Kavyanuvadan-Rasasvadan - 2 in Gujarati Poems by Valibhai Musa books and stories PDF | કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 2

Featured Books
Categories
Share

કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 2

(૨) પ્રોફેસર મુકેશ રાવલનાં કાવ્યો

-: સંપર્ક :-

Mukesh Raval


હું અને મારો ઘોડો - I and my horse (1)

I and my horse

My horse and I are friendshe is my beloved, I am his.

His loyalty par excellence,my comrade whom I trust
in times of travel and war
in expedition or in adventure.

We two have much in commonI do not take him as servant
he does not take me as master.

But his world is his ownand I cannot intervene.

He is not bound to my whimshis moods and fantasies are different.

I may take him to water,it is my role and only function
but cannot insist anything to him
It’s up to him to drink water
or to bathe in the stream
or just be a spectator of river
or a silent visitor.

After all he knows wellwhat to do with the water.

– Mukesh Raval
(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * *

હું અને મારો ઘોડો
(અછાંદસ)

મારો ઘોડો અને હું મિત્રો છીએ,
તે મને અત્યંત પ્રિય અને હું તેને.

તેની વફાદારી પણ બેહદ,
એ એવો મારો ભરોસાપાત્ર મિત્ર;
જે સફર અને યુદ્ધ
ચઢાઈ અને સાહસ સઘળાયમાં એ જ.

અમારી વચ્ચે સામ્યતાય ઘણી,
હું એને સેવક ગણું નહિ
અને ગણે ન એ મને માલિક.

પણ તેની પોતાની એક દુનિયા છે;
જેમાં મારી દખલગીરી ન હોય, વળી
એ મારી મનસ્વિતાને અનુસરવા જરાય બંધાયેલો નહિ!
એનાં મિજાજ અને પરિકલ્પનાઓ સાવ ભિન્ન.

હું તેને પાણી પાસે લઈ જાઉં ખરો,
કેમ કે એ તો મારી ભૂમિકા અને ફરજ;
પણ, મારો એની કોઈ બાબતે આગ્રહ તો નહિ જ.

એની એ મુનસફી કે પાણી પીએ
કે વહેતા પ્રવાહમાં એ ન્હાય
કે પછી માત્ર નદીનો બની રહે પ્રેક્ષક
યા તો સાવ રહે એનો મૂક મુલાકાતી.

છેવટે તો એ ખુદ જ જાણે કે
પાણી સાથે શું કરવું!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)(
સાભાર : ‘Pots of Urthona’ : A Collection of Poems – Mukesh Raval)

* * *

રસદર્શન

અંગ્રેજીમાં મુહાવરો (Idiom) છે : “You can lead a horse to water, but you can’t make it drink.”; અર્થાત્,“તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો તો ખરા, પણ તેને પાણી પીવાની ફરજ પાડી શકો નહિ.” આપણે આની વિશદ ચર્ચામાં ન ઉતરતાં એટલું જ સમજી લઈએ કે આપણે કોઈને તક આપી શકીએ, પણ તે તકનો લાભ લેવાનું તો સામેના માણસ ઉપર જ નિર્ભર રહે છે.

કવિએ આ કાવ્યરચનામાં ઉપરોક્ત મુહાવરાનો આધાર લીધો હોય કે ન લીધો હોય, પણ આ કૃતિ એમનું મૌલિક સર્જન જ બની રહે છે. એમણે સહજ એવું ‘હું અને મારો ઘોડો’ શીર્ષક આપીને પોતાના કાવ્યની સરસ મજાની શરૂઆત કરી છે. તેઓશ્રી પોતાનો ઘોડો અને તેઓ ખુદ એકબીજાના મિત્રો હોવાની ઓળખાણ આપીને તેમની ઉમદા મિત્રાચારીને સમજાવે છે. આમેય ઘોડાને વફાદાર પ્રાણી ગણવામાં આવે છે અને અહીં પણ કવિ એ વફાદારીને સમજાવવા માટે તેની ક્યાંક્યાં ઉપયોગિતા છે તે દર્શાવીને તેની ભરોસાપાત્રતાને ઉજાગર કરે છે. આ બંને મિત્રોમાં ઘણી સામ્યતા હોવાનું દર્શાવવા લાઘવ્યમાં માત્ર એટલું જ કહી દે છે કે કવિ ઘોડાને પોતાનો સેવક ગણતા નથી અને સામે વળી ઘોડો પણ કવિને પોતાના માલિક તરીકે સમજતો નથી. આમ તે બેઉની વચ્ચે શેઠનોકરનો શુષ્ક સંબંધ નથી, પણ તેથીય કંઈક વિશેષ ઉષ્માભર્યો સંબંધ છે.

ઘોડાની પોતાની પણ એક દુનિયા હોઈ કવિ તેના જીવનમાં કોઈ દખલગીરી કરવા નથી માગતા. વળી તેઓ એવી કોઈ અપેક્ષા પણ રાખતા નથી કે એ ઘોડો તેમની મનસ્વિતા કે ધૂનને અનુસરે જ. કવિ સ્વીકારી લે છે કે ઘોડાનો પોતાનો મિજાજ અને તેની પરિકલ્પનાઓ ભિન્ન હોઈ શકે. આટલા સુધી ઘોડા સાથેના પોતાના વિશિષ્ટ સંબંધોનો પરિચય આપીને કાવ્યના હાર્દસમા અંતિમ ચરણમાં કવિ પ્રવેશે છે. તેઓ પોતાની ફરજના ભાગરૂપે ઘોડાને નદી તરફ દોરી જાય છે. નદીના પાણી સુધી પોતાના ઘોડાને લાવી દીધા પછી હવે એ ઘોડાએ પાણી સાથે શું કરવું તે બાબતને કવિ તેની મરજી ઉપર છોડી દે છે. કવિ કહે છે કે હવે એ ઘોડો પાણી પીએ કે પછી પાણીમાં સ્નાન કરે, અથવા તો તે નદીનું દર્શન માત્ર કરે કે પછી એક મૂક મુલાકાતી તરીકે તે નદીકાંઠે વિહરે. કવિ આ શબ્દોમાં નિર્લેપ ભાવે કાવ્યનું સમાપન કરે છે કે છેવટે તો ઘોડાને એની સારી રીતે જાણ છે જ કે તેણે પાણી સાથે શું કરવાનું છે!

આ કાવ્યને માનવીય જીવનમાં એ રીતે લાગુ પાડી શકાય કે માતાપિતાએ સંતાનઉછેરમાં કે શિક્ષકોએ વિદ્યાભ્યાસ કરાવતી વખતે બાળકોને માર્ગદર્શન (Counseling) જ પૂરું પાડવાનું હોય અને તેમની પોતાની રીતે જે તે કામ કરવા દેવા માટેની તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. જો આમ થાય તો જ તેઓ આત્મનિર્ભર બની શકે અને પોતે જ પોતાનો વિકાસ ઉત્તમ રીતે સાધી શકે. એમને વધારે પડતી સૂચનાઓ આપવાથી કે તેમના ઉપર વિચારો લાદી દેવાથી એ પરાવલંબી બની જશે.

આમ કવિશ્રીએ પેલા મુહાવરાની ઘોડાએ પીવાના પાણી માત્રની એક જ વાતથી આગળ વધીને તે ઉપરાંતના અન્ય વિકલ્પો પણ દર્શાવ્યા છે. માર્ગદર્શન આપનારા પ્રોફેશનલો (Counselors) પણ માર્ગદર્શન મેળવનારાઓ સામે બધા વિકલ્પો ખુલ્લા મૂકી દેતા હોય છે અને જે તે માર્ગ કે નિર્ણયની પસંદગી તો તેની પાસે જ કરાવતા હોય છે.

આ કૃતિનું કાવ્યતત્ત્વ ભલે સામાન્ય લાગતું હોય, પણ કવિએ માર્ગદર્શનની આદર્શ પ્રક્રિયાને પરોક્ષ રીતે સમજાવીને એક ઉમદા લક્ષ સિદ્ધ કરી બતાવ્યું છે. કનૈયાલાલ મુનશીનો વિવેચનશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે સાહિત્ય કે અન્ય કોઈપણ કલામાં નીતિ કે બોધની વાતને સ્પષ્ટ રીતે આપી દેવાથી એ કલા ક્લુષિત થઈ જતી હોય છે. એમનું આ બાબતે વિખ્યાત સૂત્ર છે કે ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ આપણા આ કાવ્યના કવિએ આ મુદ્દે સજાગતા જાળવી રાખી છે અને કાવ્યનું સારતત્ત્વ કે ફલશ્રુતિ તારવી લેવાનું કામ વાચકો ઉપર છોડી દીધું છે અને પોતે કાવ્ય આપી દઈને દૂર ખસી ગયા છે.

ઉમદા કૃતિને સર્જવા બદલ કવિશ્રીને ખોબલે ખોબલે ધન્યવાદ.

- વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

ચકલીઓ – Sparrows (2)

Sparrows

In childhoodwhen we played gilli-danda
Sparrows played beside us
the games that we had not yet learnt
now when my son asks me
Papa “Where can I find a sparrow?”

Shall I saythey tweet now in alarm clocks and
reside in encyclopedias

they have lost the game …

– Mukesh Raval
(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * *

ચકલીઓ
(અછાંદસ)

અવ એ બાલ્યકાળે;
ગિલ્લીદંડો જ્યારે અમે સૌ રમતા,
ત્યારે ચકલીઓ પણ સૌ રમતી અમ પાસ
એવી રમતો કે જે અમે કદીય નહોતા શીખ્યા!

હવે જ્યારે મારો દીકરો પૂછે,“
પાપા, મને ચકલીઓ ક્યાં મળી રહે?”

ત્યારે મારે કહેવું પડે,“
તેઓ એલાર્મ ઘડિયાળમાં ચીંચીં કરતી, અને
જ્ઞાનકોશમાં વસતી મળી રહે!

એ પોતાની રમત હારી ગઈ છે!”

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(સાભાર : ‘Pots of Urthona’ – A Collection of Poems – Mukesh Raval)

* * *

રસદર્શન

પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓની લાગણીઓને વાચા આપતું આ એક વિશિષ્ટ કાવ્ય છે. સૌ કોઈ જાણે છે કે બાલ્યવયમાં માતાપિતા પાસેથી આપણે સાંભળેલી ચકીચકાની વાર્તાનાં એ કાલ્પનિક છતાંય વાસ્તવિક લાગતાં પાત્રો વાસ્તવમાં આજે તો નામશેષ થઈ ગયાં છે. નિર્દોષ, નાજુક અને નમણાં આ પક્ષીઓ હજુ તો ગઈ કાલ સુધી આપણાં ઘરોમાં જે માળા બાંધતાં હતાં તે આજે આપણી નજરથી ઓઝલ થઈ ગયાં છે. કહેવાય છે કે ઠેરઠેર ઊભાં થએલાં મોબાઈલ ફોન માટેનાં ટાવરોનાં જંગલો આ ચકલીઓના વિનાશનું કારણ બન્યાં છે. હજુસુધી તો ક્યાંકક્યાંક આ પક્ષી જોવા મળે છે, પણ આપણે માનવીઓ સજાગ નહિ રહીએ તો તે આવનારા સમયમાં સંપૂર્ણપણે નામશેષ બની જશે.

કવિ પોતાના આ લઘુકાવ્યની શરૂઆત પોતાના જ બાલ્યકાળના સંસ્મરણથી શરૂ કરે છે જ્યારે કે તેઓ પોતાના બાલમિત્રો સાથે ગિલ્લીદંડાની રમત રમતા હતા. એ લોકોની રમતની સાથેસાથે જ એ વખતે ચકલીઓ પણ પોતાની આગવી અને અકળ એવી રમતો રમતી હતી.

હવે કવિ પુખ્તવયે પહોંચતાં પિતા બને છે, ત્યારે બીજી પેઢીમાં પરિસ્થિતિ સાવ જ બદલાઈ જાય છે અને ચકલીઓ જોવા મળતી નથી. કવિને પુત્રના આઘાતજનક પ્રશ્નનો સામનો કરવાની નોબત આવે છે કે, ‘પાપા, ચકલીઓ ક્યાં જોવા મળે?’. વાચકના હૃદયતલને હચમચાવી નાખતો કવિપિતાનો કટાક્ષપૂર્ણ જવાબ એ છે કે ‘હવે એ ચકલીઓનો મધુર ચીંચીં અવાજ માત્ર એલાર્મ ઘડિયાળમાં જ સાંભળવા મળશે અને તેમને સાકાર સ્વરૂપે જોવી હશે તો જ્ઞાનકોશ (Encyclopedia)નાં પાનાં ઊથલાવવાં પડશે!’ આનો મતલબ એ થાય કે હવે ચકલીઓ ચિત્રસ્વરૂપે જ જોવા મળી શકશે.

કાવ્યાન્તે કવિનો ઘેરો વિષાદ આ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે કે, ‘એ ચકલીઓ પોતાની રમત હારી ગઈ!’; અર્થાત્ માનવજાત અને ચકલીઓ વચ્ચેની રમતમાં બિચારી ચકલીઓ પરાજિત થઈ ગઈ. આ રમત બરાબરિયાઓ વચ્ચેની ન હતી, પણ નિર્બળ અને સબળ વચ્ચેની હતી.

અહીં કવિની કલમની તાકાતનો પરચો એ રીતે જોવા મળી રહે છે કે તે સામાન્ય વાતને અસામાન્ય બનાવી દઈ શકે છે અને એ પણ મર્યાદિત શબ્દોના લઘુકાવ્યમાં! આ કાવ્ય વાંચતાં પ્રિયકાન્ત મણિયારના ગાંધીજી વિષેના એક લઘુકાવ્યની યાદ આવી જાય છે. એ કાવ્યમાં ફરક માત્ર એટલો જ છે કે ત્યાં નાના ભાઈએ મોટાભાઈને પ્રશ્ન પૂછ્યો હોય છે. એ કાવ્યની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે હતી :

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,‘
તમે ગાંધીજીને જોયા હતા?’

આ કાવ્યના રસદર્શનના સમાપને હું આવી પહોંચ્યો છું, પણ છેલ્લે છેલ્લે મારા સ્વરચિત આ જ વિષય ઉપરના તાજેતરના એક હાઈકુને અહીં આપ્યા સિવાય હું મારી જાતને રોકી નથી શકતો.

ચકીપ્રજાતિ
સમૂહ ધૂળસ્નાને,
ડૂબી મરી શું?

ગાગરમાં સાગર સમાવતી કવિની આ લઘુકાવ્યરચના બદલ તેમને ધન્યવાદ.

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

માધુરી દીક્ષિત (સિનેતારિકા) – Madhuri Dixit (Film Heroine) (3)

Madhuri Dixit

Beauty and sweetness compete to siton the heavenly curve of her lip’s rim.
Even wind dare not whistle at her feet
she commands respect in the dream.
She sees and smiles and makes her way
Brings the spring at the soul’s bay
Like lightening in rain she keeps the pace
Quenches the thirst through godly face
A queen that wears the necklace of charm
And sways like the golden wheat in the farm
Venus in disguise steals hearts from screen
Through steps of dance let lookers scream
Deity of dance and smile personified
She takes at glance the world in her stride

-Mukesh Raval
(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * *

માધુરી દીક્ષિત (સિનેતારિકા)
(અછાંદસ)

નિજ લાવણ્ય અને માધુર્ય સ્પર્ધતાં એકમેકને, બિરાજવા કાજે,
એ લલિતાંગી લલના તણા અધર-રેખના દિવ્ય વળાંક ઉપરે.
મારુત પણ ફફડે, ના સૂસવે, તેણીના કદમો સમીપે
વળી એ જે સ્વપ્ન મહીં પણ નિજ આત્મગૌરવને રક્ષે.
દૃષ્ટિપાતે મૃદુ મલકતી માર્ગ કંડારતી એ
આણી દેતી વસંત ઋતુરાણી નિજ આતમાંતરાલે
વર્ષાકાલીન દામિની સમ સરતી એ તેજલીસોટે ત્વરાએ
દૈવી વદને સૌંદર્યપાન તણી તીવ્ર તૃષા છિપાવે.
મોહિની તણા કંઠહારે શોભે રાજરાણીસમી એ,
નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.
છૂપી પ્રેમદેવી વીનસ સમ દિલડાં ચોરતી ચિત્રપટ-પટલે
નૃત્યકલાએ ઠમકતાં ડગે ચિસાવે દર્શકોને હર્ષનાદે!
સાક્ષાત્ નૃત્યદેવી તણા મૂર્તિમંત પ્રતીકશી મધુર માધુરી એ
જગ આખાને નીરખી લેતી નિજ નર્તન તણાં વિરાટ ડગલે!
-
વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(સૌજન્ય : Pots of Urthona (કલ્પનાનાં પાત્રો) – અંગ્રેજી કાવ્યસંગ્રહ)

રસદર્શન :

“વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધુ જાદુઈ અસર ઉપજાવે છે” – સૉક્રેટીસનું આ વિધાન મુકેશભાઈના આ કાવ્યને અક્ષરશ: બંધ બેસે છે. આ કાવ્યની વાચક મુનિરા અમી મુકેશભાઈના કાવ્યને આ શબ્દોમાં ઓળખાવે છે, ‘માધુરીએ આ કાવ્ય વાંચવું જોઈએ કે જેથી તેના આત્મસંતોષમાં ઈજાફો થાય, કેમ કે આમાં તેની ગૌરવવંતી (dignified) પ્રશંસા છે.’ ફિલ્મી સાહિત્યમાં સિનેતારક-તારિકાઓ વિષે અભદ્ર ભાષા અને ગપસપ (gossip)ની ભરમાર હોય છે, જ્યારે આ કાવ્યમાં માધુરીના સૌંદર્યસભર વ્યક્તિત્વને શિષ્ટ સાહિત્ય રૂપે અને શૃંગારરસના પ્રમાણભાનને જાળવીને આલેખવામાં આવ્યું છે.

હજુ કાવ્યના રસદર્શનના પડાવે આવવા પહેલાં આપણે શૃંગારરસ વિષે થોડુંક જાણી લઈએ. ભરત મુનિ શૃંગારરસને આનંદદાયિત્વના જનક તરીકે ઓળખાવે છે અને તેથી જ સાહિત્યરસિયાઓ તેને રસરાજ તરીકે સ્વીકારે છે. તો વળી ભોજ તો શૃંગારરસ સિવાયના અન્ય રસોને સ્વીકારવાની જ ના પાડે છે. એ તો કહે છે કે કાવ્યનાટકાદિમાં કમનીયતા તો આ રસથી જ નિષ્પન્ન થઈ શકે છે. વિદ્વાન મમ્મટે તો શૃંગારરસની ઊંડાણથી મીમાંસા આલેખી છે. એ બધા તો ભૂતકાલીન વિદ્વાનો હતા અને એ બધી એમની વ્યાખ્યાઓ હતી, જ્યારે સાંપ્રતકાલીન દાદા ધર્માધિકારી ‘સૌંદર્ય મીમાંસા’માં જણાવે છે કે ‘રસિકતા વૈષયિકતા નથી. સૌંદર્ય વિષય નથી, પણ ભગવાનની વિભૂતિ છે. સૌંદર્ય માટેની અભિરુચિ એ જીવન છે.’

બોલીવુડની ભાષામાં ભલે માધુરી દીક્ષિતને ‘ધકધક ગર્લ’ તરીકે ઓળખાવાઈ હોય, પણ આ કાવ્યના આરંભે જ કવિએ તો માધુરીના સૌંદર્ય અને માધુર્યને તેના હોઠો ઉપર બિરાજવા માટે આપસમાં સ્પર્ધા કરતાં બતાવીને કોઈપણ જાતનો ઔચિત્યભંગ ન કરતાં થોડામાં ઘણું કહી દીધું છે! અહીં કવિની ભવ્યાતિભવ્ય કલ્પનાનાં દર્શન થયા સિવાય રહેશે નહિ. વળી પોતાની સ્વપ્નાવસ્થામાં પણ જે નારી પોતાના આત્મગૌરવને જાળવી રાખે છે, તેનાં ચરણો આગળ પવન પણ સૂસવવાની હિંમત કરી શકતો નથી. આમ કહીને માદક પવનના વરુણદેવ પણ તેના ગૌરવની આમન્યા જાળવતા દર્શાવીને કવિએ અહીં ગજબની ક્માલ દેખાડીને માધુરીના વ્યક્તિત્વને સુપેરે ઉપસાવ્યું છે.

ફિલ્મરસિયાઓ પુરોગામી મધુબાલાના મોહક સ્મિતની હરોળમાં માધુરીના સ્મિતને મૂકતા હોય છે, તો આપણા કવિ પણ એમ ગાંજ્યા જાય એવા નથી. એ તો કહે છે કે મૃદુ હાસ્યસહ દૃષ્ટિપાત કરતી આ સુંદરી પોતાના માર્ગ ઉપર ચાલે છે, ત્યારે માદક એવી ઋતુઓની રાણી વસંતને પોતાના આત્મામાં ભરી દે છે. પ્રભાવશાળી સૌંદર્યની સમ્રાજ્ઞી એવી એ એવી ઝડપથી પસાર થઈ જતી હોય છે કે જાણે વર્ષા ઋતુમાં આકાશમાં ઝબકતી વીજળી તેજલીસોટો પાડી દેતી હોય! દૈવી ચહેરા ઉપર એવું તો અદ્ભુત એનું સૌંદર્ય છે કે સૌંદર્યપિપાસુઓની સૌંદર્યપાનની તૃષા તત્ક્ષણ જ છિપી જાય.

કવિની કલ્પનાશક્તિની અને કાવ્યના શબ્દોને શણગારવાની આગવી કલા કાવ્યની આ કંડિકામાં ચમકે છે : “મોહિની તણા કંઠહારે શોભે રાજરાણીસમી એ, નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.” પ્રાચીન સંસ્કૃત કવિઓના શ્લોકોમાંના અર્થાલંકારોની હરોળમાં બેસી શકે તેવી કવિની મનહર કલ્પના આપણને ઘઉંનાં ખેતરોમાં લઈ જાય છે કે જ્યાં ઘઉં પાકી ગયા છે અને સુકાવા માંડેલાં કણસલાં સુવર્ણરંગી દેખાય છે. અહીં કવિ દૃષ્ટાંત અલંકાર પ્રયોજતાં આપણને રસાવે છે કે ગળામાં મોહિનીરૂપી માળાથી રાજરાણી જેવી શોભતી અને કોમળ અંગો વડે ઝૂમતી આ સૌંદર્યવતી નારી મંદમંદ પવનથી ઝૂલતાં પેલાં સોનેરી કણસલાંની યાદ અપાવે છે.

માધુરી દીક્ષિત એ રૂપેરી પડદે અભિનય કરતી એક એવી નૈસર્ગિક કલાકાર છે, જેનો કોઈ દૃશ્યમાં પ્રવેશ થતાંની સાથે અને તેમાંય વળી એ જ્યારે નૃત્ય કરતી હોય, ત્યારે બોલપટના દર્શકો હર્ષનાદની ચીસો પાડી બેસે છે અને એની એ કલાને બિરદાવે છે. આ કાવ્ય અંગ્રેજી ભાષા અને ભાષીઓને ગ્રાહ્ય કરવું સુગમ પડે તેવી ચીવટના ભાગરૂપે કવિએ માધુરીને પ્રણયની દેવી વીનસ સાથે સરખાવી છે. ભારતીય સંદર્ભે પ્રણયના દેવતા તરીકે કામદેવ અને તેમનાં પત્ની રતિને ગણવામાં આવતાં હોય છે. પરંતુ અહીં કવિએ પોતાની આત્મસૂઝ વડે દેવી વીનસને પસંદ કરીને વિશ્વની ભિન્નભિન્ન સંસ્કૃતિઓના અભ્યાસુ હોવાનો પરચો બતાવ્યો છે.

કાવ્યના અંતિમ ચરણમાં માધુરીના લાજવાબ નૃત્યકૌશલ્યને બિરદાવતાં કવિ તેને સાક્ષાત્ નૃત્યદેવી સાથે સરખાવીને તેના નૃત્યની કોઈ એવી અદા જાણે કે પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય તેમ વર્ણવે છે કે ‘જગ આખાને નીરખી લેતી નિજ નર્તન તણાં વિરાટ ડગલે!’ શાસ્ત્રીય નૃત્યમાં શારીરિક મુદ્રાઓ આવશ્યક અંગ તરીકે મનાય છે. નર્તકનૃત્યમાં ‘લસ્ય’ એક એવો આયામ ગણાતો હોય છે કે જેમાં સ્ત્રીસહજ લાલિત્યપૂર્ણ મુખડાના ભાવો અને ચાલ પ્રધાનપદે હોય છે. કવિએ પોતાના કાવ્યમાં પ્રયોજેલા અંગ્રેજી શબ્દ ‘Stride’ના સમાનાર્થી ગુજરાતી શબ્દ માટે મારે (આ અનુવાદકને) ખાસ્સી એવી માનસિક જહેમત ઊઠાવવી પડી છે અને દીર્ઘ વિચારણાના અંતે બરાબર બંધબેસતો ‘વિરાટ ડગલે’ શબ્દયુગ્મ મનમાં ઝબકી જાય છે અને મારાથી તે અહીં પ્રયોજાઈ જાય છે.

આ કાવ્યના ભાવાનુવાદક અને રસદર્શનકાર એવા આ લેખકડાને ચિત્રકાર એમ. એફ. હુસૈન દ્વારા નિર્મિત, માધુરી દીક્ષિત દ્વારા અભિનિત અને શાસ્ત્રીય નૃત્યો ઉપર આધારિત ‘ગજગામિની’ જોવાનો મોકો મળ્યો નથી, પણ એના વિષે વિવિધ માહિતીસ્રોતોમાંથી જાણવા મળ્યું છે તે મુજબ આ ફિલ્મ ભલે હિટ ન ગઈ હોય, પણ કલાપ્રેમીઓ અને ફિલ્મ સમીક્ષકોએ તેને બિરદાવી હતી. આપણા કવિ મહાશયે એ ફિલ્મ જોઈ હોય અથવા અન્ય ફિલ્મોમાં માધુરીનાં નૃત્યો અવલોક્યાં હોય કે પછી પોતે નૃત્યકલાના વિશારદ હોય, પણ તેમણે કાવ્યના અંતિમ ચરણે મિતભાષી શબ્દોમાં માધુરીના નૃત્યને ઉજાગર કરીને વાચકોને રસતરબોળ કરી દીધા છે.

શૃંગારરસ નિરૂપણમાં સમતોલન જાળવી રાખીને માધુરી દીક્ષિતનાં સૌંદર્ય અને નૃત્યકલાને સન્માનપૂર્વક અભિવ્યક્ત કરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારે એટલે કે અભિનેત્રીના સ્વાભિમાનને જરાય ઠેસ ન પહોંચે એવા મૃદુ ભાવે લખાયેલા આ કાવ્ય બદલ કવિ શ્રી મુકેશભાઈને ખોબલેખોબલે ધન્યવાદ.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

$$$$$$$

ગૌરવર્ણો ભિક્ષુક - The fair skinned beggar (4)

The fair skinned beggar

Sunlight,the fair skinned beggar,
stands long hours
of summer mornings
at the veranda of my house
asking for nothing
irritating and annoying.
In the afternoon
,he jumps on our roof
and slowly walks down
to the balcony of Mrs. Maria,
drinks water and quenches his thirst
from the hanging bowl for birds,
peeps into her house,
watches her napping in her chair,
softly touches her cheeks
says something into her ears
and walks down
towards the West
singing a song
swinging his hands
carelessly as ever.


– Mukesh Raval
(Pots of Urthona – A Collection of Poems)

* * *

ગૌરવર્ણો ભિક્ષુક
(અછાંદસ)

સૂર્યપ્રકાશ
ગૌરવર્ણો ભિક્ષુક!
કલાકો સુધી ગ્રીષ્મ પ્રભાતે
મુજ ગૃહ તણા વરંડે
રહી ઊભો
ન કશુંય યાચે, તથાપિ
પજવતો, છંછેડતો મુજને!
વળી મધ્યાહ્ને
કૂદાકૂદ કરી અવ છપ્પરે
ગમન કરતો બિલ્લીપગે
શ્રીમતી મારિયાની અટારી ભણી!
પીએ પાણી,
વિહંગ તણી લટકતી કૂંડીઓ મહીંથી તહીં,
નિજ પ્યાસ તૃપ્ત કરવા.
વળી ડોકિયું કરી લે તેણીના ગૃહ મહીં
અને નિરખી લે તેણીને
ઝોકાં ખાતી નિજ ખુરશી મહીં.
તો વળી સ્પર્શી લે તેણીના ગાલોને
હળવી હથેળીઓ થકી
અને કાનોમાં કંઈક ગૂસપૂસ કરી લૈ
વહી જાતો મગરિબ ભણી,
ગાન ગણગણતો અને હાથ વીંઝતો
સાવ જ બિફિકરાઈથી હંમેશની જ જ્યમ!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

* * *

રસદર્શન

પ્રોફેસર મુકેશ રાવલ, હિંદી જ્યાંની રાષ્ટ્રભાષા છે એવા ભારતના કવિ, એ રાજ્ય કે જ્યાં ગુજરાતી પ્રાદેશિક ભાષા છે અને દક્ષિણ ભારત અને અન્ય કેટલાંક રાજ્યોના પ્રમાણમાં અંગ્રેજીનું ઓછું ચલણ છે એવા ગુજરાતના કવિ, બનાસકાંઠા જિલ્લો કે જે હજુ પછાત જિલ્લા તરીકેના મહેણાને મિટાવવા મથામણ કરી રહ્યો છે એ જિલ્લાના કવિ, જ્યાંનો પાલનપુર તાલુકો કે જે મુખ્યત્વે કૃષિ સાથે સંકળાએલો છે એવા તાલુકાના કવિ અને તેમાંય વળી વગદા એવું નાના કદનું ગામડું કે જ્યાં શાળામાં ભણતાં બાળકો સિવાય કોઈનીય પાસે એકાદ અંગ્રેજી શબ્દ પણ સાંભળવા ન મળે અને જેમનો ત્યાં જન્મ અને ઉછેર થયો હોય એવા એ ગામડાના કવિ અંગ્રેજી કાવ્યો લખે, એ કાવ્યો વિદેશનાં સામયિકોમાં સ્થાન પામે, વિદેશી વાચકોના પ્રશંસાત્મક અને પ્રોત્સાહક પ્રતિભાવો મેળવે અને આમ જેઓ વિશ્વકવિઓની હરોળમાં પોતાનું સ્થાન પાકું કરે – આ સઘળું દીવાસ્વપ્ન જેવું લાગે; છતાંય આપણા સામે એ હકીકત છે, જેનો ઇન્કાર નહિ થઈ શકે. કવિનાં એકએકથી ચઢી જાય તેવાં કલ્પનાતીત અનેક કાવ્યોમાંનાં શિરમોર ગણાય તેવાં એકાધિક કાવ્યોમાં જેને ગણાવી શકાય એવું આ કાવ્ય છે – ‘ગૌરવર્ણો ભિક્ષુક’. આ કાવ્યનો અનુવાદ અને રસદર્શન કરાવવામાં હું ગૌરવ અનુભવું છું.

આ કાવ્યને એકલા પ્રકૃતિકાવ્ય તરીકે કે માત્ર રૂપક કાવ્ય તરીકે કે પછી સજીવારોપણ અલંકારની ભવ્યતમ રચના તરીકે માત્ર ઓળખાવવામાં આવે, તો તેની અધૂરી ઓળખ બની રહેશે. પરંતુ આ કાવ્યમાં એ ત્રણેયનો ત્રિવેણીસંગમ થયો છે એમ કહીશું, તો જ એને પૂરો ન્યાય આપ્યો ગણાશે. કેટલાય ગુજરાતી કવિઓએ ‘તડકો’ ઉપર કાવ્યો, ગ઼ઝલો, દોહરાઓ, મુક્તકો કે હાઈકુઓ રચ્યાં છે. ‘સૈફ’ પાલનપુરી ‘તડકો’ ઉપર ગ઼ઝલ રચી કાઢે, શબ્દ અને લયના સ્વામી એવા વેણીભાઈ પુરોહિત ‘કોકણવરણો તડકો’ લખે, ઉમાશંકર જોશી ‘થોડોએક તડકો ઢોળાઈ ગયો’ જેવું પ્રાણવાન કાવ્ય આપે કે પછી ઉશનસ્, મણિલાલ દેસાઈ જેવા કવિઓ પોતાની રચનાઓમાં તડકાને વણી લે એ બધું ભવ્યાતિભવ્ય તો છે જ, પણ આપણા આ કાવ્યના કવિ તો તડકાને ‘જરા હટકે’ કવે છે.

કાવ્યકલગી તરીકે શીર્ષકને સમજીએ તો ‘ગૌરવર્ણો ભિક્ષુક’ એ શીર્ષક કાવ્ય પૂરું થતાં કોથળામાંથી બિલાડું કાઢવા જેવું લાગશે, છેતરામણું લાગશે; પણ વાચકે કાન પકડીને સ્વીકારવું અને કહેવું પડશે કે ‘ભાઈ, આ તો કવિકર્મ છે; કવિ આઝાદ છે, કવિની સૃષ્ટિ તો બ્રહ્માની સૃષ્ટિ કરતાં નિરાળી છે, કવિની કલ્પના ઉપર કોઈ લગામ ન હોઈ શકે, વગેરે વગેરે.’ કવિ તડકાને જ્યારે ભિક્ષુકનું રૂપક આપે ત્યારે વાચકને પ્રથમ ઝટકો તો લાગે, પણ એ તડકાની હરકતો વાંચીએ; ત્યારે આપણને તેનાં બેફિકરાઈ અને મનમોજીપણાનાં લક્ષણો ભિખારી કે ફકીર જેવાં લાગ્યા વગર રહે નહિ અને ત્યારે આપણે એ શીર્ષકને પ્રમાણિતતાની મહોર મારવી જ પડે.

સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે ન ગણતાં એને ‘તડકો’ નામે પણ ઓળખી શકાય, પછી ભલે એને કૂણો કે પ્રખર એવાં વિશેષણો લાગુ પાડવામાં આવતાં હોય. કવિએ આ સૂર્યપ્રકાશને કાવ્યારંભે ‘The fair skinned beggar’ – (ગૌરવર્ણો ભિક્ષુક) તરીકેનું રૂપક આપીને ક્રિકેટની રમતવાળી પહેલી જ સિક્સર મારી દીધી છે. પૂર્વોક્ત કવિ વેણીભાઈ પુરોહિતે પણ તડકાને કોકરવરણા તરીકે જ ઓળખાવ્યો છે ને! ‘કોકર’ એટલે મિશ્ર ધાતુનું બનેલું જર્મન સિલ્વર અને બીજો અર્થ છે એવી રૂપેરી ત્વચાવાળી માછલી. તો આપણે જોઈ શકીએ કે બંને કવિઓએ તડકાનો રંગ તો સમાન જ પકડ્યો છે.

કવિએ સજીવારોપણ અલંકારની સહાય વડે તડકાને જ્યારે ભિક્ષુક તરીકે જ દર્શાવ્યો છે, ત્યારે હવે એ ખ્યાલ સાથે પોતે આગળ વધી રહ્યા છે. આ સૂર્યપ્રકાશ અર્થાત્ ગ્રીષ્મનો તડકો સૂર્યોદયથી શરૂ થઈને મધ્યાહ્ન સુધીના કલાકો સુધી પોતાના વરંડે ભિક્ષુકની જેમ ઊભો રહીને કશું જ યાચ્યા વગર કવિને પજવવાનું, છંછેડવાનું શરૂ કરી દે છે. આ તો ભાઈ, ઉનાળાનો તડકો હોઈ તે વહેલી સવારથી જ તેની પ્રખરતાનાં એંધાણ આપી દે છે. કવિને તેની પજવણીની શરૂઆત જાણે આંગળીઓના ગોદા મારીને (Poking with fingers) પરેશાન કરવામાં આવે તેવી લાગે છે. હવે એ તડકો મધ્યાહ્નની સ્થિતિએ આવીને કવિના છાપરા ઉપર કૂદાકૂદ કરીને વળી પાછો દબાતા પગલે કવિના ઘરની સામે રહેતી મારિયાના ઘરના ઝરૂખા તરફ જવા માંડે છે. કવિ અંગ્રેજી ભાષામાં લખી રહ્યા હોઈ અંગ્રેજીભાષી વાચકોને આ કવિતા પોતીકી લાગે તે માટે પશ્ચિમના દેશોનું ખ્રિસ્તી નામ ‘મારિયા’ પસંદ કર્યું છે. આ કાવ્ય ગુજરાતીમાં લખાયું હોત તો ‘કોકિલા’, ‘ચંપા’ કે ‘મરિયમ’ નામ હોઈ શકત. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં કવિની આંતરસૂઝ કાબિલે દાદ છે.

હવે આ નટખટ તડકો મારિયાને પરેશાન કરવા કે એની સાથે ગમ્મત કરવા પહેલાં પક્ષીઓને પીવાના પાણીની કૂંડી (hanging bowl for birds)માંથી પાણી પીને પોતાની તૃષા છિપાવે છે. ‘તડકાનું પાણીનું પીવું’ એ ગજબનાક કવિની કલ્પના છે. એ તડકો કેટલીકવાર સુધી કૂંડીના પાણી ઉપર છવાયેલો રહીને અલ્પમાત્રામાં પણ એ પાણીનું બાષ્પીભવન કરે છે અને તેથી નજીવું પણ પાણીનું કદ ઘટે છે અને તેથી જ કવિએ તડકાને કૂંડીમાંથી જલપાન કરતો કલ્પ્યો છે. આ વર્ણનને કાવ્યત્વનું હીર ગણવું પડે, કેમકે અહીં કવિએ એક સામાન્ય ઘટનાને અસામાન્ય તરીકે વર્ણવી છે. હવે મારિયા સાથેનાં તડકાનાં ટીખળો ખરે જ માણવા જેવાં છે. પરંતુ એ પહેલાં કવિએ રમૂજભરી રીતે મારિયાને તેની ખુરશીમાં ઝોકાં ખાતી બતાવી છે. ગ્રીષ્મના ઢળતા દિવસે કોઈકવાર પવનની મંદ લહેર આવી જતાં કોઈપણ ઈસમ ઝોકું ખાઈ લે એ વાસ્તવિકતાને કવિએ અહીં ઉજાગર કરી છે.

અહીં આપણને તડકાની મારિયા સાથેની ચેષ્ટાઓ નાના બાળકની ચેષ્ટાઓ જેવી નિર્દોષ છતાંય અટકચાળા ભરી લાગશે. પડોશમાંના કોઈ બાળકની જેમ પ્રથમ તો એ તડકો મારિયાના ઘરમાં ડોકિયું કરી લે છે અને તેને ખુરશીમાં ઊંઘતી ઝડપી લે છે. આમ છતાંય તડકો પોતાનું શાણપણ એ રીતે બતાવે છે કે મારિયાની ઊંઘમાં ખલેલ પડે નહિ અને તે પોતાની રીતે માત્ર પોતાના પૂરતા આનંદ માટે તેની સાથે થોડીક ગમ્મત માણી લે. સૂર્યનાં એકદમ ત્રાંસાં કિરણો એની દાહકતાને ગુમાવતાં હોઈ એ તડકો કૂણો બને છે અને આમ પોતાની હળવી હથેળીઓથી એ મારિયાના ગાલોને સ્પર્શ કરી લે છે અને તેના કાનમાં ગૂસપૂસ પણ કરી લે છે.

કાવ્યસમાપને આવતાં કવિ વાચકને પણ હળવેકથી તડકાથી દૂર કરી દે છે. એ તડકો જાણે કે કોઈ ગાન ગણગણતો હોય તેમ હાથ હલાવતો રોજિંદા ક્રમ મુજબ પશ્ચિમ દિશા તરફ બિન્દાસ્તપણે સરકી જાય છે. કાવ્યની આ આખરી પંક્તિઓ એવી ધારદાર રીતે રજૂ થઈ છે કે તડકો ભલે ને આંખથી ઓઝલ થઈ જતો હોય, પણ ભાવકના દિલોદિમાગ ઉપર એક ઊંડી અસર છોડી જાય છે. કાવ્ય પૂરું થતાં ભાવક થોડાક સમય સુધી કાવ્યની ઘટનાઓને મનમાં મમળાવ્યે જાય છે અને કાવ્યરસથી તૃપ્ત થઈ જતાં એવો અકથ્ય આનંદ અનુભવે છે કે જે આનંદને કાવ્યમીમાંસકોએ *‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ તરીકે ગણાવ્યો છે.

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)
[*‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ = બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર)]

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું! - My wife knows this affair too (5)

My wife knows this affair too


When the new month gives a thrustshe meets me on the first
hugs me with all her heart
with all her lust and feminine art.

My wife knows this affair toothat I love her and do her woo
she envies not sure our closeness
though she is far behind in race.

We do court at public placesnever in a suite with closed sashes
she offers her wings for a long drive
on the sea-shore, at the archive.

Nothing misses her observant eyesshe compensates all my sighs
Oh! Her departure brings tears to me
I stand dumb like a leafless tree.

She fuels my journey and dreams toopours in some wine old from Timbactoo
her presence lingers in my reverie
mistake me
not , it’s my salary…

– Mukesh Raval
(Pots of Urthona – A Collection of Poems)

* * *

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું!
(
અછાંદસ)


નવીન માહ આવી જ્યારે પુગતો,
પ્રથમ દિને જ એ અચૂક આવી મુજને મળતી
અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને,
નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે!

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું,
કે ન ચાહું માત્ર એને, પ્રણયઆરાધન પણ કરું!
ન તો અવ નૈકટ્યે કદીય ઈર્ષાગ્નિએ એ પ્રજળતી,
હતી દૂરસુદૂર તોયે નિજ શોક્યસંગે પ્રણયદોડ મહીં!

જાહેર સ્થળોએ બિન્દાસ્ત અમે એકમેકને મળતાં,
નહિ કે કો’ દબદબાપૂર્ણ ફરેડીબંધ કમરા મહીં જ!
વળી અર્પંતી તે કાર્યાલયે, ઊડવા કાજ નિજ પાંખો મુજને,
કાપવા કાજે દીર્ઘ મજલ સમદરતટ ઉપરે!

કશુંય ન ચુકાય એનાં સચેત લોચન થકી, અને
શમન કરી દેતી મુજ સકળ નિસાસા તણું ત્વરિત!
અરે, વસમું પ્રયાણ તેનું છલકાવે મુજ ચક્ષુ અશ્રુ થકી,
અને રહી જાઉં હું ઊભો, જ્યમ પર્ણવિહીન હોય કો’ તરુવર!

મુજ સફર અને સપનાંને સદા પૂરું પાડે ઈંધણ એ જ વળી તો,
કદીક દંદૂડીય કરી જતી પુરાણી મદિરા તણી સુરાહી મહીંથી!
ઉપસ્થિતિ તદ તણી મુજ કલ્પનાતરંગોને વિલંબતી –
બાંધો ના કો’ ગેરસમજ મુજ વિષે, એ તો છે મારી માહવારી આમદની!!!

* * *

[Timbactoo (Non-dictionary word)ના બદલે અહીં ‘સુરાહી’ (મદિરાપાત્ર) શબ્દ પ્રયોજ્યો છે.]

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)(
પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

રસદર્શન

સામાન્યપણે કાવ્યનું શીર્ષક કાવ્યના વિષયનો ઈશારો કરતું હોય છે અને તેથી ભાવકને તેના વિષેની થોડીક આગોતરી જાણ થઈ શકે. વળી આ શીર્ષકનું અન્ય પ્રયોજન એ પણ હોય છે કે જો તેને ‘જરા હટકે’ આપવામાં આવે તો ભાવકને તેનું પઠન કરવા માટે આકર્ષી શકાય. આમ કાવ્યનું શીર્ષક, એક રીતે જોવા જઈએ તો, મીઠાઈ ઉપરના વરખનું કાર્ય કરે છે. આપણા કવિએ પોતાના મૂળ કાવ્યમાં ‘Affair’ શબ્દ પ્રયોજ્યો છે, જેના માટે ભાવાનુવાદકે લોકઝીભે રમતા ‘લફરું’ શબ્દને પસંદગી આપીને વાચકની જિજ્ઞાસાવૃત્તિને સતેજ કરી છે. ‘મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું!!!’ શીર્ષકમાં ભાર્યા કહેતાં પત્ની પણ કાવ્યનાયકના એ લગ્નેતર પ્રણય-લફરાને જાણે છે એવું દર્શાવી દઈને કવિએ વાચકને કાવ્ય વાંચવા માટે મજબૂર કરવાની બાબતમાં અર્ધું મેદાન તો સર કરી જ દીધું છે.


અહીં લખાઈ રહેલા રસદર્શન પૂર્વે વાચકોએ મૂળ કાવ્ય અને તેનો ભાવાનુવાદ વાંચી લીધેલાં હોઈ તેમને જાણ તો થઈ જ ગઈ છે કે કાવ્યનાયકનું એ લગ્નેતર લફરું બીજું કોઈ નહિ, પણ તેમની ‘માહવારી આમદની’ એટલે કે ‘Salary’ જ છે; એટલે તેની ગોપનીયતા જાળવવાનો મારા માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. સાહિત્યમાં પ્રયોજાતા આવા લાક્ષણિક ઢબે પોતાના હેતુ પાર પાડવાના સર્જકના કૌશલ્યને ‘Anti Climax Technique’ અર્થાત્ ‘વિપરિત પરાકાષ્ઠાના કૌશલ્ય’ તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધ સાહિત્યપ્રકારો કે જે નવલકથાઓ, વાર્તાઓ, નાટકો, ચલચિત્રો કે કાવ્યો હોય; પણ તેમના અંત ભાવકની તરેહ તરેહની ધારણાઓથી સાવ અનોખી રીતે લાવવામાં આવતા હોય, ત્યારે આ કૌશલ્ય વર્તાય છે. અહીં ‘બીસ સાલ બાદ’ એવા એક જૂના રહસ્યપ્રધાન ચલચિત્રને યાદ કરીએ તો તેમાં પ્રેક્ષકોની કલ્પના બહારનો અંત આવે છે. હવે આ અંતની આગોતરી જાણ મેળવીને કોઈ પ્રેક્ષક એ ચલચિત્ર જોવા જાય તો તેના ખરા આનંદને માણી શકે નહિ. ઘણાં ચલચિત્રો શિષ્ટ (Classsic) હોય તો દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમે એ બધાં સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં આવી શકવા સમર્થ હોય છે અને તેથી જ અહીં એનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે.

કાવ્યારંભે કવિ શૃંગારરસને હળવી રીતે બહેલાવતાં લગ્નેતર લફરાવાળી એ માદક સ્ત્રીનું શબ્દચિત્ર વાચકની નજર સામે આબેહૂબ રીતે ખડું કરી દેતાં કહે છે, ‘અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને, નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે!’ જો કે કવિ કાવ્યાન્તે થનારા રહસ્યોદ્ઘાટનનો સંકેત (Clue) તો એ રીતે આપી દે છે કે એ સ્ત્રી દરેક માસના પહેલા જ દિવસે અને તેમના કાર્યસ્થળે અભિસારિકાની જેમ અચૂક મળવા આવતી હોય છે. કવિની પરણેતરે તેમની લગ્નેતર પ્રિયતમા ‘વો’ સાથેના તેમના અવૈધ સંબંધોને મને કે કમને જાણે કે સ્વીકારી લીધા છે અને તેથી જ તો એ પોતાની કહેવાતી શૌક્યની ઈર્ષા કરતી નથી કે પતિને ખુશ કરવાની હોડ કે સ્પર્ધા પણ કરતી નથી.

આગળ જતાં કવિ આ લફરાને પોતાનું પરાક્ર્મ ગણાવતા હોય એવી રીતે સાવ ખુલંખુલા જાહેર કરે છે કે તેઓ લોકલાજની પરવા કર્યા વગર, માત્ર ચોરીછૂપીથી જ નહિ, પણ ખુલ્લેઆમ એકબીજાંને મળે છે. કવિને તેમના કાર્યસ્થળે એ માશૂકા પોતાની પાંખો આપીને એવું જોમ પૂરું પાડતી હોય છે કે કવિ સમદરતટ ઉપર એક મોટી દોટ લગાવી શકે. વળી એ જ માશૂકાનું એક વિશેષ ગુણાવલોકન કરાવતાં કવિ કહે છે કે તેની આંખોથી તેમની કોઈ વ્યથાઓ છૂપી નથી હોતી અને તેથી જ તો તે કવિની ગમગીનીઓને ત્વરિત દૂર કરી દેતી હોય છે.

આ માશૂકા પરત્વેની કવિની આંધળી આસક્તિ તો જુઓ કે એ જ્યારે કેટલાક સમય સુધીનું સાન્નિધ્ય પૂરું પાડ્યા પછી વિદાય લેતી હોય છે, ત્યારે તેમની આંખો અશ્રુથી છલકાઈ જતી હોય છે અને પાનખર ઋતુના વૃક્ષની જેમ તેઓ સાવ ઉદાસ ઊભા રહી જતા હોય છે. આમ કવિના જીવનની સફર અને તેમનાં સ્વપ્નોને સાકાર કરવા માટે બધી રીતે સહાયરૂપ થતી એ માશૂકાના ચરિત્રચિત્રણને રસાળ શૈલીએ વાચક આગળ મૂકતા જતાં અચાનક તેમની સઘળી વાતને ફેરવી તોળીને એ સહજ રીતે એ વાત સરકાવી દે છે કે વાચકોએ પોતાની એ માશૂકા વિષે કોઈ ગેરસમજ બાંધવાની જરૂર નથી; એ માશૂકા તો અન્ય કોઈ નહિ, પણ પોતાની દર મહિનાની પહેલી તારીખે મળતી પોતાની માહવારી આમદની (Salary) જ છે! કાવ્યની આ આખરી પંક્તિ વાચકમુખે ‘આફરિન, આફરિન’ બોલાવવા સમર્થ પુરવાર થાય છે.

કુશળ સાહિત્યકાર કે વક્તા આવી ‘વિપરિત પરાકાષ્ઠા’ને બોલચાલનાં વાક્યો કે એવાં કથનોમાં પણ લાવી શકે છે. આવાં બોલાતાં વાક્યોનો પૂર્વાર્ધ શ્રોતાને કોઈ એક દિશા તરફ લઈ જતો હોય અને એ વાક્ય પૂરું થવા પહેલાં ધારણા બહારનું કંઈક નવું જ આવી જાય. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના હાસ્યલેખકોનાં ઘણાં અવતરણો એકત્ર કરી શકાય, કેમ કે આપણું ગુજરાતી હાસ્યસાહિત્ય કંઈ ઓછું સમૃદ્ધ તો નથી જ. પરંતુ અહીં વૈવિધ્યને ખાતર અંગ્રેજી સાહિત્યનાં થોડાંક અવતરણો આપવાના મારા થનગનાટને હું નિયંત્રિત નહિ કરું.

લ્યો ત્યારે માણી લો, એવાં થોડાંક ઉદાહરણો; (૧) દોસ્તી એક એવો પવિત્ર અને લાગણીસભર સંબંધ છે કે જેમાં માધુર્ય, સાતત્ય, સ્થિરતા, વફાદારી અને સહિષ્ણુતા ભારોભાર હોય છે; જે એ સંબંધને જીવનભર ટકાવી રાખે છે, સિવાય કે કોઈ એક અન્યની પાસે ઊછીનાં નાણાંની માગણી કરે! (માર્ક ટ્વેઈન) (૨) માત્ર ‘ઈશ્વર જ ક્યાંય જોવા નથી મળતો’ એટલું જ નથી, કોઈ અઠવાડિક રજાના દિવસો (Weekends) એ પ્લમ્બરને મેળવવાનો પણ પ્રયત્ન કરી જોજો. (વૂડી એલન) (૩) ‘ઓહ, બિચારા મિ. જોન્સ!’ મિસિસ સ્મિથે અફસોસ વ્યક્ત કરતાં વળી આગળ કહ્યું, ‘તમને ખબર છે, એમને શું થયું હતું? એ બિચારા નિસરણીના ઉપરના પગથિયેથી લપસ્યા અને સીધા જ ભોંયતળિયે પટકાયા, એમનું માથું ફૂટ્યું અને સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા!’ મિસિસ રોબિન્સનને આ સાંભળીને આઘાત લાગ્યો અને તે પૂછી બેઠાં, ‘મરી ગયા?’ મિસિસ સ્મિથે ભારપૂર્વક જણાવતાં કહ્યું, ‘હા, હા, મરી ગયા! અને એમનાં ચશ્માં પણ ફૂટી ગયાં!’

સુજ્ઞ વાચકોએ પ્રોફેસરશ્રીનાં કાવ્યોનાં અત્યાર સુધીનાં મારાં રસદર્શનોમાં એક વાત નોંધી હશે કે હું મારા લખાણમાં વિષયને સંલગ્ન કોઈ વિશેષ બાબતો લખતો હોઉં છું. એમ કરવા પાછળનું મારું તાત્પર્ય એ હોય છે કે રસદર્શનની સાથેસાથે વાચકોને કંઈક વિશેષ જાણવા મળી રહે અને તેમાંની વિષયને અનુરૂપ માહિતીથી મૂળભૂત કથનને સમર્થન પણ મળી રહે.

સમાપને એટલું જ કહેવું મુનાસિબ ગણીશ કે ઉપરોક્ત કાવ્ય મુકેશભાઈના Pots of Urthona કાવ્યસંગ્રહમાંનું આખરી કાવ્ય છે. આપણે માની જ લઈએ કે તેમનું સર્જનકાર્ય ચાલુ જ હશે અને નવીન કાવ્યસંગ્રહ માટે તેમની પાસે પૂરતી સામગ્રી હાથવગી હશે જ. આપણે જરૂર ઇચ્છીએ કે તેઓશ્રી પોતાનો નવીન કાવ્યસંગ્રહ શીઘ્રતમ બહાર પાડીને પોતાની યશપાઘડીમાં એક વધુ પીછાનો ઉમેરો કરે.

રહસ્યમય અને હળવા હાસ્યે વિરમતા સુંદર કાવ્ય બદલ શ્રી મુકેશભાઈને ધન્યવાદ.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)(
પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

$$$$$$