Bhinjayelo Prem - 13 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | ભીંજાયેલો પ્રેમ ભાગ - 13

Featured Books
Categories
Share

ભીંજાયેલો પ્રેમ ભાગ - 13

ભીંજાયેલો પ્રેમ

ભાગ – 13

લેખક તરફથી

પહેલા તો આ દિવાળી પર્વની આપસૌને હાર્દિક શુભકામના, આપ સૌ વાંચકોની જિંદગીમાં આવતા પરિવર્તનો સુખદાયી અને લાભદાયી હોય તેવી મારા તરફથી ભગવાનને પ્રાર્થના છે, બેસતા વર્ષ નિમિતે સૌ નવા સંકલ્પ લઇ તે સંકલ્પ પાળવા માટે જવાબદાર બનો તે માટે સૌને શુભકામના અને આ સંકલ્પની શરૂઆત મારાથી જ કરું છુ. મારો સંકલ્પ કઈક આવો છે – માતૃભારતી તરફથી મને જે સહકાર મળ્યો છે અને વાંચકો તરફથી જે પ્રોત્સાહન મળ્યું છે તે જાળવી રાખવું અને આગળ પણ માતૃભારતીને મારી આ સ્ટોરીસ્ આપતો રહું.

(એક ઝલક કહાનીની)

કોલેજના બે વર્ષ પુરા કાર્ય બાદ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ બધા વિધાર્થીઓ સંકલ્પ લે છે અને એક મહિના સુધી વ્યવસ્થિત ભણે છે પણ એક મહિના બાદ હાલત હતી એ ને એજ, બદલાવ માત્ર ગ્રુપમાં આવ્યો હતો પહેલા ચાર લોકોનું ગ્રુપ હતું તે બદલીને નવ લોકોનું થઇ જાય છે. ચાર મહિના સાથે ગુજાર્યા બાદ આ ગ્રુપ એક ટુરનું આયોજન કરે છે, દિવાળી પછી આઠ-દસ દિવસ બાદ એક જગ્યા પર જવાનું નક્કી કરી બધા ચાલ્યા જાય છે જયારે મેહુલ અને રાહી થોડો સમય સાથે રહેવા ત્યાં જ બેઠા રહે છે)

Continue

બધા ચાલ્યા ગયા પછી મેહુલ અને રાહી સાથે બેઠા હતા. મેહુલે રાહીના ખોળામાં માથું રાખતા પૂછ્યું “કેમ આમ મોં ચડાવીને બેઠી છો?”

“ખુબ મજા આવી હશેને સૃષ્ટિ સાથે પેપ્સી લેવા જવામાં?” રાહીએ વધારે મોં ચડાવતા કહ્યું.

મેહુલે પ્રેમથી સફાઈ આપતા કહ્યું “ઓય, ઢીંગું મેં થોડું કહ્યું હતું મારી સાથે આવવા, તેણે જ આવવા કહ્યું હતું. ”

“હા તો આપણે ના પાડી શકીએ, તને વિચાર ના આવ્યો કે મને શું થયું હશે અહી?”રાહીએ મેહુલને ટપલી મારતા કહ્યું.

“આવ્યો હતો ને પણ મેં વિચારું સૃષ્ટિ સાથે પણ મજા જ આવશે એટલે મેં વિચાર બદલી નાખ્યો”મેહુલે મજાક કરતા કહ્યું.

“અચ્છા તો કાલથી તમે તેની સાથે જ રહેજો, હું કાલથી નહિ બેસું તારી પાસે. ”રહીએ પણ સામે પોઈન્ટ મુક્યો.

“ના હવે આવું કઈ નહિ કરવાનું, હું મજાક જ કરતો હતો. ”

રાહી હસવા લાગી “હું પણ મજાક જ કરતી હતી અવી(મેહુલ)”

“તે મને બારમાં ધોરણથી ઓળખે છે ધ્યાન રાખજે જૂની ઓળખણ છે અમારી”મેહુલે રાહિને ચીડવતા કહ્યું.

રાહી પૂછ્યું “કેમ બારમાં ધોરણથી?”

મેહુલે તેની અને સૃષ્ટિ વચ્ચે થયેલા બધા સંવાદોની વાત રાહિને કહી. રાહીએ કહ્યું “એ કઈ થોડી તને મારાથી છીનવી શકે, હજારો વર્ષની તપ્શ્ર્યા બાદ ભોળાનાથના વર્દાનમાંથી મળેલ એક માત્ર પસંદ છે તું. ”

આ સાંભળી મેહુલના ચહેરા પર શાઈન આવી ગયી, જેમ કોઈ રત્નને અંધારામાંથી ઉઠાવી અજવાળામાં લાવીએ અને ચમકી ઉઠે તેમ મેહુલનો ચહેરો ચમકી ઉઠ્યો, કારણ કે આ જ વાક્ય મેહુલે રાહિને પહેલા કહેલું. થોડીવાર બંનેએ વાતો કરી ત્યાં ઘરે જવાનો સમય થઇ ગયો પણ આજે બંનેમાંથી કોઈને ઘરે જવું ન’હતું કેમ કે આજે છેલ્લો દિવસ હતો અને પછી સીધા ટ્રીપ પર જ મળવાનું હતું. અનાયસે સમયની પાબંધીના કારણે બંનેને ત્યાનું રસપ્રદ વાતાવરણ છોડવું પડ્યું અને બંને ઘર તરફ અગ્રેસર થયા.

***

નવરાતના નોરતા બાદ શરદ્પુનમની એ રાત સૌ ખેલૈયાઓ માટે મહત્વની હોય છે. વિજયાદશમી બાદ પડેલા ચાર દિવસના વિક્ષેપને પૂરો કરતો દિવસ શરદપૂનમની રાત્રીએ સૌ ખેલૈયા મન ભરીને રમીલે છે કારણ કે આ દિવસ પછી છેક એક વર્ષ પછી આવે, લગ્નમાં રાસ લેવાતા હોય છે તે અલગ વાત છે પણ નવરાત્રી જેવી મજા લગ્નમાં ના જ આવે બરોબરને.

આ દિવસે બધાના ઘરે ઊંધિયું બનેલું પણ બધાને રાત પડવાની વાટ હતી, એય પછી શરદપૂનમની રાતડીને રંગ ડોલરિયો.... ઢોલીડા ઢોલ ધીમો ધીમો વાગડમાં.... જેવા ગરબાથી આપોઆપ સૌના પગ થીરકવા લાગે.... મેહુલ પણ આજે આ દિવસની રાહ જોઇને બેઠો હતો.... ઊંધિયાની મહેફિલ માણીને મેહુલ પહોચી ગયો પાર્ટીપ્લોટમાં..... શહેરમાં પર્તીપ્લોટ જ થઇ ગયા છે હવે, હવે ક્યાં તે ગામડા જેવી મજા રહી છે... ત્યાનું વાતવરણ જ સાવ અલગ હોય છે બધી જ વાતો ભૂલીને ગામના નાના-મોટા બધા જ એ ગરબાની હેલીએ ઝૂમતા હોય છે અને શહેરમાં એક ટોળું એક બાજુએ રમતું હોય તો બીજું ટોળું બીજી બાજુ.... માત્ર ગરબા રમવાની જ મજા આવે... પેલું આંખોમાં આંખ પરોવીને ગરબાની તાલે ઝૂમવાની મજા તો ગામડામાં જ આવે.

છતા મેહુલે તે દિવસે ગરબાનો ભરપુર આનંદ લીધો હતો.., વચમા વોટ્સએપના નોટીફીકેશન પણ ક્ષેપ પાડતા હતા.. બધા પોતપોતાના પાર્ટીપ્લોટના ગરબાના વિડોઓસ્ અને ફોટોસ્ ગ્રૂપમાં મુકતા હતા અને આજે મેહુલે પણ પોતાના દોસ્તો સાથે સેલ્ફી પાડી ગ્રૂપમાં અને ફેસબુકમાં એક ફોટો અપલોડ કરી દીધો કારણ કે મેહુલે આજે ટ્રેડીશન પોશાક પહેર્યો હતો. રજવાડી મોજડી પર ખેલૈયાના પોશાકમાં મેહુલ સિક્કા નાખતો હતો.

***

તે પછીના દિવસે મેહુલે સૌને ગ્રૂપમાં મેસેઝ મોકલ્યો “આજ સાંજ સુધીમાં ઘરેથી મંજુરી લઇ લેશો અને કોઈને મંજુરી ના મળે તો મને જાણ કરશો હું તેના ઘરે વાત કરીશ. ”

બધાએ અંગુઠો બતાવતા ઈમોજી મોકલી કામ શરુ કરી દીધું. અભિષેક હોસ્ટેલમાં રહેતો હતો તેથી તેને કોઈને પૂછવાનો સવાલ જ નથી, અર્પિત અને રાહુલને પણ રજા મળી ગયી હતી. પ્રિયા બીજા વર્ષમાં હતી અને તે કોઈ ક્લાસમાં જતી હોવાથી તેને આવવાનું અટક્યું હતું. સેજલની જવાબદારી રાહીએ અને રાહીની જવાબદારી સેજલે લીધી હતી એટલે બનેના ઘરેથી મંજુરી મળી ગયી. સૃષ્ટિ આધુનિક વિચારધારાવાળી હતી તો સ્વાભાવિક રીતે તેના કુટુંબમાથી પણ મંજુરી મળવાની જ હતી, , , અટક્યું હતું માત્ર નંદનીના કારણે. આવવાની સમસ્યા ન હતી.. ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી એટલે ઘરેથી ના આવતી હતી. ગ્રૂપમાં એક વ્યક્તિના આવે તો પુરા ગ્રૂપનું વાતાવરણ બદલાય જાય છે તેથી મેહુલના કહેવાથી અર્પિત અને રાહુલ તેના ઘરે ગયા અને પૂરો ખર્ચો ગ્રૂપના સભ્યો વહેચી લેશે તેમ કહી નંદનીને પણ તૈયાર કરી લીધી.

દિવાળીની તે રાત્રે પૂરું આકાશ પ્રકાશમાન થઇ ગયું હતું બધાએ નવા વર્ષની શુભકામના આપી. પોતાના પસંદીદાર કપડા પહેરી પૂરો દિવસ સગાવહાલા સાથે પસાર કર્યો હતો અને આખરે તે દિવસ આવી ગયો.

મેહુલના અંકલે બધી જ તૈયારી કરી નાખી હતી સવારના ચાર વાગ્યાની બસમાં નીકળવાનું હતું. સૌએ બેગ તૈયાર કરી નાખ્યા, શિયાળાની ઋતુ હતી એટલે થોડા ગરમ વસ્રો પણ લેવાના હતા. બધા સાડા ત્રણ વાગ્યે ભાવનગર ડેપોએ હાજરી આપી દીધી, મેહુલ અને અભિષેકને સિહોરથી પીક કરવાના હતા તો તેને પણ જાણકારી આપી દીધી. ચાર વાગ્યે ભાવનગરથી અમરેલીની બસ નીકળી. વાતવરણ પણ ખુશનુમા હતું, રસ્તા સાવ સુનસાન હતા, કોઈકવાર દૂધની ગાડીઓ સામે મળતી હતી તો ક્યારે લોડીંગ ટ્રક. બસમાં પણ આંગળીઓના ટેરવાથી ગણી શકાય તેટલા જ મુસાફરો બેઠા હતા અને તેમાં સાઈઠ ટકાના મુસાફરો આ ગ્રૂપના જ હતા. સિહોર આવ્યું મેહુલ અને અભિષેક ચડ્યા તો બેસવાની જગ્યામાં બદલાવ આવી ગયો. બે વ્યક્તિની સીટમાં અર્પિત અને સેજલ બેઠા તો ત્રણની સીટમાં નંદની, રાહુલ અને અભિષેક બેઠા હતા અને છેલ્લે આગળની ત્રણની સીટમાં મેહુલ રાહી અને સૃષ્ટિ બેઠા હતા.. મેહુલ પણ રાહીને ચીડવવા ક્યારેક સૃષ્ટિ સાથે ફલર્ટ કરી લેતો.. જે પરિણામ સ્વરૂપ મેહુલને રાહી ચીમટો ભરી લેતી હતી

ત્રણ કલાકનાએ સફરમાં બધાએ અંતાક્ષરી, પ્રશ્નોતરી, ક્વીઝ જેવી ઘણી બધી રમતો રમી લીધી હતી. સફર દરમિયાન ક્યારેક મુસાફરોની સંખ્યામાં વધારો થતો તો ક્યારેક ઓચિંતો ઘટાડો થઇ જતો. અમરેલી પોહચી સાંસણની બસ પકડવાની હતી અને ત્યાંથી લોકલ વાહન મારફત થારલ પહોચવાનું હતું. મેહુલના અંકલના કહ્યા મુજબ જ બધા બપોરના સાડા બાર વાગ્યા આજુબાજુ થારલ પહોચી ગયા.

***

થારલ ગામની વાત કરીએ તો સાંસણથી સાતેક કિમી, ગીરના જંગલોથી ઘેરાયેલું, કુદરતના ખોળામાં રહેતું સંપૂર્ણ પ્રદુષણ મુક્ત, શહેરના શોરથી વિપરીત શાંત ગામ. ગામ થોડું પછાત હતું પણ આ ગામના માણસો સ્વભાવે એટલા પ્રેમાળ અને ખુશ મિજાજના હતા કે કોઈને પણ એકવાર મુલાકાત લેવાનું મન થઇ જ જાય. ગામ ગિરિમાળાઓથી ઘેરાલેયું હતું તેથી સંપૂર્ણપણે અલાયદું હતું. થારલથી માત્ર સાંસણ જ નજીક હતું અને તે પણ કાચી સડકથી જ જોડતું હતું. આજુબાજુ એક પણ ગામ ના હોવાથી આ ગામ સામાજિક સુવિધાથી થોડું વંચિત હતું. ગામમાં વસ્તી પણ ઓછી હતી, ગામમાં લગભગ અઢીસો જેટલા ખોરડા હતા તો ગામ શરુ થતા જ પૂરું થઇ જતું હતું તે પણ સુવિધાથી વંચિત રહેવાનું કારણ હતું.

મેહુલે બધી જ જાણકારી મેળવી લીધી હતી એટલે તે પૂરી તૈયારી સાથે જ આવ્યો હતો. ગામમાં પહોચતા સાથે જ ગામ વાળા લોકોએ બધાનું સ્વાગત કર્યું અને દિવાળીનું વેકેશન હતું તેથી શાળામાં જ બધાને ઉતારો આપવામાં આવ્યો. સાત કલાકના સફર બાદ બધા જ થાકી ગયા હતા એટલે બપોરનું ભોજન લીધા બાદ બે થી ત્રણ કલાકનો આરામ કરવાનું નક્કી થયું અને ત્યાર બાદ બધા ગામમાં ટહેલવા નીકળ્યા. તેના માટે ત્રણ ટુકડી બનાવવામાં આવી. મેહુલ અને અર્પિત બંને સાથે, અભિષેક અને રાહુલ બંને સાથે અને ચારેય ગલ્સ ગામની સ્ત્રીઓ સાથે મળશે.

ગામડામાં સાંજનું વાતવરણ પણ અનુભવવા લાયક હોય છે. ગામના ચોરે એક ઝાડવા નીચે વૃદ્ધોની મીટીંગ થતી હોય, બાળકો પોતાની ધૂનમાં રમતા હોય. આમ તો સ્ત્રી-પુરુષો ખેતરમાં કામ કરતા હોય પણ દિવાળી બાદ થોડા આરામમાં હોય એટલે ગામ ભર્યું ભર્યું લાગતું હતું.

“કેમ છો કાકા, જય શ્રી ક્રિષ્ના” મેહુલે ચોરે બેઠા એક વડીલને કહ્યું.

“જય શ્રી ક્રિષ્ના બટા, આવોને બેસો, તમે ભાવનગરથી આવ્યા તે જ લોકો છોને?” વડીલે આવકારા સાથે પ્રશ્ન પૂછ્યો.

“હા, આ દિવાળીનું વેકેશન છે ને એટલે વિચાર્યું આ બાજુ ફરતા આવીએ, મારા કાકાએ અહી આવવા સૂચવ્યું હતું. ” મેહુલે વડીલ પાસે બેસતા કહ્યું.

“બોવ સારું કર્યું, કોઈ ઓળખીતા છે આ ગામમાં?” વડીલે બીજો સવાલ કર્યો.

મેહુલે જવાબ આપતા કહ્યું “ના મારા કાકા અહી જંગલ વિભાગમાં છે તો અહી તેની ઓળખણ છે. ”

“સારું સારું... કેટલા દિવસ રોકવાના છો તમે લોકો?” વડીલ સવાલના બાણ છોડતા હતા.

“બે દિવસ સુધી રોકાવાનનો વિચાર છે પછી એવું લાગે તો વધારે રોકાશું. ” સાથે અર્પિત હતો તો તેણે જવાબ આપ્યો.

“ધ્યાન રાખજો બાળકો અહિયાં જંગલી જાનવરોનો ત્રાસ છે, દહ-બાર દિવસે એકાદ પશુનું મારણ કરે છે. આમ ફરવા જાવ તો કોઈકને સાથે રાખજો પાછા. ”વડીલે સાચેત કરતા કહ્યું.

“હા વડીલ મેં વાત સાંભળી છે અહી દિવસે પણ સિંહ જોવા મળે છે?” મેહુલે પૂછ્યું.

“હા બટા, આ ગર કેવાય આયા તો દીહાળે પણ જોવા મળે”

“તમને બીક ના લાગે કાકા?” અર્પીતે પૂછ્યું.

“અમેતો ટેવાય ગયા, આ ધોકો સાથે જ રાખીએ” વડીલે ઝાડો લીંમડાનો સોટો બતાવતા કહ્યું.

“સારું કાકા રાતે બેસવા આવશું અત્યારે અમારા દોસ્તો રાહ જોતા હશે અમારી”મેહુલે કહ્યું.

“ના રાતે બાર નઈ નીકળવાનું અને નીકળો તો મશાલ બનાવી આગ સાથે રાખવાની, બધા જાનવર બીવે આગથી.... હાલો, મારે પણ અટાણે ઢોર દોવાનો સમય થય ગયો સે” વડીલે ખોખરો ખાતા કહ્યું.

વડીલના ખોખારથી બાજુમાંથી એક સ્ત્રી પસાર થતી હતી તેણે સાડીનો છેડો ઓઢી લીધો. કદાચ તેના પુત્રના પત્ની હશે તેમ માનીને મેહુલ અને અર્પિત આગળ નીકળી ગયા.

બીજી બાજુ ચારેય ગલ્સ ગામની મહિલાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને ગામની પરિસ્થિતિની જાણકારી મેળવી. તેના પરથી એવું જાણવા મળ્યું કે ટોયલેટ : એક પ્રેમ કથા ફિલ્મની જેમ આ ગામમાં પણ ઘણીબધી લોટાપાર્ટી છે અને અહિયાં પણ શૌચાલયનો અભાવ છે, સદ્ નસીબે શાળામાં સુવિધા હતી. આવી ઘણી બધી મુશ્કેલી હતી જેનો સામનો આ ગામ કરી રહ્યું છે.. બધાએ પોતાનું લોકેશન ગ્રૂપમાં શેર કરવાનું હતું પણ ગામમાં નેટવર્ક ન હોવાથી કોઈ સંપર્કમાં રહી શકતા ન હતા... અભિષેક અને રાહુલની વાતો પરથી એવું જાણવા મળ્યું કે ગામનો બધો જ કચરો બાજુની નદીમાં ભળે છે અને તેના કારણે નદીનું પાણી પ્રદુષિત બનતું જાય છે.

આ બધી વાતો તો ગૌણ હતી મુખ્ય વાત અહીના હીંસક પ્રાણીઓની હતી અને ઘણાબધાનું એવું માનવું હતું કે હિંસક પ્રાણી ઉપરાંત લુટેરા પણ છે અને ઘણાબધાએ એવી પણ અફવા ફેલાવી કે અહી ભૂત-પીશાશ પણ છે. બધાએ આ વાતો હસીમાં ઉડાવી નાખી. બધાને કદાચ સાચું માનવામાં આવે પણ ભૂત-પીશાશ વાળી વાતના કારણે બધી વાતો બીનબુનીયાદી ગણવામાં આવી. છોકરાઓએ તો આ વાત હસીમાં ઉડાડી દીધી પણ ત્રણ ગલ્સ આ વાતોથી ડરી ગયી હતી. માત્ર સૃષ્ટિ જ સ્વસ્થ હતી કારણ કે તે પણ ભૂત-પીશાશમાં માનતી ન હતી.

***

સાંજ પડતાની સાથે જ ગામના લોકો દ્વારા બધાને જમવાનું આમન્ત્રણ મળવા લાગ્યું પણ આ લોકો બધી જ વસ્તુ સાથે લાવ્યા હતા. મેહુલે બધાને કામનું લીસ્ટ આપી દીધું. આજે ઓળો બનાવવાનો પ્લાન હતો એટલે સંધ્યા ઢળે તે પહેલા જ લાકડાની સુવિધા કરી નાખવામાં આવી હતી. સેજલ અને અર્પીતે મોટી આગ પ્રગટાવી રીંગણ નાખ્યા તો નંદીની રસોઈમાં માહિર હતી એટલે ચુલાનું કામ તેને ઉપાડી લીધું. બાકી રહેલ કામ બાકીના સભ્યોએ સ્વીકારી લીધું, એક કલાકની મથામણ બાદ ઓળો તૈયાર થઇ ગયો હતો.

બધા આજે પહેલીવાર સાથે જમવા બેઠા હતા, કોલેજમાં નાસ્તો તો કરતા જ હોય પણ જમવાનું પહેલીવાર હતું. જમીને બધા આગના ફરતે ટોળું વળી બેસી ગયા. આજે મોડી રાત સુધી બેસવાનો પ્લાન હતો તેથી એવું નક્કી થયું કે બધા એક પોતાનો એક એવો કિસ્સો કહેશે જે કોઈને પણ કહેલો નથી. શરૂઆત મેહુલથી થવાની હતી એટલે મેહુલ સ્વસ્થ થયો હજી બોલવાની શરૂઆત કરતો હતો ત્યાં જ બધાના કાને એક ભયંકર અવાજ અથડાયો... ,

(ક્રમશઃ)

(આ આવાજ કોનો હતો. લૂંટારાઓ, જાનવર કે પછી ભૂતપિશાશ??? આ ઘનઘોર જંગલમાં કઈ પણ હોઈ શકે, શું કોઈ આ લોકોની મદદે આવશે કે આપસૂઝથી આ મુસીબતનો સામનો કરશે, થારલ ગામમાં આવીને આ લોકો કોઈ મોટી મુસીબતમાં તો નથી ધકેલાયાને? બધા સવાલના જવાબ મળશે બસ ત્યાં સુધી આપણે આટલું જ વિચારવાનું છે આ ભયાનક આવાજ કોનો હોઈ શકે??)

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

-Mer Mehul