નસીબ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રવિણ પીઠડીયા
પ્રકરણ - ૧૯
ખન્નાએ પ્રેમ ઉપર ફાયર કરીને બારૂદના ઢેરમાં દિવાસળી ચાંપવાનું કામ કર્યું હતું. એ ફાયરનો અવાજ ત્યાં હાજર હતા તે તમામ વ્યક્તિઓએ સાંભળી હતી અને એ ફાયરનો મલતબ તમામે પોત-પોતાની રીતે કર્યો હતો. દોલુભાના માણસો બોટના નાનકડા ભંડાકીયામાંથી પેટીઓ ઉંચકી લાવીને બોટના નાનકડા અમથા તૂતક પર ગોઠવી રહ્યા હતા. એ લોકોએ ધડાકો સાંભળ્યો એટલે પેટીઓ ત્યાં જ મૂકીને બોટી કેબીનમાં ઉભેલા દોલુભા તરફ દોડ્યા... દોલુભાને પણ એ ધડાકો સાંભળીને ઝડકો લાગ્યો હતો... તે તો એમ જ સમજ્યો કે નક્કી પોલીસ પાર્ટીએ અચાનક અહીં હુમલો બોલી દીધો છે... તે હજુ વિચાર કરોત જ હતો કે ધડબડાટી બોલાવતા તેના ચારેય માણસો ચિંતાતુર ચહેરા લઈને તેની કેબીનમાં ઘુસી આવ્યા. તે લોકોના શ્વાસ અધ્ધર, તાઓળવે ચોંટ્યા હતા. દોલુભા જેમ જ, કદાચ એ લોકો વિચારી રહ્યા હતા.
જોરા, વલીખાન, હિંમતસિંહ અને તેના ક્લિનર ચારેય મામસો ચોંકીને ફાયરની દિશામાં તાકી રહ્યા... એ ચારેયના ખભા ઉપર એક-એક પેટી હતી જે તેઓ દોલુભાની બોટના તૂતક ઉપરથી ઉંચકીને ટ્રકમાં મુકવા લઈ જતા હતા. હજુ તેઓએ અડદી મજલ કાપી હશે કે અચાનક તેઓના કાને ફાયરીંગનો અવાજ સાંભળ્યો હતો... હિંમતસિંહ દરબારે એ ફાયરીંગ સાંફળીને કંઈક ભળતુ જ અનુમાન કર્યું અને તે દોડ્યો... દરબારને પેટીઓ સાથે ભાગતો જોઈને કંઈપણ સમજ્યા કારવ્યા વગર જોરાવર, વલીખાન અને ક્લિનરે તેની પાછળ દોટ મૂકી... એ નાનકડા અમથા બારા જેવા વિસ્તારમાં અચાનક જ ઘમાચકડી મચી ગઈ... અચાનક થયેલા ફાયરીંગે હિંમતસિંહને ભડકાવ્યો હતો. તેને પણ ક્ષણમાં દોલુભાની જેમ વિચાર આવ્યો કે નક્કી પોલીસે અહીં છાપો માર્યો છે. તે પોલીસથી કાયમ સો ગાવ છેટો રહેનાર માણસ હતો એટલે તેણે આગળ પાછળનું વિચાર્યા વગર જ પોતાની ટ્રક ઊભી હતી એ દિશામાં ભાગ્યો હતો... તેની ટ્રક પોલીસના હાથમાં ચડી ગઈ તો પછી તેનું આયખુ જેલમાં જ પૂરુ થવાનું હતું એ તે સારી રીતે જાણતો હતો... ઘેટાના ટોળાની જેમ અનુકરણ કરતા હોય એમ જોરાવર, વલીખાન અને દરબારની સાથે આવેલો ટ્રકનો ક્લિનર હિંમતસિંહની પાછળ કંઈપણ કારણ વગર દોડ્યા હતા...
યશવંત અને મુનાફ બંને સાથે હતા. તેઓ રેતીના એક મોટા ટીંબાની પાછળ સંતાઈને અધિરાઈથી રાહ જોઈ રહ્યા હતા કે અચાનક તેઓના કાને ફાયરીંગનો આછો અવાજ સંભળાયો... તેઓએ ટીંબાની આડાશથી માથા ઉંચકીને ખડકોના સમૂહ બાજુ અવાજની દિશામાં જોવાની કોશીષ કરી... અને સાવ અચાક તે બંને ચોંકી ઉઠ્યા... કોઈ ચાર માણસો ખભા ઉપર કંઈખ સામાન લાદીને નાળીયેરી ઝુંડની દિશામાં, ટ્રક ઊભો હતો એ તરફ દોડતા જતા હતા... યશવંતને ખબર હતી કે ત્યાં બ્રહ્મચારી ઉભો છે. તેણે ઝડપથી પોતાનો ફોન કાઢીને બ્રહ્મચારીનો નંબર ડાયલ કર્યો... અચાનક તેણે પોતાનો વિચાર બદલ્યો... ફોન કટ કરીને મુનાફને તેણે ઇશારો કરી પોતાની પાછળ આવવા કહ્યું. તેઓ ટ્રકની દિશામાં સાવધાનીથી આગળ વધ્યા...
આ તમામ ઘટનાઓ એક સાથે ઘટી હતી. સેકંડોમાં એ બન્યું હતું... ખન્ના ઍન્ડ કંપની તથા પ્રેમ અને ટંડેલની સાથે આવેલા માણસોનું આપસમાં જે સંયોજન હતું તે એક ફાયરીંગના પ્રતાપે તૂટ્યુ હતુ... ખન્એ જે ગોળી ચલાવી અને જે અવાજ થયો એનું તારણ દરેકે પોતપોતાની રીતે અલગ-અલગ તારવ્યું હતું... અને તેના કારણે તેઓની આપસમાં જે લીંક હતી એ તૂટી હતી અને જે ગોટાળો સર્જાયો તેમાં ચોતરફ અફરાતફરીનો માહોલ રચાયો... દોલુભાના માણસો કોઈપણ સંજોગોમાં અહીં રોકાવાના મતના નહોતા... તેઓનું કહેવું હતું કે તૂતક ઉપર ગોઠવાયેલી પેટીઓને પાણીમાં પધરાવીને બોટ ભગાવી મૂકવી... ખન્ના અને તેના મામસો એ પેટીઓને કિનારાના પાણીમાંથી મેળવી લેશે... નાહકના અહીં ઊભા રહીને પોલીસના હાથમાં પકડાવા કરતા અહીંથી પોબારા ગણી લેવાનું તેોને ગનીમત લાગતુ હતુ... પરંતુ દોલુભા અસમજસમાં પડ્યો હતો. તે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતો નહોતો. તેના માણસો જે કહી રહ્યા હતા એ વાત તેને પોતને પણ રુચતી હતી પણ તેણે જે કોન્ટ્રાક્ટ લીધો હતો એ પૂરો કર્યા વગર તે ભાગી જવા માંગતો નહોતો. તે નખશીખ ઈમાનદાર માણસ હતો એટલે કામ હાથમાં લીધા બાદ બેઈમાની કરવી તેના સ્વભાવ વિરુદ્ધનું હતુ. તે છતા તે મુંઝાયો હતો. અત્યારે હાલની સ્ફોટક પરિસ્થિતિ જોતા અહીંથી જલદી પાછા રવાના થવું તેને હિતાવહ લાગતુ હતુ. ક્ષણભરમાં તેણે નિર્ણય કર્યો અને સામે ઉભેલા તેના માણસોને સંબોધતા કહ્યું...“એક કામ કરો... ફટાફટ આ પેટીોને કિનારે પહોંચાડી દો એટલે આપણી જવાબદારી પૂરી થાય. એ લોકો પેટીઓ મેળવી લેશે...’
જાણે આવા જ કોઈ આદેશની રાહ જોતા હોય એમ તે ચારેય માણસો દોલુભાનો હુકમ સાંભળતા જ દોડ્યા હતા. ભારે ઉતાવળે ધમાચકડી મચાવતા એ લોકોએ માત્ર ગણતરીની મિનિટોમાં જ બોટની તુતક ઉપર મુકાયેલી પેટીઓને દરિયાકિનારે ખડકી દીધી અને દોડતા બોટમાં સવાર થયા એટલે ક્ષણના પણ વિલંબ વગર દોલુભાએ બોટ સમુદ્રના અફાટ જળ તરફ મારી મૂકી... ઘરઘરાટી કરતી બોટે સ્પીડ પકડી અને કાળી વાદળી જળરાશીને ચીરતી મીઠાપુર તરફ ભાગી.
બરાબર એ જ સમયે હાજી-કાસમની સાથે આવ્યા હતા એ સૈયદ અને મહોમ્દની એ.કે. ૫૬ના નાળચા સમુદ્રમાં ભાગતી દોલુભાની બોટ તરફ તકાયા હતા. એ લોકોએ બોટનું નિશાન તાક્યુ અને જાણે અચાનક હલ્લો કરતા હોય એમ તે લોકોએ કિનારાથી પાણી તરફ લગભગ દોડતા જ ટ્રીગર દબાવી દીધા... એ.કે. ૫૬ના ફાયરીંગથી વાાવરણ ખળભળી ઉઠયુ અને દૂર જઈ રહેલી બોટની તૂતક ઉપરકિનારા તરફ જોઈ રહેલા એ ચારેય ખારવાઓના શરીર ગોળીઓથી વિંધાઈને છળણી થઈ ગયા... આંખના પલકારામાં આ ઘટના બની ગઈ. હજુ તો એ ચારેયના મનમાં મુસીબતમાંથી માંડ છુટકારો મળ્યાનો આનંદ છવાય એ પહેલા તો તેમના નિષ્પ્રાણ દેહ ઢગલો થઈને એકબીજા ઉપર પડ્યા હતા... માંડ એકાદ માઈલ દૂર ગયેલી દોલુભાની બોટ એ બંને આતંકવાદીઓની એ.કે. ૫૬ની રેંજમાં આવી ગઈ હતી જેના કારણે આ ભયાનક કરુણાંતીકા સર્જાઈ ગઈ. દોલુભા હતપ્રદ બનીને તેના માણસોના વિંધાઈ ગયેલા શરીરને ફાટી આંખે જોઈ રહ્યો. એ ચારેયની મરણતોલ ચીખો સાંભળીને દોલુભાએ આપોઆપ બોટ અટકાવી દીધી હતી અને ડ્રાઈવર કેબીન છોડીને તે તૂતક ઉપર ભાગ્યો હતો. ભારે આઘાતથી હેબતાઈે થડકતા હૈયે તે તૂતક ઉપરઢગલો થઈને પડેલા પોતાના માણસોના નિષ્પ્રાણ દેહને ફાટી આંખે તાકી રહ્યો. તેની કલ્પના બહારનું એ દૃશ્ય હતું. આ માણસો છેલ્લા ત્રણ વર્ષથી તેની સાથે હતા. તેઓએ પૂરી લગન અને ઇમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી. દોલુભા વ્યક્તિગત રીતે આ ચારેયને ઓળખતો હતો અને તેઓને સારી રીતે રાખતો હતો. તેના એ ચારેય વફાદાર સાથીઓની આવી અવદશા જોઈને તેનું કાઠિયાવાડી લોહી ઉકળી ઉઠ્યું. તેના મનમાં ભયાનક ક્રોધ છવાયો.તે બોટના સુકાન કક્ષ તરફ દોડ્યો અને તેણે બોટના હેન્ડલને ફરી પાછુ દરિયાકિનારા તરફ ઘુમાવ્યુ. તેના મનમાં કાળઝાળ ક્રોધ ભભકતો હતો.. આ આખી ઘટના સાવ અજીબ રીતે અને સાવ અણધારી જ બની ગઈ હતી.
ખરેખર તો થયુ એવું હતું કે દોલુભા અને તેના સાથીદારો જ્યારે પેટીઓને દરિયાકાંઠે ઉતારીને પાછા મીઠાપુર જવા ઉતાવળા બન્યા હતા ત્યારે એ જ સમયે કાસમના બંને માણસોએ તેમને ભાગતા જોયા હતા. હકીકતમાં તો તે બંને પણ ગભરાયેલા અને કંઈક અસમંજસભરી સ્થિતિમાં જ ઊભા હતા કારણ કે, તેમને પણ ખબર નહોતી કે હમણા થોડીવાર પહેલા જે ફાયરીંગ થયું એ કોણે અને શા માટે કર્યું હતું. તેમણે તો ખન્ના અને કાસમને અંધારામાં દોડતા જતા જોયા હતા અને ત્યારબાદ તેઓએ ફાયરીંગનો અવાજ સાંભળ્યો હતો. શું કરવું, શું ન કરવું... એવી અવઢવભરી સ્થિતિમાં તેઓ ઊભા હતા કે અચાનક તેમણે બોટ ચાલુ થવાનો અવાજ સાંભળ્યો. તેમણે જોયું તો તેઓ જે બોટમાં આવ્યા હતા એ બોટના ખલાસીઓએ બોટમાં ધમાચકડી મચાવી હતી અને તેઓ બોટ લઈને ભાગી રહ્યા હતા. મહોમ્મદ અને સૈયદ બંનેના મનમાં એકસાથે વિચાર ઝબક્યો કે ઘણીખરી પેટીઓ તો હજુ બોટમાં જ પડી છે. તેઓને એવું લાગ્યું કે દોલુભા મોકાનો લાભ ઉઠાવીને પેટીઓ લઈને ફરાર થઈ રહ્યો છે. તના માણસોએ પેટીઓ કિનારે પહોંચાડી દીધી હતી એ વાતની તે બંનેને ખબર નહોતી રહી... એટલે વધુ વિચાર્યા વગર તેઓએ બોટનું નિશાન તાકીને પોતાની એ.કે.૫૬માંથ આડેધડ ફાયરીગં ચાલુ કરી દીધું હતું... તેમણે સાવ અડસટ્ટે, આંધળુકીયા જ કર્યા હતા. તેમના ફાયરીંગની દિશા દોલુભાની બોટ હતી. એ અંધાધુંધ ફાયરીંગમાં કમભાગ્યે દોલુભાના ચારેય સાથીઓ માર્યા ગયા હતા... આખરે તેમની એ.કે.૫૬ના મેગેઝીન ખાલી તથા તેઓ અટક્યા અને નવું મેગેઝીન ભરવાની પેરવીમાં પરોવાયા... એ સમય દરમિયાન જ દોલુભાએ પોતાની બોટ પાછી વાળી હતી અને ભારે ગતિથી ધસમસતી કિનારા તરફ ભગાવી હતી. મહોમ્મદ અને સૈયદ ઉતાવળે મેગેઝીન બદલવામાં પરોવાયા હતા. તેમના હાથ રીતસરના ધ્રુજી રહ્યા હતા. ભારતની ધરતી ઉપર પગ મુકતાની સાથે જ તેમને મુસીબતનો સામનો કરવાનો થયો હતો. મહોમ્મદની એ.કે.૫૬ લોડ થઈ પરંતુ સૈયદનું મેગેઝીન કોઈપણ રીતે તેની ગ્રીપમાં ઘુસતુ નોતુ. મહોમ્મદે પોતાની દિશામાં ધસમસતી આવતી દોલુભાની બોટ જોઈને તેનું નિશાન લીધુ અને ટ્રીગર દબાવ્યું... ગોળીઓનો ધોધ વહ્યો... દૂર ક્ષિતિજમાં ફેલાતા જતા આછા અજવાળામાં તે બોટને બરાબર જોઈ શકતો હતો એટલે નિશાન તાકવામાં તેને ઝાઝી તકલીફ પડી નહીં. ગોળીઓ બરાબર તેના નિશાને વાગી. દોલુભાની બોટના બંને પડખા અને બોટની બરાબર વચ્ચે બનાવેલી સુકાન કેબીનના લાકડાના ફુરચા હવામાં ઉડ્યા. એકસાથે બે ગોળીઓ દોલુભાના છાતીના ભાગથી થોડી ઉપર, ખભાના જોઈન્ટમાં ખૂંપી... એક ઝટકા સાથે તેનું બેલેન્સ ખોરવાયુ અને તેનો હાથ બોટના હેન્ડલ પરથી છટક્યો. અનાયાસે જ બોટનું હેન્ડલ ગોળ ફર્યુ. ભયાનક વેગથી સીધી કિનારા તરફ ધસમસતી જઈ રહેલી બોટ દોલુભાના હાથમાંથી હેન્ડલ છુટવાના કારણે ત્રાંસી ફંટાઈ...
મહોમ્મદને તો એમ જ લાગ્યું હતું કે એ બોટનો ડ્રાઈવર બોટને પોતાની ઉપર ચડાવી દેવા માંગે છે. અને ખરેખર દોલુભા એવું જ કરવા માંગતો હતો. પરંતુ બોટને ત્રાંસી ફંટાતા જોઈને મહોમ્મદની ચાતીના થડકારા થોડા ધીમા પડ્યા. સૈયદ તો હજુપણ તેની એ.કે. ૫૬માં અટવાયેલો હતો. પરંતુ ઘણુ મોડુ થઈ ચૂક્યું હતું... સેકંડના પાંચમા ભાગમાં દોલુભાની બોટ ભયાનક ગતિથી દરિયાકિનારાની રેતી ઉપર ચડી હતી. મહોમ્મદ અએને સૈયદ જ્યાં ઉભા હતા એ બાજુ બોટનો સરક્યો હતો. સૈયદે એ જોયું અને તેણે પોતાની એ.કે. ૫૬માં મેગેઝીન ભરવાનું છોડીને જમણી બાજુ કુદકો માર્યો કે જેથી તે બોટની થપાટમાં આવતા બચી શકે. તેનું જોઈને મહોમ્મદ પણ એ બાજુ કુદ્યો. બોટને પોતની સામે ભારે ગતિથી આવતી જોઈને તેઓએ પોતાની સલામતી ખાતર જ એવું કર્યું હતું. તેઓ બોટની અડફેટે ચડતા બચવા માંગતા હતા... પરંતુ, કદાચ આજે તેઓનું નસિબ તેમની સાથે નહોતુ. તેમની કિસ્મત દગોકરી ગઈ. કિનારાના છીછરા પાણીમાંથી ભયાનક ઝડપે રેતી ઉપર ચડેલી બોટનો આગળનો અણીદાર ભાગ પહેલા રેતીમાં થોડો ઘસડાયો અને પછી રેતીમા ખૂંપ્યો... જો બોટ સીધી જ રહી હોત તો આવું ન થાત પરંતુ બોટ ત્રાંસી ફંટાઈ હતી એટલેજેમ રોડ ઉપર પુરપાટ ઝડપે દોડતી બાઈકની ઓચિંતી આગળની બ્રેક લાગે અને બાઈક ચીચીયારી પાડીને આગલા વ્હીલ ઉપર ઊભી થઈ જાય અને તનો પાછળનો ભાગ ઉંચકાઈને, લસરીને આગળ ધસી આવે એવું જ કંઈક દોલુભાની બોટ સાથે બન્યું... જેટલા વેગથી બોટનો આગળનો ભાગ રેતીમાં ખૂંપ્યો હતો તેટલા જ ભયાનક વેગથી બોટનો પાછળનો ભાગ ઉંચકાઈને, વળ ખાઈને આગળ સરક્યો... બોટની અડફેટે બચવા જમણી તરફ કુદેલા મહોમ્મદ અને સૈયદ હજુ તો રેતીમાં અધુકડા થઈને ઉભા થવાની કોશીષ કરે એ પહેલા તો કોઈ જાયન્ટ રોલરની જેમ બોટનો પાછલો હિસ્સો તેમની ઉપર ફરી વળ્યો. અને બોટ રીતસરની ઢસડાઈને એક પડખે ઉંધી વળી ગઈ. બંને દાઢીધારી આતંકવાદીો એ બોટની નીચે ઘંટીમાં ઘઉં પીસાય એમ પીસાઈ ગયા. ભારતની પુણ્યભૂમિને ઘમરોળવા નીકળેલા એ નરાધમો ભારત દેશની માટીમાં ઘમરોળાઈ ગયા...
હૉલીવુડની ફિલ્મોમાં ભજવાતા દૃશ્યો જેવું એ દૃશ્ય હતું. રેતીમાં ઘસડાઈને ઉંધી વળી ગયેલી બોટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બોટની એકબાજુનો આખો ભાગ ટૂટીને વિખેરાઈ ગયો અને એ લાકડા અને ફાઈબલના કાટમાળ નીચે મહોમ્મદ અને સૈયદના શરીરનો સોથ નીકળી ચૂક્યો હતો. એ લોકોના આખરી મરણચીખ પણ નીકળી શકી નહીં. દોલુભાએ ભયાનક ખુન્નસથી બોટને એ લોકો ઉપર ચડાવી દેવાનું વિચાર્યું હતું અને પરિણામ પણ કંઈક એવું જ આવ્યું હતું. બંને આતંકવાદીઓ ક્ષણભરમાં ખતમ થઈ ગયા હતા... જો કે, એ દૃશ્ય જોવા દોલુભા પોતે પણ જીવતો બચ્યો નહોતો. તેનું નિશ્ચેતન શરીર ઉંધી વળી ગયેલી બોટની કેબીનમાં લટકી રહ્યુ હતુ. કેબીનનો જમણો ભાગ રેતીમાં દબાયો હતો અને એક કડાકા સાથે તૂટ્યો હતો. એ સાથે જ એ તરફની કાચની બારી તેની જગ્યાએથી બારસાખ સમેત ઉખડીને છૂટી પડી હતી. સૌથી પહેલા બારીના કાચ તુટ્યા અને ત્યારબાદ તેમાં ફીટ કરેલા લોખંડના સળીયા તેના મીજાગરા સમેત ઉખડીને ભાલાની જેમ અંદર તરફ ઉચકાયા હતા... બરાબર તે જ સમયે દોલુભાનું શરીર એક ધડાકા સાથે સળીયા ઉપર ઉંધુ ઝીંકાયુ હતુ... એક સળીયો સીધો જ તેના હૃદયને વીંધીને છાતીની આરપાર નીકળી ગયો. બીજો સળીયો દોલુભાની કરોડરજ્જુમાં ખૂંપ્યો અને પેટના આંતરડા સાથે લેતો પેટની ચામડી ચીરી ડૂંટી પાસેથી બહાર નીકળ્યો... સેકંડના દસમાં ભાગમાં એ બન્યું હતું... માત્ર દસ જ મિનિટમાં યમરાજે તેનો વિકરાળ પંજો દમણના એ નાનકડા બારા જેવી જગ્યા ઉપર ફેલાવી દીધો હતો... એક સાથે સાત-સાત જિંદગીઓનો અંત આવ્યો હતો અને હજુ તો આ પાશેરામાં પહેલી પુણી જેવી ઘટના હતી. આથી પમ વધુ રક્તરંજીત ખેલ ખેલાવાનો હજુ બાકી હતો. કોણ કોને ખતમ કરશે, કોનું નસીબ તેને બચાવશે એ તો આજે કદાચ યમરાજ પણ નક્કી ખરી શકવાના નહોતા.
ચોતરફ અફરાતફરી છવાઈ ગઈ. દોલુભાની બોટ ભયાનક કડાકા સાથે ટૂટીને વિખેરાઈ અને તેના એન્જીનરૂમમાંથી અથવાતો બીજે કશેકથી ધુમાડો નીકળવાનો શરૂ થયો. કદાચ એન્જીનરૂમમાં ભરેલા ઓઈલ-ડિઝલના પીપડા તૂટ્યા હશે અને તેમાં ધીમે ધીમે આગ લાગવાનું શરૂ થયું હશે... તમામ ઉપસ્થિત લોકોની કલ્પના બહારનું એ દૃશ્ય હતું. ટંડેલ, પ્રેમ, ખન્ના, કાસમ એ તમામની નજરો સામે દોલુભાની બોટ ભંગારના ઢગમાં ફેરવાઈ હતી. તે એક અવિશ્વસનીય દૃશ્ય હતુ. ઉઘડતા આછા અજવાશના ઓથારે બનેલી આ ગમખ્વાર ઘટના જોઈને સૌના હૃદય કંપી ઉઠ્યા હતા. પ્રેમ જેવા અલગારી, મજબુત મનના વ્યક્તિનું હૃદય પણ એ દૃશ્ય જોઈને એક ધબકારો ચૂકી ગયુ, પરંતુ તે બહુ ઝડપથી સ્વસ્થ થયો. તેના માટે આ દુર્ઘટના એક મોકો હતો જેનો તે લાભ ઉઠાવવો ચૂકે તેમ નહોતો. દૂર ક્ષિતિજમાં ફેલાઈ રહેલા સુરજના આછા કિરમોના અજવાળામાં તે તેની સામે ઊભેલા ખન્ના અને કાસમની સ્થિતિને બરાબર જોઈ શકતો હતો. તે બંનેના હાથમાંની રાઈફલો પ્રેમ તરફ તકાયેલી હતી પરંતુ તેમનું ધ્યાન ભટક્યુ હતુ. હાજી-કાસમે તેના બંને સાગરીતોને બુરી રીતે કચડાઈને મરતા પોતાની નજરોથી જોયા હતા જેના લીધે તે ખૂંખાર આતંકવાદી પણ ધ્રુજી ઉઠ્યો હતો. તે થોડો અસાવધ બન્યો હતો અને તેના દિમાગમાં ઉઠતા વિચારોન વંટોળને કારણે તે નક્કી નહોતો કરી શકતો કે તેણે શું કરવું જોઈએ... ખન્ના સાથે ઉભુ રહેવું કે દોડીને બોટ પાસે, પોતાના સાથીઓના મૃતદેહ પાસે જવું એ ઉલઝનમાં તે અટવાયો હતો. એવી જ હાલત ખન્નાની હતી. તેણે પોતાના જીવનમાં ઘણી ખતરનાક અને વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો પરંતુ અહીં અત્યારે તેની આંકો સમક્ષ જે દૃશ્ય દેખાતુ હતુ એ ભયાનકતાની ચરમસીમા જેવું હતું. હાજી-કાસમની જેમ તે પણ હતપ્રભ બનીને અવાક બન્યો હતો. બેઘડી માટે તે ભુલી ચૂક્યો હતો કે તે અહીં કયા કામે આવ્યો છે. તેના દિમાગમાં વિચારોનો શૂન્યાવકાશ છવાયો હતો. આ સ્થિતિનો જો કે પ્રેમે ભરપૂર લાભ ઉઠાવ્યો. અએને તેમા તેને બૉસ્કીનો સાથ મળ્યો...
ભીની રેતીમાં બીલ્લી પગે હાજી-કાસમ તરફ આગળ વધતા બૉસ્કીને એક નજરમાં આવરી લઈને પ્રેમે પોતાની પાછળ ઉભેલી સુસ્મીતાને એક જોરદાર ધક્કો માર્યો... અને એ ધક્કાથી સુસ્મીતા રેતીમાં પડે એ પહેલા તે ખન્ના ઉપર કુદ્યો હતો... બરાબર તે જ સમયે બૉસ્કીએ પ્રેમની હરકત નિહાળી હતી એટલે તેણે પણ સમય પારખીને સેકંડના છઠ્ઠા ભાગમાં કાસમ ઉપર જમ્પ લગાવી દીધો. બે-ત્રણ ઘટનાઓ એક સાથે બની ગઈ. પ્રેમે સમયસૂચકતા વાપરીને સુસ્મીતાને ધક્કો માર્યો એટલે એ ધક્કાથી તે રેતીમાં હાથ ફેલાવીને પડી. બરાબર એ જ સમયે પ્રેમ ખન્ના ઉપર ખાબક્યો. ખન્ને ઓચિંતા ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ છે એટલે તેનુ ંશરીર સ્વાભાવિક રીએક્શન સિસ્ટમ પ્રમાણે હલ્યુ, તેનો ચહેરો પાછળ તરફ ફર્યો અને હાથની આંગળી ૫૬ના ટ્રીગર પર દબાઈ... ૫૬નમાંથી નીકળેલી ગોળીઓ સામેના પથ્થરની શીલામાં ઝીંકાઈ. જો પ્રેમે સુસ્મીતાને ધક્કો મારીને નીચે ન પાડી હોત તો અત્યારે એ ગોળીઓ તેના શરીરમાં ધરબાઈ હોત... પ્રેમને એ આશંકા હતી જ. એટલે જ તે સુસ્મીતાને નીચે ફંગોળીને ખન્ના તરફ લપક્યો હતો. પ્રેમે ભારે વેગથી ધસી જઈને ખન્નાનો ડાબો હાથ પોતાના જમણા હાથના પંજાથી કોણીએથી પકડ્યો અને એક જોરદાર ઝટકા સાથે પોતાની તરફ ખેંચ્યો. સાથે જ તેણે પોતાના ડાબા હાથનો એક ઘુસો ખન્નાના કાન નીચે, ગરદન ઉપરના ભાગે રસીદ કર્યો. બરાબર આવો જ પ્રહાર હમણા થોડીવાર પહેલા તેણે તેજાની ગરદન ઉપર કર્યો હતો. પરિણામ આ વખતે પણ સરખું જ આવ્યું. પ્રેમના એ માસ્ટર પંચે ખન્નાના પગમાંથી ચેતન હણી લીધું. તેના પગ આપોઆપ ગોઠણેથી વળ્યા અને શરીર જાણે રબ્બરનું બનેલું હોય એમ લથડ્યુ. તેના કાનમાં સીટીઓ વાગવા લાગી અને આંખો સમક્ષ તારામંડળ સર્જાયુ. પ્રેમે બખુબીથી ખન્નાના મગજ સુધી લોહી પહોંચાડતી ધોરી નસ ઉપર વાર કર્યો હતો. તે જાણતો હતો કે તેનાથી ખન્નાના દિમાગમાં શૂન્યાવકાશ સર્જાશે... એવું જ થયું. તેના હાથમાંથી ૫૬ સરકીને નીચે પડી અને તે લથડ્યો પણ પ્રેમે તેને ઝીલી લીધો. ખન્નાના પગ ગોઠણેથી વળીને જમીન તરફ ખેંચાઈ રહ્યા હતા પરંતુ પ્રેમ તેને ઉભો રાખવા માંગતો હતો. તેને હજુ કાસમના હાથમાંની એ. કે. ૫૬ની બીક હતી. જો કાસમ તેનું નિશાન લઈને ટ્રીગર દબાવે તો તે ખ્નાને આડો ધરી શકે એવી ગણતરીથી તેણે ખન્નાને પકડીને ઊભો રાખવાની કોશીષ કરી હતી. પ્રેમને ડર હતો કે જોબૉસ્કી કાસમને સંભાળી નહીં શકે તો પછી તેના રામ રમી જવાના હતા... પરંતુ... સાવ એવું બન્યું નહીં...
પહાડ જેવા ઊંચા, કદાવર હાજી-કાસમ ઉપર બૉસ્કીએ જમ્પ માર્યો ત્યારે એ ઘણો અસાવધ હતો જેના કારણે અચાનક થયેલા હુમલાથી તે હેબતાઈ ગયો. બૉસ્કી કુદીને બરાબર તેના ગળે વળગ્યો હતો. તેણે બંને હથનો ગાળીયો કાસમના ગળામાં નાખ્યો અને જોર કરીને તેને નીચે પાડવાની કોશીષ કરી... બંને હાથની સાથે જ તેણે પોતાના નાનકડા સામસાની જેમ કાસમની કમર ફરતે વિંટાળ્યા અને નાનકડાબાળનકી જેમ લટકી પડ્યો. પોતાના શરીરમાં હતી એટલી તાકાત એકઠી કરીને તે કાસમને નીચે પાડવાની કોશીષ કરી રહ્યો હતો. પરંતુ કાસમ એમ ગાંજ્યો જાય એવો આદમી નહોતો. બૉસ્કીના વજનના કારણે તે થોડો એક બાજુ ઝુક્યો જરૂર હતો પણ તેનાથી તે નીચે પડ્યો નહોતો. તેના બંને હાથ કંઈક અજીબ રીતે બૉસ્કીના પગની સાંણસા જેવી ગીરફ્તમાં આવી ગયા હતા એટલે ચાહવા છતા તે પોતાની એ.કે. ૫૬નો ઉપયોગ કરી શકતો નહોતો. કાસમ ગુસ્સાથી, કંઈક અસહ્યતાથી બૉસ્કીની પકડમાંથી છુટવા મથી રહ્યો. બંદર જેવો નાનકડો અમથો બૉસ્કી પોતાના જેવા પહેલવાન ઉપર હાવી થતો જોઈ તે ભારે ક્રોધે ભરાયો હતો... પરંતુ બૉસ્કી ખરેખરનો કાસમના ગળે પડ્યો હતો... એક બાજુ પ્રેમ ખન્નો ઊભો રાખવાની ફીરાકમાં પરોવાયો હતો ત્યારે કાસમ જોર કરીને બૉસ્કીને પોતાના શરીરથી દૂર કરવા મથતો હતો. તેની એ કશ્મકશમાં તેના હાથમાંથી ૫૬ નીચે પડી ગઈઅએને તે થોડા ડગલા પાછળ ખસ્યો... બરાબર તે જ સમયે ટંડેલે એક જોખમ ખેડ્યુ હતુ.
ટંડેલ ક્યારનો ખડકની ટોચે કંઈક અનિર્ણિત દશામાં ઊભો હતો. તેણે પણ દોલુભાની બોટવાળુ ખતરનાક દૃશ્ય જોયું હતું અને તેના હૃદયમાં સળો પડી હતી. તેણે પોતાએ શું કરવું જોઈએ એ નક્કી કરી શકતો નહોતો અને એ જ સ્થિતિમાં તેણે પ્રેમ અને બૉસ્કીને ખન્ના અને હાજી-કાસમ ઉપર ત્રાટકતા જોયા હતા... તે ખાસ્સી એવી ઉંચાઈએ હતો અને ઘણો દૂર પણ હતો છતા તે એ લોકોની લડાઈ સ્પષ્ટ જોઈ શકતો હતો... તેણે એક ખતરનાક નિર્ણય કર્યો... તે જાણતો હતો કે પ્રેમને તેની જરૂર નહીં પડે. પ્રેમ ખન્ના અને કાસમ બંને ઉપર ભારે પડે એમ હતો. તેને બૉસ્કીની ફીકર હતી. જો હાજી-કાસમ બૉસ્કીને માત કરી નાખે તો પછી તેનું મોત નક્કી હતુ. હાજી-કાસમનું બૉસ્કીની પકડમાંથી છુટવુ બધા માટે ઘણું ખતરનાક સાબિત થઈ શકે એમ હતુ... તેની પાસે એ.કે. ૫૬ હતી અને કાસમ જેવા ખૂંખાર આતંકવાદી માટે તે ચલાવવી રમત વાત હતી... અને એટલે જ તેણે બૉસ્કીની મદદે જવું જરૂરી હતું. તેની પાસે પોતાની ગન હતી પણ એ ચલાવવામાં જોખમ હતુ. રખેને એ ગોળી બૉસ્કીને વાગી જાય તો આખી બાજી ચોપટ થઈ જાય... અને વધારે વિચારવા રોકાયા વગર તેણે ખડકની ટોચેથી નીચે કુદકો મારી દીધો... જાણે તે ઉંડા કુવામાં પડ્યો હોય એવો “ધફ...” અવાજ આવ્યો. એક જોરદાર આંચકો લાગ્યો અને શરીરના કોઈ ભાગમાં દર્દ ઉમટ્યુ. થોડીવાર સુધી તેને સમજાયું નહીં કે તેં ક્યાં છે...? વિસેક ફુટની ઉંચઈએથી જમ્પ લગાવ્યો ત્યારે તેણે પોતાની આંખો બંધ કરી દીધી હતી. સૌથી પહેલા તેના પગ રેતીને અડક્યા હતા અને એક ઝટકો તેના દિમાગમાં વાગ્યો... ગનીમત હતુ કે તે સુરક્ષિત રીતે રેતીમાં પછડાયો હતો. તેને કોઈ ઇજા થઈ નહોતી છતા બે સેકંડ માટે એવો એઅનુભવ જરૂર થયો કે કદાચ તેના બંને ઢીંચણ ખોટા પડી ગયા હોય... તે તરસ સ્વસ્થ થયો... સમય બગાડવો તેને પાલવે એમ નહોતો. બૉસ્કી અને કાસમ આપસમાં ભયંકર રીતે બાથંબથ્થી કરતા હતા અને એકબીજાને પછાડવાની ભરપૂર કોશીષમાં પરોવાયા હતા. એ લોકો તેનાથી માંડ વીસ-પચ્ચીસ કદમ દૂર હતા. તે ઊભો થયો અને દોડ્યો... તેનું સમગ્ર ધ્યાન કાસમની પીઠ તરફ હતુ... તે ભયાનક ઝનૂનથી દોડ્યો હતો...
અને... ટંડેલે બૉસ્કીને હવામાં ફંગોળાઈને રેતીમાં પછડાતો જોયો... એ સાથે જ તેનું માથુ ભયાનક વેગથી કાસમની પીઠ સાથે અફળાયુ. કાસમ અને ટંડેલ બંને એકસાથે દરિયાની ભીની-ખારી રેતી ઉફર ઝીંકાયા... બન્યું એવું હતું કે કાસમે બૉસ્કીને પછાડવા માટે નવો પેંતરો કર્યો હતો. તેણે પોતાના બંને હાથને બળપૂર્વક બૉસ્કીના પગની આંટીમાંથી બહાર ખેંચ્યા હતા અને બૉસ્કીની ગરદન દબોચી લીધી હતી. કાસમના હાથોની સામસા-પકડના લીધે બૉસ્કીનો શવાસ રુંધાયો અને તેના હાથ-પગની આંટી કાસમના શરીર ઉપરથી ઢીલી પડી... અને કાસમે બે હાથે જ બૉસ્કીને હવામા ઉછાળ્યો... બૉસ્કી નીચે પડ્યો પરંતુ કાસમ નહોતો જાણતો કે ટંડેલ બરાબર તેની પીછ પાછળ આવી પહોંચ્યો છે... કાસમે બૉસ્કીને નીચે પટક્યો અને પોતાની ૫૬ને હાથવગી કરવા નીચે નમ્યો કે અચાનક તેની પીઠ પાછળ કંઈક જોરથી અફળાયુ. કાસમ કંઈ સમજે એ પહેલા તો તે ગડથોલું ખાઈને નીચે ખાબક્યો હતો... ટંડેલ ખરેખર ભૂતની જેમ જ કાસમ ઉપર ખાબક્યો હતો. તેને બીક હતી કે જો એક વખત કાસમના હાથમાં તેની ગન આવી જશે પછી તેને કાબુ કરવો મુશ્કેલ બનશે. તે કસમની પીઠ ઉપર પથરાઈ ગયો અએને પછી જમણી બાજુ ઢળ્યો... કાસમના શરીર ઉપરથી વજન હળવુ થયુ, તેમે પોતનો ચહેરો ટંડેલ બાજુ ફેરવ્યો... ટંડેલે પોતાના હાથના પંજામાં દરિયાની ઝીણી કાંપ જેવી રેતી ભરી અને કાસમના ચહેરા ઉપર ફેંકી. કાસમના મોઢા ઉપર રેતી અથડાણી... તેની આંખો, નાક, મોઢામાં રેતી ઘૂસી અને તે ચીત્કારી ઉઠ્યો... તેની આંખોમાં ખારી રેતી ઝીણા કાંચના ટૂકડાની જેમ ખૂંચી હતી જેથી તે ચીત્કારી ઉઠ્યો હતો. તેના બંને હાથ તેની આંખો ઉપર છવાયા અને ગાંડાની જેમ તે આંખો ચોળવા લાગ્યો. તેના માટે આ અસહ્ય હતું... પરંતુ ટંડેલ રોકાયો નહીં. તેની નજરો સામે આળોટતા ખૂંખાર આતંકવાદી હાજી-કાસમને મોકો આપવો એટલા સામે ચાલીને મોતને આમંત્રણ આપવું એ તે બરાબર સમજતો હતો એટલે તે રીતસરનો કાસમ ઉપર ટૂટી પડ્યો. કાસમની બાજુમાં સુતા-સુતા જ તેણે પોતાના ડાબા હાથની ખુલ્લી હથેલીનો પંજો તેના ચહેરા પર વીંઝ્યો... કાસમ હજુ આંખો ચોળવામાં જ રોકાયેલો હતો. તેના બંને હાથ તેની આંખો ઉપર હતા એવામાં ટંડેલનો વજનદાર પંજો તેના ચહેરા પર વિંઝાયો...
“ખચાક...” અવાજ આવ્યો અને કાસમના મોઢામાંથી ભયાનક રાડ ફાટી ગઈ. ટંડેલે મારેલી સીધાપંજાની ઝાપટ આંખો ચોળતા કાસમના હાથ ઉપર વાગી અને કાસમના પોતાના જ જમણા હાથની પહેલી આંગળી તેની જમણી આંખમાં ભારપૂર્વક ઘુસી ગઈ. તેના પોતાના જ હાથે તેની આંખનો ડોળો ફુટી ગયો હતો. એ દૃશ્ય ખરેખર બીહામણું હતું. કાસમ ભયાનક રીતે ઉછળીને બરાડા પાડી રહ્યો હતો.તેની એક આંખનો ડોળો ખજૂરની પેશી ચેપાય એમ ચેપાયો હતો. જમણી આંખમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી... તેની બીજી આંખ હજૂ પણ રેતીના કણ છવાયેલા હતા એટલે ખુલી શકતી નહોતી. ટંડેલ જેવો બાહોશ ઑફિસર પણ આ દૃશ્ય જોઈને હેબતાઈ ગયો હતો. તેણે કાસમના ચહેરા ઉપર કરેલા પ્રહારનું આવું ભયંકર પરિણામ આવશે એવું વિચાર્યું નહોતું... કાસમ ગાંડાની જેમ ચીખતો હવાતીયા મારતો હતો... કાસમની આંખમાંથી નીકળેલી લોહીની ધાર તેના ગાલ, હોઠ ઉપરથી થઈને તેની દાઢી સુધી પહોંચી હતી... અચાનક તે સાવધ થયો અને પોતાના બંને હાથથી પોતાની આસપાસ રેતીમાં કંઈક ફંફોસવા લાગ્યો... ટંડેલે એ જોયું... તે સમજ્યો... અને ઊભા ઈને તેણે પોતાના વજનદાર બુટની એક જોરદાર ઠોકર કાસમના પેટમાં ઠોકી... ટંડેલ સારી રીતે સમજ્યો હતો કે કાસમ તેની રાયફલ શોધી રહ્યો છે. પરંતુ હવે ટંડેલ કાસમને એવો એક પણ મોકો આપવા માંગતો નહોતો. તે ભારે ઝનૂનથી કાસમના પેટમાં ધફાધફ લાતો ઠોકવા માંડ્યો હતો... એ દરમિયાન બૉસ્કી ઊભો થઈને ત્યાં પહોંચ્યો હતો અને તેણે કાસમની એ.કે. ૫૬ ઉઠાવી હતી...
બોટ તુટવાનો ભયાનક કડાકો એ ચારેય વ્યક્તિઓએ સાંભળ્યો હતો અને તેઓ અટક્યા હતા... તેની પાછળ દબાતા પગલે આવતા યશવંત અને મુનાફ પમ એ ચારેયને અટકતા જોઈને સાવચેતી ખાતર અટક્યા હતા.
“વલી... આ બધુ શું થઈ રહ્યું છે...?” જોરાએ આશંકાથી વલીખાનને પૂછ્યું. જોરાના અવાજમાં પહેલીવાર ધ્રુજારી ભળી હતી. તે સમજી શકતો નહોતો કે અચાનક તેમના પ્લાનમાં આ શું ગરબડી ફેલાઈ હતી...? એક વાત તો ચોક્કસપણે હતી કે ક્યાંક,કંઈક કાચુ કપાયુ હતુ. જેના કારણે ખન્નાનો પ્લાન જોખમાં મૂકાયો હતો... જોરા પોતે નખશીખ ધંધાદારી વ્યક્તિ હતો એટલે અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એમાં તેને વધુ બહાદુરી બતાવવાના બદલે અહીંથી પોબારા ગણી લેવાનું જ વધારે ઉચિત લાગ્યુ હતુ... અને... જોરા એકલો જ નહિ, વલીખાન, હિંમતસિંહ અને તેમની સાથે આવેલો ક્લિનર એ તમામનો એકસરખો જ મત હતો કે જેમ બને એમ આ જગ્યાએથી દૂર ભાગવુ...
“મને કેમ માલુમ પડે કે શું ચાલી રહ્યું છે...? હું પણ તમારી સાથે જ છું...” વલીખાન ગભરાયો હતો. “ક્યાંક પોલીસપાર્ટીએ તો હલ્લો નહિ કર્યો હોયને...?”
“અરે... તો એ લોકો આપણને દેખાતા કેમ નથી...?” જોરાએ આશ્ચર્ય ઠાલવ્યુ. જે ધડબડાટી ચાલી રહી હતી એ ફક્ત દરિયાકિનારા બાજુ થઈ રહી હતી જ્યારે આ તરફ તો એવું કંઈ નામોનિશાન નહોતુ... અને એટલે જ તે વહેમાયો હતો કે જરૂર કંઈક બીજી જ ગરબડ છે. તેના મનમાં શાક ઉઠી હતી કારણ કે તે પોલીસવાળાઓની વ્યૂહરચના બરાબર સમજતો હતો. જો આ સમયે અહીં પોલીસપાર્ટીએ હલ્લો કર્યો હોય તો ક્યારેય એ લોકો એકબાજુથી હલ્લો કરે નહીં. એ લોકો ચારેબાજુથી ઘેરો ઘાલીને હુમલો કરે... જ્યારે અત્યારે તો એવી કોઈ હલચલ નજર નહોતી આવતી. જોરા ખરેખર મુંઝાયો હતો અને અટક્યો હતો. તેની વાતે બીજાને પણ વિચારતા કરી મૂક્યા હતા.
“વલી... તું એક કામ કર... આ ક્લિનરને સાથે લેતો જા અને તપાસ કર કે ખડકોની પેલે પાર શું ઘમાસાણ મચી છે... જા ફટાફટ...” જોરાએ વલીખાનને આગળ કર્યો. વલીખાને ક્લિનરને સાથે લીધો અને ખડકોના સમૂહ તરફ ચાલ્યો. તેના હાથમાં હતી એ પેટીઓ તેમણે જોરા અએને હિંમતસિંહના ખભે ચડાવી દીધી હતી... દસ જ મિનિટમાં એ લોકો ભારે ગભરાયેલી હાલમતાં દોડતા પાછા આવ્યા. તેમના ચહેરા જબરદસ્ત આશ્ચર્ય અને આઘાતથી પીળા પડી ગયા હતા અને તેમના હૃદયમાંથી ધ્રુજારી વછુટતી હતી.
“બૉસ... બૉસ... જબરદસ્ત ગરબડ છે... બોટ... બોટ... ભુક્કો... ભાંગીને ભુક્કો... કિનારે... ઉંધી પડી... છે...” વલીખાન હાંફતા અવાજે બોલતો હતો.
“શું બકવાસ કરે છે...?” જોરા કંઈ સમ્યો નહીં.
‘આપણે જે બોટમાંથી ઉતારી એ બોટ રેતીમાં ઉંધી પડી છે. એ ભાંગી ગઈ છે અને બીજુ કોઈ ત્યાં દેખાતું નથી.’ વલીખાને કહ્યું. ખરેખર તો વલીખાન અને ક્લિનર શીલાઓની આડાશેથી બોટની હાલત જોઈને જ હેબતાઈ ગયા હતા. તેઓ ગભરાઈને વધુ તપાસ કર્યા વગર જ પાછા દોડ્યા હતા... જો તેઓ થોડા વધુ આગળ ચાલ્યા હોત તો એમની નજરે ટંડેલ, કાસમ, બોસ્કી, પ્રેમ અને ખન્ના આવ્યા જ હોત... અને જો એમ થયુ હોત તો વધુ ખૂના-મરકી થતી ચોક્કસ અટકી હોત... પણ તેઓના નસીબ તેમનાથી બે ડગલા આગળ ચાલતુ હતું... વલીખાનની કેફીયત સાંભળીને જોરાના ચહેરા પર દુવીધાના ભાવો અંકાયા હતા. એવી જ હાલત હિંમતસીંહની હતી.
‘મને લાગે છે કે આપણે ત્યાં જવું જોઈએ... તપાસ કરવી જોઈએ... ચોક્કસ કંઈક ભયાનક બન્યુ હશે...’ હિંમતસીંહે કહ્યું. તેઓ વિચારમાં પડ્યા. કોઈ જાણતુ નહોતુ કે એ ખડકોના ઢગ પાછળ શું સ્થિતિ છે. અને તેઓ ત્યાં જવા પણ અચકાતા હતા. જો એ તરફ પોલીસપાર્ટીનો હલ્લો આવ્યો હોય તો પછી એ મુસીબતમાં ફસાવા કોઈ તૈયાર નહોતું. સૌથી મોટુ આશ્ચર્ય તો એ હતું કે વલીખાને ત્યાં કોઈને જોયા નહોતા. આશ્ચર્ય અને અસમંજસમાં બધા ત્યાં જ વિચારતા ઉભા રહ્યા હતા.
‘દરબાર...’ આખરે તેજાએ કહ્યું. ‘આપણે તપાસ કરીએ... આ બન્ને ભલે અહીં પેટીઓનું ધ્યાન રાખતા ઉભા રહે...’
‘હા ચાલ...’ દરબારને પણ યોગ્ય લાગ્યું. તેણે પોતાના હાથમાંની પેટીઓ નીચે મુકી. ચારે પેટીઓ એક-બીજા ઉપર ગોઠવી તેનું ધ્યાન રાખવાનું વલીખાન અને ક્લિનરને સોંપી એ બન્ને કાંઠા તરફ ચાલ્યા.
‘કમબખ્તો શું કરી રહ્યા છો... ?’ યશવંત સ્વગત બબડ્યો. તે અને મુનાફ આ ચારેયની બરાબર પાછળ લપાતા-છુપાતા આવ્યા હતા. તેઓ અનુમાન નહોતા લગાવી શક્યા કે એ ચારેય વચ્ચે ક્યારની આપસમાં શું મસલત ચાલે છે. તેમણે પહેલા બે જણને ખડકો બાજુ જઈને પાછા આવતા જોયા હતા અને હવે બીજા બે જણ એ તરફ સાવધાનીથી જઈ રહ્યા હતા. યશવંત ભારે અસમંજસમાં પડ્યો હતો. અચાનક તેણે એક નિર્ણય કર્યો.
‘મુનાફ...’ એકદમ ફુસફુસાતા અવાજે તેણે મુનાફને બોલાવ્યો. મુનાફ તેનાથી દસેક કદમ દુર લપાઈને ઉભો હતો.
‘હા...’
‘તૈયાર છો... ?’ યશવંતે કંઈક ભયાનક વિચારતા પુછ્યું.
‘બિલકુલ...’ મુનાફ યશવંતનો મતલબ સમજતો હતો. આવી પરિસ્થિતિમાં ઓછા શબ્દોથી વધુ સમજવાનું તેઓની ટ્રેનીંગ દરમિયાન શીખવવામાં આવ્યું હતું અને મુનાફ કોઈ ભૂલ કરે એમ નહોતો.
‘તો ચાલ... ત્રણ ગણું છું...’ યશવંતે પોતાની પેન્ટમાં ખોસેલી ગન કાઢી ટ્રીગર ઉપર આંગળી ભીડતા કહ્યું. મુનાફના હાથમાં તેની ગન આવી ચૂકી હતી. તે યશવંતનો ઇશારો સમજ્યો હતો કે તે શું કરવા માંગે છે. અંધારામાં પણ તેની નજરો યશવંતની નજરો સાથે ટકરાઈ...
‘ત્રણ... બે... એક... ગો...’ યશવંતે કહ્યું એ સાથે જ તેઓ બન્ને એક સાથે આડાશ છોડી હાથમાં રિવૉલ્વર લઈને ઝડપથી વલીખાન અને ક્લિનર ઉભા હતા એ તરફ દોડ્યા... યશવંતે ગણતરીપૂર્વકનું પગલું ભર્યું હતું. જે ધમાકાઓ થોડીવાર પહેલા દરીયાકાંઠે થયા હતા એના ઉપરથી તેણે એટલું તો અનુમાન તારવ્યું જ હતું કે એ તરફ ગમે તે કારણોસર સ્થિતિ વિસ્ફોટક બની હશે અને એવી પરિસ્થિતિમાં ટંડેલ અને તેની વચ્ચે એક વણલખ્યો નિયમ હતો કે દરેક વ્યક્તિએ પોત-પોતાની રીતે યોગ્ય લાગે એવો નિર્ણય લેવો અને આગલ વધવું... ટંડેલ, યશવંત, મુનાફ અને બ્રહ્મચારી વચ્ચેના આ વણલખ્યા નિયમે તેઓને ઘણીવખત અણધારી સફળતાઓ અપાવી હતી... આ સમયે પણ યશવંતે કંઈક એવું જ વિચારીને પગલુ ભર્યું હતું... અત્યાર સુધીમાં તેણે પ્રેમ કે ટંડેલને ક્યાંય જોયા નહોતા એટલે સ્વાભાવીક રીતે તેનું અનુમાન એવું હતું કે જે ધડાકાઓ એ શીલાઓ પાછળ થયા છે એમાં જરૂર આ બન્નેનો જ હાથ હોવાનો... એ સિવાય બીજી કોઈ શક્યતાઓ તેના દિમાગમાં બંધ બેસતી નહોતી એટલે કંઈક સમજી વિચારીને તેણે આ પગલું ભર્યું હતું...
વલીખાન અને ક્લિનર જોરા અને દરબારની દુર જતી પીઠને અંધારામાં તાકી રહ્યા હતા કે અચાનક તેઓએ તેમની પીઠ પાછળ કશોક સળવળાટ અનુભવ્યો... ચોંકીને તેઓ પાછળ ફરે એ પહેલા તો યશવંતે વલીખાનની અને મુનાફે ક્લિનરની ખોપરી પાછળ ગન ટેકવી દીધી હતી... સાવ અચાનક થયેલા હલ્લાથી તેઓ ડઘાઈ ગયા હતા અને તેમની ગુનેગારની માનસીકતા છતી કરતા હોય એમ તેઓના હાથ હવામાં હેન્ડસ-અપની અદામાં ઉચકાયા. યશવંતને ગંભીર પરિસ્થિતિમાં પણ હસવું આવી ગયું હતું.
‘અરે વાહ... બહુ સમજદાર છો ને કંઈ...?’ તેણે કહ્યું અને મુનાફને ઇશારો કર્યો. મુનાફે ઝડપથી ક્લિનરના ઉંચા ઉચકાયેલા હાથને તેની પીઠ પાછળ ભેગા કર્યા અને હથકડી પહેરાવી દીધી... એવી જ રીતે વલીખાનને પણ હથકડીઓ પહેરાવવામાં આવી. બન્નેને ધકેલતા તેઓ જે જીપમા આવ્યા હતા તેમા તેઓને બેસાડ્યા... મુનાફે જીપના ડેશ-બૉર્ડમાંથી બ્રાઉન ટેપ કાઢીને બન્નેના મોઢે ચીપકાવી... જીપના હુડના સળીયા સાથે હથકડીઓ લગાવી અને પછી દોરડા વડે તેમના પગ બાંધવામાં આવ્યા... માત્ર ચંદ સેકન્ડોમાં આ કાર્યવાહી પતી હતી.
‘મુનાફ... તું અહીં આ લોકો ઉપર નજર રાખ... હું પેલી પેટીઓ અહીં લેતો આવું છું...’ કહીને યશવંત પોતાની રીવૉલ્વર સરખી કરતો ત્યાંથી સટક્યો.
ખન્નાને કળ વળી હતી છતા તે હજુ પ્રેમના હાથમાં લટકીને બેહોશીનું નાટક કરી રહ્યો હતો. ટંડેલે જે બેરહમીથી હાજી-કાસમને માર્યો હતો એ જોઈને તેના હાજા ગગડી ગયા હતા. હાજી-કાસમની જે બદતર હાલત થઈ હતી એ જોઈને તેનું રોમ-રોમ થથરી ગયુ હતુ. કાસમ બેવડ વળીને રેતીમાં પડ્યો હતો. ટંડેલે બરાબર તેના પેડુના ભાગે જ લાતો ઠોકી હતી. પોલીસના વજનદાર બુટના પ્રહારથી કાસમના પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. કદાચ તેના આંતરડાઓ અથવા તો કીડની ફાટી ગઈ હશે પરિણામ સ્વરૂપે કાસમને લોહીની ઉલટીઓ શરૂ થઈ હતી... રહી-રહીને થોડીવારે તેના મોઢામાંથી લોહીના ઘળકા નીકળતા હતા. કાસમની એ હાલત જોઈને ખન્નાના મોતીયા મરી ગયા હતા. તેને પોતાનું મોત નજરો સમક્ષ નાચતુ દેખાવા લાગ્યુ હતું... તે સારી રીતે સમજી ચૂક્યો હતો કે અત્યારે આ સંજોગોમાં જો તે હવે કોઈ હરકત કરશે તો આ લોકો તેને નરકના દર્શન કરાવ્યા વગર નહીં રહે... તેને તલાશ હતી એક મોકાની...
જોરાવરસીંહ અચાનક અટક્યો... તેણે આંખો ખેંચીને દુર થઈ રહેલી હલચલ નીરખવાની કોશીષ કરી અને તેની નજરો સામે જે દ્રશ્ય દેખાયુ એ જોઈને તેનું હૃદય કંપી ઉઠ્યું. તેના આગળ વધતા પગમાં આપોઆપ બ્રેક લાગી ગઈ. તેની પાછળ આવતા દરબારની પણ એજ હાલત થઈ... સમુદ્રની ઉછળતી લહેરોથી થોડેદુર કિનારાના વિશાળ પટમાં લાકડાનો જર્જરીત ઢાંચો પડ્યો હતો અને એ ઢાંચામાંથી ધુમાડાના ગોટે-ગોટા નિકળી રહ્યા હતા... એ લાકડાનો ઢાંચો દોલુભાની બોટનો હતો એ સમજતા તેમને વાર ન લાગી અને એટલે જ ભારે વિસ્મયથી તેમની આંખો પહોળી થઈ હતી. આ કેમ બન્યું તે એ લોકોની સમજ બહાર હતું. બે ઘડી તો તેઓ હબક ખાઈને જમીન સાથે ખોડાઈ ગયા હતા... કે અચાનક... તેમના કાનોમાં કોઈની ચીખ સંભળાઈ. એ ભયાનક દર્દનાક ચીખ બૉટની પેલી બાજુથી આવતી હતી એટલે તેઓ સાવચેતીથી એ તરફ લપક્યા... શીલાઓની આડાશે છુપાતા જોરાએ સાવચેતીથી જ્યાથી ચીખો આવતી હતી એ દિશામાં જોયુ અને તે અચંભીત બનીને જોઈ રહ્યો. તેની નજર ટંડેલ ઉપર પડી અને ટંડેલ જેને મારી રહ્યો હતો એ હાજી-કાસમ ઉપર જઈને અટકી... જોરા અને દરબારને સમજતા વાર ન લાગી કે ખરેખર અહીં શું માજરો રચાયો હશે... જોરા અને હિંમતસીંહ બન્ને ટંડેલને સારી રીતે જાણતા હતા એટલે જ ટંડેલને અહીં જોઈને તેમને પારાવાર આશ્ચર્ય થયુ હતું... તેમના મનમાં ટંડેલની છબી એક ખૂંખાર અને નિર્દય પોલીસ અફસર તરીકેની હતી. તેઓને એટલી સમજણ હતી કે ટંડેલનો અહીં હોવાનો મતલબ એ જ થતો હતો કે ખન્નાની બાજી ખુલ્લી પડી ગઈ છે અને જો એમ હોય તો પછી થોડીવારમાં આ આખા વિસ્તારને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવશે... અથવા તો ઓલરેડી અત્યાર સુધીમાં ઘેરી લેવામાં આવ્યો હશે... જોરાના હૃદયમાં ફાળ પડી હતી. એ પોલીસના હાથે પકડાવા નહોતો ઇચ્છતો. તેને પોલીસવાળાની થર્ડડીગ્રી ટ્રીટમેન્ટનો હંમેશા ડર લાગતો. ટંડેલ જેવા પોલીસવાળા જે બેહરમીથી ગુનેગારોની છાલ ઉખેડતા એનો એક છુપો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો... જોરા પોતે આળી કોઈ પરિસ્થિતિમાં મુકાવા નહોતો ઇચ્છતો... તે પોલિસના હાથમાં પડવા નહોતો માંગતો... તેનું દિમાગ ઝડપથી વિચારી રહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તે શું કરી શકે... સુસ્મીતા, પ્રેમ, બોસ્કી અને ખન્ના તેની નજરોમાં સમાયા અને દરબારને પોતાની પાછળ આવવાનો ઇશારો કરી તે પ્રેમ અને સુસ્મીતા તરફ લપક્યો... તેના ઇરાદા ખતરનાક હતા.
મુનાફને વલીખાન અને ક્લિનરનો હવાલો સોંપી યશવંત પેટીઓ પાસે આવ્યો... બે બાય ચાર ફુટની લંબચોરસ આકારની પેટીઓ એક ઉપર એક એમ ગોઠવાઈને પડી હતી... યશવંતને એ પેટીઓ જોઈ ક્યારનું આશ્ચર્ય થતુ હતું કે આટલી નાનકડી અમથી પેટીઓમાં હાજી-કાસમ અને ખન્ના જેવા રીઢા ગુનેગારો શું ભરીને લઈ આવ્યા હશે... ? તેની ઉત્સુકતા ચરમસીમાએ હતી... તેની ધારણા પ્રમાણે આતંકવાદીઓ મોટેભાગે આર.ડી.એક્સ. અથવા એ.કે. ૫૬ જેવો આધુનીક શસ્ત્ર-સરંજામ અને દારૂગોળો લાવતા હોય છે જ્યારે તેના બદલે અહીં તો એ લોકો આ નાની-નાની ઇમ્પોર્ટેડ દવાના પેકિંગમાં વપરાય એવી પેટીઓ લઈને આવ્યા હતા... યશવંતને મુંઝવણ થઈ હતી કે આ પેટીઓમાં એવું તો શું હતું કે જેના કારણે હાજી-કાસમ જેવા ખૂંખાર આતંકવાદીએ જાતે ચાલીને ભારત આવવું પડ્યું હતું... ? મનમાં ઉઠતી ઉત્કંઠા અને ઉત્સુકતાને કાબુમાં રાખતો તે પેટીઓને તાકતો ઉભો રહ્યો હતો... ‘લાવ એક પેટી ખોલીને જોઈ લઉં...’ તેના મનમાં વિચાર ઝબક્યો. આમતો ટંડેલને પુછ્યા વગર તેનાથી પેટીઓને હાથ પણ ન લગાવાય પણ તેની ઉત્સુકતાએ તેને અધીરો બનાવી મુક્યો. તેણે સૌથી ઉપરની પેટી ઉપર હાથ ફેરવ્યો. ચારે બાજુ સજ્જડ રીતે ખીલા મારીને પેટીને સીલબંધ કરવામાં આવી હતી... પેટીઓનું પેકિંગ એટલું વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું કે કદાચ પેટીઓને ગમે તેટલી ઉંચા-નીચી કરવામાં આવે કે પછી તેને જોરદાર પછડાટ લાગે તો પણ તેની અંદર મુકાયેલી વસ્તુ સુરક્ષીત રહે... મતલબ કે પેટીની અંદર મુકવામાં આવેલી વસ્તુને બાહ્ય પછડાટથી સંપૂર્ણ સુરક્ષા મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી... પેટીઓના ઉપરના લાકડાના ઢાકણને ખોલવા માટે ડીસમીસ કે એવું અણીવાળુ સાધન જરૂરી હતું... યશવંત ફરીપાછો જીપ તરફ આવ્યો અને જીપમાંથી પકડ અને ડીસમીસ લઈ આવ્યો... તેણે ઉપરની પેટી ઉઠાવી નીચે રેતીમાં મુકી... પેચીયાનો અણીવાળો ભાગ તેણે લાકડાની ફાડ વચ્ચે ભરાવીને હાથનું જોર આપ્યું... બે-ત્રણ વખતની કોશીષના અંતે તે સફળ થયો અને એ પેટીમાં લગાવેલી ખીલીઓ ઉંચકાઈ... એકદમ સાવચેતીથી, ધીરેથી યશવંતે પેટીનું ઢાકણુ ખોલ્યું... અંદર થર્મોકોલનું વાઇટશીટનું જાડુ આવરણ હતું. એ આવરણ ટી.વી. અથવા ફ્રીઝના પેકિંગમાં વપરાય એવું હતું. કોઈ કીમતી વસ્તુને જેવી રીતે થર્મોકોલના આવરણથી સુરક્ષીત કરીને પેક કરવામાં આવે એવું જ એ પેકિંગ હતું... કશીક વસ્તુને બહુ જ સુરક્ષીત રીતે પેકિંગ કરીને પેટીમાં મુકવામાં આવી હતી... યશવંતે વાઇટ થર્મોકોલના જાડા આવરણને પોતાના બન્ને હાથોથી પકડીને સાચવીને ઉઠાવ્યું અને અંદર મુકાયેલી વસ્તુ ઉપરથી અલગ કર્યું... તેનો ચહેરો લીલા-લાલ પ્રકાશમાં ઝળહળી ઉઠ્યો... તેની આંખો પહોળી થઈ અને હોઠ સીટી બજાવવા અધીરા બન્યા... પૂર્વમાંથી ફેલાતા સુરજના આછા અજવાશમાં યશવંતની આસપાસ ઘેરાઈ વળેલુ એ લાલ-લીલા રંગનું અજવાળુ અજબની આભા ફેલાવી રહ્યું હતું... અને યશવંત હક્કો-બક્કો બનીને પેટીમાં ચમકતી એ ચીજને ફાટી આંખે જોઈ રહ્યો હતો... તેના ચહેરા પર પરસેવો ચળકતો હતો...
જોરાવરસીંહે રીતસરના આંધળુકીયા જ કર્યા હતા. ટંડેલને અહીં જોઈને તેના મોતીયા મરી ગયા હતા. તેને પોતાનો જીવ બચાવવો હતો કારણ કે તે સમજી ચૂક્યો હતો કે ટંડેલનો અહીં હોવાનો મતલબ પોલીસે ચાલે તરફથી આ જગ્યાને ઘેરી ચોક્કસ ઘેરી લીધી હોવાની... જોરા પાસે કોઈ રસ્તો નહોતો. તે પ્રેમ અને સુસ્મીતા જ્યા ઉભા હતા એ તરફ દોડ્યો... સુસ્મીતા, પ્રેમ, બોસ્કીને અહીં જોઈને તેને પારાવાર આશ્ચર્ય ઉભરાયુ હતુ. પરંતુ અત્યારના સંજોગોમાં તેની પાસે એ બધુ વિચારવાનો સમય નહોતો. તેને પોતાના બચાવ સિવાય બીજુ કંઈ સુઝતુ નહોતુ... તે ટંડેલ અને કાસમ જ્યા હતા ત્યાંથી થોડો ગોળાકાર લઈને તેની પાછળ ઉભેલા પ્રેમ તરફ ગયો... પ્રેમની બરાબર બાજુમાં સુસ્મીતા ઉભી હતી... પ્રેમ હજુ પણ ખન્નામાં જ ગુંચવાયેલો હતો... ભયાનક ઝડપે દોડતો જોરા આખલાની જેમ સુસ્મીતા ઉપર લપક્યો... માત્ર બે સેકન્ડ માટે તેની અને પ્રેમની નજરો મળી હતી અને પ્રેમ ચોંક્યો હતો. પ્રેમ કંઈ પ્રતીક્રિયા કરે એ પહેલા સુસ્મીતાની નાજૂક ગરદન જોરાના કદાવર હાથની પકડમાં આવી ચૂકી હતી... તેણે પોતાના ડાબા હાથનો ભરડો સુસ્મીતાની નાજુક ગરદન ફરતે ભીડ્યો. સુસ્મીતાના મોંમાંથી અચાનક થયેલા હુમલાના કારણે ચીખ નીકળી ગઈ...
જોરાની બરાબર પાછળ દરબાર લપક્યો હતો. તે નહોતો જાણતો કે જોરાવર શું કરવા માંગે છે. તે તો એક સહજ ક્રિયાની જેમ જ જોરાની પાછળ આવ્યો હતો... એ જ સમયે બોસ્કી ટંડેલ અને કાસમથી થોડે દુર ઉભો-ઉભો હાંફી રહ્યો હતો. કાસમે તેને કોઈ નાના બાળકને ઉંચકીને ફેંકે એમ ફેંક્યો હતો. ગન્તમત હતુ કે ત્યાં રેતીમાં તે પડ્યો હતો એટલે બીજી કોઈ ઇજા તેને થઈ નહોતી. તેમ છતા પડખાભેર નીચે ઝીંકાવાના કારણે તેનો જમણો હાથ કંઈક વિચિત્ર રીતે તેના જ શરીર નીચે દબાયો હતો. એક હાથ ઉપર તેના સમગ્ર શરીરનો ભાર આવ્યો અને એક જોરદાર ઝટકો તેના ખભાના જોઈન્ટ ઉપર વાગ્યો હતો... બે સેકન્ડ માટે તો તેને એવું લાગ્યું કે તેનો હાથ ખભેથી છૂટો પડી ગયો છે. અનાયાસે જ તેના મોંમાંથી દર્દનાક ઉંહકારા નીકળવા લાગ્યા હતા અને ડાબા હાથે પોતાના જમણા ખભાના જોઈન્ટને દબાવતો તે થોડીવાર માટે એમ જ પડ્યો રહ્યો હતો... તેને ભારે કળ ચડી ગઈ હતી અને એજ સ્થિતિમાં તે મહા-મુસીબતે ઉભો થયો હતો... હજુ તે કંઈ સમજે એ પહેલા કોઈ આદમી તેની આગળથી દોડ્યો હતો... એ જોરાવર હતો. જે સુસ્મીતા તરફ દોડ્યો હતો. બોસ્કીએ તેને જોયો અને તેની છઠ્ઠી ઇન્દ્રિય સતેજ થઈ... તેના દિમાગે તાત્કાલીક પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તેને સમજાયુ હતું કે તે કેવી સ્થિતિમાં અહીં ઉભો હતો... તેનું ધ્યાન તેની આગળથી દોડીને ગયેલા જોરા તરફ હતું કે અચાનક તેણે અન્ય કોઈને તેની નજીક આવતો જોયો... તે ચમક્યો અને પાછળ ફર્યો... તેનું અનુમાન સાચુ હતું... એ દરબાર હતો જે જોરાની પાછળ વગર વિચાર્યો દોડી આવ્યો હતો... દરબારને નજીક આવેલો જોઈને બોસ્કીએ તેનું શરીર સંકોરાયુ. તેના પગની નસો તંગ થઈ અને તે દરબાર ઉપર ઝપટવા તૈયાર થયો... દરબાર ઝનુન પૂર્વક દોડતો હતો. તેનો પોતાનો કોઈ મકસદ નહોતો કે તે શુ-કામ દોડી રહ્યો છે... તે બસ, સાહજીકતાથી જોરા પાછળ દોડતો હતો. અચાનક તેના રસ્તામાં કોઈ ઉભેલું દેખાયુ અને તેના દિમાગમાં ખતરાની ઘંટી વાગી... તેના પગ આપોઆપ એ વ્યક્તિ તરફ વળ્યા અને ભયાનક વેગથી દોડતા તેમે દિશા બદલી... સામે બોસ્કી પણ પોતાનું શરીર તંગ કરીને ઉભો હતો... તે સામે દોડ્યો અને ભયાનક વેગથી એ બન્નેની આપસમાં ટક્કર થઈ. દરબાર કદાવર બાંધાનો પહાડ જેવો મજબુત માણસ હતો... બોસ્કીનું નાનકડુ માથુ દરબારની વિશાળ છાતીમાં અથડાયુ... બોસ્કીના માથાની ટક્કરથી દરબારને તો કોઈ ફરક પડ્ય નહિ પરંતુ બોસ્કીને લાગ્યું કે જાણે તેનું માથુ કોઈ પથ્થર સાથે ટકરાયુ હોય... તેની ગરદનમાં જોરદાર ઝટકો લાગ્યો અને કરોડરજ્જૂમાં કશેક ટચાકો ફૂટ્યો. દરબાર સાથે બાથ ભીડવાની પોતાની ભૂલ બોસ્કીને સમજાય એ પહેલા તો દરબારનો વજનદાર પંજો ઉંઘા ચાપટની જેમ તેના ચહેરા સાથે અથડાયો. એકસાથે હજારો મધમાખીઓએ ડંખ માર્યા હોય એવી પીડા તેને ઉમટી. તેના કાનમાં સીસોટીઓનો અવાજ ઘુમરાયો. મોઢામાં બે-ત્રણ દાંત હલી ઉઠ્યા અને અનાયાસે તેની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યું. દરબારના એકજ વારમાં બોસ્કીના પગ ઢીલા પડી ગયા હતા. તેની આંખો સામે અંધારુ છવાયુ અને હજુ તો એ જરાક સ્થિર થવાની કોશીષ કરે એ પહેલા તો ઘણનો બીજો ફટકો તેના માથા ઉપર વાગ્યો... દરબારે પાવડા જેવા પોતાના હાથની મુઠ્ઠીઓ વાળીને એક જોરદાર ઘુસો બોસ્કીના માથામાં ફટકાર્યો. બોસ્કીના પગ જમીન ઉપરથી ઉખડયા અને ભારે વેદનાનો માર્યો તે રેતી ઉપર ફસડાઈ પડ્યો. જાણે શરીરમાંથી કોઈએ બધા હાડકા બહાર ખેંચી લીધા હોય એમ ઢગલો થીને તેનો દેહ રેતીમાં ફેલાયો... બેહોશીના કારણે તેની આંખો બંધ થાય એ પહેલા તેણે દરબારને પોતાનો થાંભલા જેવો પગ ઉપાડતા જોયો... અને પછી તે બેહોશ થઈ ગયો...
આ બાજુ ટંડેલ અટક્યો હતો... તે હાંફી રહ્યો હતો. તેના શરીરે પરસેવાના બિંદુ ચમકતા હતા... ક્રુરતાની ચરમસીમા વટાવીને તેણે હાજી-કાસમને માર્યો હતો... પોતાના શરીરના અણુ-અણુમાં ફેલાયેલા ગુનેગારો પ્રત્યેના ધિક્કારને તેણે હાજી-કાસમના શરીર ઉપર ઠાલવ્યો હતો. એકવાર મારવાનું ચાલુ કર્યા બાદ તે શ્વાસ લેવા પણ રોકાયો નહોતો. હાથ-પગની ઘુસા-લાતો કાસમના શરીરના કયા-કયા ભાગો ઉપર, કેમ અને કેવી રીતે ઝીંકાતી રહી એનું પણ ટંડેલને ભાન નહોતું રહ્યું. ટંડેલ જ્યારે અટક્યો ત્યારે હાજી-કાસમનો દેહ જોઈને ભલ-ભલા કઠણ હૃદયના માણસોય થથરી જાય એવી હાલત તેની થઈ હતી... કાસમના નાક-કાન, મોઢામાંથી લોહીની સરવાણી ફૂટી હતી. ટંડેલના વજનદાર બુટની ઠોકરોના કારણે તેની છાતીની પાંસળીઓ તુટી હતી... તેનું જડબુ ચીરાઈને કઢંગી રીતે લટકી રહ્યું હતું. તેના જમણા હાથમાં કોણી પાસે ફ્રેક્ચર થયુ હતુ. બદથીએ બદતર હાલતમાં કાસમ નીચે પડ્યો હતો... ટંડેલે તેને સામો વાર કરવાનો એકેય મોકો આપ્યો નહોતો અને તેને ભૂંડી રીતે ફટકાર્યો હતો... તે કદાચ હજુ પણ કાસમને મારતો રહ્યો હોત પરંતુ બોસ્કીની ભયાનક ચીખ સાંભળીને તે અટક્યો હતો... તેણે પાછળ ફરીને જોયું... બોસ્કી નીચે રેતીમાં ટુંટીયુવાળીને પડ્યો હતો અને દરબાર તેના શરીર ઉપર ઠોકરોનો વરસાદ વરસાવી રહ્યો હતો...
‘સબૂર દરબાર...’ ટંડેલે રાડ નાખી. દરબારનો પગ હવામાં જ અધ્ધર રહી ગયો... તેની અને ટંડેલની નજરો આપસમાં ટકરાઈ. છોડ તેને દરબાર... ચૂપચાપ હાથ ઉંચા કર અને તાબે થા... નહિતર...’ ટંડેલને હૃદયના ઉંડાણથી ક્રોધ ઉભરાતો હતો. ટંડેલ હવે અટકવા માંગતો નહોતો. હાજી-કાસમ જેવા આતંકવાદીને ભારતની ભૂમી ઉપર જોઈને તે ધ્રુજી ઉઠ્યો હતો. તે સમજતો હતો કે આ કોઈ નાની સુની ઘટના નથી. હવે તે આ વારદાતમાં સંડેવાયેલા તમામ વ્યક્તિઓને ગિરફતમાં કરવા માંગતો હતો... પરંતુ સામા પક્ષે દરબારના ઇરાદાઓ સ્પષ્ટ હતા... બોસ્કીની જે હાલત તેણે કરી હતી એના કારણે તેના શરીરમાં જોમ ભરાયુ હતુ અને તે સમજી ચૂક્યો હતો કે હવે જો તે અટકી જશે તો પછી ક્યારેય આઝાદ ધુમી શકશે નહિ... તે રીતસરનો ટંડેલ ઉપર ઘસ્યો અને ટંડેલની નજીક જઈ હવામાં વિઝાંયો...
આ તરફ અજીબ ટેબ્લો પડ્યો હતો. જોરાએ સુસ્મીતાને પોતાના કબજામાં કરી હતી અને તે સુસ્મીતાને લગભગ ઘસડતો પાછળ ખેંચી રહ્યો હતો... તેના ખરબચડા હાથની સખત ભીંસ સુસ્મીતાની શ્વાસનળીને રૂંધી રહી હતી જેના લીધે તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. પ્રેમે એ જોયુ... તેના ઝડબા સખત થયા અને હાથની મુઠ્ઠીઓ સખતાઈથી ભીંસાઈ. સુસ્મીતાને સહેજ પણ તકલીફ થાય એ તેની સહનશક્તિ બહારની વાત હતી... તેના હાથમાં ખન્ના ઝુલી રહ્યો હતો તેને તેણે નીચે ફેંક્યો અને જોરા તરફ આગળ વધ્યો... આ એજ જોરા હતો જેને તેણે મંગાની લાશને ઠેકાણે પાડવાનું કામ સોંપ્યું હતું. પ્રેમ જોરાની શક્તિઓ અને તાકાતથી બરાબર પરિચિત હતો. તે જાણતો હતો કે જોરા સાથે ખુલ્લા હાથની મારામારીમાં તે ફાવવાનો નથી... એમ છતા તે ઉશ્કેરાયો હતો. સુસ્મીતાને તકલીફમાં જોઈ તેની આંખોમાં ખુન્નસ છવાણુ હતું. સુસ્મીતાને તે બેહદ ચાહતો હતો અને એ ચાહતે તેને ઝનુની બનાવી દીધો હતો... ભયાનક ઝનુનથી તે જોરા અને સુસ્મીતાની એકદમ લગોલગ પહોંચી ગયો. પ્રેમના ચહેરાના ભાવો જોઈને એક વખત તો જોરાવર પણ ડરી ગયો... પ્રેમની આંખોમાં હિંસક પશુ જેવા ભાવો હતા. તેની રગોમાં વહેતુ લોહી ગરમ થઈ ભારે વેગથી ગતી કરવા લાગ્યુ હતુ. તેનો ચહેરો લાલઘુમ બની ગયો હતો... પરંતુ, જોરાવરસીંહ પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો. માન્યુ કે પ્રેમને તે ઓળખતો હતો અને સુસ્મીતાના કહેવાથી તેણે પ્રેમનું એક કામ પણ પાર પાડ્યુ હતું. છતા અત્યારે વાત અલગ હતી. તેની સામે ઉભેલો નાનકડો એવો સૂકલકડી પ્રેમ તેનું શું બગાડી લેશે એવા ઉપહાસનું હાસ્ય તેના ચહેરા પર છવાયુ હતુ અને પોતાની તાકતના જોરમાં જ તેણે સુસ્મીતાના ગળે વિંટાળેલો પોતાનો હાથ ઢીલો કરી, સુસ્મીતાને મુક્ત કરી ભારે વેગથી પ્રેમ ઉપર ગાંડા આખલાની જેમ ઘસ્યો...
***