Aandhado Prem - 3 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | આંધળો પ્રેમ 3

Featured Books
Categories
Share

આંધળો પ્રેમ 3

આંધળો પ્રેમ

-રાકેશ ઠક્કર

પ્રથમ અને બીજા પ્રકરણમાં આપે વાંચ્યું કે પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. નિલાંગ સાથે મુલાકાત કરી અને પછી તો એ તેને જીવનમાં સર્વસ્વ માનવા લાગી હતી. તે એટલે સુધી પ્રેમમાં આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. પણ એક દિવસ ચંદા અને નિલાંગ એકસાથે મોડી સાંજે કોલેજમાં બેઠા હોય છે ત્યારે નિલાંગની પત્ની માયા કોલેજમાં તેમની રૂમમાં આવે છે. પણ તેમની ગંભીરતાથી નોંધ લેતી નથી. એક દિવસ નિલાંગ અને ચંદા પ્રેમમાં ભાન ભૂલે છે અને ચંદા નિલાંગના બાળકની મા બનવાની હોવાનું અનુભવે છે.. હવે આગળ વાંચો.....

પ્રકરણ-૩

ચંદા પોતાના પેટ પર હાથ ફેરવી રહી. તેને રોમાંચ થયો. પોતે મા બનવાની છે તેનો અણસાર એક તરફ ખુશીનો અહેસાસ કરાવતો હતો. અને બીજી તરફ દિલમાં એક ફડક પણ ઊભી થતી હતી. કુંવારી માતા બનવાનું કલંક ના લાગે એ માટે આજે નિલાંગને મળીને તે કોઇ નિર્ણય લેવા માગતી હતી. પણ પહેલાં તે ખાતરી માટે એક લેબોરેટરીમાં ગઇ. થોડી જ વારમાં તેના હાથમાં એક કાગળ હતો. જેમાં તેના ગર્ભમાં બાળક હોવાનું પ્રમાણ હતું. પોતે પ્રેમમાં આંધળી બનીને કેટલી મોટી ભૂલ કરી ચૂકી હતી એ હવે તેને સમજાઇ રહ્યું હતું. તેને ખાતરી હતી કે કુંવારી માતા તરીકે તેના કાકાના કે ફોઇના ઘરના જ નહીં આ દુનિયાનું કોઇ તેને સ્વીકારવાનું ન હતું. આ સમયે તેને માતા-પિતાની ખોટ વર્તાઇ. જો તેઓ જીવતા હોત તો તે કદાચ આટલી સ્વચ્છંદી ના બની હોત. તેના પર નિયંત્રણો લદાયેલા હોત. કોઇપણ પગલું ભરતા પહેલાં વિચાર કર્યો હોત. કાકાના પરિવારને તેની ઇચ્છાઓ કે લાગણીઓ સાથે કોઇ સંબંધ ન હતો. તેઓ અનાથ ભત્રીજીને આશરો આપવાનું પુણ્ય કમાઇ રહ્યા હતા. પણ હવે જ્યારે તેમને ખબર પડશે કે તેના પેટમાં કોઇનું પાપ છે ત્યારે શું જવાબ આપશે? તેને એક તબક્કે આત્મહત્યાનો વિચાર આવી ગયો. પણ તેણે સમાજનો મક્કમતાથી સામનો કરવાનો નિર્ણય કર્યો. જો નિલાંગ સાથ આપશે તો તે દુનિયા સાથે લડી લેશે. ચંદાને એક ક્ષણ એવો પ્રશ્ન થયો કે નિલાંગ તેને અને તેના બાળકને સ્વીકારશે નહીં તો? પણ પછી અત્યાર સુધીની તેની સાથેની મુલાકાતો યાદ કરતાં તે જરૂર કોઇ રસ્તો કાઢશે એવો તેને વિશ્વાસ ઊભો થયો. પણ ચંદા તેની પાસે લગ્નનું વચન લેવા માગતી હતી.

ચંદા થોડા સમયમાં તેની સાથે લગ્નની વાત કરવાનું વિચારતી હતી. પણ પી.એચડી. પૂરું થયા પછી કહેવાની હતી. હવે અચાનક પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. તે લગ્ન ના કરે તો તેના પર રખાતનું લેબલ લાગે એમ હતું. તે હવે નિલાંગને મળીને આગળ શું કરવું તેનો નિર્ણય લેવા અધીરી બની ગઇ. નિલાંગ આ વાત જાણીને કેવો પ્રતિભાવ આપશે તે વિશે તેને જાતજાતના વિચારો આવી ગયા. પણ મનને કાબૂમાં રાખી તે કોલેજ પર પહોંચી ગઇ.

ચંદા કોલેજ પર પહોંચી ત્યારે તેને જાણવા મળ્યું કે નિલાંગને અચાનક વિદેશ જવાનું થયું હોવાથી એક મહિના સુધી આવવાનો નથી. ચંદાને તો માથા પર વીજળી પડી હોય એવો અહેસાસ થયો. વિદેશ ગયેલા નિલાંગનો સંપર્ક કરવાનું સરળ ન હતું. રાહ જોયા સિવાય કોઇ આરો ન હતો. અને રાહ જોવામાં ઘણું મોડું થઇ શકે એમ હતું. તેણે એક નિર્ણય લઇ લીધો અને રીક્ષામાં બેસી ગઇ. રીક્ષા નિલાંગના ઘર તરફ ધમધમાટ કરતી આગળ વધી રહી હતી.

ચંદાએ એમ વિચાર્યું કે હજુ નિલાંગ નીકળી ના ગયો હોય તો તેને મળીને તે વાત કરી લેવા માગતી હતી. નિલાંગના ઘર નજીક રીક્ષા ઉભી રખાવીને તેણે ઘડિયાળમાં જોયું. નિલાંગની પત્ની ડો.માયા ક્લીનીક જવા નીકળી ગઇ હોવાની ગણતરી કરી. પછી રીક્ષાવાળાને ઊભા રહેવાનું કહી તે નિલાંગના બંગલાના દરવાજા નજીક ગઇ. તેણે દૂરથી જોયું તો મુખ્ય દરવાજા પર તાળું લટકતું હતું. એ તાળું તેને પોતાના જીવન સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવું દેખાયું. તે નિરાશ થઇ અને પાછી રીક્ષામાં બેઠી. ઘર તરફ રીક્ષા જઇ રહી હતી. રીક્ષા કરતાં તેના મનમાં ઝડપથી વિચારો દોડી રહ્યા હતા. નિલાંગની મુલાકાત ના થઇ તેથી તેને ડર લાગવા લાગ્યો હતો. આ સ્થિતિમાં એક મહિના સુધી તે શું કરશે તેની મૂઝવણ અનુભવી રહી હતી. અને આ સમય દરમ્યાન કાકાના પરિવારને ખબર પડી જશે તો શું થશે તેનો ડર કોરી ખાવા લાગ્યો.

ચંદા ઘરે જઇને સતત વિચારતી જ રહી. તેને ખ્યાલ હતો કે એક મહિનામાં તેની તબિયત નરમ-ગરમ રહેશે એટલે કાકાને ત્યાં તેનું મા બનવાનું રહસ્ય અકબંધ રહેશે નહીં. તેણે લાંબું વિચારીને કાકાનું ઘર છોડવાનો નિર્ણય લઇ લીધો. તેને કોલેજની પોતાની ખાસ બહેનપણી સુનંદા યાદ આવી. એ તેની મદદ કરશે એવો તેને ભરોસો હતો.

બીજા દિવસે ચંદા પોતાની ખાસ બહેનપણી રહી ચૂકેલી સુનંદાના ઘરે પહોંચી ગઇ. સદનસીબે તે ઘરે જ હતી. તેણે જાણ્યું હતું કે તે કોઇ જગ્યાએ નોકરીએ લાગી ગઇ હતી. ચંદાને જોઇને સુનંદા ખુશ થઇ ગઇ. અને લાંબા સમય પછી મુલાકાતની ફુરસદ મળી એ બાબતે મીઠો ઠપકો પણ આપ્યો. ચંદાએ જ્યારે પોતે કુંવારી માતા બનવાની હોવાની વાત કરી ત્યારે સુનંદા ચોંકી ગઇ. પણ ચંદા માનસિક રીતે વધુ અસ્વસ્થ ના થાય એટલે ઠપકો આપવાને બદલે તેને સાંત્વના આપી. ચંદાએ તેને ક્યાંક રહેવા એક માસ માટે રૂમની વ્યવસ્થા કરી આપવા કાકલૂદી કરી. નિલાંગ આવી ગયા પછી તે કંઇક આયોજન કરશે એવો વિશ્વાસ અપાવ્યો. સુનંદાએ તેને બે દિવસ પછી મળવા કહ્યું.

ચંદાએ હવે પોતાની તબિયતનું ધાન રાખવાનું શરૂ કર્યું. ભૂલથી પણ કાકાને ત્યાં તે ગર્ભવતી હોવાનો ખ્યાલ ના આવી જાય તેની કાળજી રાખવાનું શરૂ કર્યું. અને ધીમે રહીને પોતે પોતાની બહેનપણીને ત્યાં અભ્યાસ માટે એક મહિનો રહેવા જવાની હોવાની વાત પણ મૂકી દીધી. કાકાએ પહેલાં તો થોડી આનાકાની કરી અને પોતાની બહેને જવાબદારી તરીકે તેણીની સોંપણી કરી હોવાની વાત કરી. પણ અભ્યાસ માટે સતત વાંચન અને લેખન માટે સમય ફાળવવાનું જરૂરી હોવાનું તે એમના મગજમાં ઠસાવવામાં સફળ રહી. કાકાએ તેને ખિસ્સાખર્ચી લઇ જવાનું કહી મંજૂરી આપી. ત્યારે તેને મોટી રાહત થઇ.

સુનંદાએ બહેનપણીનો ધર્મ નિભાવ્યો. પોતાની ઓફિસના કોઇ કોન્ટ્રાક્ટરનો શહેરના છેડે આવેલા એક નવા બનતા એપાર્ટમેન્ટમાં ખરીદેલો નાનો ફ્લેટ એક મહિના માટે મેળવી લીધો. અને ચંદાને ચાવી પણ આપી દીધી હતી. ચંદાને કાકાએ ઘરમાંથી જરૂરી વસ્તુઓ આપી અને સાથે રોકડ રકમ પણ આપી. સુનંદાએ પણ પોતાનાથી થાય એટલી મદદ કરીને ચંદાનું ઘર શરૂ કરાવી આપ્યું.

ચંદાએ સુખેદુ:ખે એક મહિનો વીતાવી દીધો. હવે તે નિલાંગના આવવાની કાગડોળે રાહ જોઇ રહી હતી. તે હવે કોલેજની લાઇબ્રેરીમાં નિયમિત જતી હતી. તેણે આજે જ્યારે જાણ્યું કે નિલાંગ આવતીકાલે આવવાનો છે ત્યારે તેની ખુશીની કોઇ સીમા ના રહી. ફ્લેટ પર જઇને તે સવાર પડવાની રાહ જોવા લાગી. આજે રાત તેને લાંબી લાગી રહી હતી. ઊંઘ આવતી ન હતી એટલે રાત જાણે લંબાઇ રહી હતી. આ કાળી રાત પછી સોનાનો સૂરજ ઉગવાનો હોય એમ એ સવાર પડવાની રાહ જોઇ રહી હતી.

સવારે તે ઝટપટ તૈયાર થઇને કોલેજ પર પહોંચી ગઇ. લાઇબ્રેરીની બારીમાંથી તે નિલાંગના આવવાની રાહ જોયા કરતી હતી. નિલાંગની કાર કોલેજના દરવાજામાં પ્રવેશી ત્યારે તેના જીવમાં જીવ આવ્યો. ક્યારે તેની પાસે પહોંચીને ખબર આપું એની ઉતાવળ વધી ગઇ. નિલાંગ તેની રૂમમાં પહોંચ્યો એટલે ચંદા તરત જ ત્યાં ગઇ. ચંદાને જોઇને નિલાંગે હસીને ઉમળકાથી આવકાર આપ્યો. અને અમેરિકા રહેતા પિતાની તબિયત અચાનક બગડી જતાં રાતોરાત જવાનું થયું તેની વાત કરી. અને તેને જાણ કરી ના શકાઇ તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો. ચંદાને ખબર હતી કે નિલાંગે પરિસ્થિતિવશ અચાનક જવું પડ્યું એટલે તેને માફ કરી દીધો. હવે તે પોતાના સમાચાર કહેવા અધીરી બની હતી. તેણે જ્યારે પોતે મા બનવા જઇ રહી હોવાની વાત કરી ત્યારે નિલાંગ સ્તબ્ધ થઇ ગયો. તેણે આવી કોઇ કલ્પના કરી ન હતી. એક પરિણીત પુરુષ તરીકે આ સ્થિતિ તેને જોખમી લાગી. તેણે થોડું વિચાર્યા પછી ચંદાને બાળકનો મોહ ના રાખવા સમજાવી અને ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી. ચંદા તેની વાત સાંભળીને આંચકો અનુભવી રહી. તેને કલ્પના ન હતી કે નિલાંગ આ રીતે જવાબદારીમાંથી ભાગશે. નિલાંગે તેને સ્પષ્ટ કહી દીધું કે પ્રેમ સંબંધને આગળ કેવી રીતે લઇ જવો તે વિશે જરૂર વિચારશે પણ અત્યારે તેનું મા બનવું યોગ્ય નથી. પણ ચંદાએ નિલાંગને મનાવવાનો પ્રયત્ન કર્યો. તે બાળકને જન્મ આપવા માગતી હતી. તે પત્નીત્વ સાથે માતૃત્વની માંગણી કરી રહી હતી. તે બાળહત્યાનું પાપ લેવા માગતી ન હતી. બાળકને કુદરતની ભેટ સમજીને સ્વીકારવા કહી રહી હતી. પરંતુ નિલાંગ એકનો બે ના થયો. તેણે તો કહી દીધું કે આજેને આજે બાળકને પડાવી દે. અને સમાજમાં લગ્ન વગરની સ્ત્રી માટે માતા બનવું કેટલું કઠીન છે એ સમજાવ્યું, નિલાંગે કહ્યું કે તે જવાબદારીમાંથી છટકી જવા આ માર્ગ બતાવી રહ્યો નથી. પણ તેની જિંદગી માટે પણ આ રસ્તો વધુ સરળ છે.

ચંદાએ પણ આખરે તેની સામે નમતું જોખવું પડ્યું. તેની પાસે બીજો કોઇ માર્ગ ન હતો. પરંતુ ખાનગી ક્લીનીકમાં ગર્ભપાત કરાવવાનું સરળ ન હતું. કોઇ તબીબ તેનો કેસ હાથ પર નહીં લે એ નિલાંગ પણ સમજતો હતો. તેણે તરત જ એક કાગળ હાથમાં લીધો અને ડોક્ટરના નામની ચિઠ્ઠી લખી આપી. ચંદાએ કાગળ હાથમાં લઇ વાંચ્યો તો તેમાં લખ્યું હતું. "ડો.માયા... " પત્રમાં નિલાંગની ડોક્ટર પત્નીના નામનું સંબોધન વાંચી ચંદા આશ્ચર્યથી પ્રશ્નાર્થ નજરે નિલાંગ સામે જોઇ રહી...

વધુ હવે પછી...