Udatu Pankhi in Gujarati Motivational Stories by Darshita Babubhai Shah books and stories PDF | ઉડતું પંખી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઉડતું પંખી

ઉડતું પંખી

દર્શિતાબહેન શાહ

જિંદગીનાં જંગમાં પોતાની મક્ક્મતા અને પરિશ્રમથી કોઇ મર્દને પણ શરમાવે તેવી ખુમારીથી જીવીને સામાન્ય માનવી માટે પ્રેરણારૂપ બની રહેલ શ્રી દર્શિતાબહેન શાહ

માનવ મનની અગાધ શકિતઓનો અંદાજ કાઢી શકવો મુશ્કેલ છે. આપણે સહુ સમયના વિશાળ મહાસાગરના તરવૈયા છીએ. કોઇ કુશળ તરવૈયો છે તો કોઇ તેમાં પા પા પગલી પાડનાર છે. કોઇ ડૂબકી ખાતો તરે છે તો કોઇ તરવામાં બીજાને સહાયરૃપ થાય છે. પણ જે એકલો તર્યા જ કરે છે તે ક્યારેક થાકે છે. પણ જે સમયની સાથે તાલ મિલાવી તેની સાથે વહે છે તે સમય આવ્યે જરૃરથી સામે કાંઠે પહોંચે છે. જીવનરૃપી આ વિશાળ સાગરની અદ્ભુત લહેરો, ભરતી અને ઓટ વચ્ચે જે વ્યકિત મન પ્રસન્ન રાખી એની ઇચ્છા મુજબ રહે છે તે જ સામે પાર સફળતાપૂર્વક પહોંચી શકે છે.

વ્યક્તિની પ્રગતિમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. પોતાની હિંમત, આગવી સૂઝ, દૂરંદેશીપણું, તેજસ્વિતા, સખત પરિશ્રમ કરવાની તત્પરતા, યોગ્ય સમયે નિર્ણય લેવાની શક્તિ, અભ્યાસપૂર્ણ તૈયારીઓ, માતા-પિતા, ભાઇ-ભાભી અને બહેનો નો સહકાર માનવીને સિદ્ધિના સોપાનો સર કરવામાં હંમેશા મદદરૃપ થાય છે. વ્યકિતની સાથે આ બધું હોવું જરૃરી છે પણ સમયની સાથે સાથે પોતાની હિંમતથી નિર્ણય લઇ આગળ વધવું તે સફળતાનું પહેલું પગથીયું છે. જે જાતે નિર્ણય લઇ શકે તે હંમેશા સફળતાની સીડી ચડી શકે છે. જાતે કરેલ નિર્ણયોમાં સારા-નરસા પરિણામ ભોગવવા પડે પરંતુ ધડતર માટે આ અનિવાર્ય બાબત છે. વ્યક્તિએ કરેલ નિર્ણય પોતાનો હોવાથી એક જાતની ખુમારીનો તે અહેસાસ કરતો હોય છે. ક્યારેક કોઇ નિર્ણય ભૂલ ભરેલો હોય, પરંતુ હિંમતથી નિર્ણય લેવાની ટેવ પડી હોવાથી તે વ્યકિત અંતે તો સફળતાને જ વરે છે. આવી વ્યક્તિ ક્યારેય જીવનમાં પાછળ પડતી નથી. તે હંમેશા અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પોતાની નિર્ણય શક્તિની ટેવ તેને અંગત અને જાહેર જીવનમાં સતત ઉચ્ચ સ્થાને લઇ જાય છે. હા, ત્યાં પહોંચતા સમય લાગે છે પણ તે જ માનવીની સહનશકિતની કસોટી છે ને?

આજે આપણે એક એવી વ્યકિતના જીવનમાં ડોકિયું કરીશું તો તેમની સિદ્ધિઓ, શકિતઓ અને ઉત્સાહ જાણીને અંતરથી 'વાહ! વાહ!' બોલાઇ જશે. સ્ત્રીઓ માટે એક જૂની કહેવત સ્થાપિત કરવામાં આવી છે,"હું ભલીને મારું ઘર ભલું. " રસોડામાં દૂધ-શાકભાજીનો હિસાબ રાખનાર સ્ત્રીઓ માટે મેનેજમેન્ટ શબ્દ કોઇ નવો નથી. હા, પણ આ શબ્દની પરિભાષા ચોક્ક્સ બદલાઇ ગઇ છે. ઘરનું મેનેજમેન્ટ કરતી સ્ત્રીઓ કોઇ મોટી કંપનીનું મેનેજમેન્ટ કરતી જોવા મળે તો તેમાં કોઇ નવાઇ ન હોય. સ્ત્રી શબ્દ આવે એટલે દરેકના મનમાં એક છબી બંધાઇ જાય છે. સ્ત્રી એટલે ઘરની સારસંભાળ રાખે અને થોડા પૈસામાં ઘરનું મેનેજમેન્ટ કરે. આજે ઘરની સાર-સંભાળ રાખ્યા બાદ સ્ત્રીઓ પોતાના કરિયર વિષે પણ વિચારતી થઇ છે. ઘરનું મેનેજમેન્ટ કરતી મહિલાઓ કોર્પોરેટ સેક્ટર અને બિઝનેસનું મેનેજમેન્ટ કરી શકે તે માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો કોર્સ કરી રહી છે. ૨૧મી સદીમાં એચ. આર. મેનેજમેન્ટની ડિમાન્ડ ભારતમાં વધી ગઇ છે. ત્યારે એક સ્ત્રી તરીકે ૧૭ -૧૭ પદવીઓને ૪૭ વર્ષની ઉંમર સુધીમાં પ્રાપ્ત કરવી તે કોઇ નાની સુની બાબત નથી. બસ આટલી જ બાબત હશે તો કદાચ તમને બહુ નવાઇ પામવા જેવું નહી લાગે. પણ એક મહિલા હોવા ઉપરાંત જન્મથી બન્ને પગે થયેલ લકવાના દર્દને વિસારી દઇ જિંદગીનાં જંગમાં આ પદવીઓ પોતાની ખુમારી, મક્ક્મતા, અને પરિશ્રમથી મેળવવી તે કોઇ મર્દને પણ શરમાવે તેવી વાત છે. ચાલો ત્યારે આજે ખુમારીથી જીવીને સામાન્ય માનવી માટે પ્રેરણારૃપ બની રહેલ દર્શિતાબહેનની સિદ્ધિઓને બિરદાવીએ.

"હૈયે જો હોય હામ, તો કામ થાય તમામ" ની કહેવત દર્શિતાબહેને સાકાર કરી બતાવી છે. અમદાવાદની એક મહિલાએ કે જેઓએ ૧૭થી પણ વધુ પદવીઓ મેળવી છે. પોતે વિકલાંગ હોવા છતાં એક સફળ નારી સાબિત થવા બદલ 'ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડ' થી સન્માનિત થયા છે તેમજ 'લીમ્કા બૂક ઓફ રેકર્ડઝ' તરફથી બે વાર ૨૦૦૭ અને ૨૦૧૧માં સન્માનિત થયા છે. નોર્મલ માનવીને પણ શરમાવે તેવી તાકાત અને મક્કમતાથી પ્રેરણાદાયક કાર્ય કરી રહયા છે.

૯ નવેમ્બર ૧૯૬૫માં અમદાવાદમાં જન્મેલ દર્શિતાબેનનું વતન અમદાવાદ જ બની રહયું છે. ૮ માસની ઉંમરે લકવાની અસર પહોંચતા ધીમે ધીમે તમનું શરીર ૧૦૦ ટકાની અસર હેઠળ આવી ગયું. તત્કાલ સારવાર અપાતા જીવી ગયા અને ૪૦ ટકા સુધી સુધારો થયો. ડોકટરના કહેવા મુજબ આ સ્થિતિ કાયમી રહેશે તે જાણીને પણ માતા-પિતા હિંમત હાર્યા નહી. માતા-પિતાએ ઇલાજ ચાલુ રાખ્યો. દરરોજના પાંચ કલાક કસરત તો કરાવવી પડે તેમ હતું. રાત્રે ઘરે સ્ટીલની બોડીમાં તેમને સુવરાવી દેવામાં આવતા અને દિવસે ખૂરશી સાથે બાંધી દેવાતા જેથી બેસતા આવડે. સ્થિર રહેવાનો શરીર પર કાબુ ન હતો. કોઇ અડે તો પડી જવાય તેવી સ્થિતિ હતી. કસરત એજ જીવનને સંજીવની આપી શકે તેમ હતી. આ બહેનને સાજા કરવામાં માતા-પિતા સાથે ચારેય ભાઇ-બહેનો ખડે પગે ઊભા રહીને ને સારવાર કરી. ફીઝિઓથેરપી માટે મણીનગરથી વી. એસ. હોસ્પીટલ પાસે નંદનવન ફીઝિઓથેરેપી સેન્ટરમાં ઉંચકીને લાવવામાં તેઓએ કદી આળસ ન કરી. ત્યાં ડો. સ્નેહલતાબેન મોદી તથા નટુભાઇએ કસરત કરાવી ઘોડીની મદદ વડે તેમને ચાલતા શીખવ્યું, પોતાના પગ પર તેમને ઊભા રહેતા કર્યા અને જિંદગીના જંગમાં ઊંચું મસ્તક રાખી જીવતા શીખવ્યું તે માટે દર્શિતાબહેન આજે તેમના ઋણી છે.

સ્કૂલે ચાલીને જવું શક્ય ન બને ત્યારે આપણા દેશમાં શિક્ષણ મેળવવા ઇચ્છતા વિકલાંગ માટે પરદેશમાં મળતી સુવિધા જેવી સગવડ મળે તેવો વિચાર પણ કયાંથી કરાય! ખભા પર કે ઉંચકીને કોઇ શાળાએ પહોંચાડે ત્યારે અભ્યાસ કરી શકાય તેવી પરિસ્થિતિમાં દર્શિતાબહેને વર્ષો વિતાવ્યા. છેવટે માતા-પિતાએ તેમને માટે ઘરે ટયુશનની વ્યવસ્થા ગોઠવી અને તેમના અભ્યાસનું ગાડું જાત મહેનતથી ગબડયું. ઘરે શિક્ષક ભણાવવા આવે તેનો ખર્ચ કમરતોડ હતો. પણ દીકરીને ભણાવવી જ હતી તેથી પેટે પાટા બાંધી ભણાવી અને લકવાની સારવાર પણ કરી. ફેફસા મજબૂત કરવા માટે સંગીતનું શિક્ષણ પણ મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપી. સ્વિમીંગ પણ આ અશક્ત અવયવોને મજબુત કરવા જરૃરી હતું. તેથી તે પણ શીખવ્યું. પિતા બી. એસ. સી. અને માતા બી. એ. વિથ અંગ્રેજી હોવાને લીધી સંતાનોને શિક્ષિત કરવા જોઇએ તેવું માનનારો આ એક શિક્ષિત પરિવાર હતો. મોંધવારીના આ જમાનામાં લકવાગ્રસ્ત દીકરીની સારવાર સાથે ભણાવવી, બીજી ત્રણ દીકરીઓને ફાર્મસીમાં પદવી અપાવવી, દીકરાને એન્જીનિઅર બનાવવો તે આ યુગમાં લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાય.

દર્શિતાબહેનનું શાળાકિય જીવન સામાન્ય ઉંમરે શરૃ થયું પણ નિયમિત રીતે શાળામાં હાજરી આપી શકાઇ નહી. માતા-પિતાની મદદ વડે અને વ્યક્તિગત કોચીંગ થી અભ્યાસ આગળ ચાલ્યો. મિત્રોની મદદ વડે શાળામાં કરાતા અભ્યાસની માહિતી મેળવી આગળ અભ્યાસ કર્યો. તે જ પ્રકારે કોલેજના અભ્યાસમાં બન્યું. ફરીથી કુટુંબના સભ્યો તેની મદદે આવ્યા અને તે સંઘર્ષ વેઠવો સરળ બન્યો. સ્નાતક થયા પછી માતાની છાંયા ગુમાવી તેથી પૂરેપૂરી માતા અને પિતાની જવાબદારી તેમના પિતા પર આવી. ભાઇ-ભાભી અને બહેનો તેમજ બનેવી પણ તેમના ભણતરમાં મદદ કરવા લાગી પડયા. સાથે સાથે સારવારતો કરવાની જ. શાળા - કોલેજમાં કોઇ લઇ જાય તો અભ્યાસ આગળ ધપાવી શકાય. કારણ અપંગ વ્યક્તિમાટે કોઇ અલગ વ્યવસ્થા ત્યાં શક્ય ન હતી. અભ્યાસ પછી નોકરી પણ આવશ્યક હતી. ૮ થી ૧૦ કલાકની નોકરી માટે સમય કાઢવો અશક્ય હતો તથા આવવા જવાની વ્યવસ્થા શક્ય ન બનતા ભણતર ચાલુ રાખ્યું. માતાના અવસાન પછી તેમણે કવિતા લખવાનું શરૃ કર્યું. તેઓ કહે છે, "મનની વેદના રડવાથી બહાર આવી શકે પણ રડી તો શકાતું ન હતું. રડીને બધાને હેરાન કરવા તેના કરતાં કવિતામાં તે બધી વેદનાને અભિવ્યક્ત કરવાથી એક કેથાર્સિસ થઇ જતું. આમ કાવ્ય લેખન પ્રત્યે લગાવ થયો અને આમ જીવન આગળ વધતું ગયું. " કવિતા લખતા લખતા ગઝલો,ગીત ગરબા લખ્યા અને તેને તેઓ છપાવતા ગયા. પુસ્તકો પણ છપાવ્યા. કલમ સાહિત્ય મંચમાં તેઓ મેમ્બર હતા.

અપંગ માનવ-મંડળ સાથે તેઓનો નાતો કેવી રીતે જોડાયો તેની વાત કરતા તેઓ કહે છે," એકવખત સભામાં મને કવિતા બોલવાનો મોકો ન અપાયો અને એક બ્હેને જણાવ્યું કે અપંગોએ અપંગોની સંસ્થામાં કામ કરવું જોઇએ. મને રસ્તો મળી ગયો. મેં વિચાર્યું કે મારે મારા જેવા ભાઇ બહેનો માટે કામ કરવુ જોઇએ. તેથી અપંગ-માનવ મંડળ અમદાવાદ ખાતે સેવા આપવાનું ચાલું કર્યું. સોનામાં સુગંધ ભળે તેમ અપંગ માનવ મંડળમાં શ્રી ક્ષિતિશભાઇ મદનમોહનના આર્શીવાદ હેઠળ કામ કરવાથી નવી દિશા મળી. આ કામમાં આનંદ મળવા લાગ્યો. કાંઇક કરવાનો સંતોષ પ્રાપ્ત થયો. ત્યારબાદ મારૃં પોતાનું ટ્રસ્ટ પણ ચાલુ કયુંર્ જેનું નામ ' દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ' રાખવામાં આવ્યું. પિતાના ડાયસ્ અને કેમિકલના ધંધામાં મેં મદદ શરૃ કરી. તેમનો એકાઉન્ટ હું સંભાળું છું. વધારાના સમયમાં ટયુશન કરૃં છું અને મારો પોતાનો ધંધો પણ સંભાળું છું. સંગીત (ગાયન)માં મધ્યમાં પૂર્ણ સુધીનું શિક્ષણ લીધું છે. ક્યારેક સમય મળતા પીંછી પર પણ હાથ અજમાવ્યો છે. સરસ મજાના પેઇન્ટિંગ પણ કરું છે. ચેસ રમવામાં રસ છે તેથી ચેસ-સ્પર્ધામાં ભાગ લઉ છું. સંગીતમાં રસ હોવાને લીધે સંગીતના કાર્યક્રમો સાંભળવાનો લ્હાવો લેવાનું પણ ચુકતી નથી. "

અમદાવાદના એમ. જે. લાઇબ્રેરી પાસે આવેલ ઓરિઅન્ટ ક્લબમાં દર્શિતાબહેન કવિઓના ગ્રુપનું સંચાલન કરે છે જેનું નામ 'કેલીડોસ્કોપ' છે. તેમાં ઉગતા સાહિત્યકારો અને સાહિત્યરસિકો પોત પોતાની કૃતિનું વાંચન કરે છે. તેઓ લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરમાં મેમ્બર છે. 'લિમ્કા બૂક ઓફ રેકોર્ડઝ' અને 'ઇન્ડિઆ બૂક ઓફ રેકોર્ડઝ' માંથી તેમને એવોર્ડ મળેલ છે. તેમના કાવ્ય-લેખન આધારીત 'સ્પર્શ' અને 'ઇન્તઝાર' નામે બે પુસ્તકો પ્રકાશિત થવાના છે. તેમની પ્રવૃત્તિઓ અંગે જણાવતા તેઓ સહર્ષ કહે છે, "ગુજરાત કેન્સર સોસાયટી અને વિકટોરિઆ જ્યુબિલિ હોસ્પિટલ ટ્રસ્ટમાં હું સેવા આપું છું અને તેઓ માટે દાન મેળવું છું. આ બધું જ કામ ઘરે બેઠા ઇન્ટરનેટ, મોબાઇલની મદદથી કરું છું. પરંતુ માતા-પિતા, ભાઇ-બહેનો અને ભાઇ-ભાભીએ ડગલે ને પગલે મદદ કરી, પિતાએ કમાવવામાં ધ્યાન રાખ્યું અને કયારેય રૃપિયાની ગણતરી ન કરી- ભણતર અને સારવાર ચાલું રહયાં. ૮૦ વર્ષની ઉંમરે આજે મારા પિતા માતા અને પિતા બન્નેની ભૂમિકા હાર્યા થાક્યા વગર હેતથી નિભાવે છે. આજે જે કાંઇ મને પ્રાપ્ત થઇ શકયું છે તેમાં માતા-પિતા,ભાઇ-ભાભી અને બહેનોનો ફાળો અનન્ય છે તેમની મદદ વગર જિંદગીના આ જંગ જીતી શકાયો ન હોત. "

આ સિવાય દર્શિતાબહેનની મહેચ્છા ટૂંક સમયમાં અમેરિકા જવાની છે. આ સાથે બાળકોને શું ભણાવવું તે માટે તેને ગાઇડ કરી શકાય તેવું જ્ઞાન મેળવવાની ઇચ્છા પણ તેઓ ધરાવે છે. તેઓ માને છે કે મેનેજમેન્ટ દરેક વ્યક્તિ માટે જરૃરી હોય છે. ચાલીસી પછી મેનેજમેન્ટનો પાઠ- ઘરનું મેનેજમેન્ટ સુપેરે બજાવતી આજની નારી બહારની દુનિયાના મેનેજમેન્ટમાં પણ અવલ્લ નંબરની હોવી જોઇએ. તેથી આજ પર્યંત શારીરિક મર્યાદા હોવા છતાં તેમની અભ્યાસની ભૂખ શમી નથી. દર્શિતાબહેનની પોતાની સ્કૂલ છે. હંમેશા ભણવાનો શોખ ધરાવતાં દર્શિતાબહેન કહે છે,"હું ૮૫ વર્ષની થઇશ તો પણ ભણીશ, કારણકે ભણવા માટે કોઇ ઉંમર હોતી નથી. હું માનું છું કે દરેક સ્ત્રીએ જનરેશન પ્રમાણે પોતાનું નોલેજ વધારવું જોઇએ. ભણવામાંથી મેં કયારેય બ્રેક લીધો જ નથી. આજે ૪૭ વર્ષે પણ મને એટલોજ ભણવાનો ક્રેઝ છે. મારી પાસે આ ૧૭ ડિગ્રી છે. મેનેજમેન્ટ અત્યારે દરેક કંપની માટે જરૃરી હોય છે. તેનાથી જોબ સરળતાથી મળી પણ રહે છે અને ગ્રોથ પણ સારો મળે છે. આ સાથે મોટી કંપનીનું મેનેજમેન્ટ કઇ રીતે થાય છે તે પણ હું જાણવા માગતી હતી. ઘરમાં આપણે જો નવી નવી વસ્તુઓ અપડેટ કરીએ તો મગજનું અપડેશન પણ જરૃરી હોય છે. "

તેમને ૨૦૦૭માં 'લિમ્કા બૂક ઓફ રેકોર્ડ' માં સ્થાન મળ્યું છે અને ર૦૦૭માં જ ગુજરાત સ્ટેટનો 'બેસ્ટ સેલ્ફ એમ્પલોઇડ' વ્યકિત તરીકેનો એવોર્ડ મળ્યો છે. તેમજ ૨૦૦૯માં આઇ. આઇ. એમનો આધુનિકતા સાથે સુસંગતતા સાધતી મહિલાનો ઇલ્કાબ પણ મળ્યો છે. હાલ તેઓ 'Social Enterprenur' તરીકે કામ કરે છે. તેઓ એક સામાજીક કાર્યકર્તા તરીકેની કામગીરી પણ કરી રહયા છે. તેઓ અમદાવાદના ઘણા 'NGOs' અને 'NGO' સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. (૧) અપંગ માનવ મંડળ (૨) અંધજન મંડળ (૩) દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (૪) ગુજરાત રીસર્ચ સોસાયટી (૫) વિકટોરીયા જ્યુબિલી હોસ્પિટલ ટ્રસ્ટ (૬) અંધ કન્યા પ્રકાશ ગૃહ (૭) ગુજરાત કેન્સર સોસાયટી (૮) સાબરકાંઠા ફીઝીકલીહેન્ડીકેપ્ડ મંડળ (ધનસુરા) (૯) લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર.

અત્યારે દર્શિતાબહેન અપંગ માનવ મંડળના ખાસ ફરજ પરના માનદ્ અધિકારી તરીકેની ફરજ બજાવે છે. અહિયા પોતે અપંગ બાળકોના વેલફેરની કામગીરી તેમજ સંસ્થા માટે દાન ભેગું કરવાનું કાર્ય પણ કરે છે. સંસ્થાના ફેશન ડિઝાઇન સેન્ટરનું તેઓ ધ્યાન રાખે છે. સંસ્થાની વેબ સાઇટ બનાવવાની તથા તેને અપડેટ કરવાની જવાબદારી પણ તેઓ સંભાળે છે. સંસ્થાના 'News Letter' ની કામગીરી પણ તેમણે સંભાળી લીધી છે. સંસ્થાનું દરેક કામ તેઓ ઘણા ઉત્સાહ અને ઉમંગથી કરી રહયા છે. કુટુંબની સહાયથી તેઓ દરરોજ બપોરે ૩ વાગ્યાથી ૬ વાગ્યા સુધી સંસ્થામાં સેવા આપી રહયા છે.

તેઓ વિકલાંગ લોકો માટે તેમનું પોતાનું ટ્રસ્ટ ચલાવે છે જે 'દર્શુ કેર પબ્લિક ટ્રસ્ટ' તરીકે ઓળખાય છે. આ ટ્રસ્ટનું દરેક કાર્ય તેઓ સંભાળે છે. 'દર્શુ કેર પબ્લિક ટ્રસ્ટ' માટે દાન ભેગું કરવું, તેનું એકાઉન્ટ લખવું, તેેનું ઓડિટ કરાવવું, તેની વેબ સાઇટ બનાવવી, તેનો બ્લોગ બનાવવો વગેરે કાર્ય તેઓ કરે છે. પોતાના કુટુંબની મદદથી જરૃરિયાતમંદ અપંગોને શોધવા, તેમના માટે જરૃરી સાધનોની ખરીદી કરી તેમને પહોંચતા કરવાનું કાર્ય ઉત્સાહભેર તેઓ કરે છે. તેમને મળેલા શિક્ષણના ઉપયોગથી તેમની કામગીરી સરળ બની ગઇ છે.

સમાજ સેવા તે દર્શિતાબહેને તેમાના જીવનું ધ્યેય બનાવી દીધું છે. ગુજરાત કેન્સર સોસાયટીના જાહેર સંપર્ક અધિકારી તરીકેની ફરજ પણ તેઓ બજાવે છે. મોટા ભાગનું કાર્ય પોતે ઘરેથીજ કરે છે કારણકે શારીરિક મર્યાદાના અનુસંધાને કાર્ય કરવાની સુલભતા ઘરે વધારે સાંપડે છે. મોબાઇલ અને ઇન્ટરનેટના માધ્યમથી બધુંજ કાર્ય તેમના માટે સરળ બન્યું છે.

તેમને એક વાતનો અફસોસ છે કે આપણી શાળા કોલેજોમાં અપંગ બાળકો માટે યોગ્ય ચડવા-ઉતરવાની વ્યવસ્થા ન હોવાના કારણે શાળા કે કોલેજનું શિક્ષણ મેળવવું આકરું બની જાય છે. લોકોને તે જણાવવા ઇચ્છે છે કે કોઇપણ પ્રકારના વિકલાંગ વ્યકિત માટે અભ્યાસ અને નોકરી કરવી હોય ત્યારે તેની શારીરિક મર્યાદાના અનુસંધાને દરેક સ્થળે અમુક પ્રકારની સગવડતા અનિવાર્યપણે હોવી જોઇએ. ઢાળ, સુલભ વોશરૃમની ફેસીલીટી, સુવ્યવસ્થિત વાહનવ્યવહારની ગેરહાજરી ને લીધે વિકલાંગ લોકો પુષ્કળ પ્રમાણમાં સહન કરે છે. તેમના અનુભવના અનુસંધાને તેઓ જણાવે છે કે, "મેં ૧૭ પદવીઓ મેળવી છે જેમાં ચાર તો અનુસ્નાતક કક્ષાની છે છતાં પણ યોગ્ય નોકરી મળી શકી નથી કારણ વિકલાંગતા અને પોલિયો. તક મળતાં મારી જાતને સક્ષમ સાબિત કરવા પણ પ્રયત્ન કર્યો છે અને તેમાં કોઇ પ્રગતિ સાધી શકાઇ નથી. સ્નાતક કે અનુસ્નાતક પદવી કોઇ કંપનીમાં નોકરી મેળવવા માટે જરૃરી હોવી તે આજે હકીકત બની ગઇ છે પણ તે કદાચ વિકલાંગ વ્યકિતમાટે નહી. ૧૭-૧૭ પદવીઓ હોવા છતાં નોકરીમાટે તે મદદરૃપ નથી તેનો મને અનુભવ છે. સક્ષમતા અને કામ કરવાની ઇચ્છા વિકલાંગ માટે પુરતી વાત નથી. બેન્કોના, કંપનીઓના અને અનેક સંસ્થાઓના બારણા મેં વર્ષો સુધી ખખડાવ્યા પછી આ પ્રતીતિ મને થઇ છે. નોકરી ન આપવાના બહાના વિચિત્ર પણ છે અને શરમજનક પણ છે. કોઇનો જવાબ છે કે વિકલાંગ વ્યકિતને જોઇતી સુલભતા તેમની ઓફિસમાં નથી, રેસ્ટરૃમ નથી, ઓફિસ પાંચમાં માળે છે, લિફટ નથી. તો કોઇ કહે કે અપંગની જગ્યા જ રદ કરવામાં આવી છે. છેવટે ખાનગી સાહસોમાં નોકરી ન મળતા મેં ડિપ્લોમાંની પદવી હાંસલ કરી. પરીણામ શૂન્ય. ૪૭ વર્ષની વિકલાંગ મહિલા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટની પરીક્ષા આપવા જાય ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે લડત આપવી પડે તે એક કમનસીબી જ કહેવાયને ?"

તેમ છતાં આ બધી વિષમતાનો સામનો કરી દર્શિતાબહેને મેળવેલી પદવીઓ પર એક નજર કરીશું તો ખ્યાલ આવશે કે સામાન્ય માનવીને પણ આટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં કેટલા સંધર્ષ વેઠવા પડે છે અને કેટકેટલો પરિશ્રમ કરવો પડે છે. પોતાની વિકલાંગતાને નજરઅંદાઝ કરી આ પદવીઓ મેળવનાર દર્શિતાબહેનને આપીએ તેટલા ધન્યવાદ ઓછા પડે.

દર્શિતાબહેને મેળવેલી પદવીઓઃ

  • સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર .
  • પી. જી. ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર
  • એડવાન્સ ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર એપ્લિકેશન
  • બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન
  • માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર પ્રોગ્રામિંગ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઇન વેબ ડિઝાઇનિંગ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર એપ્લિકેશન
  • બી. કોમ. ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી વીથ ફર્સ્ટ ક્લાસ
  • એમ. કોમ. (એકાઉન્ટ)
  • એમ. કોમ. (સ્ટેટ)
  • ઇન્ટર આઇ સી ડબલ્યુ એ આઇ
  • બેચલર ઇન લેજિસ્લેટિવ લો
  • એડવોકેટ કોર્સ
  • માસ્ટર ઇન લેજિસ્લેટિવ લો ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઇન હયુમન રિસોર્સ મેનેજમેન્ટ (એ. એમ. એ. માંથી)
  • ડિપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન
  • "ઇચ્છા હોય તો બધું જ મેળવી શકાય છે - A will will find a way. " આ વાતની સાબિતી દર્શિતાબહેનની પદવીઓ આપી દે છે. કોઇ માણસને આજે એક કે બે પદવી મેળવવી હોય તો ફાંફા પડી જાય છે. ત્યારે ૪૭ વર્ષની ઉંમર સુધીમાં શારીરિક પડકારો ઝીલીને ૧૭-૧૭ પદવીઓ મેળવીને તેમણે સામાન્ય માણસને વિચારતા કરી દીધા છે.

    દર્શિતાબહેને તેમના જીવનના કેટલાક ધ્યેયો નક્કિ કર્યા છે. તેની પર પણ એક નજર નાખીશું તો આપણને આપણા જીવનના ધ્યેય-મંત્ર વિષે વિચારવાનું મન થઇ આવશે.

    દર્શીતાબહેનના જીવનના ધ્યેયોઃ

  • વ્યકિત પાસે મજબૂત ઇચ્છા શક્તિ (Will-power) અને વ્હિલ-પાવર (Wheel-power) હોયતો કોઇપણ સિદ્ધિ મેળવી શકાય છે.
  • વિકલાંગ સમાજ માટે મુશ્કેલી વગર કુદરતી રીતે સુલભ સ્થળાંતરશિલતા કે ગતિશીલતા મેળવવાનું ધ્યેય.
  • વિકલાંગ વ્યક્તિઓને સાધનો અને ઉપકરણ પુરા પાડવા.
  • જરૃરીયાતમંદને વ્હિલ ચેર અને ટ્રાઇસિકલ આપવી.
  • વિકલાંગની જરૃરીયાત મુજબના કેલીપર્સ, ઘોડીઓ, શાળા કોલેજની ફી, સરકાર અને ખાનગી સંસ્થા પાસે થી વિકલાંગ લોકો માટે ખચકાટ વગર મદદ મેળવવા માટે જરૃરી કોન્ફરન્સમાં હાજરી આપવી, ઉચ્ચ પ્રકારના પડકારો જીલવા અને હાર્યા-થાક્યા વગર સફળતા મળતા સુધી મંડયા રહેવું.
  • વિકલાંગની ક્ષમતા મુજબની નોકરી શોધી આપવા મદદરૃપ થવું.
  • વિકલાંગને તેના કાર્યમાં સુલભતા સાંપડે તે માટે મદદરૃપ થવું. જરૃર પડે લડત પણ આપવી.
  • આઠ મહિનાની ઉંમરે પોલિયોનો રોગ થતાં શરીરના ઘણાં અંગો કામ કરતાં બંધ થવા છતાં જીવનમાં હાર માન્યા વગર દર્શિતાબહેન આગળ વધ્યા તે તેમની નિર્ણયશકિતનો એક મોટો પૂરાવો છે. મક્ક્મ મનોબળે રોજના બે કલાક કસરત કરી શરીરને સક્ષમ રાખવાનો પ્રયત્ન તેમણે અવિરત ચાલું રાખ્યો છે. હાલ કસરત અંગેનું માર્ગદર્શન ડો. ઉમંગ સંધવી ( કેનેડા સ્થિત ફીઝીયોથેરેપીસ્ટ) આપી રહયા છે. તેઓ આજે આ નિયમિત કસરતને લીધે સ્વસ્થ માનવીને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. મોટાભાગનું ભણતર ઘરે બેસીને પુરું કર્યું છે. કમ્પ્યુટરની બધી ડિગ્રી ઇન્દીરા ગાંધી ઓપન યુનિ. માંથી મેળવી છે પરંતુ તેમના બે મિત્રો - પ્રતિક મહેતા અને નિતિનભાઇએ કોમ્પ્યુટર ઓપરેટ કરવામાં તેમને માસ્ટરી મળે તે માટે તેઓ કુશળ હેલ્પીંગ હેન્ડ બન્યા છે.

    એક વર્ષ જોબ કરી પણ જોબમાં સંતોષ ન મળતા પોતાનું ટ્રસ્ટ કરી કામ કરવું શરું કર્યું. - વિકલાંગોને સહાય મળે તે માટે હંમેશ તેઓ તત્પર છે. ચાલવા-ફરવામાં અસમર્થ હોવાથી જયાં જાય ત્યાં પોતાની વ્હીલચેર સાથે લઇને જાય છે. ઘર થી દૂર જવાનું હોય ત્યારે પોતાની વ્હીલચેર રીક્ષામાં સાથે લઇ જાય છે. તે માને છે કે વિકલાંગતા અભિશાપ નથી પણ તેને અભિશાપ બનાવવામાં આવે છે. વિકલાંગ હોવા છતાં સામાન્ય માનવીની જેમ સિદ્ધિઓના શિખરો સર કરી શકાય છે. હૈયામાં હામ હોય તો આભને આંબવામાં પાછી પાની કરવામાં તે માનતા નથી. એવા લોકોની કમી નથી જે શારીરિક રીતે સામાન્ય હોવા છતાં વિકલાંગોની જેમ જીવન વિતાવતા હોય છે. વિકલાંગોની પરેશાનીઓ શું હોઇ શકે તેનો તેમણે અહેસાસ કર્યો છે તેથી વિકલાંગના દર્દ ને સમજી શક્યા છે. જૂના ફિલ્મના એક ગીતના શબ્દો છે 'તુમ બેસહારા હોતો કિસીકા સહારા બનો'. આ ગીતના શબ્દોને આત્મસાત કરીને પોતાની વિકલાંગતાને ભૂલી જઇને

    સમાજમાં કંઇક કરી બતાવવાની તેમની ઇચ્છા છે. કુટુંબના પ્રેમે તેમની જિંદગીને સુંદર, અર્થપૂર્ણ અને સફળ બનાવી દીધી છે તેથી વધુને વધુ સારા કાર્યો કરવાની મહેચ્છા તેઓ ધરાવે છે. આવા દર્શિતાબહેનને તેમના કાર્યો માટે તેમજ સિદ્ધિઓ માટે શત શત ધન્યવાદ!

    સૌજન્યઃ પ્રસ્તુતકર્તાઃ

    'માનવવિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ' ડૉ. જનક શાહ અને શ્રીમતી

    'વિચાર વિજ્ઞાન' ભારતી શાહ

    એમ-૧૦. , શ્રીનંદનગર ૧૦૧, વાસુપુજ્ય-૨,

    વેજલપુર, અમદાવાદ-૩૮૦ ૦૫૧ પ્રિતમનગર અખાડા પાસે, એલીસબ્રીજ,

    અમદાવાદ-૩૮૦ ૦૦૬ - ગુજરાત

    સંપર્કઃ (૦૭૯)૨૬૫૮૧૫૩૪/મો. ૯૪૨૭૬૬૬૪૦૬

    ફ્રોમઃ 'અંધારી અમાસના તેજસ્વી તારલા'

    (ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર દ્વારા આત્મકથા, રેખાચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં

    તૃતિય ક્ર્મના પારિતોષિકને (વર્ષ - ૨૦૧૨ ) પાત્ર શ્રેષ્ઠ પુસ્તક. )

    પ્રકાશકઃ 'માનવવિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ' અને નવસર્જન સાહિત્ય મંદિર

    ***