આજે અમે તમને અમુક એવા લોકોનો પરિચય કરાવશું જેમાંથી કોઈને કોઈ હમેશા તમારી આસપાસ હોય જ છે. અમે આ લેખમાં એ લોકોના નામ નહિ જણાવીએ અને તમે પણ કોઈને ના જણાવતા નહીતો કોઈને ખોટું લાગી જશે. તમે પોતે પણ હોઈ શકો છો આ વ્યક્તિઓમાં તો આવો તમને જણાવીએ મસ્ત મસ્ત ફૂડી (ખાઉધરા) લોકો વિષે. મજા આવશે.
બધાજ વ્યક્તિઓ જમવાની અને ખાવાની બાબતમાં અલગ અલગ હોય છે. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. અમુક લોકો હમેશા તીખું જ ખાવાનું પસંદ કરતા હોય છે, અમુક લોકો તો ગળ્યું ખાવા માટે જ જીવતા હોય છે. અમુક લોકોને હમેશા બહારનું જ જમવાનું ગમે છે. અમુક લોકોને બીજાના ઘરનું જ ખાવાનું ભાવે છે. અમુક લોકોને તો બહારનું ભાવે ખરું પણ બીજાના પૈસે. તો આવો થોડું ડીટેલ માં જાણીએ.
અમુક લોકો હશે તમારી આસપાસ જે લગ્ને લગ્ને કુવારા મતલબ હજી હમણાજ જમીને ઉભા થયા હોય અને પાછુ ફરીથી કઈક ખાવા માંગે. “બસ હવે થોડો કોરો નાસ્તો મળી જાયને તો મજા આવી જાય”, “હાળું કઈક ખાવું પડશે હો નહીતો ઊંઘ નઈ આવે.”
અમુક તો ખાઉં ખાઉં ને નાટક બહુ કરે “ ના ના હમણાજ જમીને આવ્યા છે”, “ અરે પેટ બહુ ફૂલ છે સેહજ પણ જગ્યા નથી”, “અરે આટલો બધુ નઈ ખવાય મારાથી”, “ના ના હું જમ્યા પછી ખાસ બહુ નથી ખાતો”, આટલા બધા નાટક કરશે અને પછી જેવું પેલી સામેની વ્યક્તિ આગ્રહ કરવાનું માંડી વાળશે ત્યારે “સારું તમે આટલો આગ્રહ કરો છો તો થોડું ખાઈ લવ.” એમ કહીને મંડી પડશે ખાવા અને જો તમારું ખાવાનું ટેસ્ટી હશે (હશે જ ને ??)તો મારા હાળા ફરી માંગશે. “ અરે ભાભી બહુ સરસ બનાવ્યું છે લાવો ને થોડું બીજું આપોને” “વાહ આના જેટલા ટેસ્ટી ગુલાબજાંબુ તો મેં કોઈ દિવસ નથી ખાધા લાવોને કાકી આપોને ખાલી બે જ આપજો હો વધારે નઈ ખવાય.” (આ બે માંગ્ય એ પેહલા ૩ કે ૪ તો ખાઈ ગયા હોય.)
અમુક તો હમેશા ભૂખ્યા જ હોય કોઈ દિવસ તમે એમના મોઢે થી ખાવા માટે ના સાંભળી જ નઈ હોય. “એ બકા ચાલને વડાપાઉં ખાવા જઈએ.” “એ ભાઈ તુ કઈ નાસ્તો લાવ્યો છે મને બહુ ભૂખ લાગી છે.” ( ઓફિસમાં હજી તો ૩૦ મિનીટ જ થઇ હોય છે બપોરનું જમવાનું પતે.) એ ભાઈ ચક્કર આવે છે તારી પાસે છે કઈ ખાવાનું...,
કોઈને તો હમેશા બીજાનાજ ઘરનું ખાવાનું ભાવે. “એ માસી તમે પેલા દિવસે ઢોસા મસ્ત બનાવ્યા હતા હવે ફરી ક્યારે બનવાના છો? બનવા હોય તો બોલાવજો મને હું મદદ કરીશ.” (મદદ તો બહાનું હોય એ બહાને બેનને મફતના ઢોસા ખાવા હોય છે.) “અરે મમ્મી પેલા શાન્તામાસી કેવું સરસ શાક બનાવીને ચાખવા આપી ગયા હતા એવું બનાય ને યાર.” આવું તમારી મમ્મીને કહો એટલે પછી ૧ અઠવાડિયા સુધી રોજ જમવામાં ખીચડી જ આપે.
જેના નવા નવા લગ્ન થયા હોય અને પોતાના માતા-પિતા (અમે તો સાસુ-સસરાને પણ માતા-પિતા જ કહીએ છે.)થી અલગ રેહતા હોય એ લોકોની પણ અલગ તકલીફ હોય. “જાનું તુ રોજ નવી નવી આઈટમ બનાવે છે કોક વાર તો મારી મમ્મી જેવું ખીચડી શાક ભાખરી બનાવને” અને પછી આમા રોજ ખીચડી ના મળે ભઈ અહી તો જમવા જ ના મળે અઠવાડિયા સુધી અને રોજ હોટલ માંથી લાવીને ખાઉં પડે અને પછી તમારી જાનું ને માનવા કેટલાય નાટકો કરવા પડે. માટે હમેશા જે મળે એ શાંતિ થી ખાઈ લેવું. (ખબર છે ને અમુકને તો એય નથી મળતું.)
અમુક લોકો ભૂખ્યા હોય પણ એમને કોઈ બહુ આગ્રહ કરે તો જ ખાય. જમવા બેસે અને એટલું માન મંગાવે કે ના પૂછો વાત “ અરે ભાભી હવે નઈ ખવાય (૨ વાટકી બાસુંદી પીધી હશે તોય.) એટલે પછી ભાભી કહે “અરે એવું તે ચાલે તમને બાસુંદી ભાવે છે તમારા ભાઈએ મને કીધું હતું હજી તો તમારે બીજી ૫ વાટકી પીવાની છે.” આટલું સાંભળે એટલે પેલા ભાઈ ફુલાઈ કાઈ ફુલાઈ અને બીજી ૫ વાટકી બાસુંદી સાચે જ પી જાય (પછી જમીને ઉભુંય ના થવાય એટલું ખાઈ લે.)
કેટલાક લોકોને તો લગ્નનું જમવાનું એટલું ભાવે કે શું કહું તમને કાલે લગ્ન હોય ને તો આગલી રાતે જ વાડીએ પોહચી જશે અને બધું ચાખી આવશે.(જાણે કાલે એમને જમવાનું નઈ મળે તો એ રહી જશે.) પાછુ પૂછીએ તો કહે વેહવાર છે જવું તો પડેને બધી તૈયારી બરોબર ચાલે છે કે નહિ એ જોવા.
અમુક લોકો હોય એમને હોટલમાં જમવા જવું તો ગમતું હોય પણ પોતાના પૈસા વાપરવા ના ગમતા હોય. હમેશા જો કોઈ બીજાની પાર્ટીમાં ગયા હશે તો એવી એવી આઈટમ મંગાવીને ખાશે ને કે અમુકના તો આપડે નામેય નઈ સાંભળીય હોય. પાછુ ખાવાનું તો એટલું કે પછી ૬ મહિના સુધી એમને હોટલમાં ના લઇ જાવ તોય ચાલે. (એમાય સ્ટોક કરી લે બોલો.) અને જો એવા લોકોને બીજાને પાર્ટી આપવાની હોય ત્યારે શું કરે ખબર છે?? ઘરે પાઉભાજી અને પુલાવ અને મિષ્ટાનમાં ગુલાબજાંબુ.
હમણાની અમુક બેહનો ડાયટ બહુ કરે હો શરીર પરની ચરબી ઉતારવા કશું ખાય નહિ, સવારે ઉઠીને આમળા નું જ્યુસ, થોડું એટલે ૨૫૦ ગ્રામ સલાડ અને ૨ કપ ગ્રીન ટી. એક વખતના જમવામાં ફક્ત ૫૦૦ ગ્રામ કોબી, એમાં ૨૫૦ ગ્રામ કાકડી અને ૨ મોટા બીટ (બાફેલા હો.) આટલું જ ખાય... અને રાત્રે જમવામાં તો ૨ વાટકા સૂપ, કિલો સફરજન, અને ૧ ડીશ બાફેલા કઠોળ. બસ ખાલી આટલું જ. (આમાં ક્યાં શરીરની ચરબી ઓછી થવાની હતી.)
અમુક એવા લોકો પણ હોય જમવા બીજાના ઘરે ગયા હોય અને યજમાનને (જેમના ઘરે જમવા ગયા હોય એ ઘરના માલિક) આગ્રહ કરે કે તમે લો તમે લો મારે હવે નઈ જોઈએ. (નહિ જોઈએ નહિ જોઈએ કહીને ૩ કે ૪ વાર તો લઇ લીધું હોય.)
અમુક મેહમાન તો એવા હોય કે આપણે ફક્ત એમના પરિવારને જમવાનું કહ્યું હોય તો એ એમના બાજુવાળા મુન્નાને પણ સાથે લેતા આવે. હશે એમને કોણ સમજાવે...
અમુક લોકોને હોટલમાં જમવા લઇ જવા બહુ મોંઘા પડે એ લોકો બહુ ખાય એટલે નહિ એ લોકો બહુ થોડું ખાય એટલે. હજી તો સૂપ અને સ્ટાર્ટર જ લીધું હોય ત્યાં જ “બસ મારું પતી ગયું હવે નઈ ખવાય.” અરે ભાઈ એક તો તને આટલી મોંઘી હોટલમાં લાવ્યા અને તુ પૂરું વસુલ પણ ના કરે એ કેમ ચાલે. એ ભાઈ આટલેથી અટકતો હોય તો ઠીક પણ આપડે જયારે મેઈન કોર્ષ ખાતા હોઈએ ત્યારે આપડી સામે એવી રીતે જોવે કે મનમાં ને મનમાં એ આપણને બકાશુર કહી રહ્યો હોય એવું લાગે.
અમુક તો ફૂડી સાથે મુડી પણ હોય “અરે યાર આજે તો S.G હાઇવે જવું પડશે પેલો ચોકલેટ થીકશેક પીવાનો મુડ છે.” ભાઈ કોઈ આને સમજાવો એના બાપાએ કાઈ દાટ્યું છે ત્યાં તો છેક ત્યાં જાય છે અહી મણિનગરમાં પણ હવે તો બધું મળે છે.
અને જમવાની બાબતમાં તો બાળકોને કોઈ ના પોહ્ચે. ક્યાંક લગ્ન માં ગયા હોઈએ અને જો ભૂલથી પણ અંદર આવતાની સાથે આઈસ્ક્રીમ નો સ્ટોલ દેખાઈ જાય તો ખલાસ છેલ્લે સુધી જ્યાં સુધી લગ્ન પ્રસંગ માંથી બહાર ના નીકળે ત્યાં સુધી આઈસ્ક્રીમના કેટલાય વાડકા ઉલાળી ગયો હોય.
હશે આવા તો બહુ બધા લોકો હશે છોડો. તમે તો નથીને આ લીસ્ટમાં??
લેખક: અશ્વિની ઠક્કર