અપ-ડાઉન
કલ્પના ને કલ્પના પણ નહોતી કે તેણી ની આ અપ-ડાઉન ની નોકરી જિંદગીમાં કેવા કેવા અપ-ડાઉન લાવશે. પાર્ટ ટાઈમ અને ઇન્ટરશીપ તરીકે નોકરી કરી જ હતી, પરંતુ આ ડીગ્રી મળ્યા બાદ ની પહેલી નોકરી ની ઓફર મળતા જ તેણી એ જામનગર થી રાજકોટ અપ-ડાઉન ની નોકરી સ્વીકારી લીધી હતી. નોકરી કલ્પના માટે અનિવાર્ય નહોતી પરંતુ તેણી ના પપ્પા નું કહેવું હતું કે ડીગ્રી લીધી છે તો “આઈડલ” શા માટે બેસવું!તેથી જ તેણી એ અપ-ડાઉન વાળી નોકરી પણ સ્વીકારી લીધી હતી. તેણી હતી પણ છુટ્ટા હાથવાળી તેથી પંદરહજાર ની નોકરી સહર્ષ સ્વીકારી લીધી હતી.
અપ-ડાઉન ના સાતમા દિવસ એ તેણી જિંદગી માં એક રોમાંચક ઘટના બની ગઈ. જે બસ માં જઈ રહી હતી તેનું ટાયર પંચર થઇ ગયું અને બસે “બ્રેક” લઇ લીધો. બધા પેસેન્જરો બહાર નીકળી ને ટાયર ને જોતા રહ્યા. ઉતાવળા પેસેન્જર જે મળે તેમાં આગળની સફરમાં જોડાઈ ને જવા લાગ્યા. કલ્પના નો આ પ્રથમ અનુભવ હતો. શું કરવું? કેમ કરવું? અનેકએક સવાલ મહીં એક યુવાને પૂછ્યું, ”તમારે રાજકોટ જવું છે ને? કલ્પના તે યુવાન ને જોતી જ રહી!જવાબ આપવામાં થોડી ગભરાઈ ગઈ અને કહ્યું હા, મારે રાજકોટ જ જવું છે. ટેક્સી જેવી “તુફાન”માં આગળ ની બેજ સીટ ખાલી હતી તેમાં કલ્પના સંકોચ અનુભવતી યુવાન સાથે બેસી ગઈ. રાજકોટ પહોચ્યાં બાદ યુવાન ભાડું ચૂકવી ગાયબ થઇ ગયો.
નોકરી અને તે પણ સરકાર સિવાય ની નોકરી માં સમયસર પહોચવું કેટલું જરૂરી હોય છે તે હર એક નોકરિયાત જાણતો હોય છે અને પહોંચતો પણ હોય છે. આજકાલ ની જિંદગી એ માનવ માનવ વચ્ચેના અંતર વધારી દીધા છે અને શહેર, દેશ અને દુનિયા સાથે ના અંતર ઘટાડી દીધા છે. અમદાવાદ-વડોદરા, વડોદરા-અમદાવાદ વાપી-મુંબઈ, અપ-ડાઉન ના આવા લીસ્ટ માં હવે ગુજરાત ના પણ ઘણા શહેર સામેલ થઇ ગયા છે. જામનગર, ખંભાળીયા, કાલાવડ, દ્વારકા, ખાવડી (રિલાયન્સ) અને એસાર.
નોકરિયાત માટે અપ-ડાઉન જીવનનો એક હિસ્સો બની ગયા છે ! પરંતુ જિંદગીમાં આવતા અપ્સ-ડાઉન થી માનવી ક્યાં થી ક્યાં પહોંચી જતો હોય છે ! ન જોયેલા રસ્તા, રાહી અને સમય જોવા મળતા હોય છે !કલ્પના પણ ક્યાં ભૂલી હતી મયંકને એમ. સી. એ. પહેલાજ સેમ માં તેનો પરિચય થયો હતો. બિન્દાસ જિંદગી જીવવાની તેમની સ્ટાઈલ હતી. એક મિત્ર તરીકે તે કલ્પનાથી નજીક હતો. કોલેજમાં બંને સાથે જ જોવા મળતા. શ્રીમંત પરિવારનો એક ચિરાગ હોય તેમની બધી માંગણીઓ તેના પપ્પા પૂરી કરતા હતા. કોલેજમાં કોઈ પાસે નહોતી તેવી બાઈક લઇ તે કોલેજે આવતો હતો. કલ્પના તેની સાથે બાઈક પર બેસતી ત્યારે તેમને ખુબજ ડર લાગતો. મયંક હવા સાથે વાત કરતી હોય તેમ બાઈક ચલાવતો. કલ્પનાની બાઈક સ્લો ચલાવવાની સલાહ મયંક કદી સાંભળતો જ નહિ. એક દિવસ કોલેજમાં કલ્પનામાં ના આવે તેવા સમાચાર મળ્યા, “મયંકની હાઈ સ્પીડ બાઈક ના અકસ્માત થી તેમણે જિંદગી પણ હાઈ સ્પીડે ગુમાવી દીધી હતી “.
કલ્પના શોકગ્રસ્ત હતી એક સાચો મિત્ર ગુમાવ્યો હતો. કલ્પના વિચારવા લાગી કે શ્રીમંત પપ્પા – મમ્મી ઓ શું ખરેખર તેના સંતાનો પ્રત્યે કશું ધ્યાન જ નહિ આપતા હોય ! સંતાનોની માંગણી પૂરી કરી કરી દેવા પુરતી જ તેમની જવાબદારી હોય છે. ! થોડા દિવસ તેનું ધ્યાન કોલેજમાં નહોતું લાગતું પરંતુ સમય જ દરેક ઘાવ નો મહરમ હોય છે તેવું કલ્પના સાથે પણ થયું. સરકતા સમય સાથે કલ્પનાએ માસ્ટર ડીગ્રી ફસ્ટ ક્લાસ માં લીધી.
કલ્પના પોતાની જોબ ની રૂટીન લાઈફ સેટ થઇ ગઈ હતી. ક્યારેક બસ, ક્યારેક ઇકો જે મળે તેમાં તે બેસી સમયસર ઓફિસે પહોંચી જતી. પહેલી સેલરી હાથ માં આવતા તેણી અનહદ ખુશી અનુભવી હતી. ઓફિસમાં તેણી પોતાનું કાર્ય ખુબજ સરસ રીતે કરતી હતી અને ઘણું ઘણું નવું જાણવા મળતું હતું. તેણી ના કામથી તેમના બોસ પણ ખુશ હતા. નવી લાઈફ સ્ટાઈલ થી તેણી પણ અત્યંત ખુશી અનુભવતી હતી.
એક દિવસ સવારે કલ્પના ઓફિસે જવા સ્ટોપ પર પહોંચી ઘણો વખત થયો પણ કોઈ વાહન મળતું નહોતું અને જે આવતું હતું તે ભરાઈ ને આવતું હતું. અચાનક તેણી ની પાસે એક કાર ઉભી રહી અને ડોર ખુલ્યો.
તેણી એ જોયું આ તો એક વખત મળેલો સ્માર્ટ યુવાન હતો જે એક વખત બસમાં પંચર થતા તેમની સાથે તેણી રાજકોટ પહોંચી હતી. કલ્પના હસતા હસતા કાર માં બેસી ગઈ અને બોલી હલ્લો, ”મારું નામ કલ્પના છે “. તમારું નામ શું છે ? અને તમે તે દિવસ પછી તો ગાયબ જ થઇ ગયા છો !ક્યાં છો તમે ? મારે તમને તે દિવસના પેંસા આપવાન છે ”. યુવાને કાર ચલાવતા કહ્યું કલ્પનાજી તમે એકસાથે આટલા સવાલો કરશો તો હું જવાબ કેમ આપીશ ? “મારું નામ કલ્પેશ છે “ ‘આજ થી મારું ફરી જામનગર –રાજકોટ નું અપ-ડાઉન શરૂ થઇ ગયું છે. જો તમે ઈચ્છશો તો દરરોજ તમને તમારી મંજિલ સુધી પહોંચાડી આપવાની જવાબદારી મારી ” વાતો વાતો માં ક્યારે રાજકોટ આવ્યું તે ખબર ના પડી. આઠ દિવસમાં કલ્પના – કલ્પેશ મિત્રો જેવા બની ગયા. સવારે સાત વાગ્યે સાથે નીકળતા અને સાંજે આઠ વાગ્યે જામનગર પરત આવી જતા. કલ્પેશ છ અઠવાડિયાની ટ્રેનીંગ પર ગયો હતો અને ત્યાર બાદ તેને પ્રમોશન મળતા તે કારમાં જ અપ-ડાઉન શરૂ કર્યું હતું. તે હવે આ. સી મેનેજર બની ગયો હતો. કલ્પેશે બધી વાત કલ્પનાને આઠ દિવસમાં કરી દીધી. મહિનો પૂરો થતા કલ્પનાએ એક દિવસ સાંજના છુટા પડતા કલ્પેશને એક બંધ કવર આપ્યું અને ઘરે જઈ ખોલવાનું કહ્યું હતું.
બીજા દિવસે કલ્પેશે કહ્યું, ” કલ્પના તે કવરમાં ૩૦૦૦ રૂપિયા શા માટે આપ્યા છે “? કલ્પનાએ કહ્યું, ”કલ્પેશ આપણે સારા મિત્રો બની ગયા છીએ પરંતુ અપ-ડાઉન ના પેંસા તો મારે તને આપવાજ જોઈએને, હું ખુબજ પ્રેક્ટીકલ છું. તારા પેટ્રોલ ખર્ચ માં મારે જે ભાગ આપવાનો થાય તે મેં તને આપ્યો છે. ” ઓ. કે. કલ્પના હું તારા પાસે ૨૦૦૦ રૂપિયા જ લઈશ, ૧૦૦૦ પરત આપતા “ કલ્પેશ બોલ્યો.
સરકતા સમય ની સાથે કલ્પના – કલ્પેશ ના સંબંધો વધુ ગાઢ બની ગયા હતા અને પારિવારિક બની ગયા હતા. એકબીજાના કુટુંબીજનો પણ નિયમિત એકબીજાને મળતા હતા. કલ્પના અને કલ્પેશ રજાના દિવસોમાં બંને રણમલ તળાવ, એજ્યુંમ્પાર્ક, સ્વામિનારાયણ મંદિર વગેરે જગ્યા એ ફરતા હતા. સમય તો હાથમાં પકડેલી રેતી જેવો હોય છે, ક્યારે હાથ ખાલી થઇ જાય તે ખબર નથી પડતી. સૂર્યાસ્ત પછી સૂર્યોદય થતો જ હોય છે તેમ દિવસો, મહિના અને વરસ કયાં પસાર થઇ ગયા તે ખબર જ ન પડી.
કલ્પનાને તેના કાર્ય ને કારણે પ્રોમોસન મળ્યું હતું તો કલ્પેશ પણ હવે મેનેજર થઇ ગયો હતો. બંને પરિવાર વચ્ચે હવે કલ્પના – કલ્પેશ ના લગ્ન ની ગુપચુપ ચર્ચા થવા લાગી હતી. પરંતુ બંને માં કોઈ “મગ નું નામ મરી” પાડવા ત્યાર નહોતું. અમે બંને સારા મિત્રો જ છીએ તેવો ખુલાસો કરતા હતા.
એક દિવસ કલ્પનાએ કહ્યું, ”કલ્પેશ, આવતા મહીને એક છોકરો અમેરિકાથી આવે છે. મારા એક માત્ર અમેરિકામાં રહેતા મામાએ તેમને મારી બધી વિગતો આપી છે. તે લગ્ન કરવાજ ભારત આવે છે”. ”તો તે શું વિચાર્યું છે? . કલ્પેશે પૂછ્યું. “મેં હજુ કશું પણ વિચાયું નથી” કલ્પનાએ જવાબ આપ્યો. બંનેનું અપ-ડાઉન
રૂટીન ચાલુ જ હતું. અમેરિકાથી આવેલ મુરતિયો કલ્પનાને પસંદ ના પડ્યો !પછી તો મામા નો ફોન પણ આવી ગયો કે છોકરો સારો હતો તો કેમ કલ્પના ને પસંદ ના આવ્યો ? ત્યારે કલ્પનાએ મામા ને કહી દીધું કે “મામા, તમે મોકલેલ અને તમને પસંદ આવેલ છોકરો મને ગમવો જ જોઈએ એવું તો નથી ને. ”ત્યારે મામા ને પણ સમજાયું કે ભાણી હોશિયાર થઇ ગઈ છે.
કલ્પના અને કલ્પેશ રણમલ તળાવે બેઠા હતા. તે દિવસે કલ્પેશે પણ પૂછ્યું હતું કે અમેરિકા નથી જવું ? ત્યારે કલ્પનાએ જવાબ આપ્યો, “તમે સારું કમાતા હો, તમારા પાસે પૂરતા(સફીસ્યાન)પેંસા હોય તો રહેવા માટે ભારત જેવો દુનિયામાં કોઈ દેશ નથી અને હા ફરવા જવાની વાત અલગ છે. ” ત્યારે કલ્પેશે કહ્યું કે પૂરતા (સફીસ્યાન) પેંસા ની પરિભાષા શું ? કેટલા રૂપિયા એટલે પૂરતા રૂપિયા ? “ત્યારે કલ્પનાએ કહ્યું કે “ખરીવાત છે, પરંતુ તે દરેક વ્યક્તિ અને તેના સમય મુજબની જરૂરિયાત ઉપર નિર્ભર હોય અને તે સતત બદલાતી રહેવાની તેથી તે તો કહેવું મુશ્કેલ છે. !
તહેવારો ની મોસમ ચાલી રહી હતી. નવરાત્રી ની સ્પર્ધામાં “બેસ્ટ કપલ” નું ઇનામ મળતા બંને ખુબજ ખુશ હતા. બીજા દિવસે ઢળતા સૂર્ય સાથે ખીલતી સંધ્યા ના સાનિધ્યમાં કલ્પના અને કલ્પેશ અગાસીમાં બેઠા હતા
ત્યારે કલ્પેશે કહ્યું, ”કલ્પના તને નથી લાગતું કે આપણે હવે આપણા સબંધ એક નામ આપવું જોઈએ “. હા, ”કલ્પેશ હું પણ તારી જેમજ વિચારી રહી હતી “કલ્પનાએ જવાબ આપ્યો. “કલ્પના મને લાગે છે કે આપણે સારા પતિ – પત્ની સાબિત થઈશું” કલ્પેશે કહ્યું. હા, “કલ્પેશ આપણા બે વરસ ના મિત્રતા ભર્યા સબંધ થી આપણે બંને એક બીજાને સારી રીતે ઓળખી શક્યા છીએ અને જાણી શક્યા છીએ જ “. કલ્પનાએ કહ્યું.
બંને ના આ નિર્યણ ને બંને ના પરિવારે વધાવી લીધો અને દિવાળી બાદ ના પહેલા મુહરત માં કલ્પના અને કલ્પેશ લગ્ન ગ્રંથી થી જોડાઈ ને ખરા અર્થ માં “બેસ્ટ કપલ” બની ગયા.
અનિલ ભટ્ટ - ૯૪૨૮૦૭૪૫૦૮