Pruthvivallabh - 7 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 7

Featured Books
Categories
Share

પૃથિવીવલ્લભ - 7

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭. રસિકતા

‘રસિકતા શું ? વિલાસે પૂછ્યું. રસનિધિએ આંખો ફાડી : ‘તમને ખબર નથી ?’ ‘ના.’ ‘તમે કાવ્ય સાંભળ્યાં છે ?’ વિલાસ હસી : ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’ ‘શૃંગારશતક સાંભળ્યું છે ?’ વિલાસે સખ્તાઈથી ઊંચું જોયું : ‘એ તો પાપાચારી માટે.’ રસનિધિ હસ્યો : ‘કંઈક નાટક જોયું છે ?’ ‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જોયું હતું, પણ યાદ નથી.’ ‘ચંદ્રની જ્યોત્સનામાં પડ્યાં-પડ્યાં કોઈ દિવસ ગાયું છે ?’ ‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’ રસનિધિ ગાંભરીય્થી તેના સામે જોઈ રહ્યો. ‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય ? તમારી પાસે આ બધું કોણ કરાવે છે ?’ ‘હું મારી મેળે કરું છું - મૃણાલબા માત્ર સૂચના કરે છે.’ ‘એ બધું કરવાનું શું કારણ ?’ ‘ત્યાગવૃત્તિ કેળવવી.’ ‘એમ કેળવાય ? તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’

વિલાસ વિચારમાં પડી : ‘ના, છે. મને મૃણાલબા કહે છે.’

‘માત્ર મોઢાની વાતો - અનુભવની નહિ.’

‘કલંકિત કરે એવી વસ્તુનો અનુભવ -’

‘કલંકિત શી વસ્તુ કરે ?’ રસનિધિએ જુસ્સામાં પૂછ્યું, ‘જો કાવ્ય કલંકિત કરે, રસ કલંકિત કરે, જ્યોત્સનાનું અમૃત કલંકિત કરે - કાલે કહેશો કે પ્રેમ કલંકિત કરે - તો એ કલંકિત જીવન શું ખોટું ?’

‘મારે નિષ્કલંક થવું છે,’ જરા સખ્તાઈથી વિલાસ બોલી અને ઊઠી.

રસનિધિ મૂંગો રહ્યો. થોડી વારે તેણે કહ્યું : ‘ત્યારે તમને મારા જેવા તો કલંકિત લાગતા હશે ?’

‘ભોળાનાથ તમને સદ્‌બુદ્ધિ આપશે.’

રસનિધિ ગૂંચવાઈને ઊભો રહ્યો.

‘રસિકતા અનુભવવાનું તમને કદી મન જ થયું નથી ?’

‘મને,’ વિચારમાં પડી વિલાસે કહ્યું, ‘એ વસ્તુનો પૂરો ખ્યાલ જ નથી.’

‘ખ્યાલ લાવવાનું મન પણ થતું નથી ?’

‘પાપ કરવાનું મન ન થાય એમાં ખોટું શું ?’

‘વિલાસવતી !’ રસનિધિએ માયાળુપણાથી તેની સામે જોતાં કહ્યું, ‘રસિક થવું, રસિકતા અનુભવવી એમાં જ હું તો મોક્ષ માનું છું.’

‘ના, ના, ના,’ હાને હાથ દઈ, હસી વિલાસ બોલી. તેના હાસ્યમાં કંઈ જુદો જ ભાવ લાગતો, ‘લો, આ બા આવી,’ કહી તે દૂરથી આવતાં ભિલ્લમ અને લક્ષ્મીદેવી તરફ ફરી.

બંને જણ મૂંગાં મૂંગાં આગળ વધ્યાં અને રસનિધિએ લક્ષ્મીદેવીને પ્રણામ કર્યા.

‘કવિરાજ ! અમારાં આંગણાં આજ કેટલે વર્ષે પાવન થયાં !’

લક્ષ્મીદેવીએ પોતાના પતિ તરફ એક તિરસ્કારની નજર નાખી કહ્યું.

‘બા, મેં ધાર્યું નહોતું કે આ શુષ્ક દેશમાં અમારું આટલું સન્માન થશે. ધનંજય ! આ દેવી આવ્યાં,’ રસનિધિએ બૂમ મારી; અને કમલપત્રો પર નજર ઠારી રહેલો ધનંજય આ તરફ આવ્યો.

‘ભાઈ ! આ ઘર તમારું છે,’ રાષ્ટ્રકૂટ રાજાઓના પેડીધર ચાલી આવેલા સંસ્કાર દાખવતાં લક્ષ્મીદેવીએ ગૌરવથી કહ્યું. તેની કહેવાની રીત

રાજવંશને શોભાવે એવી હતી. ‘માત્ર મારી એક જ પ્રાર્થના છે.’

‘શી ?’ ધનવંજય આવી લાગ્યો હતો, તેણે કહ્યું.

‘અમારા પર મહેરબાની કરી આપના વિનોદની વાત બહાર ન જાય તે જોજો. નહિ તો આપનો સમાગમ ઘણો ટૂંકો થઈ જશે.’

‘દેવી !’ ભિલ્લમે કહ્યું, ‘આ શું કહો છો ?’

‘ખરેખરું. આવા મહેમાનો જેમ વધારે રહે તેમ સારું. પછી નહિ તો ક્યાં મળવાના હતા ?’ લક્ષ્મીના અવાજમાં કડવાશ હતી.

ભિલ્લમ મૂંગો રહ્યો. રસનિધિ ધ્યાનથી સાંભલી રહ્યો. ‘વિલાસ ! આ કવિઓ જોયા ?’

‘હા,’ નીચે મોઢે હસતાં વિલાસે કહ્યું.

‘કવિરાજ ! ચાલો ઘરમાં. હવે મધ્યાહ્ન થશે.’

‘જેવી આજ્ઞા.’

‘વિલાસ ! તું ક્યાં જશે ?’ લક્ષ્મીદેવીએ પૂછ્યું.

‘મારે હજુ જપ કરવો છે.’

‘વારુ ! કવિરાજ ! બધા કવિઓમાં શિરોમણિ કોણ ?’ ભિલ્લમે પૂછ્યું.

ધનંજયે જરા વિચાર કર્યો અને આંખો નચાવી કહ્યું : ‘મહારાજ !

સ્યૂનદેશનો અધિપતિ ભિલ્લમ ! -’ બધાં હસ્યાં. ‘હું ? -’ ‘- માત્ર જેના શબ્દો સાંભળી સમસ્ત કવિમંડળને જીભે સરસ્વતી

બિરાજે છે એવા રસેશ્વર ગણાતા મુંજરાજને પણ જેણે મહાત કર્યા તે.’ ભિલ્લમ ગર્વથી હસ્યો. આ વખાણ ખોટાં હતાં તોપણ તેનું હૃદય હરખાયું, પણ તેની સ્ત્રી આ હર્ષ ઝાઝી વાર ટકવા દે એવી નહોતી. ‘કવિરાજ ! ત્યારે કહો ને કે મોટામાં મોટા કવિ તો મૃણાલબા.’ ‘કેમ ?’ ‘તમારા સ્યૂનરાજને મન પૂજ્ય જોઈએ તો તૈલપરાજ અને તેનો ગર્વ ગાળનાર મૃણાલબા.’ ભિલ્લમના મોં પર રતાશ આવી; તેની આંખ જરા ગુસ્સામાં આવી. લક્ષ્મીએ તે જોયું અને વાત ફેરવી : ‘કવિરાજ ! તમને વિદર્ભ દેશના ભવભૂતિનાં કાવ્યો આવડે છે ?’ ‘તમે તેનું નામ ક્યાંથી સાંભળ્યું ?’ ‘હું નાની હતી ત્યારે મારા પિતાને ત્યાંના કવિઓ તેના ગુણ ગાતા. તેઓ કહેતા કે કળિકાળમાં એવો કવ થયો નથી ને થશે નહિ.’ ‘મારો આ રસનિધિ એનો મોટો ભક્ત છે.’ ‘હેં ?’ ‘હા ! એને તેનાં બધાં નાટકો પાઠે છે.’ ‘બા ! એ કવિની વાત તો તેં મને કરી જ નહિ ?’ વિલાસે પૂછ્યું. ‘બેટા !’ લક્ષ્મીએ નિસાસો નાખી કહ્યં, ‘તને કહીને ક્યાં જાઉં ?’

વિલાસને સમજ ન પડી, તેને કહેવામાં શો વાંધો ? તે વખતે તે વધારે બોલી નહિ, પણ બધાંને નમસ્કાર કરી ત્યાંથી રાજમહેલના મંદિર તરફ ગઈ.