દિવાળી તો ગુજરાતીઓની જ
દિવાળી એ પ્રકાશનો ઉત્સવ છે. દિવાળી હર્ષોઉલ્લાસ અને મસ્તી નો તહેવાર છે. દિવાળી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ધાર્મિક માન્યતા મુજબ રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તેના માનમાં અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી. દિવાળી નો તહેવાર દરેક ધર્મ, નાત જાત, સંપ્રદાય, નાના મોટા સૌ હર્ષોલ્લાસ થી મનાવામાં આવે છે પણ દિવાળી તો ગુજરાતીઓની જ.
દિવાળી ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એમ પાંચ જ દિવસનો તહેવાર છે પણ ગુજરાતમાં તેના આગમનની તૈયારીઓ નવરાત્રી, દશેરા પુરી થતાની સાથે શરુ થઇ દેવ દિવાળી સુધી ચાલે છે. નવરાત્રી પુર્ણ થતાં જ ગુજરાતી ગૃહિણીઓ ઘરની સાફ સફાઈ સાથે દિવાળી ના તહેવાર અને નવ વર્ષની આગમનની તૈયારીઓમાં લાગી જાય છે. વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી, બિન ઉપયોગી ને જગ્યા રોકતી વસ્તુઓ કબાટ, માળિયામાંથી કાઢી ભંગારમાં, પસ્તીમાં પધરાવી દેવામાં આવે છે. દિવાળી આવે ગુજરાતી ગૃહિણીઓ ઉત્સાહ ભેર ઘરના ગાદલા, ઓશિકા, તકિયા વગેરે ધાબે તપાડે છે, રસોડામાં ડબ્બા – પીપડા, માળિયા, સ્ટોર રૂમ, કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરી દે છે એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
દિવાળી નો તહેવાર આવતાં પહેલા ઘણાં ગુજરાતીઓ ઘરને રીનોવેશન, રંગ રોગાન કરાવી ઘરને ચમકાવી દે છે. ગુજરાતમાં કલરના વેપારીઓ, કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે. કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે. એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
દિવાળી નો તહેવાર ખાસ કરીને બાળકો માટે મોજ મજા ને મસ્તી નો તહેવાર છે. દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જતું હોય છે. દિવાળી આવે એટલે બાળકો, યુવાનો વેકેશન પડતાં હાશકારો અનુભવે. દિવાળી આવતાં બાળકો ફટાકડાંઓની ઢગલાબંધ ખરીદી કરી કયારે અને કેવાં ફટાકડાં ફોડવાની ગોઠવણ પણ કરી લેતાં હોય છે. દિવાળી માં નવ વર્ષે બાળકોમાં નવા અને અવનવા કપડાં ખરીદવાનું અને પહેરવાનું પણ અનેરું આકર્ષણ હોય છે. એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
દિવાળી માં ફટાકડાં તો બધે ફુટે પણ ગુજરાતીઓ જેટલાં જથ્થાબંધ ખરીદી કરવાના ઉત્સાહી બીજે ક્યાંય જોવા મળતાં નથી. દિવાળી માં ગુજરાતીઓ ધ્વની પ્રદુષણ અને વાયુ પ્રદુષણ ની ચિંતા માળીયે મુકી ધમાકેદાર રીતે ફટાકડાં ફોડીને ઉજવણી કરતાં હોય છે. દિવાળીમાં કેટલીક તોફાની ગુજ્જુ ટોળકી માટલામાં બોંબ મુકીને ધમાકેદાર રીતે ફોડવામાં, ખાલી બોટલમાં રોકેટ મુકી, હાથથી ગાંડિયા રોકેટ છુટ્ટા ફોડવા, લવિંગીયા ટેટાની લૂમ હાથથી છુટી ફોડવામાં માહિર હોય છે. મોંઘામાં મોંઘી અને અવનવી ફાયર ક્રેક્ર્સની વેરાયટી ફોડવામાં ગુજરાતીઓ અવ્વલ હોય છે એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
ગુજરાતીઓ અવનવા નાસ્તા ખાવા અને ખવડાવના શોખીન તરીકે વિશ્વભરમાં ફેમસ છે. દિવાળી આવતાં પહેલાં જ ગુજરાતી ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી, ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી, મગદાળ, રતલામી સેવ, ફરસી પુરી, તીખી પુરી, ખાખરા, દાલ મુઠ, સુકી ભેળ, કેળા અને બટાકા વેફર્સ, મમરી, કચોરી, સમોસા, નાચોઝ જેવા ચટાકેદાર નાસ્તા બનાવી અથવા ખરીદી કરી મહેમાનો ની આગતા સ્વાગતા માટે તૈયાર હોય છે એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
ગુજરાતીઓ અવનવા નાસ્તા સાથે અવનવી મીઠાઈઓ ખરીદવા અને ખાવાના શોખીન હોય છે. ગુજરાતીઓ મીઠાઈ માં સોનપાપડી, કાજુ કતરી, કેસર કતરી, મગસ, મોહન થાળ, માવાની મીઠાઈઓ, બોમ્બે હલવો, હલવાસન, કાજુની મીઠાઈઓ, બંગાળી મીઠાઈઓ, મૈસુર, પેંડા ની અલગ અલગ વેરાયટીની પણ જયાફત ઉડાવી દિવાળી ની ઉજવણી કરતા હોય છે એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
દિવાળી માં બેસતા વર્ષે અને દેવ દિવાળી સુધી ગુજરાતીઓ મિત્રો, સ્નેહીજનો ના ઘરે જઈ પગે લાગવા, શુભેચ્છાઓ આપ લે કરવાની પરંપરા વર્ષો થી ચાલી આવે છે.દિવાળી માં હવે ગેટ ટુ ગેધર પાર્ટી નો કોન્સેપ્ટ પણ ગુજરાતીઓમાં શરુ થયો છે, તે પાર્ટીમાં જ બધા એક સ્થળે, હોટલ કે પિકનિક પોઈન્ટ પર ભેગા થઇ દિવાળી ની મજા પુરી કરી એકબીજાના ઘરે જવાનો સમય બચાવી લેતા હોય છે. પહેલાના સમયમાં ગુજરાતીઓ નવ વર્ષે ભેગા થતાં ત્યારે એકબીજાની તબિયત ના સમાચાર, સુખ દુખની વાતો, સામાજીક વાતો મન ભરીને કરતાં હતા પણ સમય બદલાતા આધુનિક સમયમાં પુરુષો નવ વર્ષે રાજકારણની વાતો, ધંધામાં તેજી મંદી ની વાતો, GDP, GST, ક્રિકેટ, સ્માર્ટફોન અને એપ્પ ની વાતો કરતા હોય છે. જયારે આધુનિક ગુજરાતી સ્ત્રીઓ ફેશન, સ્ટાઈલ, રેસીપી, ટીવી સીરીયલ, મુવી સ્ટોરી રીવ્યુ, પોત પોતાના પતિ અને બાળકોની વાતો અને દિવાળી સ્પેશ્યલ વાતો જેવીકે, તમારા મઠીયા સોફટ છે, પેલા એમના મઠીયા લાલ થયેલ હતાં, અમે તો સ્પેશ્યલ ચરોતર થી જ મંગાવી છીએ, પેલા એમના ત્યાં ચોળાફળી જોડે ચટણી સારી હતી પણ મારા જેવી નહોતી, પેલા એમના ત્યાં ફરસી પુરી સોફ્ટ નહોતી, અમારે તો ફરસી પુરી સોફ્ટ જ બને અને ભાવે, અમે તો ફરસી પુરી જેવી મઠરી પણ બનાવીએ, પેલા એમના ત્યાં કાજુકતરી પર વરખ જ નહોતું પણ તમારે ત્યાં સરસ કાજુ કતરી અને કેસર કતરી છે, અમે પણ આવી જ સ્પેશ્યલ કાજુ કતરી લાવીએ છીએ, અમે તો મગશ પ્યોર ઘી નો ઘરે જ બનાવીએ, અમે પેશ્યલ કાજુનો મેસુર બનાવડાવીએ, તમારો ચેવડો સરસ છે પણ અમે પેશ્યલ લીલો ચેવડો બરોડાથી મંગાવીએ, અમે સ્પેશ્યલ ખંભાત થી હલવાસન મંગાવીએ છીએ તમે આવો ટેસ્ટ લેજો.... આવી ગોસેપ અને વાતો માત્ર ને માત્ર ગુજરાતીઓ જ કરી દિવાળી ની ઉજવણી કરે એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.
દિવાળી પર વેકેશન પડે ફરવા તો ઘણાં જાય પણ ગુજરાતીઓ જેટલાં પ્રવાસીઓ ભારત કે વિદેશમાંથી નથી જતા જોવા મળતા. વિશ્વભરમાં ફરવા ગમે ત્યાં જાવ સાઈટ સીન, હોટલ, રેસ્ટોરન્ટ, ફ્લાઈટ, ટ્રેન, બસ માં ગુજરાતીઓ જોવા મળી જ જાય. ગુજરાતીઓ ફરવાના અને ખાસ દિવાળી પર ફરવાના ભારે શોખીન હોય છે. ગુજરાતીઓ કમાઈ જાણે અને દિવાળીએ વાપરી પણ જાણે. દિવાળી માં વેકેશનમાં ગુજરાતીઓ ફરવા જાય અને ઢગલાબંધ ખરીદી અને એ પણ બાર્ગેનીગ કરીને કરવાનું પણ ચુકતા નથી. દિવાળી પર ગુજરાતીઓ ભારતમાં કુલુ મનાલી, શિમલા, મસુરી, કોર્બેટ, નૈનીતાલ, ચંડીગઢ, દિલ્લી, કાશ્મીર, ગોવા, મુંબઈ, ઉંટી, કોડાઈ કેનાલ, કોવાલ્લમ, કોચી, મુનાર, ઠેકડી, ઉદેપુર, જયપુર, જોધપુર, જેસલપુર, માઉન્ટ આબુ, અંબાજી, કચ્છ, સોમનાથ, દ્વારકા, ગીર, જુનાગઢ, મહાબળેશ્વર, સિક્કિમ, દાર્જીલિંગ, તિરુપતિ બાલાજી, મૈસુર, હૈદરાબાદ, લેહ લદ્દાક, પંચમઢી, ભોપાલ, કાન્હા, જબલપુર, ધુંવાધાર ફોલ્સ, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, શિરડી, ત્ર્મ્બેક્શ્વર તથા બીજા ઘણા અને વિશ્વમાં બાલી, દુબઈ, મોરેશિયસ, લંડન, પોર્ટ બ્લેયર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા પર્યટક સ્થળો પર દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ ફરવા જાય અને વર્લ્ડ ક્લાસ ફેસીલીટી માટે રુપિયા પણ ખર્ચી નાંખે છે. ગુજરાતીઓ જે ટુરમાં ફરવા જાય તેમાં સ્પેશ્યલ ગુજરાતી જમવાનું જમતા હોય છે, એટલેજ કહેવાય છે કે ‘ પેરીસ માં પાત્રા ખાનાર’ ગુજરાતી જ હોય. એટલે જ કહેવાય છે, “દિવાળી તો ગુજરાતીઓની જ ”.