નવી વાનગીઓ
મીતલ ઠક્કર
ભાગ-3
રીંગણાં- મરચાંનું મજેદાર શાક
સામગ્રી: વઢવાણી મરચાં - 4-5 નંગ, રવૈયાં - 6 નંગ, તેલ - 5 ચમચા, રાઈ - અડધી ચમચી, શાહજીરું - અડધી ચમચી, સમારેલી ડુંગળી - 3 નંગ, લીમડો - 8-10 પાન, તાજું ક્રીમ - 2 ચમચા, આંબલી - થોડી,
પેસ્ટ બનાવવા માટે: તલ - 2 ચમચા, સીંગદાણા - 2 ચમચા, નાળિયેરનું છીણ - 1 ચમચી, લસણ - 6 કળી, આદું - નાનો ટુકડો, કોથમીર - 2 ચમચી, હળદર - પા ચમચી, જીરું - 1 ચમચી,મીઠું - 1 ચમચી, તાજા લીંબુનો રસ - 1 ચમચી.
રીત : એક બાઉલમાં આંબલી ધોઈને દોઢ કપ ગરમ પાણીમાં પલાળી દો. પછી સહેજ છૂંદો કરી દસ મિનિટ માટે પલળવા દો. તલ, સીંગદાણા, કોપરાનું છીણ, આદું, લસણ, કોથમીર, હળદર, જીરું, મીઠું અને લીંબુના રસમાં થોડું પાણી રેડી પેસ્ટ બનાવો. રવૈયાંની લંબાઈમાં ચાર ટુકડા સમારી મીઠું ભભરાવી એક તરફ રાખી મૂકો. આ રવૈયાંને સાફ કપડાંથી લૂછીને કોરા કરો. એક પેનમાં તેલ ગરમ કરો અને ધીમી આંચે દોઢ મિનિટ સાંતળો. મરચાંને તેલમાંથી કાઢી અલગ રાખો. એ જ તેલમાં રવૈયાં નાખો અને મધ્યમ આંચે તે નરમ થાય ત્યાં સુધી સાંતળો. ચપ્પુથી ચેક કરો અને પોચાં થઈ જાય એટલે કાઢી લો. બે ચમચા તેલ ગરમ કરી તેમાં શાહજીરું અને રાઈ નાખો. રાઈ તડતડે એટલે ડુંગળી અને લીમડો નાખો. ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે પેસ્ટ નાખી એક-બે મિનિટ હલાવો. બે કપ પાણી અને આંબલીનો ગાળેલો રસ નાખી સાત-આઠ મિનિટ ઉકળવા દો. લીલાં મરચાં અને રવૈયાં ઉમેરી ધીમી આંચે પાંચ મિનિટ ખદખદવા દો. પછી તેમાં ક્રીમ નાખી સહેજ હલાવી ગેસ પરથી ઉતારી લો. આ શાકને રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.
બ્રેડ ચીઝ બર્ડ
સામગ્રી : ૧ નંગ વ્હાઈટ બ્રેડ, ૧ નંગ બ્રાઉન બ્રેડ, ૧ નંગ બાફેલું બટાકું, ૧ નંગ લીલી ડુંગળી, ૧/૪ વાયોલેટ ચીઝ, ૧/૪ મોઝરેલા ચીઝ, લાંબા કાપેલા લાલ અને પીળા સીમલા મરચાં. ૧/૪ ટે.સ્પૂન ચોકલેટ સૉસ, થોડું બટર.
રીત : બ્રાઉન બ્રેડની સ્લાઈઝને લંબગોળ આકારમાં કાપવી. વ્હાઈટ બ્રેડનો નાનો ટુકડો એવી રીતે કાપો કે જેનાથી પક્ષીની ચાંચનો આકાર આપી શકાય. બ્રેડની સ્લાઈઝ ઉપર માખણ લગાવી લેવું. સીમલા મરચાંને થોડા માખણમાં સાંતળી લેવા. સફેદ રંગની પ્લેટ ઉપર સૌ પ્રથમ લીલા કાંદાને ડાળી તરીકે ગોઠવો. બ્રાઉન બ્રેડથી પક્ષીનું શરીર બનાવી લો. તેની ઉપર વાયોલેટ ચીઝથી પેટ બનાવો. પીળા સીમલા મરચાંને એવી રીતે ગોઠવો કે જે પાંખ બને. સફેદ બ્રેડથી ચાંચનો ઉપરનો ભાગ બનાવો, લાલ સીમલા મરચાંથી ચાંચ બનાવો. સફેદ ચીઝથી તેના પગ બનાવો.
કોબીના કટોરી ઢોકળા
સામગ્રી: અડધો કપ ચણાનો જાડો લોટ, પા કપ બાજરીનો લોટ, પા કપ રવો, ૩ મોટા ચમચા ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ મોટો ચમચો લીંબુનો રસ, ૨ મોટી ચમચી ખાંડ, પા કપ દહીં, ચપટી હિંગ, અડધો કપ હૂંફાળું પાણી, ૧ મોટો ચમચો ફ્રૂટ સોલ્ટ, કોબીના પાન
વઘાર માટે: ૧ મોટો ચમચો રિફાઈન્ડ તેલ, ચપટી રાઈ, ચપટી હિંગ, લીમડાના પાન.
રીત: એક બાઉલમાં ચણાનો જાડો લોટ, બાજરીનો લોટ, રવો, ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, દહીં, લીંબુનો રસ ભેળવીને બરાબર હલાવી લો. તેમાં ફ્રૂટ સોલ્ટ ભેળવીને બરાબર મિક્સ કરો. કોબીના પાનમાંથી નાની નાની કટોરી બનાવી લો. તેમાં થોડું થોડું મિશ્રણ નાંખીને વરાળમાં આઠ-દસ મિનિટ માટે પકાવો. ઢોકળા તૈયાર થઈ જાય એટલે રાઈ, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરો.
લીલા વટાણા- ફુદીનાનો સૂપ
સામગ્રી: ૨ કપ લીલા વટાણા, ૧૦થી ૧૨ નંગ ફુદીનાના પાન, ૧ ટી.સ્પૂન ઑલિવ ઓઈલ, ૧ નંગ મધ્યમ કાંદો, ૨ કળી લસણ, ૧ ટી.સ્પૂન મરીનો પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ કપ વેજિટેબલ સ્ટોક, ૩ નંગ લીંબુની સ્લાઈસ ૧ કપ દૂધ.
રીત: નૉનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ઝીણાં સમારેલાં કાંદા અને ઝીણું સમારેલું લસણ સાંતળો. લીલા વટાણા, મીઠું, મરી પાઉડર ભેળવીને હલાવી લો. દોઢ કપ વેજિટેબલ સ્ટોક નાખીને વટાણાં બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો. થોડું ઠંડું પડે એટલે ગ્રાઈન્ડરમાં એકરસ કરી લો. ફુદીનાના પાન અને જરૂર મુજબ વેજિટેબલ સ્ટોક ઉમેરીને ઘટ્ટ મિશ્રણ બનાવી લો. પૅનમાં મિશ્રણ કાઢીને વળી પાછું ગરમ કરો. તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરો. ઉકળવા લાગે એટલે આંચ બંધ કરો. બાઉલમાં કાઢીને લીંબુની પાતળી સ્લાઈસથી સજાવીને સર્વ કરો.
***
ચાઈનીઝ સોનેરી કચોરી
સામગ્રી: ૨ કપ મેંદો, ૨ ટે.સ્પૂન તેલનું મોણ, ૧ કપ નૂડલ્સ, ૧ નંગ ઝીણો સમારેલો કાંદો, ૧ ટે. સ્પૂન પાતળી કાપેલી કોબી, ૨ ટે.સ્પૂન જાડું ખમણેલું ગાજર, ૨ ટે.સ્પૂન પાતળું કાપેલું સીમલા મરચું, અડધી ટી.સ્પૂન વિનેગર, ૨ ટી.સ્પૂન ટોમેટો સૉસ, ૧ ટી.સ્પૂન ચીલી સૉસ અથવા સોયા સૉસ સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.
પૂરણ બનાવવાની રીત: એક કડાઈમાં જરૂર મુજબ પાણી લો. તેમાં નૂડલ્સ નાખીને ઉકાળી લો. નરમ થાય એટલે તેને એક ચારણીમાં કાઢી લો. ઠંડા પાણીથી ધોઈ લો. એક કડાઈમાં થોડું તેલ લો. કાંદાને સૌપ્રથમ સાંતળી લો. ત્યારબાદ તેમાં કાપેલાં શાકને સાંતળી લો. બાફેલાં નૂડલ્સ, ટોમેટો સૉસ, ચીલી સૉસ, સોયા સૉસ નાખીને સાંતળો. વિનેગર તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર ભેળવી લો. પૂરણને ઠંડું કરો.
પડ માટે: મેંદામાં મીઠું તથા તેલનું મોણ નાંખીને પાણીથી પૂરી જેવો લોટ બાંધો. તૈયાર કરેલા લોટને ૧૦ મિનિટ મલમલના કપડાંથી ઢાંકીને રાખો. મોટો લુવો વણીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી કચોરી તૈયાર કરો. ગરમ તેલમાં ધીમી આંચ ઉપર સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
મેક્રોની-પાસ્તા રોલ
સામગ્રી: ૧ કપ બાફેલી મેક્રોની કે પાસ્તા, ૪ ટે.સ્પૂન ટોમેટો પ્યૂરી, ૧ ટી.સ્પૂન લાલ મરચાંનો પાઉડર, ચપટી અજમો, અડધી ચમચી મરીનો ભૂકો, ૨ નંગ તૈયાર રોટલી, ૧ ટી.સ્પૂન ટોમેટો સૉસ, ૧ નંગ ખમણેલું ચીઝ.
રીત: એક કડાઈમાં ગરમ તેલમાં અજમો નાંખો, ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યૂરી, લાલ મરચું અને મરીનો ભૂકો નાંખીને સાંતળો. જ્યારે તેલ છૂટવા લાગે એટલે તેમાં બાફેલી મેક્રોની અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખીને સાંતળો. પાણી બરાબર બળી જાય એટલે મિશ્રણને ગેસ ઉપરથી ઉતારી લો. એક પ્લેટમાં બનાવેલી રોટલી મૂકો. તેની ઉપર ટોમેટો સૉસ લગાવો. ખમણેલું ચીઝ પાથરો. તેની ઉપર ઠંડું થયેલ મિશ્રણ પાથરો. હળવે હાથે રોલ વાળીને ઑવનમાં ગ્રીલ કરો. રોલ તાજા બનાવવા. મેક્રોનીની સાથે પનીર ભેળવીને મિશ્રણ તૈયાર કરી શકાય છે.
ગાજરનો ગરમાગરમ સૂપ
સામગ્રી: છ નંગ ગાજર, મોટો કાંદો એક, એક ઝૂડી કોથમીર, સે’લરિની એક સ્ટિક, મીઠું (સ્વાદ પ્રમાણે), મરીનો પાઉડર, ૨૫ ગ્રામ બટર અથવા માખણ.
રીત: ગાજર, કાંદો, ક્લર્જીને બરાબર ધોઈને ઝીણાં સમારવા. સૉસ પૅનમાં મિશ્રણ નાખીને પૂરતું પાણી ઉમેરો. ગૅસની ધીમી આંક પર ટુકડા નરમ થાય ત્યાં સુધી ચડવા દો. મીઠું અને મરીનો પાઉડર ઉમેરો. એકરસ થાય પછી જરૂર પૂરતું પાણી ઉમેરો. ગરમાગરમ પીરસો.
મધમીઠી સેન્ડવિચ બ્રેડ
સામગ્રી: બ્રેડ, મધ, પીનટ બટર, ઓપ્શનલ કેળાં
રીત: બ્રાઉન બ્રેડને ગોળ આકારમાં કાપીને વચ્ચેથી પણ ગોળ કાપી ડોનટ આકાર આપો. બ્રેડને તવા પર જરા શેકીને કડક કરો. પછી તેના પર થોડું મધ લગાવો. ત્યારબાદ તેના પર પીનટ બટર ચોપડો. ભાવે અને ઘરમાં હોય તો કેળાંની સ્લાઈસ કરીને મૂકી શકાય. આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને તો ભાવશે જ પણ ઓફિસમાં નાસ્તા માટેય લઈ જઈ શકો.
સ્ટફ રીંગણ
સામગ્રી: બે મોટા રિંગણ, ૧ કપ સફેદ કાંદા બારીક સમારેલા, ૨ નંગ લસણ બારીક સમારેલું, ૧ ટે.સ્પૂન ઓલિવ ઑઈલ, અડધો કપ અખરોટ ઝીણા સમારેલાં, અડધી ચમચી સોયા સૉસ.
ડ્રેસિંગ માટે: ૩ ટે.સ્પૂન મધ, ૧ ટે.સ્પૂન મસ્ટર્ડ સૉસ, ૨ ટે.સ્પૂન રાઈસ વિનેગર.
ટોમેટો સલાડ: ૧૨-૧૫ ચેરી ટોમેટો,૧૦-૧૨ બેઝિલ પાન, ૨ નંગ લીલા કાંદા, ૧/૪ ટી.સ્પૂન સંચળ
રીત: ઑવનને ૩૭૫ ડિગ્રી સેલ્શિયસ ઉપર પ્રિહીટ કરવું. મોટા રીંગણના બે ભાગ કરવા. રીંગણનો અંદરના માવાને હળવેથી કાઢી લેવો, માવાને ઝીણો સમારી લેવો. રીંગણના બહારના ભાગને બેકિંગ ટ્રેમાં ગોઠવવો. એક કડાઈમાં ૧ ટે.સ્પૂન તેલ લેવું. તેમાં ઝીણા સમારેલાં કાદાને સાંતળવા. તેમાં અખરોટના બારીક ટુકડાં નાંખવા. સોયા સૉસ નાંખીને પકાવવું. બૅક કરેલાં રીંગણમાં આ પૂરણ એક સરખું પ્રસરાવી થોડા સમય માટે બૅક કરવું.
ડ્રેસિંગ બનાવવા માટે : એક બાઉલમાં મધ, રાઈસ વિનેગર, મસ્ટર્ડ સૉસ લેવો. તેને બરાબર ભેળવી લેવું.
સલાડ બનાવવા માટે : બીજા એક બાઉલમાં ટોમેટો, બેઝિલ, લીલા કાંદા ઝીણા સમારેલાં લેવા. તેમાં મીઠું નાંખીને એક બાજુ રાખવું. બેક કરેલા રીંગણની ઉપર સલાડ ગોઠવી ડ્રેસિંગ પાથરીને સર્વ કરવું.
પપૈયા બદામ હલવો
સામગ્રી: ૧ નંગ મધ્યમ પાકેલા પૈપયાનો માવો, ૨ ટે. સ્પૂન ઘી, ૪ ટે.સ્પૂન ખાંડ (ખાંડનો ઉપયોગ પપૈયાની મીઠાશ ઉપર કરવો). ચપટી એલચી પાઉડર, ૧ કપ દૂધનો માવો, ૨ ટે.સ્પૂન બદામનો પાઉડર, ૨ ટે.સ્પૂન દૂધનો પાઉડર, ૨ ટે.સ્પૂન સૂકા નાળિયેરનું છીણ, ૧૦ નંગ કાજુના ટુકડાં.
રીત: પાકા પપૈયાની છાલ કાઢીને તેના બી કાઢી લેવા. તેનો માવો બનાવી લેવો. એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખીને પપૈયાના છીણને ૧૦મિનિટ સુધી સાંતળવું. પાણી છૂટે અને રંગ બદલાઈ જાય એટલે આંચ ધીમી કરી લેવી. તેમાં ખાંડ નાંખીને ઘટ્ટ બને ત્યાં સુધી ધીમા તાપે રાખવું. ઘી છુટ્ટુ પડવા લાગે એટલે તેમાં બદામનો ભૂકો, દૂધનો માવો, સૂકા નાળિયેરનું ખમણ, એલચી પાઉડર દૂધનો પાઉડર નાંખીને બરાબર ભેળવી લો. મિશ્રણ ઘટ્ટ બને એટલે તેમાં કાજુના નાના ટુકડા નાંખવા. એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિઝમાં ઠંડું કરવા મૂકવું. ૩૦ મિનિટ બાદ બહાર કાઢીને તેના નાના લાડુ બનાવી સર્વ કરો.
ચોકલેટ બરફી
સામગ્રી: -અઢીસો ગ્રામ ઘઉંનો લોટ, પચાસ ગ્રામ મિલ્ક પાઉડર, પંચોતેર ગ્રામ ખાંડ, પચીસ ગ્રામ ડ્રાયફ્રૂટ્સનો ભૂકો (બદામ-કાજુ વગેરે), -ઘી,એલચી,જાયફળ,કેસર,કન્ડેન્સ્ડ મિલ્ક.
ચોકલેટ સોસ માટે: દસ મિલ્ક ચોકલેટ, એક ટી સ્પૂન ઘી, બદામ-કાજુની કતરણ.
રીત: સૌપ્રથમ ઘઉંના લોટમાં મૂઠી પડતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં. ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડ્રાયફ્રૂટ્સનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો અને કેસરની ભૂકી નાખી, ઉતારી લેવું. પછી ક્ધડેન્સડ મિલ્ક નાંખી, લોચા જેવી મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું. રેફ્રિજરેટરમાં એક કલાક મૂકી ઠંડું કરવું. ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો. પાણી ઊકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં એક ચમચો ઘી નાંખી, ઠરેલી બરફી ઉપર ચોકલેટ સોસ રેડી દેવો. ઉપર બદામ-કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.
મકાઈના લોટના મસાલા પરાઠા
સામગ્રી: ૧ કપ મકાઈનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, ૧ કપ છીણેલો કાંદો, ૧ કપ ગાજરનું છીણ, ૧ કપ છીણેલું ફ્લાવર, સ્વાદાનુસાર મીઠુ, ૧ટે. સ્પૂન આદું-લસણની પેસ્ટ, સાંતળવા માટે દેશી ઘી.
રીત: મકાઈનો લોટ અને ઘઉંના લોટને એક કથરોટમાં લો. તેમાં જરૂર મુજબ તેલનું મોણ ભેળવો. ચપટી મીઠું નાખીની કાંદાનું છીણ, ગાજરનું છીણ તથા ફ્લાવરનું છીણ ભેળવો. આદું-લસણની પેસ્ટ ભેળવી ઘટ્ટ લોટ બાંધી લો. તેના એકસરખા ગોળા બનાવી પરોઠા બનાવીને દેશી ઘીથી સાંતળી ગરમાગરમ પીરસો.
રાગીના સબ્જીભજિયા
સામગ્રી- ૨ કપ રાગી લોટ, ૧/૨ કપ ચણાનો લોટ(બેસન), ૨ મોટા ચમચા બારીક કાપેલા કડી પત્તા, ૧ મોટો ચમચો ટુકડા કાજુ, ૧ કપ બારીક કાપેલું શિમલા મરચું તેમ જ કોબી, ૧ મોટો ચમચો સફેદ તલ, ૧ નાનો ચમચો બેકિંગ પાઉડર, ૧ ચમચો અધકચરા વાટેલાં મરી, મીઠું અને તળવા માટે તેલ.
રીત:રાગી લોટ, બેસન, મીઠું મિકસ કરવું. પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. સમારેલું શાક તેમ જ અન્ય સામગ્રી તેમાં મિક્સ કરવી. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. હાથમાં ખીરું લઈ નાના ગોળ ભજિયા તળી લેવા. ખાટીમીઠી ચટણી સાથે પીરસવા. તેનો સ્વાદ દાઢમાં રહી જશે.