Shahid in Gujarati Moral Stories by Narendrasinh Rana books and stories PDF | શહીદ

Featured Books
Categories
Share

શહીદ

સાંજનો ઢળતો સુરજ આકાશમાં કેસરી રંગ પુરી રહ્યો હતો. આકાશ જાણે આછા કેસરી રંગના વાઘા પેહરી રહ્યું હતું. એક બાર વર્ષનો છોકરો પોતાના નાના શહેરના એક માત્ર તળાવના કાંઠે હાથમાં બૂટપોલિશ કરવાની પેટી લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. તેના ફાટેલા કપડાં તેની ગરીબીની ચાડી ખાઈ રહ્યા હતા. તેની ચાલમાં ઉતાવળ અને નજરમાં ઘરે પહોંચવાની અધીરાઈ હતા. તેને ખબર નોહતી કે ચાર પડછયાઓ તેનાથી થોડું અંતર રાખીને તેની પાછળ પડ્યા હતા.

તળાવના કિનારે કિનારે ચાલતા તે પડછાયાઓ થોડી વારમાં તેને આંબી ગયા. તેમાંથી એક તેની પીઠ પર કૂદીને ચડી બેઠો. છોકરો વજનના કારણે જમીન પર પટકાયો. છોકરો કંઈ સમજે તે પેહલા બીજા બે પડછાયા પણ તેની પાસે પોંહચી ગયા. ત્રણે એ મળીને પેલા છોકરાને લાતો મારવાનું શરૂ કર્યું. છોકરાનું શરીર તળાવ કાંઠાની આખો દિવસ તપેલી ધૂળમાં રગદોળાવા લાગ્યું. તેને મારવાવાળા ત્રણેય તેના જેટલી ઉંમરના જ હતા. તેમનાથી થોડે દૂર ઉભેલો છોકરો ઉંમરમાં આ બધા કરતા મોટો હતો. તે ચુપચાપ બધું જોઈ રહ્યો. તેના ચહેરા પર આનંદની રેખાઓ અંકિત થયેલી હતી.

માર ખાઈ રહેલા છોકરાની આંખો અને મોઢામાં રેતી ભરાઈ ગઈ. તેની પીઠ અને પેટ પર પડી રહેલી લાતોના કારણે તેના શરીરમાં અસહ્ય દર્દ થઇ રહ્યું હતું તેમ છતાં તે પોતાને મારનારાઓના પગ પકડીને તેમને ભોંયભેગા કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો. પોતાને પડી રહેલી લાતોની પરવાહ કર્યા વિના તેણે પોતાના પર હુમલો કરનારાઓ માંથી એક છોકરાનો પગ ખેંચીને નીચે પાડ્યો.

પેલો દૂર ઉભા ઉભા બધુ જોઈ રહેલો છોકરો આગળ આવ્યો અને પેલા માર ખાઈ રહેલા છોકરાની પાસે પડેલી લાકડાની પેટી ઉઠાવી. તેણે પેટી ઊંચકીને જોરથી પાસેના એક પથ્થર પર પછાડી. લાકડાની પેટી તરત તૂટી ગઈ. તેમાં રહેલો બૂટપોલિશ કરવાનો સામાન તળાવકાંઠાની જમીન પર વિખરાઈ ગયો.

માર ખાઈ રહેલા છોકરા એ સમગ્ર દ્રશ્ય જોયું. અચાનક તે પોતાની તમામ તાકાત લગાવીને ઉઠ્યો. પેલા ત્રણેય છોકરાઓએ તેને પકડી લીધો. તેના મોઢા પર એક છોકરાના હાથનો મુક્કો પડ્યો. બે ઘડી તેને તમ્મર ચડી ગયા. તેનો નીચલો હોઠ ચિરાઈ ગયો અને તેમાંથી લોહીની ધાર ફૂટી. કોઈ સામાન્ય છોકરો હોત તો એ ક્યારનો એ ધૂળ ચાટતો થઇ ગયો હોત પણ આ સામાન્ય છોકરો નોહતો. તે મુક્કો ખાઈને પણ તેને પકડીને ઉભેલા બન્ને છોકરાઓની પકડમાંથી છૂટવા મથામણ કરવા લાગ્યો. તેને પકડી રાખવાનું મુશ્કેલ થતા પેલા બન્ને છોકરાઓએ ફરી તેને જમીન પર પટક્યો. આ તેમની ભૂલ હતી. તેમની પકડમાંથી છૂટીને જમીન પર પડેલા છોકરાના હાથમાં તેની જ તૂટેલી લાકડાની પેટીનું એક પાટિયું આવી ગયું.

પેલો છોકરો તે પાટિયું લઈને ફરીથી ઉભો થયો અને તેની પર હુમલો કરનારાઓ પર તૂટી પડ્યો. થોડીવારમાં જ પેલા ચારેય છોકરાઓ ભાગી છૂટ્યા અને તે ઢળી ગયેલી રાતના અંધકારમાં ચુપચાપ પેલું પાટિયું હાથમાં લઈને ઉભો હતો. તેણે પોતાના ચિરાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવી. પરસેવાની ખારાશ અને લોહીનો સ્વાદ તેને મોઢામાં ભરેલી માટીના કારણે ન અનુભવ્યો. તે જોરથી થુંક્યો. માટી અને થૂંક સાથે થોડું લોહી પણ ઉડ્યું. પોતાના ફાટેલા શર્ટની બાંયથી તેણે કપાયેલા નીચલા હોઠમાંથી વહી રહેલું લોહી લુછ્યું.

અચાનક તેને પેલી પેટીનો સમાન યાદ આવ્યો. તે વિખરાયેલો સામાન ભેગો કરવા લાગ્યો. જાણે કોઈ તળાવના કાંઠે હીરા શોધતું હોય તેમ તેણે એક એક વસ્તુ શોધીને ભેગી કરી. તેણે થોડી વસ્તુઓ પોતાના ફાટેલા પેન્ટના ખીસામાં નાખી અને બાકીની હાથમાં પકડીને ચાલવા લાગ્યો. તેને પોતાની મા યાદ આવી.

"મા, મારી રાહ જોતી હશે પણ આ હાલતમાં તેની પાસે કેમ જવું?" તેણે વિચાર્યું અને આપોઆપ તેના ચાલવાની ઝડપ ઘટી ગઈ.

એક કલાક પછી તે એક અંધારી ઓરડીના દરવાજે ઉભો હતો. તેણે ઉઘાડી બારીમાંથી અંદર નજર કરી અંદર એક ફાનસ બળી રહ્યું હતું. પલંગ પર તેની મા સુતેલી હતી. તેને રાહત થઇ. તે ચુપચાપ દરવાજો ખોલીને ઓરડીમાં પ્રવેશ્યો. તેની મા સાચે જ સુઈ ગઈ હતી. તેણે કદાચ તેના આગમનની રાહ જોઈ હશે અને થાકીને સુઈ ગઈ હશે. તેને મા ને રાહ જોવડાવવા માટે દુઃખ થયું પણ તે, મા પોતાનો લોહીથી ખરડાયેલો ચહેરો જુએ એમ પણ નોહતો ઈચ્છતો. સવારે શું કરવું એ પણ તેણે વિચારી રાખેલું. મા ઉઠે તે પેહલા જ એ કામે જવા નીકળી જવાનો હતો. તેણે ચુપચાપ માએ તેના માટે રાખેલી રસોઈ જમી. તે સુવાની તૈયારી કરતો હતો ત્યાં તેના કાને કેટલાક અસ્પષ્ટ શબ્દો અથડાયા. તેની મા ઊંઘમાં કઈંક બબડી રહી હતી. તે ઉઠ્યો અને માની પથારી નજીક બેસી ગયો. મા શું બબડી રહી છે તે સાંભળવા તે પોતાનો કાંન માના મોં પાસે લઇ ગયો. તેણીના શબ્દો સાંભળીને તેની આંખો ભરાઈ ગઈ. ચાર ચાર છોકરાઓને મારીને ભગાડવા વાળા બહાદુર છોકરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

***

રાત્રીના ઓળા એ ભયાનક જંગલમાં પથરાઈ ગયા હતા. થોડી થોડી વારે આવતા ગોળીઓ છૂટવાના અવાજોને કારણે જંગલની નીરવ શાંતિ ભંગ થઇ રહી હતી. યુદ્વના કારણે રાત્રીના સમયે શાંત રહેતો આ વિસ્તાર ખળભળી ઉઠ્યો હતો.

આવા વાતાવરણમાં એક સૈનિક પોતાની થ્રી નોટ થ્રી રાઇફલ મજબૂતાઈથી પોતાના હાથમાં પકડીને આગળ વધી રહ્યો હતો. તેનું નામ મૃત્યુંજય શર્મા હતું. તે પોતાના સાથી સૈનિકોથી વિખૂટો પડી ગયેલો. તેઓ પોતાની ચોકી પર થયેલા હુમલાનો જવાબ આપી રહ્યા હતા. હુમલાના કારણે ફેલાયેલી અંધાધૂંધીના કારણે તે પોતાના સાથીઓથી અલગ પડી ગયો. હવે તેને ખ્યાલ નોહતો કે તે દુશ્મનોના વિસ્તારમાં છે કે પોતાના? તે એક નાના શહેરનો વતની હતો. તેની રેજીમેન્ટને આ જંગલમાં આવેલી પોસ્ટના રક્ષણની જવાબદારી મળતા તે આ અજાણી જગ્યામાં આવ્યો હતો. આજે અચાનક તેમના પર હુમલો થતા તે અને તેના સાથીઓ જંગલમાં વિખરાઈ ગયા હતા.

સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગોળીઓના અવાજને કારણે ભયાનક લાગી રહ્યું હતું. મૃત્યુંજયને લાગી રહ્યું હતું કે તે દુશ્મનોના વિસ્તારમાં છે. તેની છઠ્ઠી ઇન્દ્રિય તેને કહી રહી હતી કે તે મુશ્કેલીમાં હતો. તે બહાદુર હતો અને મોતથી ક્યારેય ડર્યો નોહતો. અત્યારે પણ એ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની તૈયારી સાથે આગળ વધી રહ્યો હતો.

અચાનક પાછળથી કોઈ તેના પર કૂદયું. મૃત્યુંજય આ હુમલા માટે તૈયાર નોહતો. તે જમીન પર પડ્યો. તેની આસપાસ બીજા બે દુશ્મન સૈનિકો પણ અચાનક આવી ગયા. તેમની સંખ્યા કુલ પાંચ હતી. ચાર સૈનિકોએ તેને ઘેરી લીધો હતો જયારે પાંચમો દૂર ઉભો ઉભો સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેને બે દુશ્મન સૈનિકોએ પકડવાનો પ્રયત્ન કર્યો પણ આ વખતે તે તૈયાર હતો. તેની રાઇફલ તેના હાથમાંથી છૂટીને દૂર પડી હતી પણ તેની પાસે એક છરી હતી. તેણે તે છરી કાઢીને તેને પકડવા આવેલા સૈનિકના પેટમાં મારી. પેલો સૈનિક ચીસ પાડીને દૂર પડ્યો. ચાર દુશ્મન સૈનિકો સામે એ એકલો હતો. તેમ છતાં તેણે હિંમત ન હારી. થોડીવારની ઝપાઝપી પછી કંટાળેલા એક દુશ્મન સૈનિકે પોતાની પિસ્તોલ કાઢીને તેના પગ પર ગોળી ચલાવી. તે ચીસ પાડીને નીચે પડ્યો ત્યારે બે દુશ્મન સૈનિકોને કાયમ માટે ઢાળી ચુક્યો હતો.

મૃત્યુંજયના શરીર પર પડેલા ઘા માંથી લોહી વહી રહ્યું હતું. તેણે પોતાની મુઠ્ઠીમાં હજુ પેલી છરી સખતાઈથી પકડેલી હતી. તે હવે મોતને ભેટવા તૈયાર હતો.

એક દુશ્મન સૈનિક તેના ઘાયલ શરીર પાસે આવ્યો અને પોતાની ભરેલી બંદૂક તેના માથા પર તાંકી. તેણે મૃત્યુને આવકારવા આંખો બંધ કરી.

"ઉસે જિંદા રખ." પાછળથી કોઈએ ઉર્દુ મિશ્રિત હિન્દીમાં આદેશ આપ્યો.

"લેકિન ઇસને હમારે દો સાથિયો કો મારા હૈ." બંદૂક તાંકીને ઉભેલો સૈનિક બોલ્યો.

"ઇસીલિયે તો બોલ રહા હું ઇસે ઝિંદા રખ તાકી યે હમારી જેલમેં તા ઉમ્ર સડતા રહે." પેલો સત્તાવાહી અવાજ બોલ્યો અને પેલો સૈનિક ગોળી ચલાવવા ને બદલે તેને એક પાટુ મારીને તેના પર થુંક્યો. બે સૈનિકો તેના ઘાયલ શરીરને ઉંચકીને ચાલવા લાગ્યા. પોતાના આવનારા જીવન વિષે વિચારીને તે બહાદુર સૈનિકની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

***

વહેલી સવારે જ તે પોતાના બૂટપોલિશ કરવાના સાધનો એક થેલીમાં નાખીને નીકળી પડ્યો. તેની મા હજું સૂતી હતી. તે શહેરના ચોકમાં પોહચ્યો. આજે તેની બેસવાની જગ્યા ખાલી હતી. તેના પર હુમલો કરવાવાળા પેલા ચારેય છોકરાઓ ગાયબ હતા. તે છોકરાઓ તેની સાથે રોજ તે જગ્યા પર બેસવા માટે ઝઘડતા. તેની બેસવાની જગ્યા ચોકની એક બાજુએ રહેલી મૂર્તિ નીચે હતી. એ મૂર્તિ નીચે એક તકતી મારેલી હતી જેના પર લખ્યું હતું, "શહીદ મૃત્યુંજય શર્મા." બધા એ ચોકને શહીદ ચોક કેહતા. એ મૂર્તિને જોઈને એક ક્ષણ તે અટક્યો. તેને તેની માના ગઈકાલે ઊંઘમાં બોલાયેલા શબ્દો યાદ આવ્યા, "એક વાર તારા પિતાનું પેન્શન આવવા લાગે એટલે આપણા દિવસો સુધરી જશે. એક વાર સરકાર પણ ગામવાળાની જેમ માની લે કે તારા પિતા શહીદ થઇ ગયા છે એટલે પેન્શન માટે ધક્કા નહીં ખાવા પડે."

તે ચુપચાપ પોતાના શહીદ પિતાની મૂર્તિ સામે જોઈ રહ્યો. થોડીવાર બાદ એક દિકરો પોતાના પિતાની મૂર્તિ નીચે બૂટપોલિશ કરવાનો સામાન પાથરીને બેઠો હતો.

(સમાપ્ત)

"જે દેશ પોતાની રક્ષા કરવાવાળાઓને ભૂલી જાય છે તે જલદી નાશ પામે છે." -કેલ્વિન કુલીજ.