માલવે મનમાં વિચારી લીધું. આખી રાતનાં ઉજાગરા અને મનોમંથનનાં અંતે એ નિર્ણય કરી શક્યો કે મહેક સાથે એનું વર્તન બરાબર નથી. મહેક પત્ની છે એની અને એનો પુરેપુરો અધિકાર છે માલવ પર. મહેકની એક ભૂલની સજા આટલી મોટી ના હોઈ શકે. એમ તો પોતાની પણ ભૂલ ક્યાં નથી? મહેકનાં મનમાં ઉદ્ભવેલી શંકાનું સમાધાન કરવાને બદલે પોતે ગુસ્સામાં આવી જઈને મહેકની શંકાને વાસ્તવિક રૂપ આપ્યું હતું. ભલે જે હોય એ પણ કેશા સાથેનો એનો સંબંધ નૈતિકતાની દ્રષ્ટિએ બરાબર ન જ કહેવાય. એના માં-બાપ પણ ક્યારેય કેશાને વહુ તરીકે નહિ જ સ્વીકારે.
પહેલાં જે કેશા માલવને બોલ્ડ અને બિન્દાસ્ત લાગતી એ જ કેશાને આટલી નજીક થી જાણ્યા પછી માલવનાં વિચાર બદલાય ગયા હતાં. હવે એને કેશા મહેકની સરખામણીમાં કેરલેસ અને ફૂવડ લાગતી. કેશાને ચા અને મેગી સિવાય કંઈ જ બનાવતા નહિ આવડતું. અરે તૈયાર ફૂડ-પેકેટ્સ ગરમ કરવામાં પણ એને આળસ ચડતું. એની માં રોજ એના માટે ખાવાનું તૈયાર રાખતી. વળી, કેશાને માલવનાં દાનવીર સ્વભાવ પ્રત્યે પણ અણગમો હતો. માલવને જરૂરિયાતમંદને મદદ કરવામાં આનંદ આવતો માનસિક શાંતિનો અહેસાસ થતો. જયારે કેશા પોતાની જરૂરિયાતથી વધારે કંઈ વિચારી શકવા સક્ષમ જ ન હતી. એને થતું કે આ દાનનાં પૈસામાંથી તો પોતાના માટે કેટલું શોપિંગ કરી શકાય. શું જરૂર છે આવા કંગાળ લોકો પાછળ પૈસા ઉડાવવાની?
માલવે કેશા સાથેના સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું અને એણે કેશાને ફોન કર્યો. કેશાએ કાયમની જેમ એને વાતમાં ફોસલાવવાનો પ્રયત્ન કર્યો. પણ માલવ હવે મક્કમ હતો. હમેશા એ પોતાના મન પર મહેકને છેતર્યાનો બોજો લઈને ફરી શકે એમ ન હતો. જયારે કેશાને લાગ્યું કે માલવ હવે પોતાની વાતોમાં નહિ આવે ત્યારે એણે માલવને પોતાના પર રેપ કર્યાના આરોપમાં જેલમાં મોકલવાની ધમકી આપી. આથી માલવે ફોન મૂકી દીધો. હવે આગળ શું કરવું એ એને સમજાયું નહિ.
આ તરફ મહેકને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. એને સમજાયું હતું કે પોતે ખુબ જુનવાણી વિચારો ધરાવતી હોવાથી અને માલવને પત્ની પાસેથી જોઈતું સુખ ન હતી આપી શકી એટલે જ માલવ પોતાનાથી આટલો દૂર થયો હતો. હવે એણે મનમાં નક્કી કર્યું કે પોતાના પતિ માટે એ "શયનેષુ રંભા" પણ બનશે જ. પોતાના નૈતિક સંબંધ પર પોતાની જ ભૂલના લીધે સર્જાયેલા અનૈતિક સંબંધને હાવી નહિ જ થવા દે. એ પોતે માલવને એ સર્વસ્વ આપશે જેની માલવને ઝંખના છે. પોતે માલવની સાચા અર્થમાં પત્ની અને મિત્ર બનશે જેની સાથે માલવ પોતાની તમામ વાતો અને મૂંઝવણો વહેંચી શકે. પોતાના મનમાં નક્કી કરીને એ ઘરેથી નીકળી પડી. પહેલાં એણે પોતાના માટે માલવને ગમે એવા વસ્ત્રો લીધા, પછી પાર્લરમાં જઈને પોતાની જાતને વધુ સુંદર બનાવી, માલવ માટે એની મનપસંદ ચોકલેટ્સ અને કાર્ડ લીધા. અને ઘરે આવીને માલવની પસંદ પ્રમાણે આખા ઘરને સજાવવા માંડ્યું.
માલવ પોતાની મૂંઝવણમાં ડૂબેલો હતો ત્યાં જ એના પર પરમનો ફોન આવ્યો. માલવે આશ્ચર્ય સાથે ફોન ઉઠાવ્યો કેમકે પરમે કંઈ કેટલાય સમયથી કંઈ જ કહ્યા વિના એની સાથે સંબંધ તોડી કાઢ્યો હતો.
"પરમ તું? ક્યાં છે તું યાર? કેટલા દિવસોથી તારો ફોન પણ લાગતો ન હતો. અને સોશ્યિલ મીડિયામાં પણ તે મને કંઈ કીધા વગર જ બ્લોક કરી દીધો?"
"અરે માલવ.. માલવ... મને કંઈ બોલવા દેશે ખરો? કે તું જ બધું બોલશે? મારી ભૂલ હતી યાર. હું તને પછી સમજાવીશ પણ હમણાં તું જલ્દી હું મોકલું એ એડ્રેસ પર આવી જા. મારા જીવન-મરણ નો સવાલ છે દોસ્ત."
"કેમ શું થયું પરમ? બધું બરાબર તો છે ને?"
"ના માલવ. તું આવે છે કે નહિ? બોલ જલ્દી. બીજી વાતો પછી."
માલવ ફટાફટ પરમે મોકલેલ સરનામે પહોંચી ગયો. એક નવા જ બંધાયેલા એપાર્ટમેન્ટ નીચે પરમ ઉભો હતો.
"અરે પરમ તું તો એકદમ સાજો છે. શું થયું? મને અહીંયા કેમ બોલાવ્યો?"
"માલવ બધી વાત પછી પણ પહેલાં તું ચાલ."
પરમ માલવનો હાથ પકડીને એને ઉપર લઇ ગયો. ત્યાં ત્રીજા માળે એક ફ્લેટની બહાર બંને ઉભા રહી ગયા. પરમે માલવને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. માલવને હજુ કંઈ જ સમજમાં ન હતું આવતું કે આ થઇ શું રહ્યું છે? બે- પાંચ મિનિટ બારણાંની ભાર ઉભા રહ્યા પણ કંઈ ન સંભળાતા બાજુના ખાલી ફ્લેટની બાલકનીમાં બંને ગયા. ત્યાંથી બંધ ફ્લેટના રૂમમાં સ્પષ્ટ દેખાય રહ્યું હતું.
કેશા ત્યાં અન્ય પુરુષ સાથે હતી. આ એ જ યુવાન હતો કે જેને તે દિવસે કેશા હોટેલમાં મળવા ગઈ હતી. બંનેની વાતો બારી ખુલ્લી હોવાને કારણે માલવ અને પરમ બંને સાંભળી શકતા હતાં. કેશા પેલા યુવાનને વળગીને ઉભી હતી અને કહી રહી હતી કે
"બસ ડાર્લિંગ હવે થોડો જ સમય. પેલા મૂર્ખ માલવ પાસે થોડી પ્રોપર્ટી મારાં નામે કરાવી લઉં પછી હું તારી પાસે આવી જઈશ."
"એ એમ કંઈ પ્રોપર્ટી તારા નામે થોડો કરશે? હવે મારાંથી વધારે દૂર નથી રહેવાતું મારી પત્નીથી."
પત્ની? માલવ આ સાંભળીને જ છક થઇ ગયો. છતાંય ચુપચાપ આગળની વાત સાંભળવા એણે કાન સરવા કર્યા.
"તને મારાં જાદુની ખબર નથી. મેં માલવને એવો વશ કર્યો છે મારાં મોહજાળમાં કે એ એની સીતા જેવી પત્નીને પણ છેતરવા તૈયાર છે. એક બંગલો તો મેં મારાં નામે લેવડાવ્યો જ છે. બસ હવે એકાદ ગાડી અને એકાદ પ્લોટ પણ લેવડાવી લઉં પછી એ મૂરખને બાય-બાય."
માલવને આ સાંભળીને કેશાની આખી હકીકતની ખબર પડી. ખુબ પસ્તાવો થયો એને મહેકને છેતર્યાનો. પણ બસ હવે વધુ નહિ. એણે મહેકની સામે બધી હકીકત કહીને એની માફી માંગવાનો નિર્ણય કર્યો. અને જો મહેક આ ભૂલ માટે કોઈ સજા આપે તો પણ કબૂલ કરવાનું નક્કી કર્યું. એણે સચ્ચાઈ જણાવવા માટે પરમ નો પણ આભાર માન્યો. પછી પરમે માલવને વિસ્તૃતમાં બધું જણાવ્યું. કઈ રીતે કેશાએ પહેલાં જ માલવ સાથે અફેર હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. કયા કારણ થી પરમ માલવથી નારાજ હતો એ બધું જ એણે જણાવ્યું, સાથે સાથે મહેક એને ખુબ જ પ્રેમ કરતી હોવાનું અને આદર્શ પત્ની હોવાનું પણ કીધું.
માલવ ઘરે આવ્યો તો મહેકે એને ગમતી બધી સજાવટ કરી હતી અને મહેક પોતે પણ રેડ ટૂંકા ડ્રેસમાં ખુબ સુંદર તૈયાર થઇ હતી. માલવ આ બધું જોઈને ખુશી સાથે આશ્ચર્યચકિત થઇ ગયો પણ ઘરમાં આવતાની સાથે મહેકને ભેટીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. એણે મહેકને કેશા વિશેની તમામ હકીકત જણાવી અને ઘૂંટણે પડીને મહેકની માફી માંગી. એને હતું કે કેશાની વાત સાંભળીને મહેક ગુસ્સે થશે. પણ મહેકે માલવને વળગીને સામે એની માફી માંગી.
"માલવ આ બધું મારાં લીધે જ થયું છે. પણ હવે નહિ માલવ."
"એટલે મહેક?"
"માલવ આ બધું ભૂલીને આપણે એક નવી શરૂઆત નહિ કરી શકીએ?"
"હા હા મહેક.. કેમ નહિ?"
બંને એકબીજાના આંસુ લૂછી રહ્યા હતાં. આજે અનૈતિક સંબંધ પર નૈતિક સંબંધની જીત થઇ હતી. મહેકને એનો માલવ પાછો મળ્યો હતો. બંને પોતાના ફોન અને ડોરબેલ બંધ કરીને એકબીજાની કમરમાં હાથ નાંખીને રૂમમાં પુરાયા.
***
આ તરફ કેશાએ માલવ પર કેસ કરવાની તૈયારી કરી તો પરમ અને માલવે એને એ પહેલેથી પરિણીત હોવા છતાં પૈસા ખાતર માલવ પર આરોપ મૂકતી હોવાનું સાબિત કરવાનું અને બદનામ કરવાનું કહ્યું. આથી કેશાએ કેસ કરવાનું પડતું મૂક્યું. માલવે એને નોકરીમાંથી પણ કાઢી મૂકી. અને માલવ અને મહેક એક સફળ સુખી દામ્પત્ય માણી રહ્યા છે અને બંને જલ્દી જ પોતાના પરિવારમાં એક નવા નાના સભ્યને આવકારવા જઈ રહ્યા છે. હવે તો સ્થિતિ એવી છે કે બંને એકબીજાની વાતો કીધા વગર પણ સમજી જાય છે. અને પતિ-પત્ની હોવાની સાથે બંને એકબીજાના પાક્કા દોસ્ત પણ ખરાં. પરમ પણ ટૂંક સમયમાં જાનવી સાથે લગ્નગ્રંથીથી જોડાનાર છે.
વાચકમિત્રોનો ઘણો ઘણો આભાર મારી આ વાર્તા વાંચવા માટે. ક્યારેક કોઈ ભાગ લખવામાં વાર લાગી હોય તો એ માટે હું તમામ વાચકોની માફી માંગુ છું. મારી આ વાર્તા કેવી લાગી એ મને ચોક્કસ જણાવજો. મારાં ફેસબુક પેજ "શક્તિ બ્લોગ" પર પણ તમે તમારાં વિચારો જણાવી શકો છો.અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.
Mail: shivshaktiblog@gmail.com ;
Blog: https://shivayshaktiblog.wordpress.com/