશ હતો એનાં સપનાની જીવનસાથીને મેળવીને. હજુ એકાદ-બે વર્ષ કારકિર્દીમાં સેટ થયા પછી લગ્ન કરવાની લાવણ્યાની ઈચ્છાને પણ આરવે માન્ય રાખી હતી. હમણાં બંને બસ સગાઇ કરી રહ્યા હતા અને એકાદ-બે વર્ષ પછી લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા. બંનેના ઘણાં મિત્રો તેમની આ ખુશીમાં સહભાગી થવા આવ્યા હતા. મીડિયા પણ સુપરસ્ટાર લાવણ્યા શેઠના ફોટા પાડવા માટે અને ઇન્ટરવ્યૂ લેવા માટે તલપાપડ થઇ રહ્યા હતા.

અંતે લાવણ્યા અને આરવએ આવીને મીડિયાને પોઝ આપ્યા અને સાથે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો. સતત બે-ત્રણ દિવસ સુધી લાવણ્યાના ફોન અને સોશ્યિલ મીડિયા એકાઉન્ટ્સ અભિનંદનના મેસેજીસથી રણકી રહ્યા હતા. એવામાં એક અજાણ્યા નંબર પર થી લાવણ્યાને ફોન આવ્યો.

"અભિનંદન લાવણ્યા શેઠ. આજે મને અહેસાસ થઈ ગયો છે કે તું સાચે જ આ ગ્લેમર વર્લ્ડની ક્વીન છે. અને હું? હું એક નિષ્ફળ અભિનેત્રી. અરે અભિનેત્રી પણ નહિ એક નિષ્ફળ મોડેલ અને નિષ્ફળ વ્યક્તિ. ખેર, ઘણી ઘણી શુભકામના તને. ભગવાન તને એ દરેક ખુશી આપે જે ક્યારેય મને ના મળી શકી."

"મિશા??? મિશા ક્યાં છે તું? મેં તને કેટલી શોધી. ક્યાં છે તું મિશા? ઠીક તો છે ને?"

"હવે તું સુપરસ્ટાર છે લાવણ્યા. તારી ભૂતકાળની રૂમ-મેટની ચિંતા આટલી શું કામ કરે છે?"

"મિશા તું નશામાં છે?"

"શું ફર્ક પડે છે લાવી? હવે આ જ જિંદગી છે મારી."

"મિશા..." પણ ફોન કપાય ગયો. લાવણ્યાએ ફરી એ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાશ કર્યો પણ વ્યર્થ.

કેવું નહિ? લાવણ્યા વિચારી રહી કે બંનેએ લગભગ સાથે શરૂઆત કરી હતી આ જીવનની. પણ આજે મિશાની કેવી ખરાબ હાલત છે? કેવી છે આ ઝાક-ઝમાળની દુનિયા જેમાં કંઈ કેટલીય મિશાના સપના અને જિંદગી બંને રોળાય છે. તો વળી કોઈક કોઈક લાવણ્યા સુપરસ્ટાર પણ બની જાય છે. ગજબ છે આ ગ્લેમર વર્લ્ડ..! પૂરેપૂરું ક્યારેય કોઈને ન સમજાયેલું એક વિચિત્ર જાળું. જેમાં કોઈક ફસાય જાય છે અને કોઈક પોતાની અલગ જ ઓળખ બનાવી જાય છે.

***

વાચક મિત્રોનો ઘણો ઘણો આભાર મારી આ વાર્તા વાંચવા માટે. ક્યારેક કોઈ ભાગ લખવામાં વાર લાગી હોય તો એ માટે હું તમામ વાચકોની માફી માંગુ છું. મારી આ વાર્તા કેવી લાગી એ મને ચોક્કસ જણાવજો. મારાં ફેસબુક પેજ "શક્તિ બ્લોગ" પર પણ તમે તમારાં વિચારો જણાવી શકો છો.અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/