પિયુ પરણ્યાની રાતડી પહેલી - Wedding Night (6)
Wedding Night
The Lunawith all its celestial light
,poured from the sky the magic white,
on the newly wedded bride.
The cool breeze on terraceplayed with her locks
like the wind playing with water.
The chill fondled on her face
as surfs do gently shatter.
Suddenlya sonic boom
a mild heart quake
,fission in the blood cells,
as she travelled fast into the past.
The dead leaves from old books
suddenly became green.
The ancestral bangles on the handidentified the anguish of blood within.
Her obedient heart hurriedly
shut the lids of grave.
The cunning mind assessed
the agony to be borne.
Confused she staredlike a drowning ship in the storm.
The past merged into the present
,memories compromised with reality.
A cloud veiled the moon.
Darkness transformed her into nighta wedding night
the sun on her forehead rose at the midnight.
– Mukesh Raval(Pots of Urthona)
* * *
પિયુ પરણ્યાની રાતડી પહેલી
(અછાંદસ)
ચાંદલિયો
નિજ દિવ્ય પ્રકાશ થકી,
વેરી રહ્યો હતો મદહોશ ચાંદની નભમંડલેથી
એ નવવધૂ ઉપરે.
શીત પવન તણી હળવી લહેર
અગાશી સ્થિત તેઉના વાળની લટ સંગ કરે ક્રિડા
જ્યમ વાયુ ખેલતો જલસપાટી ઉપરે.
ઠંડીય વળી તેના વદનને લાડ લડવતી
જ્યમ મોજાં દરિયા કેરાં હળવેકથી આલિંગતાં એકમેકને.
અચાનક
વેગીલા વિમાન તણી ઘડઘડાટી ઊઠતી
અને ચિરાડો પડતી રક્તપેશીઓ મહીં,
જગાવે ઉરે ધ્રૂજારી પણ હળવી,
ને ડૂબકી લગાવતી એ ભૂતકાળની ભીતરે.
નિજ જીવનકિતાબ મહીંનાં એ શુષ્ક પર્ણો
થાયે હરિત સાવ એ અચાનક.
વંશાનુગત પ્રાપ્ય નિજ કરકંકણ
પામી ગયાં ધબકતા રુધિર તણી આંતરવેદનાને.
કહ્યાગરા નિજ હૃદયે ત્વરાએ
કર્યાં બંધ ઢાંકણ દફનાયેલ યાદો તણી એ કબરનાં.
ખંધા ચિત્તે વળી કળી લીધા
આગામી જીવનસંઘર્ષો અનુકૂલન તણા.
વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી.
વાદળે લપેટ્યો ચાંદને,
અંધકાર પલટાયો રાત્રિ મહીં
ને બની ગઈ એ મધુરજની.
અહો! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ
ભાલપ્રદેશે મધ્યરાતે!
* * *
– મુકેશ રાવલ (Pots of Urthona/કલ્પનાનાં પાત્રો)
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * *
રસદર્શન:
આપણે આ કાવ્યના રસદર્શને આગળ વધીએ તે પહેલાં ‘રસદર્શન’ અને ‘વિવેચન’ શબ્દોને થોડાક સમજી લઈએ. અંગ્રેજીમાં આ બંને શબ્દો માટે અનુક્રમે ‘Exposition’ અને ‘Criticism’ શબ્દો છે. ‘રસદર્શન’માં જે તે કાવ્યમાં જે કંઈ નિરુપાયું છે તેને ખુલ્લું કરવામાં આવતું હોય છે અને તેમાંના રસતત્ત્વને ઉજાગર કરવામાં આવતું હોય છે; જ્યારે ‘વિવેચન’માં રસદર્શન તો હોય જ છે, પણ વિશેષમાં કાવ્યમાંના ગુણ અને દોષ બંનેની ચર્ચા પણ થતી હોય છે અને તેથી તે થોડુંક વિશ્લેષણાત્મક બની રહે છે.
અહીં તો આપણે મુકેશભાઈના આ કાવ્યનું રસદર્શન જ માણીશુ અને હું ઇચ્છું તોયે તેનું વિવેચન તો નહિ જ કરી શકું; કારણ કે કાવ્યનો માત્ર વિષય જ નહિ, પરંતુ એની કવનશૈલી પણ એવી બેનમૂન બની રહી છે કે તેના માટે સાવ દેશી શબ્દપ્રયોગે કહું તો તે સંઘેડાઉતાર છે. હાથીદાંતનાં બલૌયાંને સુંવાળપ આવી ગયા પછી સંઘેડા (Lathe) ઉપરથી ઉતારી લેવામાં આવે, ત્યારપછી તેના ઉપર કોઈ જ પ્રક્રિયાને અવકાશ રહે જ નહિ; બસ એમ જ આ કાવ્ય સાંગોપાંગ એવી રીતે પાર પડ્યું છે કે તેના વિવેચનમાં કોઈ ક્ષતિ તો શોધીય જડે તેમ નથી. આમ આ અર્થમાં જ મેં કહ્યું છે કે આનું વિવેચન તો નહિ જ થઈ શકે.
હવે આપણે કાવ્યના રસદર્શને આવીને પ્રથમ શીર્ષકને અવલોકીએ તો તે આપણને શૃંગારરસની એંધાણી જતાવ્યા વગર રહેશે નહિ. મધુરજની એ નવવિવાહિત દંપતી માટેની એવી સલૂણી રાત્રિ છે કે જે એ યુગલ માટે એ જીવનભરનું સંભારણું બની રહે છે. પરંતુ આપણા કવિની એમનાં એવાં કેટલાંક કાવ્યોની જેમ અહીં પણ એવી લાક્ષાણિક્તા જોવા મળે છે કે કવિ બતાવે છે કંઈક જુદું અને આપે છે કંઈક જુદું! આ કંઈ પેલા શઠ વેપારી જેવી વાત નથી કે નમૂનો તો સારો બતાવી દે, પણ નરસું જ પધરાવી દે. અહીં તો કવિની કંઈક જુદી જ વાત છે. આ કાવ્યમાં મધુરજનીનો પ્રારંભનો જેટલો અંશ અભિવ્યક્ત થયો છે તે કંઈક વિશિષ્ઠ બની રહ્યો છે, એ અર્થમાં કે અહીં માત્ર નવવધૂ જ દેખા દે છે. પિયુના શયનખંડમાંના પ્રવેશ પહેલાં કવિ આપણને તેને અગાશીમાં ઊભેલી બતાવે છે અને કાવ્યના પ્રારંભે જ મનહર શબ્દચિત્ર ભાવકનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ ખડું થાય છે.
કાવ્યનાયિકાના પિયુ સાથેના સુખશય્યામાં થનારા મિલન પૂર્વે જ પ્રાકૃતિક તત્ત્વોનો સહારો લઈને કવિ અહીં શૃંગારમય વાતાવરણ ઊભું કરે છે. આકાશમાંનો ચમકતો દમકતો ચાંદલિયો મદહોશ કરી દેતી ચાંદનીનો નવોઢા ઉપર અભિષેક કરે છે. તો વળી શીત પવનની હળવી લહેર તેના મસ્તકના કેશની લટ સાથે એવી રમત રમે છે, જેવી રીતે કે જલસપાટી ઉપર હળવે હળવેથી વાયુ પસાર થઈ જતો હોય! ફૂલગુલાબી ઠંડી પણ દરિયાનાં એકબીજાંને આલિંગતાં મોજાંની જેમ તેના વદનને લાડ લડાવે છે. આમ શૃંગારરસના ઉદ્દીપનવિભાવની જમાવટ થવા સાથે વાચક કાવ્યના શાંતરસને માણે છે. કાવ્યનાયિકા પણ શાંતચિત્તે એકલી ઊભીઊભી એ પ્રાકૃતિક તત્ત્વોને પોતાની સાથે રમી લેવાની જાણે કે મોકળાશ આપે છે. મધુરજની એ દંપતી માટે કૌમાર્ય સ્થિતિમાંથી પરીણિત સ્થિતિમાં પરિવર્તિત થવા માટેનો સંધિકાળ છે. અજનબી બે પાત્રો સદેહે એક એક મળીને બે થનારાં હોય છે અને વળી પાછાં એક્બીજાંના પ્રેમમાં ઓતપ્રોત થતાં વળી એ જ પાછાં બેમાંથી એક થવાનાં હોય છે. આમાંય વળી નવોઢાની મૂંઝવણ તો અકળ અને અકથ્ય હોય છે, કેમ કે તેણે પિતૃગૃહ તજીને પિયુના નવીનગૃહમાં અને તેના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું હોય છે.
આમ છતાંય અગાશીમાં ઊભેલી આપણા કાવ્યમાંની આ નવોઢા શાંત અને સ્વસ્થ છે, પણ..પણ અચાનક આ શું? એક વિમાન આકાશપટમાં ધસી આવે છે, જેની ઘડઘડાટી નવોઢાને આંતરિક રીતે હચમચાવી દે છે. માત્ર એ નવોઢા જ નહિ, કાવ્યનો ભાવક પણ તેની સાથે હલબલી ઊઠે છે. અહીં કવિકર્મ અને તેમની કાબેલિયતની પરખ થાય છે. શાંતરસમાંથી ભયાનકરસ તરફની ગજબની સંક્રાંતિ આપણાથી અહીં અનુભવાય છે. (જો કે સાહિત્યના રસોના પ્રકાર તરીકે ’ભયાનક રસ’ એમ ભલે અહીં લખવામાં આવ્યું હોય, પણ અહીં આપણે ‘ભયજનક’ એવો મૃદુ અર્થ લઈશું.). આકાશમાંથી પસાર થતા એ વિમાનના અવાજથી એ નવોઢા પોતાની વિચારતંદ્રામાંથી ઝબકીને જાગી જાય છે. વળી એટલું જ નહિ, પણ વિમાનનો એ પ્રચંડ ધ્વનિ નવોઢાની રક્તવાહિનીઓને જાણે કે ચીરી નાખે છે અને તેનું હૃદય થડકી ઊઠે છે. એ અવાજ નાયિકાને તેના વર્તમાનકાલીન વિચારોમાંથી બહાર કાઢીને ભૂતકાળ તરફ ધકેલી દે છે. પિયાઘરે આવવા પહેલાંના તેના વ્યતીત જીવન રૂપી કિતાબ વચ્ચેનાં શુષ્ક પર્ણો નવપલ્લવિત થાય છે, અર્થાત્ હાલ સુધીના પોતાના જીવનની યાદોને જે એણે ભુલાવી દીધી હતી તે એકદમ તાજી થઈ જાય છે.
વિમાનના એ ઓચિંતા અવાજે નવોઢાના દિલોદિમાગ ઉપર કેવી અસર જન્માવી છે તે સીધે સીધું ન દર્શાવતાં કવિ તેનાં કરકંકણોનો સહારો લઈને તેમના માધ્યમે તેની આંતરવેદનાને ઉજાગર કરે છે. વળી એ કંકણોને ‘વંશાનુગત પ્રાપ્ય’ ગણાવીને કવિ એ નવોઢાને સાંભળવા મળેલાં પેઢી દર પેઢીનાં સંસ્મરણોને તાજાં કરાવે છે. અહીં કવિનો એક્માત્ર વિશેષણ શબ્દ ‘વંશાનુગત (ancestral)’ લાઘવ્યનો ઉત્તમ નમૂનો પુરવાર થાય છે. વિશ્વભરમાં મોટાભાગે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ સ્ત્રીએ જ પતિગૃહે જવું પડતું હોય છે અને આમ સ્ત્રીએ બ્રાહ્મણોની જેમ દ્વિજ (બે વખત જન્મનાર એટલે કે માતૃકૂખે જન્મ અને ઉપવીત-સંસ્કારક્રિયા) બનવું પડતું હોય છે. આમ પિયુ પરણ્યાની પહેલી રાતલડીએ નવવધૂએ અજાણ્યા જણ અને અજાણ્યાં લોકની સાથે પોતાનું નવજીવન શરૂ કરવાનું હોય છે. હવે ‘નવું’ જ્યારે શરૂ કરવાનું જ હોય, ત્યારે એ નવોઢાએ ‘જૂનું’ તો વિસારવું જ રહ્યું અને તેથી જ તો આ કાવ્યકન્યાનું કહ્યાગરું હૃદય ત્વરિત જ માની જાય છે અને તે દફનાયેલી યાદદાસ્તની કબરના ઢાંકણને સદાયને માટે બંધ કરી દે છે. નવોઢાનું હૃદય ભૂતકાળને ભૂલવા માટે આમ સહાયક બન્યું, તો વળી તેનું ચિત્ત પણ વર્તમાનકાલીન વાસ્તવિકતાઓને સ્વીકારી લઈને પતિના ઘરના નવીન વાતાવરણમાં અનુકૂલન સાધવા માટેની સજ્જતાને ધારણ કરાવી દે છે. કાવ્યના આ શબ્દો,
“વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી”
કાવ્યનાયિકાના વૈચારિક સંઘર્ષનું સમાધાન કરાવી આપવા માટે સમર્થ પુરવાર થાય છે. આમ કાવ્યનાયિકા રાગ અને ત્યાગના દ્વંદ્વની વચ્ચેની વ્યથાભરી મનોદશામાંથી બહાર નીકળી જાય છે.
કવિ કાવ્યના સમાપને આવતાં પ્રારંભના મદહોશ ચાંદનીની વર્ષા વરસાવતા ચંદ્રને વળી પાછા લાવી તો દે છે, પણ આ વખતે તેના ઉપર વાદળનું આવરણ છવાયેલું દર્શાવે છે. આમ પૂરબહાર ચાંદની ખીલેલી એ રાત્રિ જે પહેલાં દિવસ સમાન ભાસતી હતી, તે હવે અંધકારના કારણે સાચા અર્થમાં રજની (રાત્રિ) જ બની જાય છે અને આ કાવ્યના સંદર્ભે તો એ નવવધૂ અને તેના પિયુ માટેની મધુરજની જ બની રહે છે. ભૂતકાળમાં સરી પડેલી અને ક્ષણિક વિષાદમાં ઘેરાઈ ગએલી કાવ્યનાયિકા હવે વર્તમાનમાં આવી જતાં પ્રફુલ્લિત થઈ જાય છે. જીવનની અણમોલ આ સોહાગરાતને માણવા માટે ભૂતકાલીન જીવનની એ યાદોને ખંખેરી નાખે છે અને તેના કપોલપ્રદેશ ઉપરનો સૌભાગ્યનો લાલ ચાંદલો એવો ઝળહળી ઊઠે છે, જાણે કે મધ્યરાત્રિએ ચેતના જગાવતો સૂર્ય ન ઊગી નીકળ્યો હોય!
ચાલો ને, આપણ્રે કવિની આ પંક્તિઓ “અહો! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ, ભાલપ્રદેશે મધ્યરાતે!”ને માણીએ અને વળી મનમાં કવિ માટે ગણગણીએ પણ ખરા કે “અહો! કેવી મધુરજની કવિએ કવી પિયુ વિણ, અને કઠે ના તોયે તેઉ તણી અનુપસ્થિતિ જરીય!”
સમાપને, સન્માનીય મુકેશભાઈનો ખાસ આ કાવ્યના રસદર્શન હેઠળ તેમણે મહોર મારી આપેલા ગુજરાતી શીર્ષક ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ સબબે આભાર માનું છું. મેં વૈકલ્પિક ‘સુહાગરાત’ અને ‘મધુરજની’ શબ્દો પણ સૂચવ્યા હતા, જેમને મેં શીર્ષકે તો નહિ, પણ રસદર્શનના ફકરાઓમાં મારા આત્મસંતોષ માટે પ્રયોજ્યા છે. વાચકો પણ કબૂલ કરશે જ કે ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ શબ્દ જ કાવ્યના કપોલપ્રદેશ સમા એવા શીર્ષકે ઝળહળતા લાલ રવિની જેમ સાચે જ દીપી ઊઠે છે. વળી જૂની પેઢીનાં અને એમના જમાનાનાં શ્વેતશ્યામ ચલચિત્રોનાં સાક્ષી બની રહેલાં મારાં સમવયસ્ક એવાં જરઠજનોને એક ચલચિત્રના ગીતના મુખડાના શબ્દો ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મારે ઉજાગરો’ની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
$$$$$$$
ચાલો ને, આપણે … - Let us … (7)
Let us …
Let usAll remove the title” Human”
Voluntarily
,Until we cannot remove
The inhumanity
Stored in us
From the ages and ages.
Let us
All stop believing in religionUntil we cannot make
Every one believe
That we are the children of same
Father.
Let us not butcher our progenylike we did in Peshawar
Children are our future
and the heir to the throne of
humanity.
Let us make this worlda place of beauty and peace
a place of arts and bliss
where the children of our children
remember us
for this gift.
– Mukesh Raval
* * *
ચાલો ને, આપણે …
(અછાંદસ)
ચાલો, આપણે’
માનવી’ હોવાના બિરુદને
સ્વૈચ્છિક રીતે
ફંગોળી દઈએ;
જ્યાં સુધી કે
આપણે આપણામાં યુગોયુગોથી
ઘર કરી ગયેલી એ ‘અમાનુષિતા’ને
ન જાકારો દઈએ!
ચાલો ને, આપણે સૌ
ધર્મોમાં માનવાનું પણ બંધ કરી દઈએ;
જ્યાં સુધી કે
આપણે એકેએક જણને
સમજાવી ન શકીએ કે
આપણે સૌ એક જ પરમ પિતાનાં
સંતાનો જ છીએ!
આપણે રહેંસી ન નાખીએ નિજ સંતતિને,
જ્યમ રહેંસી ક્રૌર્યે પેશાવરે હવણાં!
સંતાનો આપણાં ન અવ માત્ર ભવિષ્ય જ,
વારસ પણ ખરાં માનવ્ય તણા તખતનાં.
તો વળી, ચાલો ને આપણે
બદલી દઈએ આ ધરિત્રીને
એવા સ્થળ મહીં
કે જે હોયે, રમણીયતા અને શાંતિ,
વિનયન અને પરમ સુખ થકી સભર,
જેથી આવનારી પેઢીઓ
સદાકાળ યાદ કરતી રહે આપણને,
આ બહુમૂલ્ય નજરાણા થકી!
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
* * *
રસદર્શન :
આપણે અગાઉ પ્રૉફેસર મુકેશ રાવલનાં તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ “Pots of Urthona”માંનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદો અને રસદર્શનો અવલોક્યાં. અહીં હૃદયવિદારક એવી સાંપ્રત એક ઘટનાને વિષય બનાવીને કવિ આપણી સમક્ષ આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની પેશાવર સ્થિત આર્મી સ્કૂલમાં આતંકવાદી હુમલામાં ૧૪૧ બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા. કવિ એ સંવેદનશીલ જીવ હોય છે અને સામાન્ય જનથી અધિક માત્રામાં તેનું હૃદય ઘટનાઓના આઘાતપ્રત્યાઘાતોની અસર ઝીલે છે. માનવતાના હત્યારા એવા આતંકવાદીઓ કદાચ પોતાના બાલ્યકાળને વીસરી ગયા હોય, પણ તેમનાં પોતાનાં બાળકોના વર્તમાન બાલ્યજીવનના સાક્ષી તો હશે જ! પ્રભુના પયગંબર કે બાલગોપાલ સમાં આવાં નિર્દોષ બાળકોને હણવાં એ કોઈ બહાદુરી નથી, પણ કાયરતા છે. કવિ બર્બરતાભરી આ ઘટનાથી વ્યથિત તો થાય છે, છતાંય આપણે કાવ્યાંતે જોઈશું તો આપણને લાગશે કે કવિ સાવ નિરાશાવાદી બનતા નથી.
કાવ્યારંભે કવિ સમગ્ર માનવજાતને ઉદ્દેશીને અને એમાંય વળી પોતાની જાતને પણ તેમાં સામેલ કરીને ‘આપણે’ એવા શબ્દપ્રયોગથી પોતાની વ્યથા ઠાલવે છે, આ શબ્દોમાં કે “ચાલો, આપણે ‘માનવી’ હોવાના બિરુદને સ્વૈચ્છિક રીતે ફંગોળી દઈએ!”. અહીં સીધીસાદી વાત કે ‘આપણે આપણી જાતને માનવી કહેવડાવવાને લાયક નથી!’ને કવિ કાવ્યમય લઢણે ભાવવાહી રીતે રજૂ કરે છે. યુગોયુગોથી માનવીઓનાં દિલોમાં ધરબાયેલી આ અમાનવીયતા જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી આપણે માનવ તરીકે ઓળખાવાનું બંધ કરી દેવું જોઈએ. કવિની વાત પણ યથાર્થ જ છે કે જો માનવી માનવતા જ ગુમાવી બેઠો હોય તો તે માનવી કહેવડાવાને લાયક નથી, તે તો પશુતુલ્ય જ કહેવાય!
વળી આગળ વધતાં કવિ પોતપોતાના ધર્મોને પણ છોડી દેવાનું આપણને જણાવે છે અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે તમામ ધર્મોના અનુયાયીઓને એ વાત ન સમજાવી શકીએ કે આપણે એક જ પરમ પિતાનાં સંતાનો છીએ. માનવબાળ જન્મે છે, ત્યારે તેનો કોઈ ધર્મ હોતો નથી. આમ જગતના સર્વ ધર્મોમાં જન્મતાં બાળકો તો સૃષ્ટિના એક જ સર્જનહારનાં સંતાનો જ કહેવાય. આ એક પરમ સત્ય છે અને બધા જ ધર્મોના અનુયાયીઓએ એ સારી રીતે સમજી લેવું જોઈએ કે આપણે તમામ માનવીઓ બંધુત્વથી જોડાયેલા છીએ અને એક જ પ્રકૃતિમાતા પાસેથી આપણે પોષણ મેળવીએ છીએ. આમ આવી ઘાતકી હિંસા તો ભાઈના હાથે જ ભાઈની થઈ ગણાય.
અહીં સુધી કવિ સર્વસામાન્ય રીતે માનવતા ધારણ કરવાની અને સર્વ માનવો એક જ પરમપિતા એવા ઈશ્વરનાં સંતાનો છે એ સ્વીકારવાની વાત જણાવ્યા પછી તાજેતરની પેશાવરમાં ઘટેલી ઘટનાના હવાલા થકી કવિ આપણને શિખામણ આપતાં જણાવે છે કે આપણે આપણી જ સંતતિની હત્યા ન કરવી જોઈએ. આપણાં સંતાનો એ માત્ર આપણું ભવિષ્ય જ નહિ, પણ તેઓ માનવતા રૂપી તખ્તનાં વારસો છે. એમણે એ સ્થાને બેસીને માનવતાની રક્ષા કરવાની છે. ભલા, જેમના શિરે માનવતા જાળવી રાખવાની જવાબદારી આવવાની છે, તેમને જ આપણે અકાળે મિટાવી દઈએ તો પછી એ માનવતા કઈ રીતે ચિરંજીવ રહી શકશે!
કાવ્યસમાપને કવિ એવો આશાવાદ વ્યક્ત કરે છે કે આપણે આપણામાં માનવતાને વિકસાવીને આ ધરતીને એવા સ્થળ તરીકે પરિવર્તિત કરી દઈએ કે જ્યાં સર્વત્ર રમણીયતા, પરમ શાંતિ, વિવિધ કલાઓનો વિકાસ અને પરમ સુખ પ્રવર્તમાન હોય. આપણે એવો માનવતાવાદી અમૂલ્ય વારસો આપણી સંતતિને આપતા જઈએ કે આપણી ભાવી પેઢીઓ આપણને સદા યાદ કરતી રહે.
કાવ્યમીમાંસાના એક આવશ્યક સિદ્ધાંત અનુસાર કાવ્યકૃતિ ખુલ્લી ઉપદેશાત્મક ન બનવી જોઈએ, કેમ કે તેમ થતાં કાવ્યકલા પોતાના સૌંદર્યને ગુમાવે; પરંતુ અહીં આપણા કવિનું આ કાવ્ય એ બાબતે અપવાદ બની જાય છે. હિંસાચારની ઘટેલી ઘટનાના આધાર ઉપર રચાયેલા આ કાવ્યમાં માનવજાતને શિખામણ આપવામાં નથી આવી, પણ એક પ્રકારનું આહ્વાન કરવામાં આવ્યું છે કે હવે પછી આપણે આ પૃથ્વીને નંદનવન બનાવવા માટે શું કરવાનું રહે છે. સરળ શબ્દોમાં વહ્યે જતી અને આપણા અંતરને ઢંઢોળતી એવી ભાવસભર આ રચના બદલ કવિશ્રીને ધન્યવાદ.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
[Published on ‘Wegurjari’ Dt.24062015]
$$$$$$$
પ્રિયતમાની જીવંત કબર - The Living Tomb of My Love (8)
The Living Tomb of My Love
Now when my lady you have come to meWith a beggar’s bowl in your hands
I would ask but not my dreams back
And the stolen pieces of my heart
I cannot read the trails of love
In these eyes of stone that reflect
The misery of your frozen past
That turned yourself into a tomb.
Now the spring has gone and will
Come not back as the cycle is overin this last of the autumn of the tree
The leaves of life have dried and swept
One thing my lady I can do for thee
Once blind my heart, now blind by eyes be
– Mukesh Raval
* * *
પ્રિયતમાની જીવંત કબર
(અછાંદસ)
પિયે, હવે તું જ્યારે આવી જ છે મુજ પાસ
ગ્રહી ભિક્ષાપાત્ર નિજ હસ્તોમાં મને કંઈક અર્પવા
કિંતુ નહિ નહિ જ હું માગીશ પરત મુજ સોણલાં
અને વળી ભગ્ન હૃદય તણા ચોરાયલા કો’ અંશ વા
અવલોકવા હું અસમર્થ અવ પ્રણય તણી ઝલક
તવ જડ પથ્થરશાં નયનો મહીં, જે નિગળતાં
દુ:ખોદર્દો જ તવ થિજાયલા અતીત મહીંથી
કે જેણે બદલી જ દીધી તને સાક્ષાત્ જીવંત કબર મહીં
ઋતુરાજશી વસંત પણ હવે સાવ વહી ચૂકી
નહિ પાછી આવે એ, ક્યમ કે એ ચક્ર તો પૂર્ણ જ થયું
અને એ પૂર્વેની વૃક્ષો તણી પાનખર મહીં
જીવનપર્ણો અવ શુષ્ક બની સાવ ગયાં વિખરી
હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી!
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
રસદર્શન :
પ્રોફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યોની ‘કાવ્ય, ભાવાનુવાદ અને રસદર્શન’ની આ શ્રેણીની ‘નવતર પ્રયાસ’ રૂપી પાઘડીમાં અહીં આ કરૂણપ્રશસ્તિમાં ખપી જાય એવા નિરાળા કાવ્યથી એક વધુ પીછું ઉમેરાય છે. ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ ન્યાયે કાવ્યમીમાંસકોએ પોતપોતાની રીતે પોતાને પ્રિય એવા કોઈ એક સાહિત્યરસને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ આપણા કવિ ‘સર્વરસ સમભાવ’માં માનતા લાગે છે અને તેથી જ તો તેમનાં કાવ્યોમાં વિવિધ રસ માણવા મળે છે. આ કાવ્યમાં કરૂણ અને શૃગારરસનું સંમિશ્રણ છે, જેમાં પ્રાધાન્યે તો કરૂણ રસ જ છે. શૃંગારરસના વિપ્રલંભ (વિયોગ) અને સંભોગ (મિલન) એવા બંને પેટાપ્રકારો અહીં અનોખી રીતે એકબીજા સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છે, જેવી રીતે કે બે ઝરણાંનો સંગમ થઈને એક ઝરણું બની રહે અને જેમનાં પાણીને નોખાં ન પાડી શકાય.
કાવ્યનું શીર્ષક આગળ આવનારા વિષાદનો ઈશારો કરે છે અને તેથી જ એ કરૂણ પ્રશસ્તિ બની રહેશે તે સમજાય છે. ‘જીવંત કબર’નો વ્યંજનાર્થ ‘ભગ્નપ્રેમ’ જ હોઈ શકવાની કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જતી હોવા છતાંય તે કાવ્યપઠન માટે પ્રેરાય છે. સામાન્ય રીતે પ્રેમીઓના મિલનમાં આનંદ અને ઉલ્લાસ હોય, પણ અહીં વેદના વર્તાય છે. કાવ્યનાયિકા પોતાના હાથમાં ભિક્ષાપાત્ર ગ્રહીને કંઈક આપવા આવી હોવાનું વાંચતાં વાચકને તેના વાચ્યાર્થ માત્રથી એવી ગેરસમજ થવાની શક્યતા ઊભી થાય છે કે ભલા, ભિક્ષાપાત્ર તો કંઈક મેળવવા માટે દાતાની સામે ધરાય; નહિ કે આપવા માટે! પણ ના, અહીં અન્ય એ ભાવ અભિપ્રેત છે કે કાવ્યનાયિકા ભિખારી જેવી કોઈ એવી મજબૂરીનો ભોગ બની છે કે જેથી પ્રેમી સાથેના મિલનની કોઈ શક્યતા બાકી રહેતી નથી અને પોતે નિ:સહાય છે. આમ આ કારણે જ કાવ્યનાયકને પ્રિયતમા વિષે કોઈ ફરિયાદ નથી. ઊલટાનો એ સામેથી કહી સંભળાવે છે કે પોતે ભાવી જીવન માટેનાં સેવેલાં સોનેરી સ્વપ્નો કે તૂટી ચૂકેલા પોતાના હૃદયના ચોરાયેલા કોઈ અંશને તેની પાસે નહિ માગે.
કાવ્યનાયક તેની પ્રિયતમાની દયનીય સ્થિતિને પામી જાય છે અને તેથી જ એ સ્વીકારી લે છે કે તેનાં જડ પથ્થર જેવાં ચક્ષુઓમાંથી પ્રેમની કોઈ ઝલક તે નહિ જ પામી શકે. અહીં તો તે સામેથી પોતાનો જીવ બાળતાં કહી દે છે કે તેનાં ભૂતકાલીન દુ:ખોદર્દોએ તેને બિચારીને ખરે જ જીવંત કબરમાં ફેરવી દીધી છે. ‘સાક્ષાત્ જીવંત કબર’ શબ્દો વાચકના હૃદયને હચમચાવી દે છે અને તે પણ એ ભગ્નહૃદયી પ્રેમીયુગલના દુ:ખે દુ:ખી થાય છે. અહીં કવિકર્મની કાબેલિયત એ રીતે પરખાય છે કે ભાવક પણ કાવ્યનાં પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને તેમની સાથે તે સમભાવી અને સમસંવેદનશીલ બની રહે છે.
આ કાવ્યના પ્રેમીયુગલે તેમના પ્રેમના આરંભે વસંત ઋતુ જેવો જે સુખદ કાળ પસાર કર્યો હતો, તે હવે ફરી કદીય પાછો આવનાર નથી. વસંત પહેલાંની પાનખર ઋતુમાં જેમ વૃક્ષોનાં પાંદડાં સૂકાઈને જમીન ઉપર ખરી પડે અને પવનથી વિખેરાઈ જાય, બસ તેમ જ, આ યુગલનાં જીવનપર્ણો પણ વિખરાઈ ચૂક્યાં છે. હવે તેમના માટે પુનર્મિલનની કોઈ શક્યતા બચતી નથી.
કાવ્યની આખરી બે પંક્તિઓને કવિએ નાયક તરફના નાયિકાને આશ્વાસનના ભાગરૂપે પોતાની એક ઑફર તરીકે મૂકી છે, પણ વાસ્તવમાં તો તેમાંથી કાવ્યનાયકની નરી વેદના જ ટપકે છે. અહીં પ્રેમી પોતાના પ્રેમના એ સુખદ કાળને યાદ કરતાં કહે છે કે એ વખતે પોતે પોતાના હૃદયથી અંધ બનીને નાયિકાને પ્રેમ કરી રહ્યો હતો. પરંતુ વર્તમાનમાં સંજોગોએ એવી તો કરવટ બદલી છે કે હવે તેમનું મિલન શક્ય નથી. કાવ્યનાયિકાની દુ:ખદ હાલત કાવ્યનાયકથી જોઈ શકાતી નથી અને તેથી જ તો પોતે કહે છે કે તે પોતાનાં ચક્ષુઓથી પણ અંધ બની જાય કે જેથી જીવંત કબર બની રહેલી એ પ્રેમિકાને દુ:ખમય સ્થિતિમાં જોવાની બાકી ન રહે.
હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી!
કાવ્યની આખરી પંક્તિઓ જોગાનુજોગે ૧૩મી અને ૧૪મી બની રહેતાં અને અચાનક ભાવપલટો આવી જતાં આ કાવ્ય આપણને બાહ્ય લક્ષણે શેક્સ્પિરીઅન ઢબનું (૪+૪+૪+૨=૧૪ પંક્તિઓ) સૉનેટ હોવાનો આભાસ કરાવે છે, પરંતુ વાસ્તવમાં આંતરિક લક્ષણના સંદર્ભે તપાસતાં એમ નથી. પહેલાં ત્રણ ચરણોમાં સૉનેટમાંનો મૂળ વિચાર વિકાસ પામતો હોવો જોઈએ અને તેના સમર્થનમાં ઉદાહરણો અપાતાં રહેવાં જોઈએ. છેલ્લે આખરી બે પંક્તિઓ સાર કે નિચોડરૂપે આવતી હોવી જોઈએ. આપણા આ કાવ્યમાં આંતરિક લક્ષણો પાર ન પડતાં હોઈ તેને કદાચ સૉનેટ ન પણ ગણી શકાય તેવું મારું નમ્ર માનવું છે.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
[Published on ‘Webgurjari’ Dt.22072015]
$$$$$$$
વેદનાનું વૃક્ષ – Pain Tree (9)
Pain Tree
The fruits of pain
on every branch,
swinging with the moves
swaying with the limbs
like the apples sway and swing
on Apple Tree.
The apples of pain,
tasty n mouth watering
release balmy fragrance
that senses love boundlessly.
these pains are the fruits
of wisdom.
They realize me every moment
That I am human and hollow,
anyone can put drumsticks on me.
Their sweet bites, strong crackles,
soar stings and mild clatters
are the lessons of life.
They are the memorabilia
of my existence.
-Mukesh Raval
* * *
વેદનાનું વૃક્ષ
(અછાંદસ)
વેદનાનાં ફળ –
હર શાખે શાખે,
ઝૂલતાં ને હાલતાં
હાલતાં ને ઝૂમતાં
અંગ અંગ સંગ,
જ્યમ ઝૂલતાં ને ઝૂમતાં
સફરજન નિજ ઝાડવે.
વેદનાનાં ફળ –
લિજ્જતદાર
ને વળી
મુખમાં પાણી લાવે
સૌમ્ય સુગંધ પ્રસારે
સ્નેહ અપાર બતાવે.
આ વેદનાઓ તો
ડહાપણનાં ફળ
જે હર પળે યાદ અપાવે
કે હું માનવ છું ને પોલો પણ,
હરકોઈ દાંડી પીટી શકે મુજ પર!
તેઉનાં મધુરાં બચકાં
ને તીવ્રતર તડતડ ધ્વનિ
સ્વૈરવિહારી ડંખ અને હળવો ખડખડાટ
એ સઘળા છે
જીવનના પાઠો.
એ સઘળાં છે
યાદગાર તથ્યો
મુજ અસ્તિત્વનાં.
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * *
રસદર્શન
વિષયવૈવિધ્ય હોય અને વળી વિષયો પણ પાછા કલ્પનાતીત હોય એવાં કાવ્યો આપવામાં માહિર એવા કવિશ્રી મુકેશ રાવલનું આ કાવ્ય પણ વાચકો માટે મનભાવન બની રહે તેમ છે. માનવજીવનમાં પરસ્પર વિરોધી એવી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે; જેવી કે જન્મ-મરણ, અમીરી-ગરીબી, બીમારી-તંદુરસ્તી વગેરે. સ્વાભાવિક છે કે માનવી સુખદ બાબતોથી પ્રસન્નતા અનુભવે અને દુ:ખદ બાબતોથી ગમગીન રહે. જો કે સુખ અને દુ:ખ સાપેક્ષ છે. કોઈ એક જ ઘટના માનવીમાનવીએ રુચિ અને પરિસ્થિતિની વિભિન્નતાના કારણે કોઈને સુખ આપે તો કોઈને દુ:ખ આપે. સુખ તો સૌ કોઈને ગમે, પણ અહીં કવિ દુ:ખને અને દુ:ખની વેદનાને પણ સુખદ હોવા તરીકે સમજાવે છે.
વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં અવતરણ છે કે ‘Sweet are the uses of adversities’ અર્થાત્ વિષમ પરિસ્થિતિઓને પણ સુખદ સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. અહીં કવિએ ‘વેદના’ને એક વૃક્ષ તરીકે કલ્પીને તેના ઉપર પરિણામ રૂપે બાઝતાં ફળોને સફરજનનાં ફળો સાથે સરખાવ્યાં છે. સફરજનના ઝાડ ઉપર જેમ સફરજન ઝૂલતાં અને ઝૂમતાં હોય તેમ વેદનાના વૃક્ષ ઉપર પણ એવાં જ ફળ ડાળેડાળે હાલતાં, ઝૂલતાં અને ઝૂમતાં કલ્પી શકાય, જો એવો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો. આ વેદનાનાં ફળ પણ પેલાં સફરજનની જેમ સ્વાદિષ્ટ અને એવી જ સોડમ ફેલાવતાં લાગી શકે.
માનવજીવનની વેદનાઓમાંથી જ ડહાપણ ઉદ્ભવે. પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ. માનવી વેદનાઓમાં જેટલો વધુ પિસાય તેટલો જ વધુ શક્તિશાળી બનીને બહાર આવી શકે અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનું કૌવત પણ મેળવી શકે. કવિ દુ:ખોને સહજ તરીકે અપનાવી લેવા માટે એક રમૂજી વાત સંભળાવે છે. વેદનાઓમાંથી પ્રાપ્ત થયેલું ડહાપણનું ફળ આપણને માનવી હોવાનો અહેસાસ તો કરાવે છે, પણ સાથેસાથે આપણે પોલા ઢોલ જેવા છીએ એવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની વાત પણ સમજાવે છે. પોલા ઢોલ ઉપર સૌ કોઈ દાંડી પીટીને તેને વગાડી લે, બસ તેવું જ માનવીનું પણ હોય છે. માનવી ઉપર પણ આધિ, વ્યાધિ અને ઉપાધિના મારા આવતા જતા હોય છે, કેમ કે એ સૌ પોલું ભાળીને એને સતાવ્યે રાખતાં હોય છે. પરંતુ આપણે એ વિટંબણાઓના ઊજળા પાસાને ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે એ જ વિટંબણાઓ આપણા ચારિત્ર્ય અને મનોબળને મજબૂત બનાવવા માટે પોષણ પણ પૂરું પાડતી હોય છે.
કવિ કાવ્યસમાપને આવવા પહેલાં ગંભીર વાતને એવી સહજ રીતે સમજાવે છે કે જેમ આપણે સફરજનને મધુરાં બચકાં ભરતા હોઈએ અને તે ટાણે થતો તીણો તડતડાટ આપણને આનંદ આપે, તેમ વેદનાના વૃક્ષનાં ફળ પણ આપણને જીવનોપયોગી મધુર પાઠ ભણાવતાં હોય છે. વેદનાનાં આ ફળ આપણા જીવનનાં તથ્યો કે તારણો સમાન છે જે આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.
ગહન વિચારને સરલ બાનીમાં અભિવ્યક્ત કરતી મર્મસ્પર્શી રચના બદલ કવિશ્રીને અભિનંદન.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
$$$$$$$
જ્યમ અસ્ખલિત મેઘ વરસે… - Rain all along (10)
Rain all along
Love me less O lady love me longRain all along o lady rain all along
As the earth absorbs but not all the rain
The excess water goes wasted in vain
So love me less O lady love me long
Rain all along o lady rain all along
Everything in proportion pleases more
Ships over-laden reach not the shore
So love me less O lady love me long
Rain all along o lady rain all along
We love the rain when it is drought
But do not we pray it to cease
while in flood we are caught
So love me less O lady love me long
Rain all along o lady rain all along………
– Mukesh Raval
(From ‘Pots of Urthona’ – A Collection of Poems)
[Published in an anthology of poetry named “A piece of my heart’ by Forward Poetry, U.K.]
* * *
જ્યમ અસ્ખલિત મેઘ વરસે…(
અછાંદસ)
અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.
ધરિત્રી શોષે જળ, પણ કદીય ના એક માત્રાથી વિશેષ,
અદકેરું જળ વરસ્યું સઘળું, સાવ જ વેડફાતું નકામું.
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.
સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે
અતિભારિત વહાણો, સમસૂતર પહોંચતાં ના કિનારે
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.
ચહીએ આપણ મેઘ અધિક, જો હોયે અનાવૃષ્ટિકાળ
શું ના પ્રાર્થીએ તેને વિરમવા રેલસંકટે સપડાતાં?
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * *
રસદર્શન :
પ્રૉફેસર મુકેશ રાવલ પોતાના એક પ્રણયોર્મિ કાવ્ય સાથે આપણી સમક્ષ આવે છે, જેની ધ્રુવપંક્તિ છે:
“તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને”
અહીં કાવ્યનાયક અર્થાત્ પતિમહાશયની નિજ અર્ધાંગના પાસેથી અપેક્ષિત એવી એક આરજૂ વ્યક્ત થઈ છે, જેને આમ જોવા જઈએ તો સર્વે પતિદેવોની જ ગણવી રહે. દાંપત્યપ્રેમનું સાતત્ય એવું રહે કે જેમાં ચઢાવઉતાર કે વધઘટને સ્થાન ન હોય. આ કાવ્ય પત્નીને સંબોધીને મૂળે અંગ્રેજીમાં લખાયું છે અને વાચકો માટે ‘O Lady’ સંબોધન મનભાવન બની રહે છે. અનુવાદકે વળી ‘પ્રિયે’ સંબોધન પ્રયોજીને તેનો યથાર્થભાવ પ્રગટ કર્યો છે. મોટા ભાગે દાંપત્યજીવનના પ્રારંભે દંપતીનો અન્યોન્ય પરત્વેનો પ્રેમ અધિક હોય છે અને સમય જતાં એ પ્રેમ ઓસરવા માંડે છે. આપણા કાવ્યનાયકના જીવનમાં આવું ન બને કે સમયાંતરે તેમનું દાંપત્યજીવન નીરસ બની જાય અને તેથી જ તો અગમચેતી રૂપે તેઓ કહે છે કે, ‘ભલે તું મને ઓછું ચાહે, પણ તારી ચાહત દીર્ઘકાળ સુધી કાયમ રહેવી જોઈએ.’ પોતાની આ આરજૂના સમર્થનમાં કવિ અસ્ખલિત રીતે વરસતા વરસાદનું દૃષ્ટાંત આપે છે.
કાવ્ય આગળ વધે છે અને એ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કવિ આપણને સમજાવે છે કે અતિવૃષ્ટિમાં પાણી વેડફાતું હોય છે અને ઘણીવાર તો તે હાનિકારક પણ નીવડે છે. વરસાદના પાણીને શોષી લેવાની ધરતીની પણ એક મર્યાદા હોય છે, કેમ કે તે અમુક માત્રાથી વિશેષ પાણી શોષી ન શકે. પ્રણયવર્ષાનું પણ એવું જ હોય છે. હૃદયરૂપી ધરતી પણ પ્રણયના અતિરેકને પોતાનામાં સમાવી શકતી નથી અને આમ એ વધુ પડતો પ્રણય એળે જતો હોય છે. કવિ ઇચ્છે છે કે દાંપત્યપ્રેમ અમૂલ્ય હોય છે અને એને જીવનભર વહેતો રાખવાનો રાખવાનો હોઈ આમ એ વ્યર્થ વેડફાવો જોઈએ નહિ. કવિએ દાંપત્યજીવનની આ ગહન વાતને પોતાની લાક્ષણિક ઢબે આપણને સહજ રીતે સમજાવી દીધી છે.
અંગ્રેજીમાં કહેવાય છે કે Everything in limit is good; અર્થાત્ દરેક વસ્તુ મર્યાદામાં જ સારી લાગતી હોય છે. કવિ આ વાતને મિતભાષી ‘સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે’ કંડિકા દ્વારા સમજાવે છે અને વળી એ વાતના દૃઢિકરણ માટે ઉદાહરણ પણ આપે છે કે વધારે ભાર લાદેલાં વહાણ સહીસલામત રીતે કિનારા સુધી પહોંચી શકતાં નથી હોતાં. દાંપત્યજીવનના વહાણનું પણ એવું હોય છે કે જે અધિક પ્રેમના ભારને ઝીલી શકે નહિ. ઘણાં દંપતીનાં જીવનમાં પણ આવું જ બનતું હોય છે કે જ્યાં અન્યોન્ય પરત્વેના પ્રારંભિક પ્રેમના અતિરેકના ભારથી અને પાછળથી પ્રેમના અભાવના કારણે લગ્નવિચ્છેદની સમસ્યા સર્જાતી હોય છે.
કાવ્યસમાપને કવિ દાંપત્યજીવનમાં યુગલોએ ક્યારે અને કેટલો પ્રેમ અભિવ્યક્ત કરવો જોઈએ તે મેઘના એ જ સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. જ્યારે વરસાદ વિલંબાતો હોય અને અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાવાની સંભાવના હોય ત્યારે આપણે તેને વાંછીએ છીએ, પરંતુ અતિવૃષ્ટિના સંજોગોમાં આપણે ઈશ્વરને પ્રાર્થતા હોઈએ છીએ કે એ વરસાદ વરસતો બંધ થઈ જાય. કૌટુંબિક જીવનમાં કોઈક આસમાની સુલતાનીના સમયે દંપતીએ પ્રેમ દ્વારા એકબીજાંને હૂંફ આપવી જોઈએ, કેમ કે પ્રેમવર્ષા થવા માટેનો એ જ તો યોગ્ય સમય હોય છે. પ્રેમમાં અજ્ઞાત એવી શક્તિ હોય છે અને એ શક્તિનો યથા સમયે ઉપયોગ થવો જોઈએ. કુટુંબજીવન જ્યારે સમસૂતર રીતે પસાર થઈ રહ્યું હોય ત્યારે યુગલે પ્રેમની એ શક્તિનો દુરુપયોગ ન કરતાં એનો સંચય કરી લેવો જોઈએ કે જે જરૂરિયાતના સમયે ખપ લાગે.
દાંપત્યજીવનમાં પ્રેમની અભિવ્યક્તિ માટેના મધ્યમમાર્ગને સૂચવતી આ લઘુરચના બદલ કવિશ્રીને ધન્યવાદ.
– વલીભાઈ મુસા (રસદર્શનકાર)
$$$$$$$