Pinchuk ane titali in Gujarati Motivational Stories by Manisha joban desai books and stories PDF | પિંચુક અને ટીટલી

Featured Books
Categories
Share

પિંચુક અને ટીટલી

મિત્રો ,મારી બાળવાર્તાનાં પાત્રો પિંચુક અને ટીટલીની ધમાચકરડી વાંચીને તો એમ થશે કે ખાલી મસ્તીખોર બાળકોની ધમાલ છે પણ એવું નથી. રમતા રમતા બંને કેટલા ચપળ અને સંવેદનશીલ છે એ જોજો. આમ તો બંનેના નામ પ્રિશલ અને ત્રીવેરા છે, પણ પપ્પા મમ્મીનાં લાડમાં નામ નવા નવા મળ્યાં.

પિંચુક દોડતો અગાસી પર પહોંચ્યો.

"એ ટીટલી ,ચાલ જલ્દી. . . . પેલી એડ્વર્ટાઇઝમાં આવે છે ને મોટી પુરી જે આપણા ડાઇનિંગ ટેબલ પાસે ગબડતી ગબડતી આવે, એવી મોટી પુરી મમ્મી તળે છે. પુરીમાં એક નાનું મરચું અને લીંબુ નીચવી ખાવાની કેવી મઝા. . . . . !!. "

"પિંચુક ,મમ્મીએ કેરીની છીણ સુકાવવા મૂકી છે એ આપીને આવી. તું ગબડતી પુરી હોલ્ડ કરી રાખજે મારા માટે. "

"જો પાંચ મિનિટમાં નહિ આવી તો હું ખાઈ જઈશ "

ટીટલી એના સુંદર મોઢાને મચકોડતી તોબરો ચઢાવી ગુસ્સામાં બબડતી ભાગી. "તોબરો ફુલાવી દાદાગીરી ખરી. . . . . !! હા. . હા. . . હા. . . . . "

પિંચુક કિચન તરફ દોડ્યો. થોડીવારમાં તો ટીટલી આવી ગઈ ને ટેરેસ પરથી બુમ પાડી. પિંચુક જલ્દીથી મોટી પુરી લઇ દોડ્યો અને ટેરેસ પર જુવે છે તો ટીટલીની આજુબાજુ મીની મેજીક { બિલાડી }અને ઝકાશ {ગલુડિયું] ગોઠવાઈ ગયેલા.

"લે ટીટલી પુરી ખા. આ બંને ક્યારે આવી ચઢયા?

"અરે,આ મીની મેજીક કોઈ બાજુની માંજરી મ્યાંઉ જોડે બાઝી હતી ,જેમ તેમ છોડાવી. બાજુમાં આ ઝકાશ ઉભો ઉભો તમાશો જોતો હતો,

"શું ટીટલી તું પણ હવે ,આ ઝીણકા ઝકાશનો હું કલાસ કે આ વાઘણ કોઈ જોડે બાઝે તો એને છોડાવે. . . . !! માંજરીને તો ચોક્કસ લોહીલુહાણ કરી નાખી હશે"

"હા,પિંચુક ,માંજરીને તો ગોટાકાકા હોસ્પીટલ લઇ ગયા. ને જો આ તો ટેસથી શરીર તાણી સનબાથ લે છે"

"તું આ બધી વાત છોડ,આપણી ટિમ આજે મિટિંગ ક્યારે કરવાની છે?"

"આજે સાંજે અહીં ટેરેસ પર જ બધા ભેગા થવાના છે. ”

રાત્રે બધા બાળકો અગાસી પર ભેગા થયા. ગિગ્સ ગાબેશ આવ્યો અને સાથે જમ્પિંગ જોલી એનાં ઝકાશ ગલુડિયાને સ્ટારવાળો નાઈટડ્રેસ પહેરાવી લાવેલો ને એ ગોળગોળ ફરતો હતો એમાં આંખમાં લાઈટ જવાથી મીની મેજીક કૂદી કૂદીને ઘૂરકવા માંડી. માંડ એને ટાંકી પરના હિંચકે બાસ્કેટમાં ઝૂલવા મૂકી ત્યાં બેઠી બેઠી આકાશનાં તારા ગણવાની પ્રેક્ટિસે લાગી ,તો જરા ગ્રુપને નિરાંત થઇ.

એટલામાં તાળી વગાડી બધાનું ધ્યાન દોરતા વિચકેલ વાદળે બોલવાનું શરુ કર્યું ,

"મિત્રો,બધા શાંતિથી મારી વાત સાંભળો. તમે બધાએ ઘરે પપ્પા મમ્મી પાસેથી "બરમ્યુડા ગેંગ" વિષે તો જાણ્યું જ હશે. સોસાયટી અને આજુબાજુમાં ચોરી કરતી ન્યુ એસ્ટાબ્લીસ ટોળકી છે. એ લોકો છે આપણી જેમ બધા મિત્રો પણ કામ એ લોકોના કાળા છે. જો તમને માનવામાં નહીં આવતું હોય તો તમે આ બમ્બુ બુટેશને પૂછી જુઓ ,એના કાકા કોઈ પોલીસનાં ફ્રેન્ડ છે તે ખબર લાવેલા. આપણી સોસાયટીમાં ચાર ઘરોમાં ઉપરાછાપરી ચોરીઓ થઇ છે અને દરેક વખતે આપણા ચોકીદાર કાકા હથોડાસિંહ એન ટાઈમ પર ઉંઘમાં ગરકી જતા. અને તપાસ થઇ ત્યારે સ્ટેટમેન્ટ આપેલું કે,

"ખબર નહીં પણ એ વખતે મને ઘેન ચઢ઼તું અને કંઈ ખબર નહીં પડતી. આવું કોઈ વાર થયું નથી. "

ત્યાં બગાસું ખાતા ખાતા ગિટાર ગવન ,

"આ વળી બરમ્યુડા ગેંગ શું છે ?”

"જા તું ઘરે જઈને બાટલીમાં દૂધ લઈને મચ્છરદાની વાળા પલંગમા લાંબો થઇ જા. બરમ્યુડા ગેંગ ચડ્ડી બનિયાન ગેંગનું નવું જનરેશન છે અને શરીર પર સુગંધિત એલોવેરા જેલ લગાવી લેટેસ્ટ ટેક્લોનોલોજીથી ચોરીઓ કરે છે. "

આ સાંભળી હસાહસ અને ગિટાર ગવન અગાસીનાં ફ્લોર પર આળોટીને હસવા માંડ્યો. એટલામાં વિચકેલ વાદળ ગીન્નાયો ,

"જાવ આપણા મિશનની કેપ્ટનશીપ હું નથી કરવાનો. . . "કહી ઇંગ્લીશમાં બધાને ધમકાવતો દૂર જઈ ઉભો રહી ગયો. એટલે દોડતી જઈને ચીસા ચાલાક એને મનાવવા ગઈ. મોઢું ફુલાવી વિચકેલ વાદળે પાળી પર જોરથી બેસી અધ્યક્ષતા કન્ટિન્યુ રાખી. પણ. . . આ ધમાલમાં પાળી પરથી નાનું તાજું વાવેલું કુંડુ નીચે પડ્યું. ને. . . . દાદીનો બરાડો સંભળાયો.

"આ કોણ કાંકરા ફેંકે છે ?" બધા ગભરાઈને થોડી વાર ચૂપ થઇ બેસી રહયા. ફરી ગગન ગંભીર બેઠક શરુ થઇ.

"જો ટીટલી તારે આજુબાજુની સોસાયટીમાં તારા જે ફ્રેન્ડ્સ છે એ બધાને ભેગા -તૈયાર કરવાના. અમુક અમુક દિવસનાં અંતરે ચોરી થાય છે. "

"પિંચુક હું બે ત્રણ દિવસમાં મેં"બરમ્યુડા કેચર " વોટ્સઅપ ગ્રુપ સ્ટાર્ટ કર્યું એમાં બધાને જોડી દઉં એટલે છે ને ,ભાગે તો પણ દૂરની સોસાયટીમાંયે ઝડપાઇ જાય. તને તો ખબર કે રજાઈની નીચે રાત્રે આપણા જેવા વિધાર્થીઓ બધા છુપાઈને મોબાઈલ પર "કેન્ડી સાગા " ને "ફિશડાયમંડ " ગેમ રમતા હોય ક્યાં તો યુ -ટ્યુબપર ગીત જોતા હોય. ”

રી્ન્તું રવેશ બધાને યાદ દેવડાવતા કહેવા માંડ્યો ,

"હમણાં તો બ્લ્યુ વ્હેલને કારણે પપ્પા મમ્મી બહુ જ ચેક કરે છે ટીવી જોતા હોય પણ એ અવાજ વગર જોવું પડે નહીંતર તરત આવીને મમ્મી બંધ કરાવે “

પાછી હસાહસ. . . .

અને આમ મિટિંગ પતવા આવી જ હતી કે ફરી ટીટલીની મમ્મીએ બુમ પાડી. બધા વિખરાઈને આજુબાજુની અગાસી પરથી દાદર ઉતરી ઘરભેગા થઇ ગયા. ટીટલી અને ચીસા ચાલાક વાતો કરતાં કરતાં નીચે ઉતર્યા અને "બાય આંટી" કહેતી ચીસા સામેનાં ઘરે દોડતી પહોંચી ગઈ. એન્ટરન્સ પાસે હેંગીગ પાંજરામાંના સિંગર તોટ્સે મીઠું મધુરું "ગુડ નાઈટ" કર્યું. મીની મેજીક પણ દબાતે પગલે નીચે ઉતરી ગાર્ડનમાંના એનાં બેડરૂમમાં જતી રહી. ઝકાશે આ બધી વાતથી કંટાળીને ટેરેસનાં લેન્ડિંગ પરની રેલિંગને વીંટળાઈ યોગા કરી ઊંઘવાની તૈયારી કરી. સવારમાં બધાએ સ્કુલે જતા રાતનાં નક્કી કરેલા "બરમ્યુડા કેચર"મિશન પર નવી નવી સ્ટ્રેટેજી વિષે વોટ્સએપ પર વિચારો વ્યકત કર્યા.

દિવસો વીતતાં જતા હતા ને બાળકોને પરીક્ષાની પણ તૈયારી કરવાની હતી સાથે સાથે "પ્રાઇવેટ એલર્ટનેસ અભિયાન "હેઠળ "બરમ્યુડા ગેંગ કેચર "વોટ્સપ ગ્રુપ તીવ્ર ગતિએ સંગઠિત થઇ રહ્યું હતું. ટીટલીનાં પપ્પા મમ્મી અને ભાઈ લગ્નપ્રસંગે મુંબઈ ગયા હતાં. ટીટલી અને દાદી ઘરમાં અને પિંચુક સાથે બેસી જુના પેપરનું રીવીઝન કરી રહયા હતા.

ત્યાં દાદી ,"એલા આ તમે બંને આખું વર્ષ રોજ ધમાચકરડી કરો છો અને હવે મોડી રાત સુધી વાંચવું પડે તે રોજ વાંચતા હોય તો ?"

"દાદી અમે ધમાલ નથી કરતા રાષ્ટ્રહિતનું કામ કરીયે છે. આપણી સોસાયટીની સુરક્ષામાં અમારે પણ કંઈ ફાળો આપવાનો કે નહિ ?તમે અમને કેવી ભારત દેશની આઝાદીની ચળવળ વખતની વાત કરેલી ?બધા ભેગા થઇ શાંત ક્રાંતિ લાવેલા. . . . અમે જરા ધમાલ ક્રાંતિ કરવાના છે. આ તો ૨૦૧૭ નું વર્ષ જરા સ્ટાઇલ બદલાય કે નહીં ?"

દાદી રૂમમાં ઊંઘવાની તૈયારી કરવા માંડ્યા. મીની મેજીક ગાર્ડનનાં બેડરૂમમાંથી લાઈટ ચાલુ બંધ કર્યા કરતી હતી તેમાં સામેના પીંજરામાંથી સિંગર તોટ્સે "તેરે મેરે બિચમેં કેસા હૈ યે બંધન. . . "ગીત ગાવાનું શરુ કર્યું. એટલે બહાર નીકળીને ચીસા ચાલાકે 'શટઅપ તોટસ'ની બુમ પાડી. ટેરેસ પરની પાળી પરથી ઝકાશ ખડખડાટ હસતા વાંઉ વાંઉ ભસવા માંડ્યો

ડાબી બાજુના બંગલામાં આવેલા નવા બે સસલા ગુલ અને ગુલબીયા કુતુહલથી એના કેઇજનું ડોર ખોલી મેઇન ગેટ સુધી આંટો મારી પાછા જંપી ગયા.

પિંચુક થોડી વારમાં ઘરે ગયો. રૂમમાં બેસી ટીટલી પાછી પ્રશ્નપત્રોનું રીવીઝન કરવા મંડી. દાદીની જૂની સ્ટાઇલ પ્રમાણે બંને ચોટલી ડ્રોઅરનાં હેન્ડલ સાથે બાંધી ઊંઘ નહિ આવે એની કાળજી લેતીવાંચતી ગઈ. બહારનાં ફ્રીઝમાં રાખેલું પુડીંગ યાદ આવ્યું તે લેવા ગઈ ને કંઈ ઝીણો અવાજ આવ્યો. નીચેનો લીવિંગ રૂમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ડબલ હાઈટ ફ્લોરને કારણે. બારીનાં કાચ પાસે બે પડછાયા દેખાયા. જલ્દીથી ગાયત્રી મંત્ર બોલતી ટેરેસ પર ભાગીને અંદરથી દરવાજો બંધ કરી જોર જોરથી ચીસો પાડી. ગોટા કાકા. . . આ. . . આ. . . , પિંચુક, ,ચીસા ,. . . . ને, ધડાધડ બધાની લાઈટો ચાલુ થવા માંડી. પાળી પરથી નીચે જોયું તો બે બરમ્યુડા ગેંગનાં ચોર દરવાજા તરફ ભાગ્યા. . . મોબાઈલની રિંગો રણઝણવા માંડી. મોટી ફ્લેશ લાઈટ ચાલુ થઇ ગઈ અને સાઇરન પણ વગાડી. ઝકાસ ટેરેસની પાળી પરથી નીચે કૂદકો મારી એ લોકોની પાછળ ભાગ્યો. મીની મેજીક તો અવાજ સાંભળતાની સાથે જ ગેટ પર પહોંચી ગઈ તે એક "બરમ્યુડા" ને બરાબર બાઝી. પેલો ચોર ગભરાઈ ને નીચે પડી ગયો. ને બીજો ,ભાગતો હતો તેની પાછળ ઝકાસ ,પિંચુક ,ને એના પપ્પા લાકડી લઈ મેઈન ગેટ પર દોડયા. ત્યા પેલાં "બરમ્યુડા"ને ઝડપી લીધો. આ બાજુ મીની સાથેનાં યુદ્ધમાં ઉઝરડાયેલો "બરમ્યુડા" લગભગ બેહોશ જેવો થઇ ગયો. બધા ભેગા થઇ ગયા અને જલ્દીથી પોલીસને ફોન કર્યો. ને ,વૉટ્સઅપ પર વાયુવેગે સમાચાર પહોંચી ગયા. ઝડપી પોલીસ તપાસમાં ગેંગનાં બાકીનાં સભ્યો પણ પકડાયા અને શહેરમાં હાશનું વાતાવરણ થઇ ગયું.

ટીટલીનાં પપ્પા-મમ્મી-ભાઇ તો બહારગામથી આવી એને વળગી રડી પડ્યા અને ખુબ વ્હાલ કરી શાબાશી આપી.

'પ્રાઇવેટ અવેરનેસ અભિયાન " અને પોલીસ તરફથી ટીટલી-પીંચુકને સ્પેશીયલ માન -ઈનામ આપવામાં આવ્યું અને આખી બાળટીમને બીરદાવ્યા. પરીક્ષા પછી સ્કૂલોમાં ટીટલી- પિંચુકની બહાદુરીનાં લેક્ચર રખાયા અને રાતોરાત ટીટલી -પિંચુક શહેરમાં અને ટી,વી પર ફેમસ થઇ ગયા. સોસાયટીમાં મોટું ડી,જે ,ફંક્શન રખાયું એમાં બધાએ મળી ને ,"હમ હૈ બેસ્ટ ,,,હમ હૈ બેસ્ટ"નું ગીત ગાયું. શાહરુખના ગેટઅપમાં તૈયાર થયેલા પિંચુક અને દાદીનાં ચશમા ચઢાવી ટીટલી એ જરનાલીસ્ટનાં ગેટઅપમાં પરફોર્મ કર્યું. ઝકાશ અને મીનીને નવા ડ્રેસ સિવડાવી આપ્યા અને બંનેને એનિમલ હોસ્પિટલનાં એસોસિએશનમાં મેમ્બરશિપ મળી. બધા દોસ્તોએ ખુબ ઉજાણી કરી. બીજે દિવસે સવારમાં બધા બાળમિત્રોને વોટ્સએપ ગ્રુપ પર એક મોટું સરપ્રાઈઝ મળ્યું. દિલ્હીથી પ્રધાનમંત્રીશ્રીએ અભિનંદન અને શુભેચ્છા મેસેજ મોકલ્યો તથા આખા ગ્રુપને મળવા આમંત્રણ આપ્યું. ગ્રુપમાં આનંદનું મોજું ફરી વળ્યું અને રાત્રે ટેરેસ મિટિંગમાં ધમાલ. . . . ધમાલ. . . . ધમાલ

-મનીષા જોબન દેસાઈ