આંસુડે ચિતર્યા ગગન
(29)
‘ભલે તારી ઇચ્છા હશે તો હું લાઇબ્રેરી વર્ક છોડી દઈશ. પણ આ તારી સાચી રીત નથી. You are behaving orthodocally ’
‘yes, might be – but I feel you are much involved. ’
‘ઘરની વ્યક્તિની સારવારમાં નાની નાની દરેક વાતની સંભાળ લેવી જોઇએ તેથી લઉં છું…. બાકી…’
‘બાકી – બસ કશું જ નહીં.’
‘ભલે. ’
થોડીક ચુપકીદી પછી અંશને લાગ્યું કે તેણે અર્ચનાને દૂભવી છે. તેથી બોલ્યો – ‘અર્ચી…’
‘હં. ’
‘તને ખોટું લાગ્યું ?’
‘હું એ જ વિચારું કે અંશની આ વર્તણૂક પતિ તરીકે સાચી છે. પણ ડૉક્ટર તરીકે ખોટી છે. ’
‘ડૉક્ટર અને પતિ એ બે બંધનો નડે છે. ત્યાં ડૉક્ટર અને દિયર છે – અહીં ડૉક્ટર અને જેઠ છે. તું ડૉક્ટર અને પત્ની છે. આ દરેક સંબંધોમાં ડૉક્ટર ઘૂસી ગયો છે તેની તકલીફ વધારે છે. ’
‘છે – અને નથી.’
‘કેમ ? અંશ તું ડૉક્ટર છે તેથી ઘણા પ્રશ્નો સમજી શકે છે. જે પતિ કે દિયર એકલો હોનાર માણસ નથી સમજી શકતો.’
‘જેવા કે ?’
‘આ વિલંબ – ભાભીની આ પરિસ્થિતિમાં સહાનુભૂતિ ભર્યો તારો અભિગમ.’
‘અર્ચુ – એમાં તારો પણ મોટો ટેકો છે. તેથી તો આ શક્ય બને છે. નહીંતર તારી જગ્યાએ કોઈ સાદી છોકરી હોત તો મને ક્યારનોય…’
‘ન બોલ અંશ એવું ન બોલ ’
‘તું ભલે મને ન બોલવા દે. પણ હું સમજું તો છું જ… અર્ચી તું ઘણો ભોગ આપે છે. – તદુપરાંત હું આવી વિચિત્ર વર્તણૂકો કરું છું તે પણ સહી લે છે. ’
‘તું મારો છે ને તેથી.’
‘હું તારો છું તે તો સત્ય છે. પણ અર્ચી લગ્નના ફેરા નથી ફર્યા કોઈ સુખ તો નથી આપ્યું – પણ લેવાના બધા સામાજિક અધિકારો લેવાઈ ગયા છે.’
‘ડૉક્ટર અંશ ! મને કહો તો ખરા કે હું બિંદુભાભીની દેરાણી રહું કે મનોચિકિત્સક ?’
‘તારે દેરાણી જ રહેવું જોઇએ. પણ મનોચિકિત્સક થઈશ તો જ તે સાજી થશે. મને ક્યાંક એવું ડંખ્યા કરે છે…. બિંદુને સજી કરવાની તમન્નામાં… હું તને ન ગુમાવી બેસું.’
‘તું મને નહીં ગુમાવે – અંશ.’
‘ખેર… ચાલ જમવા જઈશું ક્યાંક ?’
‘ક્યાં ?’
‘મહેતામાં જઈએ. જુના સંસ્મરણો વાગોળીશું .’
‘ખારી સિંગ – મીઠી ભેળ – અને સ્ટ્રોંગ કોફી.’
‘ભલે – ચાલ .’
‘અને એક વાત અંશ – બિંદુભાભીની હું દેરાણી લગ્ન પછી બનું છું પણ અત્યારે મનોચિકિત્સક પહેલા છું હું જે કહું છું તે રીતે ટ્રીટમેન્ટ થવા દેજે .’
‘મારી ઇચ્છા તને ગુમાવવાની નથી. પણ તું ટ્રીટમેન્ટ પેશન્ટની જેમ કરીશ તો જરૂર થવા દઈશ. પણ મારી જેમ લાગણીઓમાં તણાઈશ તો હું જરૂર અટકાવીશ.’
‘બોલ પહેલા શું ?’
‘ખારી સીંગ – સ્ટ્રોંગ કોફી .’
‘પછી મીઠી ભેળ અને આઈસક્રીમ .’
‘અને પછી ?’
‘… પછી..’
દૂર બેઠેલા પારેવા ઘુરઘુરાટ કરતા એકમેકની ચાંચમાં ચાંચ નાખીને ગેલ કરતા હતા તેમના તરફ અર્ચનાની નજર ફરતી હતી. અંશ પણ હોટલની છત ઉપર ગેલ કરતા એ પારેવા તરફ જોતો હતો – અને ફિલ્મના હીરો – હીરોઈનની લવ સીક્વન્સની એક સુરખી મગજમાં ફરી ગઈ. અને ખામોશીનું તે ગીત ગણગણવા માંડ્યો… तुम पुकार लो ..तुम्हारा इंतज़ार है…
***
બિંદુભાભીની પરિસ્થિતિ સુધરતી નહોતી. શેષભાઈની શોધ જારી રાખેલી હતી. ક્લિનિકની વધતી જતી સક્રિયતા અને બાકીના સમયે બિંદુ માટે સારા સાઈકીયાટ્રીસ્ટની શોધ ચાલુ રાખી હતી. અંશ અર્ચનાને ફ્રી હેન્ડ આપી દઈને ડૉક્ટર બનવા દેતા અચકાતો હતો.
હમણાં તો એક એવી ગુનેગારની જેમ તે જીવતી હતી. – કે જેને ખબર નથી કે તેનો શો ગુનો છે. મઝાની વાત તો એ હતી કે તે ખૂબ સુખી હતી એને માટે ઢીંગલી એની છોકરી હતી એનો પતિ તેની સાથે હતો – એની દુનિયામાં તે મશગૂલ હતી.
અંશ નવરાશના સમયે તેની પાસે જતો, બેસતો – તેની ઢીંગલીને પંપાળતો – રમાડતો અને વહાલથી ટોનીક અન જરૂરી દવાઓ આપી શેષભાઈનો રોલ ભજવતો. પણ અંતરમનનાં ખૂણેથી એક ઝંખના જરૂર રહેતી હતી – શેષભાઈ તમે જલદી આવો. તમારી બિંદુને સંભાળો – મારાથી તેના પતિનો રોલ નહીં ભજવાય – ડૉક્ટર તરીકે એ ખેલ ભજવવો પડે છે. ભજવી નાખીશ. પણ તેનો અંતિમ અને કઠિન તબક્કો આવે તે પહેલા ક્યાંક હું મને – મારી જિંદગીને ખોઈ ન બેસું.
ઇચ્છા થઈ આવી ફરી છાપામાં એક એડવર્ટાઈઝમેન્ટનો દોર ચલાવી જોઉં. બિંદુનો એકાદ બહાવરો ફોટો અને અપીલ કરતી એક એડવર્ટાઈઝ મુકાવી દઉં. ક્યાંક જો જીવતા હશે તો જરૂર પાછા વળી જશે.
શેષભાઈ,
તમારા જમણા અને ડાબા અંગ જેવા અમે બે – તમારા ચાલ્યા જવાના પક્ષાઘાતથી પીડાઈએ છીએ. બિંદુની નાજુક તબિયતને તમારી જરૂર છે. જલ્દી આવો. ડૂબતી નૈયા જેવી બિંદુ અને એનો હારેલો નિરાધાર ખલાસી જેવો હું તમારા રૂપી કિનારો શોધીએ છીએ. ક્યાં છો તમે ? અમને સાંભળી શકો છો ? વાંચી શકો છો ? લખો કે મળો – કે જેથી કંઈક એ દિશામાં ઘટિત કરી શકાય.
અંશ – અર્ચના
શેષભાઈનાં ફોટા સાથે બિંદુની માંદી તસ્વીર મુકાવીને ફરીથી વર્તમાનપત્રો દ્વારા ઝુંબેશ શરુ કરી.
અર્ચના એ એક કટીંગ સહેગલ ઉપર મોકલ્યું. અને વિનંતી કરી કે શેષભાઈની શોધખોળ ત્યાં પણ ચાલુ રખાવે.
દિવસો વીતતા જતા હતા. નિષ્ફળ નીવડતી જતી ઝુંબેશ એક દિવસ એક કવર લઈને આવી. પૂનાથી કોઈ પારસી સજ્જનનો પત્ર હતો. તેમણે એ ભાઈને ડબાવાલા હોસ્પિટલમાં જોયા હોવાનો દાવો કર્યો હતો.
નાનકડી આશામાં અંશ પૂના ઉપડ્યો. અકસ્માતના દિવસે શેષભાઈ ત્યાં હોવાનો અંદાજ નીકળ્યો. ત્યાર પછી દિલ્હીથી કોઈ ભાઈ તેમને લઈ ગયા. તે ભાઈનું નામ કે સરનામું નહોતું. એટલે શેષભાઈ જીવતા તો છે જ . એ આશા સાથે તે પાછો વળ્યો.
દિલ્હીથી તેમને લઈ જાય એવું તો એક જ હોઈ શકે અને તે તેમના મિત્ર રાવજી અથવા અશોક કંસ્ટ્રક્શનમાંથી કોઈક…
વિચારોના વલયો લંબાતા જતા હતા. જોડે આશાના અમરપણા વિશેના સુખદ ખ્યાલો ડહોળાતા જતા હતા. બારીમાંથી ઉંધી દિશામાં સરતા જતા પ્રશ્નોને જોતો અંશ વિચારતો હતો કે જઈને તરત અર્ચનાને શેષભાઈ વિશેની તેની આશંકા સાચી પડતી હોય તેવા સમાચાર આપવાની તાલાવેલી જન્મી ગઈ. પણ એ શા માટે ગુપ્તવાસ વેઠે છે તે સમજાતું નહોતું.
ટ્રેનમાં એ સમયે એક ગાંડી બાઈને લઈને એક ભાઈ આવ્યા એ દરેકની સામે જોઈને હસ્યા કરતી હતી. અને એના કારણે લોકો માટે સારું એવું મનોરંજનનું સાધન બની ગઈ હતી. તેની જોડેનો ભાઈ ઘડીકમાં મનોરંજન માણતા લોકો સામે તિરસ્કારથી જોતો હતો અને પેલી બાઈની સામે કરુણાથી જોતો હતો. માનસિક વિકૃતિ એક રોગ છે. તે વાત તેની આંખમાંથી ડોકાતી હતી. આ રોગીને હૂંફની જરૂર છે. તેનો મનોરંજનાત્મક ઉપયોગ કરતા લોકો પ્રત્યે તિરસ્કાર જ દેખાતો હતો.
મારી નજર એની નજર એક થઈ. મેં એને પૂછ્યું – ‘ભાઈ જન્મથી જ આ બેન ગાંડા છે?’
‘ના – આ ગાંડપણ એના ધણીએ બીજું બૈરુ કર્યું ત્યારથી શરુ થયું.’
‘બીજું બૈરુ કેમ કર્યું ?’
‘જિદ્દી અને શંકાશીલ સ્વભાવ ’
‘એટલે ?’
‘જ્યારે હોય ત્યારે બસ એક જ વાત – તમે પેલીની જોડે હસીને કેમ વાત કરી – પેલીની સામે ટગર ટગર કેમ જોતા હતા ?’
‘તમે કોણ છો ?’
‘હું એમનો દિયર છું ’
‘પણ – એમ કેમ ? ’
‘કારણ હું માનું છું મોટાભાઈએ એને સજા કરવી જોઇતી નહોતી.’
‘પણ, હવે તો તમારે પણ એને એના હાલ ઉપર છોડી દેવી જોઇએ. ’
‘તમે સાચા છો. પણ હું એ ગાંડા છે ત્યાં સુધી એવું નહીં કરું.’
‘વધુ પડતી લાગણીમાં ખેંચાવ છો તમે. ’
‘હા , એવું કહેવાય ખરું. પણ હું એમને સાજા કરીને પછી એમના હાલ પર છોડીશ. ’
‘પણ એમ કરવામાં તમે એમને વધુ નુકસાન કરશો. ’
‘કેવી રીતે ?’
‘અત્યારે જે હાલતમાં છે તે હાલતમાં તે સુખી છે. એને એના ગુનાની ખબર નથી. ’
‘પણ મોટાભાઈનો દોષ તો છે જ – એમણે એમને આ રીતે નહોતા છોડવા.’
‘હં ! પણ તમે ક્યાંક લાગણીઓમાં તમારી જિંદગી જોખમમાં તો નથી મૂકતા ને ? ’
‘કદાચ મૂકાઈ ગઈ છે. પરંતુ માનવતા પણ કોઈક તત્વ છે. આ ભાભીને હાથે લપડાક ખાઈને મોટા થયા છીએ. એક મમત્વ બંધાયું છે. એ પોતાની જાતને સંભાળે એટલે બસ.’
‘અત્યારે ક્યાં લઈ જાવ છો ?’
‘નવસારી પાસે મરોલીની હોસ્પિટલમાં.’
‘તમારી જિંદગી કેવી રીતે જોખમાઈ ગઈ છે. ’
‘બહુ નાની બાબત છે. મેરેજેબલ ઉંમરનું આ દૂષણ છે. ભાઈએ પહેલી બૈરીને ગાંડી કરી મૂકી અને બીજી કરી – આવા કુટુંબમાં છોકરી કેમ અપાય ?’
‘હં !’
‘તમને આશા છે કે આ બેન સાજા થશે ?’
‘હું મારો કોઈ પ્રયત્ન અધૂરો નહીં છોડું.’
‘અને માનો કે સાજા ન થાય તો ?’
‘ગાંડી માને કોઈ ઘરમાંથી કાઢી મૂકે છે ખરા ?’
‘પણ પાગલખાનામાં તો મૂકે છે.’
‘ડૉક્ટર કહેશે તો જરૂર મૂકીશ પણ રસ્તાની ઠોકરો ખાવા એને છોડી નહીં દઉં.’
‘શું તમારું નામ ભાઈ ?’
‘હરેશ પરીખ.’
‘તમે તમારા ભાભીને અમદાવાદમાં ક્યારેય બતાવ્યા હતા ?’