Oh ! Nayantara - 28 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - 28

Featured Books
Categories
Share

ઓહ ! નયનતારા - 28

28 - પ્રેમની ભાષા સમજવી અઘરી

જામનગરની હવાનો સ્પર્શ શરીરનાં રૂંવાડા ઊભા થઈ ગયાં અને આ હવાને શ્વાસમાં ભરી ફેફસાં ફૂલાવું છું. હે મારા વતનની હવા તને બાથું ભરીને મનને શાંત કરવું છે.

એરપોર્ટની બહાર નીકળતાજ આંખો પહોળી થઈ જાય છે. મારા ભાઈબંધોને જોઈને કાઠિયાવાડી જીવ હરખઘેલો થઈ જાય છે. સામાનને પડતો મૂકીને સીધો તેની તરફ દોડ મૂકું છું. વતનની માયા જ એવી છે. દસ-પંદર વર્ષ સુધી વતન બહાર રહેતા માણસો જ્યારે વતનમાં પધારે છે ત્યારે ફરીથી બાળક જેવો બની જાય છે ! ત્રણ મહિનાનો વિયોગ જાણે ત્રણ વર્ષના સંતાપ જેવો લાગે છે ! મારો સામાન આપોઆપ એક કારમાં ગોઠવાઈ જાય છે પણ જેને આંખો શોધે છે એ ક્યાં છે ?

કોને શોધે છે ?

મારી બહેન પ્રિયાનો અવાજ સાંભળીને આ આભીને ગળે ડુમો બાઝી જાય છે. મારી બહેનને જવાબ આપવો કઈ રીતે ?

તને અને નયનતારાને ?

ઓહ...! તું આવવાનો હોય અને તારી નયનતારા ના આવે એવું બને ખરું ? તારી પાછળ ફરીને એક વાર નજર નાખે તો ખબર પડશે કે તારી નયનતારા ક્યાં છે ?

પાછળ નજર ફેરવીને જોયું તો નયનતારા એક પૂતળાની જેમ ઊભી છે. તેની ઘુંઘરાળી લટો હવામાં ફરફર ઊડે છે, એટલે તેને માથા પર ચૂંદડી ઢાંકી દીધી. એટલે મારે ખુદ તેની પાસે જવું પડે છે.

મારું અવલોકન કરવું છે કે મને પ્રેમ કરવો છે ? એ જ હાસ્ય, પણ ગાલ ગુલાબી છે. એ જ આંખોનો રંગ છે, પણ શરાબોની મસ્તી છે. એ જ ખૂબસૂરતી છે, પણ નિખાર ગુલાબી છે. એ જ નયનતારા છે, પણ આખી ગુલાબી ગુલાબી છે. ત્રણ મહિના માના ઘરના રોટલા ખાઈને આ નાગરાણીના રૂપ તો જુઓ...! અસલ કાઠિયાવાડી બની ગઈ છે !

બે હાથ તેની સામે પહોળા કરું છું અને નાગરાણી નયનતારા કાબૂ ગુમાવે છે. દોટ મૂકીને મારા શ્વાસમાં સમાઈ જાય છે. મિત્રોનું વર્તુળ અમારી ફરતે રચાય ગયું છે. વગર પરવાનાનું હથિયાર પ્રિયા અને નયનતારા ઉપયોગ કરે છે. બન્નેની આંખોમાંથી આંસુઓ દડદડ વહે છે. જાણે હું વર્ષો પછી વતન આવ્યો હોઉં તે રીતે હિબકાં ભરે છે.

ઘર તરફ અમો રવાના થયાં અને ઘરે પહોંચતા જ મારા મમ્મી બહાર ઊભા રહેવાનું કહે છે. એકનો એક દીકરો ત્રણ મહિના સુધી માંથી વિખૂટો રહે છે અને એ દીકરો ઘરે પધારે ત્યારે દુનિયાનું સૌથી શક્તિશાળી નામ માં છે...! એના હૈયામાં ટાઢક વળે છે. આંગણામાં ઊભો રાખીને કંકુનો ચાંદલો અને ચોખા ચોડે છે. ઓવારણાં લેતાં બન્ને પંજાના ટચાયકીયા ફૂટવાનો અવાજ આવે છે. માનો પ્રેમ હિન્દુસ્તાન સિવાય ક્યાંય ના મળે ! નાનું બાળક માને ચોંટી પડે તેમ મારી મમ્મીને જોઈને ભેટી પડું છું. શબ્દોની ભાષાનો અવકાશ આવા સંબંધોને નડતો નથી. જ્યાં, પ્રેમ, હેત, મમતા, લાગણી અને ઉષ્મા હોય છે ત્યાં આંખોની ભાષાથી કામ ચાલી જાય છે.

એકી સાથે પાંચ બેગ અને મારું હેન્ડ લગેજ જોઈને તુરત જ મમ્મી બોલે છે. હવે તો બધા કબાટ તારા કાબરચિતરા કપડાથી ભરાય ગયા છે. આ બધું શું છે ?

મારા એકલા માટે કશું જ નથી ! બધા માટે ખરીદી કરેલી વસ્તુઓથી બધી બેગ ભરેલી છે.

આ વધારાની ત્રણ બેગ કેટલા મોંઘા ભાવની આવી છે ? હે ભગવાન... આ છોકરો તો પાણીની જેમ પૈસા વાપરે છે.

પ્રિયા અમારા બધાં માટે ચા લઈને આવે છે. ચા પીને બધા મિત્રો રવાના થયા અને રાત્રે મળવાનું પાકું કરતા ગયા હતા.

મારા રૂમમાં જવા દાદરા ચડું છું અને છેલ્લે દાદરે પહોંચીને પાછળ ફરીને એક નજર નયનતારા તરફ નાખું છું. બાજુમાં ઊભેલી પ્રિયા તુરત સમજી ગઈ અને નયનતારા તરફ આંગળી ચીંધી ને પાંચ આંગળીથી પાંચ મિનિટ એવો ઈશારો કરે છે.

મારી પથારી પર લંબાવું છું અને નયનતારાની આવવાની રાહ જોઉં છું. મારા બેડરૂમનો માહોલ બદલાઈ ગયો છે. એક એક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઢવાયેલી છે. સ્ત્રીના હાથનો સ્પર્શ થતાં જ બધું જીવંત બની જાય છે. મારો અને પ્રિયાનો ઝઘડો યાદ આવે છે. તારી એક પણ વસ્તુ ઠેકાણે મૂકતો નથી અને એ વસ્તુ મળે નહીં એટલે મારા નામની બૂમો પાડી ઘર ગજવી મૂકે છે. તારી બહેન છું, તારી નોકરાણી નથી. આ જ ભાઈ બહેનનો પ્રેમ છે !

અચાનક ધીમેથી બારણું ખુલે છે અને નયનતારા મારા રૂમમાં પ્રવેશે છે. મારા બેડની સામે પોપ સ્ટાર વામના ફોટા જોઈને મારા કાનની કડીને એડકે છે. ફરી પાછી તે ફોટા તરફ આંગળી ચીંધીને ફરીથી મારા તરફ આંગળી ચીંધીને એવો સંકેત આપે છેઃ કેમ તારો દેખાવ બદલી ગયો છે ?

મારી બાજુમાં બેઠેલી નયનતારાને મારી મજબૂત બાંહોમાં ભીંસી નાખું છું, જ્યાં સુધી ત્રણ મહિનાની અંતરમાં સંઘરી રાખેલી બધી ઊર્મિઓ બહાર નીકળતી નથી ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહે છે.

બસ કર હવે...! આ તારી નયનતારાને મારી નાખવી છે ? મારા શર્ટના બટન સાથે રમતા રમતા પૂછે છે.

મારી નાખવી નથી પણ ઓગાળી નાખવી છે.

આ કાનમાં રીંગ પહેરીને અને લાંબા વાળ રાખીને તારી બાયડી ઉપર રોફ જમાવો છે રામ...!

ના રે ના...! આ તો તને એમ લાગવું જોઈએ કે તારો વર લંડન રિટર્ન છે.

મારો છેલ્લો પત્ર ગમ્યો હતો ? તારી પત્ની, ડોક્ટર કમ લેખિકા કમ પ્રિયતમાનો આ પત્ર લખવાનો અંદાજ જોઈને તારા જેવા બુદ્ધુ તો ગમ ખાય જાય.

રહેવા દે હવે... ચોપડીઓ વાંચીને પત્ર લખ્યો છે એમાં શું મોટી ધાડ મારી છે ?

શું કરીએ અમો તો સ્ત્રીજાત અને ઉંમર પણ એવી છે કે પુરુષોને જોઈને અમને પણ કાંઈક કાંઈક થાય છે. તમારા પુરુષોનો એકલાનો ઈજારો થોડો છે ? અમોને પણ પુરુષો જેવા લખણ ઝળકાવતા આવડે છે. નયનતારાના નખરાળા અંદાજ જોઈને એવું લાગ્યું કે આ નાગરાણીને ઘી-ગોળની અસર થઈ ગઈ છે. ફરી પાછા ફિલ્મી ગીતોની યાદ આવે છે.

ઉમ્ર હી ઐસી હૈ ફૂલ ભી તુમ કિસીસે પૂછ લો,

એક સાથી કી જરૂરત પડતી હૈ હર એક કો,

આ ગયા ફૂલો કા મૌસમ આ ગયા,

તુમને દી આવાઝ, લો મેં આ ગયા.

મને ખબર પડી ગઈ છે કે તારા પર લેખકનાં પુસ્તકોની અસર થઈ છે ?

ઓહ ! તો મને કહે. કોણ છે એ લેખક ?

હું પોતે ! એટલે કે તારો પતિ.

ઓહ...! આવું શીખીને આવ્યો છે ? લંડન શહેરમાં તારા જેવા રંગીન મિજાજીને તો મૌદે દરિયા અને દિલ સમંદર જેવો માહોલ હશે અને વ્હીસ્કી, કેશિનો, બિયર અને ગોરી, કાળી અને બદામી છોકરીઓ અને તારી નાસ્તિકી ફકીરીનો ઈશ્કી આલમનો સંગ થયો હોય અને લંડનની મૌસમને કરવત બદલવી જ પડે છે. નયનતારાનો બોલવાનો અંદાજ બેહદ પસંદ આવે છે.

વાહ ! ખૂબ જ સરસ, આજે મારી ભાષામાં જવાબ આપે છે. આવી પત્ની હોય પછી શરાબોની બોટલ પણ અકબંધ રાખવી પડશે, નાગરાણીનો નશો જ કંઈક ઓર છે.

તું લંડનમાં ધર્મધ્યાન કરતો હતો ? અને ત્યાં કદી પણ મંદિર ગયો હતો ?

ના ! એક પણ વખત મંદિર ગયો નથી. આ બધા ધર્મગ્રંથો વાંચીને મને એવું લાગે છે કે ઉપનિષદો કહે છે તેમ સર્વવ્યાપી પરમાત્માને સંસારરૂપી જોયા રાખવાનો છે અને તેમાંથી જે અનાયાસે મળે તેમાંથી આનંદ મેળવવાનો છે અને આ આનંદમાંથી જે અનુભૂતિ મળે તેને ઈશ્વરનો પ્રસાદ સમજવાનો છે. લંગોટધારી જેમ ખૂબસૂરત સ્ત્રી સામે લાળ પાડીને વ્યાખ્યાન આપે તેમ નયનતારા સામે મારા શબ્દોની માયાજાળ ગૂંથુ છું.

વાહ...! લંડન શહેરમાં તું તારો ધર્મ પણ ભ્રષ્ટ કરીને આવ્યો છે ? નયનતારાના આ સવાલે મને જરા મૂંઝવી નાખ્યો છે.

ધર્મ શું છે ? ધર્મ કુદરતી રીતે પેદા થાય છે. ધર્મથી સંસ્કૃતિ પેદા થતી નથી પણ સંસ્કૃતિ ધર્મને પેદા કરે છે ! અને આ સંસ્કૃતિમાં પેદા થયેલો તુચ્છ મનુષ્ય જ્યારે નાતમાં તડા પડાવી અને પોતાની સાથે આવેલા તેમના હિતેચ્છુ બંધુઓને એક ફરફરયું કે એક નોટબુકમાં પોતના વિચારો લખી આપીને હિતેચ્છુઓને તેનું અનુકરણ કરવાનો આગ્રહ રાખે તેને ધર્મ કહેવો ! એક કહે છે કે ઈશ્વરના સાનિધ્યમાં ડૂબી જા અને બીજા કહે છે કે ઈશ્વર એક જ છે. ત્રીજા કહે છે કે તારો અહં છોડીને ઈશ્વરના સાનિધ્યમાં માથું નમાવી દે અને ચોથો કહે છે કે હું જ ઈશ્વર છું. આવા માહોલમાં ધર્મના અર્થનો કોઈ મતલબ નથી. મારો ધર્મ એ છે કે નઠારા માણસોને એક બાજુ મુકીને સારા માણસોને પ્રેમ કરો એ જ મારો ધર્મ છે. નયનતારા મારો જવાબ સાંભળીને દિગ્મૂઢ બની જાય છે.

વાહ ! આ લંડન શહેરમાં રહીને તારું દિમાગ ફરી ગયું છે.

મારું દિમાગ ફર્યું નથી, પણ મારી વિચારશક્તિની ગતિ વધી છે. બાવીસ વર્ષની ઉંમરનાં ચાલીસ વર્ષના મામસનું દિમાગ વાપરું છું. કાઢિયાવાડી માનસ પર ગ્લોબલાઈઝેશનની અસર સ્પષ્ટ વર્તાય છે.

જા નીચે જઈને કંઈક નાસ્તો લઈ આવ. પતિ અને પત્ની વચ્ચે રોમાંસની ભાષા હોવી જોઈએ. આવી શાસ્ત્રોક્ત ચર્ચાનો વિષય આપણે બન્ને કોઈ બીજા માટે છોડી દઈએ તેમાં જ મજા છે.

નયનતારા નાસ્તો લેવા ગઈ તે દરમિયાન વાફાનો વિચાર આવે છે. તેની આંખોની લાચારી મારા મન ઉપર એવી અસર કરી ગઈ છે કે મારા તરફથી અનાયાસે તેની સાથે બેવફાઈ થઈ છે.

ઉપવાસ અને ઉપદેશની ભાષા સમજમાં નથી આવતી છતાં આટલી ત્યાગભાવના મારા જેવા વેપારી દિમાગના મામસમાં કેવી રીતે ઘર કરી ગઈ છે તે સમજમાં આવતું નથી. સ્ત્રીઓનાં દિલની સંગીતની તરજો ધીમે ધીમે સમજવા લાગ્યો છું. છતાં પણ મને એવું લાગે છે કે નયનતારા જ્યારે મારી સામે હોય છે મારું વિશ્વ ત્યારે એકાકાકર થઈ જાય છે. કદાચ આ જ ભાષા પ્રેમ અને પ્યાર વચ્ચેની એક લકીરને ખેંચી જાણે છે. સમાધાનની ભાષા હવે સમજમાં આવી ગઈ છે. કદાચ એટલે જ સુખ મેળવવા જતાં ક્યારેક કોઈની સાથે સમાધાન કરવું પડે છે.

બહુ વિચાર કરવા તમારી ફૂલગુલાબી તબિયત માટે સારું નથી, હજુ તો આપણાં લગ્નની આડે ત્રણ મહિના બાકી છે. નયનતારા બોલતા બોલતા નાસ્તાની પ્લેટ અને જ્યુસનો ગ્લાસ ટિપોઈ પર મૂકે છે.

તું કેમ તારી ભાષા સુધારીને મારી સાથે વાત કરે છે ? તારા જૂના શબ્દો કેમ ભલૂ ગઈ છે ? તું ની જગ્યાએ તમે, પોપટની જગ્યાએ રામે નામના શબ્દોનો ઉલ્લેખ કરે છે ? નયનતારા હંમેશા મજાકવૃત્તિભરી ભાષાનો પ્રયોગ બંધ કરી અને સૌમ્ય ભાષા બોલવા લાગી છે એટલે થોડું અચરજ થાય છે.

ઓહ...! હવે યાદ આવ્યું ! મારી ગેરહાજરીમાં ત્રણ મહિનામાં મારી લાઈબ્રેરીનાં પુસ્તકો વાંચી વાંચીને રાત ગુજારી હશે.

આપણા લગ્ન નજીકના સમયમાં થવાના છે એટલે તારી સાથે પત્નીની ભાષા બોલું છું. નયનતારા શાંતિથી એક કહ્યાગરી પત્નીની જેમ જવાબ આપે છે અને પોતાની ચૂંદડી સાથે રમત કરે છે.

મારી પાસે આવ...!

સાવ અડોઅડ બેઠેલી નયનતારાનાં ધીરગંભીર સૌંદર્યને જોઈને નસીબદારની વ્યાખ્યાનાં બધાં રહસ્યોને મેં ખોલી નાખ્યાં છે અને નયનતારાને કહ્યું મારી જેમ તને પણ પ્રેમ કરતાં આવડી ગયું છે, આવી તે બેઈમાની હોતી હશે એક દિલદાર સાથે ?

હવે દિલદારી નહીં ઘરવાળી અને જવાબદારી બન્નેને સંભાળવાની છે. પૈસા કમાવવા સિવાય બીજી પણ જવાબદારી છે સમજ્યો કે નહીં ? કે સમજાવું પડશે મારા રામ...?

નયનતારા, તારા ખોળામાં માથું રાખીને આરામ કરવો છે. આવતી કાલે તો તું તારા મામાને ઘરે ચાલી જવાની છે. એ પછીના ત્રણ મહિના તારા વિના આ બેડરૂમ મને ખંડિયેર જેવો લાગશે. મનને બોજ હલકો કરવા આવું કરવું જરૂરી છે.

પરિણીત પુરુષોની કલ્પના બહારના વિષયો પર પરણ્યા પહેલા હું અધ્યયન કરી રહ્યો છું. હું નસીબદાર છું કે તારા જેવી પત્ની મને મળી છે.

નયનતારા મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા જવાબ આપે છે, આવી નાની માગણી માટે મને આટલી મોટી શા માટે બનાવે છે ? તારા માટે તો હું પત્ની જ છું. આમાં અધિકારની વાત જ નથી અને જ્યાં લાગણી હોય ત્યાં સંબંધોની ભાષા ભૂલી જવાની છે. આ નાગપુત્રીની સુંદરતા હવે તેની ભાષામાં પણ ઉતરી ગઈ છે.

અચાનક પ્રિયા બારણું ખોલીને અંદર આવે છે અને નયનતારાને કહે છે કે, આ ગાંડાને આટલા લાડ લડાવવા સારા નથી. કાલે તો તારી પાસે પગ દબાવશે. મારો ભાઈ છે એટલે તારાથી વધારે ઓળખું છું.

તો હું પણ પગ દાબી આપીશ. માથામાં તેલ ઘસીને માલીશ પણ કરી આપીશ. નયનતારા હસતા હસતા બોલી.

બસ...! આખી જિંદગી તમે બન્ને આટલા જ પ્રેમથી રહેજો એટલા તારી નણંદ ખુશી ખુશી થઈ જશે. પ્રિયાની લાગણીથી છલોછલ વાણી ભાઈ-ભાભી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

પ્રિયા અને નયનતારા, તમારા બન્ને માટે કેટલીય વસ્તુઓ ખરીદી કરી છે. પેલી મોટી બેગમાં ફક્ત તમારા બન્નેના નોવેલ્ટી સ્ટોર્સની વસ્તુ ભરેલી છે. આટલું બોલતાની સાથે સાથે જ સ્ત્રીઓની જે કમજોરી છે તે તુરત જ દેખાય આવે છે.

ફટાફટ બેલી બેગ ખોલીને એક પછી એક વસ્તુઓ બહાર નીકળે છે. નયનતારા અને પ્રિયા વચ્ચેની વાતોમાં એક સ્ત્રીનો ભાઈ અને એક સ્ત્રીનો પતિ આ શબ્દ ગાયબ થઈ જાય છે.

અચાનક પેલા બે રેડ કલર્સના ટુ પીસની ખરીદી યાદ આવે છે. એટલે ફટાફટ પેલા બે ટુપીસના પેકિંગને ત્યાંથી ઉઠાવી અને મારા કબાટમાં રાખી દીધા.

નયનતારા અને પ્રિયાને બન્નેને થોડું આશ્ચર્ય થાય છે. એટલે પ્રિયા મને પૂછે છે, આ ગાંડી માટેની કોઈ ખાસ ગિફ્ટ લાગે છે ?

હા...! પણ ગિફ્ટ લગ્ન પછી તેને આપવાની છે એટલે એડવાન્સમાં ખરીદી કરી છે.

ભાઈ...! તને આ બધી લેડીઝ આઈટમની ખરીદી કરવાની તારામાં સમજદારી કઈ રીતે આવી ગઈ છે ? પ્રિયાને થોડી નવાઈ લાગતા મને પૂછે છે.

અમારી ઓફિસવાળી એક છોકરી સાથે ખરીદી કરવા ગયો હતો અને મને લંડનની માર્કેટની જાણકારી ન હોવાથી કોઈ જાણકાર વ્યક્તિને સાથે લઈ જવી જરૂરી હતી. મારા જવાબથી બન્ને જણ સંતુષ્ટ લાગતી હતી.

ઓહ...! હવે ખબર પડી કે તારી સાથે એક છોકરી હતી એટલે આ બધી વસ્તુઓ ખરીદી કરવામાં સરળતા રહી છે. બરાબર ને પ્રિયા ! તારા ભાઈ બહુ હોંશિયાર બની ગયા છે. નયનતારાનો અવાજ મને અલગ લાગે છે.

તારા આવ્યા પછી મારો ભાી પૂરેપૂરો બદલી ગયો છે. વાણી, વર્તન અને દેખાવ પ્રત્યે પહેલેથી વધારે સભાન થઈ ગયો છે. કદાચ લંડનમાં ખૂબસૂરત છોકરીઓને જોઈને મારા ભાઈનું મન પણ લલચાઈ ગયું હશે. હવે મને લાગ્યું કે પ્રિયા અને નયનતારા બન્ને એક થઈને મારી સામે શબ્દયુદ્ધમાં ઉતર્યા છે.

તમે બન્ને ચૂપ રહો તો સારું છે...! છોકરી સાથે હોય તો છોકરીઓની વસ્તુ ખરીદી કરવામાં સહેલાઈ રહે તેથી તેને મારી સાથે લઈ ગયો હતો. એમાં આટલું બોલવાની શું જરૂર છે ?

તમે બન્ને ચૂપ રહો તો સારું છે...! છોકરી સાથે હોય તો છોકરીઓની વસ્તુ ખરીદી કરવામાં સહેલાઈ રહે તેથી તેને મારી સાથે લઈ ગયો હતો. એમાં આટલું બોલવાની શું જરૂર છે ?

તમે બન્ને વાતો કર્યો કરો, તારા વિના આ નયનતારા અડધી થઈ ગઈ હતી. માટે હવે તું આવ્યા પછી તેને થોડી રાહત જરૂર થઈ છે. હું રસોડામાં જમવાનું તૈયાર કરવા માટે જાઉં છું. થોડી વાર પછી આને નીચે મોકલી આપજે. પ્રિયા સમજદારીથી રૂમની બહાર જવાનું બહાનું શોધી રસોડા તરફ રવાના થાય છે.

પ્રિયા તારું કેટલું ધ્યા નરાખે છે, એકનો એક દીકરો હોય એટલે ઘરના બધા સભ્યો તને લાડ લડાવે છે. ફરી પાછા પોતાના અસલ રંગમાં આવીને નયનતારા બોલે છે.

તને લાગે છે કે હું કાંઈ ખોટું કામ કરું છું ?

એમ કહે કે કયું ખોટું કામ તું કરતો નથી...! નયનતારા વ્યંગનાં બાણો છોડ્યે રાખે છે.

તો શા માટે ડરે છે... મારા ખોટા કામ બતાવી આપ...?

તું સિગારેટ પીવે છે, તું દારૂ પીવે છે, તું નોનવેજ ખાય છે કેશિનોમાં અને ક્રિકેટની બેટીંગ કરે છે. આમાંનું કયું કામ સારું છે તે મને કહી શકે છે ?

લંડનમાં રહીને સીગરેટ પીવાનું છોડી દીધું છે અને તું કહેતી હોય તો આ બધું છોડી દેવા તૈયાર છું.

તો સાંભળી લે...! સિગારેટ બંધ ! નોનવેજ બંધ ! ક્રિકેટનો જુગાર બંધ ! દારૂ એકાદ બે મહિના કોઈ પાર્ટી કે લગ્ન હોય તો બે કે ત્રણ પેગથી વધુ પીવો નહીં. અને પાન ખાવાની છૂટ આપું છું. જામનગરીને આમે પણ પાન ખાવાની આદત હોય છે એટલે પાન ખાવાની છૂટ છે. જો મને પરણવું હોય તો આટલું તો ફરજિયાત તારી નયનતારા માટે કરવું જ પડશે, બોલ મંજૂર છે...? પત્નીની પરિભાષામાં લપેટાયેલી નયનતારાની જોહુકમી લગ્ન પહેલાં શરૂ થઈ ગઈ છે.

મંજૂર છે...! તારી બધી શરતો મને કબૂલ છે !

તારી ઉંમર બાવીસ વર્ષની છે. હવે તારી જવાબદારી એ છે કે આપણો બિઝનેસ વધારવાનો છે. આપણા લગ્ન પછી બિઝનેસ અને નયનતારા માટે સમય એવી રીતે કાઢવો પડશે કે તારા માટે બન્નેનું મહત્વ બરાબર જળવાય રહે. બન્ને જગ્યાએ બેલેન્સ જાળવતા આવડી જશે તો આ તારી નયનતારાને કદી તારા પ્રત્યે કોઈ ફરિયાદ રહેશે નહીં.

તું મને નાનું બાળક સમજે છે...?

તું નાની ઉંમરથી બિઝનેસ કરે છે, પૈસા કમાતા આવડી ગયું છે એટલે તારી જાતને હોંશિયાર માનવાની ભૂલ કરે છે.

મતલબ...?

મતલબ એ છે કે હજુ પણ તારામાં બાળક જેવા લક્ષણો જોવા મળે છે. લાગણીશીલ હોવાથી બહુ લાંબા વિચાર તું કદી નહીં કરે ! અને ધંધાદારી માણસોએ આવું લાગણીશીલ ના બનવું જોઈએ. તારી સાથે હંમેશા હું ખભેખભા મિલાવીને ચાલીશ. એક વાત યાદ રાખજે કે કોઈપણ બાબત તને પજવતી હોય કે તારું મન કચવાતું હોય તો તું મને બેધડક કહી દેજે. આ ઉંમરમાં ઘણી ભૂલો થઈ જતી હોય છે. કોઈપણ બાબત મારાથી ખાનગી રાખવી નહીં એટલે આપણા બન્નેનો પરસ્પર વિશ્વાસ જળવાઈ રહેશે.

નયનતારા સ્વભાવ વિરૂદ્ધ એકદમ ઠરેલી ભાષામાં આવેલું આ વ્યવહારુ જ્ઞાન કેવી રીતે આવી ગયું એ મારી સમજ બહાર છે. છતાં પણ આ ચંચળ અને ઉછળતી નયનતારાનું પત્ની સ્વરૂપ જોતા દિલ દાગદાગ થઈ જાય છે.

ચાલો, હવે હું કિચનમાં પ્રિયાને મદદ કરવા માટે જાઉં છું. આજે તારે મારા હાથની રસોઈ ચાખવાની છે. આ બોલતા તેનો ચહેરો ઉત્સાહથી છલોછલ લાગે છે.

લગ્ન પહેલાં બધું શીખી લેવાનુ છે અને પતિને ભાવતાં ભોજનો બનાવવાનાં છે અને પતિને ભાવે એવી પત્ની બનવાનું છે અને...?

આવી ગયોને સીધી લાઈન ઉપર...! ક્યારની હું વિચાર કરું છું કે આ કાઠિયાવાડી કેચી કેમ ધીરગંભીર છે...! એક વાત કહેવાનું ભૂલી ગઈ કે કાલે ગામડેથી તારા દાદા અને દાદી આવવાના છે. આ સાંભળતા જ મારે એટેન્શન થઈ જવું પડે છે.

નયનતારા...! કાલે તારે સાડી પહેરવી પડશે અને દાદાની સામે જતી વખતે માથે પણ ઓઢવું પડશે અને એક વહુની જેમ ધીરગંભીર બનવું પડશે.

એમાં વળી શું...? મમ્મીએ મને બધું સમજાવ્યું છે. જ્યારે તારા બર્થ-ડેમાં આપણી સગાઈની જાહેરાત થઈ ત્યારથી આજ સુધી મમ્મી પાસેથી તારા ઘરના અને તમારા સમાજના રીતરિવાજ જાણી લીધા છે. હું પહેલાં તારી પત્ની બનવાની છું અને પછી એમ.એસ. બનવાની છું અને આ બન્ને જમાબદારીમાંથી કોઈપણ બહાનું બતાવી અને છટકવાની કોશિશ નહીં કરું. મારા પ્રત્યેની તારી મીઠી મીઠી લાગણીઓ અને મારા પ્રત્યેનું અદમ્ય આકર્ષણ જિંદગીભર કાયમ રહે એ જ આપણા લગ્ન પછીનું જીવન છે.

છેલ્લા એક વર્ષમાં મારી જીંદગીમાં આવેલા ફેરફારોને કારણે એક અલગ મોડ આવે છે અને આ બધું નવું નવું લાગે છે. આ અદ્દભુત સંસારનાં ચિત્રો જોઈને આ ચિત્રકારની નયનરમ્ય સૃષ્ટિમાંના દરેક રંગમાં ભળી જઈને દરેક રંગમાં મારી રંગીનિયત ભરી દેવી છે. અને નયનતારા...? ઓહ...! નયનતારા તો મારા સંસારનું નયનરમ્ય ચિત્ર છે અને તેમાં જે રંગો પૂરાયેલા છે એ હું છું. પ્રેમની ભાષા સમજવી બહુ આઘરી છે.

હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે, મતલબ શું છે યાર ? હું, તું, તેને, મને. મતલબ સાફ છે યાર, હું અને તું અને મનથી એક થઈ જવું એટલે પ્રેમ સમજ્યા યાર...!