Pruthvivallabh - 8 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 8

Featured Books
Categories
Share

પૃથિવીવલ્લભ - 8

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૮. સત્યાશ્રયનું સંવનન

વિલાસ જ્યારે પાછી મંદિરમાં ગઈ ત્યારે પોતે કંઈ બદલાઈ ગયેલી હોય એવું એને લાગ્યું એટલું જ નહિ, પણ સૂર્યમાં નવીન તેજ લાગ્યું, ઝાડોમાં કંઈ નવી ખૂબીઓ લાગી અને જપ કરવા બેસતાં જીવ અકળાયો.

તેને ધનંજય ને રસનિધિ કંઈ જુદા જ પ્રકારના માણસો લાગ્યા. તેમના હસવામાં સંયમ નહોતો, તેમની વાણીમાં ગાંભીર્ય નહોતું, તેમના શબ્દોમાં ઠાવકાઈ નહોતી, તેઓ પાપાત્માઓ જેવા સ્વચ્છંદી લાગ્યા, તોપણ તેમની રીતભાતમાં મનને ગમે એવી વિચિત્રતા લાગી. તેની કેળવણી, તેની ચારિત્ર્યની ભાવનાઓ અને તેના વિચારો - આ બધાંને શિખરે ચઢેલી તેની નજરને તો તે બંને તુચ્છ, સંયમવિહીન, સ્વચ્છંદી લાગ્યા; અને છતાં પણ કંઈ એવું થયા કર્યું કે જાણે તેમની વાતચીત ફરી તે સાંભળે, તેમનાં મુખ તે ફરી જુએ.

કોઈ કોઈ વખત હૃદયમાં લક્ષ્મીદેવી માટે તેને કંઈક લાગણીઓ સ્ફુરતી; અને બહારથી જોકે તે સ્વસ્થ રહેતી, પણ ઘણી વખત તેને મળતાં, તેની વાત સાંભળતાં, તેની પાસે શાબાશી મેળવતાં તેને કંઈક ન સમજાય એવું, ન કળાય એવું થતું. એવું કંઈક આ લોકોને જોઈને થયું.

તેને રસનિધિ પર દયા આવી : બિચારો રસિકતાને મોક્ષ માનતો હતો ! શો મોહ ? શી અંધારી ? કેવો સારો માણસ કેવી ભ્રમણામાં સડ્યા કરતો હતો ? છતાં તે દુઃખી દેખાતો નહોતો; તેના હાસ્યમાં તેના શબ્દોમાં, તેનાં નેત્રોમાં આનંદ હતો, શાંતિ હતી. આવી શાંતિ તો જીવનમુક્ત જેવાં મૃણાલબામાં પણ નહોતી. એ શું હશે ?

એ રસિકતા શું હશે ? રસસૃષ્ટિ તેની જાણ બહાર હતી; તેના રંગ તેણે જોયા કે પારખ્યા નહોતા. શું તેથી મોક્ષ મળતો હશે - શાંતિ મળતી હશે ?

તેને મુંજ યાદ આવ્યો. મૃણાલબા તેને પાપાચારી કહેતાં હતાં, પણ તે આનંદ ને શાંતિની મૂર્તિ લાગતો હત. પાપાચારીને શું આવી શાંતિ સંભવે ?

તે જપ કરવા બેઠી, પણ કંઈ વળ્યું નહિ. તેના વિચારો રસનિધિ ને ધનંજય તરફ જ વળ્યા કર્યા.

તેને વિચાર આવ્યો કે તેની માએ પણ કવિતા સાંભળી હતી; તો શા સારુ મને નહિ સંભળાવી ? લક્ષ્મીદેવી કંઈ કલંકિત તો હતાં નહિ; છતાં તેણે કવિઓને સાંભળ્યા હતા, તેમનામાં એવું શું હતું કે જેથી મૃણાલબાએ તેમને દેશપાર કરાવ્યા હતા ?

છેલ્લા પ્રશ્નનો જવાબ તેને સહેલો લાગ્યો; આવા સ્વચ્છંદીઓ દેશમાં વસે તો લોકોનું નિયમિત અને શુદ્ધ થઈ રહેલું જીવન ભ્રષ્ટ થઈ જાય.

આવા વિચારો કરતાં તેને લાગ્યું કે પોતે પતિત થતી જતી હતી સંયમના શુદ્ધ વાતાવરણમાંથી સામાન્ય અધમ જીવનની ગૂંગળાવે એવી ગલીચી તરફ પોતે જતી હતી.ત તૈલંગણની સમ્રાજ્ઞી થવાનું, અકલંકચરિત્ર જેવા શુદ્ધ પ્રભાવશાળી વીરની અર્ધાંગના થવાનું, પોતાના ચારિત્રબળે આખા સંસારને શુદ્ધ કરવાનું તેના ભાગ્યમાં લખાયું હતું. તેને આ મૂર્ખાઈ શોભે ? આ વિચાર આવતાં તેનું મન જપમાં પરોવાયું અને કવિઓના સમાગમથી ઉદ્‌ભવેલી ઊર્મિઓ શમી.

તેણે જપ કરવા આંકો મીંચી નહિ, એટલામાં તેની નજરે સત્યાશ્રય પડ્યો.

શાંત અને દૃઢ ચાલે ચાલતો, મુખ પર સખ્તાઈ અને નિશ્ચલતા દાખવતો તૈલંગણનો ભાવિ નરપતિ, પિતાનું વચન માથે ચઢાવી પોતાની ભવિષ્યની ભાર્યાને રીઝવવા આવતો હતો. તેના મોં પર ઉમળકો નહોતો, તેનાં ડગલાંમાં ઉત્સાહ નહોતો; તેની મુખમુદ્રા પર માત્ર કર્તવ્યપરાયણતા હતી.

તેને જોઈ વિલાસ શરમાઈ, ગૂંચવાડામાં પડી. તેનું પગલેપગલું પૂજ્ય છે એમ તેને મનાવવામાં આવ્યું હતું. તેના શબ્દેશબ્દે નિર્વાણમંત્ર છે એમ તેને શીખવવામાં આવ્યું હતું. પોતાના ઈશ્વરને સદેહે આવતો જોઈ તેને હર્ષ થયો; છતાં જાણેઅજાણે રસનિધિ તેની નજર આગળ ખડો થયો; અને તેના હૃદયમાં અસ્પષ્ટ અસંતોષ આવ્યો.

સત્યાશ્રય ને રસનિધિ બે એવા પુરુષો હતા કે બેને એક પછી એક જોતાં તેમનાં સ્વરૂપોની ભિન્નતાનો વિચાર આવ્યા વિના રહે નહિ.

સત્યાશ્રય વધારે મજબૂત હતો; તેના મુખ પર વધારે ગૌરવ લાગતું; પણ તેના શરીરમાં નહોતી રસનિધિની છટા, તેના ડગમાં નહોતો રસનિધિનો ઉત્સાહ, તેના મોં પર નહોતા રસનિધિના આનંદ ને ઉમળકા. કવિને જોતાં આહ્‌લાદ પ્રસરી રહેતો; રાજકુંવરને જોઈ જોનાર ત્રાસતો. એક સામાનું મન હરતો, બીજો સામાનું મન કબજે કરતો.

વિલાસને ભાન નહોતું કે તેનું હૃદય આવી સરખામણી કરી અસંતોષ અનુભવતું હતું; પણ તેને માત્ર અપરિચિત વિચિત્રતા લાગી.

સત્યાશ્રય કુંવર શંકરનાં દર્શન કરી વિલાસની પાસે આવ્યો. ને કોઈ દેવીને નમસ્કાર કરતો હોય તેવી સ્વસ્થતાથી વિલાસને નમસ્કાર કર્યો : ‘વિલાસવતી ! નમસ્કાર.’

‘નમસ્કાર, કુંવર ! વિજય કરી આવ્યા ?’ શરમાતાં-શરમાતાં વિલાસે કહ્યું.

‘હા. ભગવાન પિનાકપાણિની કૃપાથી પિતાજીનો વિજય થયો.’

‘અને માલવરાજનો પરાજય થયો ?’

‘હા. સત્યનો જય.’

‘આપ કુશળ છો ?’ ડહાપણથી વિલાસે પૂછ્યું, પણ તરત રસનિધિ જોડે શી છૂટથી પોતે વાતો કરી હતી તે યાદ આવ્યું.

‘હા. આનંદની વાત કહેવા આવ્યો છું.’

‘શી ?’

‘પ્રભુકૃપા હશે તો આપણાં લગ્ન હવે થવાનાં.’

‘હેં !’ જરાક ઉમળકાનો અંશ આવતાં વિલાસથી બોલાઈ ગયું.

‘હા.’ શાંતિથી સત્યાશ્રયે કહ્યું; ‘પિતાજીની આજ્ઞા છે.’

વિલાસે શરમાઈ નીચેું જોયું; થોડી વારે તેણે પૂછ્યું : ‘મૃણાલબા શું કહે છે ?’

‘તેમમે ક્યારનુંય મુહૂર્ત જોવડાવી રાખ્યું છે.’

વિલાસે જાબ નહિ આપ્યો.

‘વિલાસવતી ! તમે મૃણાલબાની કસોટીમાં બરાબર પાર ઊતર્યાં છો.’

‘એમ ?’

‘હા. આહવમલ્લનાં પુત્રવધૂની પદવી લેવા તમે લાયક થયાં એમ એમને લાગ્યું છે.’

‘મારું અહોભાગ્ય !’

‘ખરું, અને સાથે મારું પણ.’

વિલાસે જવાબ દીધો નહિ.

‘ત્યારે હું રજા લઉં ?’

‘જેવી ઇચ્છા.’ વિલાસે કહ્યું.

‘જય મહાદેવ ત્યારે,’ કહી સત્યાશ્રય પોતાનું સંવનન પૂરું કરી આવ્યો હતો તેવી જ સ્વસ્થતાથી પાછો ગયો.

વિલાસને સંવનનો આવો જ અનુભવ હતો એટલે તેને કંઈ વિચિત્ર લાગ્યું નહિ; પણ કંઈ ન સમજાય એવા કારણથી હૃદય ખિન્ન થવા લાગ્યું. સોળ વર્ષમાં તેના હૃદયે ઘણા ઉમળકાઓ અનુભવ્યા નહોતા, અને સંયમની ટેવ પડી હોવાથી હૃદય એકદમ સ્વસ્થતા છોડતું નહિ, એટલે આવી અસ્પષ્ટ રીતે ખિન્નતા અનુભવતાં તેને ઘણું જ વિચિત્ર લાગ્યું, પણ આજે તેને એટલા બધા વિચિત્ર અનુભવો થયા હતા કે તેણે એ વિચિત્રતા પર વધારે વિચાર કર્યો નહિ.

પણ તેના મનની પાંખડી પોતાના પાસે આવી પહોંચેલાં લગ્ન પર ગઈ. લગ્નો અનુભવ કેવો થતો હતો ? તેને કંઈ એવી ખબર હતી કે નાટક નામનાં કાવ્યોમાં લગ્નની ઘણી વાત આવે છે. ત્યારે તેમાં લોકો કેમ પરણતા હશે ?

કાવ્ય અને કવિ બંનેને તે ત્યાજ્ય ગણતી હતી. છતાં જે અનુભવ તે પોતે કરવાની હતી તે બીજાને કેવો લાગ્યો હશે તે જાણવાની જિજ્ઞાસા તેને થઈ આવી. તેણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ જિજ્ઞાસા ગઈ નહિ; અને આખરે રસનિધિને પૂછી માહિતી મેળવવા તેણે નિશ્ચય કર્યો.