21મી સદીનું વેર
પ્રકરણ - 30
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
બીજા દિવસે સુનિલ મનિષ અને પ્રિયા 12-30 વાગે કિશનની હોટલ પર પહોંચ્યા ત્યારે કિશન વેઇટીંગ એરીયામાં તેમની રાહ જોઇને જ બેઠો હતો. કિશન ત્રણેયને વારાફરતી ભેટ્યો. ત્યારબાદ બધા કિશનની રૂમ પર ગયા અને ફ્રેસ થઇ જમ્યા. જમીને રૂમ પર આવ્યા ત્યાંજ ઇશિતાનો ફોન આવ્યો કે “હું ફ્રી થઇ ગઇ છુ”. એટલે કિશન બાઇક લઇને ઇશિતાને લઇ આવ્યો. ઇશિતા બધાને ઘણા સમય પછી મળતી હોવાથી ખુબ જ ભાવ વિભોર થઇ ગઇ. અને તે પ્રિયા ભેટી ત્યારે તો તેની આંખમાં આંસુ આવી ગયા.
આ જોઇ મનિષ બોલ્યો “ઇશિતા, તું તો પ્રિયાને ભેટીને એ રીતે રડે છે જાણે તારી અત્યારે સાસરે વિદાય થતી હોય. ”
આ સાંભળી બધા હસી પડ્યા.
“ઇશિ, તારૂ હવે પછીનું શું સિડ્યુલ છે?” કિશને પુછ્યુ.
“ હવે શનિ-રવિ હું ફ્રી છુ. મારા મેડમ પાસે થી બે દિવસની રજા લઇ લીધી છે. ”
કિશને કહ્યુ “ એ સારૂ કર્યુ. તો તો હવે બે દિવસ આપણે ફુલી એંજોય જ કરવાનુ છે. ”
ત્યારબાદ કિશને બધાને પુછ્યુ “ બોલો હવે બે દિવસ નો શું કાર્યક્રમ છે?”
આ સાંભળી પ્રિયાએ કહ્યુ “ એક કામ કરીએ સાપુતારા જઇએ. ”
મનિષે કહ્યુ “ સાપુતારા તો હિલસ્ટેશન સિવાય કંઇજ નથી. અને અહીથી જવા આવવામાં સમય પણ ઘણો થાય. તેના કરતા દમણ જઇએ. ”
કિશને કહ્યુ “દમણ તો બધા દારૂ પીવાજ જાય છે ત્યાં આપણે જઈને શુ કરશું?”
આ સાંભળી સુનિલે કહ્યુ “ ના ખાલી એવુ જ નથી. હું એકવાર જઇ આવેલો છું. ત્યાં બિચ પણ ખુબ સરસ છે. અને મારા જેવાને બિઅર પણ મળી રહે. તમારી સાથે તો તમારી ગર્લફ્રેંડ છે એટલે કંપની મળી રહેશે. મારા જેવાને જો બિઅરની કંપની મળતી હોય તો તેમાં શું તમને શુ વાંધો છે?”
આ સાંભળી બધા હસી પડ્યા. અને દમણ જવાનું નક્કી કરી બધા કલાક પછી હોટલમાંથી નિકળ્યા. મનિષની સ્વિફ્ટમાં મનિષ અને પ્રિયા આગળ બેઠા અને કિશન ઇશિતા અને સુનિલ પાછળની સીટ પર બેઠા. મનિષે મોબાઇલમાં ગુગલ મેપ માં દમણનું ડાયરેક્શન સેટ કરી દીધુ એટલે રસ્તો શોધવાની કોઇ માથાકુટ ન હતી. ઘણા સમયે મિત્રો એક સાથે મળી રહ્યા હતા તેથી બધા જ ખુશ હતા. આમને આમ ધમાલ મસ્તી કરતા કરતારસ્તો કપાતો રહ્યો અને વલસાડ ની આગળ પહોચી ગયા. ત્યાંથી આગળ ઉદવાળા ગામ પાસેથી ફાટક ક્રોસ કરી કાર દમણ તરફ દોડવા લાગી. ત્યાંથી દમણ નજીકજ હોવાથી બધા મિત્રો અડધા કલાકમાં દમણ પહોંચી ગયા.
દમણમાં દાખલ થઇને ચેકપોષ્ટ વટાવતાજ રોડની બન્ને બાજુ બાર આવેલા છે. મનિષે “આશિષ બાર” પાસે સ્વિફ્ટ પાર્ક કરી એટલે બધા નીચે ઉતર્યા અને બારમાં દાખલ થયા. કિશન ઇશિતા અને પ્રિયા બારની પાછળ આવેલ ગાર્ડનમાં જઇને બેઠા. મનિષ અને સુનિલ થોડીવાર બાદ બે બિઅર અને ત્રણ કોલ્ડ્રીક્સની બોટલ લઇને આવ્યા.
એટલે કિશને કહ્યુ “કેમ, બે બિઅર લાવ્યા?”
સુનિલે કહ્યુ “ મારા અને મન્યા માટે બિયર અને તમારા ત્રણેય માટે કોલ્ડ્રીંક્સ. ”
આ સાંભળી પ્રિયા એ કહ્યુ “ મનિષ, તું બિયર પીવે છે એ તો તે મને ક્યારેય કહ્યુજ નથી. ”
આ સાંભળી મનિષે કહ્યુ “ અરે યાર આ તો હું ચાર વર્ષે પી રહ્યો છુ. હુ કંઇ રેગ્યુલર પીતો નથી. ”
હવે બધાનુ ધ્યાન પ્રિયા તરફ હતુ કે પ્રિયા શું કહે છે.
“તુ કયારેક એંજોય કરે તેનો મને કોઇ પ્રોબ્લેમ નથી. પણ તે મને કહ્યુ હોત તો પણ હું કંઇ તને ના નહોતી પાડવાની. ”
વાતાવરણ થોડુ ગંભીર થઇ જવાથી સુનિલે કહ્યુ “ જોયુ ગર્લફ્રેંડના ગેરફાયદા. મને કોઇ નહી પુછે કે તુ શું કામ પીવે છે?”
કોઇ કંઇ બોલ્યુ નહી એટલે ઇશિતાએ કહ્યુ “ એવુ નથી અમને લોકોને તમારી આ ઓકેશનલી મજા સામે કોઇ વાંધો નથી. પણ અમે જ્યારે કોઇને પ્રેમ કરીએ છીએ ત્યારે તેના પર સંપુર્ણ વિશ્વાસ મુકી દઇએ છીએ. પણ જ્યારે આ વિશ્વાસ તુટે,ભલે તે સાવ નાની બાબત કેમ ન હોય પણ ત્યારે અમને ખુબ દુઃખ થાય છે. અમે તમારી સાત ભુલો માફ કરી શકીએ પણ તમે એક પણ વસ્તુ અમારાથી છુપાવો તે સહન ન કરી શકીએ. હુ આ વાતમાં પ્રિયા સાથે સંમત છુ કે તારે તેને પહેલા વાત કરવીજ જોઇતી હતી. ”
આ સાંભળી મનિષ પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો અને પ્રિયા પાસે જઇ અને બન્ને હાથે કાન પકડી અને બોલ્યો “પ્રિયા, આઇ એમ રીયલી સોરી. ” તને પસંદ ન હોય તો હું નહી પીવ બસ. ”
આ સાંભળી પ્રિયા ઉભી થઇ મનિષને ભેટી પડી. અને બોલી ના તુ એંજોય કર મને કોઇ વાંધો નથી. પણ હવે પછી મારાથી કોઇ વાત છુપાવતો નહી. ”
“એલા હું પણ પિવાનું વિચારતો હતો પણ તારી સ્થિતી જોઇ મારી તો બોલતી જ બંધ થઇ ગઇ” કિશને કહ્યુ.
આ સાંભળી બધા હસી પડ્યા. અને ફરીથી બધા મસ્તીના મુડમા આવી ગયા.
ત્યારબાદ બધા ત્યાંથી નીકળી દામકા બીચ પર ગયા. અને ત્યાં આવેલી હોટેલ “અશોકા”માં બે રૂમ બુક કરાવ્યા. એક રૂમ પ્રિયા અને ઇશિતા માટે જ્યારે બીજો રૂમ કિશન,મનિષ અને સુનિલ માટે બુક કરાવ્યો. બધા રૂમમાં જઇ ફ્રેસ થઇ અડધા કલાકમાં નીચે ભેગા થયા. અને ત્યાંથી જામપોર બીચ ગયા. આ બીચ દમણના સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેંદ્ર છે. કેમકે આ બીચ પર ઝુપડાઓમાં નાસ્તા અને ડ્રીંકની દુકાનો છે જેની બાજુમાં ખુરશીઓ મુકેલી હોય છે. જ્યાં બેસી સહેલાણીઓ ડ્રીંક પીતા પીતા દરીયાની મજા માણી શકે છે. કિશનને એ લોકો જામપોર બીચ પહોચ્યા ત્યારે સાંજ થઇ ગઇ હતી. બધા ત્યાં પડેલી ખુરશીમાં ગોઠવાયા એટલે મનિષ અને સુનિલ બધા માટે કોલ્ડ્રીંક અને બિયર જે જોઇએ તે લાવ્યા. અને બધા વાતો એ વળગ્યા.
કિશને કહ્યુ “સુનિલ યાર તે કોઇને અમદાવાદમાં પસંદ કરી કે નહી?”
આ સાંભળીને સુનિલના ચહેરા પર ઉદાસીનતા આવી પણ તે તરતજ સાવચેત થઇ ગયો અને હસતા હસતા બોલ્યો “ ના, યાર મારા નસીબ કયાં તારા જેવા છે? કે બ્યુટીક્વીન સામેથી પ્રપોઝ કરે. ”
કિશનના ધ્યાનમાં આવી ગયુ કે સુનિલ કંઇક છુપાવે છે. પણ તે કંઇ બોલ્યો નહી.
ઇશિતાએ કહ્યુ “પ્રિયા તે તારા ઘરે વાત કરી કે નહી મનિષ વિશે?”
“ના, યાર મારીતો હિંમત્ત જ નથી થતી એ કહેવાની. ”
“ કહીદે યાર તારા મમ્મી પપ્પા તો ચોક્કશ માની જશે. ખોટુ મોડુ કરવામાં કયારેક વાત બગડી જાય છે. તમે નસીબદાર છો કે તમારે અમારા જેવા કોઇ પ્રોબ્લેમ નથી. ” ઇશિતાએ કહ્યુ.
“હા યાર હવે આ વખતે રજામાં ઘરે જાવ એટલે વાત કરીજ દેવી છે”
આ સાંભળી મનિષ બોલ્યો “ એવુ તું કેટલા સમયથી કહે છે. હું તો તને કહું જ છુ કે એવુ હોય તો હું તારી સાથે આવુ અથવા મારા મમ્મી પપ્પાને મોકલું. ”
“ના યાર એવુ કરીશુ તો મારા મમ્મી પપ્પાને ખોટુ લાગશે કે તેની દિકરી વકિલાત કરવા માટે બહારના વ્યક્તિને લાવી. હું પહેલા મારા મમ્મી પપ્પાને કહિશ પછી એવુ લાગશે તો તને મળવા બોલાવિશ. ”
કિશને કહ્યુ “ મનિષ પ્રિયાની વાત સાચી છે. પોતાની દિકરીની કોઇ ખાસ વાત બીજાને પોતાની પહેલા ખબર હોય તે કોઇ પણ મા-બાપ ને ન ગમે. એટલે પહેલા પ્રિયાને એકલીને જ વાત કરવા દે. ”
અત્યાર સુધી શાંતિથી સાંભળતા સુનિલે કહ્યુ “કિશન, તુ અને ઇશિતા શું કરવાના છો એ કંઇ વિચાર્યુ છે? મનિષનો એટલો મોટો પ્રોબ્લેમ નથી. પણ તમારા બન્ને મા સામાજીક અને આર્થિક બન્ને રીતે પ્રોબ્લેમ આવશે?”
આ વાત બધાના મનમાં હતી પણ કોઇ કહેવાની હિંમત્ત નહોતુ કરતુ. સુનિલે તે વાત શરૂ કરતા બધા થોડીવાર ચુપ થઇ ગયા. હવે બધાનુ ધ્યાન કિશન અને ઇશિતા તરફ હતુ. કે બે માંથી કોણ જવાબ આપે છે.
થોડીવાર બાદ કિશને જ કહ્યુ “ અમે કાલેજ નક્કી કર્યુ છે કે ઇશિતાનુ એમ. એસ. ડબલ્યુ પુરૂ થાય એટલે ઇશિતા તેના ઘરે વાત કરશે. પછી જોઇએ કે શુ થાય છે. હવે અમે પણ આ પરિસ્થિતીથી કંટાળી ગયા છીએ. ”
આ સાંભળી મનિષે કહ્યુ “ કિશન, પણ જો ઇશિતાના પપ્પાને તમારો સંબંધ મંજુર નહિ હોય તો પછી ઘણી બધી મુશ્કેલી આવશે તારા પર. અને પહેલા તો તમારા બન્નેનુ મળવાનુ જ બંધ થઇ જશે. એ વિશે કંઇ વિચાર્યુ છે. ”
બધા કિશનના જવાબની રાહ જોતા હતા ત્યાં ઇશિતાએ કહ્યુ “ હા, એ અમને ખબર છે. પણ હવે ગમે તે થાય આ પરિસ્થિતી વધારે સમય ખેંચી શકાય એમ નથી. અને જે પણ થાય એકવાત નક્કી છે કે અમે બન્ને એકબીજાથી દુર રહી શકીએ એમ નથી. એટલે જે પણ પરિસ્થિતી આવશે તેનો મળીને સામનો કરીશુ પણ હવે અમે બન્ને એક થઇને રહિશુ. ”
ઇશિતાની વાતમાં જે મક્કમતા હતી તે જોઇ સુનિલ બોલ્યો “ કિશન તુ ખુબ નસીબદાર છે યાર કે તને ઇશિતા જેવી પ્રેમ કરવાવાળી છોકરી મળી. ”
મનિષે કહ્યુ “ આ બધામાં અમે હંમેશા તમારી સાથે છીએ એ યાદ રાખજો. ”
ત્યારબાદ અંધારૂ થઇ જતા બધા ત્યાંથી નીકળી “દમણ સુપર સ્ટોર” પર ગયા ત્યાં બધી એંટીક વસ્તુઓ તથા કસ્ટમમાંથી આવતી વસ્તુઓ હતી. થોડીવાર તે બધી વસ્તુ જોઇને પછી બધા ત્યાંથી નીકળી ફરીથી હોટલ પર આવ્યા અને હોટલની નીચે આવેલ રેસ્ટોરંટ કમ બારમાં જમ્યાં.
જમ્યાબાદ કિશને કહ્યુ “ચાલો સામે બીચ પર જઇને બેસીએ. ”
સુનિલે કહ્યુ “એલા ભાઇ હજુ બીચથી ધરાયો નથી. તમે જાવ હું તો મારી આ બિયર સાથે રૂમ પર જઉ છું. ” એમ કહી તે તો રૂમ તરફ જતો રહ્યો.
એટલે મનિષે કહ્યુ “કિશન તમે બન્ને જાવ અમે પણ રૂમ પર જ જઇએ છીએ. ” એમ કહી તેણે કોઇ ને ખબર ન પડે એમ કિશન સામે આંખ મારી. એટલે કિશન તેનો મતલબ સમજી ગયો અને ઇશિતાનો હાથ પકડી બિચ તરફ ચાલવા લાગ્યો. 200 મીટર ચાલતાજ બિચ આવી ગયો એટલે કિશન અને ઇશિતા એ બુટ ચપલ કાઢી નાખ્યા અને ખુલ્લા પગે આગળ ચાલવા લાગ્યા. બિચની ભિની રેતીનો સ્પર્શ બન્નેને મુડમાં લાવવા માટે પુરતો હતો. થોડે આગળ જઇ બન્ને બેઠા એટલે ઇશિતાએ કિશનના ખભે માથુ મુકી દીધુ અને બન્ને દરીયાના મોજોને જોતા રહ્યા. થોડીવાર બાદ ઇશિતા બોલી “ કિશુ જિંદગીમાં આવી ગમતી પળો જિવવા માટે કેટલી બધી અણગમતી જીંદગી જીવવી પડે છે. ”
કિશન કંઇ જ બોલ્યો નહી બન્ને એમજ બેઠા બેઠા મનગમતા સપના જોવામાં મશગુલ થઇ ગયા.
ત્યાં કિશનના મોબાઇલની રીંગ વાગી કિશને જોયુ તો નેહાનો ફોન હતો. નેહા એ કહ્યુ “કિશનભાઇ તમે તો સુરત જ રહી જવાના છો કે શું?
“ના ના આતો તારા માટે કોઇ સારો છોકરો શોધુ છુ એટલે વધારે દિવસ થઇ ગયા. ”
“હવે જવાદો ને મારા માટે ભાભી શોધતા હશો એટલે જ આટલા દિવસ થઇ ગયા છે. મળી કે નહી કોઇ?”
“અરે મારા જેવા લબાડને કોણ છોકરી પસંદ કરે? એતો જેના ભાગ્ય ફુટેલા હશે તેજ કોઇ દિવસ મને પસંદ કરશે. ” એમ કહી કિશને ઇશિતા સામે આંખ મારી એટલે ઇશિતાના મોઢા પર સ્માઇલ આવી ગયુ.
“અરે કિશનભાઇ એ તો જેણે સારા વ્રત કરેલા હશે ને તેને જ તમારા જેવો છોકરો મળશે. મારા ધ્યાનમાં છે એક છોકરી મે તમને ગિફ્ટ આપવાની કિધી છેને તેને મળજો. તે ખુબ સરસ છોકરી છે. ”
“ના મારે હજુ હમણા કોઇને મળવુ નથી. હું ખાલી તેને તારી ગિફ્ટ પહોચાડી દઇશ. ”
ત્યાર બાદ કિશને કહ્યુ “શું બીજુ કંઇ નવીનમાં છે કે અમસ્તો જ ફોન કરેલો?”
નેહાએ કહ્યુ “હા, શિખરભાઇનો ફોન હતો તે કેસ વિશે પુછતા હતા. મે તેને કહ્યુ કે કિશનભાઇ તમારા કેસ માટેજ સુરત ગયા છે. ”
“ હા શિખરને કહેજે એકાદ અઠવાડીયામાં તેના કેસ નો કંઇક નિકાલ આવી જશે. ”
“ગણેશભાઇના કંઇ સમાચાર નથી. તમે કહ્યુ હતુ તેમ તેને પૈસા પહોચાડી દીધા હતા પણ તે પછી તેના કંઇ સમાચાર નથી. ”
“ હા કંઇ વાંધો નહી મે તેને એક કામ સોપેલુ છે. હું તેની સાથે વાત કરી લઇશ. ”
ત્યારબાદ કિશને ફોન મુકી દીધો.
કિશન અને ઇશિતા ઉભા થયા અને એકબીજાનો હાથ પકડી બિચ પર ચાલવા લાગ્યા. વચ્ચે ક્યારેક મોજુ પગ પલાડી જતુ. આમને આમ તે લોકો થોડા આગળ ગયા ત્યાં સંપુર્ણ અંધારૂ હતુ. કિશન થોડુ ચાલીને પછી ઉભો રહ્યો અને પછી કહ્યુ “ઇશિ, અહી બેસીએ” એમ કહી કિશન તો ત્યાં રેતીમાં સુઇ જ ગયો. એટલે ઇશિતા પણ તેની બાજુમાં કિશનની છાતી પર માથુ રાખીને સુઇ ગઇ.
કિશને કહ્યુ “ઇશિ,આ દરીયાનું ,મને નાનપણથીજ આકર્ષણ છે. મારા પપ્પા મને સોમનાથ લઇ જતા ત્યાં મંદિરની પાળી પરથી દરીયો જોતા જોતા હું પપ્પા પાસેથી સોમનાથની વાર્તા સાંભળતો અને કલાકો ત્યાં બેસી રહેતો. પપ્પાએ મને ધરારથી ઉંચકીને લઇ જવો પડતો ત્યારે જ હુ ત્યાંથી જતો. આને તું દરીયા પ્રત્યેનું ગાંડપણ પણ કહી શકે. ”
ત્યારબાદ કિશન અને ઇશિતા એમ જ ઘણીવાર સુધી સુતા રહ્યા.
ત્યારબાદ કિશને કહ્યુ “ઇશિ, તુ કેમ કંઇ બોલતી નથી. તુ મને થોડી બદલાયેલી લાગે છે. ”
ઇશિતા બેઠી થઇ એટલે કિશને ઇશિતાના ખોળામાં માથુ મુકી દીધુ.
થોડીવાર બાદ ઇશિતા બોલી “ કિશુ, યાર હવે મને ડર લાગે છે કે જો મારા પપ્પા નહિ માને તો હુ તારા વિના નહી રહી શકુ. ”
આ સાંભળી કિશન પણ બેઠો થઇ ગયો. અને ઇશિતાનો હાથ પકડીને બોલ્યો. ”ઇશિ, હવે આ દુનિયાની કોઇ તાકાત આપણને અલગ કરી શકે એમ નથી. અને હવે આ તારો કિશુ પહેલા જેવો નથી. હવે આ કિશન તારા માટે ગમે તેની સાથે લડવાની તાકાત ધરાવે છે. તુ જો જે એક દિવસ હું તને મારી બનાવીનેજ રહિશ. ” એમ કહી કિશને ઇશિતાના હાથ પર કિસ કરી.
ઇશિતાનુ એક આંસુ કિશનના હાથ પર પડ્યુ એટલે કિશને ઇશિતાને પુછ્યુ “ઇશિ, તુ રડે છે?”
ઇશિતાએ કહ્યુ “ કિશુ, આ તો ખુશિના આશુ છે. તારા જેવો પ્રેમી અને મિત્ર મને મળ્યો એ બદલ ભગવાનનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. અત્યારે તો જમાનો મજા કરીને છુટા પડી જવાનો છે ત્યાં જિંદગીભર સાથ નિભાવવાની વાત જ કયા કરવી. તારા જેવા માણસો બહુ થોડા હશે દુનીયામાં. તે હજુ સુધી મારો કોઇ ગેરલાભ ઉઠાવ્યો નથી. તારા મિત્રો તારી સામેજ મજા કરે છે છતા તે હજુ સુધી લીમીટ ક્રોસ કરી નથી. ” મનિષે કિશન સામે આંખ મારી તે ઇશિતાએ જોઇ લીધુ હતુ એટલે ઇશિતાને ખબર હતી કે તેનો મતલબ શુ છે.
ઇશિતા થોડુ રોકાઇને આગળ બોલી “આપણા લગ્ન થશે કે નહી તે નક્કી નથી છતા તે મારી સાથે એક હદથી વધુ છુટછાટ લીધી નથી એવુ આજના જમાનામાં કેટલા કરી શકે અને ખાસ ત્યારે જયારે પુરતી છુટ અને એકાંત હોય ત્યારે. ”
આ સાંભળી કિશને ઇશિતાને પોતાન તરફ ખેંચી અને ભેટી પડ્યો અને બોલ્યો “ જો ઇશિ, હું શરીર સંબંધ બાંધવાને ખરાબ માનતો નથી. બે વિજાતિય વ્યક્તિ વચ્ચે લાગણી હોય એટલે તે વ્યક્ત કરવા માટે ઘણી વખત આવો સંબંધ બંધાતો હોય છે. હું કાંઇ સંત નથી મને પણ ઘણી વખત મન થઇ જાય છે. પણ જે વસ્તુ મારી જ છે તેને યોગ્ય સમયેજ ઉપયોગમાં લેવાય તો તેની મજા કાંઇક અલગ જ હોય છે. તુ આખીજ મારી છો પછી તેમા તારૂ શરીર અને મન બન્ને આવી જાય. અને કોણે કહ્યુકે આપણા લગ્ન થશે કે નહી તે નક્કી નથી. તને મારા પર વિશ્વાસ હોયતો લખીલે કે આપણા લગ્ન ચોક્કસ થશે. ”
આ કહી કિશન ઇશિતાને પોતાના તરફ વધારે જોર થી ભીસી અને કાનમાં કહ્યુ “આમનેઆમ રહ્યુ તો હુ પણ લીમિટ ક્રોસ કરી જઇશ. ”
ઇશિતાએ પણ ધીમેથી કહ્યુ “ બધુ તારૂજ છે તારે જ્યારે મન થાય ત્યારે તને બધી છુટ જ છે. ”
ત્યાર બાદ બન્ને છુટા પડ્યા અને ધીમે ધીમે હોટલ તરફ ચાલતા ચાલતા કિશને કહ્યુ “ તુ આમ બહું ઇમોશનલ થઇ જઇશ તો પછી મારે મજાક મસ્તી માટે બીજી ગર્લફ્રેંડ શોધવી પડશે. ”
આ સાંભળી ઇશિતા એ કિશન ચાલતો હતો ત્યાં વચ્ચે પગ નાખ્યો તેને લીધે કિશન આગળ પડતો પડતો રહી ગયો ઇશિતાએ કહ્યુ “ અરે બીજી કોઇની તાકાત છે કે તારી સામે આંખ ઉપાડીને જોવે. કોલેજમાં પણ કોઇની હિંમત્ત નહોતી તો પછી હવે કોણ હિંમત્ત કરવાનુ?”
કિશને થોડા આગળ ચાલી કહ્યુ “ અરે બાપરે આતો ગર્લફ્રેન્ડ છે કે ડોન?
ઇશિતાએ કહ્યુ “ડોનની ગર્લફ્રેંડ છુ”
બન્ને હસી પડ્યા ત્યાં હોટલ આવી ગઇ એટલે બન્ને પોતપોતાના રૂમ પર જઇ ઉંઘી ગયા.
આમને આમ બે દિવસ બધા મિત્રોએ મજા કરી. અને પછી રવિવારે સાંજે મનિષ સુનિલ અને પ્રિયા સુરતથી નીકળી ગયા.
બધા મિત્રોના ગયા પછી કિશન ઇશિતાને તેના ગેસ્ટહાઉસ પર મુકીને રૂમ પર આવ્યો અને કપડા ચેંજ કરી નાઇટ ડ્રેસ પહેરતો હતો. ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી. કિશને જોયુ તો અજાણ્યા નંબર પરથી કોલ હતો. કોલ રીશીવ કર્યો તો સામે છેડે ગણેશ હતો.
તેણે કહ્યુ “ કિશનભાઇ, આપણુ કામ સફળ થઇ ગયુ છે. કાનો આહિર એક તેના કુળદેવીનું લોકેટ સતત પહેરી રાખે છે મે તેમા સ્પાઇ કેમ મુકી દીધો છે. અને તેના પરથી ઘણી માહિતી મળી છે. જેમા મુખ્ય એ છે કે તેને લોકસક્તિ પાર્ટીના વિજયભાઇ વાઘેલા એ તમારો પીછો કરવાનું કામ સોપેલું.
અને પછી કોઇક કારણસર તે કામ છોડીને અમદાવાદ બીજા કામે મોકલી દીધો હતો. ત્યાંથી તે હમણા થોડા દિવસો અગાઉ આવ્યો છે. ”
આ સાંભળી કિશને કહ્યુ “આટલુ તો મને ખબર હતુ. બીજી કોઇ માહીતી મળી છે?”
ગણેશે કહ્યુ “ હા બીજી પણ માહિતી છે પણ તે તમે જાતેજ રેકોર્ડીંગ સાંભળો તો સારુ. હું તમને રેકોર્ડીંગ મેઇલમાં મોકલુ છું. ”
“ ઓકે ચાલ મોકલી આપ હું સાંભળીને તને ફોન કરીશ. ” એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.
ત્યારબાદ કિશને તેના જીમેઇલનુ ઇંન્બોક્ષ ખોલી ગણેશે મોકલેલુ રેકોર્ડીંગ ડાઉનલોડ કર્યુ અને ઇયર ફોન લગાવી રેકોર્ડીંગ સાંભળવા લાગ્યો. જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ અમુક પ્રશ્નોના ઉત્તર મળતા ગયા અને અમુક નવા પ્રશ્નો ઉદભવતા ગયા. રેકોર્ડીંગ સાંભળીને તરતજ કિશને ગણેશને ફોન લગાવ્યો.
ક્ર્મશ:
શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160
Mail id – hirenami. jnd@gmail. com