Shubhechchhaonu Sarvaiyu in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | શુભેચ્છાઓનું સરવૈયું

Featured Books
Categories
Share

શુભેચ્છાઓનું સરવૈયું

જીના ઉસીકા નામ હૈ.....!

મારૂ સ્થાનક આમ તો, હેરીટેજમાં આવવું જોઈએ. એટલા માટે કે, ઘરથી ૫૧૭૪ મીટર સુધીના ઘેરાવામાં, બાવળિયા મળે પણ, મોટાંગજાના નેતાના સ્થાનક નહિ મળે. કોઈ મોટા માણસ જનમતા જ નથી, બધાં નાના નાના જ જન્મે. એટલે આ મામૂ...ને નેતા બ્રાન્ડ ફાલતુ વાત કરવાની કોઈ ફાવટ છે જ નહિ. નેતા ઉપર ભલે આખો દેશ વિશ્વાસ કરતો હોય, પણ અમારો મલક દેશ ઉપર જ વધારે વિશ્વાસ રાખે. નેતાગીરી માટે દેશને દાવમાં લગાવવાના જુગાર રમવામાં નહિ માને....!

સાલું નેતાના રવાડે ક્યાંથી ચઢી જવાયું....? સ્મશાનની કસમ ખાયને કહું કે, નેતા તો શું, નેતાનું પુતળું બનવામાં પણ આપણને ‘ જ્યુસ ‘ નથી. મામૂ...એ ગુમ થતાં પહેલાં ખાસ કહેલું કે, “ જિસ ગલીમે તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલીસે અબ ગુજરના કયા....? “ ધેટ્સ શીટ્ટ....! એટલે હું માત્ર પતંજલિ ‘ બ્રાંડ ‘ ગેરંટીવાળી જ વાત કરવાનો છું. કહેતાં હોય તો બોલું કે, “ સોનુ તને મારામાં ભરોસો નહિ કે...? “ ભારતના સંસ્કાર હજી અકબંધ પડેલા છે યાર.... ! ‘ આ તો દાઝ્યો માણસ છાશ ફૂંકી ફૂંકીને પીએ ‘ એટલે ચોખવટ કરેલી સારી....! એની વે....! ચાલો ત્યારે મુળ મામલા ઉપર જ આવીએ....!

વાત જાણે એમ છે કે, મોંઘવારી પણ ધરણા પર બેસીને હટતી ના હોય એમ, દિવાળી આવીકે હોળી આવીની ખબર જ ના પડે. મોબાઈલમાં સળગતા કોડિયા આવવા માંડ્યાં, ત્યારે ભાન આવ્યું કે, દિવાળીએ માર્કેટમાં જમાવટ કરવા માંડી છે. પછી શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ કેવો તૂટી પડે, એની તો આપને ખબર. આપણને એમ જ લાગે કે, આપણે માણસની સાથે ચેરાપુંજી પણ છે. એવી એવી શુભેચ્છા આવે કે, આપણે જાણે નવું વર્ષ બેસે એટલે ન્યાલ જ થઇ જવાના. ‘ કૌન બનેગા કરોડપતિ ‘ માં ફાંફા મારવાની જાણે જરૂર જ નહિ પડવાની....!

મગજમાં નથી આવતું કે, આ શુભેચ્છાની બાબતે સરકારનું ધ્યાન કેમ જતું નથી...? દર વરસે બેસ્ટ ‘ શુભેચ્છા ‘ નો પણ એક એવોર્ડ રાખવો જોઈએ. સારામાં સારી શુભેચ્છા આપનાર શુભેચ્છકને ‘ સુદામા એવોર્ડ ‘ જેવું નામ આપીને નવાજ્વો જોઈએ....! એવોર્ડની ક્યાં આપણે ત્યાં ખોટ છે....? છેલ્લે પ્લાસ્ટીકનો એવોર્ડ તો આપી શકાય. એ બહાને શુભેચ્છકો વધે બીજું શું....? શું કહો છો મામૂ....?

થયું એવું કે, ધનતેરસની પૂજા ટાણે જ લાઈટ ગયેલી. એમાં પૈસાને બદલે ઘરવાળીથી ( બહારવાળી ધનતેરસની પૂજા કરવા નહિ આવે, ડેબિટકાર્ડની જ કરે....! ) પૂંજામાં ‘ ગ્રીટિંગ કાર્ડ ‘ મુકાય ગયેલો કે શું, આ વરસે મોબાઈલમાં મુશળધાર શુભેચ્છાઓ આવી. બેંકના ખાતામાં કંઈ નહિ વધ્યું, પણ શુભેચ્છાના સંદેશથી મોબાઈલ ભરાય ગયો. એમાં મગજનો કીડો ગેલમાં આવી ગયો. એને એવું થયું કે, આપણો મામૂ.....નક્કી બહારથી સુદામા, પણ અંદરથી દ્વારકાધીશ લાગે છે....! એ વગર આ લુખ્ખેશને ત્યાં આટલી બધી શુભેચ્છા આવે ક્યાંથી....? મામૂ....માત્ર માત્ર કાળા માથાનો માનવી નથી. પણ નક્કી કાળા નાણાનો પણ આસામી હોવો જોઈએ....! એના કપાળમાં કાંદા ફોડું.....!

હવે આ કબુતરને કોણ સમઝાવે કે, આ તો બધાં ઠાલાથૈયા છે ભાઈ....! ‘ નથી આપણે કોઈ દી ‘ કૌન બનેગા કરોડપતિ ‘ ની હોટશીટ ‘ પર બેઠાં, કે નથી આપણે અંબાણીકાકાના ભત્રીજા થતાં....! ઢગલાબંધ શુભેચ્છાઓ ઉપરથી તો વળી સધ્ધરતા નક્કી થાય....? એમ તો ગયાં વરસે પણ, શુભેચ્છાઓ ટોપલે ટોપલા આવેલી. હરામ બરાબર જો એકેય ફળી હોય તો....! મોબાઈલમાં વાયરસ લીલા ચાલી તે અલગ. આ શુભેચ્છાઓ પણ, ‘ મીસ વર્લ્ડ ‘ નો કોમ્પીટેશન જેવી આવે. એક ગમે તે બીજી સારી લાગે. ને બીજી ગમે તો ત્રીજી અફલાતુન લાગે. બાકી ફળે તો આપણી જ....! દેખીતી વાત છે ને કે, શુભેચ્છાઓ કંઈ ફળવા થોડી આવે....? બ્લડ પ્રેસરને લેવલમાં લાવવા જ આવે. એ ફળવા કરતાં ફાટે વધારે. ને ફાટવા બેસે તો સીધી નહિ ફાટે, આડી જ ફાટે.....! ચમનીયાએ તો હોળી પહેલાં જ સૌને ધમકી મોકલી આપેલી કે, “ તમારી ગયાં વરસની શુભેચ્છા હજી અકબંધ છે. એણે કોઈ કાંદો હજી કાઢ્યો નથી. માટે આ વરસે દિવાળીની શુભેચ્છા પુન: મોકલીને મારામાં માનસિક આતંક ફેલાવવો નહિ....! ધત્ત્ત તેરીકી....!!

સાલી .....કેવી કેવી શુભેચ્છાઓ આવે....? જાણે ફાધરનો માલ હોય એમ, વીણી વીણીને ‘ કોપી-પેસ્ટ ‘ કરીને ઠપકારતા જ હોય. વાંચો તો, આપણા રોમ રોમમાં જાણે જોમ આવી જાય. મરવા પડેલી ભાજીમાં પાણીનો છંટકાવ કરતાં, જેમ જાન આવવા માંડે, એમ આપણે પણ ગુલતાન બની જઈએ. કોના બાપની દિવાળી....? એવાં ગુલાબી ગુલાબી, ગોળા ફેંક્યા હોય, કે એના જેવી ગોળાફેંક તો, જેલધારી એકપણ બાપુએ પણ ના કરી હોય....! જુના જમાનામાં સારૂ હતું. પાંચ પૈસાના પોસ્ટકાર્ડમાં હાથે દોરેલું કોડિયું આવતું, પણ એમાં ઉમળકો હતો. આજે તો ઉમળકાને બદલે, ક્યારેક તો ‘ ઘસરકા ‘ પડે.....! મફતકા ચંદન ઘીસ મેરે મામૂ.....! શુભેચ્છાઓ ડીલીટ કરવામાં અંગુઠા ઘસાય જાય. ‘ ડીલીટ ‘ કરવા માટે માણસને ભાડે રાખવાનો આપણે ત્યાં રીવાજ નથી. ને વાઈફની જો હેલ્પ લેવા ગયાં તો તો મારી જ ગયાં., આપણા બધાં ચોપડાં ખુલ્લા પડી ગયાં એમ ધારી જ લેવાનું.....!

જો કે આપણા મનમાં એવું એકેય પાપ નથી કે, હું શુભેચ્છાનો વિરોધી છું. બંદા પ્રત્યેક દિવસનું ‘ સેલીબ્રેશન ‘ કરે. પછી ભલે માતાજીના મંદિરમાં હનુમાનજીની આરતી ગવાય જાય કે, હનુમાનજીના મંદિરમાં ગણપતિની આરતી ગવાય જાય ચાલવી લેવાનું, પણ શ્રદ્ધામાં કોઈ કાપકૂપ નહિ કરવાની. ભગવાન તો ભાવનાનો ભૂખ્યો, એણે ક્યાં આપણી ભાષા આવડે કે પ્રોબ્લેમ થાય....! એક જ વાત યાદ રાખવાની કે, ‘ ખુશામત અલ્લાહકો ભી પ્યારી હોતી હૈ....! ‘ ને આપણને શુભેચ્છા વ્હાલી પણ ખરી. ગમે કે ના ગમે પણ આપણને એક વાત તો જરૂર ગમે કે, ‘ આપણી ચિંતા ને શુભકામના કરવાવાળો વર્ગ પણ બહાર વિશાળ છે. બાકી આજે ક્યાં કોઈને કોઈની પડી છે...? માણસ જીવતો છે કે ઉકલી ગયો, એ જાણવાની પણ ક્યાં કોઈને ફુરસદ છે...? જેમ વિક્રમ સંવતનો ક્રમ બદલાય, એમ મિત્રો બદલાય, સંબંધ બદલાય ને સ્વાર્થ પણ બદલાય...! આપણે ક્યાં કોઈને ભેટવા જવાનું છે...? એકવાર ‘ સાલમુબારક ‘ કરી દેવાનું. દિવાળી ગઈ એટલે વાર્તા પૂરી.....! અગલે બરસ ફિર મિલેંગે....! ધત્ત્ત તેરીકી....!

બિચારા લાગણીશીલ....! શબરી જેવી ભાવનાનો ભલે છાંટો નહિ હોય, છતાં લાગણી તો રાખે. પોતાના ઘરમાં ભલે ઉંદરડા ફાંસો ખાતાં હોય, છતાં આપણને શુભેચ્છા લખે કે, “ દિવાળીની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ ને નૂતન વર્ષાભિનંદન, તે પણ હાર્દિક....! આવનારું વિક્રમ સંવતનું નવું વરસ અને ત્યાર પછીના રેક વરસોના વરસ, આપના અને આપના સર્વ સ્નેહી- સ્વજનોના જીવનમાં પરમ સુખ, અસીમ શાંતિ, નિરંતર સફળતા, અપાર સંતોષ, ફૂલગુલાબી તંદુરસ્તી લાવનારા નીવડે અને સર્વને દશે દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ એ જ અભ્યર્થના...! ‘

બોલ્લો...આવું વાંચીએ એટલે આપણે તો વગર વરસાદે ભીંજાય જ જઈએ ને....? પણ....હરખપદુડા થઈને ભૂલમાં જો એના ઘરે જવાના થયાં તો, કદાચ ઓળખ માટે આધાર કાર્ડ પણ માંગે....! ને મોઢું તો એવું ગુંચળાવાળી જલેબી જેવું કરે કે, જાણે દુર્યોધનના મહેલમાં યુધિષ્ટર વોશરૂમ માટે ના આવ્યો હોય...? ‘ એના કપાળમાં કાંદા ફોડું....!

***