Monghvari in Gujarati Magazine by Ashwinee Thakkar books and stories PDF | મોંઘવારી

Featured Books
Categories
Share

મોંઘવારી

કાલે ટીવી પર આવતા કોઈ ન્યુઝ ચેનલ ના સમાચાર જોતા હતા એમાં પેટ્રોલ નો જે રીતે ભાવ હમણાનો વધી રહ્યો છે એ મુદ્દા વિષે ચેનલ વાળા સામાન્ય જનતાના વિચારો શું છે એ બતાવી રહ્યા હતા. કોઈ કેહતુ કે પેટ્રોલના ભાવ તો હવે થોડા જ સમય માં ૧૦૦ રૂપિયા થઇ જશે, કોઈ કેહ્તું કે આ રોજ રોજ ભાવ વધે છે એ ના વધવા જોઈએ. આના માટે સરકારે કઈ કરવું જોઈએ. એક બેહન (જે પોતે ગાડીમાં બેઠા હતા) તો બોલતા હતા કે “શાકભાજી, દૂધ અને રોજની વપરાશની વસ્તુના ભાવ પણ બહુ વધી ગયા છે” તો આજનો મારો આ લેખ મોંઘવારી પર છે હું તમને જણાવીશ કે મોંઘવારી વધારવા પાછળ આપડે પણ જવાબદાર છે. પણ થોડા અલગ અંદાજમાં... કોઈએ ખોટું લગાડવું નહિ આ લેખ ફક્ત થોડા મનોરંજન અને લોકોને જાગૃત કરવા માટે છે.

હવે તો જ્યાં જોવો ત્યાં અલગ અલગ લીક્વીડ વપરાય છે. બાથરૂમ ધોવાનું અલગ, સંડાસ ધોવાનું અલગ, પોતા મારવાનું ય અલગ, અરે હવે તો હાથ ધોવાય લીક્વીડ વાપરીએ છે હવે કેમ લીક્વીડ જ સાબુ કેમ નહિ તો પાછા પેલા લોકો કે સાબુથી એકબીજાના કીટાણું ટ્રાન્સફર થાય માટે.. અને હવે તો ભઈ સાબ એવું લીક્વીડ આવ્યું છે કે દસ સેકન્ડમાં હાથ ચોખ્ખા થઇ જાય લો બોલો બહુ ઘસવું પણ ના પડે. અરે ઈ તો છોડો હવે તો પાણી ના હોય તોય તે હાથ સાફ થઇ જાય એવુય લીક્વીડ આવે છે બળ્યું શું નામ હતું કઈક સેનીલીઝર એવું કઈક કેવાય છે. જે હોય તે હવે મુદ્દા ની વાત આ લીક્વીડ નોહતા ત્યારે આપડે ગોબરા રેહતા હતા?? અરે બુન રોજ સંડાસ અને બાથરૂમમાં ખાલી પાણી નાખીને સાવેણો ફેર્વોને તો લીક્વીડ વાપરવું પડે જ નહિ. કેટલું મોંઘુ આવે છે લીક્વીડ એ તો ખબર જ હશે?? તો બેહનો રોજ સાવેણો ફેરવી દેવાનો અને અઠવાડિયે એક જ વાર લીક્વીડ વાપરવાનું (વાપરવું હોય તો)

અરે હવે તો આ અમુક કંપનીઓ હદ કરે છે બોલો પોતું કરવા માટે આપડે આપડા ઘરવાળાના જુના ફાટેલા અને ટૂંકા પડતા ટીશર્ટ ના વપરાય પોતા માટે તો એ લોકોએ અલગ કઈ પોતું કાઢયું છે. અને એમાય રસોડા ઉપર સાફ કરવાનું અલગ અને ઘરમાં પોતું કરવા માટે અલગ બોલો અહી અમુક લોકોને પેહરવા પુરા કપડા ય નથી મલતા અને આ લોકોને પોતા મારવા માટેય કંપનીએ બહાર પડેલ પોતું જોઈએ છે. અરે કચરો વાળવાય કંપની વાળાઓ નવી જાતની સાવરણી લાવ્યા છે.

દાંત સાફ કરવામય એટલી જ માથાકૂટ કરવાની. દાંત સફેદ રાખવા અલગ, સડી ના જાય એટલે અલગ, મજબુત રાખવા અલગ, અને એમાય લીમડો, કોલસો, ફુદીનો અને ખાસ મીઠું એવી ફ્લેવર આવે હવે થોડા સમય બાદ ગરમમસાલા વાળી ફ્લેવરેય આવશે. એમાય જેલ વાળી ટ્યુબ અલગ આવે અને કેટલા બધા કલર હોય લાલ, લીલો, વાદળી, ગુલાબી, અને કોલસા વાળી કાળી બોલો અને આટલું ઓછુ હોય એમ બ્રશ થઇ જાય પછી કોગળા કરવાનુંય લીક્વીડ અલગ.... આ લીક્વીડે તો ભારે કરી...

હવે વારો આવે નાહવાનો એની તો વાત જ ના પૂછો બાપ રે બાપ કેટલી બધી જાતના સાબુ, કેટલી બધી સુગંધવાળા, અલગ અલગ ફ્લેવર વાળા બોલો ચંદન, હળદર, બદામ, કમળ, ગુલાબ, લીમડો, કાકડી, એલોવેરા, ક્રીમ, મધ અને બીજી ઘણીબધી અરે એક કંપનીએ તો બવ કરી મારા બેટા એ બધા જ ફ્રુટના ફ્લેવર વાળા સાબુ બનાવ્યા સુગંધ તો એવી સરસ આવે કે એમ થાય કે હાળું ખાઈ જવ... અરે થોડા વર્ષો પેહલા એક ચોકલેટ વાળો સાબુ આવ્યો હતો ત્યારે મારી ટીનકી બોવ નાની તે હાળી સાબુને ચોકલેટ હમજી બચકું ભરતીતી બોલો જબરું થયું તુ... હવે તો નાવાનુય લીક્વીડ આવે છે જેલ, બોલો જેલથી નાવનું......

અલ્યા હવે તો માથું એકલા શેમ્પુથી ધોવો તો ના ચાલે શેમ્પુ પછી કન્ડીસ્નર કરવું પડે એમાય એક કંપનીએ ઊંધું કાઢ્યું છે પેહલા કન્ડીસ્નર પછી શેમ્પુ બોલો કંપની વાળા કઈક નવું નવું કરવા અમુક વસ્તુ ઊંધીય કરી નાખે છે. વાળને લીસા રાખવાનુય લીક્વીડ અને માથું ધોઈ લો પછી ઘુંચ જલ્દી નીકળી જાય એના માટે પણ લીક્વીડ (બળ્યું લીક્વીડ તો બધેય છે). બાપ આના કરતા તો પેહલા હારું હતું આટલી જફા નોહતી જે સાબુ હાથમાં આવે એનાથી માથું ધોઈ નાખતા હતા અને પછી એ જ સાબુ થી નાહી નાખવાનું.....

કપડા ધોવામાંય રોજ બધું નવું નવું આવતું જાય છે. જો કપડા હાથથી ધોવા હોય તો એનો પાવડર અલગ, અને જો મશીનમાં ધોવાના હોય તો પેહલા મશીન કેવું છે એ જોવો ઉપર ઢાંકણું ખુલે તો અલગ પાવડર, નીચે એટલે કે સામેની બાજુ ખુલે તો અલગ, અને એમાય કપડાને નવા જેવા રાખવા માટે લીક્વીડ (લીક્વીડે તો લોહી પીધું) આવે. કપડા ધોવાઇ જાય પછી કપડાને સુગંધીદાર રાખવા માટે અલગ લીક્વીડ આવે. જો તમારી પાસે મસ્ત ઓટોમેટીક માશીન છે અને આ બધી વસ્તુ કપડા ધોતી વખતે ના વાપરો તો તમારું મશીન એ બકેટ (ડોલ) છે (પેલી એડમાં કોક કે છે ને).

આજકાલ ના જુવાનીયા તો કેટકેટલું શોધી લાવે છે કે ના પૂછો વાત, બોડીલોસન, ફેશવોશ, ડીઓ, પરફ્યુમ, લિપગ્લોસ, સ્ક્રબ, હેરજેલ, ગોરા થવાની ક્રીમ, અને સુરજના તાપના લીધે ચામડી બર્ન ના થાય એના માટે ક્રીમ, આંખની નીચે કુંડાળા ઓછા કરવાની ક્રીમ, આ બધું ઓછુ હોય એમ હવે તો ચેહરા પર કરચલી ના પડે એવી ક્રીમની જાહેરાત પેલો સિંહમ ખરો ને તેની બૈરી આવે છે કરવા. આવું તો હોય કઈ??? આપડે જયારે નાના હતા ત્યારે આપડી મમ્મી તો આવું કઈ વાપરતી નોહતી તોય એનો ચેહરો કેટલો સુંદર રેહતો હતો અને આજે પણ ભલે આપડી મમ્મી ઘરડી થઇ ગઈ હશે તોય આજે તમને દુનિયામાં સૌથી વધુ સુંદર મહિલા તમારી મમ્મી જ લાગશે (ભાઈઓ તમારી પત્ની પણ સુંદર જ લાગે છે એમ કેહ્જો નહિ તો....)

હવે વારો આવે દુધનો જયારે જયારે દુધનો ભાવ વધે છે એટલે અમુક લોકો મંડી પડે છે સરકારને ગાળો દેવા પણ આજે હું તમને જણાવીશ કે કેમ લોકોને દૂધ મોંઘુ થતું લાગે છે. દુધમાં આમતો પોતાના જ ઘણા બધા ગુણ હોય છે તો પછી તેને વધુ શક્તિશાળી બનવા માટે તેમાં અલગ અલગ પ્રકારના પાવડર કેમ નાખો છો ?? ચાલો બાળકો માટેના પાવડર સુધીતો ઠીક હતું પણ બાળકોના પપ્પા માટે અલગ પાવડર, મમ્મી માટે અલગ પાવડર અને હવે તો ૫૦ વર્ષની ઉમર થઇ જાય ને પછી પણ દૂધમાં નાખવાનો પાવડર અલગ, બોલો ગજબ છે હો દુનિયા..... અરે આવું તો બીજું ઘણું બધું છે.જો એના વિષે વિસ્તારથી લખવા લાગુ કેટલાય બીજા લેખો લખાઈ જશે. હવે આવે છે થોડી મુદ્દાની વાત જે ખુબ જ સમજવા લાયક છે.

આપડે જયારે નાના હતા અને ઘરનું બધી જવાબદારી આપડા માતા-પિતા ઉપાડતા હતા ત્યારે તેઓ ઘરનું ભરણપોષણ ફક્ત ૭ કે ૮ હજારમાં પણ ચલાવી શકતા હતા. અને આજે ઘરમાં ૪૦૦૦૦ આવક હોવા છતાં તકલીફ કેમ પડે છે ??

અરે વિચારો છો શું મિત્રો ઉપર જે બધું લખ્યું છે એ ખાલી હસવા માટે નથી લખ્યું વિચારવા માટે પણ લખ્યું છે. આપડે હમેશા બધોજ દોષનો ટોપલો મોંઘવારી વધી ગઈ છે એમ કરીને સરકાર માથે ઢોળીએ છે અને સરકારને બધી વાત માટે જવાબદાર ગણાવીએ છે. મિત્રો હું એમ નથી કેહતી કે સરકારનો કોઈ વાંક નથી પણ વાતે વાતે સરકારને દોષ દેવો એ પણ યોગ્ય નથી. મોંઘવારી માટે ક્યાંકને ક્યાંક આપડે પણ જવાબદાર છે.

રાત દિવસ આ જે ટીવી પર અનેક નવી નવી વસ્તુઓની જાહેરખબરો જોવો છો અને પછી એ વસ્તુઓ વાપરો છો અને જયારે એ વસ્તુની તમને આદત પડી જાય છે અને તેનો ભાવ વધે એટલે તમે સરકારને દોષ આપો તે કેમ ચાલે ??? આજે તમારા બધાના ઘરમાં એવી કેટલીય વસ્તુ હશે જે તમે જરૂરિયાત વગર વસાવી હશે કાતો કોઈની દેખાદેખીમાં વસાવી હશે. પછી ભલે એ વસ્તુ ઘર સજાવટ માટેની હોય, રસોઈ માં મદદ રહે એ માટેની હોય કે પછી સાફસફાઈમાં મદદ રહે તે માટેની હોય. એવી તો કેટલીય વસ્તુ હશે તમારા ઘરમાં કે કદાચ જો એ વસ્તુ તમારા ઘરે ના હોત તો પણ તમને કોઈ ફરક ના પડેત. તો મિત્રો એ બિનજરૂરી ચીજ વસ્તુ વસવા પાછળ તમે ખર્ચેલા પૈસાની કોઈવાર ગણતરી કરજો ખુબ આશ્ચર્યજનક રકમ તમારી સામે આવશે.

તો મિત્રો આજથી થોડી લીમીટેડ વસ્તુ સાથે જીવવાનું ચાલુ કરો ધીરે ધીરે થોડા સમય પછી તમને સંતોષી જીવન જીવવાની મજા આવશે. લોકોની દેખાદેખી કરતા તમારા ખીસ્સાને દેખીને ખર્ચ કરો. વાતે વાતે સરકારને દોષ દેવો તે યોગ્ય નથી. શાંતિથી લેખ વાંચવા બદલ આપનો આભાર. જો લેખમાં કઈક તમને ખોટું લાગ્યું હોય એવું લખાઈ ગયું હોય તો ૨ રોટલી વધારે ખાજો પણ કોરી ખાજો ઘીના ભાવ ખબર છે ને.?? હમમમ ....

નોંધ: નોટબંધીમાં રોકડા રૂપિયા હાથમાં નોહતા તો પણ સારું જીવતા હતાને .... ના આતો ખાલી યાદ કરાવું છુ... તો હવે રોજ નોટબંધી છે એમ સમજીને ખર્ચો કરો....

લેખક: અશ્વિની ઠક્કર