Satya na Prayogo Part-4 - Chapter-28 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 28

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 28

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૮. પત્નીની દૃઢતા

કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરાઉ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ (લોહીવા) થયા કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી.

કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રિક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લૉરોફૉર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થતું હતું, પણ જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચકિત થયો. ક્રિયા નિર્વિઘ્ને પૂરી થઈ. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી.

આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી મને નિશ્ચિતપણે જોહાનિસબર્ગ જવાની દાક્તરે રજા આપી. હું ગયો. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઊઠીબેસી જ શકતી નથી. એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. દાક્તર જાણતા હતા કે મને પૂછ્યા વિના કસ્તૂરબાઈને દારૂ

અથવા માંસ દવામાં કે ખાવામાં ન અપાય. દાક્તરે મને જોહાનિસબર્ગ ટેલિફોન કર્યો :

‘તમારાં પત્નીને હું માંસનો સેરવો અથવા ‘બફ ટી’ આપવાની જરૂર જોઉં છું. મને રજા

મળવી જોઈએ.’

મેં જવાબ આપ્યો, ‘મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો, ને તે લેવા માગે તો બેલાશક આપો.’

‘દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે. જો મને ગમે તે ખવડાવવાની છૂટ ન આપો તો તમારી સ્ત્રીને સારુ હું જોખમદાર નથી.’

મેં તે જ દહાડે ડરબનની ટ્રેન લીધી. ડરબન પહોંચ્યો. દાક્તરે સમાચાર આપ્યા, ‘મેં

તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો !’

‘દાક્તર, આને હું દગો માનું છું,’ મેં કહ્યું.

‘દવા કરતી વખતે દગોબગો હું સમજતો નથી. અમે દાક્તરો આવે સમયે દરદીને કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીે બચાવવાનો છે !’ દાક્તરે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો.

મને ખૂબ દુઃખ થયું. હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા, ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર નહોતો.

‘દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માગો છો ? મારી પત્નીને હું કદી તેની ઈચ્છા વિના માંસ દેવા નહીં દઉં. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.’

દાક્તર બોલ્યા, ‘તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે. હું તમને કહું છું કે તમારી પત્નીને મારે ઘેર રેહવા દેશો ત્યાં લગી હું તેને જરૂર માંસ અથવા જે કંઈ આપવું ઘટશે તે આપીશ. જો એમ ન કરવું હોય તો તમે તમારી પત્નીને લઈ જાઓ. મારા જ ઘરમાં હાથે કરીને હું તેનું મરણ થવા નહીં દઉં.’

‘ત્યારે શું તમે એમ કહો છો કે મારે મારી પત્નીને હમણાં જ લઈ જવી ?’

‘હું ક્યાં કહું છું લઈ જાઓ ? હું તો કહું છું કે મારા ઉપર કશા પ્રકારનો અંકુશ ન મૂકો. તો અમે બન્ને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખે જાઓ.

જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી કહેવું જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.’

હું ધારું છું કે તે વેળા મારો એક દીકરો મારી સાથ હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું,

‘તમે કહો છો એ મને કબૂલ છે. બાને માંસ તો ન જ અપાોય.’

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈ પણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામાં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : ‘મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.’

મેં સમજાવાય તેટલું સમજાવ્યું ને કહ્યું, ‘તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી.’ અમારી જાણના કેટલાક હિંદુઓ દવાને અર્થે માંસ અને મદ્ય લેતા તે પણ કદી સંભળાવ્યું. પણ તે એક ટળી બે ન થઈ અને બોલી : ‘મને અહીંથી લઈ જાઓ.’

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો. દાક્તરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા :

‘તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમાં તેને બિચારીને આવી વાત કરતાં તમને શરમ પણ ન થઈ ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડસેલો સહન કરે તેવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામાં જ જાય તો

મને આશ્ચર્ય નહીં થાય. છતાં તમે હઠથી નહીં જ માનો તો તમે તમારા મુખી છો. મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં.’

ઝરમર ઝરમર મેહ વરસતો હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનિક્સ રેલરસ્તો ને ફિનિક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં ફિનિક્સ એક માણસ આગળથી મોકલ્યો. ફિનિક્સમાં અમારી પાસે ‘હૅમક’ હતું. હૅમક તે જાળીવાળા કપડાની ઝોળી અથવા પારણું. તેના છેડા વાંસ ઉપર બંધાય એટલે દરદી તેમાં આરામથી ઝૂલતું રહી શકે. એ હૅમક, એક બાટલી ગરમ દૂધની ને એક બાટલી ગરમ પાણીની તથા છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું.

બીજી ટ્રેન ઊપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતિમાં પત્નીને લઈ હું ચાલતો થયો.

પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું,

‘મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.’

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનમાં ડબ્બા સુધી પહોંચતાં સ્ટેશનવાલા વિશાળ પ્લૅટફૉર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું.

ત્યાં રિક્ષા જઈ શકે એમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે દરદીને આરામથી લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

ફિનિક્સમાં પહોંચ્યા પછી બેત્રણ દહાડામાં એક સ્વામી પધાર્યા. તેમણે અમારી

‘હઠ’ની વાત સાંભળી દયા ખાધી ને અમને બન્નેને સમજાવવા આવ્યા. મને યાદ છે તે

પ્રમાણે, મણિલાલ અને રામદાસ પણ જ્યારે સ્વામી આવ્યા ત્યારે હાજર હતા. સ્વામીજીએ

માંસાહારની નિર્દોષતા ઉપર વ્યાખ્યાન ચલાવ્યું. મનુસ્મૃતિના શ્લોકો ટાંક્યા. પત્નીના દેખતાં આ સંવાદ ચલાવ્યો એ મને ન ગમ્યું. પણ વિનયને ખાતર મેં સંવાદ ચાલવા દીધો. મારે

માંસાહારના તેને પ્રક્ષિપ્ત ગણનારો પક્ષ છે એમ હું જાણતો હતો. પણ તે પ્રક્ષિપ્ત ન હોય

તોપણ અન્નાહાર વિશેના મારા વિચારો સ્વતંત્રપણે ઘડાઈ ચૂક્યા હતા. કસ્તૂરબાઈની શ્રદ્ધા કામ કરી રહી હતી. તે બિચારી શાસ્ત્રનાં પ્રમાણ શું જાણે ? તેને સારુ બાપદાદાની રૂઢિ ધર્મ હતો. બાળકોને બાપના ધર્મ ઉપર વિશ્વાસ હતો, તેથી તેઓ સ્વામીની સાથે વિનોદ કરતા હતા. અંતે કસ્તૂરબાઈએ આ સંવાદ આમ કહી બંધ કર્યો :

‘સ્વામીજી, તમે ગમે તેમ કહો પણ મારે માંસનો સરવો ખાઈને સાજા નથી થવું.

હવે તેમે મારું માથું ન દુખવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’