Aandhi - 1 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | આંધી - 1

Featured Books
Categories
Share

આંધી - 1

આંધી-૧

તે દિવસે તારીખ હતી ૧લી નવેમ્બર ૨૦૦૧. સ્થળ હતું નવી દિલ્હી. ઘડીયાળનો કાંટો સવારનાં અગીયાર વગાડી રહયો હતો. સવારનાં ઠંડા ખુશનુમા વાતાવરણની અસર હેઠળ શહેર આળસ મરડીને બેઠું થઇ રહયું હતું. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી બજારો ધમધમવા લાગી હતી. ફાસ્ટ દોડી જતી લાઇફ સાથે કદમ મીલાવતા દિલ્હીવાસીઓ જાણે કે એકબીજાની હોડમાં ઉતર્યા હોય તેમ ભાગી રહયા હતાં.

એ સમયે શહેરથી થોડે દુર એક નિર્જન વિસ્તારમાં કંઇક અલગ જ પ્રવૃત્તિ ચાલી રહી હતી. પાણીના રેલાની જેમ કાળા ડામરનાં રોડ પર સરકી રહેલી બ્લેક કલરની ચમચમતી વૈભવી કારોનો એક નાનકડો કાફલો ઉત્તર દિલ્હીનાં એક સુમસાન જંગલ જેવા માનવરહીત વિસ્તારમાં આવીને અટકયો. નોર્થ દિલ્હીનાં આ સો-એક એકર જમીન ઉપર પથરાયેલા ગાઢ જંગલ વિસ્તારની બરાબર મધ્ય ભાગમાં બનાવવામાં આવેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં, બે-માળીયા ખખડધજ મકાનનાં પરીસરમાં એ વૈભવી કારો આવીને ઉભી રહી. કુલ ચાર કારો હતી. ધડા-ધડ કરતાં એક પછી એક ચારે વૈભવી કારોનાં પાછલા ડાબી તરફનાં દરવાજા લગભગ એકસાથે ખુલ્યા.. અને તેમાંથી કઠોર ચહેરા-મહોરા ધારણ કરેલા લશ્કરી યુનીફોર્મમાં સજ્જ ચાર અફસરો નીચે ઉતર્યા. થોડી જ વારમાં ટટ્ટાર લશ્કરી ચાલે ચાલતાં તેઓ એ ખખડધજ મકાનમાં અંતર્ધ્યાન થઇ ચૂકયા હતાં. મીનીટો બાદ બીજી બે વાઇટ કલરની કારો ત્યાં આવી અને બ્લેક કલરની કારોનાં કાફલાની બાજુમા આવીને ઉભી રહી. થોડી સેકન્ડો વાતાવરણમાં એ કારોનાં એન્જીનની ઘરઘરાટી ગુંજતી રહી અને પછી ખામોશ થઇ. આગળ હતી એ વાઇટ કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી હાથમાં મશીનગનધારી કાળા-યુનીફોર્મમાં સજ્જ એક કદાવર ખડતલ બાંધાનો વ્યક્તિ નીચે ઉતર્યો...તેની શકરા-બાજ જેવી નજર આજુ-બાજુ, ચારે તરફનાં વિસ્તારમાં ફરી વળી. તેની તેજીલી ચકોર આંખોએ પળવારમાં જ એ નિર્જન સ્થળનાં ઇંચે-ઇંચનો તાગ મેળવી લીધો હતો અને સબ-સલામત લાગતા તેણે મુસ્તેદી અને લશ્કરી ઢબથી એ કારનો પાછળનો દરવાજો ખોલ્યો. લગભગ પાંસઠ વર્ષની ઉંમરે પહોંચેલા એક જાજરમાન બુઝુર્ગ વ્યક્તિએ બહાર પગ મુકયો...તેમણે સફેદ કલરનું ધોતિયું, ઉપર લાંબી ઘુંટણ સુધી પહોંચે એવી કફની અને તેનાં ઉપર જાકીટ ટાઇપની ભુરા કલરની બંડી પહેરી હતી. પગમાં ચામડાનાં ડબલ પટ્ટીનાં ચપ્પલ અને આંખો ઉપર ચશ્મા પહેર્યા હતાં. તેમનાં વયોવૃધ્ધ ચહેરા ઉપર અપાર તેજ ચળકતું હતું અને વ્યક્તિત્વમાંથી એક અનોખી આભા પ્રસરતી હતી. તેમની પાછળ હતી એ બીજી કારમાંથી ચહેરા પર મક્કમતા અને સખ્તાઇનાં ભાવો ધારણ કરીને પંચાવન વર્ષનો એક સુટેડ-બુટેડ વ્યક્તિ બહાર નીકળ્યો અને અદબથી આગળ ઉભેલા બુઝુર્ગ વ્યક્તિની સહેજ પાછળ, તેમની નજદીક આવીને ઉભો રહયો. બુઝુર્ગ વ્યક્તિએ સહેજ ડોક ફેરવીને તેની સામે જોયું. બંનેની નજરો આપસમાં ટકરાઇ. નજરોથી જ કંઇક અકળ વાતો થઇ....અને પછી ધીમી ચાલે ચાલતા તે બંને અને પેલો મશીનગનવાળો વ્યક્તિ મકાનમાં અંતર્ધ્યાન થયા.

ગાઢ અને સુમસાન જંગલ વિસ્તાર, કે જ્યા સુરજનાં કિરણોને પણ જમીન સુધી પહોંચવા માટે ભારે મથામણ કરવી પડે, એવાં સ્થળે ભૂતનાં માથાની જેમ જંગલની વચ્ચોવચ ઉભેલું એ બિસ્માર અને ખખડધજ અવાવારું મકાન આજે કોઇ ભેદી પ્રવૃત્તિને અંજામ આપવામાં નિમિત્તરૂપ બની રહયું હતું. શું હતી એ ભેદી પ્રવૃત્તિ.....? કોણ હતાં આ લોકો....?

ચાલો જાણીએ...

તેમાનાં એક હતા અખંડ ભારતનાં તાત્કાલીન સમયનાં વડાપ્રધાન શ્રી વિષ્ણુપ્રસાદ મુખરજી. વાઇટ રંગની ગાડીમાંથી જે પાંસઠ વર્ષનાં ખાદીધારી-ચશ્માધારી જાજરમાન વ્યક્તિત્વનાં માલીક સૌથી પહેલા ઉતર્યા હતાં એ જ શ્રી વિષ્ણુપ્રસાદ મુખરજી હતા...અને તેમની સાથે જે બીજી કાર આવી હતી તેમાં હતાં ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા “ રો ” નાં ડિરેકટર શ્રી કુલદીપ પાલ. તેઓની પહેલા જે બ્લેક કારો આવી હતી તેમાંની ત્રણ કારો ભારતની ત્રણેય સંરક્ષણ પાંખોનાં વડા...સર-સેનાપતીઓની હતી. ભુમીદળ, હવાઇદળ અને જળસેના. ચોથી એ વ્યક્તિ હતી જેનાં ઉપર દેશની આંતરીક સુરક્ષાનો ભાર હતો. એ ડિપાર્ટમેન્ટને લોકો સી.બી.આઇ ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના નામે જાણે છે.

ભારત દેશના ટોચનાં અને અતિ મહત્વનાં સંવેદનશીલ હોદ્દાઓ ધરાવતા પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં ખેરખાં ગણાતા વ્યક્તિઓની આજે અહી ખુફીયા બેઠક મળી હતી. આ ખુફીયા બેઠક બોલાવવાનો મુખ્ય એજન્ડા શું હતો એ તો કદાચ અહી એકઠા થયેલા લોકો પણ નહોતા જાણતા. તેમાંથી બે જ વ્યક્તિને એ જાણકારી હતી. જેમાં એક હતા ખુદ પ્રધાનમંત્રી શ્રી વિષ્ણુપ્રસાદ મુખરજી અને બીજા હતા “ રો “ નાં ડીરેકટર કુલદીપ પાલ.

ખુદ પ્રધાનમંત્રીશ્રીએ જાતે ફોન કરીને તાબડતોબ ત્રણેય સેનાનાં સર-સેનાપતીઓને આમંત્ર્યા હતાં. સી.બી.આઇ અને “ રો ” ના હેડને પણ તેઓએ જ પર્સનલી ફોન કરી તેડાવ્યા હતા એટલે એ તમામ લોકોને ખ્યાલ તો આવી જ ગયો હતો કે વાત જરૂર કંઇક ગંભીર છે. ફક્ત એક કુલદીપ પાલને જ પ્રધાનમંત્રીશ્રીએ વિસ્તારથી બધુ સમજાવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ જે માહિતી આપી હતી એ સાંભળીને કુલદીપ પાલ જેવા ઝાંબાઝ અને ફરજપરસ્ત વ્યક્તિની આંખોમાં પણ એક અનોખી ચમક ઉભરી આવી હતી. મનોમન તેઓ ભારતના એ તાત્કાલીન વડાપ્રધાનશ્રીની દુરદર્શીતા અને કાર્યદક્ષતાને વંદન કરી રહયા હતા. તેમનાં માટે આ અભુતપૂર્વ ઘટના હતી... આનંદથી ઉછળી પડવાની ઘડી હતી.

બહારથી જર્જરીત, ખખડધજ અને ભૂતિયા જણાતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં મકાનની આંતરીક રચના અતી ભવ્ય હતી. કોઇ અજાણ્યો માણસ જો ભુલે-ચૂકે અહી આવી ચડે તો તે ચોક્કસ છળી મરે એવી આધુનીક અને બેનમૂન સજાવટ અંદરનાં ભાગની હતી. માહિતી-સંચારણનાં તમામ એડવાન્સ ડીઝીટલ ઉપકરણોની હારમાળા અહી ગોઠવાઇ હતી જેને “ ઓપરેટ ” કરવા પહેલેથી ત્રણ વ્યક્તિઓ હાજર હતાં. આ ખુફીયા જગ્યા અને વિસ્તાર વીશેની જાણકારી ગણ્યા-ગાંઠયા અતી અગત્યનાં વ્યક્તિઓને જ હતી. અહીનીં સુરક્ષા વ્યવસ્થા અભેદ કિલ્લા જેવી હતી જેને ભેદવી અશક્ય નહિ પરંતુ અસંભવ સમાન હતી. અરે, આવી કોઇ જગ્યા છે... કે... હોઇ શકે તેનો અંદાજ સુધ્ધા કોઇને નહોતો, તો પછી અહી સુધી પહોંચવાની તો વાત જ કયાં રહી.

થોડી મિનિટો બાદ એ મકાનનાં ભૂગર્ભમાં બનાવવામાં આવેલા વિશાળ હોલમાં ભારતના સૌથી શક્તિશાળી ગણાતા એ લોકોની મીટીંગ ચાલુ થઇ અને ખુદ વડાપ્રધાનશ્રીએ એ બેઠકનું નેતૃત્વ સંભાળ્યું હતું. વડાપ્રધાનશ્રીએ વિસ્તૃત રીતે પોતાની યોજના જણાવી.. અને અડધા કલાક બાદ જ્યાર તેમણે વિરામ લીધો ત્યારે એ હોલમાં અજીબ પ્રકારનો સન્નાટો પ્રસરી ચુકયો હતો. હાજર હતા એ લોકોનાં હ્રદયમાં એક અલગ અને અનન્ય ઉત્તેજના છવાઇ હતી. જે આજ પહેલા તેઓએ કયારેય અનુભવી નહોતી. તેમની નસોમાં દોડતા લોહીની ગતી અને હ્રદયનાં ધબકારાઓમાં તેજ વ્યાપી ગઇ હતી. આ ઘડીએ, આ ક્ષણે તેઓને એવું મહેસુસ થઇ રહયું હતું કે ઘણા વર્ષો બાદ એક સક્ષમ અને સુઝ-બુઝવાળી વ્યક્તિના હાથમાં દેશનું સુકાન આવ્યું છે.

એ મિટીંગમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો હતો. જેને લાંબી ચર્ચા-વિચારણાની એરણે પારખીને મંજૂર કરાયો હતો. મિટીંગ પુરી થઇ અને જ્યારે તેઓ વિખેરાયો ત્યારે ભારત દેશ તેની સુરક્ષામાં સીમા ચીન્હરૂપ અને ઐતિહાસીક કહી શકાય, એ દીશામાં કદમ ઉઠાવી ચૂકયું હતું. જે એક્શન પ્લાનની બ્લ્યૂ-પ્રીન્ટ મિટીંગમાં રજુ કરવામાં આવી હતી તે અભૂતપૂર્વ હતી. જો એ પ્લાન સફળ થાય તો ચોક્કસ ભારતની બહારી અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા એક અભેદ કિલ્લામાં પરીવર્તિત પામે એ નક્કી હતું. એ ઉપરાંત વર્લ્ડ-લેવલે ભારતની એક નવી જ ઓળખ. એક નવી જ શાખ પ્રસ્થાપીત થાય. સાવ અકસ્માતે જ વડાપ્રધાનશ્રીને સ્ફૂરેલો એક વિચાર આવનારા ભવિષ્યમાં કેવા-કેવા વમળો સર્જશે, એ તો આવનારો સમય જ કહેશે પણ હાલ પુરતા તો એ ઉજ્જવળ અને સશક્ત ભવિષ્યની કલ્પનાને વાસ્તવીકતામાં તબદીલ કરવાનો જબરદસ્ત તખ્તો ગોઠવાઇ ચૂકયો હતો. પ્લાન અમલીકરણ પાછળ ખર્ચો પણ અઢળક હતો...જેની પ્રાસ્તાવીક મંજૂરી પ્રધાનમંત્રીશ્રી મુખરજીએ બેઠકમાંજ આપી દીધી હતી. ભારતીય સુરક્ષાની ત્રણેય પાંખના વડાઓની આંખોમાં ચમક અને છાતીમાં ગર્વ છવાયો હતો. એક અઘરા મીશનને સફળતાપૂર્વક પાર પાડવાની જવાબદારી તેઓએ સ્વીકારી હતી.

( ક્રમશઃ )