Aandhado Prem in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | આંધળો પ્રેમ

Featured Books
Categories
Share

આંધળો પ્રેમ

આંધળો પ્રેમ

રાકેશ ઠક્કર

પ્રથમ પ્રકરણમાં આપે વાંચ્યું કે પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. નિલાંગ સાથે મુલાકાત કરી અને પછી તો એ તેને જીવનમાં સર્વસ્વ માનવા લાગી હતી. તે એટલે સુધી પ્રેમમાં આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. પણ એક દિવસ ચંદા અને નિલાંગ એકસાથે મોડી સાંજે કોલેજમાં બેઠા હોય છે ત્યારે નિલાંગની પત્ની માયા કોલેજમાં તેમની રૂમમાં આવે છે..... હવે આગળ વાંચો.....

પ્રકરણ-૨

માયાએ બપોરે નિલાંગને ફોન કર્યો ત્યારે તેણે આદત મુજબ માત્ર હકાર જ ભણ્યો હતો. આજે સાંજે એક સંબંધીને ત્યાં બંનેએ સાથે હાજરી આપવાની હતી. માયાએ વિચાર્યું કે નિલાંગ મોડે સુધી કોલેજમાં કામ કરતો હોય છે એટલે તે ત્યાં જઇ નિલાંગને સાથે લઇ પોતાના સંબંધીને ત્યાં જશે.

આજે બપોર સુધી ક્લીનીકમાં ઘણું કામ રહ્યું. એક પછી એક મહિલા દર્દીઓ આવતી જ રહી હતી. દરેકની પોતાની કહાણી હતી. કોઇ જલદી મા બનવા માગતી ન હતી તો કોઇ મા બનવા માટે કોઇપણ ઉપાય કરવા તૈયાર હતી. માયાને પોતાના દર્દીઓની વાત સાંભળીને ક્યારેક પોતાના માટે જ નવાઇ લાગતી. એ કેવી સ્ત્રી છે જેને મા બનવાનો ઉમળકો થતો નથી. કદાચ ઘરનું વાતાવરણ એને આમ કરવા પ્રેરિત કરતું ન હતું. તે પોતાના લગ્ન જીવનને ઘસડી રહી હતી. દરિયામાં ભૂલી પડેલી કોઇ નાવની જેમ જિંદગી દિશાવિહિન ચાલી રહી હતી.

બપોરે ઘરનું ભોજન કરીને માયા હળવાશથી બેઠી હતી. તેને અચાનક નિલાંગનો વિચાર આવ્યો. છેલ્લા થોડા દિવસોમાં તેનામાં એક નાનું પરિવર્તન તેણે નોંધ્યું હતું. ભલે પોતાની સાથે નહીં પણ એકલો તે ઘણી વખત ગીત ગણગણી લેતો હતો. માયાને તેના લગ્નેત્તર સંબંધ માટે શંકા ઊભી ના થઇ. પણ તેને નિલાંગના સ્વભાવમાં આવી રહેલો ફેરફાર નવાઇ પમાડી રહ્યો હતો. તે વધુ વિચારે એ પહેલાં એક યુવતી આવી. તેના છ માસ પહેલાં જ લગ્ન થયા હતા. તે મા બનવાની હતી. માયાને થોડી નવાઇ લાગી. સામાન્ય રીતે લગ્નના એક-બે વરસ પછી યુવતીઓ પરિવાર વધારવાનું વિચારે છે. જ્યારે આ શહેરી યુવતીએ તેના પતિને મનાવીને જલદીથી પરિવારનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું હતું. તેની તપાસ કરી દવા સૂચવ્યા પછી માયાએ જ્યારે તેનું જલદી મા બનવાનું કારણ જાણ્યું ત્યારે તે ચોંકી ગઇ. એ યુવતી એવું માનતી હતી કે પહેલું બાળક વહેલું લાવવાથી પતિ તેનાથી દૂર જઇ શકતો નથી. લગ્નજીવનની બેડી તેના પગમાં મજબૂત થઇ જાય છે. લગ્ન પછી લાંબા સમય સુધી બાળકનું ના વિચારનાર દંપત્તીઓના લગ્નજીવન પર ખતરો મંડાવાની શક્યતા વધુ હોય છે. માયાએ તેની વાતનો વિચાર કર્યો પણ તે વધુ ભણી ન હોવાથી આવા વિચાર કરી શકે એમ વિચારી માયાએ થોડીવારમાં પોતાના કામમાં ચિત્ત પરોવ્યું.

એક પછી એક પેશન્ટ આવતા રહ્યા અને સાંજ ક્યારે પડી ગઇ તેનો માયાને ખ્યાલ જ ના રહ્યો. તેણે ઘડિયાળમાં નજર કરી તો સવા છ વાગી ગયા હતા. અંધકાર ધીમે ધીમે ઘટ્ટ બને રહ્યો હતો. માયાને ખબર હતી કે નિલાંગ તેની રાહ જોવાનો નથી અને મોડું થયા બદલ ફોન પણ કરવાનો નથી. એટલે તે ક્લીનીકમાંથી ફટાફટ નીકળી. ટેક્સી પકડીને નિલાંગની કોલેજ પર પહોંચી ત્યારે સાંજ પૂરી થઇ રહી હતી. રાત પોતાનું સ્થાન લઇ રહી હતી. કોલેજના દરવાજામાંથી પસાર થઇ ત્યારે ત્યાં એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ હતો. આખી કોલેજ સૂમસામ ભાસતી હતી. માયાને નિલાંગના રૂમની ખબર હતી. તે ક્યારેક જ અહીં આવતી હતી. ઘણા સમય પછી આવી રહી હોવા છતાં તે યાદ કરીને નિલાંગના રૂમ સુધી પહોંચી ગઇ. રૂમનું બારણું અધખૂલું હતું. પતિનું નામ નેમપ્લેટ પર લખ્યું હતું એટલે ટકોરા મારવાનો વિવેક કરવાને બદલે તેણે બારણાને હાથથી હડસેલ્યું. તેણે જોયું કે રૂમમાં નિલાંગના ટેબલ પર જીંસ- ટીશર્ટમાં બેઠેલી એક યુવતી કંઇક લખતી હતી. તેણે દરવાજાનો અવાજ સાંભળીને તેની તરફ જોયું. તેની લટ ચહેરા પર આવી ગઇ હોવાથી તેની એક જ આંખ તેની સામે તકાયેલી જોવા મળી. માયાએ તેના પર અછડતી નજર નાખી અને નજર ફેરવી આખા રૂમમાં નિલાંગને શોધવા લાગી. વાતાવરણ ભારેખમ બની રહ્યું હતું. નિલાંગનો ક્યાંય અણસાર ના આવ્યો એટલે માયાએ નિલાંગના નામની હળવી બૂમ પાડી. ચંદાએ લટ હટાવી પોતાના લેખનમાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો. નિલાંગે તરત જ ખુરશી ફેરવી હાથમાં પકડી રાખેલું પુસ્તક ટેબલ પર મૂકી આંખથી જ જવાબ આપ્યો કે હું આવું છું. અને માયા વધુ કંઇ બોલ્યા કે વિચાર્યા વગર આવી હતી એ જ રીતે પાછી ફરી. માયા કોલેજના દરવાજા પર ઊભી રહી નિલાંગની રાહ જોવા લાગી.

માયાના ગયા પછી નિલાંગે ચંદાને સમજાવ્યું કે તે પોતાના ગયા પછી દસ મિનિટ પછી ઘરે જવા નીકળશે.

નિલાંગ દોડતો પોતાની કાર પાસે ગયો. અને પાર્કિંગમાંથી ઝડપથી કાર કાઢી દરવાજા બહાર આવી ગયો. માયાએ બાજુની સીટ પર સ્થાન લીધું એટલે નિલાંગે જવાનું સ્થળ પૂછી એ તરફ કાર હંકારી. ઘણી વાર સુધી બંને અલગ ટાપુ પર બેઠા હોય એમ કંઇ બોલ્યા વગર બેસી રહ્યા. નિલાંગનું દિલ થોડું ધડકતું હતું. તેને હતું કે માયા ચંદા વિશે કંઇક પૂછશે. પણ માયા એ બાબતે ચૂપ જ રહી એટલે નિલાંગને રાહત થઇ. માયાએ ચંદાની હાજરીને સ્વાભાવિક રીતે લીધી હતી.

નિલાંગના ગયા પછી ચંદા થોડીવાર પછી પોતાની બેગ લઇને નીકળી અને સિક્યુરીટી ગાર્ડને દરવાજો બંધ કરવાની સૂચના આપી ઘરે જવા રીક્ષામાં બેઠી. ઘર આવી ગયું અને રીક્ષાવાળાએ પૂછ્યું ત્યારે તે તંદ્રામાંથી જાગી અને ફટાફટ પૈસા ચૂકવી ઘરમાં પહોંચી ગઇ. આખા રસ્તે તે નિલાંગ વિશે જ વિચારતી હતી. તેને ખ્યાલ આવી ગયો કે નિલાંગને લેવા આવેલી સ્ત્રી તેની પત્ની માયા જ હતી. તેણે પોતાને કેમ અવગણી તે ચંદાને સમજાતું ન હતું. ચંદાને ખબર તો હતી કે નિલાંગ માયાને પસંદ કરતો નથી. અને માયા પણ લગ્નજીવન જેવું જીવતી નથી. એક ઘરમાં બે અજાણ્યા લોકો રહેતા હોય એમ રહે છે. પણ ચંદાને વારેવારે પોતાના નિલાંગ સાથેના સંબંધના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તે વિચારતી હતી કે નિલાંગ તેનો લાભ લઇને છટકી તો નહીં જાયને? માયા સાથે છૂટાછેડા લઇને પોતાને પત્નીનો દરજ્જો આપશે કે પાણીમાં બેસી જશે? ચંદાને નિલાંગ પર ભરોસો હતો. પણ આ પુરુષજાતનું કશું કહેવાય નહીં એ પણ જાણતી હતી. નિલાંગના પ્રેમમાં તે વધુને વધુ ડૂબી રહી હતી. જ્યાં સુધી પી.એચડી. પૂરું ના થાય ત્યાં સુધી આ બાબતે કંઇ જ ના વિચારવાનું નક્કી કરી તે ઘરના કામોમાં પરોવાઇ ગઇ.

બીજા દિવસે નિલાંગ મળ્યો ત્યારે તેણે પત્ની માયાની કોઇ વાત જ ના કરી. રોજની જેમ તે તેને થીસીસ લખાવવા લાગ્યો. પણ ચંદાના મનમાં માયાનો ચહેરો જ ઘૂમરાતો હતો. નિલાંગને માયા વિશે વાત કરવાનું તેને યોગ્ય ના લાગ્યું. સાંજે નિલાંગ પ્રેમાલાપ કરવા લાગ્યો ત્યારે ચંદા બધું જ ભૂલી ગઇ. નિલાંગ સાથે આખું જીવન જીવવાનું તે સપનું જોવા લાગી હતી.

દિવસો પવનની પાંખે બેસીને આગળ વધી રહ્યા હતા. હવે ચંદાનું કામ વધી ગયું હતું. તેણે સતત નવી માહિતીઓ મેળવીને લેખન કરવાનું હતું. સતત દોડધામથી તે થાકવા લાગી હતી. આખો દિવસ બહારની દોડધામ અને ઘરે આવ્યા પછી કાકાને ત્યાં ઘરકામ કરવાનું આકરું લાગી રહ્યું હતું. પણ કાકાએ તેને આશરો આપ્યો હોવાથી તે એક હરફ પણ ઉચ્ચારી શકે એમ ન હતી. મૂગામોંએ તે કામ કરી લેતી હતી.

છેલ્લા એક સપ્તાહથી ચંદા પોતાનામાં અસહજતા અનુભવી રહી હતી. અભ્યાસમાં રત રહેવાને કારણે રાતદિવસ વાંચન-લેખનમાં તે પોતાની કાળજી પણ લઇ શકી ન હતી. જાણે જાતને જ ભૂલી ગઇ હતી. અચાનક એક રાત્રે તેને ખ્યાલ આવ્યો અને તે ગભરાઇ ગઇ. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને તે પથારીમાં બેઠી થઇ ગઇ. આખી રાત તેને ઊંઘ ના આવી. કાકાને ત્યાં તો કોઇને કંઇ કહી શકાય એમ ન હતું. તેને ખ્યાલ આવી ગયો કે નિલાંગ સાથેની બે દિવસની ટૂરમાં બંને એકબીજાની નજીક આવી ગયા ત્યારે એક ભૂલ થઇ ગઇ હતી. નિલાંગે એટલો પ્રેમ વરસાવ્યો હતો કે તેણે પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દીધું હતું. નિલાંગે ત્યારે આ વાતને એક સપનું સમજીને ભૂલી જવાની તેને સલાહ આપી હતી. પણ આજે હકીકત તેની સામે મોં ફાડીને ઊભી હતી. તેના પેટમાં નિલાંગનો વારસ ઉછરી રહ્યો હતો.

વધુ હવે પછી...